Dubta suraje lavyu prabhat - 3 in Gujarati Short Stories by Abhishek Trivedi books and stories PDF | ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત ! - 3

Featured Books
Categories
Share

ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત ! - 3

સ્વર્ણિમને મળવા બોલાવી શૈલજા પોતે હજુ પણ આવી નહોતી. સ્વર્ણિમની ઉત્સુકતા અને ચિંતા વધતી જતી હતી, એવી તો શું વાત હશે કે મને આવી સુમસામ જગ્યાએ બોલાવ્યો શૈલજાકાકી એ ! પછી સ્વર્ણિમને દૂરથી શૈલજા આવતી દેખાઈ. શૈલજા ખૂબ સાવધાનીથી આવી રહી હતી. જાણે કોઈનાથી છુપાઈને કોઈ જોઈ ના જાય એની સાવધાની રાખી રહી હતી. જોકે આ જગ્યાએ કોઈ મળવું મુશ્કેલ જ હતું. છેવટે શૈલજા આવી પહોંચી. શૈલજાએ માથે ઓઢેલું હતું. "માફ કરજે સ્વર્ણિમ બેટા, મને આવતા વાર થઈ ગઈ! " "ભલે કાકી પણ મને હવે તો કહો એવી તે શું વાત છે કે તમે મને આવી સુમસામ જગ્યાએ આ સમયે બોલાવ્યો?" સ્વર્ણિમે પૂછ્યું. " વાત એમ છે સ્વર્ણિમ બેટા કે... શૈલજા ફરી આસપાસ જોતા કે કોઈ છે તો નઈ ને, એટલે અટકી ગઈ. " બોલો શું વાત છે? " સ્વર્ણિમે ઉત્સુકતાથી પૂછ્યું. " વાત એમ છે કે આખું ગામ એમજ માને છે કે તારા કાકા એટલે કે મહેશભાઈ એ આત્મહત્યા કરી છે.. પણ એ સાચું નથી.. " શૈલજા અટકી ગઈ. " તો શું થયું મારાં કાકાને! એ કઈ રીતે મરી ગયા..??? તમે સ્પષ્ટ કહો શૈલજા કાકી! " સ્વર્ણિમે આશ્ચર્ય થી કહ્યું. " તારા કાકાએ આત્મહત્યા નથી કરી પણ એમની ક્રૂર હત્યા કરવામાં આવી છે...!!" સ્વર્ણિમ વાત સાંભળી અવાક રહી ગયો. શૈલજાએ કહેવાનું ચાલુ રાખ્યું, " મારી પાસે બહું સમય નથી આરતીનો સમય થઈ જશે થોડી વારમાં એટલે હું તને ટૂંકમાં બધું કહું છું. પાછલી અમાસે જ્યારે બધે અંધારું છવાયેલું હતું ત્યારે હું આરતી પુરી કરી ઘર તરફ જઈ રહી હતી ત્યાં મેં એક નાની બાળકીને રસ્તામાં રડતા જોઈ.. મેં એને પૂછ્યું તો જણાવ્યું કે રસ્તો ભૂલી ગઈ છે.. પછી મેં એને પૂછ્યું કે એનું ઘર ક્યાં છે તો અંધારી ઝાડીઓ તરફ ઇશારો કરવા લાગી.! મને ઘણું આશ્ચર્ય થયું પણ એની જીદ સામે હું હારી ગઈ અને મેં તેની સાથે જવાનું નક્કી કર્યું. ઝાડી ઘણી જ અંધારી અને સુમસામ હતી. ચકલુ પણ ફરકતું નહોતું. હું અને એ બાળકી ચાલતાં ચાલતાં ઘણાં આગળ આવી ગયા હતા. છેવટે એ છોકરી તમે જાઓ હું જતી રહીશ કહી જતી રહી આટલા અંધારામાં હું એને જોઈ પણ ના શકી! મને ભાન થયું કે ચાલતાં ચાલતાં હું ઘણી આગળ આવી ગઈ હતી. અચાનક વરસાદ પણ તૂટી પડયો.. છેવટે હું ચાલતી ચાલતી મહાગીની પહાડ નજીક પહોંચી હતી. એટલામાં મને કરૂણાથી ભરેલા અવાજો સંભળાયા.. હું ઝાડ પાછળ હતી. મને નવાઈ લાગી કેમકે એ જગ્યાએ કોઈ મળવું શક્ય નહોતું. માં શુભાંગીની ના આદેશ થી કોઈ અમાસે બહુ બહાર નીકળતું નહોતું..પણ મેં ત્યાં જે જોયું એ જોઈ હું આભી બની ગઈ!! તારા કાકા માફી માફી.. ક્ષમા ક્ષમા ... જેવા શબ્દો બોલી રહ્યા હતા. વરસાદ માં એમનું રૂદન વધારે કરુણ બનતું હતું. પણ સામેની વ્યક્તિએ એક ના સાંભળી અને.. અને.. તારા કાકાના શરીરમાં ખંજર ભોંકી દીધું. એ પણ એક વાર નઈ બે બે વાર ભોંકી ને બહાર કાઢયું.. અને.. અને.. શૈલજા બોલતા બોલતા હાંફી રહી હતી.. એની આંખમાં આંસુ હતાં.. છતાં હિમ્મત કરી બોલી.. તારા કાકાની હત્યા કરી એમને મહાગીની ની ખીણમાં ધક્કો મારી દીધો..! મારાથી આ જોઈ ચીસ નીકળી ગઈ. તો એ વ્યક્તિ મારી પાછળ ભાગી. પણ મા શકામ્બરી ની કૃપાથી હું આગળ હતી અને ઝડપથી ભાગી અને સલામત સ્થળે નીકળી ગઈ.. " " શૈલજાની વાત સાંભળી સ્વર્ણિમની આખો ભીની થઈ હતી. તે આઘાતમાં નીચે ઘૂંટણીએ બેસી ગયો. તે કઈ બોલી રહ્યો નહોતો. તેની આંખો લાલ થઈ હતી. શૈલજાએ એના ખભા પર હાથ મૂક્યો, પણ તે કઈ બોલે તે પહેલા જ સ્વર્ણિમ ઝડપથી ઊભો થઈ ગયો એ ખૂબ ગુસ્સામાં લાગતો હતો.. " કોણ હતું એ.. કોણે મારાં કાકાને.. બોલો કાકી બોલો.. કોણે કર્યું છે આ!!" સ્વર્ણિમના અવાજમાં ગુસ્સાની સાથે સાથે રૂદન પણ હતું. શૈલજાએ આજુબાજુ ફરી નજર કરી લીધી. પછી ધીમે રહીને બોલી, " એ.. એ.. માં.. માં શુભાંગીની હતાં..." " કોણ? મા શુભાંગીની!!.. એટલે એજ ને જેમને આ ગામલોકો ઇશ્વર માને છે.. અને માં શકામ્બરી નો અવતાર ગણે છે વગેરે..." સ્વર્ણિમ આશ્ચર્ય અને ગુસ્સા બંનેથી બોલ્યો. "હા એજ માં શુભાંગીની બેટા! જેમણે તારા કાકાની મહાગીની પર્વતની ખીણમાં હોવાની ખબર આપી હતી. મેં મારી આંખે જોયું છે એમને આ કરતા. એમણે જ તારા કાકાને..." શૈલજા અટકી ગઈ. સ્વર્ણિમ ગુસ્સાથી બોલી ઉઠયો, " હું છોડીશ નહીં એમને, મારા કાકાને મારી નાખ્યા એણે! હું હમણાં જ જઈને આખા ગામ સામે એની અસલિયત જણાવું છું. આજે કાંતો હું જીવીશ અથવા તો એ શુભાંગીની!" કહી સ્વર્ણિમ નજીક માં રસ્તાની બાજુમાં પડેલો લોખંડનો સળિયો લઈ જઈ રહ્યો હતો ત્યાંજ શૈલજાએ જોરથી સ્વર્ણિમનો હાથ પકડી લીધો . સ્વર્ણિમ હાથ દૂર કરી જવા લાગ્યો, શૈલજાએ રોકવાના ઘણા પ્રયત્નો કર્યા પણ માન્યો નહીં. છેવટે શૈલજાએ જોરથી કીધું "તને તારા કાકીના સમ છે જો ગયો છે તો! " સ્વર્ણિમ અટકી ગયો. શૈલજા એની પાસે ગઈ અને બોલી. " તને શું લાગે છે કે આ બધું જાણીને પણ ચૂપ રહેનારી હું મૂર્ખ છું? અરે તું મા શુભાંગીનીની સત્તા અને સાંખ નથી જાણતો. તારી વાત પર કોઈ વિશ્વાસ પણ નઈ કરે! મેં પણ આ બધું મારી આંખે જોયું એટલે મને ખબર પડી બાકી હું પણ ના જ માનત! તું જો કોઇને કહીશ તો માં શુભાંગીની કઈ કરે એ પહેલાં તો આખું ગામ તારી સામે થઈ જશે. આ નગરના લોકોનો એ શુભાંગીની પર આંધળો વિશ્વાસ છે બેટા! તારો જીવ બચાવો પણ મુશ્કેલ થઈ જશે. એટલે ધીરજ રાખ. " સ્વર્ણિમ શાંત થયો. એણે દંડો બાજુ પર નાખી દીધો. " પણ કાકી આપણે આમ શાંત કઈ રીતે બેસી શકીએ?! એ શુભાંગીની ને સજા તો અપાવવી જ રહીને! આટલા વર્ષોથી નગરજનોની આસ્થા સાથે રમી રહી છે એ પાખંડી!" સ્વર્ણિમે કહ્યું. " હાં, એ વાત સાચી. અને માત્ર કર્ણપુરી નહીં અનેક નગરનાં લોકો આવે છે એના આશીર્વાદ લેવા. એટલે એના પાખંડને તોડવું તો પડશેજ! પણ આ એટલું સરળ નથી. આમાં તારા અને મારા ઉપરાંત આપણા પરિવાર ને પણ જોખમ થઈ શકે છે. તું મા શુભાંગીનીને નથી જાણતો. એટલે આપણે ખૂબ જ સાવધાની રાખવી પડશે. ચાલ હવે આરતીનો સમય થાય છે. મારે જવું પડશે. " શૈલજાએ કહ્યું. " હું પણ આવું છું તમારી સાથે. " સ્વર્ણિમે કહ્યું. પછી સ્વર્ણિમ અને શૈલજા મંદીર તરફ ગયા. મંદીર આવ્યું એટલે શૈલજા સૌથી આગળ જઈ થાળ તૈયાર કરવા લાગ્યો. સ્વર્ણિમ પણ બૂટ ઊતારી મંદિરમાં પ્રવેશ્યો. નગરજનો પણ આવી ગયા હતા. સૌ મળીને મા ની સ્તુતિ કરી રહ્યા હતા. સ્વર્ણિમે હાથ જોડી માં શકામ્બરી ની મૂર્તિના દર્શન કર્યા. હમણાં તો શૈલજા અને બીજા થોડા લોકો સિવાય તેને કોઈ ઓળખતા નહોતા. એટલે બધા ચહેરા નવા લાગતા હતા. એટલામાં બે જાણીતા ચહેરા તેને દેખાયા. થોડું યાદ કર્યા બાદ તેને યાદ આવ્યું કે આ તે દિવસે બજારમાં મળી હતી અને બોલાચાલી કરી હતી એ જ છોકરીઓ છે. અને તેના ચહેરા પર હલકું સ્મિત આવ્યું. છેવટે માં શુભાંગીની રોજ મુજબ પધાર્યા. અને જયનાદ શરૂ થયો. શૈલજાએ આરતીની થાળી આપી. સ્વર્ણિમને મનમાં અત્યંત ગુસ્સો આવી રહ્યો હતો. 'મન તો થાય છે કે હમણાં જ જઇને એનું ગળું દબાવી દઉં!' પણ તેણે મનમાં જ દબાવી રાખ્યો. આરતી પૂરી થઈ અને સૌ છૂટા પડતાં હતાં, અને સ્વર્ણિમ જઈ રહ્યો હતો ત્યાંજ નિત્યા અને નિષ્ઠા તેની સામે આવીને ઊભી રહી. સ્વર્ણિમને બંનેને સામે જોઈ સહેજ આશ્ચર્ય થયું. "હવે આજે મેં કઈ નથી કર્યું! " સ્વર્ણિમે હસીને કહ્યું. નિત્યા અને નિષ્ઠા પણ એકબીજા સામે જોઈ હસી પડી. " વાત એમ છે કે હું તે દિવસ માટે સૉરી જ કહેવા આવી છું. મારો જ વાંક હતો ને મેં તમને સંભળાવી દીધું. તમે તો મારી મદદ જ કરતા હતા. પછી ઘરે જઈને પણ મને ચેન ના પડ્યું એટલે વિચાર્યુ કે તમારી સાથે વાત જ કરી લઉં!" "ઓહોહો શું વાત છે! સૂરજ કઈ દિશામાં ઉગ્યો ભાઈ! નિત્યારાણીએ કોઈની માફી માગી! તમારા ભાગ્ય ખૂલી ગયા!" નિષ્ઠા સ્વર્ણિમ તરફ જોઇ હસીને બોલી. "શું નિષ્ઠા! તું પણ કાંઈ પણ બોલે છે.!" નિત્યા નિષ્ઠા તરફ આંખો કાઢીને બોલી. "તે મેં કઈ ખોટું કીધું વળી, આજ સુધી કોની માફી માંગી છે તે યાદ કર જરા!!" નિષ્ઠા બોલી. "બસ હવે વધારે બોલવાની જરૂર નથી." સ્વર્ણિમ બન્નેની આવી વાતચીતો સાંભળી ખડખડાટ હસી પડ્યો. જાણે ઘણાં સમય પછી આવી રીતે હસ્યો હોય એવું લાગતું હતું. "તમે બંને બેસ્ટ ફ્રેન્ડઝ લાગો છો! કાયમ સાથે જ રહો છો. " સ્વર્ણિમે પૂછ્યું. " હાં તે આને મારા વગર કોણ સહન કરી શકે!" નિષ્ઠા ફરી હસીને બોલી. "નિષ્ઠા હવે તું એક અક્ષર પણ બોલી છે તો ગઈ કામથી" નિત્યાએ ગુસ્સાથી કહ્યું. "હું નિત્યા અને આ જે ક્યારની બકબક કરે છે એ મારી બહેનપણી નિષ્ઠા." નિત્યાએ સ્વર્ણિમને કહ્યું. "હું સ્વર્ણિમ.. હમણાં હમણાં જ કર્ણપુરી આવ્યો છું, એટલે ખાસ બહું કોઇને ઓળખતો નથી!, અહીંની ડેવલોપમેન્ટ ઑફિસ માં બદલી થઈ છે. એટલે હમણાં અહીં છું." સ્વર્ણિમે કહ્યું. "હું અહીં માધ્યમિકમાં ભણાવું છું અને સાથે આગળ સારી નોકરીની પરીક્ષાઓની તૈયારી કરું છું, અને નિષ્ઠા 'માં શુભાંગીની ટ્રસ્ટ' સંભાળે છે. એ મા શુભાંગીનીની દીકરી છે." નિત્યાએ ક્હ્યું. શુભાંગીનીનુ નામ સાંભળી સ્વર્ણિમને ફરી કઈ થવા લાગ્યું, એનો ચહેરો લાલ થઇ ગયો, એણે હાથની મુઠ્ઠી વાળી દીધી. પણ કઈ બોલ્યો નહીં. સ્વર્ણિમનો ગોરો ચહેરો લાલ થયેલો જોઈ નિત્યાએ પૂછ્યું, " શું થયું, સ્વર્ણિમ?" "કાંઈ નઈ, ચાલો હવે હું નીકળું કાકી રાહ જોતા હશે." કહી સ્વર્ણિમ બૂટ પહેરી જવા લાગ્યો. નિષ્ઠાને કોઈએ સંદેશો આપ્યો કે માં શુભાંગીની તેને બોલાવે છે એટલે એ ચાલી ગઈ. નિત્યાએ સહેજ આગળ જઈ સ્વર્ણિમને બૂમ પાડી સ્વર્ણિમ પાછળ ફર્યો. "હું ખોટી ના હોઉં તો એ તમારા જ કાકા હતાં જે મહાગિનીની ખીણ માંથી..." નિત્યાએ કહ્યું. " હા એ મારાજ કાકા હતાં." સ્વર્ણિમે નિત્યાની આંખમાં જોઈ કહ્યું. "સાંભળીને દુઃખ થયું એમના વિશે. એમના દેવા નું શું થયું પછી? જેનાં હેઠળ એમને આત્મહત્યા કરી હતી..." નિત્યાએ સહજતાથી પૂછ્યું. "એમણે કોઈ દેવું નહોતું કર્યું." સ્વર્ણિમે કહ્યું. " આ તમે શું બોલો છો! સ્વયં માં શુભાંગીની એ કહ્યું છે કે તમારા કાકા દેવા હેઠળ હતા.!" નિત્યાએ આશ્ચર્યથી કહ્યું. " ઘણી વાર સાંભળેલું કે જોયેલું પણ સાચું નથી હોતું. " સ્વર્ણિમ માત્ર આટલું બોલી ઝડપથી ચાલ્યો ગયો. નિત્યા સ્વર્ણિમને જોતી જ રહી. આજ સુધી નગરમાં કેટલાય યુવક જોયા પણ આ કઈ અલગ જ છે. અનોખી ચમક છે એની આંખોમાં. ગમે તેવી પરિસ્થિતિમાં પણ ડગતો નથી. અચાનક નિત્યાને સ્કૂટી વાળી વાત યાદ આવી ગઈ કે કઈ રીતે સ્વર્ણિમે નિત્યાનો હાથ પકડી લીધો હતો નઈ તો નિત્યા તો લાફો મારવાની તૈયારીમાં જ હતી! અને આજે પણ કેમ આવું બોલીને ગયો છેલ્લા. કઇ તો વાત છે આ સ્વર્ણિમમાં! છેવટે નિત્યા વિચારો નો વંટોળ વટાવી ઘેર ગઈ. ....................


બીજે દિવસે સવારે કર્ણપુરીના ઇતિહાસમાં ના બની હોય એવી ઘટના બની. સ્વર્ણિમની વાત સાંભળી મંદિરમાં સન્નાટો છવાઈ ગયો. શું સ્વર્ણિમે કોઈ અવિચારી પગલું ભર્યું હશે?? શું માં શુભાંગીનીની અસલિયત સૌ જાણી જશે!!

  • હર્ષિલ શાહ અને અભિષેક ત્રિવેદી