Panch nani addbhut vartao - 2 in Gujarati Short Stories by Anil Chavda books and stories PDF | પાંચ નાની અદભુત વાર્તાઓ - 2

Featured Books
Categories
Share

પાંચ નાની અદભુત વાર્તાઓ - 2

પાંચ નાની અદ્‌ભુત વાર્તાઓ (ભાગ-૨)

લેખક - અનિલ ચાવડા

***

૧. જાદુઈ છડી

એક માણસ હતો. એને નિંદા નામની એક જાદુઈ છડી મળી, જેમાંથી અગ્નિ પ્રગટતો હતો. આ અગ્નિથી તે ઘણું બધું કરી શકતો હતો. આ છડીના અગ્નિથી તે કાચાં માટલાં પણ પકવી શકતો હતો તો વળી આખું જંગલ પણ બાળી શકતો હતો. તેને થયું કે જે કોઈ મારી સાથે નહીં રહે તેને હું આનાથી બાળી નાખીશ.

એક દિવસ એક સાધુમહારાજ તેને મળ્યા. તેમણે એક કાચું માટલું આપ્યું. એણે નિંદાની છડીમાંથી અગ્નિ પેટાવ્યો અને કાચા માટલાને પાકું કરી નાખ્યું.

બીજા દિવસે સાધુમહારાજે એને બીજું માટલું આપ્યું, જે સાવ કઢંગું હતું. એકની એક જ વસ્તુ મળવાને લીધે અને સાવ કઢંગું માટલું મળવાથી માણસને ગમ્યું નહીં. એણે નિંદાના અગ્નિના ભઠ્ઠામાં નાખીને માટલાને સાવ બાળી નાખ્યું.

સાધુએ કહ્યું, ‘તેં આ માટલું કેમ બાળી નાખ્યું?’

પેલા માણસે કહ્યું, ‘મને જે નહીં ગમે તેને હું બાળીને ભસ્મ કરી દઈશ.’

સાધુએ કહ્યું, ‘નિંદાની છડીથી આપણે આપણને જે ન ગમતું હોય તેને ભસ્મ કરવાને બદલે, તેને ગમતું કરવું જોઈએ.’

આ માણસને સાધુની વાત ગમી ગઈ. તેણે નિંદાની છડીનો બીજી રીતે ઉપયોગ કરવો શરૂ કર્યો અને એની આ નિંદાએ જ એને પ્રશંસા અપાવી.

- - - - - - -

૨. ખેડૂત અને સાધુ

એક હતો ખેડૂત. એક દિવસ તેને એક સાધુ મળ્યા. સાધુએ તેને બે શીશીઓ આપી. એકમાં નિંદા ભરી હતી અને એકમાં પ્રશંસા. સાધુએ કહ્યું, “આ શીશીમાં જે ઔષધિ ભરી છે એ તું તારા વૃક્ષ, વેલીઓ અને છોડ પર છાંટીશ તો એ તને એની અસર બતાવશે, પણ એનું માપ તારે જાણી લેવું પડશે.”

બીજા દિવસે ખેડૂતે ખેતરમાં જઈને એક કરમાઈ ગયેલા છોડ પર માપસરની પ્રશંસા છાંટી. તો છોડ ધીમે ધીમે ખીલવા લાગ્યો. ત્રીજા દિવસે તેણે એક સુકાઈ રહેલા છોડ પર નિંદાનાં થોડાં ટીપાં નાખ્યાં. તો આ છોડ પણ ધીમે ધીમે ખીલવા લાગ્યો.

આગળના દિવસે ખેડૂતને થયું કે જો એક સારા છોડ પર આ બધી જ ઔષધિ નાખી દઉં તો એમાંથી વધારે પાક મળશે. એણે સારો ખીલેલો છોડ જોઈને એની પર પ્રશંસાની બધી જ દવા ઢોળી દીધી. બીજી બાજુ એવો જ એક સારો ખીલેલો છોડ જોઈને નિંદાની બધી જ દવા એની પર ઢોળી દીધી.

ત્રીજા દિવસે ખેતરમાં જઈને ખેડૂતે જોયું તો બંને છોડ સાવ બળી ગયા હતા. તેની પર આવેલાં ફળ પણ સાવ ચીમળાઈને ખરી પડ્યાં હતાં. ખવાય એવાં પણ નહોતાં રહ્યાં.

થોડા દિવસ પછી પેલા સાધુ ફરી ત્યાંથી પસાર થયા. સાધુએ દવાની અસર વિશે પૂછ્યું, ત્યારે ખેડૂતે બનેલી ઘટના જણાવી.

સાધુએ કહ્યું, “જો તું કોઈની પર વધારે નિંદા છાંટીશ તો એ બળી જશે, કોઈની પર વધારે પ્રશંસા છાંટીશ તો પણ એ બળી જશે. જો છોડને સારી રીતે ઉછેરવો હોય તો નિંદા અને પ્રશંસાનું માપ તારે સમજવું પડશે.”

- - - - - - - -

૩. દિવસ અને રાત

એક માણસ હતો. તેની પાસે બે કૂતરા હતા. એકનું નામ દિવસ અને એકનું નામ રાત. આ બંને કૂતરા આ માણસને ત્યાં કામ કરતા હતા. બંનેની નોકરીનો સમય અને આવવા-જવાના રસ્તા અલગ અલગ હતા.

દિવસ પ્રભાત નામના બારણેથી આવતો અને સંધ્યા નામના દ્વારેથી ચાલ્યો જતો, જ્યારે રાત સંધ્યાના દ્વારેથી આવતી અને પ્રભાતના દ્વારેથી ચાલી જતી. દિવસ અને રાત વચ્ચે આમ ‘હાય-હેલો’ સિવાય કોઈ વિશેષ સંબંધ નહોતો. પ્રભાત અને સંધ્યા નામના આ બે દ્વારેથી આવતાં-જતાં એકમેકને અલપ-ઝલપ મળી લેતાં.

એક વખત રાતના કામથી પ્રસન્ન થઈને આ માણસે તેને ચાંદો ભેટમાં આપ્યો. આ જોઈને દિવસ પણ ખૂબ જ કામ કરવા લાગ્યો. આથી માલિકે પ્રસન્ન થઈને દિવસને સૂરજ ભેટમાં આપ્યો. આથી રાતને ઈર્ષા થઈ. રાત વળી સખત રીતે કામ કરવા લાગી. વળી રાતના સારા કામથી પ્રસન્ન થઈને માલિકે તેને અનેક તારાઓ ભેટમાં આપ્યા. આ જોઈને કોઈ સારી ભેટની અપેક્ષાએ દિવસ પણ વધારે ને વધારે સારી રીતે કામ કરવા લાગ્યો.

હવે પેલા માણસને ખબર પડી ગઈ કે બંને વચ્ચે ઠંડું યુદ્ધ ચાલી રહ્યું છે. બંને ભેટ મેળવવા માટે એકબીજાની સ્પર્ધા કરી રહ્યા છે. આથી એ માણસે વિચાર્યું કે કંઈક એવી ભેટ આપું કે જેથી બંનેને સરખી રીતે મળી રહે. બહુ વિચાર્યા પછી તેણે દિવસ અને રાતને વાદળ અને વરસાદ ભેટમાં આપ્યાં.

- - - - - -

૪. પડછાયો

બધાં પ્રાણીઓએ ફરિયાદ કરી કે માણસને બનાવવામાં તમે લાગવગ કરી છે. માણસને આપી છે એવી એક પણ શક્તિ તમે અમને આપી નથી. જેવું માણસ કરી શકે છે એવું અમે નથી કરી શકતાં. કમ સે કમ એક વસ્તુ તો અમને એવી આપો કે જે માણસ જેવી હોય અમારી પાસે.

ઈશ્વરે બહુ વિચાર્યા પછી ‘તથાસ્તુ’ કહ્યું.

બીજા દિવસે બધાં પ્રાણીઓ ફરીથી ફરિયાદ કરવા આવ્યાં. તેમણે કહ્યું, “ઈશ્વર તમે અમને છેતર્યાં છે, કાલે તમે અમને તથાસ્તુ કહ્યું હતું. પણ તમે હજી એક પણ વસ્તુ અમને એવી નથી આપી કે જે માણસ પાસે પણ હોય ને અમારી પાસે પણ હોય અને બંને એકસરખી જ હોય.”

ઈશ્વરે કહ્યું, “મેં તો તમને એ જ સમયે આપી દીધી હતી.”

“તો અમને કેમ મળી નહીં?” પ્રાણીઓએ ગુસ્સેથી પ્રશ્ન કર્યો.

“માણસની જેમ તમારે પણ તમારો પડછાયો છે, સૂરજ ઊગે ત્યારે, મધ્યમાં આવે ત્યારે અને આથમે ત્યારે તમારો પડછાયો પણ એમની જેમ જ લાંબોટૂંકો થતો રહે છે. એ દૃષ્ટિએ તમે અને માણસો સરખા થયા કે નહીં?”

બધાં પ્રાણીઓ પોતાના ઘરે ચાલ્યાં ગયાં. ફરીથી એમણે માણસ જેવી આવડત માગવાનું વિચાર્યું, પણ તે ઈશ્વર પાસે ગયાં નહીં. એમને એમ કે ફરીથી ઈશ્વર કોઈ તુક્કો લડાવીને ફરીથી છેતરી લેશે.

- - - - - - -

૫. ચકલી અને ફૂલ

એક હતી ચકલી. તે જે ઝાડ પર માળો બાંધીને રહેતી હતી, તેની નીચે જ એક છોડ હતો. તેની પર એક સુંદર સફેદ ફૂલ ખીલેલું હતું. ચારેબાજુ છવાયેલા કાંટાઓ વચ્ચે પણ આ ફૂલ સુંદર રાજકુમાર જેમ શોભી રહ્યું હતું. ચકલી રોજ આ ફૂલને જોયા કરતી હતી. ધીમે ધીમે તે ફૂલના પ્રેમમાં પડી ગઈ. તે સતત આ ફૂલ વિશે જ વિચાર્યા કરતી. તેને થયું કે મારે મારા પ્રેમની વાત આ ફૂલને કરવી જ જોઈએ.

ફૂલ પાસે જઈને ચકલીએ કહ્યું, “હું તને પ્રેમ કરું છું. ડૂ યુ લવ મી?” ચકલીના આવા પ્રસ્તાવથી ફૂલ થોડું છોભીલું પડી ગયું.

ફૂલે કહ્યું, “આમ પહેલી વાર જ મળવાથી થોડી હા પાડી દેવાય. હજી તો હું તને ઓળખતું પણ નથી.”

ચકલીએ કહ્યું, “પણ હું તો તને રોજ જોઉં છું. હું તને સાચ્ચા દિલથી પ્રેમ કરું છું, તારા માટે કંઈ પણ કરી શકું છું.”

ફૂલને ચકલીનો આ પ્રસ્તાવ ન ગમ્યો. તે ચકલીને ચોખ્ખી ના કહી શકે તેમ નહોતું. આથી તેણે એક યુક્તિ વિચારી.

ફૂલે કહ્યું, “પણ હજી તારે થોડી રાહ જોવી પડશે.”

“ક્યાં સુધી ?” ચકલીએ કહ્યું.

“હજી મારી પાંદડીઓ સફેદ છે, એ લાલ થાય ત્યાં સુધી.”

ચકલીને તો ખબર હતી કે આ સફેદ ફૂલ છે, તેની પાંદડીઓ ક્યારેય લાલ નથી થતી. તેને અંદરથી લાગી આવ્યું, પણ તે ફૂલને ખૂબ જ પ્રેમ કરતી હતી. એણે વિચાર્યું કે પોતાના સાચ્ચા પ્રેમનો અહેસાસ આ ફૂલને થવો જ જોઈએ. તે ફૂલની આસપાસ ઊડવા લાગી. તેની આજુબાજુ ઊગેલા કાંટા સાથે પોતાનું શરીર અથડાવા લાગી. જેના લીધે તે લોહીલુહાણ થઈ ગઈ. લોહીના છાંટા ફૂલ પર પણ પડ્યા. વારંવાર લોહીના છાંટા ઊડવાને લીધે ધીમે ધીમે આખું ફૂલ લાલ થઈ ગયું.

લાલ થઈ ગયેલા ફૂલને ચકલીના સાચ્ચા પ્રેમનો અહેસાસ થયો. એ પણ ચકલીને પોતાના પ્રેમનો એકરાર કરવા ગયું, પણ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.