Vicharoni Aarat-3 in Gujarati Magazine by Pradip Prajapati books and stories PDF | વિચારોની આરત-3

Featured Books
Categories
Share

વિચારોની આરત-3

વિચારોની આરત

Part - 3

પ્રદિપ પ્રજાપતિ (પ્રભાત)

1. જીવનમાં જીવવું કે જીતવું ? મહત્વનું શું ?

દરેક વ્યક્તિ જીવનમાં દરેક પળે જીતવા માંગે છે અને આ જ જીતવાની હરોળમાં જીવનને જીવવાનું જ ભૂલી જાય છે અને અંતમાં તેને જ પસ્તાવો થાય છે કે હું જીવનને જીવ્યો જ નહીં.
જીવન માણસની સામે હંમેશા પડકાર મુકે છે અને આ પડકાર જે પાર કરી જાય છે તેને લોકો કહેતાં હોય છે કે તે જીત મેળવી છે પણ એક નજરથી જોવા જઇએ તો જીવન જ સૌથી મોટો પડકાર છે. આ પડકારમાં ખુશ રહીને જે જીવે તેને સાચા અર્થમાં જીવન જીવ્યું એમ કહી શકાય બીજા શબ્દોમાં કહીએ તો જીવનમાં આવતાં દુઃખ અને દર્દને પણ રાજી ખુશીથી જીવે તેને જીવન જીવ્યું કહેવાય પણ સવાલ એક જ શું આ એટલું સરળ છે ? એનાં જવાબમાં મોટા ભાગના વ્યક્તિઓની ના જ હશે પણ યોગ્ય જ્ઞાન અને સમજણથી આ શકય બની શકે છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું એ જ સૌથી મોટી સફળતા છે પણ આજે ડૉક્ટર હોય કે સી.એ કે પછી કોઈ નેતા હોય તેમનાં ચહેરા પર ખુશી હોતી જ નથી અને હોય છે તો તે વાસ્તવિક નથી હોતી. આ જ આપણા સમાજની સૌથી મોટી ખામી છે. આપણી શિક્ષણ સંસ્થાઓ પણ આ જ વાત શીખવે છે કે જીવનમાં જીતવું કંઇ રીતે ? કદાચ આ જ વસ્તુ આજના માતા પિતા પણ શીખવે છે તે જ કારણે બાળકોનું ઘડતર યોગ્ય રીતે થતું જ નથી. આપણે એવું જ કરીએ છીએ કે બાળક ચાલતાં થયું જ હોય ને એના પર આપણે ભાર મુકી જ દઈએ છીએ એટલે કે આ ભાર વાળું ભણતર આપણે જ ઉભું કર્યું છે. આ એક સામાજિક મુદ્દો છે અને આ મુદ્દાના સમાધાનથી જ સમાજનો વિકાસ થશે. આપણે સૌએ જીવનમાં માત્ર સફળતાને જ મહત્વ આપ્યુ છે તેથી સફળતાના માર્ગનો આનંદ લેવાનું જ ભૂલી ગયા છીએ. આજે જ્યાં પણ જાઓ ત્યાં માત્ર બીજાને અનુસરવાનું જ કહેવામાં આવે છે. આજે બાળક શાળામાં જાય છે તો તેને પાઠ્યપુસ્તક પ્રમાણે ભણવાનું કહેવામાં આવે છે. કોલેજમાં જઇએ તો પણ પરિસ્થિતિ આ જ છે. આ પ્રકારના અનુસરણમાં કંઇ જ ખોટું નથી પણ આ કારણે વિદ્યાર્થીમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવતી નથી અને તેથી તેનો યોગ્ય વિકાસ થઈ શક્તો નથી. જો આ પ્રક્રિયાનું નિરાકરણ શાળા કક્ષાએથી જ કરવામાં આવે તો કંઇક થઈ શકે છે. દરેક માણસમાં જુદી જુદી કળાઓ રહેલી છે જો આ કળાઓનો યોગ્ય વિકાસ કરવામાં આવે તો માણસમાં સર્જનાત્મક શક્તિનો યોગ્ય વિકાસ થાય છે અને પછી માણસ હંમેશા કર્મ પર ધ્યાન આપશે તેથી તેને જીવનનો સાચો આનંદ મળશે. માણસ જો આનંદ પૂર્વક જીવન જીવશે તો તેનો માનસિક તથા આધ્યાત્મિક વિકાસ પણ થશે. આજના વિદ્યાર્થીઓમાં જે માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી બીમારીઓ જોવા મળે છે તેમાં ચોક્ક્સથી ફેરફાર થશે અને આત્મહત્યાનું પ્રમાણ પણ ઘટશે.

2. બાળકોમાં વધતાં જતાં ક્રાઇમનું કારણ શું હોઇ શકે ?

આજની નવી પેઢી એટલે આધુનિક જ્ઞાન - વિજ્ઞાન ની પેઢી. આપણા પૂર્વજોએ વિચાર્યુંએ નહીં હોય કે એકદિવસ દુનિયા આટલી આધુનિક થઈ જશે પણ આ એક સત્ય જ છે કે દુનિયા ક્યારે બદલાય એનું અનુમાન ન લગાવી શકાય. આ બદલાતી દુનિયા સાથે માણસો પણ બદલાય જ છે અને સાથે સાથે બાળકોમાં પણ કેટલોક બદલાવ જોવા મળે છે. આ એક સારી વાત છે કે આપણાં દેશના બાળકો આધુનિકતાને તથા આ બદલાવને ખૂબ જ જલ્દીથી સ્વીકારી લે છે પણ સવાલ એ વાતનો છે કે આ બદલાવ અને આધુનિકતાનાં કારણે બાળકોમાં ક્રાઇમનું પ્રમાણ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યુ છે.આ એક ગંભીર બાબત છે. આજનો બાળક હોય કે પછી યુવાન હોય, એમનાં વિચારોમાં પરિવર્તન જોવા મળે છે. કોઈ એક ઉદાહરણ લઇએ તો એક બાળક નિયમિત શાળામાં જાય છે અને પોતાનો અભ્યાસ કરે છે અને ઘરે આવે છે અને ઘરમાં પોતાનું લેશન કરે છે અને ટી. વી જુએ છે અને કોઇક દીવસ મિત્રો સાથે રમવા જાય છે. કોઇપણ બાળકની આ જ દિનચર્યા હોય છે તો પ્રશ્ન એ થાય કે બાળકના મનમાં નકારાત્મક વિચારો ક્યાંથી જન્મે છે તો આ બાબતે આપણે કહી શકીએ કે સ્કૂલમાં એનાં મિત્રોની સંગતનાં કારણે બીજા કારણમાં કોઈવાર શિક્ષક પણ હોય છે અને ઘરનાં વાતાવરણની જો વાત કરીએ તો એનાં પાછળ મોટાભાગે ટેલિવિઝન પર આવતાં એવાં કાર્યક્રમ છે કે જે જોઈને બાળકનાં મનમાં નકારાત્મક વિચારો પેદા થાય છે. કેટલાક સંજોગોમાં બાળકનાં માતા - પિતા નો પણ વાંક હોય છે અને કેટલાંક લોકોનાં ઘરમાં તો ઘરનું વાતાવરણ જ નકારાત્મક હોય છે આથી બાળક પણ નકારાત્મક જ વિચારવાનું ચાલું કરે છે. આ જ બાબતો છે જે આપણા બાળકોને આવી ગુનાહિત પ્રવૃતિ માટે તૈયાર કરે છે. આ સંજોગોને જો બદલવા હોય તો સમાજે એકરૂપ થઇને બાળકોને એક પ્રકારની હૂંફ આપવી જોઈએ અને બાળકોને કેટલીક બાબતોથી દુર રહેવા માટે સમજ આપવાની જરૂર છે. આવું કરવાથી આપણો સમાજ જ નહીં પરંતુ દેશ બદલાઇ શકે છે.

3. સમાજે સ્ત્રી સાથે સાચે જ અન્યાય કર્યો છે ?

આપણા ભારતીય સમાજમાં સ્ત્રીને સમાજની પાયારૂપ શક્તિ માનવામાં આવે છે, એટલે કે સ્ત્રી શક્તિ એ ભારતીય સમાજના પાયામાં જ છે. સ્ત્રીએ સમાજના ઘડતર માટે અનિવાર્ય શક્તિ છે મધ્યકાલીન સમયમાં સ્ત્રી પ્રત્યે ગેરમાન્યતાઓ તથા રૂઢિચુસ્તતા વધી ગયી હતી જે આજના આધુનિક સમયમાં પણ ચાલી આવે છે. આપણો સમાજ શિક્ષિત થઇ રહ્યો છે, જે સારી વાત છે પણ સાથે રૂઢિચુસ્તતા પણ અપનાવે છે. આજે દેશમાં જાતિવાદ વધી રહ્યો છે. છોકરા - છોકરી એકસમાન નારા લગાવવામાં આવે છે પરંતુ એ જ લોકો છોકરા - છોકરી વચ્ચે અસમાનતા અને ભેદ કરે છે. આજે સમાજમાં એવી સ્થિતિ છે કે છોકરો ઘરે એક કલાક મોડો આવે તો માતા - પિતા કહે છે કે 'ટ્રાફિક માં ફસાઈ ગયો હશે ' પરંતુ જો છોકરી ઘરે પાંચ મિનિટ મોડી પડે તો તેના સામે કેટલાય સવાલો કરાય છે. આ અન્યાય નહિ તો બીજું શું છે ? આવું જ એક બીજું ઉદાહરણ લઈએ તો પરીક્ષામાં છોકરીને છોકરા કરતા વધારે ટકા હોય તો પણ માતા - પિતા છોકરા ને ભણાવશે અને છોકરીને કહેશે કે 'તું આગળ ભણીને શું કરીશ ?' આ આપણા ભારતીય સમાજની સ્થિતિ છે.

જયારે સ્ત્રી સશક્તિકરણ સામેના પડકારોની વાત આવે તો ભૃણહત્યાનો મુદ્દો સામે આવે જ. એક તરફ જે લોકો દેવી - શક્તિની પૂજા કરે છે એ જ લોકોએ સ્ત્રીભૃણહત્યા જેવા મહાપાપ ને પોષ્યું છે. એ લોકોને એ પણ ખબર નથી કે સાચી શક્તિ તો એ જ છે જે ગર્ભમાં છે. આ અન્યાય નથી તો શું છે ? હવે વાત કરીએ આજની યુવા પેઢીની તો તેઓ હંમેશા કંઈક નવું કરે છે પણ ઘણીવાર સમાજના રીત- રિવાજો તેમની સામે પડકારજનક બની રહે છે. એક ઉદાહરણ લઈએ તો આજનો યુવાન એ પોતાને ગમતી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે અને પોતાનું વિવાહિત જીવન સુખથી વિતાવવા માંગે છે પરંતુ આપણા સમાજની માન્યતા મુજબ માતા - પિતા કહે છે કે ' એ બીજા સમાજની છોકરી છે તારે એની સાથે લગ્ન ના કરાય ! 'આવું જ છોકરી સાથે પણ થાય છે. આ બાબતમાં જોવા જઈએ તો યુવા વર્ગ જાતિવાદ ને હટાવવાની કોશિશ કરે પણ આપણો સમાજ જ જાતિવાદને પોષે છે. આ સ્ત્રી પ્રત્યે અન્યાય નહિ તો બીજું શું છે ?

આ બધા ઉદાહરણ બતાવે છે કે આપણા સમાજે સ્ત્રી સાથે અન્યાય કર્યો જ છે. આ માન્યતાઓ અને રૂઢિચુસ્તતાને હટાવવાનું કામ માત્ર ને માત્ર યુવા જ કરી શકે તો આશા રાખી શકીએ કે યુવા વર્ગ સમાજને બદલશે અને સ્ત્રીનું માન - સન્માન સમાજમાં જળવાઈ રહેશે.