Pincode -101 Chepter 53 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 53

Featured Books
Categories
Share

પિન કોડ - 101 - 53

પિન કોડ - 101

પ્રકરણ-53

આશુ પટેલ

પેલા યુવાનના શબ્દો સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી મોહિનીની માતાને જોઈને મોહિનીના પિતા પણ વધુ અસ્વસ્થ થઈ ગયા. જો કે તેમણે સોફા પર તેમની બાજુમાં બેઠેલી પત્નીના ખભા પર હાથ મૂકીને તેને શાંત કરવાની કોશિશ કરી. મોહિનીની માતાએ રડતાં રડતાં ત્રૂટક અવાજે તેણે પેલા યુવાનને કહ્યું: ‘હું તમારી માતાની ઉમ્મરની છું. મારી જગ્યાએ તમારી માતા હોત અને તે પોતાની દીકરી માટે આ રીતે તડપી રહી હોત તો તમને કેવું લાગત?’
મોહિનીની માતાના એ આર્દ્રતાભર્યા શબ્દોની પેલા બન્ને યુવાનો પર કોઈ અસર ના થઈ. .
***
‘મોહિની મેડમ ઘણા દિવસથી પ્રયોગશાળામાં આવ્યાં નથી અને તેમનો ફોન પણ સતત બંધ આવે છે. તેમના માતાપિતા એવું કહે છે કે મોહિની સામાજિક કામથી મુંબઈ ગઈ છે, પણ મને એ સમજાતું નથી કે મોહિની મેડમે પોતે આપણને એ વાત કેમ ના કહી? વળી મોહિની મેડમ બહાર જાય તો પણ આપણી સાથે મોબાઈલ ફોનથી તો સંપર્કમા રહે જ છે. આ વખતે તેમણે પણ એકેય વાર કોલ કર્યો નથી.’ મોહિની મેનનની સહાયક જયા વાસુદેવન મોહિનીના બીજા એક સહાયક બાલક્રિશ્ન પિલ્લાઈને કહી રહી હતી.
***
‘વરસોવામાં મારી સોસાયટી નજીક એક મૌલવીના મકાનમાં થોડા દિવસોથી શંકાસ્પદ માણસોની અવરજવર થઇ રહી છે.’ એક એક્ઝિક્યુટિવ જેવો લાગતો યુવાન પોલીસ સ્ટેશનમાં એક સબ ઇન્સ્પેક્ટરને કહી રહ્યો હતો.
‘તને ખાતરી છે કે એ બધા શંકાસ્પદ માણસો જ છે?’ પેલા અધિકારીએ પૂછ્યું.
’સર, એ મકાન નજીક એક પાનવાળો છે. હું વર્ષોથી એ પાનવાળા પાસે સિગારેટ લેવા જાઉં છું. એ પાનવાળાની જગ્યાએ બીજો કોઇ પાનવાળો આવી ગયો છે. એ પોતાની ઓળખાણ જૂના પાનવાળાના સગા તરીકે આપે છે. પહેલાં જે પાનવાળો બેસતો હતો તે ભાગ્યે જ મોબાઇલ ફોન પર વાત કરતો જોવા મળતો હતો અને અત્યારે જે પાનવાળો છે એ ભાગ્યે જ મોબાઇલ પર વાત ના કરતો હોય એવું બને છે. મને આ પાનવાળો પણ ભેદી લાગે છે. એના પાનના ગલ્લે એ પ્રકારના માણસો જોવા મળે છે જે મેં આટલાં વર્ષોમાં ક્યારેય જોયા નથી. અગાઉનો પાનવાળો ગ્રાહકો સાથે હસીમજાક કરતો હતો. અમારા જેવા નિયમિત ગ્રાહકો સિગારેટ લીધા પછી એકાદ સિગારેટ ત્યાં ફૂંકીને થોડી આડીઅવળી વાતો કરતા. પણ આ પાનવાળો ગ્રાહકોને રવાના કરવાની ઉતાવળમાં હોય એવું લાગે છે. કોઇ ગ્રાહક પાન કે સિગારેટ લીધા પછી ત્યાં ઊભો રહે તો તે કહે છે અહીં ખોટી ભીડ ના કરો. ઘણી વાર તો તે ચીડાઇ જાય છે અને કહે છે કે અહીં વધુ લોકો ઊભા હોય તો પોલીસવાળા વધુ હપ્તો માગે છે એટલે જે જોઈતું હોય એ લઇને તરત જ રવાના થઇ જવું. આ વાત પણ એટલા માટે વિચિત્ર લાગે એવી છે કે જૂનો પાનવાળો રાતના સાડા અગિયાર વાગ્યે ગલ્લો એ કારણથી બંધ કરી દેતો હતો કે રાતે મોડે સુધી ગલ્લો ખુલ્લો હોય તો તેની પાસેથી પોલીસવાળા હપ્તો લેવા આવી જતા હતા. આ પાનવાળો રાતે એક-દોઢ વાગ્યે પણ ગલ્લે બેઠો હોય છે અને તેને એ વખતે પોલીસની ચિંતા નથી હોતી!’
’એટલે તને એ પાનવાળા પર શંકા છે એમ ને?’ ઇન્સ્પેક્ટરે પોતાના મોબાઈલ ફોન પર મેસેજ ટાઈપ કરતાં કરતાં પૂછ્યું. ‘ના સર. ખાલી એ પાનવાળાની વાત નથી. કંઇક મોટી ગરબડ છે. આ નવા પાનવાળાની નજર સતત પેલા મૌલવીના મકાન પર હોય છે. એ મૌલવીજીના ઘરમાં પણ માણસોની અવરજવર વધી ગઇ છે. પોલીસ આવી ત્યારે અચાનક જ સેંકડો લોકો જમા થઇ ગયા એ વાત પણ ભારે શંકાજનક છે. વચ્ચે એક વાર હું એ પાનવાળા પાસે સિગારેટનું પેકેટ લેવા ગયો ત્યારે ત્યાં એક માણસ આવ્યો હતો એને પાનવાળાએ મોબાઇલ ફોન પર કોઇ સાથે વાત કરીને તેને પેલા મૌલવીજીના મકાન તરફ ઇશારો ર્ક્યો હતો. તેણે કદાચ પેલા મૌલવીજીના ઘરમાં કોઇને કોલ ર્ક્યો હોવો જોઇએ. કારણ કે તરત જ મૌલવીજીના ઘરમાંથી એક યુવાન બહાર આવ્યો હતો અને પાનના ગલ્લે આવેલા માણસને તે પોતાની સાથે મૌલવીજીના ઘરમાં લઇ ગયો હતો. મને તો શંકા છે કે તે મૌલવીજીના ઘરમાં કશુંક છુપાવાયું છે. કદાચ શસ્ત્રો પણ હોય.’
‘તેં તારી નજરે એ ઘરમાં શસ્ત્રો જતાં જોયાં છે?’
‘ના. હું એવું તો કહી શકું એમ નથી.’
‘તો શું શંકાને આધારે અમારે એ ઘરમાં ઘૂસીને તપાસ કરવી કે ત્યાં કંઇ છુપાવેલું છે કે નહીં? અને તને શંકા છે એટલે અમારે પેલા પાનવાળાને પણ ઊંચકી લેવો કે ભાઇ તારા વિસ્તારમાં રહેતા એક માણસને તારા પર શંકા છે એટલે અમારે તારી ધરપકડ કરવી પડશે? વાત કરે છે!’
‘પણ, સર...’
‘તારું નામ શું કહ્યું તેં?’
‘સરફરાઝ સિદ્દીકી’
‘શું કરે છે તું કામધંધો?’
‘મલાડની એક કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છું.’
‘તું એક કામ કર. પ્રાઇવેટ ડિટેક્ટિવ તરીકે નોકરીએ લાગી જા. અરે, એના કરતાં તારી જ એક ડિટેક્ટિવ એજન્સી ખોલી નાખ. તારું દિમાગ ડિટેક્ટિવની જેમ ચાલે છે. તને દરેકેદરેક વાતમાં શંકા જાય છે!’ પેલા સબ ઇન્સ્પેક્ટરે તેના સહકર્મચારીને તાળી મારતાં કહ્યું. અને તે બંને ખડખડાટ હસી પડ્યા. આ દરમિયાન તે સબ ઈન્સ્પેક્ટર વચ્ચે વચ્ચે પોતાના મોબાઈલ ફોનમાં જોઈ રહ્યો હતો.
‘જો મુન્ના. અમારે બીજા હજાર કામ હોય છે. અમારા અધિકારીઓ શંકાને કારણે જ એ મકાનમાં ઘૂસ્યા હતા પણ એ પછી તારા જેવા જ બધા ભેગા થઇ ગયા હતા અને પોલીસ ટીમ પર પથ્થરમારો કરીને પોલીસને ભગાવી દીધી હતી. હું તમને બધાને પગથી માથા સુધી ઓળખું છું. જા હવે અહીંથી... ’
‘પણ સર.’
‘અરે ભાઇ, આવું કંઇ હોય તો પોલીસ કંટ્રોલમાં કોલ કર ને. અમારું માથું શા માટે ખાય છે?’ એ વખતે તે સબ ઇન્સ્પેક્ટર પર કોઇનો કોલ આવ્યો. તેણે ફોન પર વાત કરી. વાત કરતાં કરતાં તેણે પેલા યુવાન તરફ જોયું. તેણે કોલ પૂરો ર્ક્યો ત્યાં સુધી તેના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા હતા. તેને કહ્યું: ‘ઊભો રહે હું તારી સાથે એ વિસ્તારમાં તપાસ કરવા આવું છું.’
યુવાન ગભરાયો. તેને કહ્યું, ‘હું કઇ રીતે સાથે આવી શકું? હું નજરમાં આવી જાઉં તો મારી સામે એ લોકોનું જોખમ ઊભું થઇ જાય!’
સબ ઇન્સ્પેક્ટરે કહ્યું:‘બસ. આ જ પ્રોબ્લમ છે આ દેશનો. બધાને મફતમાં હીરોગીરી કરવી છે અને પોલીસને દોડાવવી છે, પણ પોતે કશું કરવું નથી. સારુ, તેં મને જે વાતો કહી છે એ તું મને લેખિતમાં આપ. અને અરજી ગણીને અમે તપાસ આગળ ધરીશું. પેલો યુવાન વધુ ગભરાયો. તેણે કહ્યું: ‘હું લેખિત ફરિયાદ કઇ રીતે કરી શકું?’
‘તો તું અહીં શું કરવા આવ્યો છે?’ પેલા સબ ઇન્સ્પેક્ટરે પૂછ્યું.
તેણે કહ્યું, ‘હું તો જાગૃત નાગરિક તરીકે મારી ફરજ બજાવીને તમને જાણ કરવા આવ્યો. નહીં તો હું પોલીસ કંટ્રોલ રૂમનો નંબર ડાયલ કરીને મારી ઓળખ છુપાવીને પણ માહિતી આપી શક્યો હોત!’
એ પછીની ક્ષણે પોલીસ સ્ટેશનમાં ધમાલ મચી ગઈ.

(ક્રમશ:)