Saraswati Chandra - Part - 3 - 11 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 11

Featured Books
Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 11

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ-૧૧

પરરાજ્યનો પ્રથમ વમળ

મણિરાજને ભાળવતાં મલ્લરાજે વિદ્યાચતુરને કરેલી આજ્ઞાઓ આ ગ્રંથના બીજા ભાગમાં દર્શાવેલી છે. એ આજ્ઞાઓ કેમ પળાય છે તે જોવા મલ્લરાજ ઘણે પ્રસંગે ઘણે પ્રકારે જાગ્રત રહેવા લાગ્યો. મધુમક્ષિકા દ્ધારા આપેલો ઉપદેશ રાજાએ સંપૂર્ણ રીતે પાળ્યો. વિદ્યાચતુરને કુમારના શિક્ષણમાં પૂર્ણ સ્વતંત્રતા આપી અને તે સ્વતંત્રરતાનો દુરુપયોગ ન થાય તેટલું ખંતથી જોવા લાગ્યો.

આ પ્રમાણે કેટલો કાળ વીતતાં એક દિવસ વિદ્યાચતુર અને કુમારને લઇ રાજા સુંદરગિરીના શિખર ઉપર ગયો. ત્યાં પોતાનો તંબુ નંખાવી, પાસે એક સુનેરી ગાદી નંખાવી રાજા બેઠો બેઠો સામેના સમુદ્ર ભણી દૃષ્ટિ કરી રહ્યો છે અને મૂચો ઉપર આમળા નાંખે છે, એટલામાં થોડેક છેટે પર્વતના પટ આગળ વિદ્યાચતુરની આંગળીએ વળગી કુમાર ઊભો અને જમણો હાથ અને તેની તર્જની લાંબી કરી ગુરુને પૂછવા લાગ્યો :

‘ચતુરજી, આ સામે દરિયો કેટલો હશે ?’

‘કુમાર, તમે ભરતખંડનો નકશો જોય છે તેમાં આ પાસથી પેલી પાસ દરિયા સુધી જેટલી જમીન છે તેથી બમણો હશે.’

‘તેના પછી શું હશે ?’

‘હા.’

‘તે પછી શું આવે ?’

‘પાછો દરિયો.’

‘તે પછી શું ?’

‘પાછા જમીન.’

‘તેમાં પણ માણસો હશે ?’

‘હા.’

‘તે કેવાં હશે ?’

‘આમ સાહેબ લોક આવે છે તે ત્યાંના.’

‘તેમને રાજા હશે ?’

‘હા.’

‘તે રાજાને કુમાર હશે ?’

‘હા.’

‘સાહેબ અહીં આવે છે તેમ આપણા લોક ત્યાં જતા હશે ?’

‘કોઇક.’

‘ત્યારે સાહેબ લોક એટલા બધા અહીં શું કરવા આવતા હશે ?’

‘આ દેશમાં રાજ્ય કરવા.’

‘ત્યારે મહારાજને કહો ને કે આપણે પણ એ દેશમાં જઇ થોડુંક રાજ્ય કરીએ.’

‘એ તો આપ કહો ત્યારે.’

મણિરાજ આ વાર્તા રસથી સાંભળતો હતો તેના ભણી ફરી મણિરાજ પિતા પાસે આવ્યો અને પાછળ વિદ્યાચતુર પણ આવ્યો.

મણિરાજ છેક પાસે આવી બોલ્યો : ‘મહારાજ, આપણે તો આ સાહેબ લોકના દેશમાં ચાલો ને રાજ્ય કરો - અહીંયા તો કાંઇ ગમતું નથી.’

મલ્લરાજ અંતરમાં નિઃશ્વાસ મૂકી બહારથી હસી બોલ્યો : ‘કુમાર, હું તો ઘરડો થઇ ગયો. હવે તો તમે મોટા થાઓ ત્યારે કાંઇ કરજો. વિદ્યાચતુર !-’ નેત્ર ભીનાં કરી મલ્લરાજ બોલ્યો - ‘રજપુતાઇ રંડાઇ ! રજપૂતના દીકરાઓના અભિલાષ અને રંક રાંડીરાંડોનાં દીકરાઓના અભિલાષ તે હવે સરખા સમજવા.’

મલ્લરાજે કુમારને ખોળામાં લીધો અને સામેના સમુદ્ર પર દૃષ્ટિ કરી ઓઠ પીસવા માંડ્યા. ઊભો થઇ, તરવાર ઉપર હાથ મૂકી, રાજા પર્વતતા તટ આગળ આવ્યો, વિચારમાં પડી ગયો, અને અંતે ઓઠ કરડી, ભ્રમર ચડાવી, વિદ્યાચતુરને સ્થિર ગંભીર સ્વરથી આજ્ઞા કરવા લાગ્યો : ‘વિદ્યાચતુર, હવેથી તમારે એક કોરું પુસ્તક રાખવું અને હું જે જે વાતો કહું તે તેમાં લખી રાખવી, અને હું જે જે વાતો કહું તે તેમાં લખી રાખવી, અને મણિરાજ યોગ્ય વયનો થાય ત્યારે તે વાંચે અને હું જીવતો હોઉ કે ન હોઉ તોપણ તે વાતો તેના હ્ય્દયમાં ઊતરે એવી રીતે એ પુસ્તક લખવું અને રાખવું. બીજું રત્નનગરી પાછા જઇએ તે દિવસે મને યાદ આપવું એટલે હું અમુક સમયે ઠરાવીશ તે સમયે અને તેમની પાસે નિત્ય તમારે અંગ્રેજની કથા વાંચવી. જેમ હાલમાં અમે આપણાં રામાયણ, મહાભારત અને અમારા પૂર્વજોના રાસા વંચાવીએ છીએ તેમ તમારે મરજી પડે તેટલા પૈસા ખરચી પુસ્તકો મંગાવવાં અને તેમાંથી અંગ્રેજો વાનરો હતો ત્યાંથી તે આજ સુધીની એમની કથા વાંચવી. તેમ જ ફરાંસીસવાળાા, રૂસદેશવાળા, વલંદાવાળા, ફિરંગીઓ, મુસલમાનો અને એવા એવા અનેક લોકની અને તેમાં મુખ્ય કરીને આ ગોરા લોકની આજકાલની અવસ્થા જણાય એવી કથાઓ વાંચવી. એ લોકનાં યુદ્ધોનાં વર્ણન, એમનાં સામ, દામ અને ભેદની કળાઓ, એમની રાજનીતિ, એ લોક ક્યે ક્યે દેશ જાય છે ને શું કરે છે, એમના શત્રુ કોણ છે ને મિત્ર કોણ છે, તેમાં કોનું ચાલે છે ને કોનું નથી ચાલતું, એમની પ્રજા કેવી છે - સુખી છે કે દુઃખી, યુદ્ધકાળને વાસ્તે એ લોક તોપખાનાં કેમ બનાવે છે, શાંતિકાળને મોટે એમની પ્રજામાંના અસંતોષી જીવોને સારુ કેવા ધંધા ઊભા કરે છે, એમના ક્ષત્રિયો, બ્રાહ્મણો, અને વૈશ્યો કેવા છે, વગેરે સર્વ વાતોમાં એ સર્વ લોકોનાં સર્વ મર્મસ્થાન તમારે જાણવા, એમની કળાઓનાં રહસ્ય ચોરવાં, અને એમની બુદ્ધિના તેમ બીજા કિલ્લાઓની રચના શીખવી. વિદ્યાચતુર, એ સૌ શીખી, જાણી, ચોરી, તમે તેને અમારી પાસે આપણી બોલીમાં સમજાવો અનેકાળે કરીને આ મારા રાજ્યની આશાના બીજને એ સર્વ વિદ્યામાંથી શી શી પ્રાપ્ત કરાવવી તે હું તમને કહું તે પ્રમાણે અંગ્રેજી ભાષા દ્ધારા પ્રાપ્ત કરાવો.

‘વિદ્યાચતુર, આ કુમારને અંગ્રેજની તેમ આપણી ક્ષાત્રવિદ્યા પણ તેનું વય થતાં શીખવવાની છે તે કામ તમારાથી નહીં બને પણ જેના હાથમાં એને મૂકીએ તેની પાસેથી - દેશી પાસેથી કે પરદેશી પાસેથી મિત્ર પાસેથી કે શત્રુ પાસેથી, તરવાર જેવાં અસ્ત્ર, એક શૂર સાથે કરવાની કુસ્તી તેમ અનેક પુરુષોની બનેલી સેનાને માથે રહી એવી જ સેનાઓ સામે કરવાની સેનાધિપતિની વિદ્યા - એવી એવી જે હવેના કાળનાં નિરર્થક લાગશે એવી સર્વ કળાઓ, આ કુમાર અને મારા રજપૂતો શીખે તેમ મારે કરવું છે ને અગ્નિહોત્રીનો અગ્નિ અખંડ સચેત રહે તેમ આ કળાઓ મારે રાખવી છે. એ મહાકાર્ય અંગ્રેજની મદદ વિના નહીં બને એ હું જાણું છું; અંગ્રેજની સાથે રહી તેમનો અને આપણો બેનો સ્વાર્થ એક છે તે હું કોઇ વખત તમને સમજાવીશ અને શાણા અંગ્રેજોને આ વાત ગળે ઉતારવી છે અને તેમને ગળે ઉતારી આ કામ સાધવું છે. વિદ્યાચતુર, આવી આવી વાતોમાં આ રાજ્યની નવી રાજનીતિનું બીજ રોપાય છે તે બીજી રોપવાનું મારે માથે આવેલું છે તેમાં તમારે મારું અને મારા કુમારનું પ્રધાનપણું કરવું પડશે - જરાશંકરના ભાણેજના હાથમાં મારા રાજ્યના ગુપ્ત મંત્ર મૂકતાં હું અવિશ્વાસ નથી રાખતો.

‘આ સર્વ કાર્યને અર્થે ચંદ્રની આસપાસ તારાઓ ચળકે તેમ કુમારની આસપાસ મારા ભાયાતોના પુત્ર ઊભરાઇ રહે એવું કરો. આ દેશમાં પડતાં માંડેલી આ રાત્રીને કાળે આ ચંદ્ર અને તારાઓનું એકસંપી ઝુંડ અરસપરસ પ્રકાશ પામે એવું કરવાનું છે. વિદ્યાચતુર, આજ સુધી અમારા ભાઇઓ યુદ્ધોમાં અમો રાજાઓને કામ લાગતા અને અમે તેમનું પોષણ કરતા. યુદ્ધકાળે તેઓ તેમનાં મસ્તક અમારા કામમાં આપતાં, અને શાંતિકાળે અમારા રાજ્યવૈભવમાંથી અમે તેમને ગ્રાસ એટલે કોળિયા આપતા. હવે અંગ્રેજના રાજ્યમાં અમારે તેમનાં મસ્તકનો ખપ નથી અને ગ્રાસ આપવા તો શું પણ રાખવા પણ ભારે પડશે. મસ્તક ઓછાં થતાં ત્યારે આપેલા ગ્રાસ પાછા આવતા ને નવા જન્મતા ભાઇઓને અપાતા, અને રાજ્યભૂમિ ભાઇઓને અપાતાં અપાતાં પણ અમારા રાજ્યભાગ એમના એમ રહેતા. હવે નવી પ્રજાને આપવાનું ખરું અને પાછાં લેવાનું કાંઇ નહીં - કારણ મસ્તક ઓછાં થવાનાં નહીં અને ગ્રાસ વધવાના : આથી અમારા રાજ્યભાગ ક્ષીણ થઇ જશે, અને રાજ્યભાગ ક્ષીણ થતાં આ રાજ્યની સત્તા નબળી થશે એટલી અંગ્રેજની વધશે. આ ભયંકર પરિણામનું બળ ઓછું થવાનો માર્ગ મેં બીજી રીતે લીધો છે. પણ માણસની બુદ્ધિને જ્ઞાની લોક નાચનારી ગણિકા જેવી કહે છે, તે પ્રમાણે ખપ વગરના ભાઇઓ ઉપર રાજાઓ પ્રીતિ નહિ રાખે, અને ગ્રાસના સ્વાર્થી અને યુદ્ધકળા ભૂલવા સરજેલા ભાઇઓને રાજાની સેવાનો કે તેના સંબંધનો કાંઇ પણ પ્રસંગ નહીં રહે. મારા રાજ્યની એક મોટી સાંકળ આવી રીતે ત્રુટી છે; તે સાંકળના બે છેડા ઝાલી પોતાનાં પેટ ભરનાર મદારીઓ મળશે અને છેડે બંધાયેલાઓને માંકડાં પેઠે મરજી પ્રમાણે નચાવશે. વિદ્યાચતુર, આ સાંકળના છેડા આમ પારકા હાથમાં જાય નહીં એ મારું કર્તવ્ય છે માટે અઆ ત્રુટેલી સાંકળને ઠેકાણે મારા કુમાર અને ભાઇઓ વચ્ચે પ્રીતિની સાંકળ રચો; અને આ દેશમાં કોઇ કાળે યુદ્ધનાં વાજાં વાગે તો શાલિવાહને માટીનાં પૂતળાંની સેના ઊભી કરી હતી તેમ પ્રીતિની ચીકાશથી મારા રાજ્યનાં ક્ષત્રિયપૂતળાંઓ બંધાઇ રહેલાં હશે તો તેમાં તેમના પૂર્વજો ઘૂણી ઊઠશે - માટે એવી ચીકાસથી આ માટીને ઘડજો. અંગ્રેજોને આજ અમારા ભાયાતોની ગરજ નથી. પણ એવો યુગ આવશે કે એમના રાજ્ય ઉપર ચારે પાસના પાડોશીઓ તેજોદ્ધેષથી ઘેરો ઘાલશે. વિદ્યાચતુર, તેવે કાળે એમની વસતિ બ્રાહ્મણ-વૈશ્ય થઇ ગઇ હશે તે એમને કામ નહીં લાગે અને એ એકલા પડશે. તે પ્રસંગે આ મારાં પૂતળામાં જીવ આવશે તો અંગ્રેજને મીઠો લાગશે અને એ પૂતળાંને કામે લગાડી મલ્લરાજની દીર્ઘદૃષ્ટિને સંભારશે. વિદ્યાચતુર, અંગ્રેજો ઉઘાડી આંખે જોશે ત્યારે રજવાડાનું મૂલ્ય સમજશે ને તેનો ભાવ વધારશે, અને રાજાઓ સમજશે ત્યારે અંગ્રેજોનો ભાવ વધશે. પણ એ બે જણ સમજશે ત્યાં સુધી આ ભાઇઓનો ભાવ વધવાનો નથી. જ્યાં સુધી એ સમજણનો યુગ આવે નહીં ત્યાં સુધી સર્વને દુઃખ છે, અને ત્યાં સુધી ધૈર્ય રાખી મારાં આ ઝાડ ઉછેરવાં એ મારા પુત્રને શીખવજો.

‘સરત રાખજો કે રત્નનગરીના રાજાઓ એકપત્નીવ્રત પાળે છે અને તેમને પુત્રો હોતા નથી તો તેમના ભાઇઓ તેમની ગાદીએ ચડે છે. માટે મારા ભાઇો અને તેમના વારસોમાં આ રાજ્યના ભાવી રાજઓનાં બીજ છે અને તેથી પણ તેમનાં સંભાળ મારા કુમારના ગુરુએ લેવાની છે.’

‘વિદ્યાચતુર, અમારાં ક્ષત્રિય રાજ્યોના ક્ષત્રિયો પોતાની જાત મૂકી મોટા ખેડૂત બને, રજપૂત કહેવાતા મટી જમીનદાર અને તાલુકાદારનું નામ પામે, તેવા કાળમાં પણ અમારાં રાજકુળનાં ઘરોમાં આટલું અગ્નિહોત્ર નિરંતર પળાય એવા ધર્મનુમં બીજ આમ રોપવાનો મારો આગ્રહ-’

આ અસિદ્ધ થવા નિર્મેલું વાક્ય પૂર્ણ થતાં પહેલાં જરાશંકરનો પત્ર લઇ ઉતાવળો ઉતાવળો રાજદૂત આવ્યો, ને મનનો સંકલ્પ મુખમામં જ રહેવા દઇ રાજા પ્રધાનનો પત્ર ફોડી વાચંવા લાગ્યો. વાંચતાં વાંચતાં તેની ભ્રૃકુટિ બેચાર વાર ચડી ગઇ અને બેચાર વાર શીત આવ્યાં હોય તેમ તે પાછો શીતળ થઇ ગયો. પત્ર વાંચીી મલ્લરાજ ઊભો થયો અને પર્વતતટ આગળ જઇ ઊભો ઊભો બાંયો ચડાવતો મનમાં બોલવા લાગ્યો.

‘વાનરસેનામાંથી હનુમાન આવ્યો !’ જરાશંકરનો પત્ર લઇ તેમાંથી ચારપાંચ લીટીઓ વાંચવા લાગ્યો :

‘નાગરાજ મહારાજની સાથે સંધિકાળે થયેલા કરાર પ્રમાણે સંસ્થાનોના વિરોધપ્રસંગે તેમના પંચનું કામ કરવાનો અંગ્રેજ સરકારને અધિકાળ છે. તે અધિકાળને પ્રમાણી સરકારે પોતાનો વકીલ નીમવાનું નક્કી કર્યું છે. તે વકીલ તેમનો પોલિટિકલ એજંટ અથવા રેસિડંટ કહેવાશે, ચારપાંચ સંસ્થાનો વચ્ચે પોતાનો નિવાસ રાખશે, પોતાના નિવાસમાં પોતાનો અધિકાર રાખશે, અને રાજાઓના પંચનું અને દેશની શાન્તિ જાળવવાનું કામ કરશે. સુવર્ણપુર; રત્નનગરી વગેરે અનેક રાાજ્યોના પંચનું કામ કરવા સરકારનો મુક્ય વકીલ મરાલપાટણમાં રહેશે અને તેના તાબામાં થાણાંઓ થશે અને તેમાં એક થાણું લીલાપુરમાં રહેશે ત્યાં મુખ્ય વકીલના હાથ નીચે રહી એક એજંટ કામ કરશે.’ પત્ર પાછો મલ્લરાજે બંધ કર્યો.

‘વડીલ મહારાજના સંધિકાળ મારા મનમાં જે શંકા હતી તે ખરી પડવા કાળ આવ્યો. વાનરપ્રજાનો હનુમાન આવ્યો - તે હવે હૂપાહૂપ કરશે અને અમારી સોનાની લંકામાં ઠેકાણે ઠેકાણે આગ લગાડશે. - હવે આપણે રાક્ષસો, અને એ વાનરો. આપણે કરીશું તે અધર્મ-એ કરશે તે ધર્મ. -સરકારના સંધિરૂપથી બીજ પૃથ્વીમાં દટાયું હતું તેમાંથી ફળગો ફૂટી આજ પૃથ્વી ફોડી બહાર નીકળ્યો. આ રેસિડેંટ - વકીલ - તે આ ફણગો !

‘આ આતશબાજીના દારૂખાનાનું ઝાડ ! - વહે એનો કાંઇ ઉપાય?’

વીજળીનો ચમકારો થાય એટલી ત્વરાથી રાજાના મનમાં આ વિચારોના ચમકારા થઇ ગયા. તે ઓઠથી ઓઠ કરડવા લાગ્યો. તેના હાથ તરવારની મૂઠ ઉપર આવજા કરવા લાગ્યા.

‘કુમારને વિલાયત જીતવાનું મન થયું ત્યાં શકુનમાં આપણો દેશ વિલાયતવાળાએ જીત્યો ! આપણાં રાજ્ય રાજ્ય મટી સંસ્થાન થયાં ! જે રેલની બીક લાગતી હતી તે દૃષ્ટિ આગળ આવી-’ તરવાર ભણી દૃષ્ટિિ કરી

-‘મારી પ્રિય તરવાર ! તારું પાણી હવે ઊતરી ગયું ! - હવે રજપૂતોએ લાકડી ઝાલવી !’

મનના વિચાર પડતા મૂકી વિદ્યાચતુરને રાજા કહેવા લાગ્યો : ‘વિદ્યાચતુર, એકદમ આ સુખ રત્નનગરી જવાની તૈયારી કરો. મારે મારા

પ્રધાન સાથે મહાવિચાર કરવાનો મહાપ્રસંગ આવ્યો.’

રાજાની આજ્ઞા પળાઇ. બીજે દિવસે જ રાજા પોતાના મહેલમાં પહોંચ્યો, અને એકદમ પ્રધાનને તેડવા માણસ મોકલ્યું. પ્રધાન આવતાં રાજા બોલી ઊઠ્યો :

‘જરાશંકર, એકદમ બ્રેવસાહેબને લકાવ કે અમારે તમારા એજંટ બેજંટનું કાંઇ કામ નથી. એને પાછો બોલાવી લો - નીકર નીકર -’

‘યુદ્ધ થશે ! - એમ લખાવું, મહારાજ !’ જરાશંકર હસીને બોલ્યો.

‘નહીં-નહીં-હસવાનો કાળ નથી. નાગરાજની સંધિમાં એજંટનો અક્ષર પણ નથી.’

‘પણ-પણ સરકાર તો ધારે છે કે અક્ષર તો શું પણ વાક્ય છે.’

‘ક્યાં છે ?’

‘નથી તો અક્ષર પણ નથી. પણ તરવાર દેખાડી સરકાર કહે છે કે એ અક્ષર છે એવું સ્વીકારો - નીકર આ અમારી તરવાર એ અક્ષર દેખાડનારી ઊભી છે.’

‘તો શું એ તરવાર એમની ખરી અને અમારી આ તરવાર નહીં?’

‘મહારાજ, ક્ષોભ મૂકી ધીરે રહી તરવારને જ પૂછો ને ?’

‘ત્યારે શું આપણે તેમના બંધાયેલા ?’

‘આપણે છુટા પણ આપણી તરવાર એવી બંધાયેલી છે કે ઊઘડે

નહીં.’

મલ્લરાજ આ સાંભળી ઉશ્કેરાયો. તેનાં નેત્રમાં લોહી ભરાઇ આવ્યું. યુદ્ધના રસિક રાજાને વીરરસનો ઉન્માદ ચડ્યો. તેણે એકદમ મ્યાનમાંથી બહાર કાઢી તરવાર ઊંચી કરી અને મદારી સાપને વીંઝે તેમ તરવારને આકાશમાં અફાળવા લાગ્યો, અને જાતે બે હાથ ઊંચો કૂદી ફાળ ભરી દરવાજા આગળ ઊભો રહી ત્રાડ નાંખવા લાગ્યો :

‘સામંત ! સામંત ! એકદમ સેના લઇ આવ ! સેના લાવ ! કોણ છે રે ? સેના લાવો ? - સેના !’

જરાશંકર કંઇક ગભરાયો, મહેલમાંની સર્વ વસતિ ભેગી તઇ ગઇ અને રાજા કોઇને પણ જોતો ન હોય તેમ ‘સેના ! સામંત ! સેના !’ એમ ફાટી બૂમો પાડવા લાગ્યો, અને બૂમો પાડતાં પાડતાં પૃથ્વીને લાત મારી ગાજી બોલ્યો : ‘સામંત, મારી તરવાર બંધ છે એમ કહેનાર તે કોણ ?’

જરાશંકર શાતં થઇ વિચાર કરવા લાગ્યો. સૌ વિચારી, રાણી અને સામંત ઉભયને સત્વર તેડાવ્યાં. એક પળ જતી હતી તે વર્ષ જેવી થઇ. દ્ધાર આગળ ભીંતને તરવારથી અઠીંગી, પીઢો ભણી તાકીી રહી, પા ઘડી પૂતળા પેઠે આ દશામાં સ્થિર રહી, નિદ્રામાંથી જાગ્યો હોય, સમાધિમાંથી ઊઠ્યો હોય, તેમ રાજા શાંત મુખમુદ્રા ઘરી હાલ્યો, અને ચારે પાસની નવી સ્થિતિથી આશ્ચર્યમાં પડી પૂછવા લાગ્યો : ‘સર્વ કેમ એકઠાં થયાં છો ? સૌ પોતપોતાને કામે વળગો. ખબર નથી કે રાજાપ્રધાનનો મંત્ર થતો હોય ત્યાં કોઇએ ન આવવું ?’

સર્વ આશ્ચર્યમાં પડી પાછાં ગયાં. રાણી પણ અર્ધે માર્ગે આવેલી સમાચાર સાંભળી પાછી ગઇ, માત્ર સામંત આવ્યો, અને પ્રધાન પાસે હતો જ.

‘મહારાજને શૂરવીરોની ઉન્માદદશા પ્રાપ્ત થઇ હતી, અને તેથી થયેલા ગભરાટમાં સર્વ એકઠાં થઇ ગયાં હતાં.’ જરાશંકર બોલ્યો.

મલ્લરાજ - ‘ત્યારે પ્રાકૃતમાં એમ કહે ને કે હું ગાંડો થયો હતો !’

જરાશંકર - ‘મહારાજના અનુભવનું વર્ણન મહારાજ કરે.’

મલ્લરાજ - ‘સામંત, પ્રધાનને અપ્રિય બોલ્યા વિના સત્યને વળગી રહેતા આવડે છે.’

સામંત - ‘અને આપની પાસે એટલી સ્વતંત્રતાથી બોલવાની એ છાતી ચલવે તે આપની મોટાઇ.’

જરાશંકર - ‘સત્ય કહો છો, સામંત, મહારાજ, આપની ઉન્માદદશામાં

આપે સામંતને સંભારેલા તેથી એમને તેડાવ્યા છે.’

મલ્લરાજ - ‘શું કરવા સંભારેલો ?’

જરાશંકર - ‘સરકારના એજંટની નિમણૂકને રદ કરવા.’

મલ્લરાજ - ‘એ નિમણૂક સંબંધી સર્વ હકીકત સામંતને કહી દે.’

જરાશંકરે આજ્ઞા પાળી, અને મલ્લરાજને થયેલા ઉન્માદનો ઇતિહાસ પણ કહી દીધો.

સામંત સર્વ વાત સાંભળી રહ્યો. ઉત્તર દીધો નહીં.

મલ્લરાજ - ‘કેમ, સામંત, કંઇ ઉત્તર દેતો નથી ?’

સામંત - ‘મહારાજ, ઉત્તર દેવાનો આપના ભાયાતોને અધિકાર નથી તાત્યાટોપીના માણસ આવ્યાં હતાં તે કાળે અંગ્રેજોને ધર્મી અને મરાઠાઓને અધર્મી ગણી અંગ્રેજોનો સંબંધ આપે સ્વીકાર્યો તે કાળથી જ આપની આજ્ઞા થયેલી છે કે રાજાપ્રધાનના મંત્રથી આપની સિદ્ધ થયેલી આજ્ઞાને પાળવા સિવાય બીજો વિચાર કે ઉત્તર કરવાનો ભાયાતોને અધિકાર નથી. મહારાજનું દુઃખ જોઇ હું અંતરમાં દાઝું છું, પણ મારી બુદ્ધિ આપને કામ લાગે એટલો અધિકાર તેને નથી.’

મલ્લરાજ - ‘સામંત, અભિપ્રાયમાં ફેર પડ્યો ત્યારે આજ્ઞા કરવાનું કામ મારું હોવાથી મારા તે કાળના અભિપ્રાય પ્રમાણે અને તારા અભિપ્રાયથી વિરુદ્ધ આજ્ઞા આપેલી આજ એ આજ્ઞાનું અનિષ્ટ ફળ જોવાને પ્રસંગે તારા અભિપ્રાયની થયેલી અવગણના અમારા સ્મરણમાં આણવી એ કામ મેલા માણસનું છે એ અવગણનાનું સાટું વાળવાને, આજ અમને ઉપયોગી થવા અથવા અભિપ્રાય આપવા ના પાડવી એ કામ મને શિક્ષા કરવા જેવું છે. એ અવગણનાથી તને ખોટું લાગ્યું હોય તો તને રાજપુરુષોના ધર્મનો સંપૂર્ણ બોધ નથી એમ કહેવું જોઇએ. એ અવગણના સો વર્ષ સુધી ભૂલી ન જવી એ સ્ત્રીસ્વભાવનો અંશ છે. એ અવગણનાનું મને ઇશ્વરે ફળ આપ્યું સમજી તારા મનમાં તારો વિજય થયો લાગતો હોય તો તારા હ્ય્દયમાં રાજ્યશત્રુનો ગુણ છે. એ વિજયના ભાનથી મને મર્મવાક્ય કહેવા તું તત્પર થયો હોય તો તારા મુખમામં સ્ત્રીની જીભ છે. સામંત, મારી સેના તે તું છે અને મને એટલો તો અધિકાર છે કે મારી સેના ઉપર જેટલો આધાર રાખું તેથી બમણો મારા સામંત ઉપર રાખું.’

સામંત નીચું જોઇ રહ્યો અને તેના નેત્રમાંથી એક આંસુ પડતું દેખાયું. તે ઊઠી દ્ધારની બહાર જઇ પાછો આવ્યો અને રાજાના સામું ઊંચું જોઇ બેઠો.

‘મહારાજ, હું કૃપણ ચિત્તના ભાઇ ઉપર આપ જે ઉદારતા દેખાડો છો તે મને તરવારના ઘા કરાતં વધારે લાગે છે. મહારાજ, હું અપરાધીને પૃથ્વી ભેગો કરી દ્યો. હું શિક્ષાપાત્ર સેવક તેના પ્રત્યે આપ ઉદાર વચન કહો છો એ મારા હ્ય્દયને પશ્ચાતાપના અગ્નિથી બાળે છે. મહારાજ, મને શિક્ષા કરો. આપના સત્ય વચનમાં - ધર્મ વચનમાં અધર્મીને કંપાવનાર શિક્ષા મૂકો.’

‘સામંત, મારી સેનાનો નાશ કરવા કરતાં તેને સવળે માર્ગે લેવી એ મારું કામ છે. તું તારો જમણો હાથ, મારી મૂછનો વાળ, મારા રાજ્યનો સ્તંભ, તું જ મારી સેના - તને શિક્ષા કરું તો તે મને જ થાય.

‘મહારાજ, એ સેના અને એ સ્તંભ હવે આપણે આંગણે હાથી પેઠે માત્ર ખર્ચના ખાડા છે - એ હાથીને છૂટા મૂકશો તો આપની પ્રજાને કચરશે અને બાંધી રાખશો તો આપણા ભંડાર ખાલી કરી દેશે. મહારાજ, અમને તે હવે શું કરશો ?’ સામંતે દીર્ઘ નિઃશ્વાસ મૂક્યો, અને એ નિઃશ્વાસનું કારણ થઇ પડેલી રાજનીતિના કારણરૂપ જરાશંકર ભણી વાંકી આંખે જોવા લાગ્યો. જરાશંકરે તે દીઠું ન દીઠું કર્યું, અને રાજા અને તેના ભાઇના વાદનો પ્રવાહ નિર્વિઘ્ન ચાલવા દેવા મૌન ધાર્યું.

મલ્લરાજ - ‘સામંત, તે વાતનો હાલ પ્રસંગ નથી. આ સરકારના

એજંટની વાતમાં આપની તરવાર છૂટી કે ઉઘાડી છે તે બોલ. એ બોલુવાનો અધિકાર તારો છે.’

સામંતે શૂન્ય હાસ્ય કર્યું : ‘મહારાજ, સર્વ વાત કાળે શોભે અને કાળે ફળે. તરવારનો કાળ ગયો. હવે તરવાર ઉઘાડવી તે અકાળે યમનું ઘર પૂછવા જેવું છે - કવિ સામળદાસનું વચન છે કે,

‘સંપતિ ગઇ તે સાંપડે, ગયાં વળે છે વહાણ,

ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ !’

મહારાજ, બ્રાહ્મણની બુદ્ધિએ ચાલતાં હાથમાં આવેલો અવસર ગયો ને રજપૂતાઇના પ્રાણ ગયા તે બેમાંથી એક પણ પાછું આવે એમ નથી. એ ગયેલો અવસર અને ગયેલો પ્રાણ આણતાં જરાશંકર ભટને આવડતું હોય તો એ જાણે - બાકી મને તો આજ્ઞા આપો તો એક વાત આવડે તે એ કે આ ભટને ધૂળભેગો કરી એણે વાળેલા સત્યાનાશનો બદલો આપું અનેડ’

જરાશંકર સ્થિર દૃષ્ટિથી રાજાના સામું જોઇ રહ્યો. રાજાનો ક્રોધ હાથમાં રહ્યો નહીં. ક્રોધની પરિસીમાને કાળે સિંહ ગાજવું મૂકી દઇ પંજાનો ભાર દેખાડે તેમ રાજાએ કર્યું. પોતાનું અપમાન થતાં જેમે સામંતને ભાઇ ગણી અત્યંત ક્ષમા ધારી હતી અને પ્રીતિનો પ્રવાહ રેલાવ્યો હતો તે રાજાએ પ્રધાનના શત્રુને ઊગતો દાબ્યો. રાજાની ભ્રમર ચડી ગઇ અને સામંતના મુખમાંથી વચન નીકળતાં મલ્લરાજે બન્ધુસ્વરૂપ ત્યજી દઇ ગંભીર રાજસ્વરૂપ ધાર્યું અને સ્થિર સ્વરે સંબંધ ન ગણી આજ્ઞા કરી :

‘સામંત, મારો પ્રધાન તે મારું અંગ છે અને તેનું અપમાન અને તેના દ્રોહના વિચાર કરવનો અપરાધ તે મારા દેખતાં કર્યો છે. તેની શિક્ષા તને કરું છું કે આ પળે મારા મુખ આગળથી જતો રહે અને મારા આજ્ઞા થાય ત્યાં સુધી રત્નનગરીમાં અથવા તેની પંચકોશીમાં અથવા જ્યાં હું અથવા મારો પ્રધાન હોઇએ તેની પંચકોશીમાં તારે આવવું નહીં - આવીશ તો અધિક શિક્ષા ખમીશ - બીજા એક બોલથી આ પવન અપવિત્ર કર્યા વિના સત્વર ચાલ્યો જા.’

જરાશંકર ભડક્યો - ‘મહારાજ !-’

મલ્લરાજ - ‘ચૂપ ! સામંત, આજ્ઞા એકદમ ઉઠાવ.’

સામંત એકદમ ઊભો થઇ રાજાને પ્રણામ કરી ચાલ્યો ગયો. તેના શરીરને કંપ અને ખેદ એ બે જણે બંદીવાન કરી દ્ધારની બહાર ધકેલી કાઢ્યું.

જરાશંકર - ‘મહારાજ, આપે બહુ અયોગ્ય આજ્ઞા કરી - અપમાન થતું હોય તો મને પણ શિક્ષા કરજો - પરંતુ ઘણું અયોગ્ય કામ થયું. મારા ઉપર ઘણી મમતા દર્શાવી, પણ પ્રધાનને પૂછ્યા વિનાની આજ્ઞા સિદ્ધ નથી.’

મલ્લરાજ - ‘અભિપ્રાય અને સૂચનાઓ સાંભળતાં જે રાજાને અપમાન લાગે તેણે ગાદી છોડવી જોઇએ. મારી આજ્ઞાને તારા ઉપરની પ્રીતિ સાથે રજ લેવાદેવા નથી. રાજાએ પ્રધાનને પૂછ્યા વગર કરેલી આજ્ઞા સિદ્ધ થતી નથી એ નિયમ સત્ય છે, પણ જ્યારે પ્રધાન જ એક પાસનો પક્ષકાર હોય ત્યારે એ નિયમ લાગુ નથી થતો.’

જરાશંકર - ‘ત્યારે શું આવી વાતોમાં રાજાઓ વગરપ્રધાને ચલાવી લેશે ?’

મલ્લરાજ - ‘અલબત્ત - મારા પ્રધાનનું રક્ષણ કરવું એ મારું કામ છે. મારી સર્વ પ્રજાને માલમ પડવા દે કે જેવી રીતે મારા સામી કોઇ ફરિયાદી ઉઠાવે તે હું જેમ સાંભળીશ તેમ જ પ્રધાનના સામી ફરિયાદો પણ સાંભળીશ અને ન્યાય આપીશ. મારી જાત ઉપર કોઇ હુમલો કરશે તો યોગ્ય લાગશે ત્યાં ક્ષમા રાખીશ. પણ મારી રાણી - મારા કુમાર - મારા ભાઇઓ અને મારી સર્વ પ્રજાને શંકા વગર જાણવું જોઇએ કે મારા અધિકારીઓ તે મારાં શસ્ત્ર છે અને જેમ મારી તરવાર ચોરનારને હું તીવ્ર શિક્ષા કરીશ અને એ શિક્ષા કરતાં બિલકુલ ક્ષમા રાખનાર નથી. મારા પ્રધાનને અધિકાર અને પ્રતાપ કેટલો આપવો અને તેનું રક્ષણ કેટલે સુધી અને કેવી રીતે કરવું તેમાં હું મારો પોતાનો પ્રધાન જાતે જ છું. જરાશંકર, આજ્ઞાપત્ર લખાવ કે મારી સેનાનું આધિપત્ય સામંતના પુત્ર મુળુભાને આપું છું, જ્યાં સુધી મુળુભા બાળક છે ત્યાં સુધી એને નામે એ અધિકાર નથી ત્યાં એની ઇચ્છા હોય તે માણસ દ્ધારા એણે કામ લેવું. મલ્લરાજની કરેલી શિક્ષાથી એની આજ્ઞાના અર્થ અને આજ્ઞાનો પ્રતાપ સર્વ સમજી શકે એમ થશે. ચાલ હવે સરકારના એજંટનું પ્રકરણ ચલાવ.’

જરાશંકર - ‘પણ મહારાજ, પરિણામનો વિચાર દર્શાવવાનો મારો અધિકાર ખરો.’

મલ્લરાજ - ‘શું પરિણામ પરિણામ કરે છે ? જોતો નથી કે જે રાજનીતિથી મારા ભાયાતો નકામા થઇ ગયા એવી રાજનીતિના પવનને મારા હ્ય્દયમાં ભરનાર તને ગણીને તારા ઉપર દાંત પીસી રહેલા ભાયાતોની તરવાર તે સામંત છે, અને એ તરવાર તારા ઉપર પડતાં પળની વાર ન હતી ?’

જરાશંકર - ‘હું સારી પેઠે સમજું છું કે મારા ઉપર એ તરવાર ઘણા દિવસની ઝઝૂમી રહી છે અને મહારાજની કૃપાની ઢાલથી જ આપના રંક પ્રધાનનું રક્ષણ થયું છે. પણ આણી પાસથી અંગ્રેજ રાજનીતિનાં પગલાં આપણા સીમાડા ઉપર વાગે છે તે કાળે આપણા અંદરઅંદરના ખડખડાટનો સ્વર એ શિકારીને કાને જશે તો આપણે એ શિકારીના શિકાર થઇશું. મહારાજ, મેં આપને ઘણેક પ્રસંગે કહેલું છે કે શત્રુના ગઢના દરવાજા તોડવામાં જે ઊંટને મારવું પડે તે રાજ્યનો પ્રધાન છે. મહારાજ, આપના કુટુંબમાં જ મહાન વિગ્રહ નહીં થાય તો મહાન કલેશ થવાનો પ્રસંગ આવ્યો છે અને એ કલેશનો પ્રસંગ લઇ અંગ્રેજ કાંઇ પણ લાભ લેઇ શકે તેના કરતાં એ સર્વ પરિણામ અટકાવવાનો સવળો અને સહેલો માર્ગ એ જ છે કે આપના પ્રધાનને ઊંટને સ્થાને મૂકી - ત્યજી - આપના બન્ધુવર્ગનું સાંત્વન કરવું એમાં જ હાલ રાજ્યનું હિત છે. મહારાજ, એ વર્ગ રાજ્યદ્રોહી કે રાજદ્રોહી નથી થયો - તેમને માત્ર મારી જાત ઉપર રોષ છે, અને મારા કરતાં આ વર્ગનો - આ સેનાનો - આપને બહુ ઉપયોગ છે તે હું સત્ય કહું છું. મહારાજ, પ્રધાનો ઘણા મળશે પણ આવી બન્ધુસેના નહીં મળે અને તેમના બોલવા ઉપરથી રોષ ધરવો આપને યોગ્ય નથી. કહ્યું છે કે

‘કડવા હોયે લીંબડા, શીળી હોયે છાંય,

બોલકણા હોય બાન્ધવો, તોય પોતાની બાંહ્ય.’

મલ્લરાજ - ‘તું કહે છે તે ઘણે અંશે સત્ય છે અને તેટલા માટે જ સામંતને માટે યોજેલી શિક્ષામાં માત્ર મારી પ્રીતિ સિવાય બીજી રીતની હાનિ તેને પહોંચાડી નથી અને તે પશ્ચાતાપ કરી મારી ક્ષમાની આશા રાખે એવો માર્ગ રાખ્યો છે. સામંતના હ્ય્દયમાં ક્રોધ છે પણ દ્ધેષ નથી અને તે અવશ્ય પસ્તાશે, અને એક દિવસ આ જ સ્થાને તારી સાથે પ્રીતિથી રાજ્યકાર્યમાં આશ્રય આપશે. મેં એને કરેલી શિક્ષા જેવી આવશ્યક છે તેવી જ માપસર છે અને તેનું ફળ ઉત્તમ આવશે. રજપૂતોનો સ્વભાવ રજપૂત જાણે. પણ એને માટે તારું બલિદાન આપું તે તો અયોગ્ય અને હાનિકારક જ. તારું જ કહેવું છે - અને તે સત્ય છે - કે હવે અમારી તરવારો મ્યાનમાં બંધાઇ અને સેનાઓ નકામી થઇ છે. હવે તો એવા સહસ્ન બન્ધુઓ કરતાં એક ચતુર અને રાજનીતિનો પ્રવીણ પ્રધાન એ જ રાજાઓની તરવાર અને ઢાલ ઉભયનું કામ સારશે.’

જરાશંકર - ‘મહારાજે ક્ષમાનો માર્ગ ઉઘાડો રાખ્યો છે તો હાલ તરત જ આપની આજ્ઞાને નિષ્ફળ સાધનભૂત હું નથી થતો. પણ મને એક નવાઇ એ લાગે છે કે આપની તરવાર બંધાયાથી હવે લેવાનો માર્ગ આપને આવો સૂઝ્‌યો ને તે જ બંધનના વિચારથી આપને ઉદ્ધેગ થયો, અને બિચારા સામંતને આપને શાંત કરવા તેડેલો તે આ પરિણામને પામ્યો.’

મલ્લરાજ હસી પડ્યો. ‘હા એ પ્રારબ્ધનો સંયોગ વિચિત્ર થયો

ખરો. પણ મહાન પ્રસંગોએ પ્રથમ મને આવેશ થાય છે, અને તેની શાંતિ અને તે પ્રસંગના ગૂંચવાડાનો ઉકેલ - એ બે વસ્તુ મને સાથેલાગાં જ થાય છે. એવા મારા સ્વભાવનો ને પ્રથમ પણ અનુભવ થયો હશે.’

જરાશંકર - ‘ત્યારે મહારાજ, આપના કરતાં હું કાંઇ સુખી ખરો કે એવા આવેશના અનુભવ વગર એવો ઉકેલ યથાશક્તિ કરું છું.’

મલ્લરાજ ફરી હસ્યો. ‘એ વાત તો ખરી. પણ એવો બલવાન આવેશ - એ - ક્ષત્રિયોનો યુદ્ધમાં બન્ધુ છે; તો તેને બીજે પ્રસંગે દૂર રાખીને એવા અમે એકલી ગરજના સગા નથી અને તમારે એ આવેશની સાથે કદી પ્રસંગ પાડવાનું કારણ નથી; માટે તમારામાં ડાહ્યા હોય છે તો એવો સંસર્ગ કરતા નથી. એટલો આપણામાં ફેર, અને ફેર મટાડવામાં રાજ્યને લાભ નથી માટે જ રાજાના બન્ધુઓને પ્રધાનનું કામ આપવું યોગ્ય નથી અને તમારી ગરજ રાખીએ છીએ.’

જરાશંકર - ‘ત્યારે મહારાજે અંગ્રેજના વકીલની વાતનો ઉકેલ કેવી રીતે કર્યો ? આપના હ્ય્દયમાં ધરતીકંપે થયો તેનું આપે શું મહાપરિણામ જોયું તે કહો.’

મલ્લરાજ - ‘તારો ને મારો વિચાર થયો.’

જરાશંકર - ‘મારો વિચાર આપને કહ્યો નથી.’

મલ્લરાજ - ‘પણ હું સમજ્યો.’

જરાશંકર - ‘તો બોલી દ્યો.’

મલ્લરાજ - ‘પ્રથમ તું બોલી દે. પછી હું કહીશ.’

જરાશંકર - ‘આપની પાસે હું હારું તે યોગ્ય જ છે. ત્યારે હું મારો અભિપ્રાય પ્રથમ કહી દઉં છું તે સાંભળો.’

મલ્લરાજ - ‘બોલ.’

જરાશંકર - ‘જુઓ, મહારાજ, અંગ્રેજની સાથે સંબંધ બાંધ્યો તે હું તો હજી સુધી બરોબર કર્યું જ માનું છું. પણ ધારો કે તે કામ બરોબર ન હોય તોપણ હવે તે વાત નિરુપાય છે. એ સંબંધને સોનાની ખાણ ગણો કે બાણની શય્યા ગણો, પણ જે હોય તે એ. હવે આપણે એમાંથી જેટલો લાભ મળે તેટલો શોધવાના માર્ગ શોધવા, અને થયું ન થનાર નથી જાણે તેને વિચાર ન કરવો.’

મલ્લરાજના મુખ ઉપર ગંભીરતા આવી અને બોલ્યો : ‘સત્ય વાત કહી.’

જરાશંકર - ‘મહારાજ, હવે અંગ્રેજ અધિકારીઓ તે સાસુ અને આપ વહુ - એવો સંબંધ બંધાયો. તે આપનો અધિકાર ઓછો કરવા કંઇ કંઇ ઉપાય કરશે. એમનો સંબંધ થયો તે સારા કે નરસા પ્રારબ્ધનું એક બીજ રોપાયું. હવે તો એ બીજનું ફળ સારું નીવડે એમ હોય તો તેને ઉત્તમ કરવા યત્ન કરવો અને નરસું નીવડે એમ હોય તો તે નિભાવી લેઇ સુધારવા પ્રયત્ન કરવો એ જ યોગ્ય છે; વિચારકાળે શંકા સ્થાને છે; એ કાળ ગયો. આચારકાળે શંકા અસ્થાને છે અને ‘સંશયાત્મા વિનશ્યતિ’ એ બોધ સ્થાને છે : અંગ્રેજની સાથે સંબંદ કરી તે આચારકાળ હતો તે પણ ગયો. હવે તો જે હોય તેનો નિર્વાહકાળ આવ્યો છે, અને એ કાળના ચિકિત્સકો અસંદિગ્ધ અને સંમત ઉત્સાહક બોધ આપતા આવ્યા છે કે

-પ્રારબ્ધ કરેલા કર્મનો ત્યાગ ઉત્તમ જનો કરતા નથી - ત્યારે શું કરે છે ?

-જે વસ્તુ પ્રતિપન્ન કરી તેનો અંત સુધી નિર્વાહ કરવો અને બીજી રીતે ન વર્તવું એ એક જ સત્પુરુષનું કુલવ્રત છે - એટલે એ વ્રત ન પાળનાર અસત્યપુરુષ છે. અને એ વ્રતના આચારકાળે એ પુરુષોના જીવ કેવા રહે છે ? તો કહેનાર કહે છે કે

અંગીકૃત વસ્તુનું સજ્જનો પરિપાલન કરે છે અને એમ કરનારા સુકૃતિ એટલે કૃતકૃત્ય-ભાગ્યશાળી-હોય છે અને મનમાં પણ તેમ જ પોતાને સમજે છે. જે સિંહાસન ઉપર આપ બેસો છો તે સ્થાન સત્પુરુષોને માટે જ છે અને તે સ્થાન ઉપર બેસવાનો અધિકાર મહાભાગ્યનું ફળ, તેમ જ એથી અધિક મહાભાગ્યનું બીજ છે તે મારા કરતાં આપ વધારે જાણો છો.

‘મહારાજ, નિર્વાહકાળે વિચારકાળના કરેલા વિચાર પુરા સ્મરણમાં આવતા નથી, આચારકાળની મૂકેલી તીવ્રતા કાર્યમાં સ્ફુરતી નથી, અને જ વિઘ્નોના વિચાર આપે પૂર્વે સંપૂર્ણ રીતે કરીને જ પ્રારંભનો આદર કરેલો છે તે વિઘ્નોની તાત્કાલિક મુદ્રા આપના મનને સંકોચ પમાડે છે તે કેવળ મોહને લીધે છે. તે મોહથી વિઘ્નનો નિર્વાહ થવામાં કલેશ થાય એ આપના કેવળ - યોદ્ધાઓનું કર્તવ્ય જે ક્ષણે સંપૂર્ણ થાય છે તચે જ ક્ષણે રાજાઓની રાજનીતિના પ્રવાહ આરંભાય છે અને તે પ્રવાહમાં તરવારની મલ્લકળા તો માત્ર મલ્લરાજ જેવા રાજાઓને જ વરે છે. તો મહારાજ ! આ નિર્વાહકાળમાં એ રાજનીતિની મલ્લકળા કેટલી સબળ કરવી તે હું રંક જન્મના બ્રાહ્મણ કરાતં આપનો સૂર્યવંશી પ્રાચીન રાજકુળાચાર આપને વધારે સમર્થ રીતે શીખવશે. મહારાજ, આપનું રાજબુદ્ધિવીર્ય આપને આમાં નિઃસંશાય કંઇક અપૂર્વ ફળસંતતિ આપશે - એવી મારા મનને પૂર્ણ શ્રદ્ધા છે. મહારાજ, હું તો આ રાજનીતિમાં આપનો સારથિ છું - મહારથી તો આપ છો અને આપના દિગ્દર્શન પ્રમાણે રથ ચલાવવા તત્પર છું.’

મલ્લરાજ - ‘ત્યારે આપણે અંગ્રેજ સાથે નિર્વાહ કરવાો એટલે અભિપ્રાય તે આપ્યો અને એ નિર્વાહ કેવી રીતે કરવો તે વિચારવાનું કામ મારા પર નાંખ્યું.’

જરાશંકર - ‘મહારાજ, યથાર્થ કહો છો. આપનો અભિપ્રાય શો તો કહેવાનો વારો હવે આવ્યો.’

મલ્લરાજ હસીને બોલ્યો : ‘પ્રધાન લુચ્ચો દેખાય છે. આટલું લાંબું લાંબું બોલી શું કરવું તે કહેવાનો ભાર આખરે મારે માથે જ રહેવા દીધો -ફરી અભિપ્રાય આપતાં સામંતની બીક લાગતી હશે !’

જરાશંકર - ‘મહારાજ, બીક હશે તોયે બ્રાહ્મણ છું. બાકી આપના જેવા છત્ર નીચે રહી એવા તાપનો ડર હોય તો તો એવા ડરકરણ પ્રધાનને આપની સેવામાં રાખવો યોગ્ય નથી જાણી એને સેવામાં રાખતાં હો તો આપનો ધર્મ આપ બજાવતા નથી એટલું કહેવા જેટલી છાતી ચલવું એટલો વિશ્વાસ તો મને આપનો છે.’

મલ્લરાજ ખડખડ હસી તકિયા ઉપર માથું નાંખી પડ્યો ને ફરી ફરી હસ્યો.

‘અસત્ય ભાષણનો ત્યાગ કરી, અપૂર્ણ સત્ય બોલતાં તને આવડ્યું. હવે સામંતને ખોઇ તને ખોવાની મૂર્ખતા મારે માથે બાકી રહી.’

જરાશંકર હસ્યો. ‘મહારાજ, આ અંગ્રેજી રાજ્યનો નિર્વાહ કરવો એટલું સિદ્ધ છે તો તેના વકીલની બાબતમાં પણ નિર્વાહ કરવો એ રસોઇ કરવા સળગાવેલો તાપ વેઠવાને ચૂલેથી કેટલે છેટે બેસવું એના વિચાર કરવા જેવું છે.’

મલ્લરાજ - ‘શી રીતનો ?’

જરાશંકર - ‘એ તાપ મુંબઇ નગરી જેટલે છેટે લાગવા દેવો કે લીલાપુરમાં પણ લાગવા દેવો.’

મલ્લરાજ - ‘મુંબઇમાં તો છે જ.’

જરાશંકર - ‘હા, પણ એટલે છેટે પડેલા ચૂલામાં રંધાતા ચોખા કાચા રહે છે બફાય છે કે બળી જાય છે એ જોવા જેટલી લાંબી દૃષ્ટિ પડે એમ નથી અને લીલાપુરમાં તો બધું જોવાશે.’

મલ્લરાજ સાંભળવા આતુર બની ટટ્ટાર થઇ બેઠો. ‘પણ લીલાપુર જેટલો પાસે તાપ લાગશે તો તેના તણખા ઊડશે, રાખ ઊડશે, ધુમાડો ઠેઠ આપણી આંખોમાં આવશે, ને વળી તાપ ઠેઠ સરસો વેઠવો પડશે તે ? એટલું નુકસાન વધારે કે પાસે રહી ચોખા ચાંપી જોવાનું ફળ વધારે ?’

જરાશંકર - ‘મહારાજ રાજનીતિના જાણકાર છો. સુભાજીરાવને કાઢી મૂકતા પહેલાં જ અંગ્રેજની સાથે બુદ્ધિબળ રમવાની કળાને શોધવા આપે જ ધારેલું છે; અને બુદ્ધિબળને અંગે આપણી અને સામાની ઉભયની બાજી જાણી લેવી એ સાધન સાધવાને અર્થે સર્વ સંતાપ અને કલેશ વેઠવા એ પણ એક સાધન છે.’

મલ્લરાજના મનનો મોટો વળ ઊકલ્યો. તોપણ કંઇક બાકી રહ્યું. ‘જરાશંકર, એ તો ખરું. પણ સામાને જાણતાં આપણે પણ જણાઇ જઇશું તો ?’

જરાશંકર - ‘મહારાજ, એ ભીતિ તો વૃથા છે. નાગરાજ મહારાજે કરેલા યુદ્ધને અંતે જ આપણે જણાઇ ગયા છીએ. હવે અંગ્રેજ આપણને વધારે ઓળખવા પ્રયત્ન કરશે તે આપણાથી અટકાવાય એમ નથી. આપણે શરીરે પહેરેલાં વસ્ત્રમાત્ર ઉઘાડી ઉઘાડીને જોશે, અને એમ કરવા બળ કરતાં કળ વધારે વાપરશે.’

મલ્લરાજ - ‘ત્યારે - આવ કુહાડા પગ ઉપર - એવું આપણે જાતે જ કરવાનું કારણ છે ? ચાહીને પાસે બોલાવવાનું કારણ શું ?’

જરાશંકર - ‘જે રાજ્યો અને રાજાઓનાં અંગ અનેક અંતવ્યધીથી નિર્માલ્ય થઇ ગયાં છે ત્યાં તો અંગ્રેજ પાસે આવ્યાથી કેવળ ભય જ છે. આપણી ચારેપાસ જ્યાં જોઇએ ત્યાં છિદ્ર વિનાનાં રાજ્ય નથી અને છિદ્રોમાં નખ ઘાલી ઘાલી અંદરનું લોહી અંગ્રેજો રીંછ પેઠે પીશે એ લોહીને ઠેકાણે એ રીંછની ઝેરી લાળ લીંપાશે તો તેમાં કંઇ અસંભવ કે અયોગ્યતા મને તો નથી લાગતી. મહારાજ, જે રાજાના રાજ્યમાં પ્રજાનું રક્ષણ ન થતાં ભક્ષણ થાય છે, જે રાજા પ્રજાના કલ્યાણના વિચાર અને આચારમાં દિવસની સાઠ ઘડી ગાળતા નથી અથવા સાઠને ઠેકાણે અઠ્ઠાવન ઘડી ગાળી એમ બે ઘડી જેટલો કાળ પણ પ્રજાને ત્યજી બીજા વિષયને સમર્પે છે તે રાજાના રાજ્યમાં અવકાશ પામતી દુર્વાસનાને માથે ઇશ્વર કોઇ શત્રુ ઊભો કરે તો તેમાં અયોગ્ય શું આવી ગયું ? મહારાજ, પ્રજાને શિક્ષા કરે રાજા અને રાજાને શિક્ષા કરે ઇશ્વર.’

જરાશંકર જરીક અટક્યો અને પાછો બોલ્યો : ‘મહારાજ, જે રાજ્યમાં છિદ્રો હશે તેમાં અંગ્રેજોનો સહવાસ ભયંકર નીવડશે કે નહીં એ કહેવાતું નથી, અને નીવડશે તો મને કંઇ અયોગ્ય લાગતું નથી. પણ ત્યાં તે અયોગ્ય હશે તોપણ રત્નનગરીના ધર્મિષ્ઢ મહારાજને તો આમાંથી કંઇ ભય મને દેખાતું નથી. મહારાજ, આપનો અને આપના રાજ્યનો જેને જેને જેમ જેમ પ્રસંગ પડશે તેમ તેમ આપની સુવાસના અને આપની સુંદરતા અધિકાધિક દીસી આવશે. મહારાજ, આપને કોઇ સુખડની પેઠે વધારે વધારે ઘસશે તેમ આપ વધારે સુગંધ આપશો અને વધારે તપાવશે તેમ તેમ કાંચન પેઠે વધારે સુંદર દેખાશો - કહ્યું છે કે :

મહારાજ, અંગ્રેજી તો શું - પણ આખું જગત જખ મારે છે. રત્નનગરીનાં પુરુષરત્ન જેને જોવાં હોય તેટલાં જોઇ લે. એ કોઇના દષ્ટિપાતથી ડરે એમ નથી. એ રત્નને કોઇ માત્ર જોવાં ઇચ્છે તેટલાથી જ તેને કંઇ ભય નથી. અંગ્રેજ રાજપુરુષોને આપણા પુરુષરત્નોના ભંડાર જોવા હોય એટલા જુએ - એમાં કાંઇ હાનિ નથી. બાકી એ પરદેશીઓ આપના રાજ્યની બહાર પડોશમાં લીલાપુર આવી રહેશે તો મને તો તેમના તંત્ર જાણવાનો, તેમની કળાઓ જોવાને અને એવો એવો આપણે એક કાળે ઇચ્છેલો લાભ જ આપણને શોધતો આવતો દેખાય છે. મહારાજ, આ નિર્વાહકાળમાં મને તો આ વિચાર ઉત્તમ લાગે છે.’

મલ્લરાજ આનંદમાં આવી એકદમ ઊભો થયો; જરાશંકર ઊભો થયો. રાજા પ્રધાનનો વાંસો થાબડી ઉમંગથી બોલ્યો : ‘બસ, જરાશંકર બસ. મલ્લરાજનો સંશય ટળી ગયો - રત્નનગરીનાં રત્ન નિર્ભય છે. જા, વિદ્યાચતુર પાસે ઉત્તર લખાવ કે એ સુગ્રીવજીનો વંશ તે સીકતાજીનો માનીતો, ને સીતાજીનાં જ બાળક એ વંશને છેટે કેમ રાખી શકશે ? માટે તેમને જે ઝાડે બેસવું હોય ત્યાં આવી બેસે ને મરજી પડે એટલું કૂદે. એ વાનરો બહુ કરશે તો મૂઠી ચણા બગાડશે - બાકી રત્નનગરીના રત્ન એમનાથી ચવાય કે ભંગાય એમ નથી - એ રત્ન ખાવા આપણે એમને પહોંચી વળીશું અને ઘરનાં થોડાં નળિયાં ભાંગશે તો ગામમાં માટીની ખોટ નથી.’

જરાશંકર ઘેર ગયો. રાજા અંતઃપુરમાં ગયો. જતાં જતાં તેને સામંત સાંભર્યો અને તેની સાથે હ્ય્દયમાં ઊંડો નિઃશ્વાસ પડ્યો. નાનપણનો સાથી, યુદ્ધકાળનો સખા અને મણિરાજ પછી ગાદીનો વારસ - એ સામંતનો વિયોગ મલ્લરાજને અસહ્ય લાગ્યો અને માર્ગમાં ને માર્ગમાં જ તેનાં નેત્રમાંથી અશ્રુ વહેવા લાગ્યાં. પોતે જાણીજોઇને જાતે જ આ દુઃખનું કારણ થયો છે, પોતાના મિત્રને પોતે જ ઘા કર્યો છે - એ વિચારતાં મલ્લરાજનું હ્ય્દય છેક કોમળ થઇ ગયું અને તે પોતાની નિન્દાનાં વાક્ય બબડવા લાગ્યો :

‘ધિક્કાર છે આ રાજ્યાસનને કે જેને લીધે મિત્રના ઉપર ઘા કરવાનો પ્રસંગ આવ્યો. અરેરે, મિત્રનો ત્યાગ કરવાને ઠેકાણે રાજ્યાસનનો જ ત્યાગ કર્યો હતો શું ખોટું હતું ?’

‘સામંત - સામંત - મારા બાળપણના સ્નેહી ! તેં મારું હિત વિચારી ક્રોધ આણ્યો તેનો બદલો મેં આમ વળ્યો - જે મનુષ્યની પ્રીતિ ઉપર વિશ્વાસ રખાતો નથી તે દુષ્ટ છે - રાજાઓની પ્રીતિનો વિશ્વાસ જગત કરતું નથી તે બરોબર છે. રાજાઓની જાતિ જ દુષ્ટ છે. રાજ્યને અંતે નરક લખ્યાં છે તેમાંનું એક તો હું આ અનુભવું છું. અહો પરમાત્મા ! તારી ગતિ ન્યારી છે.’

આમ વિચાર કરતો રાજા અંતઃપુરમાં ગયો. રાણીએ તેનું ગ્લાન મુખ દીઠું અને તેના સ્વભાવની પરીક્ષક સ્ત્રી ગ્લાનિનું કારણ પણ ચેતી ગઇ. સામંતના સમાચાર અંતઃપુરમાં ફરી વળ્યા હતા અને રાજાએ કરેલી શિક્ષા સર્વને મુખે નિર્દય કેહવાય - રાજા ન્યાય પંચે કર્યો અને સામંત જેવા પ્રતાપી સપક્ષ મિત્રને શત્રુ કરવામાં રાજાએ સાન કરતાં કાન વાપર્યાનો નિર્ણય થઇ ગયો. મલ્લરાજને માથે આવો આરોપ આજ પ્રથમ જ આવ્યો. રાજાની બુદ્ધિ બદલાઇ તેની સાથે કાળ બદલાયો એમ સર્વ કહેવા લાગ્યાં. અંતઃપુરમાં જતાં જતાં મળેલાં સર્વ માણસનાં પરભાર્યાં બની ગયેલાં મુખ ઉપરથી જ રાજા સર્વની આ બદલાયેલી વૃત્તિ કળી ગયો અને એના બળતા ચિત્તમાં ઘી હોમાયું. તોપણ રાજાનો પ્રતાપ એવો હતો કે કોઇથી એની પાસે કે માંહોમાંહી પણ ઊંચે સ્વરે આ વાત વિષે ઓઠ ફફડાવી શકાય નહીં. યમરાજના ઘાથી શૂન્ય થયો હોય એમ આખો રાજમહેલ લાગ્યો. સર્વવા મતમાં ભળેલી રાણીની પણ આ વાતમાં જીભ ઊપડે એમ ન હતું

-રાજનીતિના પ્રસંગમાં અંતઃપુરનાં કોઇ પણ માણસને તેણે ઓઠ ઉઘાડવાનો અધિકાર આપ્યો ન હતો, અને એની આજ્ઞાનો ભંગ કરવો એનું પરિણામ અતિશય ભયંકર હતું તેનો અનુભવ સામંતના દૃષ્ટાંતથી સર્વને પ્રત્યક્ષ થયો હતો. છતાં યમરાજની સાથે અંતકાળે વાતો કરવા બેઠેલા રામચંદ્રનું હિત ઇચ્છી, પોતાનું અહિત અવગણી, લક્ષ્મણે દુર્વાસાને ભાઇ પાસે જવા દીધા હતા અને રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું તે દૃષ્ટાંત લક્ષમાં લઇ રાણીએ રાજા પાસે પોતાનું ઇગિત સ્પષ્ટ કરવા છાતી ચલાવી, અને તેમ કરવામાં રાજાના ચિત્તની ગ્લાનિ દૂર કરી વિનોદ આપવાનો માર્ગ લેવાનો - એક સાધનથી બે કાર્ય સાધવાનો - પ્રયાસ આરંભ્યો.

બન્ધુસ્નેહને રાજધર્મના ભાર નીચે દાબી દેવાના પ્રયાસ અને કલેશથી થાકેલો મલ્લરાજ મસ્તિષ્કમાંથી સર્વ ભાર ફેંકી દઇ રાણીના અંકસ્થળમાં માથું મૂૂકી પલંગમાં સૂતો, દીવાની ઝીણી કરી દીધેલી જ્યોત તેની આંખોનો કલેશ દૂર રાખી માત્ર પ્રકાશ જ આપવા લાગી, ઉઘાડી બારીમાંથી પશ્ચિમ સમુદ્રની ભરતીની પ્રેરેલી પવનની લહેરો રાજાના શરીરને નિદ્રોન્મુખ કરવા લાગી, બહારનાં ઝાડોનાં પાંદડાંનો ખડખડાટ કર્ણેન્દ્રિયને એકસ્વરમાં લીન કરવા લાગ્યો, અને રાજાની ચિત્તશય્યામાં આળોટતી ચિંતાઓએ ખોઇ દીધેલી પદભ્રષ્ટ નિદ્રાદેવીને પ્રયાણ આરંભવા આનન્દયોગનું મુહૂર્ત સાધવાના ઉલ્લાસથી સ્વામીના શરીર પર કરતલ ફેરવતી મેનારાણી જોડી રાખેલું ગેય ધીરે ધીમે સ્વરે ગાવા લાગી :

‘મેના રટે પ્રભુ આજ ! મહારાજા ! રંક મેના રટે તમ પાસ ! -ધ્રુવ. શૂર પુરુષ તે હાથ ધરે જે નહિ એકલી તરવાર; મહારાજા ! શૂર પુરુષ તે હ્ય્દય ઘરે જે નહીં કેવળ અંગાર. મહારાજા ! શંખ ધરે રિપુ-હ્ય્દય-વિદારણ જે ત્રિભુવનનો નાથ, મહારાજા ! ભક્ત હ્ય્દયના સાંત્વન કાજે પદ્મ ધરે તે હાથ. મહારાજા ! લાત ખમી હરિભૃગુની હ્ય્દયમાં સિદ્ધ થયો ક્ષ્માનાથ, મહારાજ ! અવનિ વસી અવતાર ધર્યા ને વેઠ્યા યુગવ્યવહાર. મહારાજ ! મેના જેવી અબળા નારી તે પણ પાળે કાળ, મહારાજા ! દેવા મણિ પ્રભુકરણમાં એણે તપ તપ્યું છે નવ માસ; મહારાજા ! એ હરિકેરા ભક્ત તમે છો - એ મેનાના નાથ : મહારાજા ! તેજસ્વી છો તેને ક્ષમાનો કોણ દીવો ધરનાર ? મહારાજ !’. આ વાક્યે રાજાને નિદ્રાસ્ખલિત કર્યો. તેમે પાસું ફેરવ્યું. રાણીનું ગાયન વધ્યું : ‘સામંતશિરના મુકુટમણિથી પદપાવડી સોહાય, મહારાજા !’ રાજાએ આંખો ઉઘાડી - જાગ્રત થયો. રાજા રાણીનું મુખ જોવા લાગ્યો. ‘એ મણિધર પર ભાર ક્ષમાનો અચળ ટકાવો ક્ષ્માનાથ ! મહારાજ!’ રાજા ચમક્યો - રાણીના ખોળામાંથી માથું લઇ લીધું - બેઠો થયો. એનાં નેત્ર-આકાશમાં ધૂમકેતું ઉદય પામ્યો. રાજાનો ચિત્તવિકાર ચતુર લલના

ચેતી ગઇ અને જાતે ચડાવેલા વિષનો ઉતાર જાતે આરંભ્યો.

‘અબળા જાતિ નથી અધિકારી સિંહાસનની પાસ, મહારાજા !

કોમળ રસની હું અધિકારી, કોમળ જાચું પ્રભાવ ! મહારાજા !’

ગાનયોગ્ય હાવભાવનું નાટ્ય કરતાં રાજા સામા હાથ જોડતી

રાજાના વિશાળ મેઘ જેવા વક્ષઃસ્થળમાં મુખચંદ્ર છુપાવવા લાગી

‘હાથ જોડી, કરી ઉર ઉઘાડું, વનિતા માગે આજ, મહારાજા !’

રાજા રાણીનું મુખ ઊંચું કરી તેમાંથી હવે શું વાક્ય નીકળે છે તે

સન્મુખ દૃષ્ટિ કરી સાંભળવા - જોવા - લાગ્યો. રાણીની વાગ્ધારા અસ્ખલિત ચાલતી રહી :

‘શાસ્ત્રવિશારદ પિયુ ! દેજો જી શૂર ધીર રસિક શૃંગાર, મહારાજા!’

યુદ્ધવિશારદ પિયુ ‘ સહેજો જી, રાખી ક્ષમા, રસબાણ, મહારાજા!’

રાજાના વિચાર પોતાના અંગમાં આકર્ષતી લીન કરતી અંગના પોતે હરાવી દીધેલી સેના નાસતી નાસતી સ્વસ્થ થવા પામી બળવતી થવા પામે અને તેને જીતવા પોતાને ફરી પ્રયાસ કરવાનો પ્રસંગ આવે તે પહેલાં સમયગ્રાહિણી રતિશૂરી બળવાન ઘસારો કરવા લાગી :

‘મહારાજા ! શૂરી મેના કરે રસઘાવ !

મહારાજ ! જોજો ! રંગીલી કરું છું પ્રહાર !

ચતુર વીર ! સજ્જ થજે સાવધાન !

કારમો છે કામિની કેરો ચડાવ !

મહારાજા ! શૂરી મેનાનો જોજો જી હાથ !

રંગીલા, ઝીલજે, રસરંગની ધાર !’

‘ધાર’ શબ્દનો ઉચ્ચાર નીકળતા પહેલાં રાણીનું શરીર રાજાના શરીર પર પ્રહાર કરી પડ્યું. રાજા એકદમ સુકુમાર શરીરને નિર્માલ્યવત્‌ વિષયત્‌ ગણી તરછોડી ઊભો થયો, રાણીને પડતી મૂકી રંગભવનના દ્ધાર બહાર જતો રહ્યો, અને જતાં જતાં રાણીના સામું ક્રોધકટાક્ષ ફેંકી છેલ્લા બોલ બોલતો ગયો - ‘સામંતને શિક્ષા કરનાર રાજા સામંતનો પક્ષ કરનારીને પણ શિક્ષા કરી શકશે. રાણી ! અધિકાર વિનાનું કામ કરવાની યોજના કરી મારી આજ્ઞાનો ભંગ કર્યચો - રાજદંડને યોગ્ય માનવી પાસે રા સંબંધ ભૂલી જાય છે. રાણી ! સામંતનો ત્યાગ કર્યો તો તારો કરવો એ વિધાતાનો વિશેષ લેખ !’

રાજા દ્ધાર બહાર અદૃશ્ય થયો. અંધકારમાં લીન થયો. રાણી ઊભી થઇ પાછળ ચાલી. રાજા પોતાની કે કોઇની સાથે વાત કરતો સંભળાયો. રાણી અંધકારમાં ઊભી ઊભી ગાવા લાગી :

‘રસિયા ! રોષ તજો જી !’

તુમ મધુકર, અમ કેતકી, ભલો બન્યો સંજોગ !

કંટકદોષ વિચારીએ તો તો કૈસે બને રસભોગ ?

ઓ રસિયા ! રોષ તજો જી !’

ઉત્તર ન મળ્યો. રાણી દીવો લઇ આવી ચોકમાં રાજાને શોધતી ચાલી અને રાજાને પકડી પાડતી બોલી :

‘મારું રમકડું રિસાયું રે ઓ વ્હાલા !’

પકડાયેસલો રાજા બોલ્યો : ‘રાણી ! વિચાર કરાતં તારું કહેવું એ સમજાય છે કે સામંત મણિધરની પેઠે મણિ અને વિષ ઉભય ધરનારો છે માટે ક્ષમા રાખવી. રાજનીતિમાં સ્ત્રીવર્ગને હું અધિકાર આપતો નથી - માટે તને શી શિક્ષા કરું ?’

રાણી પગે પડી, રાજાના જમણા પગને આલિંગન દઇ બોલી : ‘મહારાજ ! મેં રાજનીતિમાં ચાંચ બોળી નથી - આપના રાજ્યમાં હું અબળા પ્રબળા બની આપને લાંછન લગાડવા અભિલાષ રાખતી નથી. એ અભિલાષ બીજી સ્ત્રીઓને સોંપ્યો - મેના તો આપની પ્રજા છે અને આપનો આપેલો અધિકાર લે છે.’

રાજા - ‘તે શો ?’

રાણી - ‘કોઇ સર્પ આપને દંશ કે એવે સ્થળે આપ સંચાર કરો ત્યારે વચનથી અને અગત્ય પડે તો વચ્ચે પડી આપને ખેંચીને પણ આપને વિષદંશમાંથી ઉગારવા એ અધિકાર આપના આયુષ્યની સૌભાગ્યવતીને વિવાહના સમયથી જ મળેલો છે,’

રાજા - ‘શું સામંત મને દંશ દે એમ છે ?’

રાણી - ‘સામંત તો દે એમ નથી. પણ આપના ભાયાતો એ સામંતના દાંત છે ને એ દાંતમાં વિષ છે - મહારાજ, આપના ભાયાતો આપના પ્રધાન ઉપર અને આપના ઉપર ક્રોધે ભરાયા છે. સામંતને ક્ષમા કરશો તો આ વિષ શાંત થશે અને એ વિષવાળા નાગના શિર ઉપર ધરતીનો ભાર રાખશો તો ટકશે એ આપની જાતને ઉગારી લેવાનો એક માર્ગ છે.’

રાજા - ‘આ રાણી ! તારો અભિપ્રાય જાણ્યો. એ અભિપ્રાયથી મારી આજ્ઞાનો ભંગ કર્યો નહીં કર્યો થાય. પણ તને શિક્ષા થોડીક કરું છું. તે એ કે આજની રાત્રિ મારો વિયોગ વેઠવો અને ફરીથી રાજ્યપ્રસંગના વિષયમાં ઉચ્ચાર પણ ન કરવો એટલી ફરી આજ્ઞા આપું છું.’

રાણી રાજાનો પગ મૂકી ઊઠી. તેની આંખમાં પાણી ભરાઇ આવ્યું. ‘મહારાજ - આપના વચનમાં ન્યાય છે અને આપની આજ્ઞામમાં દંડ અને ક્ષમા ઉભય છે - એ આજ્ઞાનો ભંગ કરવા મુજ રંકનું ગજું નથી. મહારાજ, હું આપની રૈયત છું. આપ રંગભવનમાં પધારી શૈયા કરો - હું આજની રાત આ ચોકમાં દેશવટો ભોગવીશ.’

રાજા પલંગમાં સૂતો. રાણી ચોકમાં સૂતી. પ્રીતિની સત્તાના કાંટામાં સૂતેલો રાજા આખી રાત ઊંઘી શક્યો નહીં. તેમ રાજ્યાસનનો અધિકાર પ્રિયજનને કરેલી શિક્ષાના વિષયમાં પશ્ચાત્તાપ કે ઉદ્ધેગ પામી શક્યો નહીં. સામંત જેવા મિત્રને અને મેના જેવી રાણીને શિક્ષા કરનાર રાજાના મસ્તિષ્કની અવસ્થાનું ચિત્ર આપવા તો શ્રીકંઠ ભવભૂતિ જેવાનો શક્તિપાત જ સમર્થ થાય.

હ્ય્દયમાં વજ અને નેત્રમાં પાણી રાખનાર રાજાની અવસ્થા કેવી દુસ્કર છે ? ભવભૂતિ કહે છે કે