A Soldier’s Love story
Krupa Bakori
પંજાબના એક ઘરમાં જન્મેલો રણજીત ઈન્ડિયન આર્મીમાં જોડાયો હતો. ત્રણ વર્ષમાં તો એના નામની ધાક જામી ગઇ. એકસો છ મિ.મિ. રીકોઇલલેસ રાઇફલ શોટમાં એની બરાબરીમાં આવે તેવો એક પણ જવાન ન હતો. એની આવડત જોઈને એને કમાન્ડર બનાવી દેવામાં આવ્યો હતો.
રણજીતને એની દસ વર્ષની કારકિર્દીમાં પાંચ-પાંચ શૌર્ય ચંદ્રકો મળ્યા હતા. રણજીતને મન આ બધા તો સામન્ય એવોર્ડ જેવાં હતાં. તેને તો 'પરમવીર ચક્ર' મેળવવાની ઈચ્છા હતી. આજે વર્ષો બાદ તે ફરી પોતાના વતનમાં આવવાનો હતો.
રણજીત અને સાયરા સ્કૂલકાળથી સાથે ભણતા હતા. રણજીતને પણ ખબર નહોતી પડી એમ એ એના હૈયામાં ઝરણું બનીને વહેવા લાગી. સાયરા પણ તેને ખૂબ જ પ્રેમ કરતી. સ્કૂલકાળથી અલગ થયેલા વિખૂટા પડેલા બે પ્રેમીઓ આજે મળવાનાં હતા. પ્રેમનાં પ્રવાસમાં ચાલતા આ પાત્રોને ક્યાં ખબર હતી કે મિલનની ક્ષણ હમેંશા ટૂંકી જ હોય છે.
આજે વર્ષો પછી બંને મળવાના હતા. સાયરાનું દિલ તો આજે બમણા વેગે ધબકતું હતું. જેને વર્ષોથી પ્રેમ કરતી તેને આજે મળીને પોતાના દિલની હર એક વાત વ્યકત કરવાની હતી. સાયરાએ તો દિવસમાં દસ વાર કપડાં બદલ્યા, દસ વાર નહાયી અને દસ વાર અરીસા સામે ઊભી રહીને એની સાથે કેવી રીતે વાત કરવી એની પ્રેક્ટિસ કરી. જ્યારથી તે બોર્ડર પરથી આવ્યો છે, ત્યારથી એનો ચહેરો જ આંખ સામે તરવરે છે. ઘરની હર એક વસ્તુમાં બસ તે જ દેખાતો. આંખ મીચે તો પણ એ જ અને આંખ ખોલે તો પણ એ જ.
સામા પક્ષે રણજીતની પણ આ જ હાલત હતી. સાયરાને મળવાં તે પણ એટલો જ બેચેન હતો. બસ, અફસોસ તો એ હતો કે તે સાયરાને પોતાના દિલની વાત કયારેય ના કહી શકે. સૈનિકનાં જીવનમાં ક્યારે શું થાય એ ક્યાં કોઈ જાણે છે.
હોટેલ એવરગ્રીનમાં આખરે બંને એ મળવાનું નક્કી કર્યું. સાયરા પોતાના પ્રેમનો ઈઝહાર કરવાં આવતી હતી તો રણજીત ના પાડવા માટે. બંને પોતાના ઈરાદામાં મજબૂત હતા. કોઈ પણ કિંમતે હારવાં નહોતા માંગતા.
.પ્રેમનાં ઈઝહારની શરૂઆત આખરે સાયરા એ જ કરવી પડી. કોફીની ચુસકી લેતાં સાયરાએ કહ્યું, “ રણજીત આઈ લવ યુ ! ખબર નહી પણ કયારે બસ, હું તને પ્રેમ કરું છું અને જીવનભર તારી સાથે રહેવા માંગુ છું. શું આ સફરમાં મારી સાથે રહીશ? ”
“ જો સાયરા, આપણે નાના હતાં ત્યારે એકબીજાને પ્રેમ કરતા પણ હવે આ શક્ય નથી. આપણે સાથોસાથ શ્વાસ લેવાના સોગંધ ખાધા હતા, પણ આપણો પ્રવાસ કદાચ ત્યાં જ પૂરો થઈ ગયો હતો. મને ખબર છે તું મને પ્રેમ કરે છે પણ, આ શક્ય નથી સાયરા.”
“ ઓકે, બંધ કર હવે આ નાટક. ઓકે, આજે તો થઈ જાય ફેસલો. મારી જાન ની સામે જ જોવે છે ને આ છરી, હું તારી સામે જ મારા હાથમાં છરી મારીશ. જોઈ લે, આજે તો તારી આ સાયરાનો પ્રેમ. જો તું મને પ્રેમ નહી કરતો હોય તો રોકીશ નહી અને રોકીશ તો હું એમ સમજીશ કે તું પણ મને પ્રેમ કરે ! ”
“ હે ભગવાન આ તારી કેવી કસોટી ! રોકીશ તો પણ દર્દ એટલું જ મળશે ને નહી રોકીશ તો પણ એને જ દર્દ થશે..”
“ આઈ લવ યુ રણજીત આ છેલ્લી વાર.... લવ યુ ..... હું ત્રણ સુધી જ બોલીશ...”
1.........
2..........
“બસ સાયરા, બસ એવું ના કર. હું તારા વગર નહી જીવી શકું. આઈ લવ યુ સાયરા! પણ......”
“પણ શું?”
“ તને ખબર છે કે મારું જીવન કેવું છે. જ્યાં મોતની ના તો ખબર હોય કે ના તો જીવવાની. આ દેશ માટે હું મારી જાન પણ... તું સમજે છે ને સાયરા. મારા વગર તું રહી શકીશ? શું મારી યાદમાં જીવી લઈશ? હું તને પ્રસન્નતા અને સંતોષ ક્યારેય નહી આપી શકું જે એક પતિ પત્નીને આપે.”
“ રણજીત, હું તને પ્રેમ કરું છું. આંખોના આયનામાં માત્ર તું અને તું જ છો, જ્યાં પણ જોવ ત્યાં તારું જ પ્રતિબિંબ દેખાય છે. મેં તને પ્રેમ કર્યો છે. હું તને દિલથી પ્રેમ કરું છું. તારો સાથ મેળવવા માટે આ સફરની હર એક મુશ્કેલીથી પાર ઉતરીશ. તને ફરિયાદનો કોઈ મોકો નહી આપું. હું તારા સુખમાં નહી દુ:ખમાં ભાગીદાર બનવા માંગુ છું. તારા વિના મારું કાઈ જ નથી. તારા વિના તારા પરિવારને પ્રેમ કરવા માગું છું. હું તારા હર એક અરમાનો, સપનાઓ ને પુરા કરવા માંગુ છું. તારા પરિવારને ખુશ રાખવા માંગુ છું. તારા વગર હું જીવી શકીશ નહી. લગ્ન બાદ તારા નામ સાથે હું તારી બનીને જીવવા માંગુ છું. જીવનનાં છેલ્લા શ્વાસ સુધી આ સંબંધ નિભાવીશ વચન આપું છું.”
“ તો, આ પ્રેમ નામનો આ અઢી અક્ષરનો સંબંધ હું પણ નિભાવીશ. જ્યાં સુધી જીવીશ હું તારો જ રહીશ. સાથે રહીને આર્દશ જીવન જીવીશું. જીવનના હર એક પગલા તારી સાથે જ માંડીશ. તારા આવવાથી મારો મૂરઝાઈ ગયેલો આત્મા ખીલવા માંડે છે. તારા પ્રેમની કેદમાં હું કેદ થઈ જવા માંગુ છું. જિંદગીભર એ કેદમાં જ રહીશ. આપણો સંબંધ તો સ્વર્ગમાં જ નક્કી થઈ ગયો બસ, તું હા પાડી દે! લગ્નનો પવિત્ર સંબંધ હું બાંધવા માગું છું. લગ્ન એ તો સંસારને સજીવન રાખતી એક જ જડીબુટ્ટી છે. એના થકી જ સંસાર છે. મોતથી લઈને જન્મોજન્મ સુધીનો સાથ જોઈએ છે. શું એ સાથ આપીશ તું?”
“ હા, રણજીત લગ્ન પાછળનો હેતુ ના તો દેહ આકર્ષણ છે, ના તો એકલતાને દૂર કરવા, ના તો મજબૂરી મારો હેતુ તો ફકત તારો અને તારો જ પ્રેમ છે. હું તનથી નહી પણ મનથી તારું મિલન ઈચ્છું છું. લગ્ન બાદ મારો બીજો જન્મ થશે જે જન્મ હું તારા નામે કરવા માંગુ છું. જીવનનાં તમામ સુખ અને દુ:ખ એક થઈને ઝીલીશું.”
જયારે પ્રેમ થાય ત્યારે પ્રેમિકાનો ચહેરો વાદળા બનીને આસપાસ ઘુમરાવા લાગે ત્યારે હૈયામાં પ્રેમનું ચોમાસું બેસે છે. ત્યારે મનમાં પ્રેમનાં ફૂલો ઝડપે ખીલે છે. મિલન એટલે બે પ્રેમીઓના આત્માનો મેળાપ સૌથી સારો કાળ હોય તો તે છે મિલન અને સૌથી કપરો કાળ હોય તો એ છે વિરહ.
તો આખરે સાયરાના પ્રેમ પાસે રણજીતની હાર જ થઈ. થોડા દિવસો બાદ બંને લગ્ન કરે છે. એકબીજાના પ્રેમને ભરપૂર માણે છે. જાણે કે, વર્ષોથી તરસતાં બે પ્રેમીઓની તરસ બુઝાઈ જાય છે. ત્યાં અચાનક જ રણજીતને બોર્ડર પર જવાની ફરજ પડે છે. સાત-સાત વર્ષોથી સાયરા તેના મિલન માટે તરસતી રહી. તેની જ યાદમાં તેની હર એક સવાર ઊગતી.
7 year later
તારા વગરની રાત પણ કેટલી ખુબસુરત છે ને ! તારા વગર, તારી મીઠી યાદોમાં આ રાત અલગ જ નીખાર લાવે છે. તું નથી પણ તારી યાદ તો છે ને ! જિંદગીથી કોઈ જ શિકાયત નથી, તું જો મળી ગયો મને. ક્યારેક ડર લાગે છે કે, તારાથી દૂર ના થઈ જાવ.
તારો ચહેરો મારી આંખો સામે તરવરે છે. તારી યાદ મને સૂવા પણ નહી દેતી. જયારે-જયારે ઈશ્વરને પ્રાર્થના કરું છુ ત્યારે બસ તને જ માગું છું. તને યાદ કરીને કયારેક-કયારેક તો એવું લાગે છે કે, તું મારી નજર સામે જ છો. પ્રેમનું નામ જ વિરહ છે. તારી હર એક યાદ મને નવી તાકાત આપે છે. પ્રેમ તો અમર છે. તારું આ બલીદાન કયારેય વ્યર્થ નહી જાય. તું મારો જ છો અને મારો જ રહીશ હર એક જન્મમાં...
તને કંઈ રીતે કહું કે તને કેટલો પ્રેમ કરું છું. મારી કિસ્મત ને હું નસીબદાર માનું છું કે તું આ પરિવારનું જ નહી ભારત દેશના હર એક પરિવારની રક્ષા કરે છે. ભગવાન મને મોત આપે પણ તને નહી. આ દેશને તારી જરૂર છે. ખબર નહી આ બધી વાત તને ક્યારે કહીશ. છેલ્લા 7 વર્ષોથી તારી રાહ જોવ છું.
તારા વગર દિવસ વર્ષ જેવો લાગે છે અને ક્ષણ પહાડ જેવી. તારા આવવાની રાહમાં મારી નજર હમેંશા ઘરના દરવાજા પર રહે છે. રોજ સૂરજ ઊગવાની રાહ જોઈને બેઠી હોય છે. જે દિવસે તું આવીશ ત્યારે સોનેરી અજવાળું પથરાઈ જાશે. હર એક સવાર નવી રોશની લઈને આવે છે. એ સવારનો ઈંતજાર રહેશે જ્યારે તું ઘરે આવીશ. ભર વસંત પણ પાનખર લાગે છે. તારા ગયા પછી જાણે કે સમય જ અટકી ગયો. સમય વીતતો જ નથી. સૂરજ તો ઊગ્યો છે પણ આકાશ આથમી ગયું છે. ફૂલ તો રોજ ઊગે છે પણ હૈયું કરમાઈ જાય છે. તને યાદ કરી કરીને દિવસો પસાર કરું છું. એ મિલનની મીઠી યાદ આવતા મૂરઝાયેલો ચહેરો ફરી ખીલે છે.
તું નથી તો કશું જ નથી, તું છે તો બધું જ છે. તારી જ કલ્પના અને તારા જ ખ્વાબ.
તારા આવવાથી મારી અધૂરી જિંદગી પૂરી થઈ છે. જિંદગીની હર એક રાહમાં તારી યાદો છે. બસ, તારી જ યાદ..... દૂર-દૂર રહેલા આકાશનાં ટમટમતાં તારાને જોઈને તારી વાતો કરતી હોય છું, જે આજે પણ કરી રહું છું. તારા નામનું જ આ જીવન છે મારું..... એક એક દિવસ આંગળીના ટેરવે ગણું છું. ક્ષણ ક્ષણ સળગું છું તારી યાદમાં...જલ્દી આવી જા.
“ બેટા, શું કરે છે અહીંયા ??”
“ મમ્મી, ખબર નહી પણ આજે રણજીતની યાદ આવે છે. એવું લાગે છે કે આજે તેને મારી જરૂર છે.” આ બોલતાની સાથે જ તે ચોધાર આસુંએ રડી પડે છે.
“ મારી દિકરી એવો કયો દિવસ હશે જ્યારે એની યાદમાં આ ચાંદ જેવા ચહેરા પર આસું ના હોય. બેટા, આ વખતે ઘરે આવે એટલે તેને હું ઘરેથી જાવા જ નહી દઈશ. આખરે હવે આ ચહેરા પર મારે આસું નહી પણ હસી જોવી છે.”
“ ના, ના મમ્મી ! તેને આપણે રોકી શકીએ નહી. મારા કરતાં પણ વધારે આ દેશને તેની જરૂર છે. જો એને ખબર પડશે કે તેની યાદમાં હું રડું..... હું એવું કંઈ જ નહી કરું જેથી એને દુ:ખ થાય. આખરે હું એની પત્ની છું. મને તો મારા પતિ પર ગર્વ છે કે તે મારું એકનું નહી પણ પુરા દેશનું રક્ષણ કરે છે. મારા હજારો આસું છુપાવીશ લઈ કરોડો ઘરની ખુશી માટે.... મને ગર્વ છે મારા રણજીત પર...”
“ બેટા, તારો આ જોશ જોઈને જ અમે પણ ક્યારેય હિંમત હારતા નથી. અમારા ઘરમાં એક વહુ નહી પણ એક દિકરો આવ્યો છે.”
રણજીત મને એમ જ કહેતા કે, “ હું એક એવા સૈનિકનો છોકરો છું જેને તેનું સંપુર્ણ જીવન ભારતમાતાની સેવામાં સમર્પિત કર્યું. જ્યારે તેની સેનામાં નિયુક્તિ થઈ ત્યારે તેને પોતાના પર ગર્વ હતો. અવનવો જ જોશ, સ્ફુર્તિ તથા દેશની સેવા માટે પ્રબળ ભાવના હતી. દેશસેવા માટે સમર્પણની ભાવના તો તેને વિરાસતમાં જ મળી હતી. ટ્રેનિંગના સમયે ખૂબ જ કઠીન રસ્તામાંથી તેને ચાલવું પડતું. મજબુત ઈરાદાથી બધી જ મુશ્કેલીઓ પર તેની વિજય થઈ. તેનો મને ગર્વ છે.”
“ બેટા, ગર્વ તો મને તારા પર છે. તું એકલા હાથે પણ તારા દિકરા અર્જુનનું પાલન-પોષણ કરે છે. ક્યારેક તું અમારી દિકરી બનીને તો કયારેક અર્જુનની મા બનીને તો કયારેક પતિની હિંમત બને છે.”
મમ્મી, દિકરી જાણે ઘણા અંતરાલ પછી મન મુકીને અંદરની વ્યથા આંસુ રૂપે વહી જાય છે. ત્યાં જ કોઈ ઘર પર આવે છે. અને કહે છે. “ માજી અમને કહેતા દુ:ખ થાય છે કે રણજીત આ યુદ્ધમાં શહીદ થઈ ગયો.” આ ચિઠ્ઠી તેને સાયરા માટે યુદ્ધ પહેલા લખી હતી. તેની બોડી તો પુરી મળી નથી પણ, તેનું શરીર ટુકડાઓમાં મળ્યું હતું.”
સાયરા....... બેટા કાંઈક તો બોલ દિકરી બેટા....
મમ્મી કોઈ જ આ ઘરમાં રડશે નહી મારો પતિ શહીદ થયો છે, અને સાથે તે યુદ્ધ જીતીને પણ.... આટલું બોલતા તો ગળે ડુમો ભરાઈ આવ્યો અને... આખરે પોતાના મનને મનાવતી સાયરા રડી જ પડે છે. જ્યારે તે તસવીર બનીને જ સામે હસવાનો હોય ત્યારે રડવું આવે એ પણ અગિયાર દરિયા ભરાઈ જાય એટલું હોય છે.
સાયરા.......
તારો આભાર કઈ રીતે વ્યકત કરું એ જ ખબર પડતી નથી. મારા પરિવારને એક દિકરાની જરૂર હતી. જે જરૂરીયાત તે નિભાવી છે. એક વહુ બનીને પણ દિકરા તરીકેની હર ફરજ અદા કરી છે.
તને જ્યારે આ ચિઠ્ઠી મળશે ત્યારે શાયદ હું હવે આ દુનિયામાં નહી રહું. કાલે પાકિસ્તાન અને ભારતનું યુદ્ધ છે. ખબર નથી કે શું થાય એ... પણ હા, આપણા દેશની જીત જરૂર થશે.
અહીંયા ધર્મ, જાતિ અને સમુદાયનું મિલન જોવ છું ત્યારે એવું લાગે છે, કે કાશ! આપણા બધા દેશવાસીઓ જાત-પાત ને ભૂલીને આગળ વધે તો ભારતની ભૂમિને ખરા અર્થમાં ગૌરવ થાય. અમારા બધાનાં અનુભવ તો અલગ છે પણ, લક્ષ્ય એક જ છે. “ દેશની રક્ષા માટે આત્મ સમર્પણ. ”
અમારી જિંદગીમાં પણ અજીબ દિવાનગી હોય છે. જ્યાં જીવનનું કોઈ જ નક્કી નથી હોતું ક્યારે મોત દસ્તક લઈ લે. મોતનો પડછાયો હમેંશા હોય છે, પણ અમે લોકો એક રમતની જેમ આંખ-મિચોલી રમીએ છીએ.
જયારે પણ મુશ્કેલી આવતી ત્યારે એ વિચારીને ખુશી થતી કે દેશના કરોડો લોકો અત્યારે અમારી કારણે ચેનથી, સુરક્ષિત જીવે છે.
કયારેક-કયારેક એટલા થાકી જોઈએ કે તારી, પરિવાર, ઘરની યાદ આવી જાય પણ, તારી ચિઠ્ઠી વાચું તો મને એક નવી જ હિંમત મળતી.
જયારે લોકોનું સૈનિકો પ્રત્યેનું આદર-સમ્માન, પ્રેમ અમને લોકોને બળ, પ્રેરણા આપે છે. બુજૂર્ગોના આશીર્વાદ અમને મુશ્કેલીઓનો સામનો હસતે મુખે સહન કરવાની શક્તિ આપે છે.
અમારા જીવનમાં દેશપ્રેમનો અલગ જ નશો છવાઈ ગયેલો હોય છે. જયારે વિજય કરીને ઘરે આવીએ છીએ. ત્યારે બધી જ મુશ્કેલીની યાતના શાંતિમાં બદલાઈને મનમાં સંતોષની લાગણી ફરી વળે છે પણ, આ ઈચ્છા મારી આજે અધૂરી રહી ગઈ. મને મારા પર ગૌરવ છે કે મેં મારી જાન ભારતદેશ માટે બલિદાન કરી.
અનુશાસન અને કર્તવ્યપાલન જ અમારો ધર્મ છે. કાંટા હોય કે ફૂલ, પથ્થર હોય કે ધૂળ, દેશસેવા કરવાનું એક જ જુનુન મન પર હાવી હોય છે. મને ખુબ જ ખુશી થાય છે કે મેં ભારતદેશમાં જન્મ લીધો.
મારું સ્વપન એ જ છે કે સાયરા મારો પુત્ર પણ મોટો થઈને દેશની સેવામાં પોતાની જાતને સમર્પિત કરે અને સૈનિકનાં રૂપમાં દેશ અને પરિવારનું નામ રોશન કરે. તેનો ચહેરો તો મેં આજ સુધી જોયો નથી. મારો દિકરો મારા જેવો જ હશે. મારા પૂર્વજો પણ શૌર્યના પ્રતીક હતા. નાનપણમાં જ તેના શૌર્ય અને બલિદાનની ગાથા સાંભળતો રહ્યો. તે શૌર્ય અને બલિદાનની ગાથા સાંભળીને મને પણ મનમાં સેનામાં ભરતી થવાની ઈચ્છા જાગી.
આ કર્તવ્ય ને નિષ્ઠા, અને ઈમાનદારીપૂર્વક નિભાવીએ છીએ.
ભારતમાતાની રક્ષા કરવા માટે જે અવસર ઈશ્વરે આપ્યો છે. તે માટે હરરોજ તેનો આભાર માનું છું. પોતાની જાતને પણ તે ગૌરવભરી નજરે જોવ છું કે, હજારો સૈનિકોમાં હું પણ એક છું જેને ભારતમાતાની રક્ષા કરવાનો અવસર મળ્યો.
પુરા દસ-દસ દિવસ દમદાર યુદ્ધમાં સંઘર્ષ કરવો પડતો. દસ દિવસમાં ના તો જમવાનું કે ના તો સુવાનું. કડક્ડતી ઠંડીમાં બસ લડયા જ કરવાનું. આ દ્રશ્યો મારી નજર સામે આવે ત્યારે મનમાં ધ્રુજારી થાય છે. પણ, જયારે દુશ્મનોને હરાવીને આવીએ ત્યારે મનને શાંતિ થાય. જીતીને આવ્યા બાદ ફરી એક વાર દેશની રક્ષા કરવા માટેની તમન્ના જાગે.
જયારે પણ યુદ્ધ થાય છે ત્યારે એ રાત્રીની ભંયકર યાદ હંમેશા સ્મૃતિ પર છવાઈને કયારેય ભૂલાતી નથી. અમે લોકો અમારા પ્રાણની કોઈ જ પરવાહ કર્યા વગર આગળ વધતાં રહીએ. જયારે ભારતીય સેનાના વિજયના સમાચાર મળે છે ત્યારે દિલમાં ટાઠક વળે છે.
મારા સાથીઓ સાથે હિંમતથી સામનો કર્યો અને ગોળીઓના દમ પર શત્રુઓ પર વિજય કર્યો. મને ખુશી છે કે મારું બલિદાન વ્યર્થ નહી જાય.
આ ઘર, પરિવાર અને અર્જુનને તારી જરૂર છે. જ્યારે તને મારી યાદ આવે ત્યારે એ બીજા પરિવારોના હસતા મુખ જોઈ લેજે કારણ કે સૈનિકોને કારણે જ પુરા દેશમાં બધા શાંતિથી જીવે છે. સલામ છે તારા પ્રેમને સાયરા.... હર એક જન્મમાં તું જ મારી પત્ની બનજે.
રણજીતસિંહ....
રણજીતસિંહ ના ગયા પછી સાયરા ખરા અર્થમાં એક દિકરો બનીને રહે છે. ઘરની એ તમામ જવાબદારી સંભાળે છે જે રણજીતની હતી. સલામ છે સૈનિકના હર એક પરિવારના સદસ્યને….
યુદ્ધ તો પુરૂ થયું ગયું પણ બદલામાં રણજીતને શું મળ્યું? મોતના સાત દિવસ બાદ જાહેર થયેલો 'પરમવીર ચક્ર'. પાકિસ્તાન અને ભારતનાં યુદ્ધમાં શહિદ થયા બાદ તેને પરમવીર ચક્ર મળે છે. પોતાના જીવનનું બલિદાન આપી ભારત દેશને એક નવી રોશની આપનાર એ રણજીતસિંહને લાખ-લાખ સલામ.
26 જાન્યુઆરી એક એવો દિવસ જે આપણા આઝાદીની યાદ અપાવે છે. તે દેશ-ભકતોની યાદ અપાવે છે, જેને દેશ માટે તેનું ઘર, પરિવાર અને તેની જિંદગી પણ બલિદાન કરી. એક સૈનિક પૂરી સચ્ચાઈ, કર્તવ્ય, અને બલિદાનથી દેશ પ્રત્યે વફાદાર રહે છે. તે હંમેશાં પોતાના જીવનનાં બલિદાન માટે તૈયાર રહે છે. સૈનિકો પ્રત્યે બધાનાં દિલમાં ભાવના જાગે તો વિશ્વાસ છે કે દુશ્મન પણ આપણું કંઈ જ બગાડી ના શકે. સૈનિકો તો કોઈ બીજાની ખુશી જોઈ જિંદગી જીવી લઈએ. આઝીદીની રક્ષા કરવાનું કામ સૈનિકોનું જ નથી, પરંતુ આપણા દેશે પણ પોતાની જાતે મજબુત બનવું જોશે.
સૈનિકોના જીવન વિશે બહુ ઓછું લખાય છે કારણ કે તેનું જીવન એક રહસ્યથી ઓછું નથી. યુદ્ધના ભંયકર દિવસોમાં રાત-રાત જાગીને એકલા હાથે બંદુક તાકીને દેશનું રક્ષણ કરવું સહેલું નથી.
કડકડતી ઠંડીમાં, ભર બપોરે ઉનાળામાં, કે ચોમાસાના ધોધમાર વરસાદ વચ્ચે દેશની રક્ષા કરતાં એ જવાનોને આપણા સલામ.....