Daud - 10 in Gujarati Fiction Stories by Harish Thanki books and stories PDF | દૌડ 10

Featured Books
Categories
Share

દૌડ 10

નવલકથા- દૌડ

પ્રકરણ-૧0

રાજને શેફાલી પાસે જઈ કહ્યું.‘તને ખબર છે શેફાલી, કે શેખર એક પાંચ વરસના પુત્રનો પિતા છે?’ શેફાલી વિસ્ફારિત નયને રાજન સામે જોઈ રહી. રાજનની વાત સાંભળી તેના અંતરને એક ધક્કો વાગ્યો.

તો તેનો પસંદગીનો પુરુષ માત્ર પરિણીત જ નહોતો, એક સંતાનનો બાપ પણ હતો !પણ આટલા વખતમાં એણે તો ક્યારેય એ વાત પોતાની સમક્ષ ઉચ્ચારી નહોતી.!

શેખર તેનો પ્રિયતમ હતો. ગઈ રાતે એની બાહોમાં પોતાની જાતને મીણની માફક ઓગળી દીધી હતી. ભલે નશામાં તો નશામાં, એણે શેખરને કહી દીધું હતું કે પોતે તેને ચાહતી હતી.

શેખર પાસે કરેલા એકરારને હજુ ચોવીસ કલાક નહોતા વિત્યા ત્યાં તો કેટલું બધું બની ગયું ! પોતાના પહેલાં પ્રેમને ટી.વી.વાળાઓએ એક સ્ત્રીની વાસનાપૂર્તિ ગણી જગત આખા સામે ઊછાળી દીધો હતો. પોતે હજુ મોમને એ બાબતે કશું કહી શકે, પોતાની શેખર તરફની લાગણી સમજાવી શકે તે પહેલાં તો મોમ ટી.વી.ના દ્રશ્યો જોઈ આઘાતની મારી બેહોશ થઇ ગઈ અને આટલું ઓછું હોય તેમ અત્યારે રાજન તેની સમક્ષ શેખરની એક આઘાતજનક સચ્ચાઈ રજૂ કરી રહ્યો હતો.

શેફાલીને લાગ્યું કે તેના મગજને લકવો મારી ગયો છે. એ જ વખતે મોબાઈલમાં રીંગ વાગી. સ્ક્રીન પર નામ હતું...શેખર બ્રિન્દા

શેફાલીએ રાજન સામે જોયું. રાજને વાત કરવા ઈશારો કર્યો. શેફાલીએ એક પળ આંખો બંધ કરી ઝડપથી કોલ કાપી નાંખ્યો. શું વાત કરવી? શેખરે પણ ટી.વી જોયું હશે. તેની પત્ની, તેનુ સંતાન..એ બધાએ પણ આ બધું જોયું હશે.!

ફરીથી રીંગ વાગી. એ જ નામ ! ફરીથી કોલ કાપ્યો. ફરીથી રીંગ વાગી..શેફાલી કોલ કાપવા જતી હતી ત્યાં રાજને તેના હાથમાંથી મોબાઈલ ખેંચી અને શેખર સાથે વાત શરૂ કરી. બહુ ટૂંકમાં, પરંતુ તમામ વિગતો આવી જાય તે રીતે રાજને શેખરને બધું જણાવ્યું અને સાથે એમ પણ કહ્યું કે શેફાલી અત્યારે તેની સાથે વાત કરી શકવાની સ્થિતિમાં નથી. જવાબમાં શેખરે માત્ર એક મિનિટ શેફાલી સાથે વાત કરવા આજીજી કરી.

નાછૂટકે રાજને શેફાલીને મોબાઈલ આપ્યો.

‘પ્લીઝ ફોન કાપતી નહિ. એક વખત મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી લે શેફાલી.., જે કાંઈ બની ગયું તે ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ હતું..એ મારી ભૂલ હતી. હું એ વખતે ભૂલી ગયો કે તું એક સેલેબ્રિટી છે. તારા દરેક પગલાંની લોકો નોંધ લેતા હોય છે. પણ તું ચિંતા ન કરીશ મે વિચારી લીધું છે કે હવે બદનામીમાંથી બચવાનો એક માત્ર ઉપાય એ છે કે હું તારી સાથે લગ્ન કરી લઉં... તારી મમ્મી સ્વસ્થ થાય એટલે જેમ બને તેમ જલ્દી આપણે લગ્ન કરી લઈશું. મમ્મીને હોશ આવે એટલે આ વાત એમને તુરંત કહી દેજે જેથી એ આઘાતમાંથી બહાર આવી જાય. આ બહુ જરૂરી છે. અને હા શેફાલી, મને ખબર છે કે હિન્દી ફિલ્મની બેસ્ટ હીરોઈન બનવું એ તારું સ્વપ્ન છે. તો આપણા લગ્ન પછી પણ તું તારી કેરિયર ચાલુ રાખી શકશે. ઓ.કે?’ રખેને ક્યાંક શેફાલી કોલ કાપી નાંખશે એ ચિંતામાં શેખર તેણે જે કઈ કહેવાનું હતું તે એકીશ્વાસે બોલી ગયો.

‘પણ..હાવ ઇટ ઇઝ પોસિબલ..? તો પછી તારા પત્ની-બાળકોનું શું થશે?’

‘તને કદાચ ખ્યાલ નહિ હોય કે મારી પત્ની રીવાનું બે વર્ષ પહેલાં એક કાર અકસ્માતમાં મૃત્યુ થઇ ચૂક્યું છે. હા, મોન્ટુ છે પાંચ વરસનો, પણ એની જવાબદારી તારા પર નહિ આવે. હું તેને સમજાવી સાચવી લઈશ. પણ અત્યારે આ બધી ચર્ચાનો સમય નથી. અત્યારે તું તારા મમ્મીને બચાવી લેવા પર ધ્યાન આપ. ખરેખર તો મારે ત્યાં આવવું જોઈએ પણ અત્યારે વળી જો કોઈ છાપાવાળો આપણને સાથે જોઈ જશે તો એ એક નવી સ્ટોરી ઘડી કાઢશે.’

બીજે દિવસે માલતીબેન ભાનમાં આવ્યા કે તુરંત એના કાનમાં શેફાલીએ ‘શેખર તેની સાથે લગ્ન કરવા તૈયાર છે’ એમ કહી દીધું. એ પછી એમની તબિયત ઝડપથી સારી થવા લાગી. પાંચ દિવસની સારવારના અંતે માલતીબેનને હોસ્પિટલમાંથી રજા મળી.

‘આવતાં અઠવાડિયે હું શેખર સાથે લગ્ન કરી રહી છું’ માલતીબેનના ઘરે આવી ગયાને દસમે દિવસે શેફાલી રાજનના બંગલે આવી હતી.

‘પરિસ્થિતિના દબાણમાં આવી જઈને આ નિર્ણય લેવાયો છે કે પૂરી સ્વસ્થ વિચારણાના અંતે?’ રાજને પૂછ્યું.

‘સાચું કહું તો બન્ને..હું શેખરને ચાહું છું એટલે ગમે ત્યારે હું તેની સાથે લગ્ન કરવાની જ હતી પણ જો આ ઘટના ન બની હોત તો હજુ લગ્ન કરવા માટે ત્રણેક વરસનો સમય લેત. મોમની ચિંતા ઘટાડવા માટે મારે આ બધું ઝડપથી કરવું પડી રહ્યું છે.’

‘હું એમ નથી પૂછતો..શેખર તને પ્રેમ કરે છે એટલે તારી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે કે માત્ર શરમજનક પરિસ્થિતિમાંથી ઊગરી જવા માટે? રાજને પોતાનો મુદો સ્પષ્ટ કર્યો.

‘એ મને પ્રેમ કરે છે રાજન, એ મને ચોક્કસ પ્રેમ કરે છે.તું કહેવા શું માંગે છે ?’ શેફાલી રાજનના પ્રશ્નથી થોડી અકળાઈ.

‘મને લાગે છે કે એ પોતાની જાતને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઊગારી લેવા તારી સાથે લગ્ન કરી રહ્યો છે. એ એક જાણીતો બિઝનેસમેન છે. આ ઘટનાને કારણે તેની રેપ્યુટેશન પણ જોખમાઈ હશે. લગ્ન પ્રેમને કારણે થવા જોઈએ શેફાલી, પરિસ્થિતિને કારણે નહિ’ રાજન ઠંડા સ્વરે બોલ્યો.

‘એ મને ચાહે છે જ. નહિતર એ રાત્રે હોટલમાં જે ઘટના બની એ બની જ ન હોતને?’ શેફાલીએ બચાવ શોધ્યો.

‘એ ઘટનાને શેખરના પ્રેમનું પરિણામ ન કહી શકાય. તું એ વખતે શેખરના પ્રેમમાં હતી અને સ્ત્રી માટે પ્રેમ એ એક સશક્ત કારણ ગણાય શરીરસંબંધ બાંધવા માટે. પરંતુ પુરુષ પક્ષે આ વાત દર વખતે સાચી નથી હોતી..શરીરનો એક જિન્સી આવેગ, સામે એક આમંત્રણ આપતો સુંદર નારી દેહ અને શરાબની અસર આ ત્રણ બાબતો સાથે મળી, પોતે જેને પ્રેમ ન કરતો હોય તેવી સ્ત્રી સાથે શરીરસંબંધ બાંધવા એ પુરુષને મજબૂર કરી શકે છે.’ રાજને મુદ્દો સ્પષ્ટ કર્યો.

‘તો શું તું એમ કહેવા માંગે છે કે શેખર મને પ્રેમ નથી કરતો? એ વખતે એણે ફક્ત તકનો લાભ ઊઠાવ્યો હતો?’ શેફાલીનો શેખર પ્રત્યેનો પ્રેમ દલીલે ચઢ્યો.

‘એ વખતે તેણે તકનો લાભ ઊઠાવ્યો નહિ હોય. કારણ કે એ વખતે તો એ પણ પોતાના શારીરિક આવેગ સામે મજબૂર હશે પરંતુ અત્યારે એ ચોક્કસ પરિસ્થિતિનો લાભ જ ઊઠાવી રહ્યો છે. તે સારી રીતે જાણે છે કે આ સમયે તારી પાસે કોઈ બચાવ નથી. તું તારી મોમને બચાવવા તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ જઈશ. તારા જેવી સુંદર યુવતી સાથે લગ્ન કરવાની આવડી મોટી તક તેને ક્યાં મળવાની?’

‘તદ્દન વાહિયાત દલીલ છે તારી. હું તેના પ્રેમમાં છું તો પછી તેના પક્ષે કોઈ લાભ ઊઠાવવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો.’

‘એકઝેટલી, તું તેના પ્રેમમાં છો એટલે જ આ શક્ય બની શકેને? એ જાણે છે કે પ્રેમમાં પડેલી વ્યક્તિને સરળતાથી મૂર્ખ બનાવી શકાય છે. એક વાત બરાબર સમજી લે શેફાલી કે, એ એક સંતાનનો બાપ છે. ભવિષ્યમાં તેને માટે તેનો પહેલો પ્રેમ હમેંશા તેનું બાળક જ હોવાનું. તેના જીવનમાં તારું સ્થાન કાયમ બીજું જ રહેવાનું.’

શેફાલી થોડીવાર માટે ચૂપ થઇ ગઈ. પછી અચાનક કાંઈક સૂઝી આવ્યું હોય તેમ બોલી.

‘ એક વાત પૂછું રાજન ? તું આ બધું મને શું કામ સમજાવી રહ્યો છે તે કહીશ?’

‘ઘણા વખતથી કહેવા ઈચ્છ્તો હતો પણ કદી કહી શકાયું નહી..અત્યારે કહીશ તો એ કદાચ ક-વખતનું હશે. છતાં પણ મારી પાસે કોઈ પર્યાય જ નથી બચ્યો એટલે કહી જ દઉં છું. હું...હું તને અનહદ પ્રેમ કરું છું શેફાલી..આઈ લવ યુ. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું’

સ્તબ્ધ બની ગઈ શેફાલી. લાંબા વખત સુધી બન્ને વચ્ચે મૌન પથરાયું. અંતે શેફાલીએ મૌનનો ભંગ કરતાં કહ્યું..’આઈ એમ સોરી રાજન, પણ હું તને પ્રેમ કરતી નથી. હું તો ફક્ત શેખરને જ પ્રેમ કરું છું. ભલે તે એક સંતાનનો બાપ હોય..તને હું મારો બેસ્ટ ફ્રેન્ડ ગણું છું બસ, મે કદી તને કોઈ બીજી દ્રષ્ટિએ જોયો જ નથી..હું દિલગીર છું પણ હું તારી સાથે લગ્ન કરી શકું તેમ નથી.’

રાજને એક ઊંડો નિસાસો નાંખ્યો.

‘જેવી તારી મરજી..પણ એક મિત્ર હોવાને નાતે તને એક વાત ચોક્કસ કહીશ કે મારો અંતરાત્મા કહે છે કે શેખર તારા માટે યોગ્ય વ્યક્તિ નથી’

‘એ તારો નાસીપાસ થયેલો અહમ બોલે છે. ગમતી સ્ત્રી ન મેળવી શક્યાનો તને બહુ વસવસો થતો હોય તો તેં મારા પર કરેલા અહેસાનોના બદલામાં ગમે ત્યારે હું મારું શરીર તને સોંપવા તૈયાર છું. પરંતુ મહેરબાની કરી તું શેખર વિશે ખરાબ કોમેન્ટ ન કર’ શેફાલીએ ગુસ્સામાં આવી જલદ પ્રતિભાવ આપી દીધો.

અને એ સાંભળતાવેંત રાજનને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. એ શેફાલી તરફ ધસ્યો. શેફાલી હજુ કશું સમજે તે પહેલાં તેના બાવડાં પકડી હચમચાવી બરાડો પાડી બોલ્યો.’ શટ અપ..તું મને આટલો બધો નીચ સમજે છે? આટલો હલકટ ગણે છે કે...’ આઘાતને કારણે તેના ગળામાં શબ્દો અટવાયા. મહામહેનતે ગળેથી થૂંક ઉતારી હતાશસ્વરે બોલ્યો ‘હું તને આજથી મારા અહેસાનોથી મુક્ત કરું છું..નાવ ગો એન્ડ ગેટ લોસ્ટ....’

(ક્રમશ:)