Spiritual union means love in Gujarati Motivational Stories by Chauhan Harshad books and stories PDF | આત્મિક મિલન એટલે પ્રેમ

Featured Books
Categories
Share

આત્મિક મિલન એટલે પ્રેમ

આત્મિક મિલન એટલે પ્રેમ

હર્ષદ ચૌહાણ.

What is Love? જો આવો કોઈ સવાલ આજના જમાનામાં કોઈને પૂછો તો ફટાક દઈને જવાબ ફેંકી દે, ' A boy and girl like eachother is called Love. સદીઓ પહેલાના શેક્સપીઅર હોય કે પ્રાચીન સમયના કાલિદાસ કે કામસૂત્રના રચયિતા વત્સાયાન ઋષિ, સૌ કોઈએ સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમને પોતપોતાના વૈચારીક માળખામાં મૂક્યા છે. સ્ત્રી પુરુષ વચ્ચેનો પ્રેમ પ્રાચીન છે. અર્વાચીન છે. કવિઓની પંક્તિઓમાં અને લેખકોના શબ્દોમાં આ પ્રેમ સદીઓથી પ્રગટ થતો રહ્યો છે. આજના યુગમાં જોઈએ તો આ 'લવ' શબ્દથી કોઈ અજાણ નથી. હાઈસ્કૂલની બેંચોથી લઈ, ગલી શેરીઓના નાકા સુધી, કોલેજના ક્લાસરૂમ લોબીઓથી લઈ રાસ ગરબાની રમઝટ સુધી અને શહેરના ગાર્ડનોમાં, દરેક સ્થળોએ દરેક માટે 'લવ' એક સામાન્ય શબ્દ થઈ બન્યો છે. બૉલીવુડનાં દર અઠવાડિયે રિલીઝ થતા અવનવા મુવીઓમાં આ 'લવ' એટલે કે પ્રેમને કલરફુલ રીતો વડે રજૂ કરવામાં આવે છે. આજની યુવા પેઢી માટે લવ એટલે અવારનવાર તૂટી બંધાતો સંબંધ. 'હું તેને લવ કરતી/કરતો' . 'હું તો લવ કરતી જ/કરતો જ, પણ હવે બ્રેકઅપ થઈ ગયું.' . ' હું તો લવ કરતી જ/કરતો જ, પણ તે મને લવ નથી કરતી/કરતો. તો હું શું કામ કરૂં.'

પણ શું ખરેખર આ લવ છે? તમે આજના સમયમાં કોઈ લવ કરતા કે કરતી ને જો પૂછશો કે, તું તેને લવ શા માટે કરે છે? તો જવાબ કંઈક આવો હશે, ' એ ખુબજ બ્યુટીફૂલ/હેન્ડસમ છે એટલે લવ છે. એ ખુબજ સ્માર્ટ છે એટલે લવ છે. એ ખુબજ સેક્સી/ડેશિંગ છે એટલે લવ છે.' તો વળી આજના જમાનામાં કોઈ એમ પણ કહી દે, ' એની પાસે પૈસો પણ છે અને ગુડ લુક પણ છે એટલે લવ છે.' તો શું ખરેખર આ લવ જ છે?

કુદરતમાં લવ પ્રેમનો પર્યાય એટલે નિસ્વાર્થ ભાવ, અનકન્ડિશનલ લવ. એક એવો ભાવ કે જેમાં કોઈ કન્ડિશન ના હોય. એ બ્યુટીફૂલ છે, એ સ્માર્ટ છે, એ સેકસી કે ડેશિંગ છે, કે પૈસાદાર છે, આ ગુણોમાં તો તમારો જ સ્વાર્થ રહેલો છે. તો પછી એ પ્રેમ કઈ રીતે કહી શકાય?

આમ જોઈએ તો, નર અને નારી વચ્ચેનું આકર્ષણ કુદરતના મૂળમાં છે. પરસ્પરનું આ આકર્ષણ જ જીવસૃષ્ટિનો મૂળ પાયો છે. માનવના સ્વભાવમાં વિરુદ્ધ જાતિ પ્રત્યેનું આકર્ષણ તેના શરીર બંધારણમાં અને મસ્તિષ્કની રચનામાં જ બંધાયેલ છે. કાળક્રમે આપણી ઉંમર વધે છે. બાળ અવસ્થા પાર કરીને આપણે તરુણાવસ્થામાં આગમન કરીએ છીએ. તરુણ અવસ્થામાં પગલાં માંડતા જ આપણા શરીરમાં બદલાવ આવે છે. શરીર રચનામાં ફેરફાર થાય છે. વિચાર વૃદ્ધિ થાય છે. શરીર વૃદ્ધિ થાય છે. આખરે શરીર યુવાન બને છે. લહૂમાં અવનવા હોર્મોન્સની બાઢ આવે છે. કુદરતનાં બે અદભૂત રસાયણ, ટેસ્ટોસ્ટેરોન યુવાનનાં અને પ્રોજેસ્ટેરોન યુવતીના સ્વભાવમાં, એક રહસ્યમય જુસ્સો અને જોમ ભેટ કરી જાય છે. પરસ્પર આકર્ષાતા ચુંબકની જેમ, બે માનવ શરીર, વિરુદ્ધ જાતિનાં શરીર બંધારણ તરફ એક અગમ્ય કુદરતી આકર્ષણ બળથી ખેંચાઈ આવે છે. પ્રકૃતિરચીત શરીરનાં સૌંદર્યને નીરખી મસ્તિષ્કને હોર્મોન્સનો નશો ચડે છે. બે શરીર નજીક આવવા મથે છે. વચ્ચેનું અંતર અડચણરૂપ બનતું જાય છે. ધીરે ધીરે અંતર ક્ષીણ થવા લાગે છે. શરીરો નજીક આવે છે. અંતે બે શરીર વચ્ચે શૂન્યતા પ્રસરી જાય છે. બાહૂઓમાં કોઈ કુદરતી ઊર્જા પ્રસરી જાય છે. શરીરો તપવા લાગે છે. પરસ્પર સંઘર્ષે ચડે છે. દિમાગ ભાન ખોઈ બેસે છે. હૃદય તાલ ગુમાવી બેસે છે. સંઘર્ષ પ્રબળ બને છે. બે શરીર એક સીમારેખા પાર કરવા મથે છે, ચરમસીમા- કુદરતે જીવને આપેલી એક અમૂલ્ય અતુલ્ય ભેટ- ઓર્ગેઝમ. ત્યારબાદ જાણે એક પળ માટે સમય થોભી જાય છે. ઉષ્ણતાથી ભીંજાયેલા બે શરીર ઠંડા પડવા લાગે છે. હૃદય તાલ પકડે છે. દિમાગ ભાન મેળવે છે. અને મસ્તિષ્કનો કેફ ધીરે ધીરે નિર્બળ થવા લાગે છે.

અહીં ખુદ કુદરત જ નર નારીના શરીરનું મિલન કરાવે છે. આ આકર્ષણ જીવનાં સ્વભાવમાં છે. શરીરનાં બંધારણમાં છે. તો શું આ આકર્ષણને જ લવ,પ્રેમ કહી શકાય? પરંતુ આ આકર્ષણમાં સ્વાર્થ રહેલો હોય છે, પરમઆનંદનો સ્વાર્થ. તો શું સ્વાર્થ જ પ્રેમ છે? જો આ સત્ય હોત તો જમીન પર તૂટી વિખેરાતાં કાચની જેમ આ જગત વિખેરાય ગયું હોત.

કુદરતમાં નર અને નારી પરસ્પરના આકર્ષણથી જોડાયેલા રહે છે. પરંતુ આ હોર્મોન્સના જોડાણથી એક અલગ જોડાણ એવું છે જે કદાચ કુદરતી નથી. આ જોડાણ છે, પ્રેમનું જોડાણ, લવનું જોડાણ. પ્રેમ આકર્ષણ નથી. પ્રેમ જ પ્રેમ છે. આ પ્રેમનો સંબંધ હૈયાથી હોય છે. જ્યારે આકર્ષણ હોર્મોન્સની દેન છે. આકર્ષણ તો હરકોઈને હોય છે. પણ પ્રેમ તો અમુકને જ હોય છે. આકર્ષણ પ્રેમ નથી અને પ્રેમ આકર્ષણ નથી. લાઈક કરવું એ લવ નથી અને લવ કરવું એ લાઈક કરવું નથી. લાઈક તો શરીરનાં બાહ્ય બંધારણથી થાય છે. જ્યારે લવ મનની ચોખ્ખાઈ અને ચહેરાની માસૂમિયતથી થાય છે. મન કોઈ એકને લાઈક કરતું હોય ત્યારે બીજા કોઈ શરીર બંધારણમાં ચાડતાને પણ લાઈક કરી શકે. પણ લવમાં એક અને માત્ર એક જ હોય છે. કોઈ બીજા માટે સ્થાનનું અસ્તિત્વ જ નથી. લાઈક શરીરનાં સૌંદર્યથી થાય છે. જ્યારે લવ મનનાં સૌંદર્યથી થાય છે. લાઇકમાં અહમનો 'હું' સબળ હોય છે. જ્યારે લવમાં 'હું' મટીને 'તું' સ્થાન લે છે. લાઇકમાં એકબીજાનો શરીર સ્પર્શ આનંદ આપે છે. જ્યારે લવમાં એકબીજા ખાતર મેળવેલા ઘા આનંદ આપી જાય છે. લાઇકમાં પરસ્પર ન બનતા સંબંધ તૂટે છે. જ્યારે લવમાં પરસ્પર બને કે ન બને, સંબંધ અતૂટ જ રહે છે. જ્યારે એકબીજા હાથ કસીને હગ કરે છે, ત્યારે લાઈક કરતા બે શરીરોમાં હોર્મોન્સનો પ્રવાહ વહે છે. શરીરે રોમાંચ વળગે છે. પરંતુ લવ કરતા બે શરીર જ્યારે હાથોમાં હાથ પરોવીને હગ કરે ત્યારે હૈયામાં ટાઢક પ્રસરી જાય છે. હૈયાની આગ શમી જાય છે. અંતર કોઈ અગમ્ય આનંદને જ જીવતું હોય છે, હોર્મોન્સને નહીં.

આમ ઘણા લોકો લાઈક કરે છે, જ્યારે ઘણા લવ કરે છે. દરેકને પોતાના જીવનમાં કોઈ ને કોઈ સાથે સાચો પ્રેમ થયો જ હોય છે. અને જો ના થયો હોય તો હું માનું છું કે તે બદનસીબ છે. એટ્રેક્શન તો હર કોઈને હોય છે.પણ લવ અમુકને જ હોય છે. આ નિસ્વાર્થ પ્રેમ, એટલે કે લવ વગર કદાચ આ જિંદગી બેસ્વાદ, બેરંગી હશે. એ પ્રેમ થયાની ખુશી, એ પ્રેમનો ભાવ, પળ બે પળનાં ઓર્ગેઝમનાં આનંદને પણ ઝાંખું પાડે છે. કારણ કે આ પ્રેમનો આનંદ હરેક સેકન્ડ હરેક પળ રહે છે.

પરંતુ પ્રેમ માટે અડચણરૂપ છે અહમ. જ્યાં અહમ હોય છે ત્યાં પ્રેમ નથી. અને જ્યાં પ્રેમ છે ત્યાં અહમનું અસ્તિત્વ જ નથી. તમારા સાથી વચ્ચે થતી અનબનનું કારણ જો તમારો અહમ હશે, તો તમને તમારા સાથી તરફ પ્રેમ છે જ નહીં. જ્યાં પ્રેમ છે ત્યાં અહમ શૂન્ય હોય છે. અહમનો 'હું' સ્વતત્વમાંથી નીકળી ફક્ત 'તું' સ્થાન લે છે. અહમ હોવો સ્વાભાવિક છે, પણ તમે જેને પ્રેમ કરો છો તેની તરફ અહમ હોવો એ વફાદારીને બાધક છે. એ વફાદારી જ પતિપત્નીનાં દાંપત્ય જીવનની સુખની ચાવી છે.

મારો એક મિત્ર છે. એ મિત્રને એક દિવસ તેની ગર્લફ્રેન્ડ સાથે ઝગડો થયો. તે મારી પાસે આવ્યો અને કહ્યું, 'યાર, હું તેને દિલથી લવ કરું છું. અને હંમેશા કર્યો છે. એને મારી ફિલિન્ગ્સની કોઈ પરવા નથી, તો હું શું કામ એની પરવા કરું. એને જ્યાં જવું હોય ત્યાં જાય. મને કોઈ ફરક નથી પડતો.' અહીં હું એમ ના કહી શકું કે મારો મિત્ર તેની ગર્લફ્રેન્ડને દિલથી પ્રેમ કરે છે. અહીં અહમ વચ્ચે આવે છે. સાચા પ્રેમમાં ક્યારેય કોઈ નારાજગી, મનભેદ કે સ્વાર્થપણું ના હોય. પ્રેમમાં ક્યારેય સાથી તરફથી ખુદને માટે આશા કે અપેક્ષા ન હોય. ફક્ત આપવાની ભાવના હોય, હૂંફભર્યો પ્રેમ. જો મારા મિત્રએ મને કદાચ એમ કહ્યું હોત કે, 'યાર, હું તેને દિલથી પ્રેમ કરું છું. અને હંમેશા કરતો રહીશ. આજે એને મારી ફિલિન્ગ્સની પરવા નથી. કંઈ વાંધો નહીં. પણ હું તો હંમેશા એની પરવા કરીશ. હંમેશા પ્રેમ કરીશ.' તો હું મારા મિત્રને તુરંત જ હેતથી હૈયે લગાવીને કહેત, ' મને ખુશી છે કે તું મારો મિત્ર છે.'

અને જ્યારે બંને તરફથી અહમ શૂન્ય થાય છે, પરસ્પર પ્રેમનો વરસાદ થાય છે, ત્યારે એ સંબંધ પ્રકૃતિ થકી નથી. એ પરપ્રકૃતિ થકી બંધાયેલ સંબંધ હોય છે. એ સંબંધ દૈહિક નહીં પણ આત્મિક હોય છે. એ સંબંધ અમૂલ્ય, અતુલ્ય હોય છે. પવિત્રતાનો પર્યાય એ પ્રેમ હોય છે. નિસ્વાર્થનો અર્થ એ પ્રેમ હોય છે. ઈશ્વરનું પ્રતિબિંબ એ પ્રેમ હોય છે. અને આ શુદ્ધ પ્રેમ જે જીવી જાણે એ જ ખરો વીર હોય છે.

જ્યારે એકબીજા વચ્ચેથી 'હું', 'તું', 'તારું', 'મારું', 'તારા સપનાં', 'મારા સપનાં', 'તારો પરિવાર', 'મારો પરિવાર', 'તારી ફીલિંગ્સ', 'મારી ફીલિંગ્સ' વગેરેનો ભેદ મટીને 'અમે' અને 'અમારા' માં વિલીન થશે, ત્યારે જ એ સાચો પ્રેમ કહેવાશે. પ્રેમમાં મતભેદ હોય પણ મનભેદ ના હોય. જ્યારે બે પરસ્પર પ્રેમ કરતા બે શરીર નજીક આવે છે ત્યારે વચ્ચેનું અંતર અનેક ગણું થઈ બને છે. જ્યારે બે પ્રેમીઓનું મિલન થાય છે ત્યારે બંને પોતાના શરીર એકબીજાને સમર્પિત કરી દે છે. એકબીજામાં ભળી એક થવા મથે છે. એક થયેલી નજર અનેક સંવાદો માંડે છે. બહુઓ મજબૂત કરી વિયોગ શૂન્ય કરવા મથે છે. અહીં મિલન બે શરીરોનું નહીં, પણ બે આત્માઓનું થતું હોય છે.

એક થવા માટે શરીર અડચણરૂપ થઈ બને છે. સંઘર્ષ પરમ આનંદ લૂંટવા માટે નહિ, પરંતુ એક થવા માટે હોય છે. સમય થોભી જાય છે. એકબીજાના શ્વાસ એકબીજામાં ભળી જાય છે. ધબકતા બે હૈયા એકબીજાના ધબકારા મહેસૂસ કરે છે. અને બસ, એ હૈયાનો એક થવાનો આનંદ હંમેશને માટે પરમ આનંદ રહે છે. એ આનંદ અનેક પળો સુધી લંબાય છે. ત્યાં એક ચરમસીમા આવે છે, ઓર્ગેઝમની નહિ, પરંતુ હૈયાના ભાવની ચરમસીમા.

કુદરતી હોર્મોન્સ નર નારીને નજીક લાવે છે. પરંતુ આ અણદિઠો ભાવ, કે જેને આજનાં બુદ્ધિશાળી ચિકિત્સકો પણ સમજી નથી શક્યા એ પ્રેમ-લવ કુદરતથી પર છે. અને આ માનવમાં જેમને પોતાનાં સાચા પ્રેમનો સથવારો મળ્યો છે એ ખરેખર ભાગ્યવાન છે. જો તમે કોઈને દિલથી પ્રેમ કર્યો છે, પરંતુ તે તમારી સાથે નથી, સો ડોન્ટ વરી. એ તમને જરૂર મળશે. કારણ કે આ પ્રેમ કુદરતનો શ્વાસ છે. ટી.એસ એલિયટના શબ્દો છે, ' Love her with your heart. You'll get her. If you lost her. Don't worry. Take a breath. Her Creater is with you.'

જો સાચો પ્રેમ કર્યો હોય તો કરતા રહો. એક દિન તો એ પ્રેમ તમને જરૂર મળશે. જો પ્રેમ ચોખ્ખો હશે, તો કુદરતનો હિસાબ પણ ચોખ્ખો હશે. ચોખ્ખા હૃદયનાં ભાવનું વળતર નિઃશંકપણે મળે જ છે. બસ હૈયામાં એક હામ ભરી રાહ જુઓ. હું પણ રાહ જોઈ રહ્યો છું.