શ્રેષ્ઠ દાનવીર કોણ છે ?
મુખ્ય વિષય પર જતાં પહેલાં એક સવાલ .....
“મનુષ્ય અને જાનવરમાં ફરક શું ?”
માફ કરજો, જો તમને આ વાક્યના શબ્દો ખૂંચતા હોય, તો આ જ પ્રશ્ન હવે સારા શબ્દોમાં પૂછું છું :
“માનવજાતની કઈ ખાસિયતો તેમને પ્રાણીઓથી અલગ પાડીને શ્રેષ્ઠ જાતિ બનાવે છે ?”
આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે હોઈ શકે:
કુદરતી રીતે મનુષ્ય અને પ્રાણીઓનાં મોટાભાગનાં લક્ષણો અને વર્તન વધતાઓછા અંશે સરખાં હોય છે, જેવાંકે ખાવું, ઊંઘવું, બોલવું, રડવું, યાદ રાખવું, આનંદ કે ડર જેવી સંવેદનાઓ વ્યક્ત કરવી, ખોરાક મેળવવા માટે પ્રયત્ન કરવા, નર કે માદાને આકર્ષવા પ્રયત્ન કરવા, વંશવૃદ્ધિ કરવી, પોતાનાં બચ્ચાંનું જતન કરવું, પ્રતિસ્પર્ધીનો સામનો કરવો, ભવિષ્ય માટે ખોરાકનો સંગ્રહ કરવો, સામુહિક જીવન જીવવું, વિગેરે વિગેરે.
પણ મનુષ્યમાં ત્રણ એવી મુખ્ય લાક્ષણીકતાઓ છે, જે પ્રાણીઓમાં નથી અને તેને લીધે જ માનવજાત પ્રાણીઓથી અલગ પડીને પોતાને કુદરતની શ્રેષ્ઠ જાતિ બનાવે છે.
આવી સૌ પ્રથમ લાક્ષણીકતા છે હસવાની ક્રિયા. અલબત્ત પ્રાણીઓ પણ પોતાની ખુશ થવાની ઘટનાને વત્તાઓછા અંશે શરીરની ભાષા (બોડી લેન્ગવેજ) દ્વારા અભિવ્યક્ત કરી શકે છે, પરંતુ તેઓ હસી શકતાં તો નથી જ. વાસ્તવમાં “હસવાની ક્ષમતા” એ મનુષ્યને ઈશ્વર તરફથી મળેલ મોટી ભેટ છે. તેથી આપણે બધાએ તેનો મહત્તમ લાભ ઉઠાવવો જોઈએ અને સદા હસતા અને હસાવતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
બીજી ખાસિયાત છે મનુષ્યની લખવા, વાંચવા અને વિચારવાની ક્ષમતા. કુદરતની આ અણમોલ દેણને લીધે મનુષ્ય અનેક સામાજીક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સિદ્ધિઓ મેળવીને સમગ્ર સ્રુષ્ટિનું માનવજીવન સરળ, સુખી, સમૃદ્ધ અને સગવડતાવાળું બનાવી શક્યો છે.
મનુષ્યને પ્રાણીઓથી જુદી પાડતી ત્રીજી અને સૌથી અગત્યની ખાસિયાત છે મનુષ્યની દરેક જીવમાત્રને મદદરૂપ અને ઉપયોગી થવાની ભાવના અને ક્રિયા, જે “માણસાઈ” અથવા “માનવતા” તરીકે ઓળખાય છે.
આ લાક્ષણીકતા સૌથી શ્રેષ્ઠ શા માટે ગણાય છે તે હવે જોઈએ.
અત્યારના આશ્ચર્યજનક વૈજ્ઞાનિક સિદ્ધિઓના જમાનામાં મનુષ્યે અદભૂત રોબોટનું સર્જન કર્યું છે, જે મનુષ્યના જેવી અને જેટલી (કદાચ થોડી વધારે!) લગભગ બધી જ ક્ષમતાઓ ધરાવે છે. આ રોબોટ લખી શકે છે, વાંચી શકે છે અને વિચારી પણ શકે છે, તેમ જ મનુષ્ય કરે છે, લગભગ તે બધાં જ કાર્ય, કદાચ થોડી વધારે કુશળતાથી, કરી શકે છે. અલબત્ત અત્યારે રોબોટ હસવાની ક્ષમતા જેવી અમુક લાક્ષણીકતા ધરાવતા નથી. પરંતુ મને ખાત્રી છે કે નજીકના ભવિષ્યમાં તેવી ક્ષમતા ધરાવતા રોબોટ પણ બની જશે. પરંતુ મને દ્રઢ વિશ્વાસ છે કે માનવતાનો ગુણ ધરાવતા રોબોટ તો નહીં જ બની શકે. એટલે ભવિષ્યમાં તો મનુષ્યને બીજી પ્રજાતિઓથી જુદી પાડતી એકમાત્ર લાક્ષણીકતા “માનવતા”નો ગુણ જ રહેશે!
આટલી પૂર્વભૂમિકા પછી હવે આપણે મૂળ વિષય પર આવીએ. આપણે જોયું કે આપણી શ્રેષ્ઠ લાક્ષણીકતા “માનવતા” એ સૃષ્ટિના દરેક જીવમાત્રને મદદરૂપ થવાની ભાવના અને ક્રિયા છે. માનવતા ધરાવતો દરેક માણસ પોતાની ક્ષમતા અને લાયકાત અનુસાર જરૂરિયાતવાળા યોગ્ય પાત્રને (તે માનવ, જાનવર, વનસ્પતિ કે પ્રકૃતિનો કોઈપણ અંશ હોઈ શકે) યથાશક્તિ અન્ન, વસ્ત્ર, દ્રવ્ય, શિક્ષણ, સારવાર, સેવા, સાથ, સહકાર, શુભેચ્છા, કે આશીર્વાદ આપે છે. આવી શારીરિક, માનસિક અથવા આર્થિક એવી કોઈ પણ સેવાને આપણે સામાન્ય રીતે “દાન” તરીકે જાણીએ છીએ. દાન અનેક પ્રકારે થઇ શકે છે, જેમકે અન્નદાન, વસ્ત્રદાન, ગૌદાન, દ્રવ્યદાન, શ્રમદાન, વિદ્યાદાન, જ્ઞાનદાન, શુભેચ્છાદાન, આશીર્વાદદાન વિગેરે.
મોટેભાગે એવો ખ્યાલ પ્રવર્તે છે કે ધનવાન માણસ જ શ્રેષ્ઠ દાનવીર બની શકે છે, પરંતુ તે માન્યતા સાચી નથી. ગરીબમાં ગરીબ માણસ પણ શ્રેષ્ઠ દાનવીર હોઈ શકે છે. એક ઉદાહરણથી આ વાત સમજીએ.
ધારોકે કોઈ ઉમદા સામાજીક કાર્ય માટે ૧૦ કરોડની સંપત્તિ ધરાવતો એક ધનવાન માણસ ૧ કરોડનું દાન કરે છે અને ૧૦ હજારની સંપત્તિ ધરાવતો એક સામાન્ય માણસ ૯ હજારનું દાન કરે છે. તો આ બંનેમાં કયો માણસ મોટો દાનવીર ગણાય?
પહેલી નજરે તો ૯ હજાર કરતાં ૧ કરોડ ઘણી મોટી રકમ હોવાથી ધનવાન માણસ મોટો દાનવીર લાગે છે. પરંતુ ઝીણવટભરી દ્રષ્ટીએ જોઈએ તો ખ્યાલ આવે છે કે ધનવાન માણસે પોતાની સંપતિના ૧૦%નું એટલેકે દશમા ભાગની સંપત્તિનું જ દાન કર્યું છે, જયારે સામાન્ય માણસે તો પોતાની સંપતિના ૯૦%નું એટલેકે ૯૦ ભાગની સંપત્તિ દાન તરીકે આપી છે. એટલેકે સામાન્ય માણસે કરેલું દાન ધનવાન માણસના દાન કરતાં નવ ગણું મોટું છે. માટે આ કિસ્સામાં સામાન્ય માણસ વધુ મોટો દાનવીર ગણાય.
આ જ વાતને બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિ પોતાની પાસે જે કંઈ હોય તેમાંથી વધારે મોટા ભાગનું દાન કરે, તેને શ્રેષ્ઠ દાનવીર કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિ પોતાની સૌથી કિંમતી ચીજનું દાન કરે તેને શ્રેષ્ઠ દાનવીર કહેવાય. હવે સવાલ એ થાય છે કે વ્યક્તિ માટે તેની સૌથી કિંમતી ચીજ કઈ ગણાય?
આ બાબત સારી રીતે સમજવા માટે આપણે ઇતિહાસનાં પાનાં ઉથલાવવાં પડશે. તો ચાલો આપણે આઝાદીનો સમયકાળ વટાવીને અંગ્રેજોનો કાર્યકાળની પણ પહેલાંના મોગલયુગમાં પહોંચી જઈએ.
ભારતમાં મોગલ સામ્રાજયની સ્થાપના કરનાર સમ્રાટ બાબર તેના પુત્ર હુમાયુની જીવલેણ માંદગીથી અત્યંત ચિંતિત છે, કારણકે શ્રેષ્ઠ વૈદકીય સારવાર પછી પણ હુમાયુ સાજો થતો નથી. છેલ્લા ઉપાય તરીકે કોઈ ડાહ્યા માણસે બાબરને સૂચન કર્યું કે તમે તમારી સૌથી કિંમતી ચીજ ખુદાને અર્પણ કરી દો અને બદલામાં ખુદા પાસે હુમાયુની જિંદગી માગી લો, તો કદાચ ખુદા હુમાયુની જિંદગી બક્ષી દેશે!
લોકોએ સ્વાભાવિક રીતે માની લીધું હશે કે બાદશાહ પોતાનો ભવ્ય મહેલ અથવા સાચાં મોતીનો હાર અથવા હીરાજડિત સોનાના મુગટ એવી કોઈ ચીજને પોતાની સૌથી કિંમતી ચીજ ગણીને તેનું દાન કરશે. પણ બાબરે તો કોઈપણ દુન્યવી ચીજને બદલે પોતાનો જીવ પોતાના માટે સૌથી કિંમતી છે, તેમ જાહેર કરીને ખુદાને અરજ કરી: હે ખુદા, મારો જીવ હું તમને અર્પણ કરું છું, તે સ્વીકારી લો અને બદલામાં મારા પુત્રને સાજો કરી દો. એમ કહેવાય છે કે તે પછી હુમાયુ ધીરે ધીરે સાજો થવા માંડ્યો અને બાબર બીમાર થઈને મૃત્યુને વર્યો. કદાચ, ખુદાને પણ આવડા મોટા દાન કે સમર્પણનું માન રાખવું હશે !
આનાથી પણ ચડિયાતા પ્રાણદાનનો બીજો દાખલો આપણા પૌરાણિક કાળમાં મળે છે. મહાબળવાન રાક્ષસ વૃત્રાસુર સ્વર્ગના દેવોને યુદ્ધમાં પરાજિત કરીને ઇન્દ્રાસન કબજે કરે છે. દેવતાઓનાં દૈવી આયુધો આ રાક્ષસને હણી શકવા શક્તિમાન નથી. છેવટે એવો ઉપાય વિચારવામાં આવ્યો કે જો કોઈ મહાતપસ્વી ઋષિનાં હાડકાંમાંથી આયુધ બનાવવામાં આવે, તો તેના વડે વૃત્રાસુરનો વધ કરી શકાશે.
તે વખતે આવા એકમાત્ર ઋષિ હતા દધીચિઋષિ. એટલે ઇન્દ્ર જાતે દધીચિઋષિ પાસે ગયા અને તેમનાં હાડકાં દાનમાં માગ્યાં. દધીચિઋષિ એટલા મહાન હતા કે એક પણ ક્ષણનો વિચાર કર્યા સિવાય તરત જ આ વાત સ્વીકારી લીધી અને પોતાનો દેહત્યાગ કરી દીધો. તે પછી ઇન્દ્રે દધીચિઋષિનાં હાડકાંમાંથી મહાશક્તિશાળી આયુધ બનાવ્યું, જે “વજ્ર” તરીકે ઓળખાયું. આ વજ્રના પ્રહારથી વૃત્રાસુરનો વધ કરીને ઇન્દ્રે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું.
બાબરના પ્રાણદાન કરતાં પણ દધીચિઋષિના પ્રાણદાન ચડિયાતું ગણાય, કારણકે બાબરને તો પ્રાણદાન કરીને પોતાના પુત્રને બચાવવાનો સ્વાર્થ હતો, જયારે દધીચિઋષિએ તો કોઈપણ પ્રકારના સ્વાર્થ, અપેક્ષા કે બદલાની ભાવના સિવાય પ્રાણદાન કર્યું હતું.
(એક અગત્યની માહિતી: અમદાવાદમાં વાડજ પાસે સાબરમતી નદી ઉપર જે નવો પુલ બનાવવામાં આવ્યો છે, તેનું નામ “દધીચિ પુલ” રાખવામાં આવ્યું છે. આ પુલના વાડજ તરફના નાકે દધીચિ ઋષિનું સુંદર મંદિર પણ આવેલું છે.)
હવે સવાલ એ છે કે પ્રાણદાનના તો આવા જવલ્લે જ જોવા મળતા ગણ્યાગાંઠયા કિસ્સા છે. વળી હાલના જમાનામાં પ્રાણદાન વ્યાવહારિક કે ઉપયોગી નથી, તો અત્યારે શ્રેષ્ઠ દાન કોને ગણવું.
તેનો જવાબ છે કે અત્યારના જમાનામાં “અંશતઃ પ્રાણદાન” એટલે કે “અંગદાન” કરીને દરેક વ્યક્તિ શ્રેષ્ઠ દાનવીર બની શકે છે.
અંગદાનનો વિચાર કંઈ નવો વિચાર નથી. આપણામાંથી ઘણાએ રક્તદાન તો કરેલ જ હશે અને કેટલાકે તો એક કરતાં વધારે વખત રક્તદાન કરેલ હશે. આ ઉપરાંત કીડનીદાન વિષે પણ મોટાભાગના લોકો જાણતા જ હશે. ભગવાને આપણને બે કીડની આપી છે, પરંતુ આપણું શરીર એક કીડની વડે પણ સરળતાથી કામ ચલાવી શકે છે. એટલે જો કોઈ વ્યક્તિની બંને કીડની ખરાબ થઇ જાય, તો અન્ય કોઈ તંદુરસ્ત વ્યક્તિ પોતાની એક કીડની દાન કરીને તેનો જીવ બચાવી શકે છે.
રક્તદાન અને કીડનીદાન -આ બંને પ્રકારનાં અંગદાન, વ્યક્તિ જીવંત હોય ત્યારે કરે છે. જયારે મૃત્યુ પછી કરાતાં અંગદાનમાં ચક્ષુદાન ખુબ જાણીતું અને સામાજીક રીતે સ્વીકાર્ય અંગદાન છે.
પરંતુ શું તમે જાણો છો કે રક્તદાન, કીડનીદાન અને ચક્ષુદાન ઉપરાંત શરીરનાં અન્ય ઘણાં બધાં અંગોનું પણ દાન કરી શકાય છે?
જો તમારો જવાબ “ના” માં હોય તો આ લેખ તમારે પૂરો વાંચવો જ રહ્યો.
સાવ સાચું કહું તો મને પણ વિવિધ પ્રકારનાં અંગદાન વિષે ખાસ કંઇ જાણકારી કે જાગૃતિ નહોતી. પરંતુ તાજેતરમાં ૧૩-૦૮-૨૦૧૫નો દિવસ “અંગદાન” દિવસ તરીકે ઉજવાયો, ત્યારે મને વર્તમાનપત્રો દ્વારા અંગદાન વિષે થોડી માહિતી જાણવા મળી. આ પછી આ વિષય પર વધુ અભ્યાસ કરતાં મને જાણવા મળ્યું કે આપણા દેશમાં લાખો લોકો કીડની, લીવર, હૃદય, ફેફસાં, આંતરડાં, સ્વાદુપિંડ જેવાં અગત્યના અંગો ખરાબ થવાથી ગંભીર શારીરિક તકલીફો ભોગવે છે, જેનો એકમાત્ર ઉપાય બીજી વ્યક્તિનાં સાજાંસારાં અંગો મેળવીને પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) કરવાનો છે.
આવું અંગદાન કેટલાક કિસ્સામાં મૃત્યુ પછી અને મોટાભાગના કિસ્સામાં “મગજમૃત્યુ (બ્રેઈનડેડ)” પછી થઇ શકે છે. પરંતુ આપણા દેશમાં “મૃત્યુ પછીનાં અંગદાન” વિષે લોકોને પૂરતી જાણકારી અને જાગૃતિ ના હોવાથી, સાજાંસારાં અંગો જોઈતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. જેને પરિણામે અંગદાનઈચ્છુક લોકોનું વેઇટિંગ લિસ્ટ ઘણું લાંબુ છે અને વળી નિરંતર વધતું જ જાય છે.
તા. ૦૨-૦૮-૨૦૧૫ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આપણા દેશમાં દોઢ લાખ વ્યક્તિઓને કીડનીની જરૂરિયાત છે, જેની સામે વાર્ષિક ફક્ત ૩૦૦૦ કીડની જ મળે છે. તે જ રીતે ૨૫૦૦૦ લીવરની જરૂરિયાત સામે વાર્ષિક ફક્ત ૮૦૦ લીવર જ મળે છે. ઘણાં દુઃખની વાત છે કે પુરતાં અંગો નહીં મળવાથી વેઇટિંગ લિસ્ટના ૯૦%થી પણ વધારે લોકો જરૂરિયાતવાળાં અંગો સમયસર નહિ મળવાના કારણે મૃત્યુ પામે છે.
મૃત્યુ હમેશાં દુઃખદાયક હોય છે અને તેમાંય નજીકના સ્વજનનું મૃત્યુ તો દરેક વ્યક્તિ માટે અત્યંત પીડાકારી હોય છે. પરંતુ દરેક જણ જિંદગીની કઠોર વાસ્તવિકતા જાણે છે કે સ્વજન ભલે ગમેતેટલું વહાલું હોય, તેના મૃત્યુ પછી તેનું શરીર સાચવી શકાતું નથી. હવે જો આવા બેહદ કિંમતી શરીરને મૃત્યુ પછી અગ્નિ કે ધરતીને શરણે ધરી દેવાનું જ હોય, તો પહેલાં તે શરીરમાંથી જે કંઇ સાજાંસારાં અંગો હોય, તે હોંશિયાર ડોક્ટર દ્વારા સન્માનપૂર્વક કાઢી લઈને જરૂરિયાતવાળા લોકોને પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) કરી તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કરવો જ જોઈએ.
હવે આપણે જોઈએ કે અંગદાન એટલે શું અને આપણા શરીરનાં કેટલાં અને કયાં કયાં અંગોનાં દાન કરી શકાય છે, આવું દાન કોણ, ક્યારે તથા કઈ રીતે કરી શકે છે અને અંગદાનઇચ્છુક વ્યક્તિ તે માટેની નોંધણી કઈ રીતે કરી શકે છે.
અંગદાન એટલે શું?
તંદુરસ્ત માનવ શરીરનાં કેટલાક અંગો તે વ્યક્તિ અને/અથવા તેનાં કુટુંબીજનોની સંમતિ મેળવ્યા પછી યોગ્ય ડોકટરો દ્વારા કાઢી લઈને જે દર્દીઓનાં આવાં અંગો ખરાબ થયાં હોય તેમને આ અંગો બેસાડવામાં આવે છે એટલે કે ટ્રાન્સપ્લાન્ટ (પ્રત્યારોપણ) કરવામાં આવે છે અને તે દર્દીઓને ફરી તંદુરસ્ત બનાવવામાં આવે છે. જો જીવંત વ્યક્તિ અંગદાન કરતી હોય, તો તેની પોતાની તંદુરસ્તીને અસર ના થાય, તેવાં અને તેટલાં જ અંગો લેવામાં આવે છે, જેવાં કે રક્ત, એક કીડની, યકૃતનો એક ભાગ, ફેફસાંનો એક ભાગ વિગેરે. જયારે હૃદય, આંખો, બંને કીડની જેવાં જરૂરી અંગો ફક્ત મૃત્યુ કે મગજમૃત્યુ પામેલ વ્યક્તિનાં જ લઇ શકાય છે.
કયાં અંગોનું દાન કરી શકાય?
કઈ વ્યક્તિ કયાં અંગોનું દાન કરી શકે તે વિગત નીચેના કોઠામાં સરળ રીતે સમજાવી છે:
અંગદાન કોણ કરી શકે?
પુખ્તવયની દરેક વ્યકિત અંગદાન કરી શકે છે. જો માતાપિતા સંમતિ આપે તો બાળકો પણ અંગદાન કરી શકે છે.
કેન્સર, એચઆઈવી, કે ચેપી રોગવાળી વ્યક્તિ અંગદાન કરી શકે નહીં.
વ્યક્તિની ઉંમર મુજબ નીચે પ્રમાણે અંગોનાં દાન થઇ શકે:
૧૦૦ વર્ષ સુધીની વ્યક્તિ: ફક્ત આંખો અને ચામડી
૭૦ વર્ષ સુધીની વ્યક્તિ: ઉપરોક્ત અંગો, કીડની, યકૃત
૫૦ વર્ષ સુધીની વ્યક્તિ: ઉપરોક્ત અંગો, હૃદય, ફેફસાં
૪૦ વર્ષ સુધીની વ્યક્તિ: ઉપરોક્ત અંગો, હૃદયના વાલ્વ
અંગદાનના વિવિધ પ્રકાર:
૧) જીવંત વ્યક્તિ દ્વારા નજીકનાં સગાંને અંગદાન:
જીવંત વ્યક્તિ પોતાનાં અંગ અથવા અંગનો એક ભાગ પોતાનાં નજીકનાં સગાંને દાન કરે છે. નજીકનાં સગાંમાં માતા-પિતા, દાદા-દાદી, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી, પૌત્ર–પૌત્રી, પતિ-પત્ની નો સમાવેશ થાય છે.
૨) જીવંત વ્યક્તિ દ્વારા સગપણ સિવાયની વ્યક્તિને અંગદાન:
જીવંત વ્યક્તિ પોતાનાં અંગ અથવા અંગનો એક ભાગ લાગણીના સંબંધથી જોડાયેલી વ્યક્તિને દાન કરે છે. આમાં સારો મિત્ર, સંબંધી, પાડોશી અને શ્વસુરપક્ષનાં સગાંનો સમાવેશ થાય છે.
૩) મૃત વ્યક્તિ દ્વારા અંગદાન:
જો કોઈ વ્યક્તિએ પોતાનાં અંગદાનની સંમતિ આપેલી હોય તો તેના મૃત્યુ કે મગજમૃત્યુ થયે, તેના કુટુંબની મંજુરી મેળવ્યા પછી તેનાં અંગોનું પ્રત્યારોપણ વેઇટિંગ લીસ્ટમાંથી યોગ્ય વ્યક્તિને કરાય છે.
કોઈ વ્યક્તિએ પોતાનાં અંગદાનની સંમતિ આપેલી ના હોય તો પણ તેના મૃત્યુ કે મગજમૃત્યુ થયે, તેના કુટુંબની મંજુરીથી તેનાં અંગોનું પ્રત્યારોપણ કરી શકાય છે.
જે દર્દીને આવાં અંગદાનની જરૂર હોય તેમણે તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
અંગદાન કરવા માટેની જરૂરિયાતો:
જો કોઈ વ્યક્તિ ઘેર મૃત્યુ પામે તો તેનાં અંગોમાંથી ફક્ત આંખો, ચામડી અને અમુક ટીસ્યુ જ ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય રહે છે અને તે પણ મૃત્યુ બાદ તરતજ કાઢી લેવામાં આવે તો જ. કારણકે બાકીનાં બધાં અંગો તો તે વ્યક્તિના મૃત્યુ સાથે જ મૃત્યુ પામે છે.
હૃદય, ફેફસાં, સ્વાદુપિંડ જેવાં અગત્યનાં અંગો ફક્ત હોસ્પીટલના આઈસીયુ (ICU)માં રહેલા મગજમૃત્યુવાળા (બ્રેઈનડેડ) વ્યક્તિનાં જ કામ લાગે છે, કારણકે પ્રત્યારોપણ માટે આવાં અંગો કાઢી લેવામાં આવે ત્યાં સુધી તેમાં લોહીનું પરિભ્રમણ અને ઓક્સિજનનો પુરવઠો સતત ચાલુ રહેવો જોઈએ. એટલા માટે આવા દર્દીને વેન્ટીલેટર પર રાખવા જરૂરી છે, જેથી તેના શરીરનાં બધાં અંગોને ઓક્સિજન સતત મળતો રહે.
અંગદાનનો ખર્ચ:
અંગદાતાના કુટુંબને પ્રત્યારોપણને લગતા કોઈપણ ખર્ચ ભોગવવાના હોતા નથી. પરંતુ અંગદાન સ્વીકાર કરનાર દર્દીને પ્રત્યારોપણ ઓપરેશનનો ખાસ્સો એવો ખર્ચ થાય છે. ઉપરાંત આવા દર્દીએ ઓપરેશન બાદ જિંદગીપર્યંત દવાઓ લેવી પડે છે, જેના આશરે ખર્ચની વિગત નીચે મુજબ છે:
માનવઅંગોનું વેચાણ:
માનવ શરીરનાં કોઈપણ અંગોનું વેચાણ કે ખરીદી “ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગેન્સ એક્ટ” હેઠળ પ્રતિબંધિત છે. આ કાયદાના ભંગ માટે દંડ અને કેદની સજાનું પ્રાવધાન છે.
અન્ય અગત્યની માહિતી:
એક વ્યક્તિની બે આંખો (વાસ્તવમાં કોર્નિયા એટલેકે કીકી) દાનમાં મળે તો બે આંધળા માણસોને એક એક આંખ આપીને બંનેને દેખતા કરાય છે.
દાનમાં મળેલ એક લીવરમાંથી સાત દર્દીને લીવર પ્રત્યારોપણ કરી શકાય છે.
ચામડીનું પ્રત્યારોપણ દાઝી ગયેલી વ્યક્તિઓ માટે જરૂરી હોય છે.
બીજા દેશોની સરખામણીમાં આપણા દેશમાં અંગદાનનું પ્રમાણ ઘણું ઓછું છે.
અંગદાનનું સૌથી ઊંચું પ્રમાણ સ્પેનમાં છે -૩.૬ અંગદાન દર એક લાખ વ્યક્તિએ. જેની સામે આપણા દેશનો દર છે ૦.૫ અંગદાન દર એક લાખ વ્યક્તિએ
આપણા દેશમાં તીવ્ર ડાયાબિટીસ અને ઊંચા બ્લડપ્રેશરના વધતા જતા પ્રમાણથી કીડની નિષ્ફળ જવાના કિસ્સા વધતા જાય છે.
દિલને સ્પર્શી જાય એવા અંગદાનના પ્રસંગો:
૧) ૦૪-૦૮-૨૦૧૫ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ફેબ્રુઆરી ૨૦૧૫માં રીટા દેસાઈ નામની ૫૭ વર્ષની સ્ત્રીને રોડ એકસીડન્ટ થયા પછી ડોક્ટરોએ તેણીને બ્રેઈનડેડ જાહેર કરી. રીટાનાં કુટુંબીજનોએ ડોક્ટરોની સલાહ પર ચર્ચા-વિચારણા પછી રીટાનાં કીડની, લીવર અને આંખોનું દાન કર્યું. રીટાની એક કીડની અનિતા ઘરાત નામની ૪૨ વર્ષની એક સ્ત્રીને આપવામાં આવી, જે સાત વર્ષથી ડાયાલીસીસને આધારે મુશ્કેલ જિંદગી જીવતી હતી. બીજી કીડની ૧૨ વર્ષના એક છોકરાને આપવામાં આવી.
રીટાનાં કુટુંબીજનો ચુસ્ત જૈન હતાં. તેમને જયારે જાણ થઇ કે અનિતા માંસાહારી છે, ત્યારે તેમણે અનિતાને વિનંતી કરી કે રીટા ખુબ ધર્મિષ્ઠ અને ચુસ્ત શાકાહારી હતી, તેથી અનિતા માંસાહારી ખોરાક ના લે તો રીટાનો આત્મા ઘણો રાજી થશે. રીટાનાં કુટુંબીજનોની લાગણી ધ્યાનમાં રાખી નવજીવન પામેલી અનિતા સાથે તેના સમગ્ર પરિવારે પણ માંસાહારનો ત્યાગ કરીને આભાર પ્રગટ કર્યો.
૨) અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતાં ૫૦ વર્ષનાં સવિતાબેન પ્રજાપતિ અને તેમની દીકરી નીલમ લોકોના ઘરે કામ કરીને જીવન ગુજારતાં હતાં. સવિતાબેનને અક્સ્માત થવાથી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યાં. ડોક્ટરોની સલાહ માનીને ફક્ત નવ ધોરણ ભણેલી અને ચાર ઘરે કામ કરીને ઘર ચલાવતી પણ ઉદાર હૃદય અને ઊંચા વિચારવાળી નીલમે એક ક્ષણની પણ રાહ જોયા સિવાય તેની માતાની બંને કીડનીનું દાન કરવાની સંમતિ આપી દીધી.
ડોક્ટરોએ નીલમનાં મોંફાટ વખાણ કરતાં કહ્યું કે ભણેલ-ગણેલ વર્ગને પણ અંગદાન માટે સમજાવતાં નાકમાં દમ આવી જાય છે, પરંતુ ગરીબ વર્ગની આ ઉદાર કન્યાએ નિસ્વાર્થભાવે તરત જ અંગદાન માટે સંમતિ આપી. એટલું જ નહીં, તેણીએ આ અંગો કોને આપવામાં આવે છે, તે જાણવાની પણ ઈચ્છા રાખી નહોતી. ધન્ય છે નીલમ ! એક અનન્ય ઉદાહરણ પૂરું પાડવા માટે માનવસમાજ તારો આભારી છે.
૩) અમદાવાદની ૪૩ વર્ષની જયશ્રી ઝેરી મેલેરીયામાં સપડાઈ. લોહીમાં શ્વેતકણો એકદમ ઘટી જવાથી ડોક્ટરોએ તાત્કાલિક ૫ બોટલ લોહી ચડાવવું પડશે તેમ જણાવ્યું. જયશ્રીનાં પરિવારજનો એ દોડાદોડી કરીને ચાર બોટલ લોહી તો એકઠું કર્યું, પરંતુ એક બોટલ ખૂટતી હતી. છેવટે કોઈ જાણકાર મારફત બ્લાઈંડ પીપલ્સ એસોસિએશનમાં ફોન કર્યો. ફોન પર સમાચાર મળતાં જમવા બેઠેલો ૨૩ વર્ષનો અશ્વિન પરમાર થાળી પડતી મૂકી લોહી આપવા પહોંચી ગયો અને એક પણ સવાલ પૂછયા સિવાય રક્તદાન કરી દીધું. આ બહાદુર અને દિલદાર અશ્વિનને ખાસ સલામ એટલા માટે કે તે સંપૂર્ણપણે અંધ છે, છતાં અત્યાર સુધીમાં આ રીતે ૯ વખત રક્તદાન કરી ચૂક્યો છે ! ધન્ય છે યુવાન અશ્વિન તને અને તને જન્મ આપનારી માતાને ! (નવગુજરાત સમય. તા. ૧૮-૦૯-૨૦૧૫)
૪) ૬૨ વર્ષના ભીમસેન જોશી અને ૬૪ વર્ષના વેણુગોપાલની બંન્ને કિડનીઓ ખરાબ થઇ ગઈ હતી. આ બંને દર્દીઓની પત્નીઓ પોતાના પતિને એક કિડનીનું દાન કરવા તૈયાર હતી, પરંતુ પતિ અને પત્નીનું બ્લડગ્રુપ મેચ થતું નહોતું, જેથી પત્નીઓની કિડનીનું પ્રત્યારોપણ પતિઓને કરવું શક્ય નહોતું.
પરંતુ ડોક્ટરોના ધ્યાનમાં આવ્યું કે જોશીનાં પત્ની અનુરાધાનું બ્લડગ્રુપ વેણુગોપાલ સાથે મેચ થાય છે અને વેણુગોપાલનાં પત્ની સાવિત્રીનું બ્લડગ્રુપ ભીમસેન જોશી સાથે મેચ થાય છે. એટલે અનુરાધા અને સાવિત્રી એકબીજાના પતિઓને કીડની આપવા સંમત થઇ.
નજીકના સગાં સિવાય અંગદાન કરવાનું હોય ત્યારે તેમાં પૈસાની આપલે ના થાય તેનું ખાસ ધ્યાનમાં રાખવું પડે છે. એટલા માટે માન્ય સરકારી કમિટી દ્વારા પૂરી તપાસ અને મંજુરી બાદ, તા.૨૪-૦૬-૨૦૧૫ના રોજ બેંગલોર ખાતે સફળ ઓપરેશનથી બંને દર્દીઓ નવી કીડની દ્વારા નવજીવન પામ્યા.
૫) તા. ૦૭-૦૭-૨૦૧૫ના રોજ નવસારીના મહેશભાઈ મિસ્ત્રી રોડ એકસીડન્ટમાં ઈજાગ્રસ્ત થયા. બેભાન હાલતમાં લાવેલ મહેશભાઈને સુરતની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કર્યા. તા. ૦૯-૦૯-૨૦૧૫ના રોજ ડોક્ટરોએ તેમણે બ્રેઈન ડેડ જાહેર કર્યા. સુરતની સ્વયંસેવી “ડોનેટ લાઈફ સંસ્થા”ના પ્રમુખ શ્રી નીલેશ માંડલેવાલાએ મૃતકના પરિવારને મૃતકનાં અંગોનું દાન કરવા સમજાવ્યા. પરિવારની સંમતિ મળ્યે અમદાવાદ ની કીડની હોસ્પિટલનો સંપર્ક સાધી મૃતકનાં બંને કીડની અને લિવરનું દાન સ્વીકારવામાં આવ્યું. દાનમાં મળેલું લિવર અમદાવાદના ૫૪ વર્ષીય કનૈયાલાલ પટેલને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. બંને કીડની પૈકી એક બનાસકાંઠાનાં ૩૨ વર્ષીય દરીયાબેન બારોટને અને બીજી કીડની વડોદરાના ૫૨ વર્ષીય ભરતભાઈ વ્યાસને આપવામાં આવી.
અંગદાન રજીસ્ટ્રેશન:
ઉપરોક્ત માહિતી જાણ્યા પછી જો તમે અંગદાન કરવા માટે માનસિક રીતે તૈયાર હો તો તેના માટેની વિધિ જાણી લો:
૧) આ વેબસાઈટ પર જાઓ: www.organdonationday.in
૨) તમારું નામ, સરનામું, ઇમેલ આઈડી વિગેરે વિગતો અને જે અંગોનું દાન કરવાની ઈચ્છા હોય તેની વિગત નિયત ફોર્મમાં ઓનલાઈન ભરો અને સબમિટ કરો.
૩) તમને તરત જ “ડોનર કાર્ડ”ની સોફ્ટ કોપી મળશે. હાર્ડ કોપી પાછળથી ટપાલ મારફત મળશે.
૪) તમારાં કુટુંબીજનોને તમારા શુભ ઈરાદાની જાણ કરો, જેથી તેઓ તમારા મૃત્યુ અથવા મગજમૃત્યુના કમનસીબ બનાવ સમયે હોસ્પિટલ સત્તાવાળાઓને તમારી ઉમદા ઈચ્છા જણાવીને તે મુજબ જરૂરી કાર્યવાહી કરી શકે.
૫) ધ્યાનમાં રહે કે આવાં સમયે તમારી ઈચ્છા જાહેર કરી હોવા છતાં, તમારાં અંગોનાં દાન માટે તમારાં કુટુંબીજનોની સંમતિ આવશ્યક છે.
શ્રેષ્ઠ દાનવીર બનવા માટે તમારે ફક્ત આટલું જ કરવાનું છે.
તો હવે રાહ શાની જુઓ છો?