Tamara Vina - 11 in Gujarati Fiction Stories by Gita Manek books and stories PDF | તમારા વિના - ચેપ્ટર - 11

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

તમારા વિના - ચેપ્ટર - 11

તમારા વિના

ચેપ્ટર - 11

‘ચલો માજી, ચલો, જલદી ચલો... નહીં તો હમકો જાને દો...’ કરતો પાંત્રીસેક વર્ષનો પટાવાળા જેવો લાગતો એક માણસ કોણી વડે ગોદો મારતો આગળ નીકળી ગયો.

ત્યાં જ બસ-કન્ડક્ટરે બેલ વગાડી અને એક આંચકા સાથે બસ ઊપડી ગઈ. પેલો માણસ બસમાં ચડી ગયો હતો. હાથરૂમાલ વડે પસીનો લૂછી કાન્તાબેન બસસ્ટૉપના છાપરા નીચે આવીને ઊભાં રહી ગયાં. બે બસ આવીને નીકળી ગઈ હતી, પણ તેમને બસમાં ચડવાનો મોકો નહોતો મળ્યો. બસસ્ટૉપથી જરાક જ દૂર ઊભેલી ખાલી ટૅક્સી જાઈને એમાં બેસી જવાની તેમને લાલચ થઈ આવી; પણ પછી એવા ખોટા પૈસા નથી બગાડવા, હમણાં બસ આવશે કરીને તેમણે મન મનાવી લીધું.

બપોરના સાડાચાર વાગ્યા હતા તોય ગરમી અને તાપ ઓછાં થયાં નહોતાં. જતાં પહેલાં એક ફોન કરી દીધો હોત તો સારું હતું એવો વિચાર તેમના મનમાં આવી ગયો. સવારથી તે ઓ રાહ જાઈ રહ્યા હતા કે નીતિનકુમાર આડાઅવળા થાય તો તેઓ ફોન કરી લે. કોણ જાણે કેમ પણ તેમની હાજરીમાં વાત કરવાનું કાન્તાબેનને રુચતું નહોતું. પરંતુ નીતિનકુમાર ઘડીક વાર માટે પણ હોલમાંથી ખસ્યા નહોતા.

‘આમ તો તે ઘરે જ હશે. આજે ક્યાં જવાના?’ કાન્તાબેને વિચાર્યું.

‘ચલો, ચલો...’ પાછળથી અવાજ આવ્યો અને એ ધક્કામાં જ કાન્તાબેન બસમાં દાખલ થઈ ગયાં. બસ ભરાઈને જ આવી હતી. થોડાક પ્રવાસી ઓ ઊભા હતા. કાન્તાબેન ધીમે-ધીમે આગળ સરકતાં હતાં ત્યાં કન્ડક્ટરનો કર્કશ અવાજ આવ્યો.

‘ચલો-ચલો, આગે ચલો... એ હીરો.... ચલ આગે ચલ... માજી ચલો આગે...’ ટિકિટ કાપવાનું નાનકડું સ્ટેપલર જેવું મશીન તે બસની છતના પતરા પર ભટકાડતો જતો હતો.

ઊભેલા પ્રવાસીઓ વચ્ચેથી રસ્તો કરતાં-કરતાં કાન્તાબેન આગળ વધતાં હતાં. ત્યાં જ એક આંચકા સાથે બસ શરૂ થઈ. કાન્તાબેને સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો, પણ તોય માંડ-માંડ પડતાં-પડતાં બચ્યાં.

‘અરે, આગે કિધર જાઓગે. દિખતા નહીં જગા નહીં હૈ.’ તેમની આગળ ઊભેલા માણસે અકળાઈને કાન્તાબેનને કહ્યું. તેના શર્ટમાંથી પસીનાની દુર્ગંધ આવતી હતી.

‘આગે સિનિયર સિટિઝન કા સીટ હૈના ઉધર જાને કા હૈય....’ કાન્તાબેને તેને જવાબ આપ્યો.

‘ઇતના ગિરદી મેં તુમ બુઢ્ઢા લોગ કાયકો ઘુમને નિકલતા હૈ?’ પેલા માણસે વણમાગી સલાહ આપી.

‘તુમકો ઉસસે ક્યા મતલબ હૈય... હમ બસ કા ભાડા ખુદ દેતા હૈ, તુમસે નહીં માગતા હૈ. ઔર બુઢે લોગ કો ઘર સે બહાર નહીં નિકલને કા ઐસા કોઈ કાયદા નહીં હૈય સમજા ક્યા?’ કાન્તાબેનનો પિત્તો ગયો.

‘અરે, બાજુ હટો ભઈ, રાની લક્ષ્મીબાઈ આયી હૈ.’ પેલા માણસે વ્યંગમાં કહ્યું. બે-ત્રણ જણ આ કમેન્ટ સાંભળી હસી પડ્યા.

‘ક્યોં, તુમ લોગ કભી બુઢ્ઢે હોનેવાલે નહીં હો ક્યા? હમેશા જવાન હી રહોગે.’ કાન્તાબેને પ્રત્યુત્તર આપ્યો.

‘કાય રે શાહણે... ચલ બાજુલા હો... ચલ... એ હીરો ઊભા હો... અરે બઘતો સ કાય માઝા તોંડાકડે... સિનિયર સિટિઝન સાઠી સીટ આહે... ચલ હ્યાંના બસુ દે...’ (શું છે રે શાણા... ચલ બાજુ પર જા... એ હીરો ઊભો થા... જુએ છે શું મારા મોઢા સામે... આ સીટ સિનિયર સિટિઝન માટે છે... ચલ, આમને બેસવા દે.) આખો વાર્તાલાપ સાંભળી કન્ડક્ટર આવ્યો અને ઊંચા અવાજે બોલ્યો. તે રસ્તો કરતો કાન્તાબેનને આગળની સીટ પર લઈ ગયો. ત્યાં બેઠેલા પ્રવાસીને ઊભો કરી કાન્તાબેનને બેસાડ્યાં. કાન્તાબેને આભારવશ નજરે તેની સામે જાયું.

ટ્રાફિક વચ્ચેથી રસ્તો કરતી બસ આગળ વધતી હતી. બસમાં ગિરદી વધવા માંડી હતી, પણ કાન્તાબેન આગળની તરફની બારીવાળી સીટ પર બેઠાં હતાં એટલે તેમને રાહત હતી. તાડદેવના એવરેસ્ટ બિલ્ડિંગ પાસેના બસસ્ટૉપ પર ઊતરી તેઓ બે મિનિટ ઊભાં રહ્યાં અને ધીરે-ધીરે તેમણે ચાલવા માંડ્યું.

ત્રીજા માળ સુધી પહોંચતા-પહોંચતાં તેમને હાંફ ચડી ગઈ હતી. આ મકાનમાં તેઓ અગાઉ ઘણી વાર આવ્યાં હતાં, પણ દરેક વખતે ચંદ્ર તેમની સાથે જ હોય. અચાનક એકસાથે સ્મૃતિઓ ઊમટી પડી.

આજે કદાચ પહેલી વાર તે ઓ એકલાં આવી રહ્યાં હતાં. હવે તો આ મકાન પણ તેમની જેમ ખખડધજ થઈ ગયું હતું. દાદરા પર અને પૅસેજમાં લાકડાના ટેકા લગાડ્યા હતા. ટેકા ખસેડી લેવામાં આવે તો આ મકાન ધરાશાયી થઈ જાય? કાન્તાબેનના મનમાંથી વિચાર પસાર થઈ ગયો. તરત ને તરત તો નહીં, પણ ટેકા ખસેડો તો મકાન પડી જાય એ નક્કી. પાયો હચમચી જાય કે મકાન જૂનુંપુરાણું થઈ જાય અને ટેકા ખસેડી લેવામાં આવે તો તૂટી પડે. વૃક્ષનાં મૂળિયાં હચમચી જાય તો તેય ઊભું ન રહી શકે, પણ માણસનું ઘડતર કંઈ અજબ રીતે કર્યું હતું કુદરતે. તેમનું જીવન જેમના ટેકે ઊભું હતું એ ખસી ગયો હતો અને છતાંય પોતે ઊભાં હતાં. તેમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

ગુજરાતી ઢબે પહેરેલા સાડલાના પાલવ વડે તેમણે આંખ લૂછી આજુબાજુ નજર કરી. કોઈ દેખાયું નહીં. થોડાં વર્ષો પહેલાં તેઓ અહીં આવતાં ત્યારે મોટા ભાગનાં ઘરોના દરવાજા ઉઘાડા જ રહેતા. ઘરમાંથી દાળ-શાકના વઘારની કે મીઠાઈ શેકાવાની સુગંધ આવતી. છોકરાઓના કે બૈરાંઓના અવાજો આવતા. કોઈક ઘરમાંથી સાવ નાના બાળકનો રડવાનો અવાજ આવતો કે મા પોતાના છોકરાને વઢતી હોય એના, રેડિયો પર ફિલ્મી ગીતોના કે બપોરના સમયે મહિલામંડળ પ્રોગ્રામના અવાજ આવતા.

પૅસેજમાં પણ બાળકો દોડાદોડી કરતાં હોય. આ મકાનના મોટા ભાગનાં રહેવાસી ઓ સાથે તેમનો પરિચય હતો. પણ ધીમે-ધીમે બધું બદલાવા માંડ્યું હતું. પાટીલવાડી તરીકે ઓળખાતાં આ ત્રણ મકાનોમાંનાં ઘરોમાંનાં ઘણાંખરાં ઑફિસમાં પરિવર્તિત થઈ ગયાં હતાં. લાકડાના બે ખુલ્લા બારણાની જગ્યાએ અડધા કાચવાળા બંધ દરવાજાની એરકન્ડિશન્ડ ઑફિસો થવા માંડી હતી. એકાદ-બે તો નાનાં-નાનાં રેડીમેડ કપડાંનાં કારખાનાં જેવાં થઈ ગયાં હતાં. જે થોડાં ઘર બચ્યાં હતાં એેમાંના કેટલાક ભાડૂતો બદલાઈ ગયા હતા તો કેટલાંક ઘરોમાંની નવી પેઢી સાથે તેમનો પરિચય રહ્યો નહોતો.

પૅસેજ વટાવી કાન્તાબેન એક ઘર પાસે આવીને ઊભાં રહ્યાં. દરવાજાની ઉપર લોખંડનો ૪૨ નંબર લખેલો આંકડો વાંચી શકાતો હતો. લીલા રંગના ઝાંખા પડી ગયેલા દરવાજા પરનો આગળો પકડી તેમણે ખખડાવ્યો.

‘અરે, તમે? આવો... આવોને....’ હસમુખભાઈ કાન્તાબેનને જાઈને આશ્ચર્ય પામ્યા. દરવાજામાંથી આઘા ખસી તેમણે રસ્તો કરી આપ્યો.

કાન્તાબેન દરવાજાની ડાબી બાજુ મૂકેલા સોફા પર જઈને બેઠાં. હસમુખભાઈ અંદર ચાલ્યા ગયા હતા. તેમણે દરવાજા ખોલ્યો ત્યારે તેઓ ઉઘાડે ડિલે હતા. તેમણે ફક્ત લેંઘો જ પહેર્યો હતો.

કાન્તાબેનની નજર આખી રૂમમાં ફરી વળી. ખૂણામાં એક મોટી સૂટકેસ પડી હતી. ઘર ચોખ્ખું હતું, કારણ કે તેમની કામવાળી વર્ષો જૂની હતી. તે દરરોજ આવી ઘર સાફ કરી જતી હતી. તેમ છતાં ઘરની સ્ત્રીની ગેરહાજરી વર્તાતી હતી. હસમુખભાઈનાં પત્ની આશાભાભી ન્યુ જર્સીમાં તેમના દીકરાને ઘરે રોકાયાં હતાં, પણ નવીનચંદ્રના મૃત્યુના સમાચાર સાંભળી હસમુખભાઈથી રહેવાયું નહોતું.

એક ખૂણામાં કપડાની થેલીમાં મૂકેલું ટિફિન પડ્યું હતું. નીચે પાથરેલી શેતરંજી પાસે ગુજરાતી અખબારનાં પાનાં ઊડતાં હતાં. કાન્તાબેને વાંકા વળી અખબારનાં પાનાં ભેગાં કરી ગડી વાળીને શેતરંજી પર જ પડેલા તકિયા નીચે દબાવ્યાં.

‘રહેવા દો ભાભી, હું મૂકી દઉં છું.’ અંદરથી શર્ટનાં બટન બંધ કરતાં-કરતાં બહાર આવી રહેલા હસમુખભાઈએ શેતરંજીની ગડી વાળી રહેલાં કાન્તાબેનને કહ્યું.

હસમુખભાઈની વાતને ગણકાર્યા વિના જ કાન્તાબેને શેતરંજી અને ઓઢવાની ચાદર ગડી વાળીને બાજુ પર મૂકી.

‘મેં તમારી ઊંઘ બગાડી....’ સોફા પર બેસતાં કાન્તાબેન બોલ્યાં.

‘તમે પણ કેવી વાત કરો છો, ભાભી... હું તો જરા આડો પડ્યો હતો. આમેય આજે બીજું કરવાનું પણ શું હતું...’ હસમુખભાઈ આગળ કશું બોલી ન શક્યા.

આજે સોમવાર હતો. તેમની દુકાન બંધ હતી અને હવે તો સાંજે જવા જેવું કોઈ સ્થળ નહોતું અને મળવા જેવું માણસ નહોતું.

થોડીક ક્ષણો બન્ને ચૂપચાપ બેસી રહ્યાં.

‘ચા... ચા મૂકું તમારા માટે...’ હસમુખભાઈએ પ્રયત્નપૂર્વક ભારેખમ મૌન તોડ્યું.

‘ના-ના, તમે રહેવા દો. હું જ મૂકું છું. તમારે પીવી હશે નહીં?’ કહેતાં કાન્તાબેન ઊભાં થયાં અને રસોડામાં જઈ બે કપ ચા બનાવી લાવ્યાં.

હસમુખભાઈ સાથે વર્ષોનો અથવા એમ કહોને ચંદ્ર સાથે હતો એટલો જ જૂનો પરિચય હતો, પણ આ રીતે તેમને એકલા મળવાનો પ્રસંગ ક્યારેય બન્યો નહોતો. ચંદ્ર સાથે જ હોય અથવા જો કોઈવાર પ્રસંગ-અવસરે તેમના ઘરે આવ્યા હોય તો આશાભાભી તો હોય જ.

આ અલગ જ સંજાગોમાં આ રીતે મળવાનું બન્યું હતું અને એને લીધે બન્ને સંકોચ અનુભવી રહ્યાં હતાં. શું બોલવું કે વાત કરવી એ બન્નેમાંથી કોઈને સમજાતું નહોતું.

‘મને ફોન કરી દીધો હોત તો હું આવી જાત. તમે શું કામ આવડો મોટો ધક્કો ખાધો.’ ચા પી લીધા પછી હસમુખભાઈ બોલ્યા. કાન્તાબેન કંઈક કામસર જ આવ્યાં છે એ તો હસમુખભાઈને સમજાઈ ગયું હતું.

‘ઘરે બધાની સામે વાત ન થઈ શકે એટલે મને થયું કે હું જ તમારે ત્યાં પહોંચી જાઉં.’

‘છોકરાઓ હજી રોકાયા હશે નહીં?’

‘દીપક ને વિપુલ ક્યારેક આંટો દઈ જાય છે. મનીષાની તબિયત નરમ-ગરમ રહે છે. તેને બોરીવલીથી છેક અહીં સુધી આવવું ફાવતું નથી. કાશ્મીરા કોઈક વાર સાંજે ઑફિસેથી પાછા જતાં આવી જાય છે. શ્વેતા ને નીતિનકુમાર રોકાયાં છે.’ કાન્તાબેનને લાગતું હતું કે તે ઓ નિરર્થક વાતો કરી રહ્યાં હતાં.

ફરી એક વાર ચુપકીદી છવાઈ ગઈ.

‘ભાભી, આ બધું કઈ રીતે બની ગયું? નવીનને કોઈ શું કામ....’

કાન્તાબેનથી રડી પડાયું. તેમના ચંદ્ર મૃત્યુ પામ્યા એે દિવસે પણ તેઓ જેટલું નહોતાં રડ્યાં એટલાં આસું આજે તેમની આંખમાંથી વહેતાં રહ્યાં. એેને રોકવાનો તેમણે પ્રયાસ પણ ન કર્યો. અંદરથી સાવ ખાલી થઈ જવાય એટલું તેઓ રડ્યાં. ખૂબ રડી લીધા પછી તે ઓ શાંત થયાં એટલે હસમુખભાઈ ઊભા થઈને તેમના માટે પાણી લઈ આવ્યા.

પાણીનો આખો ગ્લાસ ગટગટાવી લીધા બાદ કાન્તાબેને તેમનો ચહેરો સાડલાના પાલવ વડે લૂછી લીધો અને પછી શાંત છતાં ગંભીર અવાજે બોલ્યા, ‘હસમુખભાઈ, મારે એ જ શોધવું છે કે ચંદ્રને કોણે અને શું કામ મારી નાખ્યા...’