Garjankani Chhavani Taraf in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | ગર્જનકની છાવણી તરફ !

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ગર્જનકની છાવણી તરફ !

ગર્જનકની છાવણી તરફ !

ભીમદેવ તો જન્મથી જ લડાઈનો દેવ હતો. તેણે આંહીં આવતાં પહેલાં દામોદરને સ્પષ્ટ કહ્યું હતુંઃ ‘તારી આ વાત મને ગમતી નથી. મને તો ફરીને જુદ્ધ કરીને ફના થવું ગમે. પછી ભલે એ જુદ્ધ રેતીના રણમાં કરવાનું હોય !’

દામોદરે હાથ જોડીને જવાબ વાળ્યો હતો : ‘મહારાજ, એ વખત પણ આવશે. કેમ નહિ આવે ? આપણે સામે મોંએ અનેક લડાઈઓ આપવાની હશે. પણ અત્યારે એ સમો નથી. યુદ્ધવીર ક્યારેક જીતે છે, પણ મહારાજ ! સમયવીર તો કોઈ દિવસ હારતો નથી. આપણે અત્યારે સમયવીર થયા વિના છૂટકો નથી.’

પણ જ્યારે સોમનાથના મઠપતિની આજ્ઞા આવી ત્યારે હવે રાજાને માટે એ વેદઆજ્ઞા સમાન હતી. રાજાને ગુરુના શબ્દોમાં બહુ ગમ ન પડી. પણ ત્રિલોકરાશિનો પ્રભાવ એણે ઘણી વખત અનુભવ્યો હતો : એણે જ ચામુંડરાજ સામે થવાની જરૂરિયાત ભાખી હતી. એણે જ આજે આ આજ્ઞા આપી હતી. ગુરુની આજ્ઞા મળતાં રાજાની શંકા નષ્ટ થઈ ગઈ. પણ બે પળ એ ગુરુના શબ્દો સમજવા મથતો હોય તેમ આંખ મીંચી ગયો. રાજા ભીમદેવે પોતાની સમક્ષ કંચનનું એક મહાન શિવાલય ઊભું થતું જોયું, તેની આકાશગામી ગેરવી ધજાઓ હવામાં ફરફર ઊડી રહી હતી. તે આભો બનીને જોઈ જ રહ્યો. એટલામાં ત્રિલોકરાશિનો પોતાના તરફનો એક વિશિષ્ટ પ્રેમથી ભરેલો દૃઢ આગ્રહી અવાજ એને કાને પડ્યો. એ શબ્દોમાં ઉત્સાહનું મોજું હતું : ‘વત્સ ! ભીમદેવ...

‘હું જોઈ રહ્યો છું કે ભગવાન સોમનાથનું એક મહાન મંદિર તારે હાથે જ આંહીં ઊભું થવાનું છે. ગર્જનક પાછો કોઈ દિવસ આ દિશામાં નજર પણ ન માંડે, તેવો ભયંકર વિનાશ એના રસ્તામાં વેરવા માટે તમે તૈયાર થઈ જાઓ. તો જ એ બને. નહિતર તો એ આ વર્ષે, આવતે વર્ષે, ગમે ત્યારે પાછો આવશે. બધાં જ ભીષણ રૂપો ભગવાન રુદ્રનાં છે. બધી જ સંહારલીલા એને મંજૂર છે. એ માનવીને જાણે છે. માનવીના સાધનને જાણે છે. એના હેતુને જાણે છે. મહાકાલ ભગવાનના ભૈરવી રૂપનો ગાઢ અંધકારમાં જે પ્રેમથી જાપ કરે છે. તેને વિજય વરે છે. વિજય તમારો હશે, જાઓ, ફતેહ કરો. અઘોરસશિને જ્યારે બોલાવશો ત્યારે એ આજ્ઞાપત્ર લઈને ત્યાં આવશે. મહારાજ દુર્લભસેનને, સંન્યાસ ત્યાગની, ભગવાન સોમનાથ પોતે આજ્ઞા આપે છે. વત્સ ! તારી બધી જ યોજનાઓ સફળ હો ! ફરીને ઉત્સાહથી કેડ બાંધો. પણ રહો, હું તમને આંહીં જ બતાવું, અજિત રહેનારાઓ કેમ અજિત રહે છે. અઘોરરાશિ ! એક નાનકડી મશાલ લે, ચાલ આગળ થા. ચાલો, આપણે સૌ ચાલો.’

મઠપતિ ત્રિલોકરાશિ આગળ ને રાજા ભીમદેવ ને બધા પાછળ એમ તેઓ બહાર નીકળ્યા. અઘોરરાશિએ પૂછ્યું : ‘ગુરુજી ! ક્યાં જવું છે ?’

‘ચાલ, ત્યાં ચાલ, કૈલાસનાં દર્શન !’ કોઈ કાંઈ સમજ્યું લાગ્યું નહિ.

બધા નવાઈ પામતા આગળ ચાલ્યા. સોમનાથનાં અનેક ભગ્ન ખંડેરોમાં થઈને રસ્તો ખેતરો તરફ વળ્યો. સામે એક મોટું વડનું ઝાડ હતું. અઘોરરાશિના ફણ તે તરફ વળ્યા.

ગુરુ ત્રિલોકરાશિ ત્યાં જઈને થોભી ગયા. મહાન વડની નીચે એક ગજરાજ ઊભેલો સૌની દૃષ્ટિએ પડ્યો. મોટા ડુંગર જેવો એ જણાતો હતો. તેની વિશાળ ઉત્તુંગ કદાવર કાયા પાસે પેલા વડનું વૃક્ષ પણ જાણે, ઉપર નાનકડો છોડવો ઊભો હોય તેવું બની ગયું હતું. ગુરુજીએ પાસે જઈને તેની સૂંઢ ઉપર કોમલતાથી જરાક હાથ ફેરવ્યો, મોટેથી કહ્યું : ‘કયું કૈલાસ ! આજ તો રાજા ભીમદેવ દેખને કે લિયે આયા હય.’ એટલામાં પાછળ સૂતેલો મહાવત આવી ચડ્યો. તે બે હાથ જોડી પ્રણામ કરતો ઊભો રહ્યો.

આ ગજરાજની પાસે શું કરવા ગુરુજી આવ્યા છે, તેની કોઈને કાંઈ સમજણ પડી નહિ. પણ રાજા ભીમદેવ આશ્ચર્યથી ગજરાજને જોઈ રહ્યો હતો. આવડો ઉત્તુંગ ભવ્ય ગજરાજ એના હાથીસેનમાં પણ કોઈ ન હતો. તેણે વિમલને કહ્યું : ‘વિમલ ! આ તો કોઈ અદ્‌ભુત જણાય છે !’

‘લંકાનો લાગે છે પ્રભુ !’ વિમલે કહ્યું, ‘પણ આવો મહાભાગ્યવાન શ્વેત હાથી ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે !’

‘સાચું આપણા લંકેશ્વરે મોકલ્યો છે.’ ત્રિલોકરાશિએ કહ્યું, ‘પણ એ મહાન ગજરાજની ભવ્યતા એની પોતાની છે. સોમનાથ ભગવાનના જે કાંઈ પાંચ-પચીસ હાથી હતા. તે બધા અમે આઘાપાછા તો કરી નાખ્યા હતા. છતાં જે રહ્યા, તેમને ગર્જનક સરદાર લઈ ગયો. એ તો ઠીક. આ ગજરાજને લઈ જવા માટે એણે આકાશપાતાળ એક કર્યાં. પણ એ ન ખસ્યો. એટલું જ નહિ, તમામ ગજરાજોએ સૂંઢ ઊંચી કરીને, મહાવતોના કહેવા પ્રમાણે, ગર્જનકને સલામી આપી. આ એક જ ગજરાજ એવો નીકળ્યો - ન જેની સૂંઢ ઊંચી થઈ, ન જેણે સુલતાન તરફ કોઈ પ્રકારનું માન બતાવ્યું.* જાણે સુલતાન કે કોઈ સામે ઊભા જ ન હોય, તેમ એ પોતાના ગર્વમાં પોતે મસ્ત રહ્યો. અમારો આ એ અજિત કૈલાસ ગજરાજ છે. મહાવ્રતને કહે અઘોરરાશિ !.... અથવા જવા દે...’ ત્રિલોકરાશિને તરત સાંભર્યું કે મહાવ્રતનું નામ નાહકનું લેવાતું હતું.

પણ એટલામાં તો કૈલાસે પોતાની સૂંઢ ઊંચી કરી મહારાજ ભીમદેવ ઊભા હતા તે તરફ ફરીને જાણે એક માનભરી દૃષ્ટિ નાખી. ને સૂંઢ નીચી નમાવતાં પ્રેમભર્યું નમન કર્યું.

રાજા ભીમદેવ તો એ જોઈ જ રહ્યો, ગજરાજના ગૌરવની એના ઉપર ઊંડી અસર થઈ ગઈ. તે રહી શક્યો નહિ. તરત કૈલાસની પાસે ગયો. તેની

----------------------

*શાહબુદ્દીન ગોરીના સમયમાં એક ગજરાજના સંબંધમાં આ બન્યું હતું. રાઈ રાઈ જેવડા કકડા કરી નાખે તો ભલે, પણ એ નમવા માટે તૈયાર ન થયો તે ન જ થયો. એના એ વલણની ઇતિહાસકારોએ નોંધ લીધી છે.

સૂંઢ ઉપર પ્રેમભર્યો હાથ ફેરવ્યો. પળ બે પળ અજિત ગજરાજની સામે રાજા જોઈ રહ્યો. એ જાણે કોઈ પણ ક્ષણે પોતાના માનભંગને સહેવા કરતાં રાઈ રાઈ જેવડા ટુકાડમાં રફેદફે થઈ જવા તૈયાર ઊભો હોય તેમ અડગ, દૃઢ નિશ્ચયી સ્થિરતાથી ત્યાં ગૌરવમાં ઊભો હતો. ગજરાજને થોડી વાર બધા નિહાળી જ રહ્યા. પણ હવે એમણે નીકળી જવું જોઈએ. એટલે ત્યાંથી જ એ ધીમે ધીમે પોતાનાં ઘોડાં તરફ ગયા. ગુરુજીને સૌ હાથ જોડીને નમ્યા. એક ક્ષણમાં એ પાછા ખંડેરોમાં થઈને પોતાને રસ્તે પડી ગયા.

રસ્તે ચાલતાં દામોદરને લાગ્યું કે ખરી મુશ્કેલી હવે જ ઊભી થવાની હતી. ગુરુદેવો તો અઘોરરાશિને ગમે ત્યારે મોકલવા કહ્યું હતું. પણ એની સાથે કોણ જાય ? જયપાલ હતો. ને એને જ મોકલવાની દામોદરે તૈયારી પણ રાખી હતી. પણ ગર્જનકની છાવણીના સમાચાર પહેલાં મેળવી લઈને, પછી જ આગળ વધાય તેવું હતું. વળી ગર્જનકને સાંભરનો રસ્તો વધારે વિકટ ને મુશ્કેલ જણાય એવા આડકતરા સમાચાર મળતા રહે તો જ એ બીજે માર્ગે વળે તેમ હતું. નહિતર જાણીતો રસ્તો છોડવાનું સાહસ એ કરે જ નહિ. એટલે થોડા વખત પછી રા’ને જેટલું બને તેટલું સૈન્ય ભેગું કરવા કહેવરાવી દીધું. રા’ના સમાચાર આવ્યા હતા. તે જૂનાગઢના અજિત કિલ્લામાં હવે આવી પહોંચ્યો હતો. ત્યાં આસપાસથી સૈનિકો ભેગા થવા મંડ્યા હતા. વિમલ મંત્રી એક દળ લઈને નળકાંઠા સોંસરવો થઈ અર્બુદાચલ ભણી પ્રયાણ કરે એવી યોજના ઘડાઈ. એ સમાચાર સુલતાનને મળવાના. સુલતાનને ખાતરી થાય કે અર્બુદ મંડળ જાગે છે અને ભીમદેવ પણ ત્યાં જ સૈન્ય રાખીને પડ્યો જણાય છે. છૂટાછવાયા કેટલાક માણસોને પાટણ તરફ પણ આંતરે આંતરે દામોદરે રવાના કર્યા હતા. આવી આવી વાતને એ ફેલાવતા રહે, ને વધારે પ્રગટ કરતા રહે, એટલું જ એમનું કામ હતું. દામોદરને ખબર હતી કે ગર્જનકના સૈન્યમાં હિંદુઓ પણ કાંઈ ઓછા ન હતા. એક જબરજસ્ત ઘોડેસવારી દળ તો સેનાપતિ સેવતંરાય સાચવતો હતો. એ કોઈ રાયના કુલનો હતો. એ દળ ઉપર સુલતાનને જેવો તેવો વિશ્વાસ ન હતો. કેટલીક વખત તો દ્વારપાલો તરીકે કેસરીસિંહો જ વધારે વિશ્વાસપાત્ર જણાયા* હતા.

એક બીજો પણ હતો : તિલક. જયપાલને આ વાતની બીજા કરતાં વિશેષ માહિતી હતી. એના બંદરે અનેક વિદેશી સોદાગરોનાં વેપારી વહાણો આવતાં જતાં. એટલે એ એમના રીતરિવાજથી પણ ઠીક માહિતગાર હતો.

એટલે ગર્જનકની છાવણી તરફ જયપાલને મોકલવાનો નિશ્ચય થયો. મહારાજના સાન્નિધ્યમાં જ એ નિર્ણય લેવાયો. જયપાલ પાટણ તરફ જવા માટે ઊપડી ગયો. તેની સાથે પચીસ સવારો હતા. ચારપાંચ સાંઢણીવાળા હતા. પહેલાં તો એને સુલતાની છાવણીની હવા છાની રીતે જોવાની હતી. પછી લાગે કે પ્રગટ થવામાં લાભ છે તો જ પ્રગટ થઈને દુર્લભસેન મહારાજની વતી જાણે પોતે વાત રજૂ કરવા આવ્યો હોય તેવી રીતે વાત કરવાની હતી.

આટલી વાત થાળે પડતી લાગે તો ધીમે ધીમે વિશ્વાસ મેળવીને સુલતાનને સિંઘના માર્ગના ભોમિયા વિષે માહિતી અપાય. હજી એવા ભોમિયા પણ ક્યાંય નજરે ચડ્યા ન હતા. દામોદરને એ પણ શોધવાના હતા. અને તે પણ તત્કાલ. વાત લંબાતી જાય એમાં વાત ફૂટવાનો ભય હતો અને વળી ગર્જનકને આંહીં રહી જવાનો મોહ વધે, એ ભય પણ હતો.

----------------------------

*સુલતાન મહમૂદ ગિજનીના શાહજાદાએ પોતાના તંબુ ઉપર વિશ્વાસુ દ્વારપાલો તરીકે રજપૂત યોદ્ધાઓને પસંદ કર્યા હતા. આનંદપાલ જે ખંડણી ભરતો તેમાં ૩૦ હાથીઓ ઉપરાંત, બે હજાર સૈનિકો મોકલવાની શરત હતી.