કાલ્પનિક વાસ્તવિકતા –૧૯
ભાર્ગવ પટેલ
ફોન ઉપડ્યો.
“બોલો મિસ્ટર બીઝનેસમેન”, જેનિશે ફોન ઉપાડતા સાથે કહ્યું.
“આ તો મારો પર્સનલ નંબર છે અને લીમીટેડ માણસો પાસે જ આ નંબર છે! મને ખ્યાલ છે ત્યાં સુધી આપની છેલ્લે વાત થઇ ત્યારે આ નંબર નહોતો મારી પાસે તો તારી પાસે ક્યારે આવ્યો?”, સંકેતે તરત પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું.
“કેમ? હું લીમીટેડ માણસોમાં નથી આવતો?”
“એવું ક્યાં કહું છું હું!? મને એમ કે નહિ હોય તારી પાસે એટલે પૂછ્યું”
“મારા લેપટોપનું કી બોર્ડ મારા પ્રત્યે ઘણું વફાદાર છે દોસ્ત! બોલ શું વાત થઇ? આજે સામેથી ફોન આવ્યો! બાકી આમ અમસ્તા જ જાસૂસોને કોઈ યાદ નથી કરતા હોતા”, જેનિશ એક સ્પષ્ટવક્તા હતો અને જે હોય એ કહેતા સહેજેય અચકાતો નહોતો.
“કામ હોય અને જે કામ લાગે એ જ તો મિત્ર હોય, શું કહેવું?”, સંકેત મનમાં સ્કુલને દિવસોની યાદો વાગોળી રહ્યો હતો.
“આઈ થીંક સ્કુલમાં તારો આ ફેવરીટ ડાયલોગ હતો!”, જેનિશ પણ ભૂતકાળમાં સર્યો.
“અને મજબૂર કરે એવા શબ્દો પણ!”, સંકેતે કહ્યું.
“શું દિવસો હતા એ! નહી?”
“સાચે જ! શાળા પત્ય પછી તું બીજા કોર્સમાં ને હું ય બીજા કોર્સમાં ચાલ્યા ગયા. એ પછી ફોન પર જવલ્લે બે મહીને એકાદ વાર ફોન પર વાત થાય એ જ, બાકી મળવાનું થયું જ નથી ”, સંકેતના ચહેરા પર યાદોની ચમક હતી.
“બોલ બોલ! શું વાત છે?”
“લાચારીમાં તારી મદદ જોઈએ છે, મળશે?”
“વડોદરાનો શોર્ટ ટર્મ સક્સેસફૂલ બિઝનેસ ટાયકુન અને લાચાર? આ હકીકત ગળે નથી ઉતરતી”
“જો હું આ કેસ પાછળ દોડીશ તો ઘણા કામો અને પ્રોજેક્ટ અટકી પડે એમ છે, વત્તા પોલીસ પાસે મદદ માટે જવા માટે પ્રૂફ અને કોર્ટના ચક્કર માટે સમય બંને જોઈએ. જેમાનું એકપણ મારી પાસે છે નહિ! એટલે મારો બીઝનેસ સચવાય અને તારોય બિઝનેસ સચવાય એમ કરીને તારો કોન્ટેક્ટ લગાવ્યો”
“આહ! સ્પીચ તો શહીદ ભગતસિંહ જેવી આપે છે, સામે વાળો તૈયાર ના હોય તોય તૈયાર થઇ જાય!”
“ફિલ્ડ પાસેથી એટલું તો શીખવા મળ્યું છે ભાઈ, હા હા હા”
“હા હા હા”, બંને ખડખડાટ હસી પડ્યા.
“હા તો હવે વાત એમ છે કે અમારી કંપનીના જેન્યુઈન પાર્ટ્સ કરતા સાવ ઓછી કીમતે એક એવી કંપની કે જેનું માર્કેટમાં નામોનિશાન નથી એણે અમારા જ કસ્ટમરને અમારા નાક નીચે નકલી પાર્ટ્સ વેચ્યા છે. આ ઘટના ખતરાની ઘંટી કહી શકાય. આ રોગ શરૂઆતના તબક્કે જ ક્યોર કરવો રહ્યો, નહિ તો તું જાણે જ છે કે શું શું થઇ શકે છે નજીકના ભવિષ્યમાં!?”
“ઓહ! એમ વાત છે?”
“હા! તું આમાં મદદ કરી શકે?”
“આ જ તો મારું કામ છે! જ્યાં દિમાગ ચલાવવાનું હોય ત્યાં જેનિશ હોવાનો જ”
“થેન્ક્સ અ લોટ, મને તારું ઈમેઈલ એડ્રેસ આપ જેથી બધી ડીટેઈલ્સ તને મોકલાવી શકું”
“આર યુ સ્યોર કે એવી કોઈ કંપનીનું માર્કેટમાં અસ્તિસ્ત્વ નથી?”, કેસ હાથમાં લેતા પહેલા જેનિશે ખાતરી કરવા પૂછ્યું.
“આઈ એમ ડેમ સ્યોર કે નથી જ, છતાં તારે ખાતરી કરવી હોય તો તું ચેક કરી શકે છે, હું તને લીંક સહીત બધી માહિતી મેઈલ કરું છું”
“ઓકે! તો મને માહિતી આપ હું આજથી જ આના પર કામ શરુ કરું છું”
“થેંક યુ”
“બાય ધ વે, સોરી”
“કેમ?”
“તારા મેરેજ અટેન્ડ ના કરી શક્યો. કારણ કે એ અરસામાં મારે એક કેસ માટે ચેન્નાઈ જવાનું થયેલું, પણ હા, ભાભીના હાથનું જમવા માટે અને તારી ગીફ્ટ આપવા માટે ગમે ત્યારે બરોડા આવીશ”
“અત્યારે ક્યાં છે?”
“બસ એ જ આપણું પ્યારું બેંગ્લોર”
“ત્યાં ક્યારે શિફ્ટ થયો?”
“લાસ્ટ યર જ”
“વેરી વેલ! પછી શોધી કે નહિ અમારી ભાભી?”
“તમારી ભાભી હમણાં આવી જાય એમ છે બસ ઘરવાળા માને ત્યારે”
“મીન્સ લવ મેરેજ હા?”
“હા, એ એક સોફ્ટવેર કંપનીમાં છે અને હિંદુ છે”
“ઓહ! પણ તારા ઘરે તો શું વાંધો હોય? તારા મોમ ડેડને હું સારી રીતે ઓળખું છું”
“હા, પણ પેલીના મોમ ડેડને ક્યાં ઓળખે છે તું? હા હા હા”
“હા હા હા! સાલું એ પણ ખરું”
“ઓકે ધેન, મને બધું મોકલાવ. હું સ્ટડી કરું અને પછી સાંજે કે આવતી કાલે રીપ્લાય આપું”
“ઓકે નો પ્રોબ્લેમ, પણ જરા જલ્દી કરજે દોસ્ત અને હા, ગીફ્ટમાં આ કેસનું સોલ્યુશન લઇ આપીશ તો એ વધારે સારું રહેશે! બરોડા આવવાનું જલ્દીથી નક્કી કર.”
“કદાચ આ કેસમાં આવવું પણ પડે નક્કી નહિ”
“તો તો ઘણું સારું”
“ઠીક છે, મળીએ ચાલ, એક ક્લાયન્ટ સાથે છું”
“ઓકે ઓકે, ટેક યોર ટાઈમ”
“બાય”
“બાય”
***
‘આજે સંકેત મને સવારે જતા પહેલા મળ્યા હોત તો બધી વાત એમને કહી દેત’, અમીએ રોટલી બનાવતા બનાવતા સ્વગત કહ્યું.
“શું વાત છે બેટા? કોઈ મુશ્કેલી છે?”, રસોડામાં પાણી પીવા આવેલા અસ્મિતાબેને અમીને પૂછ્યું.
“હ? ના કશું નથી મમ્મી”, અમીએ પેટ ના આપ્યું,
“મેં તને ગઈ કાલે કહ્યું હતું ને કે પેલા મંદિરે પ્રવચન શિબિર છે આજે સાંજે એમ?”
“હા, તમે કહ્યું હતું”
“હા તો હું અને સંકેતના પપ્પા ત્યાં જવાના છીએ સાંજે એટલે તમારા ત્રણનું જ જમવાનું બનાવજો સાંજે. અમે ત્યાં જ જમીને આવીશું. આવતા લગભગ રાત્રે બારેક વાગી જશે”
“તો તમે બંને એકલા કેવી રીતે ઘરે આવશો એટલી રાતે?”, અમીએ ચિંતા વ્યક્ત કરી.
“આમ બંને કહે છે અને આમ એકલા પણ કહે છે? બે જણ ક્યારેય એકલા હોઈ શકે?”, અસ્મિતાબેને કહ્યું.
“ના એમ નહિ, મમ્મી!”, અમીએ એમનો મજાક સમજતા કહ્યું, “પણ રાતે તમારા આવવાની વ્યવસ્થા થઇ જશે ને એમ પૂછું છું”
“હા એ તો કરેલી જ છે, આપની બાજુમાંથી મનહરભાઈ અને રમીલાબેન પણ આવે જ છે સાથે એટલે વાંધો નહિ”
“ઠીક છે મમ્મી, અને તમારી શાલ લેતા જાજો. અને પપ્પાનું મફલર બંને”
“હા યાદ કરીને મૂકી દઈશ”
“આ રોટલી બને એટલે તમે જમી લો. પછી હું પણ જમીને વાસણ ઘસી કાઢું”
જમવાનું બનાવીને અમીએ પીરસ્યું. અસ્મીતાબેન અને મુકેશભાઈ બંને જમવા બેઠા. અમીએ પણ એક ડીશમાં પોતાનું જમવાનું કાઢ્યું.
“પપ્પા!”, અમી બોલી.
“હા બોલ બેટા”, મુકેશભાઈ હંમેશા અમીને આમ કહીને જ સંબોધતા.
“આ વખતે તમે દર વખતની જેમ મહીને ગામડે જવાના છો?”
“હા જઈશું જ! ઘઉંના પાકમાં બે પાણી થયા છે, ત્રીજી વખતનું પાણી મુકાવવા ભાગિયાને મળવા જવાનું થશે જ”, મુકેશભાઈએ સંકેત સામે મુકેલી શરત મુજબ દર પંદર દિવસે કે મહીને ઘરે અચૂક જતા. ઢોર-ઢાંખર છોડ્યા હતા પણ ખેતી હજીયે ખેતરની જમીન પર લીલીછમ લહેરાતી હતી.
“તો પોંક બનાવવા ઘઉંના લીલા ડીન્ડા લઇ આવજો આ વખતે”, ઘરમાં ચાલી રહેલા ટેન્શનનો પડછાયો હજી મુકેશભાઈ કે અસ્મિતાબેન પર ના પાડવામાં સંકેત અને અમી આવા કારણોના લીધે જ સફળ રહ્યા હતા.
“હા લેતા આવીશું. આ વખતે કનુભાઈને મળવા પણ જવું છે, ખાસ સમયથી મળાયું નથી કે એ પણ અહી આવ્યા નથી”
“સારું વાંધો નહિ”
જમીને બધા ઉભા થયા, અમીએ વાસણ સમેટીને પોતું માર્યું. કામવાળી રાખી શકે તેમ હોવા છતાં અમી બધું ઘરકામ જાતે જ કરવાનો આગ્રહ રાખતી હતી. બધું જ કામ પતાવીને અમીએ આજે સંકેતને બધું જ કહી દેવા માટે વાતની શરૂઆત કેવી રીતે કરવી? શું કહેવું વગેરેનું પ્લાનિંગ શરુ કર્યું.
***
સાંજે સંકેત અને વિશાલ બંને ઘરે આવ્યા. સંકેતે વિશાલને જેનિશ મેકવાન વિશેની બધી વાત રસ્તામાં કહી હતી, કારણ કે આ બધી વાત થઇ ત્યારે વિશાલ મટીરીયલ ઉતારવા માટે ગોડાઉન પર ગયો હતો. એના મનમાં આ વાત સંભાળીને રાજીપો થયો. કારણ કે એ પોતે આમાં કશું કરી શકે તેમ નહતો. પણ એ જાણતો નહતો કે અમી આજે સંકેતને બધું કહી દેવાની હતી.
ઘરે પહોચી, ફ્રેશ થઈને ઘરમાં મમ્મી પપ્પાને ના જોતા સંકેતે અમીને પૂછ્યું,
“અમી!? મમ્મી પપ્પા બંને દેખાતા નથી ઘરમાં! ક્યાં ગયા છે અત્યારે?”
“એ મંદિરમાં પ્રવચન માટે ગયા છે”
“અચ્છા, બરાબર”
“કેમ? કશું કામ હતું?”
“ના, આ તો આજે મેં તારા અને મારા બંનેના મમ્મી પપ્પા માટે ચારધામની યાત્રાની ટીકીટ બુકિંગ માટે પૂછપરછ કરી હતી. જો કે અત્યારે એમને આ સરપ્રાઈઝ નથી કહેવાનું હોં!”
“હા હા ઓકે! પણ તારું એક સપનું હવે પૂરું થશે, નહિ?”
“હા એ તો થશે જ”
“ચાલો જમી લઈએ? તૈયાર જ છે”
“હા, વિશાલને બોલાવી લે”
“હા”
જમીને રોજિંદુ કામ પૂરું કરીને અમી-સંકેત અને વિશાલ, પોતપોતાના રૂમમાં ગયા.
“સંકેત, મારે તને એક અગત્યની વાત કહેવાની છે”, અમીએ બેડની એક બાજુ આડા પડતા પડતા કહ્યું.
“હા બોલ ને બકા!”
“પહેલી વાત તો એ કે મેં આ વાત તારાથી ઘણા સમયથી છુપાવી હતી, પણ હવે છુપાવવું મુશ્કેલ છે”
“ઓહ એમ વાત છે? કોઈ ગૂડ ન્યુઝ છે કે શું?”, સંકેત હમેશની જેમ હળવા મૂડમાં જ હતો.
“સંકેત પ્લીઝ અત્યારે મજાક નહિ યાર”, અમીના અવાજમાં ઉદાસી હતી.
“શું વાત છે? કશું સીરીયસ વાત છે?”, સંકેત થોડો ગંભીર બન્યો.
“વાત તને મને અને વિશાલને, એમ ત્રણેયને જોડે છે. વિશાલનો ઘણી જ ખરાબ રીતે ઉપયોગ થયો છે”
“ઉપયોગ? એટલે તું શું કહેવા માંગે છે?”, વિશાલની વાત આવતા તરત જ સંકેતે પોતાનો ફોન બાજુમાં મુક્યો અને સફાળો ઉભો થયો.
“હા, ઉપયોગ”, અમી દીવાલને અઢેલીને મુકેલા પલંગનો ટેકો છોડીને બેઠી થઇ.
“હવે પ્લીઝ મને આખી વાત સમજાવ! કદાચ હું ધારું છું એમ ના થયું હોય!”, સંકેતે મનમાં ઘટનાઓ જોડીને જોઈ.
“એટલે?”
“તું પહેલા તારી વાત બોલ પછી હું તને કહું છું”, સંકેત અમીની વાત સંભાળવા માટે તલપાપડ હતો.
“મને ખબર નથી સાંભળ્યા પછી તારો રિસ્પોન્સ કેવો હશે?!”, અમી ઘણી નર્વસ થતી જતી હતી.
“જો તું નહિ કહે અને એનાથી ભવિષ્યમાં મોટી તકલીફ થાય એના કરતા બેટર છે કે તું અત્યારે થોડી તકલીફ લઈને હમણાં જ મને કહી દે, પ્લીઝ”, સંકેત હવે વધુ ડેસ્પરેટ થતો જતો હતો.
“વિશાલના લીધે તું ફ્યુચરમાં કદાચ મોટા પ્રોબ્લેમમાં ફસાઈ શકે છે”, અમીએ ભયભીત થયેલા અવાજે કહ્યું.
“વાત શું છે અમી? જરા માંડીને કર”, સંકેતે અમીને સાંત્વના આપતા એના બંને હાથ પોતાના હાથમાં પકડીને એકદમ સૌમ્ય અવાજે કહ્યું.
“એકવાર ઓફીસમાં કોઈ ના હોવાના લીધે વિશાલ જાતે તારી કોઈ સાઈટ પર ગયો હતો??”, અમીએ પૂછ્યું.
“હા ગયો હશે કદાચ! ઘણી વાર એવું થાય છે! એન્જીનીયર ફ્રી ના હોય તો ગયો પણ હોય. હા તો એનું શું?”
“એ દિવસે વિશાલના મનમાં લાલચ ઘર કરી ગઈ હતી”
“શેની લાલચ?”
“ઓછા ખર્ચે વધારે નફાની લાલચ. બસ પછી એક પછી એક એ એવા માણસોના કોન્ટેક્ટમાં આવતો ગયો કે એની લાલચ વધતી ગઈ અને એના અંધાપાના તાબે થઈને છેલ્લે મોટા ખાડામાં પડવાના આરે છે હવે”, અમીએ રડમસ અવાજે કહ્યું.
“સીરીયસલી તું શું કહેવા માંગે છે એ હજીયે મને સમજાયું નથી. એક મિનીટ, હું વિશાલને પણ અહી બોલાવું છું એટલે જે હોય એ ક્લીયર થઇ જાય”
“હમ્મ્મ્મ”
“વિશાલ! વિશાલ!”, સંકેતે ઉભા થઈને પોતાના રૂમનો દરવાજો ખોલીને ત્યાંથી જ વિશાલને બૂમ પાડી.
સામેથી કોઈ માનવીય અવાજ ના આવ્યો. માત્ર બારણું ખુલવાનો અવાજ આવ્યો અને ધીમા ધીમા પગલાનો અવાજ સંકેતના રૂમ તરફ આવતો સંભળાતો હતો. બે પાંચ સેકંડમાં વિશાલ આવતો દેખાયો.
“અંદર આવ, અમારે તારી સાથે થોડી વાત કરવી છે”, આવતાવેંત સંકેતે કહ્યું.