Kamini - 6 in Gujarati Love Stories by SWATI SHAH books and stories PDF | કામિની -૬

Featured Books
Categories
Share

કામિની -૬

કામિની – ૬

સ્વાતિ શાહ

કામિની ઘરમાં કામ કરતી પણ મન જરાપણ લાગતું નહિ . વારંવાર માલવનો ચહેરો નજરસામે આવતો અને શર્ટ પરનાં ડાઘ . રૂમાલના લેડીઝ પરફ્યુમ ની સુગંધથી અવારનવાર મગજ તર થઇ જતું . દિલ અને દિમાગ બંને જુદીજુદી દિશામાં વિચારતાં . દિમાગ જે કહે તે દિલ માનવા તૈયાર નહોતું . અકળાયેલી મુંઝાયેલી કામિની વાત કરે તો કોને ? બેલા આગળ તો પોતે કોઈ દિવસ લગ્નજીવનની અંગત વાત કરી જ નહોતી , તો હવે કેવી રીતે કરાય ? અદિતિ સાથે વાત થાય પણ ઉંમર માં તે મોટી અને એવાં અંગત સંબંધ નહિ કે પર્સનલ વાત કરી શકાય . મનમાં ને મનમાં વિચારમાં બેસી રહેતી . તેજ પ્રત્યે તેનું ધ્યાન ઓછું થઈગયું હતું . તેજ બહુ રડવા ચઢ્યો ત્યારે તેના બાઈ સીતાબહેન બોલ્યાં , “ ભાભી ક્યાં છે તમારું ધ્યાન ! આ તેજ રડે છે જરા જુવો ને . હું તેજનાં આટલાં કપડાં ધોઈ ને એને સંભાળું છું .”

સીતાબહેન પ્રૌઢ ઉમરનાં હતાં . સ્વભાવના શાંત અને કામનાં ચોખ્ખા હોવાથી આનંદીબેને કલોલથી તેજને સાચવવા બાઈ તરીકે મોકલ્યા હતાં . તેમના પરિવારમાં કોઈ ના હોવાથી કામિનીના ઘરે સારા ગોઠવાઈ ગયાં હતાં . સોહીણીના મૃત્યુ પછી કામિનીને કામમાં સહારો મળ્યો હતો . તેજનાં જન્મ પછી માલવ દુકાનેથી બપોરે ઘરે જમવા આવતો . ખાવાનું પીરસતી વખતે પણ કામિની જાણે વિચારમગ્ન . માલવને કામિનીનું વર્તન જરા જુદું લાગ્યું પણ કંઇ બોલ્યા વગર જમી પ્રેમથી તેજ ને રમાડી કામિનીના ગાલપર નાની ચુંટી કરતાં હસી પડયો . માલવ જતી વખતે બોલ્યો , “ ડીયર , આજે સાંજે વહેલો આવી જઈશ . આપણે તેજને લઇ આંટો મારવા જઈશું .”

સાંજે માલવ વહેલો આવી ગયો ને નીકળ્યો આંટો મારવાં . આજે તેણે ગાડી રત્નાના ઘર પાસેથી લીધી . મનમાં થયું ક્યાંક રત્ના દેખાઈ જાય તો સારું . ઘણાં દિવસથી જોઈ નથી , મળવાની વાત તો બાજુ પર . કામિની ડ્રાઈવ કરતાં માલવના બદલાતા હાવભાવ જોઈ રહી હતી . કામિનીએ માલવને કીધું , “ ક્યાં છે તમારું ધ્યાન ? હું આવતી કાલથી જીમ જોઈન્ટ કરવાની છું . સીતાબહેન સારા ગોઠવાઈ ગયાં છે . હું જરા ઘરની બહાર નીકળું તો મને પણ સારું લાગે . સોહીણીભાભી હતાં ત્યારે વાત જુદી હતી . હવે મને ઘરમાં બહુ એકલું લાગે છે . તેજ પણ હજી નાનો છે . જીમ જોઈન્ટ કરીશ તો શરીર પણ સારું રહેશે . શું કહેવું છે તમારું ?”

સાથે સાથે મનમાં બોલી , “ તમે મારી સામું સરખું જોતાં થશો . સારા ફિગરનો તમને મોહ છે ને ! એકલી સારી ગૃહિણી બને નહિ ચાલે .”

સોહીણીની ગાઈડન્સથી કામિની ઘણી બદલાઈ હતી . થોડી મોર્ડન થઇ હતી , પણ મનમાં જાગેલો શંકાનો કીડો હજી ગયો નહોતો . ફેશનેબલ થાય , રહેણીકરણી બદલાય પણ સંકુચિત મન થોડું બદલી શકાય ? ભ્રમર થોડીક ક્ષણ જેમ એક જગ્યાએ ટકે તેવુંજ માલવનું . એમાય પાછો ધંધો સાડી વેચવાનો એટલે બહેનો સાથે પાલો પડે ને આંખો ઠરે .

બેલા અને રંજનબેન કામિનીને બહુ આગ્રહ કરતાં કે તેજ ને લઇ એમનાં ઘરે આવે . શરૂઆતમાં તો શોકનું વાતાવરણ હતું એટલે કામિનીને જવું અઘરું હતું . હવે થોડું રુટીન ગોઠવાઈ ગયું હતું તે જાણી રંજનબેને કામિનીને ફોન કર્યો , “ બેટા કામિની ક્યારે આવે છે તેજને લઈને ? તું બપોરનું પતાવીને આવ અને એ દિવસે આપણે માલવને કહીશું રાત્રે અહીં જમે અને તને લેતો જાય . એ બહાને અમને તેજને રમાડવા મળશે .”

કામિની પણ પોતે ચેઈન્જ શોધતી હતી . આ એકના એક રુટીનથી કંટાળી હતી . તેણે માલવને વાત કરી , “ હું માસીના ઘરે જાઉં ? કાલે બપોરે તમે જમી અને દુકાને જાવ ત્યારે અમને માસીને ત્યાં ઉતારી દેજો . સાંજે સીધાં માસીને ત્યાં આવજો પછી તેમની સાથે જમીને આપણે પાછા આવીશું . બેલાને પણ તમને મળવાનું બહુ મન થયુંછે .” માલવ પણ માની ગયો.

બીજા દિવસે રંજનબેન અને બેલા આતુરતાથી કામિનીની રાહ જોતાં હતાં . બેલાએ તો જેવો રાત્રે કામિનીનો ફોન આવ્યો તેવોજ સાહિલને અમેરિકા ફોન કરી કહ્યું કે તેને તેજ સાથે ધરાઈ ને રમવા મળશે . સાહિલ અમેરિકા અને નરેશભાઈ પોતાના કામે દિલ્હી ગયાં હતાં એટલે રંજનબેન અને બેલાને પુરેપુરો સમય મળી ગયો . કામિનીને જોતાવેંત રંજનબેન બોલ્યાં , “કામિની તેં સારું શરીર ઉતારી દીધું છે . હવે વધારે ના ઉતારીશ . પછી સાવ સાંઠા જેવી લાગીશ .” કામિની તુરંત બોલી , “ માસી આજ વાત માલવ આવે ત્યારે કહેજો ને !” તેજ રંજનબેન સાથે સાંજ સુધીમાં ઘણો સરસ રહેવા લાગ્યો .

રાત્રે જમવાના સમયે માલવ આવ્યો ત્યારે રંજનબેન ઉમળકાભેર બોલ્યાં , “ માલવ આજે તેજ ને રમાડવાની બહુ મજા આવી . હવે એક અઠવાડિયાનો એક દિવસ નક્કી કરો અને એ પ્રમાણે રેગ્યુલર આવતાં રહો તો અમને સારું લાગે . વળી ક્યારેક તેજ ને અમારી પાસે અગવડ સગવડે મુકી જવો હોય તો અમારો થોડો હેવાયો થાય તો સારું .કામિનીને ગામમાં પિયર કહોતો અમારુંજ એક ઘર છે ને ! ” કામિની અને રંજનબેન તેજ સાથે સમય વિતાવ્યો અને માલવ અને બેલાએ સાથે બેસી ગપ્પાં હાંક્યા . માલવને પણ બેલા સાથે બેસવાની મજા પડી . છુટા પડતાં નક્કી કર્યું કે દર શનિવારે આમ ગોઠવવાનું . શનિવારે બેલાને જોબ પર રજા રહેતી એટલે સારું રહે .

સોહીણીભાભી ના અવસાન પછી મોટાભાઈ વધારે સમય દુકાન પર ગાળતાં અને સાંજે દુકાન વધાવી ઘરે આવતાં એટલે માલવ વહેલો નીકળી શકતો . વચ્ચે વચ્ચે રત્નાની મુલાકાત હોય . રત્નાને તેણે કહી રાખ્યું કે હવેથી સાંજે થોડો વહેલો મળશે . એક દિવસ રત્ના સાડી લેવાં માલવની દુકાને પહોંચી ગઈ . બે સાડી પસંદ કરી તો માલવે તેને ગીફ્ટ કરી . બિલીંગ કાઉન્ટર પર મોટાભાઈને બેઠેલા જોઈ રત્નાને એક ઝાટકો લાગ્યો . ફટાફટ મોં ફેરવી રત્ના દુકાનની બહાર નીકળી ગઈ . મોટાભાઈને મનમાં સવાલ થયો આ વળી અહીં ક્યાંથી ? તેમણે માલવને કારણ પૂછતાં કીધું , “ માલવ કોણ હતા તે બહેન ? તેં એમને સાડી ગીફ્ટ આપી ? કોઈ નજીકના ફ્રેન્ડ છે કે શું ?”

માલવ શું જવાબ આપે ! તેણે કલ્પના નહોતી કરી કે મોટાભાઈ આમ સીધો પ્રશ્ન પુછશે . જવાબ આપવામાં ગલ્લાતલ્લાં કર્યા એટલે મોટાભાઈ બોલ્યાં , “ સારું જવાદે વાત . પણ એટલું યાદ રાખજે કે તું હવે એક છોકરાનો બાપ થયો અને તારે રુપાળી અને સુશીલ એવી પત્ની છે .” માલવ માથું હલાવી ત્યાંથી આઘો ખસી ગયો , બોલવા જેવું કંઇ હતું નહિ , કંઇ પણ બોલે તો મોટાભાઈ સામે પકડાઈ જવાનો હતો એટલે ના બોલ્યામાં નવ ગુણ સમજી આઘો ખસી ગયો . એ દિવસથી માલવ થોડો સાવધ થઇ ગયો . સોહીણીભાભી ને પટાવી શકતો પણ મોટાભાઈ ...

કામિની બેલાને મળતી ત્યારે તેને ઘણું સારું લાગતું . માલવના મિત્રોને ક્યારેક મળવાનું થતું પણ કામિનીને તે બધાં મોટાં લાગતાં . એક શનિવારે કામિની અને બેલા વાતો કરતાં હતાં ત્યારે કામિનીથી બોલાઈ ગયું , “ બેલા માલવ અને મારે ઉંમરમાં ઘણો ડીફરન્સ છે , મને તેનો અહેસાસ કોઈ દિવસ નથી થયો . હમણાંથી માલવના મિત્રોને મળું છું તો બધાં મને ઘણાં મોટાં લાગે છે . તેમની વાતો અને મારી વાત કરવાની રીતમાં ઘણો તફાવત લાગે છે . પિક્ચરની વાત કે હસીમજાકની કોઈ વાતો જ નહોય . શેરબજાર ને સાડી દાગીનાની વાતો થયાં કરે . મને તે લોકો સાથે વાત કરવાનો બહુ કંટાળો આવે છે .” બેલા શું બોલે ! આદત મુજબ જરાક સ્મિત કરી વાત ઉડાવી દીધી .

અઠવાડિયે એકવાર કામિનીના માસીના ઘરે જવામાં શરૂઆતમાં માલવને ગમ્યું . મનમાં થયું કે ચાલો જે બેલાની સંગત વધુ થઇ . નરેશભાઈ ને સાંજે ઓફિસથી આવતાં ક્યારેક મોડું થઇ જતું. બેલા માલવને સારી કંપની આપતી . માલવ ક્યારેક હસીમજાકમાં બેલાને સ્પર્શ કરી લેતો . ચપળ બેલાના ચબરાક મગજે આની નોંધ લઇ લીધી હતી . કામિનીને કહેવું કે નહિ અને કહેવું તો કેવી રીતે કહેવું તે વિચારતી થઇ ગઈ . રંજનબેનને કહે તો વધુ પ્રોબ્લેમ થાય માટે વિચારતી કે કંઇ નહિ આવતાં શનિવાર સુધીમાં કોઈક રસ્તો નીકળી આવશે .

શનિવાર આવ્યો અને બપોરે જમતી વખતે માલવે કામિનીને કહ્યું , “ કામિની આજે માસીને ત્યાં આવવું મને નહિ ફાવે . દુકાનમાં જરા વધારે કામ છે . સીઝન શરૂથાય તે પહેલાનું પ્લાનીંગ કરવું છે . હું તને ઉતારી જઉં છું . માસીને કહેજે આજે હું નહિ આવી શકું . બેલાને કહેજે કે તને ઉતારી જાય .” જમી અને કામિની અને તેજને માસીના ઘરે ઉતારી માલવ દુકાને પોહોંચ્યો પણ કામ કરવામાં મન ના લાગ્યું . ઘણાં સમય પછી આજે કંઇ શાંતિથી રત્ના સાથે સમય પસાર કરવાનું નક્કી કર્યું હતું .

તેજ માસીને જોતાં જ કામિનીના હાથમાંથી કુદકો મારી માસીના હાથમાં જતો રહ્યો . બેલા હસતાં હસતાં બોલી , “ જોયું કેવો અમારો હેવાયો થઇ ગયો છે ! ચાલ આજે થોડીવાર મમ્મી પાસે તેજ ને મુકીને આપણે જરા માર્કેટ જઈ આવીએ .” ઉત્સાહમાં આવી કામિની બોલી , “ હા ચાલ , હું પણ ઘણાં સમયથી માર્કેટ નથી ગઈ . ચાલ તારી સાથે મારું પણ થોડું શોપિંગ થઇ જશે . જો સમય રહે તો હું જરા મારા વાળ કપાવી લઉં . તું સાથે હોય તો વાળની સ્ટાઇલ બદલવામાં તારી હેલ્પ રહે .”

તેજ અને પોતાનું શોપિંગ પતાવી કામિની અને બેલા સલુનમાં ગયાં . કામિની બોલી , “ બેલા તું હવે માલવને ઓળખે છે તેને ગમે એવાં મારે વાળ કપાવવા છે . તું સમજે છેને હું શું કહેવા માંગું છું . તે પ્રમાણે આમને સુચન કરી દે હું એકસ્પ્લેન નથી કરી શકતી .” બેલા એ સમજાવીને બહુ કામિનીના વાળ સરસ કપાવ્યા ને બોલી , “ કામિની હવે તારું કામણ બરાબર ચલાવજે માલવભાઈ પર . પક્કડ જરા મજબૂત કરજે .” બધું પતાવી કામિની અને બેલા ઘરે પહોંચ્યા તો તેજ માસી સાથે રમતો હતો એ જોઈ કામિનીને હાશ થઇ .

ઉંચી , રુપાળી અને સુદ્રઢ બાંધાની કામિનીને નવી હેર સ્ટાઇલ માં જોઈ માસી મોં વાકાસતા જોઈ રહ્યાં . જરા શ્વાસ લઇ બોલ્યાં , “ આ શું કરાવી આવ્યાં ? કેટલી સુંદર લાગે છે . કામિની , તને જોઇને કોઈ કહે નહિ કે તું એક છોકરાની મા છું . વાળ કપાવ્યા પછી તું વધારે નાની લાગે છે .” ઘણાં સમય પછી આવાં શબ્દ કામિનીના કાનમાં પડ્યાં . તેને વર્ષો જુની વાત યાદ આવી. જ્યારે કોલેજનાં પહેલાં વર્ષે આઇકાર્ડ માટે ફોટા પડાવવા ગયાં હતાં ને ભાવનાએ તેના જે વખાણ કર્યાં હતાં તે યાદ આવ્યાં . તે વખતે જે ફીલીંગ થઇ હતી તેવીજ આજે કામિનીએ અનુભવી . ગુલાબી ગાલ પર શરમના શેરડા પડ્યા . બેલા હસતાં બોલી , “ શું તું પણ આમ નવી દુલ્હનની જેમ શરમાઈ ગઈ . સુંદર લાગતી હોય તો કહેવું તો પડે જ ને ! જા કરીલે મારા જીજાજી સાથે વાત .”

ઉત્સાહભેર કામિનીએ દુકાને ફોન લગાવ્યો . ફોન મોટાભાઈએ ઉપાડ્યો , “ હલો , ભાઈ કામિની બોલું છું . એમને આપોને ફોન .” મોટાભાઈ જરા વિચારમાં પડીગયા . થોડું અટકી બોલ્યાં , “માલવ જરા કામે ગયો છે , હમણાં આવે એટલે કરાવું .” ફોન મુકતા મનમાં બોલ્યાં , “ માલવ તો અડધા કલાક પહેલાં કામિનીના માસીના ઘરે જાઉં છું કહી નીકળી ગયો . એ પહેલાં ફોન પર કામિનીને કહેતો હતો કે હા હું બસ પહોંચ્યો .” શું વાત છે . કંઇક ગરબડ છે . આ છોકરાને કંઇ સમજાવવો પડશે .”

રત્ના ને લેવાં માલવ પહોંચ્યો તો રત્ના તૈયાર નહોતી . આજે બંનેનો લોંગ ડ્રાઈવ પર જઈ હાઇવે ની કોઈ હોટેલમાં જમી સમય પસાર કરવાનો પ્લાન હતો . માલવની દુકાનથી જે દિવસે સાડી લાવી અને ત્યાં માલવના મોટાભાઈને જોયાં ત્યારનું મગજ ચકરાવે ચઢ્યું હતું અને એટલામાટે આજે તેણે માલવ સાથે જવાનું ટાળવું હતું . માલવની જીદ આગળ રત્ના નું કંઇ ચાલ્યું નહિ . આજે રત્ના વધારે કાળજી સાથે તૈયાર થઇ .

હાઇવે ઉપર ગાડી લેતાં માલવ રોમાંચિત થઇ ગયો . “રત્ના કાફી ગુમસુમ બેઠી છો ? શું વાત છે ? આમ ના ચાલે . ચાલ તને ગમતાં ગીત મુકું . ” રત્ના ને કોઈ અસર નહોતી થતી તે પોતાના વિચારમાં બેઠી રહી . બરોડા હાઇવે પર એક હોટલ પર માલવે ગાડી ઉભી રાખી . અંદર જઈને બેઠાં ને રત્ના રોમાંચિત થઇ વાતો કરવા લાગી . પ્રેમના રસથાળ નો આનંદ લઇ બંને અમદાવાદ પાછા આવ્યાં . રત્નાને ઉતારી માલવ ઘરે પહોચ્યો ત્યારે કામિની તેજ ને સુવડાવવા રુમમાં હતી ને મોટાભાઈ ડ્રોઈંગ રુમમાં બેઠાં હતાં .

મોટાભાઈની એક તીખી નજર માલવ માટે કાફી હતી . માલવ મોટાભાઈ સામે નજર મેળવ્યા વગર રુમમાં ચાલી ગયો . રુમમાં જઈ જોવે તો કામિની કામણ રેલાવતી નવા સ્વરૂપે માલવની રાહ જોતી બેઠી હતી . “ અરે શું વાત છે વાળ કપાવી આવી ? બહુ સુંદર લાગે છે . આજે માસીને ત્યાં શેર લોહી ચડાવીને આવી લાગે છે તે ગુલાબી ગુલાબી લાગે છે .” બસ કામિની માટે તો માલવના આટલાં શબ્દ કાફી હતાં . બધો ગુસ્સો ગયો પાણીમાં ને સમાણી માલવની ગોદમાં .સવારથી માલવે નક્કી કર્યું હતું કે હમણાં બે ચાર દિવસ રત્નાને ભૂલવી પડશે . નહીંતો મોટાભાઈની પક્કડમાં આવી જશે .

વાંદરો જપીને બેસે નહિ તેમ માલવ બેસી રહે તેમાનો નહોતો . તે ફરી રત્નાને ઘરે પહોચ્યો તો શું જુવે ? ઘરે તાળું . બેચાર દિવસ ચક્કર માર્યા પણ ઘર બંધ . કામમાં ચિત્ત લાગતું નહોતું દુઃખી મોં કરી બેઠો હતો ત્યારે મોટાભાઈએ માલવને અંદર કેબીનમાં બોલાવી વાત કરી , “ માલવ , હવે રત્નાને ભૂલી જા અને તારા પોતાના સંસાર માં ધ્યાન આપ .એ તને હવે ક્યારેય નહિ મળે . હા , મને એનો અતોપતો પૂછીશ નહિ . હું સોહિણી નથી કે માની જાઉં . એને શોધવા કોશિશ પણ ના કરતો .આખા ગામના જુવાનિયા ને ઘેલા કરી લુંટનારી હવે અમદાવાદ માં નથી .” આમ શબ્દો પુરા કરી એક પત્ર માલવના હાથમાં પકડાવી રુમમાં ચાલ્યા ગયાં .

પત્ર ઉપર માલવનું નામ અને દુકાનનું સરનામું હતું . માલવે પત્ર ફાટક કરતો ખોલ્યો ને વાંચ્યું , “ પ્રિય તો સંબોધન નહિ કરું , થેન્ક્સ ફોર ઓલ ગીફ્ટ . હું તને નહિ તારા પૈસાને પ્રેમ કરતી હતી. હવે મને ભુલી જજે .” – રત્ના .

માલવ દુઃખી ચહેરે રુમમાં ગયો ત્યારે કામિની એક વિજયી સ્મિત વાળા ચહેરે નિશ્ચિંત થઇ સુતી હતી ...