Vaysandhi in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | વયસંધિ

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

Categories
Share

વયસંધિ

વયસંઘિ

લેખક :-

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


વયસંઘિ

દર ઉનાળામાં રજાઓ પડે અને મનોરમા નાની બહેનને પોસ્ટકાર્ડ લખી નાખે - ‘વિજ્યા, સંગાથ જોઈને મોકલી દે લતાને.’

ને પેલી તો રાહ જોઈને જ બેઠી હોય-ટપાલની. નાનીની સ્થિતિ કાંઈ સારી નહોતી. મનોરમાને થાય કે એ મસે એને મદદ થાય, છોકરીને બે લૂગડાંય લઈ આપે. પોતાનેય બોલોચાલો રહે, એટલો સમય.

છેલ્લી બે રજાઓમાં પણ લતા આવી હતી. માસી... માસી... કરતાં થાકતી નહોતી. જતી વખતે એ બોલેલી - ‘માસી, બોલાવશો ને આવતા વરસેય ?’

આમ તો મનોરમા કશુંય લખવાની કાયર. બે-ચાર પ્રાર્થનાઓ, શ્લોકો, આરતીઓ મોઢે થઈ ગયાં હતાં વરસોથી. બસ એનું રટણ કર્યા કરતી ને એની સવાર પસાર થઈ જતી. પણ બપોર...? અજગર જેવડી બપોર કેમ પસાર કરવી ? ખાટલા પર પડી પાસાં ફેરવે તો પણ સમય તો થીજી જ જતો-ઘડિયાળના ડાયલમાં !

તે ખુદ પણ જાણે થીજી ગઈ હતી, એના ચાલીસમાં વરસમાં. શરીર સૌષ્ઠવ હજી પણ જળવાયું હતું. અંગો પર પીળાં ધમરખ ઘરેણાં શોભતાં હતાં. નવી સાડીઓથી ઘરેણાંઓ શોભતાં હતાં. ને જૂના બાપાવારીના મકાનનેય, આટલાં વરસોમાં, ક્યાં ઓછી મરામત કરાવેલી ?

પતિની વીશી ધમધોકાર ચાલતી હતી - રંગપુરમાં. આસપાસનાં દશેક ગામડાંનું હટાણું હતું. સુખ વડલાની જેમ જ વિસ્તરતું હતું. અને મનોરમા કેટલી ખુશ હતી ? ક્યાં કલ્પ્યું હતું આટલું સુખ ? પરણી ત્યારે પતિ જ ક્યાં ગમતો હતો ? નામ પણ કેવું - રેવાશંકર ?

પણ પછી એ પુરુષેય ગમવા લાગ્યો હતો. કોણ લાવતું હતું આ તરબોળ થવાય એટલું સુખ ? છોને રહે રચ્યાપચ્યા વીશીના કામમાં; બધી ઇચ્છાઓ પૂરી થાતી હતીને ?

પણ આ ઇચ્છાનું શું ? એકેય સંતાન જ નહીં ? નાનીને પરણાવી હતીય મોડી અને મહામહેનતે. તો પણ ત્યાં તો દોઢ-બે વરસને આંતરે ત્રણ જન્મી હતી, ઉપરાઉપરી, આ તે ક્યાંનો ન્યાય ? મનોરમા ઊકળી ઊઠતી, પ્રથમ ઇશ્વર પ્રતિ અને પછી પતિ પ્રતિ.

‘આ તે કેવું-વરસે ત્યાં અનરાધાર ને બીજે કોરુંધાકોર ?’, ‘છે લવલેશ ઘરનું ? બસ... બધું જ વીશઈમાં આવી ગયું ?’

મન ક્યારેક આકળ-વિકળ થઈ જાય. અરે, વ્યક્ત પણ ક્યાં થવું ? નરી એકલતા સાપોલિયાની જેમ ફર્યા કરે-ભીતરમાં અને વિશાળ આલીશાન મકાનમાં.

તે કટાક્ષ કરતી પતિ ભણી - ‘મોટે ઉપાડે મેડી કરી ! છે કોઈ રે’વાવાળુ ? બે જ માણસ ને શું કરીએ એમાં ?’ એક અભાવે, રોળી નાખી મનોરમાને.

આ રઘવાટમાં જ તે લતાને બોલાવી લેતી - રજાઓમાં. હાથ-વાટકો, બોલો ચાલો... એ તો માત્ર મનને મનાવવાની વાતો હતી પણ ખરી વાત તો અલગ જ હતી. તેણે પતિને પણ આ વાત ક્યાં કરી હતી. બસ, મનોમન જ... ગોઠવી નાખ્યું હતું. લતા ગમી પણ ગઈ હતી. રૂપાળી, નમણી, ઠાવકી... આમ છોગાંઓ ઉમેરતી જતી હતી.

બસ... લતાનું કન્યાદાન આપી દેવું. સાવ એળે ના જવા દેવાય આયખાને. એટલું પુણ્ય તો મેળવી જ લેવું. વિજ્યાને રાહત અને પોતાને બે હાથમાંય ન સમાય એટલું સુખ.

આ બે વરસ દરમિયાન, મનોમન બીજ રોપાઈ ગયું. અને આ વરસેય એણે વિજ્યાને પોસ્ટકાર્ડ લખી જ નાખ્યું. ખુદ પોતે જ નાખી આવી - લેટર બોક્સમાં.

‘ને મા’રાજને વાત કાને નાખી જ દેવી’ - એય નક્કી કરી નાખ્યું. પ્રતીક્ષાય શરૂ થઈ ગઈ - લતાની.

એ આવીય ખરી.

‘માસી...’ કહેતી વળગી પડી મનોરમાને.

મનોરમા તો ચકિત થઈ ગઈ. ગયે વરસે તો સાવ અબૂઝ કિશોરી હતી ને અત્યારે તો...?

લતા ખાસ્સી મોટી થઈ ગઈ હતી. જાણે ચારેય પાળ ઓળંગવા મથામણ કરતી તળાવડી !

‘લો, ચાર વરસમાં તો આનો પ્રસંગ આવ્યો જ સમજો ! કેવી હાડેતી થઈ ગઈ છે ?’ તે વિચારવા લાગી.

‘અરે, એવી ધામધૂમ કરવી છે, એનાં લગનમાં કે લોકો વખાણ કરતાં થાકે !’ મનોરથોય થવા લાગ્યા.

ખૂબ વહાલી લાગી લતા. અને એ વહાલી છોકરીએ કામ ઉપાડી લીધું - આવતાંવેંત.

‘માસી, નિરાંતે પૂજા-પાઠ કરો. આરામ કરો. હવે બધું મારે માથે.’ અને કેટલી રાજી થઈ એ ? આટલાં વરસોનો થાક, સામટો ઊતરી ગયો જાણે !

બીજે દિવસે મળી લલિતા. વાત બીજે ક્યાં ફંટાવાની હતી ? કેટલાં થયાં તને ? ચાલીસને ? તો પછી કાળ ક્યાં વીતી ગયો છે ? ચાલીસ શું, એ પછીય ખોળા ભરાયાના દાખલા છે ! શ્રદ્ધા હોવી જોવે ? વચલી ફાટકવાળી મા તો હાજરાહજૂર છે. કાલ સવારે જ હાલ મારી હારે. ચાલતા જવાનું. શું સમજી ? મા ધાર્યા કામ કરે છે. પેલી રમલી નૈ-છ નંબરની શેરીવાળી ? એનેય માએ સારા દા’ડા દેખાડ્યા.

અને મનોરમા એ પૂરમાં તણાવા લાગી.

એને કેમ ન યાદ આવ્યું ? મા તો દયાળુ જ હોય. આપણે શ્રદ્ધા રાખવી પડે. મન દૃઢ થઈ ગયું મનોરમાનું.

રાતે પતિને કહી દીધું - ‘જુઓ. કાંક તો કરવું પડે ને ? તમનેય થતું તો હોય પણ તમે પુરુ,. ને અમે... બૈરાં. માની પાહે જાઉં છું. ઘણાય છે સાથે. બધાયને પોતપોતાની ઇચ્છા તો હોયને ? લલિતા કે છે કે... !

થાકેલો પતિ હોંકારો દેતો હતો એટલું જ.

એનું મન તો વીશીમાં જ હતું. પત્નીનું સંભાષણ તો ચાલુ જ હતું. ‘જુઓ, લતડીની ચિંતા રાખતા નૈ. એ તો એની પૂરતી-ચાર રોટલી વણી લેશે. ને આવતાં રાતેય થઈ જાય. કાંઈ નક્કી ને, બસ... એક કૃપા થઈ જાય આપણા પર, એટલે ભયો ભયો.’

રેવાશંકરને બસ એક જ વાત યાદ રહી ગઈ, પત્ની કાલે માના થાનકે જવાની હતી અને લતા માટે વ્યવસ્થા કરવાની હતી. ‘એ તો મોકલી દઈશ તિલકાને ટિફિન લૈને. ભલેને, એય ખાતી વીશીનું ભાણું. યાદ કરશે સવાદને. ગામઆખ્ખું અમસ્તું આવતું હશે - વીશીમાં ?’

તિલકોય તેર-ચૌદનો. વીશીનાં ટાંપાટૈયાં સંભાળે. ‘જા.... જેરામદાદાને ટિફિન પુગાડી દે. ભૂખ્યા થ્યા હશે ?’ ‘આ ચીજ-વસ્તુનું લિસ્ટ. અબઘડી પુગાડી દે લચ્છીરામની દુકાને. માલ આપે તો લેતોય આવજે. કે’જે કે ઉતાવળ છે.’

‘લે... ફેરવી દે ટેબલ પર પોતું.’

‘જા, જલદી... માસ્તરના મે’માન બોલાવતો આવ... !’

આમ રેવાશંકરનું મોઢું ચાલે ને તિલકાના પગ. ને ઘરે તો રોજ મોકલે પત્ની પાસે. ત્યાં પણ આવાં કામો તો હોય જ ને ?

તિલક રાતે થાક્યોપાક્યો વીશીના ઓટલે જ સૂઈ જાય. એની એકધારી બીબાઢાળ જિંદગીમાં એક જ વિલક્ષણતા. એ ભારે પાવરધો નવકૂકરી રમવામાં. ગમે તેને હરાવી દે. જોતજોતામાં સામાની બધી કૂકરી હરી લે ! બસ એની આ આવડતર પર સહુ ચકિત થઈ જાય. કોઈ નવકૂકરી રમાવનું આમંત્રણ આપે ને તિલકો, સાતેય કામ પડતાં મૂકીને રમવા બેસી જાય.

ગઈ રજામાં એણે લતાને એટલી વાર હરાવી હતી કે પેલી તો રડમસ થઈ ગઈ હતી. પછી તો લતાએય ગાંઠ મારી હતી કે આવતી રજામાં તો એ છોકરાને હરાવવો જ; શું ના હારે ? પોતે તો ગામની કન્યાશાળામાં ભણતી હતી. પાંચમો નંબર પણ લાવી હતી ગયા વરસે ! ને તિલકો સાવ અભણ ! લતાએ નક્કી કર્યું હતું કે તે એને હરાવશે જ.

પહેલી વાર લતા આવી ત્યારે મનોરમાબહેને ઓળખાણ કરાવી હતી - ‘તિલકા, આ લતા. ગામડેથી આવી છે. તારે એને લતાબહેન કે’વાનું.’

ગૌર, રમતિયાળ ચહેરો, હસું હસું થતી આંખો, જીર્ણ વસ્ત્રો બસ, આ તિલકો ! ને લતા જેવડો જ-વયમાં અને કદમાં. ગઈ રજાઓમાં તો નવકૂકરી રમવા માટે સમય મળી જતો. દયા આવી જતી તિલકને. અને પછી એકાદ બાજી ચાહીને હારી પણ જતો.

પણ આ વખતે તો મનોરમાએ લતાને સ્પષ્ટ કહી દીધું હતું - પહેલે દિવસે જ - ‘જો... લતા, તું હવે મોટી થઈ ! તારે હવે તિલકા સાથે રમવાનું નૈ !’

ને એનાં બારેય વહાણ ડૂબી ગયાં હતાં. અરે, એ માટે તો આવી તી અહીં. તે તિલકાને ભૂલી જ નહોતી. કેવી સરસ રીતે કૂકરીઓ ગોઠવતો હતો કે ભરત અચૂક થાય જ. જોકે એણે પણ કેટલીક યુક્તિઓ આત્મસાત્‌ કરી હતી - વરસ દરમિયાન. પણ માસી આડાં ફાટ્યાં ! નૈ રમવાનું છોકરા સાથે ? ગઈ રજામાંય એ તો છોકરો જ હતોને ? ને એ પોતે... ?

મનોરમા આસ્થાવાન સ્ત્રીઓના ટોળામાં ભળી ગઈ હતી. છેલ્લે છેલ્લે ઉતાવળે, એક-બે સૂચનાઓ પણ આપી હતી એણે. એ લોકો ગયા ને લતા થઈ ગઈ - સાવ એકલી ! બે પળ, જરા વિચિત્ર લાગ્યું. માસી વિના કેમ રહેવાશે - એમ પણ થયુ.ં પણ તરત જ તિલકો યાદ આવી ગયો ને આનંદથી છલકાઈ ગઈ. ‘નવકૂકરી રમાશે નિરાંતે-તિલકા સાથે.’

એ ખ્યાલમાત્રથી તરબોળ થઈ ગઈ લતા. મનોમન રમવાય લાગી, નવકૂકરી.

માસી જ નથી પછી કોણ રોકવાવાળું હતું ? એણે જગ્યા પણ નક્કી કરી નાખી.

‘બસ, અહીં જ રમવું. પવન પણ આવે પંખાનો. અને બેય બાજુનાં બારણાંઓનું ધ્યાન પણ રહે.’

લતાએ તો કાળી ને ધોળી, નવ નવ કૂકરીઓ એકઠી પણ કરી. તિલક આવે ને માંડી દેવી રમત.

અંદર ને બહાર મીઠી રણઝણ શરૂ થઈ ગઈ. ક્યારે આવે તિલકો ને ક્યારે...

એક આંખ ઘડિયાળના ડાયલમાં ને બીજી બારણા પર. ભૂખ, તરસેય ભુલાઈ ગયાં.

આવશે તો ખરોને ? આશંકા જન્મી. માસી નથી તો કદાચ,... ના પણ આવે. તંતુ લંબાયો.

પછી ક્યાંય ચેન જ ના પડે. ચીડ પણ ચડી-તિલકા પર. ‘કેવો કે’વાય - ડોબો ? આવો સરસ મોકો છે ને આવતો નથી ?’

ને અચાનક બારણું ખખડ્યું. તિલકો... જ હશે - કરતી એ દોડી - શ્વાસભેર.

અને હતોય એ. એના ચહેરા પર હરખ લીંપાઈ ગયો. ‘વાહ, આવ્યો’તો ખરો.’

અને સાથે ટિફિન પણ લાવ્યો હતો. રેવાશંકરે પોરસાઈને મોકલ્યું હતું. ભલે, એય ખાય. ટિફિન, માસાની વીશીનું !

લતાને ટિફિન જોઈને ભૂખ યાદ આવી ગઈ. અરે, તે હજી નાહી પણ ક્યાં હતી ? આ નવકૂકરીએ તો ભાન જ ભુલાવી દીધું હતું. એ હસી પડી - એની હાલત પર.

પછી તેણે બે વાક્યમાં જ તિલકને બધી વાત કહી દીધી. ‘તિલકા... માસી નથી. નવકૂકરી ચકાવવી છે. દોરી નાખ ત્યાં આ નાહીને આવી !’

અને તિલક રાજી રાજી થઈ ગયો. વાહ ! નવકૂકરી... ! પણ તે વિચારમાં પડી ગયો. ‘લતાબહેનને જિતાડવાં કે હરાવવાં ? રડવા તો નૈ લાગે ને, હારી જશે તો ?’

તેણે રમત રમવા માટેનું ચિત્ર દોરી નાખ્યું - ફરસ પર. પછી બેસી ગયો, ભીંતને અઢેલીને. વિચાર તો આવે જ. એને એની બહેન યાદ આવી ગઈ. આવડી જ હતી - લતાબહેન જેવડી. ગઈ સાલ તો બેય સરખાં જ લાગતાં’તાં એને. પણ આ લતાબહેન તો ખાસ્સાં મોટાં થઈ ગયાં. એક વરસમાં જ !

તેણે વિચાર કરી લીધો કે તે રજા લઈને થોડા દિવસ વતન જઈ આવશે, મળી આવશે સહુને. કદાચ એની બહેન પણ આવી જ હાડેતી થઈ ગઈ હોય - આટલા સમયમાં ? મા તો દરેક સમયે વધુ ને વધુ ઘરડી થતી જતી હતી !

એક ઉત્તેજના માણવી હોય ને ત્યાં બીજી પણ કૂદી પડે, એવું જ બન્યું લતાને.

બારણું વાસીને ગંગા નાહ્યાં, ગોદાવરી નાહ્યાં - જેવું કર્યું એણે. ઝટપટ ઠંડા પાણીની છાલકો મારી શરીર પર. જીવ હતો નવકૂકરીમાં. ફરી આવી - માસીની ગેરહાજરીની તક મળે કે ન મળે. હોય તો ના પણ પાડી દે, આ વખતે. ભલું પૂછવું એમનું. ‘ન રમાય છોકરા સાથે.’ એમ પણ કહી દે.

પછી તરત જ ગોખમાં હાથ ફરવા લાગ્યો - વસ્ત્રો લેવા. અરે, આ શું હાથમાં આવ્યું ? લતા જરા ચમકી.

‘અરે, આ તો માસીની... ?’ એ હસી પડી. મોટી સ્ત્રીઓ પહેરે. છોકરીઓય પહેરે, મોટી થાય પછી !

પછી એના જ વિચારો આવેને ? એના ગામની વિમળાય પહેરતી’તી અને માલતીય ! પાછળની શેરીવાળી નીલીય ખરી.

એને એક જ જાતનાં દૃશ્યો દેખાવા લાગ્યાં.

શા માટે પહેરતાં હશે ? મોટા થાય એટલે... એવું કરવું પડે... ભૈ ! એને જ પ્રશ્ન થયો ને એણે જ જવાબ શોધ્યો.

આ બધો સમય પેલું વસ્ત્ર તો એના હાથમાં જ રમતું હતું. એનામાં સાહસ જાગ્યું. લાવને... હુંય... પહેરું આજે ! માસી નથઈ, પછી શાની ચિંતા ? નિર્ણય લેવાઈ જ ગયો.

એ વસ્ત્ર - બેય હાથમાં આમતેમ, ન જાણે કેટલીય વાર ફરી ગયું. સમજણ પડી કે બેય હાથ તો ભરાવી જ દેવાના. એમ કર્યુંય ખરું. નાનકડો તિરાડવાળો અરીસો પણ હતો, એમાં જોવાઈ પણ ગયું. બરાબર જ થયું હતું - એવું લાગ્યું. થોડો સંતોષ, થોડો આનંદ ને ઝાઝી ઉત્તેજના.

હવે વાંસા પર ફફડતાં બેય પાંખિયાઓનું શું કરવું ? એ બંધ થાય તો જ બધું બરાબર ચપોચપ બેસી જાય. હા, ક્લિપેય હતી ત્યાં. પણ વાસવી કઈ રીતે ? હાથ ત્યાં પહોંચે તો ને ? તરત પ્રશ્ન થયો. માસી કઈ રીતે... ક્લિપ વાસતાં હશે ? વિમળા, નીલી એ બધાંય શું કરતાં હશે ?

બે ઊડા શ્વાસ લેતી એ થંભી ગઈ. શું કરવું ? કાઢી જ નાખું ? પણ મન ના માન્યું. આટલે સુધી પહોંચ્યા પછી અધવચ... પડતું મૂકવાની વાત ન રુચિ લતાને.

અચાનક તિલક યાદ આવી ગયો એનેય આવડતી હશે, ક્લિપ બંધ કરતાં. પૂર્ણતા સુધી પહોંચવું હોય તો એ જ કામમાં આવી શકે. બાવરું મન એ જ દિશામાં દોડી ગયું.

ફરી આવી તક ક્યાં મળવાની હતી ? અરે, આટલો સમય બાથરૂમમાં ગયો હોય તો માસી બારણું જ ખખડાવે. એલી, સૂઈ ગઈ કે શું ? ના’વામાં તે વળી શા વેદ ભણવાના હોય ? સાવ વે’તા વિનાની જ છું તું તો ! શું કરીશ, પારકે ઘેર ? - આવું આવું સંભળાવી દે.

અને એ લલચાઈ. ક્યાં પારકો હતો તિલક ? અરે, માસી તો સાડી પહેરતાં પહેરતાં જ એને બોલાવે. પાટલી વાળતાં વાળતાં જ એને કહે - ‘કેમ પછી કાલે ન રોકાયો ? નાસ્તો રાખ્યો હતો તારા માટે. અસલ વડોદરાનો ચેવડો હતો. તારા મા’રાજ કાંઈ વઢે નહીં. મારું નામ દઈ દેવું, શું સમજ્યો ?’

ને પાલવ છાતી પર ઢાંકતા ઢાંકતા એક ટપલીયે મારે એના ગાલ પર. મારે તો ખાલી ક્લિપ જ બિડાવવાની છે. આ તો હાથ પહોંચતા નથીને, એટલે ! એક મિનિટેય ન લાગે, આટલા કામમાં ! એ બ્રા પહેરવાનો રોમાંચ જતો કરવા માગતી નહોતી જ.

મન એક તરફ ઢળે પછી એકસામટાં કેટલાંય પગથિયાં ચડી-ઊતરી જવાય.

એણે બારણું સહજ ખોલ્યું -તરાડ સરખું. બહારનું અજવાળું કળાયું. તિલકનો પડછાયોય દેખાયો. તરત જ શરીર પરનો ટુવાલ વીંટી લીધો એણે. બરાબર કસીને.

સાદ પાડ્યો તિલકને - ‘તિલકા...’

બેય પાંખિયા ભીના વાંસા પર ફગફગતાં હતાં. બધું વિચારી લીધું, કે કેમ કરવું.

‘હં...’ એ છોકરાનો કડકડતો સ્વર સંભળાયો.

એ ક્ષણભર ઢીલી પડી. બોલાવું કે ન બોલાવું. એ પ્રશ્ન થરથર્યો આખા શરીર પર, મન પર.

પછી કહી જ દીધું મક્કમ થઈને - ‘તિલક, આ ક્લિપ જરા, બીડી દેને !’

બારણું જરા વધુ ખૂલ્યું. એ પાછી વળીને ઊભી રહી - બારણામાં. દૃષ્ટિ પાછળ રાખી - ડોક વાળીને.

‘આવું...’ સંભળાયું ને પછી એનો પડછાયો નજીક આવ્યો. એ જરા થરથરી ને શિથિલ બની ગઈ.

બે પળમાં તો તિલક પાસે આવી ગયો. સાવ દૃષ્ટિ-મર્યાદામાં. એના પગ અટક્યા. એના ગોરા ચહેરા પર નર્યું વિસ્મય હતું. ‘આ બીડી દે, બેય પાંખિયા.’ લતાએ હતું એટલું જોર એકઠું કરીને કહી દીધું. પેલો ક્લિપ લગાડી દે. પોતે બારણું પુનઃવાસી દે. બસ, પછી તો દુનિયાભરનું સુખ મળવાનું જ હતું, જે વિમળા, નીલીને મળતું હતું.

એ નજીક આવ્યો લતાની. બેય હાથો પ્રથમ પાંખિયાને સ્પર્શ્યા, સભાનપણે. ને એમાં જ અડાઈ ગયું લતાની થરથરતી પીઠને. ગુદગુદી જેવું થયું લતાને. એમ જ થયું કે હમણાં જ હસી પડશે. સૂચના આપવાનું મન થયું - ‘ભૈ... ઝટ પતાવને ! આટલી વાર એક ક્લિપ બીડવામાં ?’

પણ એણે એમ ન કર્યું. બસ, અવશ બનીને ઊભી રહી ગઈ એમ જ. અજાણ્યા સ્પર્શોએ એમનું કામ પૂરું કર્યું. તિલકના પગલાં ય સંભળાયા, એ વળી ગયો ત્યાં સુધીના.

લતા નવીન અનુભૂતિમાં સરી ગઈ.

એ પછી નવકૂકરીની રમત જામી જ નહીં. કોણ હારતું હતું, કોણ જીતતું હતું - એનું મહત્ત્વ જ ન રહ્યું. લતાનું ચિત્ત સહેજેય ના ખૂપ્યું - રમતમાં. બાર વાગ્યા ન વાગ્યા ને એ રવાના થઈ ગયો.

સાંજે લતા તો કશું ન બોલી પણ પડખેના ઘરવાળી સ્વાતિ જ બોલી ઊઠી - ‘અરે, આ... તે કેવી બ્રા પહેરી છે ? માપની જ ક્યાં છે ?’ સ્વાતિ તો ખાસ્સી મોટી હતી એના કરતાં. બારમાની પરીક્ષા આપી હતી. એની માએ તો મુરતિયા જોવાનું પણ શરૂ કરી દીધું હતું.

અને લતા બોલી ગઈ - એનું પરાક્રમ.

પેલી તો હસી હસીને બેવડ વળી ગઈ.

‘જો... આ વાત કોઈને ક’તી નૈ. શું સમજી ? ચાલ... બજારમાં. તારા માપની બ્રા લઈ આવીએ. જો એમાંય માપ હોય. અને તને કેટલાં થયાં ? ભલે... ભલે, હવે બ્રા પે’રવી જોઈએ તારે.’

અને એણે લતાને એ પહેરવાની રીત ય શીખવી. છેને સાવ સરળ ?

એણે શિષ્યાની અદાથી હા પાડી હતી. ખરેખર, સાવ સરળ ? તિલકની મદદ વિનાય... !

મોડી સાંજે મનોરમા આવી ગઈ. કેટલો સંતોષ હતો એના ચહેરા પર ? નવીન શ્રદ્ધાનું ભાથું લઈને આવી હતી જાણે ! માતાની કૃપા વરસશે જ એના પર એવો ભાવ હતો એની ગદ્‌ગદ આંખોમાં.

પૂછી લીધું લતાને - ‘કશી મુશ્કેલી તો નો’તી પડીને ? બેય જાગતાં પડ્યાં હતાં - પાસપાસેની પથારીમાં. બેય ની ખુશીઓ અલગ અલગ હતી.

લતા સવારે વહેલી ઊઠી ગઈ. ઝટપટ બાથરૂમમાં ઘૂસી. સ્વાતિએ કહ્યા મુજબ પહેરી લીધઈ બ્રા. વાહ ! ફક્કડ આ તો ? આ તો તે અદલ જાગુ જેવી જ લાગતી હતી !

ને પછી શરૂ થઈ, તિલકની પ્રતીક્ષા.

એણે તો તિલકને એટલું જ કહેવું હતું - ‘જો, આ મેં પે’રી ! મારી જાતે જ હોં !’