Shayar-6 in Gujarati Fiction Stories by Rekha Shukla books and stories PDF | શાયર-6

Featured Books
Categories
Share

શાયર-6

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ -૬.

તાપીને તટે

તાપી નદીને દૂર દૂર કિનારે નદીની રેતમાં ગૌતમ બેઠો બેઠો રેતમાંથી કાંકરા વીણીને નદીના પાણી

માં નાંખતો હતો. એને શું થઈ ગયું એ જાણે કાંઇ સમજાતું ન હતું

ગઈ કાલે એના બાપે એને સારી શિખામણ આપી હતી. પોતાના પિતાની મનીષા પૂરી કરવાની સીડીનાં છેલ્લા પગથિયાં ઉપર ઊભો રહીને, પોતાના ભાગ્યના ઉપરના માળની પરસાળમાં એ

નજર કરી શકતો હતો.ત્યાં અમલદારી કચેરી હતી. ત્યાં ઘોડાગાડી હતી. પોતાની સામે લાગવગ, નોકરી મેળવવાના ઉમેદવારો- નાતના અને કોલેજના, શેરીના અને શહેરના ભાઇબંધો ઊભા હતા. આત્મારામ ભૂખણ

જેવા જગતશેઠ શાહ સોદાગરની પેઢી હતી. ત્યાં જીવનની સંધ્યાના પ્રકાશમાં ઋષિ જેવા શોભતા પોતાના પિતા ભગવાનના નામની માળા જપતા હતા. ત્યાં આશા હતી. માયાવાદની વિડંબનાની,

અંગ્રેજ શાસનની તારીફની, કબીરવડ, વરસાદ, ધનવાનના ધર્મ અને પૌરાણિક આખ્યાનો, ગરબીઓ, ફૂલ, કમળ, માતા, જેવા રાજકવિઓની કામધેનુ સમી કવિતાઓના હજાર વિષયો પણ હતા.

ને દૂર દૂર પોરબંદરના કોટની રાંગ ઉપર જેનું માથું ભાલે ચડ્યું હતું એવા એક ચોરડાકુનાં વખાણ કરતા કોક ભૂખડી બારશ રાવણહથ્થા ભરથરીનું જોડકણુમ એને કેમ યાદ આવ્યું ?

છેલ્લા પગથિયાં ઉપર ઊભેલા કોઈ કે લાત મારી ને સીડી નીચે પડી ગઈ બહારવટિયાનું માથું તો ભાલે ચડ્યું રહ્યું ને એની અમલદારી ગઈ. એની આશા ગઈ. રહી ગઈ પિતાની વેદના ને

ગામની મશ્કરી. શું કરું ? આપઘાત કરું ? સાહેબની માફી માંગુ ? ભાગી જાઉં ? ક્યાંક બીજે નોકરી શોધી લઉં ?

મોટા સાહેબની ખફા પામેલાને નોકરી પણ કોણ આપશે ? પોતે કેવો મૂરખ ? પાંચ વરસ પછી પોતાની સ્થિતિ કેવી હશે એનો એને ખ્યાલ ના આવ્યો ! પ્રભુરામભાઅઈ આજ કેવા મહાલે છે

એનો એને ખ્યાલ ના આવ્યો ! અમલદારીમાં રહેલા અમન ચેન યાદ ના આવ્યાં. આશા યાદ ના આવી. ને યાદ આવ્યો એક ભૂખ કવિ ? કવિઓ બેવકૂક જ હોય છે. લેખકો બધા જ બેવકૂફો

હોય છે. એને ધૂન ચડે ત્યારે એ બધું જ યાદ રાખવા જોગ જે કાંઇ છે તે ભૂલી જાય છે, ને ભૂલી જવા જોગ બધું યાદ રાખે છે.

હવે ? ઘર કેમ જાવું ? ઘેર તો જવાય જ કેમ ? એના પિતાને એ શું મોઢું બતાવશે ? આશાને શું મોઢું બતાવશે ?

શહેરનો સમવાય દૂર હતો. પોતે એકાંતમાં હતો. ઘેર જવાની ભારે નહાનમ લાગતાં એ સીધો આ તરફ નીકળી આવ્યો હતો. નજર પહોંચે ત્યાં સુધી કોઈ માનવી દેખાતું ન હતું -- ના.

દૂરથી એણે એક બાવાને પોતાના તરફ થાકેલા પગલાંએ આવતો દીઠો. પોતાની જેમ આ શહેરમાં બીજો પણ એક માણસ એકાંત શોધે છે એ જોઈને ગૌતમને એના તરફ સાહજિક સહાનુભૂતિ

થઈ. પોતાના મનમાં જે કડવા વિચારો વાગોળાતા હતા, અને આપઘાત કે નાસી જવાના પસ્તાવાની વચ્ચે એનું મન હીંચોળાતું હતું, તેમાં બાવાની થાકેલા પગોની ને થાકેલી કાયાવાળી

એકાંતપ્રિયતા એને આત્મલક્ષમી કૌતુક ઉપજાવનારી લાગી.

બાવો એનાથી જરા દૂર ઊભો રહ્યો. એણે આસપાસ નજર કરી. કાંઈક પોટલું નીચે મૂકયું. રેતી પાર કરીને કાંઠા ઉપર ગયો. ત્યાંથી થોડા લાકડાં લાવ્યો. એ લાકડાં એણે ગોઠવ્યાં. એના

ઉપર પોટલું મૂક્યું. પછી ચકમક લગાવીને લાકડામાં એણે આગ મૂકી. ગૌતમને લાગ્યું કે એ તો કાંઈક ચિતા જેવું લાગે છે. ચિતા સળગવા માંડી. નદીના પ્રવાહ અને ચિતાની વચમાં બાવો અદબ વાળીને ઊભો રહ્યો.

રેતીના એકાંત પટમાં સળગતી એક નાની ચિતા ને ચિતા સામે તાકી રહેઓ એક અને એકાકી માનવી ! એકલી ચિતા ! એકાંત પટ ! સાધુ કે સંન્યાસી શબને અગ્નિસંસ્કાર કરે નહિ. ત્યારે

આ કોનું શબ ? એ શબને એક સાધુ એકલો અગ્નિદાહ કેમ આપે છે ?

ગૌતમ ઊભો થયો. બાવા પાસે ગયો. સળગતી ચિતાને પ્રણામ કરીને બાવા પાસે ઊભો રહ્યો, મૄત્યુની સંન્નિધિમાં સ્મશાનમાં બાવાને એકલવાયું ન લાગે, એક બીજો પણ માનવી એ સમયે

એની બાજુમાં ઊભો હતો એટલે એના મનમાં સહારો રહે, તે માટે વાતચીત શરૂ કરી.

' ભારતીજી ! ' ગૌતમે પૂછ્યું ઃ ' આપ જેવા સાધુને કેમ પરિશ્રમ લેવો પડ્યો ?'

સાધુએ ગૌતમ સામે નજર કરી. એનો પહેરવેશ જોયો. એના પોશાકનો સાહેબશાહી ઠાઠ જોયો. ને બોલનાર અને સાંભળનાર વચ્ચે હમદર્દીનું કાંઇ બંધન ઊભું થઈ શકે એવું એને લાગ્યું ન

હોય એમ એના ચહેરા ઉપરથી દેખાયું.

' તમે કોઈ અમલદાર લાગો છો ! ' ગૌતમ આ વિધાનથી સ્તબ્ધ થઈ ગયો. ' મને પકડવો છે ને ! પકડી લ્યો. મારૂં કામ પૂરું થયું છે. '

'આપને પકડું ? શું કામ ? ' બાવાએ ગૌતમ સામે ધ્યાનથી જોયું ઃ ' તો તમે છૂપી પોલીસના માણસ નથી ?' " ના '

' અરે ભગવાન ! ' બાવો હસ્યો. મ્લાન હસ્યો ઃ ' મને લાગ્યું કે તમે છૂપી પોલીસના માણસ હશો. કહે છે કે ગોરી સરકારની છૂપી પોલીસ જુદા જુદા વેશમાં દેશ ભરમાં ફરે છે ને બધી બાતમી

સરકારને પૂરી પાડે છે. મને લાગ્યું કે તમે એમાંના એક હશો. '

' ના રે. હું તો મારી આપદાનો માર્યો અહી. એકાંતમાં આવ્યો છું ' ' આવા પોશાક પહેરનારને આજકાલ તો ઘી કેળાં છે. એને આપદા શું ? આજકાલ આપદા હોય તો અમ જેવા સાધુને હોય.

તમને કોટ-પાટલૂનવાળાને આપદા શું હોય ? તમને તો અમલદારી હોય.

ગૌતમે કહ્યું ઃ ' અમલદારી તો આવતાં પહેલાં ડૂબી ગઈ, બાવાજી. ને હવે આ કોટ પાટલૂન પહેરનારને તો આપઘાત કરવો કે ભાગી જવું એ જ એક માત્ર સમસ્યા રહી છે.' બાવાજી હસ્યા.

ખડખડાટ હસ્યા. ' એક કરતાં બે ભલા. મારેય તમે કહો છો એવી જ સમસ્યા છે કે આપઘાત કરવું કે ભાગી જવું . '

' બાવાજી તમારે વળી એવી શી આપદા છે ? ' ' તમને શું છે ?'

' મારી વાત તો સાવ સાદી છે, ને એ એક બેવકૂફ માણસની વાત છે. મારા બાપાએ પેટે પાટા બાંધીને મને ભણાવ્યો. ભણીને પાસ થયો. સરકારી અમલદાર નિમાયો. મનપસંદ છોકરી સાથે

મારું વેવિશાળ થયું. સોનેરી સ્વપ્નાંની એક રાત. વળતે દિવસે બધું ફરી ગયું. છોકરી ગઈ. અમલદારી ગઈ. ને હવે એમ થાય છે શું શહેરમાં, શું દોસ્તોમાં ને શું બાપાને મોઢું બતાવું ?

વિચાર એટલો કરું છું કે મારે માટે તાપીની ગોદ સારી ને હિમાલયની ? ' પણ વાત પલટાઈ કેમ ગઈ ? તમે ભણેલા છો. તો વાતને વણતાં ન આવડી તમને ?'

'વાત એમ થઈ કે મારી અમલદારી મારે સંભાળવાની હતી, તેની આગલી રાતે એક મહેફિલ હતી. એમાં મને કવિતા ગાવાનું કહેવામાં આવ્યું. મને બેવકૂફને સારાસાર કે જોગાજોગનો ખ્યાલ

ના રહ્યો ને મેં તો મૂળુ માણેકના દુહાઓ ગાયા. આ વાત ગઈ મોટા સાહેબ પાસે. સાહેબે કહ્યું કે મૂળુ માણેકની તારીફ કરવિ એ રાજદ્રોહ છે. તમે એવી તારીફ કરી છે. તમે રાજદ્રોહી છો.

તમને અમલદારી નહિ મળે, બલ્કે સરકાર તમારા ઉપર નજર રાખશે.'

બાવો થોડીવાર ગૌતમ સામે અનિમેષ જોઈ રહ્યો. ચિતા સામે જોઈ રહ્યો. અને પછી ખડખડાટ હસ્યો. ' અરે બેવકૂફ ! અરે બેવકૂફ ! '

ગૌતમને ક્ષોભ લાગ્યો. પોતે પોતાની બેવકૂફીથી ક્યાં વાકેફ ન હતો. તે આ બાવો વળી એના ઉપર હસે ?

' તમને હસવા જેવું લાગે છે કેમ ? તમે તો સાધુ મહારાજ. લંગોટ લગાવીને ચાલી નીકળ્યા ઃ પણ મારા બાપને, આશાને શું થતું હશે ? '

' બાવો ગંભીર થયો. ગૌતમ્ને એણે કહ્યું ઃ ' હું તમારા ઉપર હસતો ન હતો. હું તો ભગવાનની લીલા ઉપર હસું છું. તમે મૂળુ માણેકની તારીફ ગાઈ એમાં તમારી અમલદારી ખોઈ. મેં એની

સખાત કરી એમાં ગામગરાસ ખોયા. આપણ બે બેવકૂફોની સામે આ ચિતા પ્રજલે છે. જાણો છો એમાં શુ છે ? '

'ના' એમાં જલે છે મૂળુ માણેકનું મસ્તક ! પોરબંદરની રાંગ ઉપર સરકારે ભાલે ચડાવેલું માથું તાપી નદીના કિનારા ઉપર કેમ જલે છે એ મારી બેવકૂફીની કથા છે. સાંભળો.

'જેને લોકો મુલક કાઠિયાવાડ તરીકે ઓળખે છે.' સાધુએ ગૌતમને પોતાની સામે બેસાડીને વાત કહેવા માંડી ઃ 'એમાં સોરઠ, હાલાર, ગોહિલવાડ, ઝાલાવાડ, પાંચાળ, જતવાડ, ઓખા બાબરિયાવાડની સાથે ઉંડ સરૈયાવાડ કરીને એક પ્રાંત છે ને એમાં સરવૈયા રજપૂતોની વસ્તી છે.

' એમાં સેજલપુર નામે ગામ છે. એ ગામનો ગામધણી, નામે પાતાભી, ભારે કાંડાબલિયો માણસ ચાલે તો ધરતી ધણધણે. માતેલા ખૂંટને એક શીંગડે પકડીને ઊભો ને ઊભો બે કટકે વધેરી

નાંખે. આવો કાંડાબળિયો માણસ. ભલભલા મલ્લને એક હાથે ઉપાડીને ફેંકી દે.

'દરબાર ડેલીએ બેઠા હોય તો મજાલ નથી કે ફરતા પચાસ ગાઉમાં કોઈ બહારવટિયો કે ચોર કે ડાકુ ફરકી શકે. મજાલ નથી કોઈના કે કોઈની ઓરતની છેડતી કરી શકે. મજાલ નથી કોઈનીકે ચોરા પાસેથી કોઈ ઘોડે બેસીને કે ગાડે ચડીને નીકળી શકે.

'આવો ધીંગો રીંગો જણ. ને એ સેજલપુર ગામનો ગામધણી, એને ત્યાં તો ચારણ આવે ને માંગણ આવે. બામણ આવે ને સાધુ આવે.

'એક દિવસે એના ચોરા ઉપર એક ગઢવી આવ્યા. કસૂંબા નીકળ્યા, ને કસૂંબાને રંગ દેવાનો સમો આવ્યો. ' ને ગઢવીએ કસૂંબાનો રંગ ચડાવ્યો મૂળુ માણકના નામ ઉપર ! ' જણ તો બસ આજ એક જણ છે મલક કાઠિયાવાડમાં, દરબાર ! મરદને માથે છોગાં બે. ચાર સંત્રીને બગલમાં ઘાલીને એ યરોડાના દરવાજા ભાંગીને નીકળ્યો. વાહ રે ઓખો ! વાહ રે નાથ વાહ રે મૂળુ ! રંગ છે

એને. રંગ છે એની જનેતાને ! ' દરબારનો કાંટો સળવળ્યો. પોતે બેઠાં વળી કોઈ બીજો કાંડાબળિયો માણસ હોય કે ?

' ગઢવી ! તમે કેમ ભૂલ્યા ? મરદાઈના રંગ હોય તો મને હોય, ને કાંડાના બળના રંગ હોય તો મને હોય. ગઢવી ! ચોર ડાકુને તે વળી રંગ હોય ?'

ગઢવીએ કહ્યું ઃ ' બાપા, ચોર ડાકુ હું કાંઇ ન જાણું. હું તો દેખું તેવું ભાખું ને ભાળું એવું ભણું. '

' તો ગઢવી, ભાળો એવું જ ભણશો ને?'

' તો હું મૂળુ પાસે મારી સરસાઈ કબૂલ કરાવું તો મારું નામ પાતાભી સાચું. ' દરબાર વટે ચડ્યા. ને તે દિવસે જ ઘોડી લઈને ચાલી નીકળ્યા. મૂળુને વાવડ પહોંચ્યા કે એક રજપૂત એને

બરડામાં શોધે છે.

એ તો મૂળુ માણેક. એની વટ ને એની છાતી! એને કોઈ શોધતો સામે આવીને મળે. પાંચ માણસ સાથે શોધે છે તો પાંચ માણસ સાથે મળે. બે માણસ શોધે છે તો બે માણસે મળે. એક માણસે

શોધે તો એકલો આવી મળે. એના સાથીઓએ મૂળુને સમજાવ્યો. ' તારી ટેક જાણીને આ દગો હશે તો ? બહાર દેખાશે એક ને છુપાશે પચાસ તો ? '

મૂળુએ જવાબ દીધોઃ ' દગો તો આજ આ મલકના માનવી માત્રના પેટમાં પેઠો છે. ને વહેલુંમોડું આપણું મોટ પણ દગાથી થવાનું જ છે ને ? પણ એટલા ખાતર કોઈ મને શોધે ને હું મોઢું છુપાવું એ મૂળુ હું નહિ. '

આ એમ મૂળુ એ દરબારને મળ્યો. ને દરબારને શોધનું કારણ પૂછ્યું. દરબારે કહ્યું ઃ ' મલક તને કાંડાબળિયો કહે છે, એટલે તારું જોર માપવા આવ્યો છું. ' મૂળુ હસ્યો ઃ ' દરબાર ! મારું

જોર મારા કાંડામાં નથી, છાતીમાં છે. '

દરબારે કહ્યું ઃ ' એ હું કાંઈ ન જાણું. થઈ જા માટી, આપણે વઢીએ. તું જીતે તો તારી સરસાઈ હું કબૂલ કરું. હું જીતું તો મારી સરસાઈ તારે કબૂલ કરવી. છે કબુલ ? '

મૂળુએ કહ્યું ઃ ' એમાં વઢવાની જરૂર શું ? તમારી સરસાઈ હું કબૂલ રાખું છું, પછી ? હું અંગરેજ સિવાય બીજા કોઈ સાથે વઢતો નથી. ' ' મારી સરસાઈ કબૂલ ? '

' કબૂલ. '

' તો બસ. તું મારો નાનો ભાઈ. '

આમ સરસાઈ કબૂલાવીને દરબાર પાછા ફર્યા. ગઢવીને એમણે બોલાવ્યા. ગઢવીને પોતાની સરસાઈની વાત કરી. આ વાતને કેટલોક સમય થઈ ગયો. દરબારના કુંવર પરણીને પાછા આવતા હતા. સામૈયાની ધામધૂમ

હતી. ઢોલ ત્રાંસા ભેરી ને શરણાઈના શોરથી આખું ગામ ધૂણી ઊઠ્યું હતું. ત્યાં ગઢવી આવ્યાં.

' આવો ! આવો ! ' દરબાર ગઢવીને ભેટી પડ્યા ઃ 'ખરા આવ્યા હો. '

ગઢવીએ કહ્યું ઃ ' દરબાર, ટાણું કટાણું તો મને ખબર નથી. પણ તમે તો કહેતા હતા તે મૂળું માણેક મારો નાનો ભાઈ ! '

'હા, વળી. મારો ભાઈ તે વળી સાડી સાત વાર ભાઈ. ' ' તો તમે આંહી કુંવરનાં સામૈયા કાઢો છો ને તમારા ભાઈનું માથું પોરબંદરના ગઢની રાંગે ભાલે ચડ્યું છે. '

' હું બેઠાં ? ' દરબારે કહ્યું.

' તમે બેઠાં દરબાર ! '

' ભાઈને માર્યો ? કોણે ?'

'ગીસતે ગીસત ભટકાણી. પણ એનું માથું કાપ્યું પોરબંદરના મરકાણી જમાદાર શોરાબ નાલેછંગાએ. ' '' ગઢવી ! દરબાર ઊભા થયા ઃ ' અંદર બાઈઓને જરા કહેજો કે સામૈયું પતાવે સમજ્યાં.

દરબાર જરા કામે ગામતરે ગયા છે. '

પાતાભીએ ઘોડો લીધો. તલવાર લીધી. પોરબંદરની ભરબજારમાં એણે શોરાબ નાલેછંગાને માર્યો. એનું માથું કાપ્યું. રાંગ ઉપર ભાલા ઉપર મૂળું માણેકનું માથું હતું. ત્યાં શોરાબનું માથું

ચઢાવીને, દરબાર મૂળુનું માથું ગળામાં ભેરવીને પોરબંદરની બજારમાંથી નીકળ્યા.

સાધુ જરાક થંભ્યા, અને પછી બોલ્યા ઃ 'એ દરબાર પાતાભી તે હું. એ માથું તે આ અગનમાં જલે તે. મારે માથું લઈ જવું હતું ગયાજીમાં, કે એનો જીવ ગતે જાય. આંહી થાક્યો. માથું શું ?

મૂળુ કોણ ? કાંડાબળ શું ? શું કરવા મેં પારકી અધિયારી વહોરીને ગામગરાસ ખોવાની બેવકૂફી કરી હશે ?'

' દરબાર ! ' ગૌતમે કહ્યું ઃ ' આને બેવકૂફી ન કહેવાય. આતો જુવાનીની ખુમારી કહેવાય. મરદનાં પાણી કહેવાય. તમે તો નાક કાઢ્યું દેશનું. '

' ગામ ગયું, ગરાસ ગયો, બાયડી છોકરાં રઝળતા થયા, મરદાઈના પાણીમાં ને પાણીમાં. આજ તો ઘણું એમ થાય છે કે આવો ખોટનો ધંધો ન કર્યો હો તો ? પણ માળુ અજ રજીપૂતનું તમે

જાણો છો ને ? વટે વાત આવી કે બસ મનમાં મારું કે મરું જ થાય. ત્યાં આગળ પાછળ એવો ધૂંધળો ધૂમ જામી જાક કે વાત ન પૂછો. સાચું પૂછો તો અમારા રજપૂતનું ગયું જ એમાં.

કાંડાબળનું મને ગુઅમાન હતું , તે છેલ્લે આ બાવાનાં કપડાં પહેરાવ્યાં એણે. ' ' એ તો ભેખ લીધો કહેવાય. ધૂન માત્ર ભેખ લેવરાવે. એમાં ધૂનની મજા છે ને ભેખની શોભા છે. તમારે આવો રંજ ના કરવો જોઈએ. મૂળુ અટંકી વીર હતો. વીરો જે મોતે મરે છે એ મોતે એ મર્યો. પણ એને તો એનું મોત સાર્થક લાગ્યું હશે. મરીને પણ એણે પોતાના મુલકનાં પાણી કસી જોયાં.'

દરબારે કહ્યું ઃ ' આ તો જેવો હું તેવા તમ. ને આપણે એકબીજાને હિંમત આપીએ એવી વાત છે. '

' નહિ, હિંમત આપવા જેવી વાત નથી. તમે ગીતાજીમાં માનો છો ?

પુનર્જન્મમાં માનો છો ? '

' લે કર વાત. હું રજપૂત છું. ગીતાજી તો અમારે માથા સાટે.ને કરમ તો

રાજાને ય ભોગવવાં પડે છે, તો પુનર્જન્મમાં તો માનવું જ પડે ને ? '

' તો લખી રાખજો દરબાર. જીવતા હોઈશું તો પારખાં યે જોશું. આ દેશમાં અંગ્રેજનું રૂંવાડું ય ન જોઈએ એવી મૂળુની ટેક. ને મૂળુ તો શંકરજતિ જેવો જીવ. એ જીવની ટેક અધૂરી રહે નહિ.

મૂળુનો જીવ ક્યાંક અવતરશે-ફરી અવતરશે ને અંગ્રેજને કાઢીને જ જંપશે.

કો'ક એવો નર પાકશે જે અંગરેજને નમવાની ના પાડશે ને એને દેશમાંથી કાઢવા માટે બહારવટાં ખેડશે. '

' કોણ જાણે ભાઈ ? એ તો બધી અગમનિગમની વાતો થઈ. પણ હમણાં તો હું આંહી રહીશ. મારું સાધુ તરીકેનું નામ મૂળભારથી. હું તો હવે આ સ્થળે જ રહેવાનો છું. કોઈ કોઈ વાર મળજો. વાતો કરશું. '

ગૌતમે દૂરથી શોભારામને આવતા જોયા. ભુલાઈ ગયેલો ક્ષોભ પાછો હૈયે ચડી આવ્યો. શોભારામે ગૌતમનો હાથ પકડ્યો, ને ખેંચ્યો. શોહ્બારામની આંખોની સામે ગૌતમે જોયું એમાં એવું તેજ હતું કે મંત્રમુગ્ધની જેમ એ

પિતાની પાછળ ધસડાયો. મૂલભારથી ગૌતમને જતો જોઇ રહ્યો !

__________________________ * વાચક આ સિધ્ધાન્તમાં માને કે ન માને, પણ એક વાત છે કે જે શહેરના પાદરમાં મૂળુ માણેક મરાયો ને જે શહેરના ગઢની રાંગ ઉપર મૂળુ

માણેકનુ માથું અંગ્રેજ સરકારે ભાલે ચડાવ્યું હતું એ શહેરમાં મૂળુ માણેક મરાયો તે જ માસમાં તે જ સપ્તાહમાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો.

' મૂળુ મૂછે હાથ બીજો તરતારે તવાં

હત જો ત્રીજો નર અંગ્રેજ આગળ નમત '

મૂળુની એ ટેક એમણે પૂરી કરી.

( ક્રમશ ઃ )