પાંચ નાની અદ્ભુત વાર્તાઓ (ભાગ-૩)
લેખક - અનિલ ચાવડા
***
૧. રોશની અને પતંગિયું
એક પતંગિયું હતું. જંગલની હરિયાળીમાં તે રહેતું હતું. નાનાં નાનાં ફૂલ પર ઊડ્યા કરતું હતું. ફૂલ પર બેસવું એને ખૂબ જ ગમતું હતું. જુદા જુદા રંગનાં ફૂલો સાથે રમવાનું અને હવામાં ઊડ્યા કરવાનું એનું કામ હતું. આ કામ કરવામાં એને ખૂબ જ મજા આવતી હતી.
એક દિવસ ઊડતું ઊડતું તે એક નાનકડી ઝૂંપડીમાં આવી પહોંચ્યું. રાત પડી ગઈ હતી. તેથી તેણે અહીં જ રોકાઈ જવાનું નક્કી કર્યું.
આ ઘરમાં એક દીવો રહેતો હતો. તેને રોશની નામની એક સુંદર પુત્રી હતી. રાત પડે એટલે રોશનીનું રૂપ ઓર દીપી ઊઠતું હતું. રાતના અંધારામાં એના રૂપના તેજથી અનેક અંજાઈ જતા હતા.
પતંગિયું પણ એના રૂપના તેજથી અંજાઈ ગયું. રોશનીને જોતાં જ પતંગિયું એના પ્રેમમાં પડી ગયું. એણે મનોમન નક્કી કરી લીધું જો જીવવું તો આની સાથે જ, નહીંતર જીવન નકામું.
પતંગિયાના રંગો જોઈ રોશની પણ એના પ્રેમમાં પડી ગઈ.
પતંગિયાએ દીવા પાસે જઈને એની પુત્રીનો હાથ માગ્યો. પણ દીવાને પતંગિયાની વાત ગમી નહીં. એણે ઘસીને ના પાડી દીધી. પતંગિયાએ નમ્રતાથી કહ્યું, “જો તમે મને ના પાડશો તો હું જાતે રોશની સાથે લગ્ન કરી લઈશ.”
પતંગિયાની આવી વાત સાંભળી દીવાને ખૂબ ગુસ્સો આવ્યો. એણે પતંગિયાને શાપ આપ્યો. “જો તું રોશનીને મળવા જઈશ તો ત્યાં જ બળીને રાખ થઈ જઈશ.”
પતંગિયાએ કહ્યું, “મને એના પ્રેમ માટે કરોડો વખત બળીને રાખ થવાનું કહેવામાં આવે તો પણ મંજૂર છે.”
પતંગિયાનો આવો જવાબ સાંભળીને દીવો વધારે ગુસ્સે થઈ ગયો.
પતંગિયું જેવું રોશનીને મળવા માટે દીવાની શગ પાસે ગયું કે તરત જ બળીને રાખ થઈ ગયું.
આજે પણ પતંગિયાઓ દીવાની શગ પાસે જાય છે, પોતાની પ્રેમિકાને મળવા અને બળીને રાખ થઈ જાય છે. શી ખબર બંને ક્યારે મળશે !
- - - - - - -
૨. બે નગરની વાત
એક મેદાન હતું. તેમાં કીડીઓનાં બે સુંદર નગર હતાં. એકનું નામ હતું યુદ્ધનગર અને એકનું નામ શાંતિનગર. યુદ્ધનગરની કીડીઓ ખૂબ જ બળવાન અને શક્તિશાળી હતી. તે વારંવાર અનેકો સાથે યુદ્ધો કરતી રહેતી હતી અને પોતાના યુદ્ધની વાતો આખા નગરમાં ફેલાવ્યા કરતી હતી. યુદ્ધ કરીને જીતવું તે આ નગરની ફૅશન હતી - પરંપરા હતી. વારંવારના યુદ્ધને કારણે આ નગરમાં અનેક કીડીઓ ઘાયલ થઈ જતી, અનેકે પોતાનો જીવ ગુમાવવો પડતો. અનેક કીડીઓનાં મકાનો પડી ભાંગતાં, અનેક વાહનોને નુકસાન થતું. આથી આ નગરમાં આર્થિક રીતે પણ અનેક ખર્ચાઓ થતા હતા. આ નગર હંમેશાં વેરાન જેવું જ રહ્યા કરતું.
શાંતિનગરની કીડીઓ પણ બળવાન અને શક્તિશાળી હતી, પણ યુદ્ધને બદલે શાંતિ અને પ્રેમથી જીવવું તે આ નગરની પરંપરા હતી.
એક દિવસ યુદ્ધનગરનો રાજા જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યો. રાજા અચાનક રસ્તો ભૂલી ગયો. ફરતો ફરતો તે શાંતિનગરમાં આવી પહોંચ્યો. તે શાંતિનગરના રાજાને મળ્યો. રાજાએ તેની ખૂબ આગતા-સ્વાગતા કરી અને આખા નગરની સેર કરાવી. શાંતિનગરની ભવ્યતા, બાગ-બગીચા, બિલ્ડિંગ, રસ્તા, વાહન અને સુવિધા જોઈને તે અવાચક થઈ ગયો.
તેણે શાંતિનગરના રાજાને પૂછ્યું કે તમે આ બધું કઈ રીતે કરી શક્યા?
“શાંતિ અને પરસ્પરના સહકારથી.” શાંતિનગરના રાજાએ જવાબ આપ્યો.
યુદ્ધનગરનો રાજા પોતાના નગરમાં પહોંચ્યો અને પહોંચતાંની સાથે જ એણે નગરમાં ફરમાન બહાર પાડ્યું કે આજથી યુદ્ધ બંધ. કોઈ પણ કામ કરો તે સહકારથી એકબીજા સાથે મળીને જ કરવાનું. કોઈએ કોઈની સાથે ઝઘડો કરવાનો નહીં. ઝઘડાનો ઉકેલ સાથે મળીને લાવવો.
શરૂઆતમાં ત્યાંની બળૂકી પ્રજાએ આનો વિરોધ કર્યો, પણ રાજા પોતાના નિર્ણયમાં અટલ રહ્યો. ધીમે ધીમે બધી કીડીઓ વચ્ચે સંપ વધવા લાગ્યો. બધામાં પરસ્પર સહકારની ભાવના વિકસવા લાગી. યુદ્ધને કારણે થતાં નુકસાન પણ અટકતાં ગયાં અને નગરનો આર્થિક વિકાસ પણ થવા લાગ્યો. ટૂંક સમયમાં આ યુદ્ધનગર પણ શાંતિનગરમાં ફેરવાઈ ગયું.
- - - - - - -
૩. બે પાડોશીઓ
બે માણસો હતા. એકનું નામ વિશ્વાસ અને બીજાનું અવિશ્વાસ. બંને પાડોશી હતા. બંનેને ક્યારેય બનતું જ નહોતું એવું નહોતું. વિશ્વાસ ક્યારેક અવિશ્વાસના ઘરે જતો, પણ અવિશ્વાસ વિશ્વાસના ઘરે ક્યારેય આવતો નહીં. અવિશ્વાસ ક્યારેક ક્યારેક વિશ્વાસના ઘરે છાનાંમાનાં ડોકિયાં કરી જતો, પણ એની વિશ્વાસને ખબર ન પડવા દેતો.
એક દિવસ એમના ગામમાં એક સ્પર્ધા રાખવામાં આવી. સંજોગવસાત્ એમાં વિશ્વાસ અને અવિશ્વાસને પસંદ કરવામાં આવ્યા. સ્પર્ધા એવી હતી કે બંનેએ એક જગ્યાએ બેસવાનું હતું અને પછી અલગ અલગ શક્તિશાળી લોકો આવીને એમને તે જગ્યાએથી ઊભા કરે. જે પહેલા ઊઠી જાય તે હારી જાય. આમ તો વિશ્વાસ અને અવિશ્વાસ બંને પોતાની રીતે ખૂબ જ શક્તિશાળી હતા.
આખું ગામ આ સ્પર્ધા જોવા ભેગું થયું. ગામના ચૉરે ક્યાંય માણસો સમાતા નહોતા.
વિશ્વાસ અને અવિશ્વાસ માટે ચોરાની વચ્ચોવચ બે પાટલીઓ ગોઠવવામાં આવી હતી. બંને આવીને આ પાટલી પર બેસી ગયા. એક પછી એક લોકો આવીને એમને પકડીને ખેંચવા લાગ્યા, ઊભા કરવા માટે. પણ બંનેમાંથી એક્કે ટસ ના મસ નહોતા થતા.
અચાનક જોરદાર આંચકો લાગ્યો અને વિશ્વાસ ઊઠી ગયો. તે આ રમતમાં હારી ગયો. વિશ્વાસને પોતાની હાર પર શરમ આવી.
થોડા જ દિવસમાં વળી એક બીજી સ્પર્ધા રાખવામાં આવી. બન્યું એવું કે એમાં પણ વિશ્વાસ અને અવિશ્વાસને જ પસંદ કરવામાં આવ્યા. આ રમત અગાઉની રમત કરતાં ઊંધી હતી. આમાં વિશ્વાસ અને અવિશ્વાસને પકડીને એક કૂંડાળામાં મૂકવાના હતા. એક માણસ આવ્યો અને એણે વિશ્વાસને ઉપાડીને તરત જ કૂંડાળામાં મૂકી દીધો. આ રમતમાં પણ વિશ્વાસ તરત જ હારી ગયો.
તે ખૂબ જ નિરાશ થઈ ગયો. તેને લાગ્યું કે તેના જીવનમાં હંમેશાં હાર જ લખાઈ છે. તેણે ઘર છોડીને ક્યાંક દૂર ચાલ્યા જવાનું નક્કી કર્યું. આખરે એક દિવસ તે ઘર છોડીને ચાલ્યો ગયો.
રસ્તામાં તેને એક ઋષિ મળ્યા. તેણે ઋષિને પોતાની હારનું કારણ અને જીતવા માટે શું કરવું જોઈએ એનો ઉપાય પૂછ્યો.
ઋષિએ કહ્યું, “હે વિશ્વાસ! તું બેસી પણ જલદી જઈશ અને ઊઠી પણ જલદી જઈશ. જ્યારે અવિશ્વાસને બેસવામાં તકલીફ નહીં પડે, એ તરત જ બેસી જશે, પણ એક વાર બેઠા પછી એને ઊભો થવામાં ખૂબ જ તકલીફ પડશે. માટે જો તારે જીતવું હોય તો ઝડપથી ઊઠી જવાની સ્પર્ધામાં ભાગ લે.”
- - - - - - -
૪. ઈશ્વર અને આત્મા
એક હતો ઈશ્વર. એની પાસે અનેક ચમત્કારિક શક્તિઓ હતી.
એક દિવસ એણે પોતાની શક્તિઓથી એક આત્માનું સર્જન કર્યું. ઈશ્વરને પોતાનું આ સર્જન ખૂબ જ ગમતું હતું, પણ આ આત્મા ખૂબ જ ચંચળ હતો. ક્યારેય ઝંપીને બેસતો નહોતો. બહુ જ તોફાનો કર્યા કરતો હતો. આત્માને સતત ને સતત કંઈ ને કંઈ રમત જોઈતી હતી. એક રમત પૂરી થાય એટલે તરત બીજી. બીજી પૂરી થાય એટલે ત્રીજી. ઈશ્વર એને રમત રમાડી રમાડીને થાકી ગયો, પણ આત્મા તો થાકે જ નહીં. ધીમે ધીમે ઈશ્વર એનાથી કંટાળી ગયો, પણ આત્મા એનું પ્રિય સર્જન હતું, એનો નાશ કરવાનું પણ એને નહોતું ગમતું. આથી એણે આત્મા માટે એક એવી ગેઇમ બનાવવાનું નક્કી કર્યું કે જેના લીધે તે હંમેશાં બિઝી રહે.
ઈશ્વરે એક યુક્તિ વિચારી. એણે અનેક રમકડાં બનાવ્યાં. ગાય, ઘોડા, હાથી, ઊંટ, માણસ, કીડી, મંકોડા, માછલી, વાઘ, સિંહ, ચિત્તો, શિયાળ, વરુ, હરણ, કોયલ, હંસ, પોપટ, ચકલી, કાગડો... અનેક પશુ-પંખીઓ, અનેક પ્રાણીઓ, અનેક જીવ-જંતુઓ...
આ બધાં જ રમકડાં તરફ આંગળી ચીંધી ઈશ્વરે કહ્યું, “આત્મા! હવે પછી તારે આ બધાથી રમવાનું. એક રમકડું તૂટી જાય એટલે તરત જ હું તને ગમે તેવું બીજું રમકડું આપી દઈશ. બીજું તૂટી જાય એટલે ત્રીજું. આમ તારે સતત દરેક રમકડામાં રહેવાનું અને રમકડામાં રહીને જીવવાનું.”
દરેક રમકડામાં રહીને જીવવાની આ રમત આત્માને ગમી ગઈ.
બસ ત્યારથી આત્મા અનેક રમકડાંઓમાં વિવિધ સ્વરૂપે જીવવાની રમત રમ્યા કરે છે, તેને આ રમતનું વ્યસન થઈ ગયું છે. તે રમતમાં જ અટવાઈ ગયો છે. ઈશ્વર દૂર બેઠો બેઠો હસ્યા કરે છે.
- - - - - -
૫. અફવા
એક હતી હવા. એનું નામ અફવા. ઊડતી ઊડતી એક દિવસ તે એક નગરમાં આવી ચડી અને એક બાટલીમાં રહેવા લાગી. અચાનક એક દિવસ એક માણસને આ બાટલી મળી. આ હવા અત્તર જેવી સુગંધિત હતી. એ માણસને આ સુગંધિત હવા ખૂબ જ ગમી ગઈ. તે જ્યાં પણ જતો હતો ત્યાં આ સુગંધિત હવાની બાટલી પોતાની સાથે જ રાખતો હતો. તે હવાને લઈને જ્યાં જ્યાંથી પસાર થતો હતો ત્યાં ત્યાં તેની સુગંધની અસર થવા લાગતી હતી. તે જેને પણ આ હવામાંથી થોડી સુગંધ આપતો તે માણસ પણ એમાં થોડું ભેળસેળ કરી એને બીજા લોકો સુધી પહોંચાડતો હતો. તે નગરમાં જ્યાં જતો ત્યાં આ અફવા નામના અત્તરની બાટલીનું અત્તર બધાને છાંટ્યા કરતો હતો. એક માણસ બીજાને છાંટતો બીજો ત્રીજાને છાંટતો. આમ ધીમે ધીમે આખા નગરમાં આ બાટલીની સુગંધ ફેલાઈ ગઈ. આખું નગર આ બાટલીની સુગંધના ઘેનમાં ડૂબી ગયું.
એક દિવસ એક સાધુ આ નગરમાં આવ્યા. પેલા માણસે આ સાધુ પર પણ અફવાની બાટલીની સુગંધ છાંટી. સાધુને નવાઈ લાગી કે આવી સુગંધ કયા ફૂલની હશે. તેણે પેલા માણસને પૂછ્યું, પણ પેલાએ કહ્યું- “મને ખબર નથી, મને આ બાટલી ક્યાંકથી મળી હતી.” જે જગ્યાએથી બાટલી મળી હતી ત્યાં ગયા. ત્યાં પણ કશું નહોતું.
જે ફૂલમાંથી અત્તર બનાવવામાં આવ્યું હતું, તે છોડ શોધવાનું નક્કી કર્યું. સાધુએ જાત-તપાસ કરી તો ખબર પડી કે આ અત્તર જે ફૂલમાંથી બન્યું હતું તે ફૂલ જ અસ્તિત્વમાં નથી કે નથી એવો કોઈ છોડ. પણ આખું નગર તો આ અફવાના ઘેનમાં ડૂબી ગયું હતું.
હવે રાજાને ચિંતા થવા લાગી. આથી રાજાએ સાધુને કહ્યું- “હવે મારે શું કરવું જોઈએ?”
સાધુએ કહ્યું- “આખા નગરમાં હકીકતનાં ફૂલોનું અત્તર છંટાવો તો જ બધા ભાનમાં આવશે. છતાં ભાનમાં ન આવે તો દરેક માણસને જાત-તપાસનું અત્તર આપો. તેને સૂંઘશે એટલે આપોઆપ અફવાની ગંધ એમનાથી દૂર થઈ જશે !”
રાજાએ તાત્કાલિક હકીકતનું અત્તર મંગાવ્યું. પણ ઋષિએ કહ્યા પ્રમાણે તેની ખાસ કહી શકાય તેવી બધા લોકો પર અસર ન પડી. આથી રાજાએ ખૂબ મહેનત કરી જાત-તપાસનું અત્તર બનાવ્યું અને નગરના બધા લોકોને આપ્યું. જાત-તપાસના આ અત્તરની ધીમે ધીમે અસર થવા લાગી અને લોકો પાછા હતા એવા ને એવા સભાન અને સુંદર થઈ ગયા.