Paschatap in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | પશ્ચાતાપ

Featured Books
Categories
Share

પશ્ચાતાપ

પશ્ચાતાપ

લેખક :-

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પશ્ચાત્તાપ

એ વિચિત્રતા જ ગણાય અથવા કરુણતા ! એ ઘરમાં ત્રણ સ્ત્રીઓ રહેતી હતી ! અને ત્રણે ત્રણ વિધવા ! આવતા-જતા લોકો, એ ખખડધજ ડેલી પાસે બે પળ થંભી જ જાય, સહાનુભૂતિથી ! કોઈ કશું સાંત્વના સરખું બોલેય ખરાં.

ડેલી ખખડધજ ખરી પણ મકાન એટલું જીર્ણ નહોતું. વિશાળ પણ ખરું, ત્રણ વ્યક્તિઓ માટે. બેય બાજુ પરસાળ, બે વિશાળ ચોરસ ઓરડાઓ, રસોડું, ભંડકિયું, કોઠાર ને આગળ ફળી. ફળીમાં તુલસીક્યારો ને જૂઈ.

ડેલી ખખડે ને પૂજાખંડમાં બેઠેલી જીવકોરના કાન સરવા થાય ‘વહુ આળી કે શું ?’

વહુ એટલે છવીસ વરસની રન્ના. એક મહિનાથી રન્નાની દિનચર્યા નક્કી જ. ઊઠી જાય પાંચ વાગતાંમાં જ. જીવકોર... પણ ઊઠી જ હોય ને વનિતા પણ. હવે તે પ્રભાતિયાં નહોતી ગાતી, પહેલાંની માફક વનિતાય... મૂંગી મૂંગી કામ આટોપતી હોય અને રન્નાય મૌન ! કોણ બોલે ? બોલવાનું મન થાય તો બોલેને ? કપડાં પર હાથ ફરતો હોય, કુકરની સીટી વાગતી હોય, ફળીમાં કાબર કચકચ કરતી હોય - એમાં આવી ગયું બધુંય.

રસોઈ કરીને રન્ના થાય તૈયાર. સાડી બદલાવે, વાળ પર કાંસકો ફેરવે, અને ‘જાઉં છું, મમ્મી’ એટલો જ ઘોંઘાટ થાય સવારે. દશ ને પાંચે બસ-સ્ટોપ પર, દશને દશે બસની ભીડમાં અને દશને પચાસે... પાંચમે માળ લઈ જતી લિફ્ટમાં. તેની ઑફિસ પાંચમા માળ પર હતી. લિફ્ટમાંય કાંઈ એકલી નાહોય. પટેલ, શાહ, પરીખ, મહેતા - કોઈ હોય જ. સ્મિતોની આપ-લે થાય. કોઈ પૂછેય ખરું, ‘ફાવે છે ને કામ ?’ સાવ મૃદુતાથી પૂછે.

રન્નાને ઑફિસનું કામ ફાવવા લાગ્યું હતું, ગમવા લાગ્યું હતું. માંડ એક મહિનો જ થયો હતો. હજી હમણાં જ... કામે લાગી હતી. બધુંય હજી આંખો પર તરવરતું હતું. ધીરજ હજી ત્રણ મહિના પહેલાં... તો... ! તેની આંખો ભીની થઈ જતી.

ઑફિસના માણસો ભલા હતા. ખૂબજ મદદ કરી હતી - એ લોકોએ. પહેલો ફોન જ એ લોકોએ કર્યો હતો. રન્ના તો ત્યારે સાંજની રસોઈ કરતી હતી. તેણે પૂછ્યું હતું વનિતાને - ‘મમ્મી... સાંજે... શું... ?’

વનિતા કહે એ પહેલાં જીવકોરે જ... કહી દીધું હતું - ‘વહુ... ખીચડી તો બનાવજે જ, રાળ જેવી !’

વનિતાએ... ઉમેરો કર્યો હતો એમાં,

અને બસ, ત્યારે જ ફોન આવ્યો હતો - ‘રન્નાભાભી...!’

તે ત્રણેય સરકારી હૉસ્પિટલે પહોંચ્યાં હતાં, મારતી રિક્ષામાં. મોં-મેળો તો થયો જ. ધીરજ રન્નાને જ જોઈ રહ્યો હતો-એકીટશે !

નર્સે વનિતાને સમજ પાડી - ‘ભાઈનું હાર્ટ બેસી ગયું.’ ઑફિસના લોકો ખડેપગે હતા. કેટલાં કામો હોય ? બધા જ... લાગી ગયા. રન્ના ધોધમાર રડી હતી. વનિતા... તો થીજી જ ગઈ હતી.

જીવકોર... કહેતી હતી - ‘મને મૂકીને એને લઈ ગયો ! નક્કી જમડાની ભૂલ.’ શોકની આ જ ભાષા હોય. ખલાસ ! ત્રણે ત્રણ વિધવાઓ એ ઘરમાં. રન્ના માટે તો એક વરસનો સંસાર અને આયખાભરનો...

તે થથરી ગઈ. હજી એક વરસ પહેલાં તો તે કાચી કુંવારી કન્યા હતી. શું આમ જ ભર વસંતે ખરી પડવાનું ?

વાને શ્યામ હતી, કબૂલ, પરંતુ સ્ત્રી તો હતી ને ? ઇચ્છાઓ અને લાગણીઓ તો હોય ને ? ક્યાંક લગનના ઢોલ વાગે ને તે વ્યાકુળ બની જતી હતી. નમણાશ હતી, કુમાશ હતી, ભાવોથી ભરી ભરી હતી. સપ્રમાણ દેહ હતો પણ ક્યાંય જામતું નહોતું.

‘ભૈ... બધું બરાબર પણ આ વાન જરાક...’

અને વાત અટકી જતી. પાઉડરના થથેડા કરી કરીને તે થાકી હતી. સ્વભાવ રમતિયાળ હતો; જાતની મજાક પણ કરી લેતી હતી, અને એટલે જ ટકી હતી.

‘એ બધાંયને લિસ્સી... ગોરી ચામડી ખપે છે. શું લપસિયાં ખાવાં હશે ?’ તે હસતી, હસાવતી. મા-બાપને ખુશ કરતી પરંતુ ભીતર તો સતત કશું કોરી ખાતું હતું.

અચાનક એકત્રીસ વરસના ધીરજ સાથે નક્કી થઈ ગયું. તે પચીસની હતી. ધીરજ સાવ સરળ લાગ્યો. એમાં ગમવા જેવું ખાસ કાંઈ હતું પણ નહીં છતાં તેણે હા પાડી. જોકે તે ગમે તેને હા પાડવાની જ હતી. તે ઇચ્છતી હતી કે તેને પુરુષ મળે ! અને મળી ગયો. રન્ના હરખાઈ ગઈ હતી.

‘સરળ વ્યક્તિ સાથે તો સારું. એને સંભાળી લઈશ.’ તે વિચારતી હતી. તેની માએ શિખામણ આપી હતી - ‘જો ડાહી થૈને રે’જે. બે સાસુઓને સંભાળવાની છે. સાસુ અને એની ય સાસુ !’

‘અને આમ તો ઘરેય સારું. આખાપાંખા ત્રણ માણસો ! રન્ના, તું તો સુખમાં પડી !’ સખી કહેતી હતી.

‘ચાલો... રન્ના તો ઠેકાણે પડી. હવે બીજીનું વિચારીએ !’ તેના પિતા મલકાતા હતા.

‘મમ્મી... આ અરીસો તો લઈ જ જઈશ.’ રન્નાએ કહ્યું હતું.

અને તે સાથે લાવી પણ હતી, અન્ય ચીજોની સાથે. લગ્ન થયાં ને બીજે જ દિવસે, તેણે જ ખીલી હથોડી પણ શોધી કાઢ્યાં - અજાણ્યાં ઘરમાંથી. નહાવાની ઓરડી પાસે એક જગ્યા પણ શોધી કાઢી... અને ખીલી પર હથોડી... પણ લગાવી. એક સાથે બે ઘટનાઓ બની. ભીંતમાંથી એક ઢેફું ખરી પડ્યું... ભરરર !

વનિતા આવી - ‘શું કરે છે વહુ ? અરીસો ? ત્યાં નથી લગાડવો. જૂનો છે ને, પરસાળમાં. મૂકી દે આને કબાટમાં. વાગ્યું તો નથી ?’

બસ... એ અરીસો એક કબાટમાં ગોઠવાઈ ગયો.

રન્નાને ટેવ હતી. સ્નાન કરીને બહાર નીકળે, સાડી કે ડ્રેસ... ઠીક કરે, ગોઠવે ભીનાં વાળને અને પછી તરત જ આ અરીસામાં જાતને નીરખે. ખુશખુશાલ થઈ જાય, ન્યાલ થઈ જાય-બિંબ જોઈને !

વરસો જૂની ટેવ. ક્યારેક વળી વાતોય કરે બિંબ સાથે - ‘કેમ છો કાજલબેન ? પછી વર-બર મળ્યો કે નહીં ?’

અને પછી તે ખુદ જ હસી પડે. રમતિયાળ અને થોડી ચંચળ પણ.

દુઃખ થયું. મમ્મીએ આમ કર્યું હોય તો તેની સાથે ઝગડો જ કરાય; પણ અહીં તો... ?

એ સાંજે જ તેણે વનિતા અને જીવકોર વચ્ચેની ઘૂસપૂસ સાંભળી. એ લોકો ખૂણામાં હતાં અને રન્ના... આડશમાં. ‘ના... એમ માથે ના ચડાવાય. આજે અરીસો તો કાલે કાંઈ નવું શરૂ કરે. પહેલેથી જ... દાબ રાખવો પડે. ધીરજને ય...’

પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. રન્ના નિરાશ થઈ ગઈ. પ્રથમ મિલન સમયે તેણે જ વાત કાઢી હતી. તેને તો એમ પતિ જ કહેશે કે... રન્ના, આપણે હમણાં જંજાળ ના જોઈએ. થોડા સમય પછી... ઇચ્છા થશે ત્યારે...

પણ એ કશું જ ના બોલ્યો.

‘મારી વાત કેમ લાગી તમને ?’ તે જ આગળ વધી - એ દિશામાં.

‘વાત કરી લેજે ને, મમ્મી સાથે.’ સરળ પુરુષે સરળતાથી કહ્યું. માંડ સમજાવ્યો એ પુરુષને. પછી તો માની પણ ગયો.

‘આ વાત કાંઈ મમ્મીને... પુછાય ?’ તેણે હસીને કહ્યું હતું ધીરજને. અનુભૂતિ થઈ હતી કે તે સંભાળી શકશે એ સરળ પુરુષને.

પણ આ બે સ્ત્રીઓનું ? બસ... અનુકૂળ થઈ જવું. શરણાગતિ. પ્રશ્ન જ ના હોય પછી ઘર્ષણ ક્યાંથી થાય ? એ પળથી તેણે એ સૂત્ર અમલમાં મૂકી દીધું હતું.

‘મમ્મી... આજે રસોઈ હું બનાવીશ. ના... તમે રહેવા દો મમ્મી હવે તમે... આરામ કરો, પૂજા-પાઠ કરો. મંદિરે જાવ.

મમ્મી... તમે જેમ કહો તેમ... !

‘ભારે મીઠી છે. સંભાળવું પડશે. ચેતી જા... વનિતા.’

અને આમાંથી સુખ શોધવાનું હતું. તેની મમ્મી કહેતી હતીને - મારી રન્ના સુખમાં પડી !

રન્નાએ તેનાં સુખો શોધી કાઢ્યાં હતાં.

જૂઈને સફેદ ફૂલ બેસે-એ સુખ. ધીરજ આવે ત્યારે ડેલી ખોલે, એય સુખ. તિરાડવાળા અરીસામાં તરડાયેલ ચહેરો જોઈને હસી પડાય એય સુખ.

ધીરજના પાકીટમાં કેટલા પૈસા હોય-એ તે જાણતી હતી. પગારનું કડકડતી નોટોવાળું કવર વનિતાના હાથમાં મુકાઈ જતું - દર પહેલી તારીખે.

આમાં રન્નાને નેત્રસુખ જ મળતું. ક્યારેક તૈયાર થઈને ધીરજ સાથે ફરવા પણ જતી. મંદિર લગી કે ટાગોર બાગ સુધી. તે લાડમાં પતિને કહેતી પણ ખરી - ‘ફેરવવા લાવ્યા છો તો પત્નીને શું અપાવો છો ? વેણી, બંગડી, ફૂમતાં, સાડી ?’

પછી તરત જ કહી દેતી - ‘ના રે ના, મારે કશું જ નથી જોઈતું. એક તમે છો ને ?’

ધીરજ હાશ અનુભવતો, તેને ય થતું કે... આ બધું તેણે જ... કરવાનું હોય. આખરે રન્ના તેની પત્ની હતી, પણ... !

પણ તે લાચાર હતો.

ઑફિસમાં તે સારો હિસાબનીશ હતો. તેના કામને વખાણવામાં આવતું હતું. તેની સલાહને પણ માન્ય કરવામાં આવતી હતી પરંતુ ગૃહમોરચે... તેનું કશું મૂલ્ય નહોતું. માતા ગણતી હતી કે તે હજી નાનો હતો, જવાબદારીને યોગ્ય નહોતો. કેવળ તેની સરળતા જ વખાણવા યોગ્ય હતી.

એક હતો ત્યાં સુધી તો ઠીક હતું પણ હવે તો તેને એક પત્ની પણ હતી જે... માત્ર તેના પર જ આધાર રાખી શકે. પણ તે રન્ના માટે કશું જ કરી શકે તેમ નહોતો.

તે શક્યતઃ રન્નાને ખુશ કરવા પ્રયત્ન કરતો હતો. એક નવી પીડા શરૂ થઈ.

વનિતાએ તેને પૂછ્યું - ‘વહુ... તું બેઠી ? આ વખતે ય...?’ પ્રથમ તો સમજ ના પડી, કે વનિતા શઉં કહે છે. અને પછી જ્યારે સમજ પડી ત્યારે મન ગ્લાનિથી ભરાઈ ગયું. ઓહ ! આમ પણ પૂછી શકાય ? માગણી, અપેક્ષા, આજ્ઞા... સાવ સ્પષ્ટ હતા. એ લોકોને... રન્નાનું સંતાન જોઈતું હતું. વંશવેલો આગળ વધારવો હતો. એક સંતાન કે જેનું નામ પાડી શકાય અને એ નામની પાછળ, ધીરજલાલ આવે, એના પિતાનું નામ આવે... !

માતૃત્વની તરસ રન્નાને પણ હતી. અરે, તે પરણી નહોતી ત્યારે પણ એના વિચારો આવતા. કલ્પના કરતી માતૃત્વની અને પછી શું નહોતી કરતી કલ્પનામાં !

પણ આ શું ઉઘરાણી કરવાની બાબત હતી ? બીજી વેળાએ પણ લગભગ, એ જ રીતથી પુછાયું. તે સમસમી ગઈ. કશું કહ્યું નહીં વનિતાને. રોષ ચડે પછી મર્યાદા ના જ સચવાય. તેણે આ વાત પતિને કહી.

મથામણને અંતે નક્કી કર્યું. ‘ભલે... એ લોકો ખુશ થાય. થવા દઈએ બાળકને.’

જીવકોર મદદે આળી - ‘વહુ... સોળ સોમવાર કર નકોરડા. મા’દેવ તો ભોળિયો છે. તારી ગોદ ખાલી નૈ રે’વા દે !’

એ ય શરૂ થયો, પૂરો ભાવ લાગીને. એમાં તો શો વાંધો હોય ? સમય... ગુજરતો ગયો. મહિના પછી મહિના... દિવસો પછી દિવસ ! અપેક્ષા મુજબ... કશું ના બન્યું. હતાશા... અને રોષ ! અને રોષ પણ રન્ના પર જ.

‘આમાં મારો એકલીનો જ દોષ ?’ રન્ના અકળાઈ. રોષ જન્મ્યો.

‘પૂછો ને એ પુરુષને ?’

બસ... એ જ ઉપાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી ! ટેસ્ટ જ કરાવીએ બેય...

પુરુષે આનાકાની ને બહાનાંબાજી તો કરી પણ અંતે રન્નાનો રોષ જીત્યો.

‘આખરે... મારે ક્યાં સુધી મેણાં, અપમાનો સહન કરવાં ? તમે મને ઘરમાં લાવ્યા છો, એ શું આ જ માટે ? માત્ર...’

અને પુરુષ માની ગયો. એક બે રજાઓ ગોઠવી. ટેસ્ટ થઈ ગયો. રન્નાનો અર્ધો બોજો ઊતરી ગયો.

રિપોર્ટ આવ્યા, વંચાયા ને સમજાયા. એ સાથે જ શયનકક્ષમાં સોપો પડી ગયો. સ્ત્રી તો માતૃત્વ માટે સક્ષમ હતી પરંતુ... પુરુષ જ... પળવાર રન્ના ખુશ થઈ, પરંતુ બીજી પળે, પતિની હાલત જોઈને તેની ખુશી ઝાકળની માફક ઊડી ગઈ. એકનું દુઃખ બીજાનું સુખ ના હોય - આ સંબંધોમાં.

પુરુષ કરગર્યો - ‘કોઈને કહેતી નહીં. હું તો ક્યાંયનો નહીં રહું.’ રન્નાની હાલત પણ એવી જ હતી, આ ક્ષણ સુધી.

તે ઉદાર બની ગઈ. ગમે તેમ તોય તે સારો હતો, સરળ હતો. તેણે કાંઈ તેને પીડી તો નહોતી. હા, તેની યાતનાઓ સામે ઢાલ બની શક્યો નહોતો.

‘ભલે... સાવ અકારણ સહી લઈશ એ બે સ્ત્રીઓનાં શબ્દબાણો, માનસિક... યાતનાઓ, પરેશાનીઓ...’

નવો અધ્યાય શરૂ થયો.

‘લોકો વહુઓ શા માટે લાવતા હશે ? પાટલા પર બેસાડીને આરતી ઉતારવા માટે ?’

‘આ કરતાં તો... બીજી જ પસંદ કરી હોત તો ? મળથી નો’તી એવું થોડું હતું ? આ તો ધીરજ જ ક્યાં હા પાડતો હતો ? ભદ્રા, નીના... હર્ષા.’

રન્નાએ આ સાંભળીને હવે દુઃખ નહોતું થતું. આ વાત ક્યાં તેને વળગતી હતી ? તે તો... સક્ષમ હતી - મા બનવા માટે ! અરે, આવું તો એ પણ કહી શકે તેમ હતી, ન્યાયપૂર્વક, અધિકારપૂર્વક, પણ પેલા પુરુષને બચાવવાનો હતો અને એ દૃષ્ટિએ તો પુરુષ શાનો ? અપુરુષ ! અને હવે તેનેય માતૃત્વની ઝંખના જાગી હતી.

અરે... એ સુખદ પળો તો નહીં જ આવે ને, તેની જિંદગીમાં ? તો પણ તે ટકી શકી પણ ધીરજ ભાંગી ગયો, ભીતરથી ભાંગીને ભૂક્કો થઈ ગયો. ખરતો ગયો-ભીંત પરથી ચૂનો ખરે એમ જ. કોતરાતો ગયો દિનપ્રતિદિન.

તે રન્નાનું દુઃખ સહી શકતો નહોતો, જોઈ શકતો નહોતો. એ ઉપરાંત તેનું અંગત દુઃખ પણ હતું. અરે, હું આમ ? આ અવદશા ? ઇલાજેય નહીં ? શું કરું ? રન્નાય બિચારી... ! કહી દઉં આ વાત મમ્મીને...?

અને એક દિવસે... તેની સમગ્ર યાતનાઓનો અંત આવ્યો. ડૉક્ટરે કહ્યું - હાર્ટ... એટેક ! સડન... હાર્ટ... ફેલ્યૉર !

રન્ના વિચારતી હતી - હવે અહીં રહીને શું કામ છે ? છે કશુંય અહીં તેનું ? વનિતાય વિચારતી હતી - ના જોઈએ એ. ભરખી ગઈ ધીરજને ! જીવકોર પણ સ્પષ્ટ હતી - આ વિષયમાં.

અચાનક ઑફિસવાળા ભાઈઓ આવ્યા, નોકરીની પ્રસ્તાવ લઈને. આર્થિક પ્રશ્ન તો હતો જ. થોડા સમય પછી વિકરાળ બનવાનો હતો.

વનિતાએ શક્ય એટલી નરમાશ લાવીને રન્નાને પૂછ્યું હતું - ‘બેટા, તું મારા ધીરજની ઑફિસમાં નોકરી કરીશ ? જો, એ લોકો કેટલા ભલા છે ! સામેથી જ... આવ્યા છે. બાકી તને-મને તો ક્યાં કશી સૂઝ રહી છે ?’

હમણાં વનિતા તેને બોલાવતી જ ક્યાં હતી ? પણ તેને આ વાત ગમી-નોકરી કરવાની. તેના અક્ષર પણ સારા હતા-મરોડદાર. બહાર જવાનું તો મળશે ! તેણે હા પાડી.

પછી તેના મનની દિશા ફંટાઈ ગઈ.

ચાલો, મુક્તિ મળશે આ વાતાવરણથી, ભલે ને થોડા કલાકો માટે ! કેવી હશે ધીરજની ઑફિસ ? મારે ત્યાં જ જવાનું ! રડવું આવી જશે તો ? કામ આવડશે ? જોકે આ લોકો તો ભલા છે.

નવો દોર શરૂ થયો. નવું સ્થળ. નવા માણસો. આમ તો પતિએ તેને ઑફિસ વિશે ઘણી વાતો, અવારનવાર કહી હતી. તો પણ ફરક પડે. વાતો અને અનુભવમાં. કંપની હતી ભીતરમાં. પહેલે દિવસે તો ખૂબ સાંભર્યો હતો મૃત પતિ. ક્યાં ખબર હતી કે એક દિવસે તે આ સ્થળે આવશે ? અને આ રૂપમાં ધીરજની વિધાવ બનીને ?

પણ પછી તો ગમવા લાગ્યું વાતાવરણ. સારા માણસો હતા, સહાનુભૂતિપૂર્વક વર્તાવ રાખતા હતા. કામ પણ શીખી ગઈ.

‘રન્નાબેનનું ગ્રાસ્પિંગ સરસ છે. અક્ષરો ય...’

‘ગણતરીઓ પણ સાચી કરે છે. સરસ...!’

પ્રશંસા થવા લાગી. ખુશી પણ થવા લાગી. ‘હતું જ મારામાં. આ તો વેડફાતી હતી - બે સ્ત્રી વચ્ચે.’

વનિતા... સરળ બની ગઈ હતી. મૃદુ બની ગઈ હતી. તેની સાથે સરસ રીતે વર્તતી હતી.

‘આ હું નોકીર કરીને પૈસા લાવું છું ને એટલે !’ તેને કારણ જડી ગયું. તેનું અભિમાન પણ પોષાતું હતું.

રન્નાએ પેલો અરીસો કબાટમાંથી કાઢ્યો, એ જ ભીંતે લગાડ્યો, પણ વનિતા કશું જ ના બોલી.

પેલું વહુનું સંબોધન તો લોપ થઈ ગયું - વનિતાના શબ્દકોશમાંથી. રન્ના ખુશ થતી હતી.

એક રાતે... તે અચાનક જાગી ગઈ. જોયું તો પરસાળમાં બેઠી બેઠી વનિતા આંસુ સારતી હતી.

તેના ખોળામાં ધીરજનો ફોટો હતો, રન્ના અને ધીરજનો મૅડિકલ રિપોર્ટ હતો. ક્યાંથી મળ્યો હશે ?

કોઈની પાસે વંચાવ્યો હશે - સમજવા માટે ?

આમ કેટલા સમયથી રાતે રાતે... વનિતા આંસુ સારતી હતી ? સમજ પડી રન્નાને. હલબલી ગઈ ભીતરથી.

તે ધીમેથી વનિતા પાસે ગઈ. કંપતાં ખભા પર હાથ મૂકીને હળવેથી બોલી - ‘મમ્મી...’