ભગીરથના વારસ
૯. વિલાસરાવ
વીણા ગવાણકર
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
૯. વિલાસરાવ
વિલાસરાવ અને કલ્પનાબહેનની પ્રથમ મુલાકાત થઈ ત્યારે તેમણે કલ્પનાબહેનને પૂછ્યું હતું, ‘સમાજસેવાનો ડિપ્લોમા લીધો છે, એ શોખ ખાતર કે સાચ્ચે જ કાંઈક એવું કરવાની ઇચ્છા છે ?’
‘મને સમાજકાર્ય કરવું ગમશે.’ કલ્પનાબહેને જવાબ આપ્યો હતો.
‘હું ‘પાણી પંચાયત’ના ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ના કાર્યમાં રોકાયેલી ન હોત તો કારખાનામાંના લોકો માટે, તેમના પરિવારો માટે કાંઈક કરતી રહી જ હોત. મને માણસોમાં કામ કરવું ગમે છે.’ કલ્પનાબહેન કહે છે. ‘તમે આ કાર્યમાં જોડાયા છો. છેલ્લાં પાંત્રીસ વર્ષથી તેમાં રોકાયેલાં છો. તમારો અભ્યાસ જોતાં સ્વતંત્રપણે કાંઈક ઊભું કરવું એવી મહત્ત્વાકાંક્ષા ક્યારેય તમે કેવી હતી કે ?’ આ પ્રશ્નનો તેમનો જવાબ હતો : ‘પાછળ વળીને વિચાર કરવા જેટલો સમય જ મને મળ્યો નહિ. સતત આગળ જ વધતી રહી. મારે ચોક્કસ શું જોઈતું હતું તે અત્યારે મને સાંભરતું નથી... અને એવું કાંઈક હતું કે એ શોધવાની આજે આવશ્યકતા પણ જણાતી નથી. એ મારો સ્વભાવ નથી... મારી વ્યક્તિગત ગણી શકાય એવી ઇલાયદી મહત્ત્વાકાંક્ષા ન હતી.’
પ્રવાસની અજાણી દિશા
કલ્પનાબહેન કહે છે કે વાસ્તવદર્શી જ છે. વિલાસરાવ સાથે લગ્ન કર્યા પછી સંસારના બધા મોરચા કલ્પનાબહેને સંભાળ્યા. અનુગામીની તરીકે નહિ પણ સહગામીની તરીકે. કલ્પનાબહેનનું સામર્થ્ય ક્ષમતા વિલાસરાવે પારખ્યું હશે. એટલે કે કેમ, તેમણે કલ્પનાબહેનને માની જ લીધા હતા. તેમણે વિચાર કરવાનો, એ વિચારને કાર્યમાં ઉતારવાનો કલ્પનાબહેને. વૈચારિક નેતૃત્વ વિલાસરાવ પાસે. કાર્યવાહી અમલ બજવણી કલ્પનાબહેન પાસે. એવી જાણે વહેંચણી.
ઈ.સ. ૧૯૭૪માં હડપસરના બંગલામાં બેસીને નાયગામ જઈને રહેવાનો નિર્ણય લેતી વખતે આપણે આગળ કઈ અજાણી દિશામાં જવાનું છે, એનો અંદાજ કલ્પનાબહેનને આવ્યો જ હશે. તે માટે તેમને કેટલું બળ એકઠું કરવું પડ્યું હશે ?
પોતાના મનની અસ્વસ્ષતા, ઘેરી લેતાં વિચારતરંગોને કલ્પનાબહેને પોતાને જ સાક્ષી રાખઈને અક્ષરબદ્ધ કરી રાખ્યા છે -
“૨૨ જૂન ૧૯૭૪ : આજે હું જીવનના એક તબક્કે આવી પહોંચી છું. વૈવાહિક જીવનનો વિચાર કર્યો હોત તો કશાયની ઊણપ નહિ. પણ અન્ય દસ જણાંની જેમ ચીલા પડેલા માર્ગ પરથી પણ તે ગયા નહિ. આ રસ્તા પર આવી મળેલા તબક્કા દસ જણ જેવા નથી. જીવનસાથીએ નહિ ખરડાયેલા માર્ગે જવાનું નક્કી કર્યું છે. બધી વાતોનો સામનો કરવા માટે મારે મારી બધી શક્તિ સંગઠિત કરવી આવશ્યક છે. મનની સમતુલા ડગવા દીધા વગર આ તાર ઉપરની કસરત કરવી જ રહી. સર્વ વિરોધી શક્તિઓનો સામનો કરીને આપણે મક્કમ, સ્થિર રહી શકીએ છીએ કે ભાંગી પડીએ છીએ, એની આ પરીક્ષા છે.
આ માર્ગ પરથી પ્રવાસ કરતી વખતે મનનો સંતોષ ઢળે નહિ, ધ્યેયપૂર્તિ બદલ મનમાં વિકલ્પ આવે નહિ, આ માર્ગ પર હોઈએ ત્યારે આપણી ઉપર કઠોર આત્મવંચનાનો પ્રસંગ આવે નહિ. તે જ પ્રમાણે લજ્જાપૂર્ણ તડજોડ કરવી પડે નહિ. અનેક આદતો, ઇચ્છા, આકાંક્ષા તોડીફોડીને ખતમ કરી નાંખવી જરૂરી છે. આ દૃષ્ટિએ મારું સામર્થ્ય કેટલે અંશે પર્યાપ્ત છે એ અંગે મનમાં શંકા જાગી છે.
કસોટીમાંથી પાર ઊતરતાં મારો વિશ્વાસ ઢળો નહિ એ જ પરમેશ્વર ચરણે પ્રાર્થના !
બાળકોને સાંભરનારા પપ્પા
કલ્પનાબહેન મન મક્કમ કરીને નાયગામ જવા માટે તૈયારી કરવા લાગ્યાં. નાની સોનાલીને તેમણે પોતાની માતાને સોંપી. હડપસરની શાળામાંથી વિક્રમનો દાખલો કઢાવી લીધો. તેને નયગામની જિલ્લા પરિષદની શાળામાં દાખલ કરાવ્યો. કલ્પનાબહેન પિયરના સગાવહાલા, વિલાસરાવના મિત્રો હવે માત્ર સ્તબ્ધ થયા. એ બધાયનાં બાળકો શ્રેષ્ઠ શાળાઓમાં, અંગ્રેજી માધ્યમ કે કૉન્વેન્ટ શાળામાં અભ્યાસ કરતા હતા. વિક્રમને પુણેની કોર્પોરેશનની શાળામાં, તેય મરાઠી માધ્યમમાં મૂક્યો. ત્યારે જ બધાએ તીખા શબ્દોમાં રોષ વ્યક્ત કર્યો હતો. પદવીધર માતાપિતાનો દીકરો, દર વર્ષે વિદેશપ્રવાસ કરનારા ઉદ્યોગસાહસિક એન્જિનિયરનો દીકરો કોર્પોરેશનની શાળામાં જાય ! પરંતુ સાળુંખે દંપતિ પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યાં. પોતાના જ પરિસરની શાળામાં બાળકો મોકલવાં એ તેમણે પાકું નક્કી કરી રાખ્યું હતું. પણ હવે એ શાળામાંથીય ઉઠાડીને નાગામની જિલ્લા પરિષદની શાળામાં વિક્રમને દાખલ કર્યા પછી આ દંપતિને હવે શું કરવું એ કોઈનેય સમજાતું ન હતું !
વિલાસરાવનાં બાળકોને પોતાના બાળપણના પપ્પા સાંભરે છે. એ બધાયની સાથે નાસ્તો કરનારા. મોટરસાઇકલ નહિ તો એમ્બેસડોર ગાડી ઝડપથી ચલાવતાં કારખાનામાં જનારા, આખોય દિવસ ઘર બહાર હોવા છતાં રાતે વાળુંટાણું ન ચૂકનારા, દિવસભરમાં નવું શું શીખ્યા, નવું શું કર્યું, એ ભૂલ્યા વગર પૂછનારા. પોતાનો દિવસ કેવો ગયો એય કહેનારા. ઊંઘતી વખતે શિવાજી મહારાજનાં પરાક્રમોની વાતો રસપૂર્વક કહેનારા અને બહારી દુનિયાની ઘટનાઓ સમજાવીને કહેનારા પપ્પા.
પૂર્વે ક્યારેક મમ્મી-પપ્પા સાથે બાળકોનું હોટેલિંગ, પિકનિક વગેરે થથું. તે પછી તદ્દન બંધ થયું. ‘પર્યટન વગેરે તેમને બનાવટી લાગવા લાગ્યું. પોતાની આસપાસના પ્રદેશનો વિનાશ કરવાનો અને બીજા સ્થળે જઈને નિસર્ગ ઉપર આક્રમણ કરતાં એની મજા ઉઠાવવાની. આ ‘પ્રસ્થાપિતોના’ લાડ તેમને ગમતાં નહોતાં.’ કલ્પનાબહેન કહે છે.
પપ્પા ખૂબ ગુસ્સે થયા હોય, તેમણે હાથ ઉપાડ્યો હોય એવું બાળકોને સાંભરતું જ નથી. ‘પપ્પા ગુસ્સે થતાં ન હતાં, પણ અમારામાંનું કોઈક અશિસ્તભર્યું વર્તે તો તે ફક્ત આંખ કાઢતા. એટલી નારાજગી અમારા માટે બસ હતી.’ સોનાલી કહે છે.
વિક્રમ બીજા ધોરણમાં હતો ત્યારે સાળુંખેએ ઘરબાર નાયગામ ખસેડ્યાં. હડપસરના બંગલામાંથી બધાં ત્યાં સાદા એવા ઘરમાં ગયાં.
પોતાની ખાસ સ્ટડી ધરાવી શકનારો, શોફરડ્રિવન કારમાં શાળાએ જઈ શકનારો વિક્રમ નાયગામની જિલ્લા પરિષદની શાળામાં દાખલ થયો. સફેદ ટોપી, સફેદ બાંડિયું, ખમીશ, ખાખી ચડ્ડી અને સાદા ચંપલ પહેરીને ઇતર બાળકો સાથે દોઢ કિલોમીટર દૂર આવેલી શાળામાં ચાલતો જતો. કહેવા ખાતર વિલાસરાવ તેના અભ્યાસ માટે એક શિક્ષકની નિમણૂક કરી. કલ્પનાબહેને તેવો આગ્રહ સેવ્યો હતો.
શૈક્ષણિક વિચારધન
રવીન્દ્રનાથના ‘શાંતિનિકેતન’નું વિલાસરાવને મનોમન આકર્ષણ. સવારની વેળાએ પોતાના ઘરની અડાળી ઉપર નહિ તો, વૃક્ષના છાંયામાં આજુબાજુના ઝૂંપડાંનાં બાળકોને તે ભેગાં કરતાં. પાઠ્યપુસ્તકોની પેલે પારની માહિતી આપતાં. નવું કાંઈક શીખવતાં. ઇતિહાસની વાતો, નિસર્ગની મજાની વાતો કહેતા.
વિલાસરાવ ત્યાંની શાળાની વારંવાર મુલાકાત લેતાં. ત્યાંના શિક્ષકો સાથે અભ્યાસક્રમ બાબત ચર્ચા કરતાં. સારી યોજનાઓને પ્રોત્સાહન આપતાં. પુસ્તકો આપતાં. સુંદર હસ્તાક્ષર માટે તો તેઓ ખાસ આગ્રહ ધરાવતાં. તેમણએ શિક્ષણનિષ્ણાત જે. પી. નાઈકને નાયગામ બોલાવીને ગ્રામ્ય પ્રદેશની શિક્ષણ પદ્ધતિમાં કેટલી ઊણપ છે એની જાતે જાણકારી મેળવી. ગ્રામ્ય પ્રદેશમાં ગણિત વિષય ખેતી સાથે સંકળાયેલો હોવો જોઈએ એમ આગ્રહપૂર્વક કહીને અને પોતે એવા તૈયાર કરેલા કેટલાંક ઉદાહરણો પણ તેમની સામે રજૂ કરી બતાવ્યાં હતાં.
બાળકોને પોતાના ગામનીય જાણકારી પૂરેપૂરી હોતી નથી. ચેરાપુંજીમાં કેટલો વરસાદ પડે છે એની તેમને ખબર હોય છે, પોતાના ગામમાં કેટલો વરસાદ પડે છે એ ક્યાં તેઓ કહી શકે એમ હતાં ? એ માપવાનીય તેમને ખબર નથી હોતી... ચીન, અમેરિકા, જાપાનું શું ચાલે છે એ ગોખીને કહે છે. પોતાના તાલુકામાં શું થઈ રહ્યું છે એ કહી શકતાં નથી. આ કેવું ગોખણિયું ભણતર ? આ વિશે ફરીથી વિચાર કરવાની આવશ્યકતા તેમણે નાઈક સમક્ષ કકળતા શબ્દોમાં વ્યક્ત કરી.
વિક્રમ માટે નીમેલો શિક્ષક વર્ષભરમાં જ છોડીને જતો રહ્યો. તેનાં ભણતરની દુર્દશા થાય નહિ એટલે કલ્પનાબહેને તેને પોતાના બહેન સુધી - મીનાબહેન પવાર પાસે પુણેમાં મૂક્યો.
આ અરસામાં વિલાસરાવ હડપસરમાં, વિક્રમ ડેક્કન જિમખાનામાં જ્યારે કલ્પનાબહેન આદિત્ય અને સોનાલી નાયગામમાં રહેતાં હતાં. તે વખતે વિક્રમ ત્રીજા ધોરણમાં હતો. રવિવારે તે હડપસર એકલો આવી શકે એટલે વિલાસરાવે તેનો બસનો પ્રવાસ ગોઠવ્યો. બસ સ્ટેન્ડ મીનામાસીના બારણામાં રસ્તાની સામેની બાજુએ. બસમાંથી ઊતર્યા પછી રસ્તો ઓળંગવાનો આવ્યો. રસ્તો ઓળંગવાના નિયમ સમજાવતાં વિલાસરાવે તેની સાથે રસ્તો ઓળંગ્યો અને પછી વિક્રમને એકલાને ઓળંગવા કહ્યું. ભૂલ વગર નિયમ અનુસાર રસ્તો ઓળંગી બતાવવા તેને આઠ-દસ તો આંટા મારવા જ પડ્યા. ત્યાર પછી વિક્રમ પણ ડેક્કન જિમખાનાથી હડપસર સુધીનો પ્રવાસ બસ દ્વારા એકલા, રસ્તાના નિયમ શિસ્તબદ્ધ રીતે પાળતાં કરવા લાગ્યો.
આવા શિસ્ત માટેના પાઠની જેમ બાળકોની યાદશક્તિ વધારવાનાય પ્રયોગ વિરાસરાવ કરતા. આદિત્યને સાંભરે છે. તે તેને એકાદ નવીન શબ્દ કહેતાં. તેની પાસે બેચાર વખત બોલાવતાં. પછી તેને રમવા મોકલતાં. એ રમીને પાછો આવે કે તુર્ત જ તેને એ શબ્દ પૂછતાં.
ઈ.સ. ૧૯૭૮માં કલ્પનાબહેન બાળકોના શિક્ષણ અર્થે હડપસર પાછા આવ્યાં.એ જ જૂનો બંગલો ફરીથી ભાડે લઈને તેમાં નવેસરથી સંસાર સજાવ્યો. બાળકોને હડપસરમાં ‘સાને ગુરુજી ટ્રસ્ટ’ના ‘સાધના વિદ્યાલય’માં મરાઠી માધ્યમમાં દાખલ કર્યા. હડપસરની આ સેંટ પેટ્રિક વસાહત આમ પુણે શહેરથી ખાસ્સી દૂર. સહેજ એક બાજુએ આવેલી. ત્યાંનું વાતાવરણ ઉન્નતભ્રૂ અંગ્રેજીમય થયેલું. સાળુંખેનાં બાળકો ગ્રામ્ય પ્રદેશમાંથી આવેલા. મરાઠી માધ્યમના ભણનારા. કૉલોનીના વાતાવરણ સાથે સમરસ થવામાં તેમને થોડી તકલીફ જ પડી. સગામાંના સમવયસ્ક ભાઈભાડુઓ પાસે નહિ. કૉલોનીમાં મિત્રો નહિ. શાળા પણ આમ દૂર, પણ ઝડપભેર બધું થાળે પડ્યું. વિલાસરાવે બાળકોને અંગ્રેજી ભણાવવા માટે ખાસ શિક્ષિકા પણ રાખી.
બાળકો સાઇકલ ઉપર શાળામાં જતાં. ભૂલથીય ક્યારેક ગાડી દ્વારા જવાનો વારો આવે તો ડ્રાઇવરને ગાડી શાળાથી દૂર ઊભી રાખવા કહેતાં. ‘અમારા વર્ગના દોસ્તો પાસે સાદી સાઇકલો પણ ન હતી. ઘણાંખરાં બાળકોના વાલી કામદારવર્ગમાંના. મારી ગાડી છે એમ કહેતા અમે સંકોચ અનુભવતાં.’ આદિત્ય કહે છે.
ઈ.સ. ૧૯૮૦-૮૧માં એકીસાથે ઘણી ‘પાણી પંચાયત’ યોજનાઓ શરૂ થઈ. નાયગામ જઈને રહેવું અનિવાર્ય બની રહ્યું ત્યારે કલ્પનાબહેન આઠ-દસ મહિના બાળકો સહિત ફરી નાયગામમાં રહેવા આવ્યાં. એ સમયે સોનાલી પુણેમાં માસી પાસે રહી. અહીં ફરીથી બાળકોની બહારની શાળા શરૂ થઈ. તે અરસામાં શિંદેવાડીમાં ઉદવહન સિંચાઈ યોજનાની મથામણ ચાલુ હતી. બાળકો ત્યાં ખળામાં જ ઊંઘતા. વિક્રમે તો શિંદેવાડીના સર્વેક્ષણમાં પણ ભાગ લીધો.
શાળેય વર્ષને અંતે હડપસર પાછા આવીને જે તે વર્ગની પરીક્ષા બાળકોએ આપી અને તે આગલા વર્ગમાં બેઠા. ‘સાધના વિદ્યાલય’ની આ મહેરબાની જ.
પોતાનાં માતાપિતા કાંઈક જુદું જ કામ કરે છે, લોકો માટે તે કાંઈક કાર્ય કરે છે, એ કામ ખૂબ મહત્ત્વનું છે એની જાણ આ બાળકોને હતી. ઘરમાં સતત લોકોની આવજા અને માતાપિતાનું ઘરમાં વારંવાર ગેરહાજર હોવું એ રાજીખુશીથી પચાવવું મુશ્કેલ હોવા છતાં આ બાળકોએ સ્વીકાર્યું હતું. માતાપિતા હંમેશાં ગામેગામ ફરતાં રહે છે, પાણી અંગેની સતત ચર્ચા, વાદ-વિવાદ ચાલુ હોય છે એય બાળકોને ખબર હતી. કલ્પનાબહેનના પિયરિયા આ બાળકોને માતાપિતાની ગેરહાજરીની ખોટ વર્તાવા દેતા ન હતા. શાળાની રજાના દિવસોમાં બાળકોને પોતાના ઘરે લઈ જતાં. તેને કારણે સગપણમાં સરખી ઉંમરના ભાઈભાંડુ સાથે તેઓ નજીક આવ્યા. એકબીજાને ત્યાં આવવા-જવાનું વધ્યું. સામાજિક કાર્યકરનાં બાળકોનું એક ‘જુદાપણું’ હોય છે એ તેમને વેઠવું પડ્યું નહિ તે આ સગાવહાલાઓને કારણે. વિલાસરાવ અને કલ્પનાબહેનના કાર્યનું મૂલ્ય બંનેના સગાવહાલા જાણતા હતા. ‘તેને કારણે ઘરના મોરચે વિરોધ સહન કરીને’ સાળુંખે દંપતિને સમાજકાર્ય કરવું પડ્યું નહિ. ‘આ બધું પાર પાડતાં બાળકોના ઉછેરની વયે તેમને અમે પૂર્ણ સમય આપી શક્યા નહિ. બાળકો પર અમે થોડો અન્યાય જ કર્યો.’ એ ખેદ માત્ર કલ્પનાબહેનને આજેય લાગણીશીલ બનાવે છે.
માતાપિતા હડપસરમાં હોય કે નાયગામમાં, બહારના માણસો ઘરે આવવાથી બાળકો ટેવાઈ ગયા હતા. વિદેશી મહેમાન શ્રી પુ. લ. દેશપાંડે, શ્રી નિલુ ફૂલે જેવા સન્માનનીય વ્યક્તિઓ, સામાન્ય કાર્યકરો એમ કોઈક ને કોઈક હોય જ. વિલાસરાવ આવેલા મહેમાનો સાથે બાળકોનો ભૂલ્યા વગર ખાસ પરિચય કરાવતાં. મહેમાનોને બોલાવીને જમાડવાનો વિલાસરાવને શોખ. તેને કારણે સમાજના વિવિધ ક્ષેત્રના વિવિધ સ્તરના લોકો સાથે વર્તવા-બોલવાની બાળકોને ટેવ પડી હતી.
શ્રમ પ્રતિષ્ઠાની ગળથૂથી
નાયગામમાંની યોજના તૈયાર થતાં વિક્રમે નજીકથી જોયેલી. એ હંમેશાં પિતાની સાથે રહેતો તેને કારણે પાણી વિષયની ચર્ચા સતત એ સાંભળતો. પોતાના પિતા લોકોની પાણી અંગેની તકલીફો દૂર કરે છે એની તેને પૂર્ણ ખાતરી. કેટલી ? હડપસરના સાધના વિદ્યાલયમાંના તેના વર્ગમિત્ર પોતાના ઘરે પાણીની કેટલી અને કેવી મુશ્કેલી છે એ શિક્ષિકાને કહેતો હતો. એ સાંભળી રહેલા વિક્રમે ચટ્ દઈને કહ્યું, ‘મારા પપ્પાને કહીશું. એ તારી મુશ્કેલી દૂર કરશે.’
લોકો માટે આટલી મથામણ કરનારા પપ્પા ચૂંટણી હાર્યા ત્યારે આદિત્યને ખૂબ દુઃખ થયું અને લોકો પર ખૂબ ગુસ્સોય આવ્યો. વિક્રમ અને તેણે પપ્પા માટે ખૂબ પ્રચાર કર્યો હતો. એ ચૂંટાઈ આવશે જ એવી તેમને ચોક્કસ ખાતરી હતી.
પપ્પાના કાર્યમાં વિક્રમ તો જનસંપર્કનું કામ પણ સંભાળથો હતો. વિજય અને સરોજા પરુળકરે નાયગામ યોજના પર, ‘પાણી પંચાયત’ની યોજના પર પિસ્તાળીશ મિનિટની દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરી હતી. પ્રોજેક્ટર પરથી એ દોડતા નિવેદન સાથે અનેક સ્થળોએ બતાવવામાં આવતો. એ જોઈને, સાંભળીને વિક્રમને મોઢે થયો હતો. એક વખત શ્રી શરદ પવાર કોઈક કામ નિમિત્તે ખાસ જ પ્રકાશમામાના ઘરે આવ્યા હતા. પ્રકાશમામા એ દસ્તાવેજી ફિલ્મ શરદરાવને બતાવવા ઇચ્છતા હતા. વિલાસરાવ ઘરે ન હતા. વિક્રમે (ધો. પાંચમું) ઉત્સાહભેર એ જવાબદારી માથે લીધી અને શરદકાકાને કોમેન્ટરી સાથે દસ્તાવેજી ફિલ્મ બતાવી, પોણો કલાક !
મોટા વિક્રમને પપ્પાનો સહવાસ વધુ મળતો. કોઈક ને કોઈક પાઠ ઘૂંટવાની તક પણ અધિક મળતી. બધા હડપસર પાછા રહેવા આવ્યા, ત્યારની વાત. સેંટ પૅટ્રિક કૉલોનીમાં ઘેરઘરે ફોન આવ્યા ન હતા. (કોઈનબોક્ષ હજુ આપણે ત્યાં શરૂ થયાં ન હતાં.) ગણ્યાંગાંઠ્યાં ઘરોમાં જ ફોન હતા. તેમાં સાળુંખેના ઘરમાં એક. તેને કારણે આડોશીપાડોશીઓના ફોન ઉપરના સંદેશની આપલે માટે સાળુંખેના ફોનનો ઉપયોગ થતો. વિક્રમ આદિત્યને દોડાવવામાં આવતા. એનો ઉપાય શોધવા માટે એક દિવસ વિલાસરાવે વિક્રમને કહ્યું, ‘કૉલોનીમાં ફરીને એકંદર કેટલા ફોન્સ છે, ક્યાં છે એની માહિતી એકઠી કર... આપણે આપણો ફોન ઘર બહાર ગોઠવીશું. જેમની પાસે ફોન નથી તેમને તે મળી રહેશે. તે માટે થોડો ચાર્જ લગાવીશું.’ અલબત્ત, આ પ્રકરણ સર્વેક્ષણ સુધી અટક્યું, એ વાત જુદી છે. પણ આવું સર્વેક્ષણ કરવાનું હોય છે, અંદાજ બાંધવાના હોય છે. પછી ધોરણ નક્કી કરવાના હોય છે. એના પાઠ વિક્રમને એ શાળેય વયમાં જ મળ્યા. કોઈ પણ કામ હાથમાં લેતી વખતે પ્રતિષ્ઠાનો આગળો નિર્માણ થવા દેવો નહિ એની ગળથૂથી પણ.
વિલાસરાવ દર વર્ષે પરદેશ પ્રવાસે અચૂક જતાં. તેમની બૅગ ખૂબ મોટી ન રહેતી. ખૂબ જ મર્યાદિત કપડાં. કલ્પનાબહેને બાંધી આપેલી નારિયેળની વડીઓ અને સિંગદાણાની ચટની એ પ્રવાસે જાય કે. તેમના અનેક દેશોમાંથી - જર્મની, ફ્રાંસ, જાપાન, હૉલેન્ડ, ઇંગ્લૅન્ડ, અમેરિકા - સવિસ્તર પત્રો બાળકોને આવતાં. તેમાં ત્યાં તેમણે જોયેલ ઔદ્યોગિક પ્રદર્શનોની માહિતી, નવી શોધો, નવા સુધારાની વિગતવાર વાતોનો સમાવેશ થતો. ભૂગર્ભ માર્ગ, ફેક્સ મશીન, કૉમ્પ્યુટર, બાગ-બગીચા, નગરરચના, સાઇકલ-મોટરના પ્રકાર વગેરેનો પરિચય કરાવી આપતાં. આવતી વખતે ક્યારેક તે ત્યાંની ચૉકલેટ્સ, રમકડાં જેવી વસ્તુઓ ન લાવતાં, ફણ ખૂબ ફોટોગ્રાફ્સ પાડી લાવતાં. કૅટલોગ્જ લાવતાં. એ બાળકોને બતાવીને સવિસ્તર જાણકારી આપતાં.
પોતાના પિતા દર વર્ષે પરદેશ જાય છે ત્યારે આપણેય એમની જેમ એક વખત જઈ આવવું જોઈએ એમ વિક્રમને લાગ્યું. પછી આ વાત તેણે કહી સંભળાવી. પપ્પાએ કહ્યું, ‘ઠીક છે. વિમાનની જતી વખતની ટિકિટ તું કાઢ. આવતી વખતની હું કાઢીશ.’
‘કેટલા રૂપિયા થશે ?’
‘દસ હજાર.’
ત્યારે પાંચમીમાં ભણતા વિક્રમને પ્રશ્ન જાગ્યો. એક વખતની ટિકિટની રકમ ભેગી કેવી રીતે કરવી ?
‘કારખાનામાં કામ કર અને પૈસા કમાવ.’ પપ્પાએ કહ્યું. વિક્રમે વાત સાંભળી. કારખાનામાં જઈને થઈ શકે એ કામ કરવાની શરૂઆત કરી. પહેલા ટેલિફોન ઓપરેટર થયો. ત્યાં થોડા દિવસ કામ કર્યા પછી પપ્પાએ કહ્યું : ‘માર્કેટિંગ કર.’
માર્કેટિંગનું પ્રશિક્ષણ
માર્કેટિંગ કરવાનું હતું વર્નિયર કૅલિપર્સનું. પછી એ કેવી રીતે તૈયાર થાય છે, તેની ગોઠવણી કેવી રીતે થાય છે, એ કેવી રીતે વાપરવામાં આવે છે, એ સમજવામાં વિક્રમના બે મહિના ગયા. પછી એ વર્નિયર કૅલિપર્સ વેચવા નીકળ્યો. પુણેના જુદાં જુદાં કારખાનાંઓના કાર્યલયોમાં વિલાસરાવ એને ક્યાં-ક્યાં જવાનું છે એ કહેતાં ગયા. પછી શું શું પૂછવામાં આવશે, કેવા જવાબ આપવા પડશે એ સમજાવતાં. વિક્રમે ઝીણવટપૂર્વક બધું સમજી લીધું. નીકળ્યો પ્રત્યક્ષ માર્કેટિંગ માટે. એ જુદાં જુદાં કારખાનાંઓમાં ગયો ત્યારે તેને વિવિધ અનુભવ થયા. સાળુંખે સાહેબનો આ દીકરો છે એ જાણતા હોવાથી તેનું સ્વાગત પણ થતું. મજારૂપે તે ઉત્પાદન વિશે તેને ઊલટસૂલટ પ્રશ્નો પૂછવામાં આવતાં. ગંભીરતાપૂર્વક અભ્યાસ કરીને ગયેલો વિક્રમ વ્યવસ્થિત જવાબ આપતો. એકાદ સ્થળે નાનું બાળક હોઈ થોડું દુર્લક્ષ્ય કરીને અડધો કલાક-કલાક ચેમ્બર બહાર બેસાડી રાખવામાં આવતો તે પણ તેણે અનુભવ્યું... આપણે વેચીએ છીએ એ ઉત્પાદનની સંપૂર્ણ માહિતી આપણી પાસે હોવી જોઈએ એ તે વયમાં જ તેને સમજાયું તે પપ્પાને કારણે.
પોતાના પપ્પા કોમળ, મૃદુ હોવા છતાં આફત સમયે કેટલા ધીર અને ઉદાત્ત, દૃઢ હોય છે એ પણ બાળકોએ જોયું હતું. ઈ.સ. ૧૯૮૧-૮૨માં ‘ઍક્યુરેટ’ કંપનીમાં કામદારોએ હડતાળ જાહેર કરી. તાળાબંધી થઈ. જેમને પપ્પાએ પ્રેમ-આદર આપ્યો, વિશ્વાસપૂર્વક વર્ત્યા તે જ કામદારોને પોતાનો મોરચો લઈને આવેલાં બાળકોએ જોયાં. પરંતુ તે વખતે ડગમગી ન જતાં મમ્મી-પપ્પાએ વરંડામાં શાંતિથી ઊભાં રહીને, રોજિંદું સૌજન્ય જાળવીને તેમના સૂત્રોચ્ચાર સાંભળ્યાં.
‘ઍક્યુરેટ’ની કારકિર્દીમાં તેમણે પોતાના કારખાનાના દરવાજે પહેરેદાર રાખ્યો ન હતો. આવનારા-જનારા કામદારોની કર્મચારીઓની તપાસ થતી ન હતી. આ વિશ્વાસના સંબંધના કારણે તેમને કામદાર સંગઠનની આવશ્યકતા નથી એવું વિલાસરાવ પ્રામાણિકપણે માનતા.
‘શા માટે યુનિયનબિનિયન જોઈએ ? તેથી માલિક-કામદાર સંબંધ બગડે છે. તેઓ માંગે એ તેમને આપવાનો હું પ્રયત્ન કરું જ છું. એકીસાથે ન આપી શકાય તો ટુકડે ટુકડે આપવાનો પ્રયાસ કરું છું.’ એવું તેઓ આધાર સાથે સિદ્ધ કરતાં. અન્યથા ખૂબ આગળનું જોનારા વિલાસરાવ કામદાર સંગઠનની બાબતમાં સમયથી થોડા પાછળ જ હતા. પછી તેમના કારખાનામાં સંગઠન, તેમની હડતાળ વગેરે બધું થયું જ. પરંતુ એ હડતાળના સમય દરમ્યાન શાંતિથી મોરચાની સામે જઈને તેનું સ્વાગત કરનારા વિલાસરાવ એક ઘટનાને કારણે અત્યંત લાગણીશીલ થયાં.
વિલાસરાવ અનેક વખત કામદારોની સાથે બેસીને જમતાં. તે વખતે તેઓ કામદારોની કૌટુંબિક પરિસ્થિતિ, પરિવારની ભાળ મેળવતાં. આ તેમનો શિરસ્તોજ. પણ હડતાળ જાહેર થઈ તે દિવસે કામદારોએ વિલાસરાવને વિરોધ પ્રદર્શિત કરવા પોતાના જમવાના ડબા તેમની કૅબિન બહાર લાવીને મૂક્યા. એ જોઈને વિલાસરાવની આંખો ભરાઈ આવી.
કારખાનામાં હડતાળ થઈ ત્યારે બાળકો ખૂબ નાનાં હતાં. આસપાસની ઘટનાનો અંદાજ ન હતો. ઈ.સ. ૧૯૭૨-૮૨ના ગાળામાં વિલાસરાવ પૂર્ણતઃ ‘પાણી પંચાયત’ની યોજનાઓમાં વ્યસ્ત હતા. કારખાનાનો કારભાર વિશ્વાસુ, કર્તવ્યદક્ષ સાથીઓને સોંપેલો હોવા છતાં માલિકની ગેરહાજરીમાં બનવાનું હતું તે બન્યું. સારા કર્મચારીઓ સાથીઓ કારખાનું છોડી જતા રહ્યા. વર્નિયર કૅલિપર્સના ઉત્પાદનમાં કારખાનાને મોટી ખોટ સહન કરવી પડી, વગેરે વગેરે. પરિણામે વિલાસરાવના માથા પર કરજનો ડુંગર ખડકાયો. વર્નિયર કૅલિપર્સનું ઉત્પાદન બંધ કરવું પડ્યું. અનેક કામદારોને છૂટા કરવા પડ્યા. કામદાર સંગઠને હડતાળ કરી.
કારખાનું બંધ થઈને તાળાબંધી થયા પછી વિલાસરાવે ત્યાંના બધા કાગળપત્રો, દસ્તાવેજ રહેણાંકના બંગલાની પાછળ આવેલી બે ઓરડીમાં મૂક્યા. ત્યાં બેસીને ધીરગંભીરપણે કાગળપત્રો અભઅયાસનારા પપ્પા બાળકોએ જોયાં. પોતાની વર્તણૂકથી તેમને તકલીફ પહોંચે નહિ એટલે તે જવાબદારીથી શિસ્તથી વર્તતાં. તે દુભાય નહિ એની કાળજી લેતાં.
શાળાંત પરીક્ષામાં વિક્રમને ઉત્તમ ગુણ મળ્યા. પોતે ભણીને એન્જિનિયર થશે એવી તેને મનમાં ખાતરી. પણ પપ્પાએ તેને વાણિજ્ય શાખામાં નામ નોંધાવવા કર્યું. ‘આપણું કારખાનું ચલાવવા માટે તે જ્ઞાન હોવુંય આવશ્યક છે. એન્જિનિયરિંગનું શિક્ષણ તું આપણા જ કારખાનામાં મેળવી શકીશ.’ કહ્યું. તે અંગે બંનેમાં ખાસ્સી ચર્ચા પણ થઈ. વિલાસરાવે વિક્રમ માટે જાતે ખાસ અભ્યાસક્રમ તૈયાર કર્યો. પછી વિક્રમ સવારે સાઇકલ ઉપર ‘બૃહન્મહારાષ્ટ્ર કૉલેજ ઑફ કોમર્સ’માં જતો અને બપોરથી સાંજ સુધી કારખાનામાં એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવતો, પ્રત્યક્ષ કાર્યાનુભવ આધારિત શિક્ષણ.
વિક્રમ વાણિજ્ય શાખામાં જોડાયો એ થોડો ઇચ્છા વિરુદ્ધ જ. પણ વર્ગમાં પોતાના જેવા ઉત્તમ માર્ક્સ મેળવેલ અનેક યુવાનો છે, એ જોયા પછી તેની નારાજગી ઘટતી ગઈ.
અઢાર વર્ષની વય પૂરી થતા સુધી વિક્રમને સાઇકલ જ વાહન તરીકે મળ્યું. પછી જ સ્કૂટર લેવાની પરવાનગી. ડબલ્યૂ.એમ.ડી.સી.ના વિલાસરાવ અધ્યક્ષ હતા. એ ગાળામાં જ બજાજનું ‘મહારાષ્ટ્ર સ્કૂટર્સ’નું કારખાનું શરૂ થયેલું. પણ તેના ઉત્પાદન માટેનો પરવાનો આપતી વખતે વિલાસરાવે તેના સાદા શેર સુધ્ધાં પોતાને માટે લીધા ન હતા અને હવે વિક્રમ માટે સ્કૂટર લેતી વખતે એ માટે સાદી વાત પણ કરી નહિ. સર્વસામાન્ય ઘરાક વેચાતું લે એ પદ્ધતિએ જ વિક્રમે સ્કૂટર ખરીદ્યું.
અંતે વિક્રમની વિદેશયાત્રાની ઇચ્છા પૂર્ણ થઈ. એ પદવીધારી થવાના આગલા વર્ષે વિલાસરાવ ઈ.સ. ૧૯૮૭માં પોતાના નિયમિત પરદેશ પ્રવાસ પર તેની સાથે ગયા.
પરદેશ જતી વખતે ત્યાંના પ્રવાસનું આયોજન કેવી રીતે કરવું, કાર્યક્રમ કેવી રીતે નક્કી કરવો, ઊતરવાની સસ્તી હોટલ કેવી રીતે પસંદ કરવી, પૈસાની બચત કેવી રીતે કરવી, સમય કેવી રીતે બચાવવો, ત્યાંની રીતભાત કઈ વગેરેનું માર્ગદર્શન કર્યું. ઉદ્યોગસાહસિકોનો પરિચય કરાવ્યો. કોઈ પણ નવા સ્થળે જવાનો, નવો અનુભવ મેળવતા ગભરાવું નહિ એની દીક્ષા આપી. સોમવારથી શુક્રવાર સમયનો પૂર્ણ ઉપયોગ કરવો અને શનિવાર-રવિવારે ટ્રેઇન દ્વારા સસ્તામાં પ્રવાસ કરીને બીજા સ્થળે (યુરોપમાં હો તો બીજા દેશમાં) કેવી રીતે પહોંચવું એનો ગુપ્ત બોધ આપ્યો. આ વિલાસરાવે કરેલી અંતિમ વિદેશયાત્રા. ત્યારબાદ તે ફરી ક્યારેય ગયા નહિ.
વિક્રમની સરખામણીમાં આદિત્યને પપ્પાનો સહવાસ ઓછો મળ્યો. એ મૂળે ઓછું બોલનારો, સ્વભાવે સહેજ અતડો. પોતે આદિત્ય માટે ઓછો સમય આપે છે તેની સાથે પોતાનો સંવાદ ઓછો થાય છે એની જાણ વિલાસરાવને હતી જ. પોતાના સાથીઓને તે ઉદાહરણ આપતાં. ‘આપણો બધાય સાથે સરખો સમાન સંબંધ જોઈએ. સમાન વર્તણૂક જોઈએ. આદિત્ય સાથે વાત કરતી વખતે તેની સાથે પોતાનો પર્યાપ્ત સંવાદ થતો નથી, તેને કારણે અતડાપણું આવે છે એ ધ્યાને આવે છે.’ પોતાના ઘરનો જ આવો દાખલો આપનારા સાહેબનું આ અનોખું રૂપ સહકાર્યકરોને અંતર્મુખ બનાવતું.
પોતાના પપ્પા સાથે આદિત્યનો મુક્ત સંવાદ ન હોવા છતાં તેમની યોગ્યતા, તેમના વિચાર, વર્તન એ જાણતો હતો. બારમા પછી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે એ નીકળ્યો, ત્યારે વિલાસરાવ પહેલી વાર પુત્રના શૈક્ષણિક કામ માટે તેમની સાથે ગયા. જે એન્જિનિયરિંગ કૉલેજમાં તે બંને પહેલા ગયા, ત્યાં પ્રવેશ માટે ડોનેશન માંગવામાં આવ્યું. આ પદ્ધતિ જોઈને આદિત્યે જત્યાં પ્રવેશ ન લેવાનો નિર્ણય તત્કાળ લીધો અને બીજી એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ લીધો. ‘પપ્પાના વિચારમાં એ ગોઠનારું ન હતું. પણ પપ્પાના દીકરા તરીકે મારા માટેય એનો સ્વીકાર શક્ય ન હતો. તેમના વિચાર વિશે, જીવનશૈલી પ્રત્યે મને પૂર્ણ આદર હતો. મારી એન્જિનિયરિંગ કૉલેજના પહેલા સત્રમાં મહેમાન વ્યાખ્યાતા તરીકે કૉલેજે તેમને બોલાવ્યા હતા. તેમનું વક્તવ્ય સાંભળતી વખતે મને કેટલું ગૌરવ થયું !’ આદિત્ય કહે છે.
એન્જિનિયરિંગ કૉલેજમાં ભણતી વખતે આદિત્યને પણ કારખાનામાં બધાં પ્રકારનાં કામો કરવા પડતાં. રજાઓ હોય ત્યારે સુધ્ધાં. અન્ય યુવાનો મોજમજા કરતાં હોય ત્યારે કેવળ આપણને એ માટે સ્વતંત્રતા નહિ એનું તેને દુઃખ થતું, પણ ‘આપણે ના કેવી રીતે કહી શકીએ ? વિક્રમભાઈએ પણ બી.કૉમ. કરતાં કરતાં ફૅક્ટરીમાં એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ નહોતો પૂરો કર્યો ! આપણનેય બધું ફાવવું જોઈએ !’ કહેતાં એ કારખાનામાં જતો.
‘બહારની દુનિયા વિલાસરાવ સાળુંખેના પુત્રો તરીકે જ અમને ઓળખતી. તેને કારણે તેમના નામને ઓછું ન આવે એવું વર્તન રાખવાનો અમારો પ્રયાસ રહેતો... ચાળા કરવાની તક જ ન હતી.’ બાળકો આ કહેતાં હોય ત્યારે તેમના અવાજમાં નારાજગી નથી હોતી, પપ્પા પ્રત્યેનો આદર વણાયેલો હોય છે.
અન્ય કર્મચારી કામદારો સહિત વિલાસરાવના હાથ નીચેના સહકાર્યકરના હાથ નીચે કામ કરતી વખતે તે પ્રશિક્ષણ ગાળામાં વિક્રમ-આદિત્યને વિવિધ પ્રકારના અનુભવ થયા. અણગમતા પ્રસંગોનો સામનો કરવો પડ્યો. પપ્પા સાથે તેઓ આ અંગે વાત કરતાં. તે વખતે તેમની પ્રતિક્રિયા રહેતી, ‘થોડું રોકાવ, સાંભળો, સમજી લો... અત્યારે આ બાબતો તરફ ધ્યાન ન આપો. માલિકના દીકરા તરીકે કારખાનામાં ફરશો નહિ.’ તેઓ પણ પુત્રોને પોતાના શરૂઆતના ગાળાના અનુભવો કહેતાં. તેમના આ વલણનો પુત્રોને ખૂબ ફાયદો થયો. ઝઘડા, વાદવિવાદની શરૂઆત થઈ નહિ. કારખાનાના કારભારનું રહસ્ય તેમને ઉકેલાતું ગયું. આ પ્રત્યક્ષ અનુભવ બંને પુત્રોને કારખાનાની ધૂરા વહન કરતી વખતે આગળ જતાં ઉપયોગી નીવડ્યા.
બંને દીકરા કહે છે, ‘અમે કારખાનાનો કારભાર સંભાળતા થઈએ, ત્યાં સુધી પરદેશમાં જઈને શીખવા જેટલું અમારું આર્થિક સામર્થ્ય હોવાની અમને કલ્પના ન હતી.’
દીકરાઓને જરૂર હોય ત્યારે ત્યારે તે મદદે ગયા, પણ તેમના કારભારમાં હસ્તક્ષેપ કર્યો નહિ. કંપનીનું માત્ર વાર્ષિક સરવૈયું વાંચીને તેમને આર્થિક સ્થિતિનો અંદાજ આવી જતો. કંપનીની રજેરજની તેમને જાણ હતી. તેમની આ વિષય પર પકડ એટલી કે ઉદ્યોગ ક્ષેત્રની કોઈ પણ કંપનીનું વાર્ષિક સરવૈયું જો પાંચ મિનિટ પણ ચકાસવા મળે તો તેની આર્થિક ઊથલપાથલનું ચિત્ર તેમને સ્પષ્ટ થતું. ત્યાર પછીનાં થોડાં વર્ષ તે પોતાના ઉદ્યોગ સમૂહના બોર્ડ ઑફ ડાયરેક્ટરની સભામાં જતાં. દીકરાઓને જે પ્રશ્ન ખાનગીમાં ઘરે પૂછી શકાયા હોત, એ સભામાં સહુની સામે પૂછતાં. તેમના સ્વભાવમાં રહેલું પારદર્શીપણું સાર્વત્રિક હતું. છેવટે તેમણે આવી બેઠકોમાં જવાનુંય બંધ કર્યું. પોતાના ઉદ્યોગસમૂહમાંથી વેતન લેવું, પ્રવાસભથ્થાં લેવાં, તેની ગાડીઓ વાપરવી એ તો તેમણે ખૂબ પહેલાંથી જ બંધ કર્યું હતું.
વિલાસરાવ ઈ.સ. ૧૯૯૧માં કંપનીના વ્યવસ્થાપકીય પદ પરથી, ઈ.સ. ૧૯૯૩માં ચેરમેન પદ પરથી નિવૃત્ત થયા. ઈ.સ. ૧૯૯૭ સુધી તે કંપનીના સંચાલક હતા, પરંતુ પછી તે કંપનીના કારભારથી સંપૂર્ણતઃ અળગા થયા.
દીકરાઓએ ‘ઍક્યુરેટ’ ઉદ્યોગસમૂહનો કારભાર સંભાળ્યો ન હોત અને તે જુદી દિશાએ ગયા હોત તો વિલાસરાવે પોતાના ઉદ્યોગસમૂહનો સામાજિક ન્યાસ કરવાની માનસિક તૈયારી રાખી હતી. તે દીકરાઓને કહેતાં, ‘કારખાનાનો આર્થિક કારભાર ટ્રસ્ટીની ભૂમિકામાં સંભાળો, માલિકની ભૂમિકામાં નહિ.’
વિલાસરાવ ક્યારેય સામેની વ્યક્તિ પર અવિશ્વાસ દર્શાવતા નહિ. હું સચ્ચાઈપૂર્વક વર્તું છું તેવો જ પ્રતિસાદ સામેવાળાએ આપવો જોઈએ. એવો પ્રતિસાદ આપવો એ તેની જવાબદારી. તેવો જો એ ન આપે તો એ તેનો દોષ. આમ શુદ્ધપણે તે વર્તતા. સ્વાર્થ પૂરતો સહકાર આપનારાઓનો અનુભવ તેમણે બંને કાર્યક્ષેત્રમાં લીધો. ‘આ અનુભવ પણ મળ્યો’ એટલી જ તેમની પ્રતિક્રિયા રહેતી.
એકાદ કામદારથી કાંઈક ગફલત અથવા ભૂલ થાય તો વિલાસરાવ તેને પહેલા ખુલાસો કરવાની તક આપતાં. કારણ પૂછતાં. તેની બાજુ સમજી લેતાં. તે માણસની અડચણ, મજબૂરી જાણી લેતાં. એ ભૂલ સુધારવામાં તેને મદદ કરતાં. પોતાના દરેક કામદારને તે નામથી ઓળખતાં. તેમની કૌટુંબિક હાલતની તેમને જાણ હતી. ‘પપ્પાને કારણે જ અમે લોકોને નજીકથી જોતાં-ઓળખતાં શીખ્યા, સમજી લેતાં શીખ્યા. કામદારો સાથે સંબંધ પ્રસ્થાપિત કરતી વખતે તેમની શિખવણ અમને ખૂબ કામ આવી.’ એમ આદિત્ય ખાસ કહે છે.
વિલાસરાવના આચાર-વિચારની પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ અસર વિક્રમ-આદિત્ય પર પણ થઈ. ‘ઓછામાં ઓછા સંસાધનોને આધારે વધુમાં વધુ સુંદર કરી બતાવવાની તેમની વૃત્તિ અમને માર્ગદર્શક નીવડી. ત્વરિત નિર્ણય લેવાની હિંમત તેમની જ ભેટ. તેમણે અમને ખૂબ આગળનો વિચાર કરતાં શીખવ્યું. વીજળીની તંગી અનુભવાશે એ ધ્યાને લઈને તેમણે અમને વીજળી ઉત્પાદન પ્રકલ્પનો વિચાર કરવા પ્રેર્યા... પવનચક્કીઓનો વિચાર લક્ષ્યમાં લો એમ તે કહેતાં હતાં... તેમની આ દૂરદૃષ્ટિ અને અનેક વિદેશયાત્રા કરીનેય જાળવી રાખેલ સાદગી ક્વચિત્ જ જોવા મળે છે. પોતાના પિતા વિશે આદરપૂર્વક ઝડપથી બોલનારો આદિત્ય આમ ઓછું બોલનારો જ. એ પોતાની દિલગીરી સૌમ્ય શબ્દોમાં વર્ણવે છે. ‘આમ જોઈએ, તો મમ્મી-પપ્પા બંને સામાજિક કાર્ય માટે સંપૂર્ણ સમય આપ્યો હોવાથી તેમનું અમારી તરફ થોડું દુર્લક્ષ્ય થયું જ. થોડોઘણો સંઘર્ષ પણ થતો. આ બંને દુનિયાની સમતુલા જાળવીને જીવવું મને ફાવ્યું જ નહોતું. પપ્પાના માર્ગે હં ગયો હોત તો કારખાનાનો કારભાર જોઈ શક્યો ન હોત. એટલે મેં ફક્ત ઇન્ડસ્ટ્રી પર ધ્યાન કેન્દ્રિત કર્યું.’
પપ્પાએ હાથમાં આપેલી સ્વચ્છ પાટી પર વિક્રમ-આદિત્યે પોતાની સફળતાનો આલેખ ચડતો રાખ્યો છે. ‘ઍક્યુરેટ’ ખ્યાતિમાં તેમણે વધારો જ કર્યો છે. દીકરાઓએ વિકસિત કરેલા ઉત્પાદનોને, કાર્યપ્રણાલિને પુરસ્કાર મળ્યાનું જોવાનું ભાગ્ય વિલાસરાવને પ્રાપ્ત થયું. દિલ્હીમાં યોજાનારા આ પુરસ્કાર પ્રદાન સમારંભમાં વિલાસરાવ ક્યારેય ઉપસ્થિત રહ્યા ન હતા.
અનેરો પારિતોષિક વિતરણ સમારંભ
ઈ.સ. ૧૯૯૮માં ‘ઍક્યુરેટ’ના સીએમએમ ઉત્પાદને પીએમટી-સીએમટીઆઈ પુરસ્કાર મળ્યો. ઉત્તમ ડિઝાઇન માટેનો આ પુરસ્કાર હતો. એ સમારંભ વખતે યોગાનુયોગ વિલાસરાવ દિલ્હીમાં જ હતા, તેથી તે ઉપસ્થિત રહ્યા.
સભાગૃહમાં વિલાસરાવને સહુથી આગળ આસન આપવામાં આવ્યું. શ્રી યોગેન્દ્ર અલધે (આયોજન મંડળના સદસ્ય) પોતાના પ્રવચનના આરંભે જ વિલાસરાવનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો. ‘અહીં ઉપસ્થિત રહેલાઓમાં એક અનેરા વ્યક્તિ હાજર છે. એ વ્યક્તિએ સ્વકર્તૃત્વથી આયોજન મંડળને દર્શાવી આપ્યું છે - રોજગારીનો પ્રશ્ન કેવળ ઔદ્યોગિકીકરણથી ઉકેલાશે નહિ. કૃષિક્ષેત્રમાં સુધારા થવા જોઈએ. કૃષિમાં સ્વરોજગારની તકો છે. હવે નવી યંત્રપ્રણાલિમાં માણસોની જરૂર ઓછી રહેશે ત્યારે રોજગારની સમસ્યા વધતી જ જશે. પાણી પંચાયત યોજના દ્વારા સ્વરોજગારની દિશા બતાવનાર આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે.’ સાદા-સૂતરનાં કપડાંમાં, જેજુરીની દેશી ચંપલો પહેરીને બેઠેલા સામાજિક કાર્યકર પિતાનું અને મશીન ડિઝાઈન ક્ષેત્રમાં હરણભાળ ભરનાર પુત્રોનું ઉદ્યોજગતમાં એક જ છત્ર હેઠળ અભિવાદન કર્યું. આ એક અપૂર્વ યોગ જ હતો.
યૌવનને મોકળાશ
ત્રણે ભાઈબહેનોમાં સોનાલી નાની. તેનેય બારમામાં ઉત્તમ માર્ક્સ મળ્યા. પિતાને થતું સોનાલીએ આયુર્વેદનો અભ્યાસ કરવો જોઈએ. તેમાં ડૉક્ટર થવું. શ્રી આપ્પા શાસ્ત્રી સાઠેનું ઔષધીય વનસ્પતિ પરનું પુસ્તક તેમના વાંચનમાં રહેતું. તેમણે તે સોનાલીને વાંચવા આપ્યું.
તે અરસામાં જ ‘મહારાષ્ટ્ર આરોગ્ય મંડળ’નું ‘આયુર્વેદિક મહાવિદ્યાલય’ હડપસરમાં શરૂ થઈ રહ્યું હતું. તેને કેટલાક મહિનાની વાર હતી. એ નવા શરૂ થઈ રહેલા મહાવિદ્યાલયમાં નામ નોંધાવવાનું સોનાલીએ નક્કી કર્યું. ત્યાં સુધીના એક વર્ષના ગાળામાં તેનું વનૌષધી ગ્રંથનું વાંચન ચાલુ જ હતું. એ સમયગાળામાં એ સંસ્કૃત ભાષા પણ શીખી. એ દર રવિવારે પપ્પા પાસે (સાસવડ) ખળદ જતી. વાંચેલાં પુસ્તકોને આધારે ત્યાંના જરૂરિયાતવાળાઓ માટે સાદા-સરળ ઇલાજ કરતી. ‘ખેડૂતનગરમાં ગુલમહોરના વૃક્ષ નીચે સવારના પહોરમાં આ દવાખાનું ચાલતું. સાદા-સાદા ઉપચાર દ્વારા લોકોના પરચૂરણ માંદગી-પીડા દૂર કરી શકાય છે એનો સુખદ અનુભવ પ્રત્યક્ષ ડૉક્ટર થતાં પહેલાં હું મેળવી શકી એ પપ્પાને કારણે.’ સોનાલી કહે છે. તેનું શિક્ષણ પૂરું થતાં સુધી આ દવાખાનું ચાલુ હતું.
દવાખાનાનું કામ પૂરું થાય કે, ત્યાં જ વૃક્ષ નીચે બેસીને બાપ-દીકરી ભોજન કરતાં. ‘એ દિવસ હું ભૂલી જ શકતી નથી. પપ્પાએ પોતાના હાથે બનાવેલાં ભાખરી-શાક ખાવા મળતાં. મારા અભ્યાસક્રમમાં રહેલી ચરકસંહિતા તેમણે વાંચી કાઢી હતી. ગરીબ-ગુરબાઓને સસ્તા અને યોગ્ય દવા-દારૂ સારવાર મળતાં નથી એનું પપ્પાને દુઃખ થતું. ડૉ. હર્ડીકર, ડૉ. કાળે, ડૉ. ઘારપુરે જેવા કેટલાક ડૉક્ટર મિત્રોના સહકારથી મફત ઔષધોપચાર આપવાનો કાર્યક્રમ કોથળામાં તેમણે કેટલોક સમય ચલાવ્યો પણ હતો. પપ્પાની ઇચ્છા હતી, મારો અભ્યાસ પૂરો થાય પછી મારે ગ્રામ્ય પ્રદેશમાં પોતાનું દવાખાનું શરૂ કરવું.’ લાગણીશીલ બનતાં સોનાલી કહે છે, ‘પરંતુ એ ઇચ્છા કાંઈ હું પૂરી કરી શકી નહિ.’ એનું શિક્ષણ પૂરું થતાં જ એનાં લગ્ન મર્ચન્ટ નેવીના એન્જિનિયર સાથે થયાં. ગ્રામ્ય પ્રદેશ સાથે તેનો સંપર્ક થવો મુશ્કેલ બન્યો.
માણસો પસંદ કરવા, એમને તૈયાર કરવા, નવા નેતૃત્વને બહાર લાવવા પર તે ભાર મૂકતાં. સંસ્થા સ્થાપીને એ મોટી કરીને તેનું નેતૃત્વ કરવા કરતાં માણસો તૈયાર કરીને કાર્યનો વિકાસ કરવા તરફ તેમણે ધ્યાન આપ્યું. તે જ તેમનું બંને કાર્યક્ષેત્રોમાં લક્ષ્ય હતું.
વિલાસરાવે પોતાના પડછાયામાં નવા અંકુરની વૃદ્ધિ ઠીંગરાવા દીધી નહિ. નવા લોહીને, યૌવનને તેમણે હંમેશાં તક આપી, માર્ગદર્શન આપ્યું, મદદ કરી. એ એમનો પિંડ જ હતો.
ચીનની રેડ ફ્લૅગ કેનાલનું તેમને અનેરું આકર્ષણ હતું. એ જોવાની તક સાંપડી ત્યારે તેમણે ગણેશ પાંગારેને મોકલ્યા. મલેશિયામાં ‘રુટ્સ ઑફ લાઈફ’ કાર્યશાળામાં સહભાગી થવાનું આમંત્રણ આવ્યું ત્યારે તેમણે મનોહર ખડસે, પ્રસાદ રસાળને મોકલ્યા.
ઉદ્યોગજગતમાં તેમના સહવાસમાં, તેમના હાથ નીચે ઘડાયેલા લોકો કહે છે, ‘તેમણે અમને નવાં ઉત્પાદનો વિકસિત કરવાનો કેવળ વિચાર જ આપ્યો ન હતો, અમને સ્વપ્નો આપ્યાં. એ સાકાર કરવા માટે આત્મવિશ્વાસ, પ્રોત્સાહન, પ્રેરણા, સ્વાતંત્ર્ય બધું આપ્યું. તેમાંથી જ અમે ઘડાયા.’
સદ્ગુણી માણસોને ભૂલ કરવાની છૂટ
વિલાસરાવ સદ્ગુણ પારખનારા હતા. માણસના છૂપા ગુણ પારખવામાં તે વાકેફગાર હતા. એ વ્યક્તિ જે કામ કરે છે, એ કરતા બીજા કામમાં એ અધિક કુશળ થઈ શકે કે, એ પણ તેઓ જોતાં. એવી વિકાસની તક એ વ્યક્તિને તેઓ આપતાં. તેમની આ દૃષ્ટિને કારણે જ અનેક અલ્પશિક્ષિત ગ્રામ્ય યુવાનો તેમના કારખાનામાં તાલીમ મેળવીને તંત્રજ્ઞ થઈ શક્યા. એફઆઈટીના કાર્યાલયમાંનો સાતમી પાસ સાદો સિપાઈ વિઠ્ઠલ હોલે, ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠા’નો ટ્રૅક્ટરચાલક લક્ષ્મણ ખેડકર, હરગુડાનો નવમી પાસ હરિશ્ચંદ્ર તાકવલે આજે ‘પાણી પંચાયત’ના પૂર્ણ સમયના કાર્યકરો છે.
ગ્રામ્ય યુવાનો ખેતીના, તત્સંબંધી બાંધકામના, તંત્રજ્ઞાનના, જળસંચય જમીન સંરક્ષણ બાબતે સ્વયંપૂર્ણ સ્વનિર્ભર થાય એ વિલાસરાવનું સ્વપ્ન. તે માટે તેમણે યથાશક્તિ પ્રયત્નો પણ કર્યા.
ઈ.સ. ૧૯૭૯-૮૧ના ગાળામાં એકસાથે પચ્ચીસ-ત્રીસ ઉદવહન સિંચાઈ યોજનાઓ અસ્તિત્વમાં આવવા લાગી. પાણી વહીને લઈ જનારી સિમેન્ટ પાઈપોની મોટી જરૂરિયાત ઊભી થઈ. તે સમયે આવા પાઈપ બનાવનારા કારખાના દૂરના વિસ્તારમાં હતા. મોંઘાય પડતા હતા. તે આવતાં સુધી સમય પણ ખૂબ જતો. એટલે પછી વિલાસરાવે આવા કારખાનાંઓની મુલાકાત લીધી. કેટલાક સ્થાનિક યુવાનોને ત્યાં મોકલ્યા. તાલીમ આપી અન નાયગામમાં આવી પાઈપોનું ઉત્પાદન શરૂ કર્યું. ત્યારબાદ ચાર-પાંચ વર્ષ કારખાનું ચાલુ હતું.
લોકોએ સાહસભેર આગળ આવવું એમ વિલાસરાવને થતું. પોતાનો ઉદ્યોગ શરૂ કરતી વખતે તેમણે જે ધૈર્ય જે હિંમત બતાવ્યા, જે ઉત્સાહ તેમણે નાયગામ યોજના હાથમાં લેતા દર્શાવ્યો, ત્યારે જ શું પણ ત્યાર પછીય ગમે ત્યારે, આપણે આ કામ હાથમાં લેવું કે, આનું ભંડોળ ક્યાંથી મળશે, આમાં કેટલા અંશે સફળતા પ્રાપ્ત થશે એની ચિંતા તેમણે કરી નહિ. પોતાના ખિસ્સાનો ઘસારો વેઠીને તે કામની શરૂઆત કરતાં. ઝડપથી નિર્ણય લેવો અને કામે લાગવું આ તેમની હંમેશની રીત. પછીની વાત પછી જોઈશું એ વૃત્તિ. આ જ અપેક્ષા તે બીજાઓ પાસે રાખતા અને તેમ કરવા પ્રોત્સાહન પણ આપતાં. ‘સ્વતંત્રપણે નિર્ણય લઈને કાંઈક નવું સર્જન કરવાનો આનંદ લો.’ એમ તેઓ આગ્રહપૂર્વક કહેતાં.
ઈ.સ. ૧૯૭૬ના અરસામાં પ્રા. ધોંડે પાટીલ તેમને મળ્યા. કૃષિવિષયક કેટલાક નવા વિચારો રજૂ કર્યા. તે સાંભળીને વિલાસરાવે તે પ્રયોગ નાયગામમાં કરવા કહ્યું. ખર્ચ વિષયે, સંભાવ્ય નિષ્ફળતા વિશે પ્રા. ધોંડે પાટીલ સંકોચપૂર્વક કહેવા લાગ્યા ત્યારે તેમને અટકાવતાં વિલાસરાવે કહ્યું : ‘ખુશીથી પ્રયોગ અમલમાં મૂકો. ખર્ચનો વિચાર મનમાં લાવશોય નહિ.’
‘કાંઈક ભૂલ થશે તો ?’
‘દસ હજાર રૂપિયા સુધી ભૂલ કરવાની છૂટ છે.’ વિલાસરાવે કહ્યું.
આવી છૂટ તેમણે પોતાના કારખાનામાં પણ આપી હતી.
કુપોષણને પરિણામે આદિવાસી બાળકો મરી રહ્યાં છે, એ સમાચાર સાંભળી અસ્વસ્થ થયા. જાતે ત્યાં જ જઈને, નિરીક્ષણ કરીને ત્યાં જ રહીને ઉપાય શોધનારા આ કાર્યકર ‘પૈસા ક્યાંથી આવશે’ની ચિંતા કરતા ન હતા. આત્મવિશ્વાસ, લોકોની સારપ પર વિશ્વાસ, લોકો સાથે મળીને કાંઈક કરી શકે છે, એ વિશ્વાસ એ જ તેમની સાહસ પાછળની પ્રેરણા.
દૃઢ મત પણ બદલવાની તૈયારી
વિલાસરાવ ક્યારેય કોઈને વગર મહેનતે કંઈ આપતાં નહિ. સહજ નિચોડ સુધ્ધાં. તે સમસ્યા સામે મૂકતા. વિચાર કરવા પ્રેરતા. ઉપસ્થિત રહેલા સહુને તેમનો મત રજૂ કરવા જણાવતાં. ચર્ચા કરીને પછી જ પોતાનો મત, નિચોડ કહેતાં. તેમના હાથ નીચે તેમના સહવાસમાં તૈયાર થયેલા કાર્યકર કહે છે : ‘વિલાસરાવે અમને વિચાર કરતાં શીખવ્યું... નિર્ણય લેવાનું બળ આપ્યું... આપમૂઆ સિવાય સ્વર્ગ દેખાતું નથી એ સમજાવ્યું. આજે અમે સ્વતંત્ર બુદ્ધિથી દૃઢતાપૂર્વક ઊભા રહીને કામ કરી શકીએ છીએ. છેક સચિવાલયમાં જઈને મંત્રી, સરકારી અધિકારીની સામે અમારા મુદ્દા વ્યવસ્થિત રજૂ કરી શકીએ છીએ.’
વિલાસરાવ સામાજિક કાર્યકર હતા, પણ તેમના વિચારોમાં કોઈ પણ સંપ્રદાય, ઇઝમનું વળગણ ન હતું. તેમનો સતત નવી વાતોનો અભ્યાસ ચાલુ હતો. તેમનું વાંચન જબરદસ્ત. વિવિધ વિષયો પરની તદ્દન છેવટની માહિતી હતી. પોતે વાંચેલું બીજાઓ સુધી પહોંચાડવા માટેની પણ તેમની મથામણ. પોતાના પરિચિતોને ઉપયોગી બની રહે એવા અખબારી કતરણો, લેખો, પુસ્તકો સંદર્ભ તે અચૂક પૂરા પાડતા. તેમની સ્મરણશક્તિ પણ તીવ્ર. વાત કરતી વખતે તે એકાદ વિષય પર એટલા સંદર્ભ આપતા કે સાંભરનારો અવાક્ થઈ જતો. તેમણે વાહ-તહેવાર-સમારંભ જેવી બાબતોમાં લગીરેય રસ ન હતો. તેમનો નવરાશનો સમય વાંચનમાં જતો. ‘ન્યૂઝ’, ‘સમાચાર’, ‘નેશનલ જ્યોગ્રાફિક ચેનલ’, ‘વજેટ’ આટલા પૂરતો જ તેમનો ટીવી સાથે સંબંધ. એ બજેટમાં પણ ગ્રામ્ય વિકાસ માટે કેટલી ફાળવણી કરવામાં આવી છે એ સમજવા પૂરતો હતો.
વિજ્ઞાન ક્ષેત્રના, તંત્રજ્ઞાન ક્ષેત્રના વ્યક્તિ અહમ્ રાખીને, સંપ્રદાયમાં અટવાઈ રહીને કાર્ય આગળ વધારી શકે નહિ. વિલાસરાવ તેમાં અપવાદ ન હતા. તેમણે ‘પાણીબાબા મઠ’ની સ્થાપના કરી, પણ બાવાગીરી કરી નહિ. કોઈ પણ ચીલામાં ખૂંપી રહેવું તેમના સ્વભાવમાં ન હતું. ઘણીખરી બધી પાણી-પરિષદોની પાણીવિષયક સભા-બેઠકોમાં તે અચૂક ઉપસ્થિત રહેતા. પોતાના વિચાર ચકાસી લેતા. પ્રયોગ આધારિત યોજના અંગે તો તે વિશેષ આદર સેવતા.
હું કહું તે જ સાચું, મને જ અંતિમ સત્ય સમજાયું છે એવું તે માનતા ન હતા. ઈ.સ. ૨૦૦૦માં શ્રી વસંત ટાકળકરના અખંડ બંધ વિશેનો સ્લાઇડ-શૉ જોયો. એ જોઈને વિલાસરાવે પોતાનો મત બદલ્યો. આવા બંધ નાંખવા એ ખર્ચાળ છે, સામાન્ય ખેડૂતને નહિ પરવડનારા છે એમ તેમને લાગતું. એટલે તે તેનો વિચાર કરતા ન હતા. ટાકળકરનો સ્લાઇડ-શૉ જોઈને પોતાના વિચારમાં ફેરફાર કરવાનું તેમણે તરત જ સ્વીકાર્યું.
વિલાસરાવ બહુશ્રુત હતા. વિશ્વના અનેક દેશોના જળકાયદાઓનો તેમનો ઊંડો અભ્યાસ હતો. તેમણે વિશ્વપ્રવાસ એક વખત નહિ, અનેક વખત કર્યો. ઔદ્યોગિક ક્ષેત્રમાં શું કે કૃષિ, પાણી ક્ષેત્રમાં શું, ક્યાં શું ચાલી રહ્યું છે, શું થયું છે તેની તેમણે જાણકારી પણ મેળવી હતી. પણ સભામાં અથવા બેઠકમાં ‘હું ઇઝરાયેલ ગયો હતો ત્યારે’, ‘હૉલેન્ડમાં મેં જોયું છે’ એવી શેખી મારનારી વાત કરતા નહિ. તેમની નાળ અહીંની માટી સાથે, તેમાંય ગ્રામ્ય પ્રદેશમાં જોડાયેલી હતી. સમન્યાયી પાણી હક્ક અને સેન્દ્રિય ખેતી આ બે વિષય તેમના જીવનના જાણે કેન્દ્રસ્થાને હતાં. જ્યાં જ્યાં ખેતી, વન, પાણી વિષયક કોઈક નવા પ્રયોગ યોજના ઊભી થતી ત્યાં ત્યાં તે જાતે જતા. એટલું જ નહિ ‘પાણી પંચાયત’ના કાર્યકરોને પણ મોકલતા. કહેતા, આવા પ્રયોગો એટલે મધુકણ. તે વીણી લો. ખુલ્લા મને નવા વિચાર જાણો.
ઈ.સ. ૧૯૯૨-૯૩ના અરસામાં ફેરો-સિમેન્ટના નવા તંત્રજ્ઞાનથી તે અંજાયા હતા. એ તંત્રના ઉપયોગ દ્વારા ક્યાંક નમૂનેદાર એકાદ બાંધકામ ઊભું કરી શકાય છે કેમ, એ વિચારમાં તે હતા. સાંગલી પાસે યેરળા યોજના પર ફેરો-સિમેન્ટ વાપરીને ઘરો બનાવવામાં આવ્યાં છે, એવું જાણ્યા પછી તેમણે ‘પાણી પંચાયત’ના કાર્યકરોને ખાસ મોટર દ્વારા એ યોજના પર મોકલ્યા. નાયગામમાં ‘પાણી પંચાયત પ્રશિક્ષણ કેન્દ્ર’ એ પદ્ધતિએ તેમને ઊભું કરવું હતું.
ઈ.સ. ૧૯૯૩માં કિલ્લારીમાં ભૂકંપ થયો. ત્યાંના પીડિતોના પુનર્વસન માટે ફેરો સિમેન્ટના ઘરો ઊભા કરવા માટે ‘ઇન્સ્ટિટ્યૂશન ઑફ એન્જિનિયર્સ’ વતીથી તેમણે મુખ્યમંત્રીને પત્ર પણ મોકલાવ્યો હતો. (આ પત્રની નકલ તેમના કાગળોમાં છે. એ પત્રને શો પ્રતિસાદ મળ્યો એ જાણી શકાયું નહિ.)
તેમણે ક્યારેય લોકપ્રિયતા મેળવવાના આશયથી અથવા લોકોને વિનવવા વિચાર રજૂ કર્યા ન હતા. પોતે કહે છે એ પ્રત્યક્ષ અમલમાં મૂકવા શક્ય ચે કે નહિ એ દર્શાવવા માટે પ્રયોગ ઊભા કર્યા. પ્રયોગ નિષ્ફળ જાય તો એ શાથી નિષ્ફળ ગયો એ જાણવા તે મથામણ કરતા. પોતાના પ્રયોગોને કેવળ દર્શનીમૂલ્ય (કે પર્યટન સ્થળનું મૂલ્ય) હોવું ન જોઈએ એવી તેમની ઇચ્છા હતી. પોતે ઊભા કરેલા પ્રકલ્પમાંથી નીકળનારા નિષ્કર્ષ એ ધોરણાત્મક બદલાવ માટે ઉપયોગી બની રહે, જળવ્યવસ્થાપનનો વિચાર કરતી વખતે તે માર્ગદર્શક નીવડે એવો હેતુ તેની પાછળ હતો. કેવળ મજા ખાતર, શોખ ખાતર આવું કાંઈ તેમણે કર્યું નહિ.
બેવડી ભૂમિકા
ઉદ્યોગજગતના વિકાસનો વિચાર કરતી વખતે વિલાસરાવમાંનો સામાજિક કાર્યકર સજાગ હતો અને સામાજિક ક્ષેત્રમાં કાર્ય હાથમાં લેતી વખતે તેમનામાંનો ઇજનેર, તંત્રજ્ઞ. બંને ભૂમિકા પાર પાડતી વખતે તે લાગણી કરતાં બુદ્ધિને મહત્ત્વ આપતાં. ભાવુક મમતાને બદલે દૃષ્ટિયુક્ત પ્રયત્નોને અગ્રતા. પ્રયોગશીલતા તો તેમની ધમનીમાંથી જ વહેતી હતી. એટલે જ તો તેમણે પહેલાં કર્યું, પછી કહ્યું અને આ પ્રયોગ એટલે વ્યાપક, મોટા વગેરે હતાં એવું નથી. સાદી લાગનારી બાબતો સુધ્ધાં તે નિરીક્ષણ દ્વારા પ્રયોગો દ્વારા ચકાસી લેતાં.
ખળદમાંના ગોટીમાળ આસપાસનો પ્રદેશ નામ અનુસાર જ ‘ગોળ પથ્થરોનું વેરાન’ ખડકાળ. તે પ્રદેશમાં તેમણે અઢી હજાર કડવા લીમડાના રોપા વાવવામાં ૧૦૦% સફળતા મેળવેલી. પણ કેવી રીતે ? નિસર્ગનું નિરીક્ષણ કરીને.
પક્ષીઓની હગારમાંથી પડેલા બી (લીંબોળીઓ) ઝડપથી અને સરસ ઊગે છે એટલે તે એકઠાં કરી નાના ખાડાઓમાં રોપ્યાં. નિસર્ગ ક્યાં ૧ ટ ૧ ટ ૧ ખાડા કરે છે ? એ રોપાઓને પાણી સુધ્ધાં કે અધ્ધરથી ક્યારીમાં પડે નહિ એટલી ઝીણી ધાર દ્વારા હળવે હળવે આપવાનું. તે પણ નળી દ્વારા નહિ, લોટાથી. તેમની સાથે રહેનારા ચંદ્રકાન્ત કડ અને આબાસાહેબ કુલકર્ણીએ (આ બંને ખળદ કારખાનામાંના કામદાર) તેમની પાસેથી પ્રેરણા લઈને ત્યાં શેવંતી અને ગુલાબની ક્યારીઓ બનાવી. તેનું વિલાસરાવને કેવું ગૌરવ !
હડપસરની રેલવેલાઇન પાસેના પુણે કોર્પોરેશનની હદમાં ખાસ્સી પડતર જગ્યા હતી. વિલાસરાવે તે જગાનો ઉપયોગ એ ગાળામાં જ હત્યા કરવામાં આવેલા જનરલ વૈદ્યના સ્મરણાર્થે ઉદ્યાન ઊભો કરવા ઠરાવ્યું.
ત્યાંથી નજીક જ આવેલી વિવેકાનંદ વસાહતનું વપરાશી પાણી આ પડતર જમીન પર એકઠું થતું હતું. ત્યાં ગાજર ઘાસ પણ સરસ થયા હતા. હડપસર ઔદ્યોગિક વસાહતમાંના અને વિલાસરાવના પરિવારજનોએ એ જગા સાફસૂફ કરી.
સોલાપુરથી આવેલા વૉચમેનનું કામ કરનારા એક માણસને આ જગામાં એક ઝૂંપડી બાંધી આપી. ત્યાં તેને શાકભાજી વાવવા જણાવ્યું. ચારસો રૂપિયા પગાર પણ આપ્યો. સંગ્રહ થયેલા પાણી પર શાકભાજી વાવીને એ વેચતો હતો. પાણી ઓછું પડતાં ત્યાં તેને એક બોરવેલ પણ ખોદી આપ્યો. આગળ જતાં કોર્પોરેશને આ જગાનો કબજો લીધો. પેલા વૉચમેનને ત્યાંથી હઠાવ્યો.
સાધનસંપત્તિ અને માનવશક્તિ દ્વારા ઉત્પાદક રોજગાર નિર્માણ કરવાના વિલાસરાવના આવા અનેક પ્રયોગ ચાલતા.
વૃક્ષોના વાવેતર માટે વિલાસરાવની સતત કાંઈ ને કાંઈ યોજનાઓ ચાલુ જ હોય. ચોમાસામાં ખુલ્લા વગડામાં ફળોના બીયા રોપવાનું તો નક્કી જ હતું. એરંડિયા, કણજી, સીતાફળ, બોર, બાવળ જેવા ઓછા પાણી પર જીવનારાં વૃક્ષોને અગ્રતા. ખેડૂતોને પણ તે પોતાના ઘરની મોરીના પાણી ઉપર પપૈયા, મોસંબી, આંબળા, જામફળ વગેરે વાવવા કહેતાં. ‘બહારથી ફળો વેચાતાં લેવા માટે આપણા બે રૂપિયા શાના ખર્ચવાના હોય ? આંગણાના ફળો ખાવ.’ કહેતાં.
દેશી ફળો પર વિલાસરાવને પ્રેમ. તેની ગુણવત્તાય તેમણે ચકાસી લીધેલી. બોરની ગુણવત્તા ધ્યાને આવ્યા પછી તો તેમણે બોરભૂકીની લગની જ લાગી. એ સાધ્ય થયા પછી જ્યાં જાય ત્યાં બોરભૂકીની પોટલી લઈ જતાં. તેનો પ્રસાદ આપીને પ્રસાર-પ્રચાર કરતાં. મહુડાનાં ફૂલોનો ભૂકો કરવા માટેય તેમણે એક પછી એક પ્રયોગ કર્યા. બપોરે એક વાગે કલ્પનાબહેનનું રસોડું નવરું થાય કે વિલાસરાવ તેનો કબજો લેતાં. મહુડાનાં ફૂલો શેકીને, સૂકવીને તેનો ભૂકો બનાવવાના પ્રયત્ન ચાલતા. એ ફૂલો ક્યારેક વાસણમાં અંદર ચોંટી જતા, તો ક્યારેક તવા પર કરમાઈ જતાં, છેવટે માટલું આડું ફોડીને તેના અર્ધગોળમાં એ સરસ રીતે શેકી શકાયા. પછી તેનો ભૂકો થયા પછી તેનો વિવિધ પદાર્થો માટે ઉપયોગ થયો. એ ભૂકોય હંમેશાં તેમની સાથે રાખતા. તેનોય પ્રસાદ સહને મળતો. આવા પ્રયોગ વખતે તેમના શરીરમાં ‘કાર્વર’ પ્રવેશતા હોવા જોઈએ.
કાર્વરનો આદર્શ
ઈ.સ. ૧૯૮૦માં એક હતો કાર્વર નામના કાળા કૃષિતજજ્ઞનું ચરિત્ર તેમના વાંચવામાં આવ્યું. તેમને તે ખૂબ ગમ્યું. અનેકોને તેમણે તેની નકલ ભેટ આપી. ઉદ્યોગક્ષેત્રમાંના લોકોને કહેતા : ‘પ્રત્યેક માણસમાં વિકાસની એક ઉત્કંઠા હોય છે જ. એની ભાળ મેળવીને તેને પ્રેરિત કરવી જોઈએ.’ ‘ક્યારેય સંતુષ્ટ રહેશો નહિ.’ કાર્વરનો આ સંદેશો તેમને મૂલ્યવાન લાગતો. તેમનું કૃષિ વિકાસનું મોડેલ તેમને ઉદ્યોગ વિકાસ માટે આદર્શ જણાતું. ઉપલબ્ધ સાધનોને આધારે ખેતીનો વિકાસ કરીને તેને બજાર વ્યવસ્થાનો આધાર આપવાનું કામ કાર્વરે કર્યું. તે માટે તેમણે પ્રયોગો કર્યાં. તે તેમને માર્ગદર્શક લાગતાં. ખેડૂતોમાંય તેમણે એ આત્મકથાની નકલો વહેંચી. જળસ્રાવ વિસ્તાર વિકાસ અભ્યાસક્રમમાં તેમણે તે પાઠ્યપુસ્તક તરીકે પસંદ કર્યું.
વિલાસરાવને કાર્વર પોતીકા લાગ્યા, એ તેમની જીવનશૈલીને કારણે, વિચારપદ્ધતિને કારણે, તેમની સાદગી, પ્રયોગશીલતા, સ્વયંશિસ્ત, શ્રમપ્રતિષ્ઠા, સમાજસેવાને તંત્રજ્ઞાનનો સાથ, અંત્યોદયના વિચારને કારણે.
‘ઍક્યુરેટ’ કંપનીના માલિક હોવા છતાં પોતાના ટેબલખુરશીથી માંડી શૌચાલય સુધીની બધી સફાઈ તે જાતે કરતાં. ઈ.સ. ૧૯૭૨થી તે રોજ સવારે ત્રણ કલાક, જ્યાં હોય ત્યાં કાંઈક ને કાંઈક શરીરશ્રમનું કામ કરતાં. મેનેજિંગ ડાયરેક્ટર વિલાસરાવ સાળુંખે સાહેબને મળવા કોઈક અપરિચિત સવારે નવ વાગતાં પહેલાં ખળદ આવે તો સામે બગીચામાં બાંય વગરની સફેદ બંડી અને અડધી ખાખી ચડ્ડી પહેરીને કામ કરનારા માળીદાદાને ‘સાળુંખે સાહેબ ક્યાં છે’ પૂછતાં, તેને ‘હું જ એ’ જવાબ મળતો.
હડપસરમાં સેંટ પૅટ્રિલ કૉલોનીમાં તેમના બંગલાની (પહેલા ભાડાના અને પછી પોતાની માલિકીના) પાછળ ઝૂંપડપટ્ટી હતી. એ બધાં ત્યાં જ ખુલ્લામાં પ્રાતઃકર્મ આટોપતાં. તેની ખૂબ જ દુર્ગંધ આવતી. વિલાસરાવે સ્વખર્ચે તેમને એક સંડાસ બંધાવી આપ્યું. એ શૌચવિધિની જગા પર એ ઝૂંપડાવાસીઓની મદદથી જ શાકભાજી વગેરે વાવ્યાં. પોતાના હાથમાં કોદાળી, પાવડો લઈને ત્યાં કામ કર્યું. તે લોકોને આવકનું એક સરસ સાધન તો મળ્યું જ, પણ ત્યાર પછી તરત જ ત્યાંની સ્ત્રીઓએ ફાળો એકઠો કરીને વધુ એક સંડાસ બાંધ્યું.
વિલાસરાવના આચરણમાંથી તેમની સ્વયંશિસ્ત અનુભવાતી. તે બોલતાં તેવું જ આચરણ કરતાં. તેના ઉદાહરણ તેમની સાથે ફરનારાઓને હંમેશાં મળતાં.
સંતોષ ગોંધળેકર એક વખત વિલાસરાવ સાથે જીપમાં પ્રવાસ કરી રહ્યા હતા. કૂણા ચણા ખાઈ લીધા પછી એ જૂડી ગોંધળેકરે દોડતી જીપમાંથી બહાર રસ્તાની ધારે ફેંકી. વિલાસરાવે તરત જ જીપ ઊભી રાખી, નીચે ઊતર્યા, એ જૂડી ઊંચકી લાવ્યા. ગાડી ચલાવવા બેઠા અને આગળના પ્રવાસમાં રસ્તામાં એક ગાય સામે નાખી. એ જૂડી શા માટે વ્યર્થ ગુમાવવી ?
એક વખત પત્રકરા શ્રી નિમુ દામલે તેમની સાથે જીપમાં જઈ રહ્યા હતા. વિલાસરાવે અચાનક જીપ ઊભી રાખી. નીચે ઊતરીને રસ્તામાં પડેલો મોટો પથ્થર ઊંચકીને રસ્તાની બાજુએ નાંખ્યો. રસ્તામાં ગાડી બંધ થયા પછી પાછળના પૈડાએ મોટા પથ્થરને ઉબેટ તરીકે ગોઠવે છે. મરામતનું કામ થાય કે, ગાડી ચાલુ કરીને સીધા નીકળી જાય છે. એ બેદરકારી પર કેવળ વિવેચન કરીને આગળ નીકળી ગયા વગર વિલાસરાવે કાર્ય કર્યું હતું.
મધુકર ધસ આવું જ એક સંભારણું કહે છે. મેળઘાટમાં પ્રવાસ કરતી વખતે એક સ્થળે પાણીનો સાર્વજનિક નળ વહેતો દેખાયો. વિલાસરાવે વાહન રોકીને એ નળ બંધ કર્યો.
અષાઢી કાર્તિકી એકાદશીએ પંઢરપુરના વારકરી યાત્રાળુઓ પગપાળા સાસવડથી આગળ જાય છે. અનહદ ભીડને કારણે એ પ્રદેશમાં ખૂબ ગંદકી થાય છે. તે વખતે વિલાસરાવ ખળદમાં હોય કે સરઘસ ગયા પછી હાથમાં સાવરણો લઈને સફાઈની શરૂઆત કરતા અને ફરીથી જે કરી બતાવતાં તેનો હોબાળો તો શું પણ ચર્ચાય ન થતી.
‘ખેડૂત સંગઠન’ના પુરસ્કર્તા સુશ્લી માયા અને શ્રી ચંદ્રકાન્ત વાનખેડે મેથી ગામે આદિવાસીઓ માટે કામ શરૂ કરવા ઇચ્છતા હતા. પંદરવીસ કાર્યકરો ભેગા થયા હતા. ચર્ચા માટે વિલાસરાવને બોલાવ્યા હતા. રાતે મોડે સુધી બેઠક ચાલી. પછી વાળુ આટોપીને બધા આડા પડ્યા. વિલાસરાવ રોજિંદી આદત અનુસાર પરોઢિયે સાડાચાર વાગે ઊઠ્યા. પછીધીમા સાદે સંત તુકારામના અભંગ ગણગણતાં. જરાયે અવાજ થવા દીધા વગર બધા એઠાં વાસણો માંડ્યા. માયાબહેન જાગી ગયાં પછી એ માંજીને ગોઠવેલાં વાશણો જોઈને તે આશ્ચર્યચકિત થયાં. ‘કાંઈ નહિ તને થોડી મદદ.’ એટલું જ તેમણે કહ્યું.
વિલાસરાવ સમયની બાબતમાં ખૂબ જ સતર્ક હતા. સમય વેડફવો તેમને સ્વીકાર્ય ન હતો. ક્યાંય આયોજિત સમયથી મોડા પહોંચવું તેમને રુચતું ન હતું. પોતાના કારખાનામાં પણ તે સહુ કરતાં પહેલા પહોંચતાં. આખાય દિવસનાં કામોની યાદીનો નાનકડો કાગળ અને પેન્સિલનો ટુકડો તેમના સદરાના ખિસ્સામાં રહેતો. કાર્યાલયમાં તેમના ટેબલ પર પોતે તૈયાર કરેલ પ્લાનર હોય જ. ઉપરાંત કેટલાંક કામોનું ભાવિ આયોજન પણ.
ક્રિકેટની મેચો ચાલુ હોય કે આખુંય સચિવાલય મેચ સાંભળવામાં ખોવાઈ ગયું હોય છે. આ સામાજિક ભ્રષ્ટાચાર તેમને વિષમ જણાતો. ઈ.સ. ૧૯૮૧માં ૧૯ સરકારી રજાઓ જાહેર થઈ. તે વર્ષની જયંતિઓ, પુણ્યતિથિઓ સહિતની બધી રજાઓની વિલાસરાવે ગણતરી કરી. એ પૂરી ૧૧૦ દિવસ થઈ. દર માસે રૂ. ૧૦૦૦ પગાર ગણીએ તો સરકારી નોકરને માત્ર રજાના પગારના રૂ. ૩૦૦૦ મળે છે. પરંતુ જિરાયત ખેડૂતને જન્મથી લઈને મૃત્યુ સુધી રજા નહિ. મર્યા પછી થાય છે એ જ છુટકારો. એમ તેમણે ફેબ્રુઆરી ૧૯૮૧ની ‘પાણી પંચાયત’ પત્રિકામાં હિસાબ રજૂ કર્યો હતો.
પાણી એ જ સત્ય બાકી બધું મિથ્યા !
ઉદ્યોગજગતમાંથી ખસી ગયા પછી વિલાસરાવે પોતાના વૈભવશાળી ભૂતકાળના સંભારણા વર્ણવવા કે ગત ઇતિહાસનો આધાર લેવાનું ટાળ્યું. તેમનો સંબંધ વર્તમાન સાથે. વિચાર, કૃત્ય ભવિષ્યનો તાગ લેનારા. કોઈક ઉત્સુકતાથી પૂછે, તો પાંચ મિનિટ ‘ઍક્યુરેટ’ પર મર્યાદિત વાત કરીને ગાડી તરત વર્તમાનમાં. પાણી, સેન્દ્રિય ખેતી, આદિવાસી વિકાસ યોજના, ફેરો સિમેન્ટ... તેમાંય આ વાતો લાંબા લાંબા ગપ્પા મારવાની જેમ નહિ, ચોક્કસ સૂત્રબદ્ધ મુદ્દાને સુસંગત, મર્યાદિત શબ્દોમાં.
ગપ્પાટપ્પા, નિરર્થક વાતો, મનોરંજનના કાર્યક્રમ, તહેવાર, સમારંભ જેવી વાતો માટેજાણે તેમની પાસે સમય જ ન હતો. હાસ્ય-વિનોદમાં ખોવાઈ જવું તે જાણતાં ન જ હતાં. તે અલ્પભાષી હતા તેવુંય નથી. પોતાને પ્રિય એવા ખેતી-પાણી જેવા વિષય પર તે ઝપાટાબંધ બોલતાં. તેમાંય એક મજા એટલે ખેડૂતો સાથે, ગ્રામ્ય વિસ્તારના કાર્યકરો સાથે વાત કરતી વખતે ઝટ સમજાય એવી મરાઠીમાં સરળ રજૂઆત કરીને વિચાર મૂકતાં. અને બીજી જ ક્ષણે ત્યાં ઉપસ્થિત રહેલાં નિષ્ણાતો સમક્ષ એ જ વાત વૈજ્ઞાનિક પરિભાષામાં આંકડાવારીનો આધાર લઈ ઉત્કૃષ્ટ અંગ્રેજીમાં રજૂ કરતાં. તેમનું પટ દઈને આ સ્તર બદલવું, આવિષ્કાર બદલવો આનંદ બની રહેતો. ‘પાણી’ એ એક જ વિષયને તે જીવનભર વળગી રહ્યા હતા. તેને કારણે તે થોડાઘણા અંતર્મુખ પણ હશે, પણ પાણી વિષય પર બોલતી વખતે તે દરેક વખતે એક જ વાત કરતા ન હતા. પુસ્તકિયા જ્ઞાનની તેમને એલર્જી. તેમનું વાંચન મહાવરો વધારનારું. પ્રત્યેક વખતે તે એકાદ નવો વિચાર રજૂ કરતા. નવી રજૂઆત સાથે નવી જાણકારી આપતાં. અધિક ગહન સ્તરે લઈ જતાં.
અનેક સરકારી સમિતિઓમાં, આયોજન મંડળની સમિતિઓમાં તેમની નિમણૂક થઈ હતી. ત્યાં પણ ઉપસ્થિત રહેનારાઓને તેમના અભ્યાસનો, મહાવરાનો અંદાજ આવતો.
વિલાસરાવની આંતરિક અસ્વસ્થતા તેમના શબ્દોમાં વ્યક્ત થતી. તેમનું વ્યક્તિત્વ અત્યંત પારદર્શી, તેમનું પ્રાંજળપણું સામેનાને આંજી દેતું. એક જ વખત અને તે પણ ખૂબ વર્ષો પહેલા મળેલાના પણ સંભારણામાં રહેતી એ વિલાસરાવની સ્વચ્છ ચમકતી દૃષ્ટિ.
ખૂબ જ સમજણા કે સુબુદ્ધ સુશિક્ષિત લોકો સામે અથવા વ્યક્તિગત સંવાદ સાધતા તે ખૂબ પ્રભાવી બની રહેતાં. તેમનું પ્રતિપાદન, સુસૂત્ર, શાસ્ત્રશુદ્ધ રહેતું. તેમને સહેલાઈથી અવગણી શકાતા નહિ. અત્યંત શાંત સ્વરમાં, નીચા અવાજમાં તે પોતાના મુદ્દા સમજાવતાં. પરંતુ આ અનેરા માણસમાં નાના બાળકનો પણ એક અંશ હતો. પોતાને સમજાવેલી, ગળે ઊતરેલી વાત બીજાનેય તરત જ ગળે ઊતરે, તે એ સાંભળે એમ થતું, પણ તેવું હમેશાં થતું ન હતું. સંયમ ગુમાવ્યા વગર તે ફરી ફરી સમજાવતા રહેતા.
વિલાસરાવ ખેડૂત ભાઈઓ સાથે અત્યંત પ્રેમથી, આત્મીયતાથી વર્તતા. તેમનામાં જાગૃતિ લાવવા માટે મતપરિવર્તન માટે એક પણ પ્રયત્ન બાકી રાખતા ન હતા. એકાદ મુદ્દો તેમને ગળે ઉતારવા માટે વિલાસરાવ જેટલા ઉત્સુક રહેતા, તેટલો ઉત્કટ પ્રતિસાદ તેમને મળતો જ એવું નથી. પણ વિલાસરાવનું ચવડપણું જબરદસ્ત. ફરી ફરી પ્રયત્ન કરતા. દરેક પ્રયત્ન દ્વારા રાજી કરતા.
પિસર્વે ગામના અનુશ્રવણ તળાવની નહેર માટે એક ખેડૂતની જમીનનો ટુકડો મળવો જરૂરી હતી. એ કાંઈ એમ કરવા તૈયાર ન હતો. તેનું મન વાળવા તેમણે અને ગામલોકોએ ખૂબ પ્રયત્ન કર્યા, પણ ખેડૂતદાદા કાંઈ કરતા રાજી થતા ન હતા. બધા થાક્યા. અંતે દિવસ વિલાસરાવ તેમના આંગણે ઊભા રહી ભજન કરવા લાગ્યા. પછી ગામના ભજનવાળા ઝાંઝ, કરતાલ લઈને આવ્યા. વિલાસરાવની સાથે જોડાયા. આટલા લોકો ભજન કરવા લાગતાં એ ભૂદેવ પીગળ્યો, જમીન આપી.
ભજનની આ યુક્તિ સરસ છે ભેરુઓ. એટલે એ અધિક અસરકારક, એને પ્રભાવક બનાવવા માટે તે વાજાની પેટી શીખવા લાગ્યા. પણ પછી કામના ભારણમાં એ કલા આત્મસાત્ કરવાનું રહી ગયું.
પિસર્વના ભૂદેવ પામ્યા, એ અનુભવ સર્વત્ર એકંદર થતો એવુંય નથી.
મેળઘાટમાં કઢાવમાં આદિવાસીઓ માટે એક સામુદિયાક ઉદવહન સિંચાઈ યોજના ઊભી કરવા મધુકર ધસ (જાણીવ સંગઠન-યવતમાલ) પ્રયત્નશીલ હતા. એ વિચાર તેમણે વિલાસરાવ સમક્ષ રજૂ કર્યો. કાર્યકરો અને વિલાસરાવ કઢાવ આવ્યા. ત્યાંના પાણીનો વેળો જોયો. આ વેળામાં પાણી ઓછું થઈને ક્યારેય સૂકોભઠ થયાનું ત્યાં કોઈનાય સાંભળવામાં-જોવામાં આવ્યું ન હતું. ત્યાંના સાંઈઠ-પાંસઠની ઉંમરના કોરકુ આદિવાસીઓ સુધ્ધાં તેમના જોવામાં એવું ક્યારેય બન્યું ન હતું એમ કહેતા હતા. વેળો ખાસ્સો મોટો હતો. ૪૦ મીટર લાંબો, ૧૦ મીટર પહોળો અને ૬ મીટર ઊંડો. વિલાસરાવે દિવસભર ફરીને એની આસપાસનો પ્રદેશ જોયો. રાતે બેઠક યોજાઈ. વચલા ભાગમાં એકસો વોટનો ગોળો લગાવીને એના પ્રકાશમાં સહુ ગોળાકાર બેઠા. વિલાસરાવે ધોરણો સમજાવ્યાં. પાણી વહેંચણી કેવી રીતે કરવી, પાક પદ્ધતિ વગેરે. એકબે વખત નહિ, દસ વખત કહેવામાં આવ્યું... મધરાત વીતી ગઈ... એક વાગ્યો... ‘પાની કા ઉપયોગ કૈસા કરના કુછ નીતિ સમજમેં આયી ક્યા ?’ વિલાસરાવે પૂછ્યું. એક આદિવાસી વૃદ્ધ ઊભા થયા. કહ્યું, ‘સમજ રહા હૈ ! લેકિન સમજમેં નહીં આયા !’ સહુ કોઈ હસ્યા. બેઠક પૂરી થઈ. છેવટે ખેડકરે કહ્યું : ‘તમે દસ-પંદર દિવસ વિચાર કરો અને અમને જણાવો.’
જમીન ગણોતથી આપવા કે અદલાબદલી કરી ઓછામાં ઓછાં દસ વર્ષ માટે આપવા લોકો તૈયાર થયા નહિ. પાંચસાત જણ માંડમાંડ તૈયાર થયા, તેમાંથી એ યોજના થઈ શકતી ન હતી.
ભિન્ન મત અસ્તિત્વનો સ્વીકાર
પોતાનો વિરોધ કરનારાઓની વાત પણ તે સાંભળી લેતાં. તેમના પ્રત્યે આદર દર્શાવતાં. સૌજન્ય, સભ્યતા એ તેમના અંગભૂત સ્વભાવ વિશેષ. એકાદા સાથે ખાસ્સી ચર્ચાવિવાદ થવા છતાંય તેને પોતાની વાત સ્વીકાર્ય નથી એમ દેખાય કે મનમાં ડંખ રાખ્યા વગર ચૂપચાપ નીકળી જતા. ‘જેમને ગળે ઊતરશે એ મારું સાંભળશે. દરેકને મારી વાત સ્વીકાર્ય જ હોવી જોઈએ એવી મારી હઠ શાને ? મારી વાત ન સાંભળવાનો તેમનો અધિકાર મારે સ્વીકારવો જ જોઈએ.’ એવી સ્વચ્છ ભૂમિકા હતી. તેમની આ વૃત્તિને કારણે તેમના વિરોધીઓ પણ તેમનો આદર કરતાં. ઉપરાંત વિલાસરાવના પ્રતિપાદન, નિષ્કર્ષ એ હંમેશા પ્રયોગ આધારિત, સ્વાનુભવ આધારિત હતું. તેને કારણે તેમને સહેલાઈથી અવગણના કે આંખ મિચામણાં કરીને આગળ જવું તેટલું સરળ ન હતું. તે પોતાનો મત ક્યારેય લાદતા ન હતા. જ્યાં સુધી વિશ્વાસ કરવા યોગ્ય જણાય ત્યાં સુધી છોડતાંય ન હતા. પરંતુ સંઘર્ષ દ્વારા પ્રશ્ન ઉકેલવાના માર્ગના તે ન હતા. વિલાસરાવે સંઘર્ષનો માર્ગ ક્યારેય લીધો ન હતો. એટલું જ નહિ તેમ કરવું તેમણે નકાર્યું જ. પોતાની માંગણીઓ રજૂ કરતી વખતેય તેમણે લડાઈ કરી નહિ. સંઘર્ષવાદી લડવૈયાઓથી તે દૂર જ રહ્યા. તેમનો ભાર મતપરિવર્તન, વિચાર પરિવર્તન ઉપર હતો. આવી પ્રક્રિયામાં ખૂબ સમય જાય છે. તે માટે તેમની તૈયારી હતી. કારણ વિચારપૂર્વક કરેલા કાર્ય લાંબો સમયટકી રહે છે. મોજાં ઓસરી જાય પછી અદૃશ્ય થઈ જતાં નથી. વિલાસરાવના ચાહકોને થતું. વિલાસરાવ જરા આગ્રહી, પોતાને આગળ ધકેલનારા હોત તો સારું થયું હોત. તેમનો અવાજ, તેમના વિચાર દૂર દરૂ વધુ લોકો સુધી પહોંચવામાં મદદ મળી હોત.
વિલાસરાવ નાના જૂથ સામે, નિશ્ચિત શ્રોતાઓ સામે પ્રભાવી બની રહેતા. પરંતુ મોટા જનસમુદાય સામે તેટલા પ્રભાવક નીવડતા નહિ. સભા ગજવવી, ભડકાવનારા ભાષણો કરવા વગેરે તેમની જાગીર ન હતી. ‘હું કહું છું તે સાંભળો, વિચાર કરો, ગળે ઊતરે તો જ સાકાર કરો.’ એવું આહ્વાન કરનાર માણસ નેતા ક્યાંથી થાય ?
વિલાસરાવ પાસેથી વિચાર લઈને, પ્રેરણા લઈને બાપુસાહેબ ઉપાધ્યે, અણ્ણાસાહેબ હજારે, પોપટરાવ પવાર, વિજય બોરાડે વગેરેએ પોતપોતાના કાર્યક્ષેત્ર સફળ રીતે ઊભાં કર્યાં. તેમને નામના મળી. પ્રસિદ્ધિ મળી. વિલાસરાવની મોટપ એ છે કે પોતાના વિચાર આ લોકો દ્વારા પ્રભાવક રીતે આગળ આવી રહ્યા છે, કહ્યા પછી તે તેમની પાછળ રહ્યા. પોતાના શ્રેય માટે મથામણ ન કરતાં તેમના કાર્યનું જાહેર રીતે ગૌરવ કર્યું. છેક દિલ્હીમાંય તેમના કામને પ્રસિદ્ધિ આપી. આજે આનંદરાપ પાટીલ સહિત અણ્ણાસાહેબ હજારે, પોપટરાવ પવાર ઇત્યાદિ કાર્યકરો ‘વિલાસરાવે જ અમને વૈચારિક દિશા આપી.. વૈચારિક નેતૃત્વ પૂરું પાડ્યું’ જેવા શબ્દોમાં ઋણ સ્વીકાર કરે છે.
આજ સુધી કોઈ પણ અર્થશાસ્ત્રીએ દુષ્કાળ નિવારણ અર્થે પ્રત્યક્ષ પ્રયોગ કરીને નિષ્કર્ષ રજૂ કર્યા ન હતા. અર્થશાસ્ત્રીઓનાં દુષ્કાળ પરના મત, નિષ્કર્ષ, રજૂઆત એ સંબંધિત ઇજનેરોએ, લોકોએ પૂરી પાડેલ આંકડાવારી આધારિત હતી, પુસ્તકિયા હતી. વિલાસરાવ તંત્રજ્ઞ હતા. દુષ્કાળ નિવારણ માટે તંત્રજ્ઞાન વાપરવાનો તેમનો પ્રયત્ન સફળ નીવડ્યો. પોતાને જે સમજાયું તે અર્થશાસ્ત્રી અને સમાજશાસ્ત્રીઓને સમજાયું ન હતું એવો થોડોઘણો તેમનો દુરાગ્રહ. તે પરથી તેમના કેટલાક જૂના સાથીઓ સાથે મતભેદ પણ થયાં.
સાદગીનું જીવનવ્રત
ગ્રામ્ય વિકાસના પ્રશ્ન તરફ વળ્યા પછી ઈ.સ. ૧૯૭૨થી વિલાસરાવની જીવનશૈલી પૂર્ણતઃ બદલાઈ ગઈ. તેમની વ્યક્તિગત જરૂરિયાતો તો મર્યાદિત હતી જ, પણ તે ધીમેધીમે અત્યંત સાદા થતા ગયા. સામાન્યો પૈકીના એક થઈ જવાનું જાણે તેમણે વ્રજ જ લીધું.
સામાન્ય ખેડૂતને, ગ્રામ્ય વિસ્તારના ખેતમજૂરને ક્યાં મોંઘી દવાઓ અને એ આપનારા ડૉક્ટરની ફી પોષાય છે ? એટલે વિલાસરાવ જડીબુટ્ટી દેશી વનૌષધીનો ઉપયોગ કરતાં.
ખૂબ પહેલાની, ૧૯૮૦-૮૧ની વાત. તે અને તેમના સાથી નાયગામના ખેતરમાં ઘાસ વાઢી રહ્યા હતા. સવારના પહોરમાં ઘાસ વાઢી રહ્યા હતા ત્યારે તેમની આંગળીએ વિંછીએ ડંશ દીધો. તેમની પાસે અણ્ણાસાહેબ શેણે ઘાસ વાઢી રહ્યા હતા. તેમણે વિલાસરાવને કહ્યું : ‘અણ્ણા વિંછીના ડંશ પરની દવા કહો.’
‘લો એકાદ ઇન્જેક્શન. આજકાલ હોય છે એવું કાંઈક.’
‘ઇન્જેક્શન નથી જોઈતું. ઝાડપાલાની દવા કહો.’
‘એની મને ખબર નથી. એ કરતાં ડૉક્ટર પાસે જાવ અને ઇન્જેક્શન લો.’
‘અણ્ણા, અત્યારે આપણી પાસે ગાડી છે, પૈસા છે એટલે શહેરમાં જઈને ઇન્જેક્શન લેવાનું પરવડશે. ગરીબ ખેડૂતને તે કેવી રીતે પોષાય ? એ શું કરે ?’
‘શું કરે ? ઘાસ વાઢવાનું મૂકીને ક્યાં જાય ? દુઃખ સહન કરતાં કામ કરતો રહેશે બિચારો.’
પછી વિલાસરાવે ત્યાર પછીના ચોવીસ કલાક વિંછીના ડંશની વેદના બિચારા થઈને સહન કરી.
એક વખત વિલાસરાવનો હાથ એકાએક કાંડાથી બાવડા સુધી સૂજી ગયો. એ હાલચાલ પણ કરી શકાતી ન હતી. તેમણે સાથીદારો પાસે ઝાડપાલાના ઔષધની તપાસ કરી. લક્ષ્મણ ખેડેકરે પુરંદર કિલ્લાની તળેટીમાં કોઈક એક માણસ આવી વ્યાધિ પર લેપ લગાવીને ઉપચાર કરે છે એમ સાંભળ્યું હતું. વિલાસરાવ ખેડેકરને લઈને તેની શોધમાં નીકળ્યા. એ જડીબુટ્ટીના જાણકાર દેશી વૈદે લેપ વગેરે લગાવ્યો. ખાસ તો એ ઇલાજ અસરકારક નીવડ્યો. સોજો ઊતર્યો. વિલાસરાવ એકદમ પ્રસન્ન થયા.
એ વૈદ રોજ પુણે જઈને ક્યાંક અગવડવાળા સ્થાને કોથળો નાંખીને પોતાનું દવાખાનું માંડતો. વિલાસરાવે તેને પુણેમાં જ સરસ જગા શોધી આપી. ત્યાં મૂકવા સરસ પાટિયું પણ બનાવી આપ્યું.
દાદીમાના બટવાનું વિલાસરાવને મહત્ત્વ લાગતું. કાર્યકર પ્રશિક્ષણ અભ્યાસક્રમમાં એ વિષય તેમણે સમાવિષ્ટ કર્યો હતો.
વિલાસરાવને ઘણાં વર્ષોથી ચામડીનો રોગ હતો. એ રોગ સુકાઈ જાય કે તેમની ત્વચામાંથી સ્રાવ ઝરતો. તેના કેટલીક વખત ચાઠાં પડી જતાં. ચહેરાની ત્વચા ખરાબ થવાથી દાઢી કરતી વખતે તકલીફ થતી. ‘ક્લીન શેવ’ કરી શકાતી ન હતી. તેને કારણે તે અડધી દાઢી રાખતાં. (‘ખેતી કાંઈ વગર પાણીએ કરી શકાય નહિ અને દાઢી વગર પાણીએ થતી નથી એટલે હું રાખું છું.’ એવું તે હસતા હસતા કહેતા.)
આ ત્વચારોગ પર ઇલાજ કરવા માટે ઘણાં વર્ષ જુદા જુદા ઇલાજ કરતા થયા. અનેક ડૉક્ટરો પાસેથી સારવાર લીધી. કલ્પનાબહેને ખૂબ આગ્રહ કર્યો ત્યારે તે એલોપથીનો ઉપચાર કરાવવા તૈયાર થયા. પુણેના ડૉ. ધારપુરેની દવા લાગુ પડી. એ તકલીફનો અંત આવ્યો.
સામાન્ય ખેડૂતને ત્યાં નહાવા માટે ગરમ પાણી મળે છે ? તો આપણેય પરોઢિયે ઊઠીને ઠંડા પાણીથી જ સ્નાન કરવું. બારેય મહિના, એની પાસે ક્યાં ભારે ભારે, ભરપૂર કપડાં હોય છે ? આપણેય સાદા સુતરાઉ, સફેદ કપડાં અને થોડા જ વાપરવા.
વિલાસરાવના કપડાની અભરાઈ તદ્દન સાદી, થોડાં જ કપડાંની. એના એ જ કપડાં તે જાતે ધોઈને, ઇસ્ત્રી કરીને વાપરતાં. ફાટીબાટી જાય તો રફુ કરતા. પરંતુ ના કહીએ છતાંય તેમને ગણવેશ ગમતા. તેમણે કારખાનાના કર્મચારીને, તાલીમાર્થીઓને, ‘પાણી પંચાયત’ના કાર્યકરોને ગણવેશ પહેરવા ફરજિયાત બનાવ્યો. કારખાનામાં હતા ત્યારે તે પોતેય તેનો ઉપયોગ કરતા. એ બાબતમાં કોઈનેય છૂટ ન હતી. તે લશ્કરમાં ગયા નહિ, પણ ગણવેશનો શોખ માત્ર તેમણે આમ પૂરો કર્યો.
સામાન્ય ખેડૂત ક્યાંથી પ્રથમ શ્રેણીમાં અથવા આરામગાડી દ્વારા નહિ તો પોતાની વાતાનુકૂલિત ગાડી દ્વારા પ્રવાસ કરે ? એ સાદી એસ.ટી. દ્વારા નહિ તો દ્વિતીય શ્રેણીના ડબામાં જાય. વિલાસરાવ પણ તેમ જ કરતા. પોતાના પૈસે દુનિયાભરમાં ગમે ત્યાં વિમાન દ્વારા જવાનું આર્થિક સામર્થ્ય હતું, પરંતુ વિલાસરાવ એસ.ટી. અથવા દ્વિતીય શ્રેણીના રેલવે ડબ્બા દ્વારા જતા. સરકારી સમિતિઓનાં સદસ્ય તરીકે પ્રવાસ કરતી વખતે અને ઉપરથી તે માટેનું ભથ્થું લેતા ન હતા. હૃદયરોગ તકલીફ આપી રહ્યો છે. હવે તો તેમણે આરામદાયક પ્રવાસ કરવો જોઈએ એવો કલ્પનાબહેન આગ્રહ સેવતાં. વિલાસરાવ એ વાત માનતા ન હતા. પરોઢિયે ઊઠે. પ્રાતઃકર્મ થાય કે તે સીધા ચાલતા બંગલાના વાડામાંથી બહાર નીકળતાં. બસ સ્ટેન્ડની દિશાએ ચાલતા હતા. બહુ તો રિક્ષા કરાવતા. બાળકોની ગાડીની રાહ ન જોતા. એસ.ટી.માં ચડ્યા કે જગા ખાલી હોય તો જ બેસતા. કોઈક ઊભા થઈને પોતાની જગા તેમને આપે તો બેસતા ન હતા. ઊભા ઊભા જ પ્રવાસ કરતા. ખિસ્સામાં કેટલા પૈસા છે એ ય કેટલીક વખત તેમને ખબર ન હોય. ક્યારેક ટિકિટ માટે પૈસા ખૂટે પણ પુરંદર ભાગના ઘણાખરા પ્રવાસીઓ અને કન્ડક્ટર વિલાસરાવને ઓળખતા હતા. કોઈક ને કોઈક ત્યાં ઓળખતું હોય જ. એ ખૂટતાં પૈસા આપતું. કન્ડક્ટર તેમને જ્યાં ઊતરવાનું હોય ત્યાં તેમની અનુકૂળ જગાએ ગાડી ઊભી રાખતા.
‘તમે સહુ શ્રેયના ભાગીદાર !’
વિલાસરાવે ક્યારેય પૈસાની ચિંતા કરી નહિ અને ક્યારેય તેના મોહમાં પડ્યા નહિ. તેમને અનેક પુરસ્કાર મળ્યા. તે બધા પૈસા તેમણે ‘ગ્રામગૌરવ પ્રતિષ્ઠાન’ને આપ્યા અથવા પાણી ખેતી પ્રશ્ન માટે મથામણ કરતા કાર્યકરોને આપ્યા. પોતાને માટે તેમાંની એક પાઈ પણ રાખી નહિ. સામાન્ય હમાલ, ખેતમજૂર, છેવાડાનો એકાદ કાર્યકર કોઈ પણ હોય, તેમને ઓળખતો હોય, ન હોય તે તેને મદદ કરતા. પુરસ્કાર મળ્યા પછી હારતોરા પહેર્યાં નહિ અને પોતે આપેલી મદદની પ્રસિદ્ધિ તો શું પણ સામાન્ય ચર્ચા સુધ્ધાં ક્યાંય કરી નહિ.
સ્વીડનનો પુરસ્કાર મળ્યા પછી તેમણે તે માનચિહ્નની પ્રતિકૃતિ તૈયાર કરાવી લીધી. તેની ઉપર મરાઠીમાં લખાણ કોતરાવ્યું અને તે ‘પાણી પંચાયત’ના કાર્યકરોને વહેંચી કહ્યું : ‘આ તમારું શ્રેય.’ અનેક કાર્યકરોએ તે પ્રતિકૃતિ પોતાના ઘરના મંદિરમાં ગોઠવી.
પેટ્રોલ મોંઘું થયું. તે સાથે વિલાસરાવ આસપાસ જવા માટે સાઇકલ વાપરવા લાગ્યા. પણ કોણ જાણે કેમ તેમને સાઇકલ ફળતી ન હતી. તેમની સાઇકલ શાળેય જીવનથી ચોરાઈ જતી આવેલી. તેમની સાઇકલની જેમ ચોરોને તેમની એ ચંપલોય ખૂબ ગમતી. એ હંમેશાં ચોરાઈ જતી તેનું તેમને ખૂબ દુઃખ થતું.
ઈ.સ. ૧૯૮૦-૮૧માં મુંબઈમાં મરાઠી વિજ્ઞાન પરિષદે પાણી પ્રશ્ને પરિષદ આયોજિત કરી હતી. વિલાસરાવનેય આમંત્રણ હતું જ. પરિષદનો કાર્યકર્મ ચાલુ હતો ત્યારે જ બરાબર ધોધમાર વરસાદ પડ્યો. પરિષદ પૂરી થયા પછી રાતે ઘેર જતી વખતે રસ્તામાં એક કીચડવાળા સ્થળે વિલાસરાવની એક ચંપલ ક્યાંક નીકળી ગઈ. અંધારામાં એ કાંઈ દેખાય નહિ. બીજા દિવસે સવારે જ મરાઠી વિજ્ઞાન પરિષદના કાર્યકર રાજીવ વર્તક તેમને મળવા તેમના ઘર તરફ નીકળ્યા. જુએ છે તો વિલાસરાવ એક નાનકડી લાકડીથી કાદવમાં કાંઈક ફંફોસી રહ્યા છે. ‘શું શોધો છો ?’ પૂછ્યું તો વિલાસરાવે કહ્યું : ‘કાલે રાતે અહીં જ ક્યાંક મારી ચંપલ ખોવાઈ ગઈ છે.’ મુંબઈમાં ગલીએ ગલીએ જોઈએ એવી ચંપલો મળવાની સુવિધા હોવા છતાં વિલાસરાવ તે જ ચંપલ માટે આટલા આકુળવ્યાકુળ કેમ થયા, એ વર્તકને કેવી રીતે સમજાય ?
સ્વાવલંબી થઈ શકાય એટલે...
પોતાના ભોજન માટે બીજા પર આધાર રાખવો પડે છે, એ સ્વાવલંબી વિલાસરાવને ગમતું ન હતું. પોતાને કાંઈ નહિ તો ચા બનાવતાં તો આવડવી જોઈએ એટલે તે ચા બનાવતાં શીખ્યા. ચા બનાવતા આવડી ગયા પછી એ બધા માટે બનાવવા લાગ્યા. ઘરનાઓને, નોકરચાકરોને, વાહનચાલકને સહુને તેમના હાથની ચા મળતી. પોતા પૂરતી ચા બનાવવી તેમને સ્વીકાર્ય નહોતી. પોતાના આહારમાં તેમણે ખાંડનું પ્રમાણ ખૂબ ઓછું કર્યું હતું. ચાના કપમાં ઉપરથી માંડમાંડ અડધો ચમચો ખાંડ લેતા કહેતાં, ‘એક ચમચો ખાંડ તૈયાર થવા માટે બે ડોલ પાણીની જરૂર પડે છે.’
બાળપણથી વિલાસરાવને દૂધભાત પ્રિય. પૂરણપોળી, બેસનના લાડુ ખૂબ ગમતાં, પણ તે પદાર્થ તેમણે ત્યજ્યા, કારણ ડાંગર, શેરડી પાકને અનહદ પાણીની જરૂર હોય છે ! ચટણી-ભાખરી જ તેમને ગમતાં. જુવારને કેટલું ઓછું પાણી જોઈએ ! જિરાયત ખેડૂતને એ પાલવે છે, જિવાડે છે. તેને કારણે જુવાર જેવા અનાજનું તેમની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ, અગ્રસ્થાન.
સવારના શિરામણ માટે તેમને દહીં-ચટણી, ભાખરી ચાલતી. પછી એ ભાખરી ટાઢી કેમ ન હોય. બહારગામ નીકળે કે કલ્પનાબહેન ચાર દિવસની ભાખરી અને ચટણી બાંધી આપતાં. એ ભાથું ઘણુંખરું પહેલા જ દિવસે પૂરું થથું કારણ સાથએના બધાયને ટુકડો ટુકડો ભાખરી ને ચટણી વિલાસરાવ પ્રસાદ તરીકે વહેંચતા.
ગામ જતી વખતે ક્યાંક મુકામ હોય, કોઈક ગરીબની ઓસરી પર રાત કાઢવાનો વખત આવે તો તે માડીને તકલીફ ન થાય એટલે વિલાસરાવ જુવારનો લોટ, મરચું-મીઠું વગેરેની પોટલી સાથે રાખતા. ચાર ભાખરી બનાવી આપવા કહેતાં. આ ચટણી-ભાખરીનું ખાવાનું પીરસવા તેમને થાળીની જરૂર પડે અથવા બેસવાને અનુકૂળ જગાની જરૂર હોય એવુંય નથી. હાથ ઉપર ભાખરી લઈને તેની ઉપર ચટણી મૂકીને ચાલતા ચાલતાય ખાતા. ક્યારેક કોઈક પીઠલું બનાવી આવે તો મીજબાની જ. તે સાથે સાદી એવી કામળીનો બિસ્તરો પણ રાખતા. એ પાથરીને ગમે ત્યાં સૂઈ જતા. આ બિસ્તરો રેલવેના દ્વિતીય શ્રેણીના શયનયાનમાં પણ ચાલતો.
કોઈકે પોતાને ભાખરી બનાવી આપવી પડે છે એ તેમને ખટકતું. ખળદમાં મુકામ હોય ત્યારે લક્ષ્મણ ખેડકર કે તેમનાં પત્ની ભાખરી બનાવી આપતાં. આ બાબતમાં પણ કાર્યકરે સ્વાવલંબી હોવું જ જોઈએ એટલે વિલાસરાવે ભાખરી બનાવતાં શીખવા ઠરાવ્યું. જ્ઞાન મેળવવાનું પ્રથમ પગથિયું નિરીક્ષણ. વિલાસરાવ ત્યાર પછી ત્રણ મહિના સુધી ખેડકર ભાખરી કેવી રીતે બનાવે છે તેનું નિરીક્ષણ કરતા હતા.
એક ભાખરી માટે કેટલો લોટ, પાણી લે છે, એ લોટ ગુંદે છે કેવી રીતે, ટીપે છે કેવી રીતે, તવા ઉપર ભાખરી કેવી રીતે નંખાય છે, એની ઉપર પાણી કેવી રીતે, કેટલું ફેરવવું, એને ઊલટાવવી કેવી રીતે, તે સમયે ચૂલામાં તાપ કેટલો જોઈએ, એ અંગારામાં શેકવી કેવી રીતે... ભાખરી બનાવવાની પ્રક્રિયાને તેમણે ઝીણવટપૂર્વક ખાસ્સા દિવસ અભ્યાસ કર્યો.
પછી તે જાતે ભાખરી બનાવવા બેઠા. પહેલા જ દિવસે ભાખરી તવા ઉપર નાંખતી વખતે તપેલા તવાનો કાંઠાના ચટકો કાંડા નીચે બેઠો. ઉપાય ? ભીનું કપડું કાંડાથી કોણી સુધી વિંટાળ્યું. થોડા દિવસમાં જ ભાખરી બનાવવાની વિદ્યા તેમને સાધ્ય થઈ... અને ભાખરીનું ગણિત પણ. કેટલા લોટમાં કેટલું પાણી નાંખ્યા પછી કેટલા વ્યસની, કેટલા ગેજની ભાખરી થાય છે એને સચોટ અંદાજ આવ્યો. ‘ઍક્યુરેટ પ્રોડક્શન’. પછી આવી કેટલી ભાખરી એક માણસને દિવસ માટે જોઈએ ? એ માટે વર્ષભર માટે કેટલો લોટ જોઈએ ? એટલે કેટલી જુવાર પકવવી પડે ? એટલી જુવાર પકવવા માટે કેટલી જમીન જોઈએ...? આ બધાનો હિસાબ તેમણે માંડ્યો.
ઘઉં-ડાંગર જેવા પાકને ખૂબ પાણીની જરૂર હોય છે. તેને રાસાયણિક ખાતર નાંખવા પડે છે. જંતુનાશક દવા છાંટવી પડે છે. તેથી ઊલટ ઓછા પાણીમાં અને રાસાયણિક ખાતર વાપર્યા વગર સંરક્ષક સિંચાઈ આધારે જુવાર, નાગલી જેવા બરછટ અનાજનું ઉત્પાદન વધારી શકાય. ઘઉં-ડાંગરના પાકનો ચારો જનાવરોને મળતો નથી. બરછટ અનાજના સાંઠા ઉત્તમ પશુખોરાક બની રહે છે. આવી આ જુવાર લોકપ્રિય બનાવવી જ જોઈએ.
પ્રયોગોનું સાતત્ય
ઈ.સ. ૨૦૦૦ના જાન્યુઆરી મહિનામાં ચિકોત્રા યોજના નિમિત્તે તેમણે પાણી પરિષદ આયોજિત કરી. એ પરિષદમાં તેમણે જુવારની ભાખરીને લોકપ્રિયતા અપાવવા યુક્તિ કરી. પરિષદોમાં શિરામણ માટે મોટેભાગે બ્રેડ-સેન્ડવિચ વહેંચવામાં આવે છે. આખરે ભાખરી-સેન્ડવિચ વહેંચીશું એમ નક્કી થયું !
પછી સેન્ડવિચ બનાવવાની દૃષ્ટિએ તેમના પ્રયોગ શરૂ થયા. માખણ, દહીં, સોયા બટર, ટોફૂ વગેરે ચોપડીને તેની પર ચટણી મૂકીને સેન્ડવિચ નમૂના થયાં. તેની ઉપર ચર્ચા-વાદવિવાદ વગેરે થયાં. અંતે ભાખરીના ટુકડા પર દહીં ચોપડીને તેની ઉપર સિંગદાણાની સૂકી ચટણી ભભરાવીને, તેની ઉપર બીજો ટુકડો દાબીને ગોઠવ્યા પછી એ સરસ સેન્ડવિચ થાય છે એ અંગે સહમતી થઈ.
પરિષદમાં અંદાજે અઢીસો પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે એવો અંદાજ હતો. તેટલાને પહોંચે એટલી સેન્ડવિચ તૈયાર કરવાનું થયું જ.
પરિષદના દિવસે વહેલી સવારથી જ સાળુંખેના બંગલામાં પાંચ-સાત સ્ત્રીઓ ગૅસની સગડીઓ, ચૂલા પર ભાખરી બનાવી રહી હતી. એ ભાખરીઓના એક ઉપર એક ગોઠવી શકાય એવા પ્રમાણસર ત્રિકોણ ટુકડા તૈયાર કર્યા અને સિંગદાણાની ચટણી વાપરીને ભાખરી સેન્ડવિચ બનાવી. તે એક ઉપર એક ગોઠવી તેના ઢગલા કર્યા. વાંસની ટોપલીમાં તે ગોઠવ્યા. કલ્પનાબહેન પોતાની દીકરી-વહુઓ સાથે એ ટોપલીઓ લઈને ભારતી વિદ્યાપીઠના પ્રાંગણમાં સભાસ્થાને ‘નાસ્તાના સમયે’ હાજર થયાં.
આ ભાખરી વિલાસરાવને એવી વળગી હતી કે કોઈ પણ ચૂલો, સગડી, સ્ટવ વગેરે દેખાય છે. ‘આની ઉપર ભાખરી તમતમતી શેકી શકાય કે ?’ એ પહેલો સવાલ પૂછતા. શ્રી કાકા-ચૌહાણે ઇકોફ્રેન્ડલી ‘વનજ્યોતિ’ ચૂલો બનાવ્યાં. તેની ખ્યાતિ સાંભળીને પર્યાવરણ ખાતાના મંત્રી સુશ્રી મેનકા ગાંધીએ તેમાં રસ લીધો. તેમણે ચૌહાણ પાસે બે કરોડ ચૂલાની માંગણી નોંધાવી. વિલાસરાવે ‘વનજ્યોતિ’ જોયા પછી ચૌહાણને પૂછ્યું, ‘આની ઉપર ભાખરી શેકી શકાય ને ?’ તે સમયે તેઓ નાસિક ગયા હતા. ત્યાં તેમણે ત્રીસ-ચાળીસ ચૂલાનો કેવળ કુતૂહલવશ અભ્યાસ કર્યો.
પ્રકરણ ચૂલા પર પૂરું થયું નહિ.
ભાખરી માણસના પેટમાં ગયા પછી ? વિષય ત્યાં જ કેવી રીતે પૂરો થાય ?
એક માણસને વર્ષભરમાં ૨૦૦ કિ.ગ્રા. જુવાર, ૬૦ કિ.ગ્રા. શાકભાજી અને ૪૦ કિલો કઠોળ જરૂરી હોય છે. આવો હિસાબ તેમણે પોતાના નિરીક્ષણ દ્વારા અભ્યાસ દ્વારા તારવ્યો હતો. આટલું અનાજ પકવવા માટે ત્રણ ગુંઠા જમીન પૂરતી હતી. પછી તેના માટે ખાતર જોઈએ. એ વેચાતું શા માટે લાવવું ?
એક માણસની એક દિવસની એકંદર વિષ્ટા આશરે ૪૦૦ ગ્રામ. તેમાં ૧૦૦ મિ.લી. માનવમૂત્ર અને ૫૦૦ ગ્રામ માટી ભેળવીએ કે લગભગ એક કિ.ગ્રા. ખાતર રોજ તૈયાર થઈ શકે. એટલે વર્ષભરમાં આશરે ૩૦૦ કિલો નક્કી જ.
આ વિષ્ટા વાપરી શકાય એ માટે વિલાસરાવે એક ખાસ શૌચકૂપ તૈયાર કર્યો. આમાં માનવ વિષ્ટા અને મૂત્રની અલગ વિભાજણી હતી. વિષ્ટા જુદી કાઢીને એ માટી, સૂકાં પાંદડાંનો કચરો ઇત્યાદિની મદદથી તે એક ડોલમાં ભેગા કરતા. ખળદમાં તે રહેતા હતા તે ઓરડીમાંના ખૂણામાં એ ડોલ ઢાંકી રાખેલી હતી. તેની લગીરેય દુર્ગંધ આવતી ન હોવાથી, તે કહે નહિ ત્યાં સુધી કોઈકને એ ડોલ વિશે ખબર પડતી નહિ.
આ શૌચકૂપ વિશે અને પછી ભરપૂર યુરિયા ખાતર આપનારી ખાસ મુતરડી વિશે તેમણે ‘પાણી પંચાયત’ પત્રિકામાં લેખ લખ્યા. ખળદ અને નાયગામમાં તેમણે તે ઊભી સુધ્ધાં કરી.
વિલાસરાવ પોતાના આહાર બાબત કેટલાક ધોરણ કઠોરપણે પાળતા. પોતાના પ્રાગંણમાં જે સહેલાઈથી ઉપલબ્ધ હોય, જે નૈસર્ગિક રીતે સહેલાઈથી મળે હોય તે જ ખાતાં. તે જ વિચાર તેઓ હંમેશા રજૂ કરતાં. ખળદમાં કે નાયગામમાં તે હોય ત્યારે આંગણાના મરચા, કોથમીર વગેરે વાટીને તાજો મસાલો તૈયાર કરતા. ઉપલબ્ધ હોય તે (આંગણાના અથવા ખેતરનાં) શાકભાજી, કઠોળ બાફીને રાંધતા. તેમાં એ મસાલો નાંખતા. ભાખરી સાથે ખાતાં. મીઠું અને તેલ આ બે વસ્તુઓ જ વેચાતી લેતા. પ્રવાસમાં હંમેશા ઘરનું જ સાદું એવું કાંઈક હોય. બહુ તો પાંઉ અને કેળા જેવા પદાર્થ વેચાતા લઈને ખાવાનું તે મોટેભાગે ટાળતા.
પુણેની આલિશાન ‘બ્લ્યૂ ડાયમંડ હોટેલ’માં કોઈક વિદેશી મહેમાનને મળવા સારુ અથવા એકાદ બેઠકમાં ચર્ચા માટે જવાનું થાય ત્યારે વિલાસરાવ ઘરેથી હંમેશની ચટણી-ભાખરી ખાઈને નીકળતાં. હોટેલમાં ખાતા-પીતા થનારા હાઈફાઈ સેમિનાર્સને તે મજાકમાં ‘સ્ટૉલ ફેડ સેમિનાર્સ’ કહેતાં. ત્યાંનું જમવાનું તે શખ્યતઃ ટાળતા.
ભેદભાવથી દૂર...
વિલાસરાવ પાસે નાના-મોટા, ધનવાન-ગરીબ જેવા ભેદભાવ ન હતા. સહુ માટે સમદૃષ્ટિ, સમભાવ. સામેની વ્યક્તિ કોણ છે એ જોઈને તેઓ વર્તતા ન હતા. એ સહુને પોતાના હાથની ચા નહિ તો ભાખરી-ચટણી આપતાં. અણ્ણા હજારેથી માંડીને સહુને તેમના હાથની ચા, બોરની ભૂકી, મહુડાની ભૂકી કેટલાં બધાં લોકોને મળી હશે !
મળવા આવતા દરેક નવા વ્યક્તિની વિલાસરાવ આસ્થાપૂર્વક તપાસ કરતા. એને માટેની પોતાની સમજણ વધારતાં. મુશ્કેલી જણાય તો સમજી લેતાં. નાનાં બાળકો આવે તોય આત્મિયતાથી વિચારપૂછ કરતા.
વિલાસરાવ પાસે બેબોલાપણું ન હતું. નાયગામમાં અથવા ખળદમાં તેમની પાસે આવનારા ગ્રામ્યજનો અથવા કાર્યકરો પુણેમાં તેમને મળવા માટે તેમના બંગલે આવે તો તેટલા જ આદરથી, આત્મિયતાથી તેમનું સ્વાગત થયું. પછી વિલાસરાવ, કલ્પનાબહેન હાજર હોય કે ન હોય.
ગાડી લઈને આવનારા-જનારા ડ્રાઇવરને સુધ્ધાં વિલાસરાવ પ્રેમથી ‘ચા લેશો કે’ પૂછતા. પોતે તેની સાથે બેસીને પીતા. કંપનીની ગાડી બને ત્યાં સુધી તે વાપરતા જ ન હતા. જરૂરી હોય તો જ ડ્રાઇવરને આગલા દિવસે ‘આવતી કાલે ગાડી મળી રહેશે કે ?’ પૂછતા.
શરૂઆતથી જ તે જ્યાં જાય, ત્યાં સાથેના કર્મચારી સાથે, ડ્રાઇવર સાથે અને ‘પાણી પંચાયત’નું કામ શરૂ કર્યા પછી સામાન્ય ખેડૂત સાથે સમાનભાવે વર્તતા. વ્યસ્થાપકને ‘મારા માણસોની બધી સગવડ થઈ કે’ પૂછતાં. વિલાસરાવ સાથેના લોકોને ‘મારા માણસો’ કહેતા. તેને કારણે વ્યવસ્થાપક પણ સહુ સાથે નમ્રતાથી વર્તતા.
ગ્રામ્ય ખેડૂતોને બહારનાં સ્થળોનો પરિચય થાય, કારખાના, બંધ, અન્ય યોજનાની જાણકારી તેમને મળે, તેથી પસંદ કરેલા ખેડૂતોને લઈને તે મહારાષ્ટ્રમાં, મહારાષ્ટ્ર બહાર ફર્યા. ઠેકઠેકાણે તેમને લઈ ગયા. પ્રવાસમાં તે સહુની સંભાળ લેતાં, વ્યવસ્થા જોતાં. બધી રીતે તેમને સમજાવતા. તેમનામાં જ એક થઈને રહેતા. સાદી-સરળ ભાષામાં સંત વાઙમયના દાખલા આપતા. તેમનું પ્રબોધન કરતાં. એ વખતે તેમની જીભ ઉપર સંત તુકારામના અભંગ અને સંત તુકડોજી મહારાજની ગ્રામગીતા રમતી.
બળ બુદ્ધિ વેચુનિયા શક્તિ । ઉદક ચાલવાવે યુક્તિ ।
નાહીં ચળણ તયા અંગી । ધાવેં વલણમાગે વેગીં ।
પાટ મોટ કળા । ભરીત પખાળા સાગળા ।
બીજા જવાસી ધાવેં । તુકા મ્હણે તૈસે વ્હાવે ।।
(બળ બુદ્ધિ અર્પીને શક્તિ । પાણી વાપરવું વિવેકથી ।
નહિ ડગશે એના અંગ । દોડતું મીઠાં પાછળ રીંગણ ।।
નહેર, કૉશ કળા । ભરીને પખાલ સુંવાળા ચામડાની ।।
બીજ અનાજનો પોકાર । તુકા કહે તેવા થવું ।।)
આ અભંગ તો તેઓ નિત્ય વાપરતાં જ. પણ પાણી પંચાયતનોય એક ખાસ અભંગ હતો.
પાણલોટ ક્ષેત્રાચા કરુયા વિકાસ ।
બીજ રુજવૂનિ સજવુ યા નિસર્ગ ।।
પાણી સાઠવુની વાટુ યા સમાન ।
દુષ્કાળાચા કરુયા સુકાળચિ સર્વત્ર ।।
(જળસ્ત્રાવ ક્ષેત્રનો કરીશું વિકાસ ।
બીજ વાવીને સણગારીશું સૃષ્ટિ ।।
જળસંગ્રહ દ્વારા વહેંચીશું સમાન ।
દુષ્કાળનો કરીશું સર્વત્ર સુકાળ ।।)
અને પછી તો શહેરી વિસ્તારમાં જ નહિ પણ સરકારમાં અધિકારીઓને પત્રો મોકલતી વખતેય તે સંત વાઙમયનાં ઉદાહરણો આપતાં. તેમનો વાક્સંપ્રદાય ગાથામય બન્યો હતો.
દીકરાઓના હાથમાં ઉદ્યોગ સોંપ્યા પછી વિલાસરાવ ખેડૂતનગર (ખળદ)માં વધુ સમય રહેતા. અઠવાડિયામાં ત્રણ દિવસ પુણેમાં રહેતા. એકંદરે શહેરી અને ગ્રામ્ય ધોરણ વચ્ચેની વિશાળ ખાઈ તેમને અસ્વસ્થ બનાવતી. આવક અને ખર્ચ વચ્ચે તાળો મેળવતા મેળવતા લોથપોથ થઈ જનાર બહુજનસમાજ સંગઠિત થઈ શકતો નથી. તેને કારણે આ વર્ગે જ આગળ આવીને આ તફાવત દૂર કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. આ વિચારે તે પોતાની રીતે કાર્યમગ્ન હતા.
સંત તુકારામના માર્ગે...
ઈ.સ. ૧૯૮૫માં વેચાતા લીધેલા પ્લૉટ પર ઈ.સ. ૧૯૮૯ની આસપાસ કલ્પનાબહેને બંગલો બાંધવા લીધો.
પોતાનો બંગલો કેવો આકાર ધારણ કરે છે એમાં વિલાસરાવે રસ ન હતો, પણ બાંધકામ માટે તેમણે પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડીને આપ્યા. કલ્પનાબહેને પોતાના બધા બચતપત્રો, મુદતી થાપણ વગેરે વાપરીને ‘ચંદન’ બંગલો ઊભો કર્યો. વિલાસરાવ એ ગાળામાં પોતાના ઉદ્યોગધંધાને પૂર્વવત મજબૂતી મેળવી આપવામાં વ્યગ્ર હતા. એ જ વર્ષે વિક્રમનાં લગ્ન નક્કી થયાં. બંગલો પૂરો થતાં વહુએ (રાણીએ) આગ્રહપૂર્વક જીદ કરી સસરાને બંગલો જોવા આવવા ફરજ પાડી.
વૃદ્ધ નાનાસાહેબ અને આઈસાહેબ પણ સાંગલીથી હડપસર ‘ચંદન’માં આવ્યા. વર્ષભરમાં નાનાસાહેબનું નિધન થયું. વિશાળ ‘ચંદન’ બંગલામાંની સહુથી નાની ૧૦’ ટ ૧૦’ની રૂમ વિલાસરાવે પોતાના માટે પસંદ કરી. એક સાદું ખુરશી-ટેબલ, પુસ્તકનો ઘોડો, કપડાં માટે નાનું કબાટ, એક પલંગ અને ભીંત પર સંત તુકારામની છબી... એટલો જ સામાન એ રૂમમાં. ‘ચંદન’માં હોય ત્યારે તે આ જ રૂમમાં વધુમાં વધુ સમય રહેતા.
બે સ્થળોએ ફરતી વખતે તે થોડાઘણા અલિપ્ત, રુક્ષ થતા ગયા. અંતર્મુખ થયા. તેમનાં બાળકોય તેમના સ્વભાવમાંનો ફરક, આવેલો ભેદ અનુભવતા. તેમને માણસો ગમતા. કૌટુંબિક સમારંભમાંય તે જોડાતા. વખત આવ્યે ઘરમાં નોકરચાકર ન હોય તો ઘરકામમાં પણ બધી મદદ કરતાં. પરંતુ ખર્ચાળ સમારંભોમાં જવાનું કેવળ તે ટાળતા. પોતાના દીકરાનાં લગ્નમાં પણ તે આ કારણે થોડાઘણા અલિપ્ત હતા. તેમને સંભાળી લેતા કલ્પનાબહેનને ખાસ્સી કસરત કરવી પડતી. તેની તાણ આવતી જ. તેમાંથી પછી ક્યારેક વાત આગળ વધતી. પરિણતિ મૌનમાં થતી.
બંગલાની આસપાસ બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યારે વિલાસરાવને હૃદયરોગનો પહેલો આઘાત (૧૯૯૫)માં આવ્યો. તજજ્ઞોએ હૃદય ઉપર શસ્ત્રક્રિયા કરવાની સલાહ આપી. વિલાસરાવે શસ્ત્રક્રિયા કરાવવા ધરાર નકાર્યું. અનેક ડૉક્ટરમિત્રોએ, સંબંધી ડૉક્ટરોએ, ડૉ. સોનાલી સહિત સહુએ તેમને શસ્ત્રક્રિયા માટે સંમત કરવા પ્રયત્ન કર્યા. ‘સામાન્ય દર્દીને પરવડે તેટલી જ સારવાર હું કરાવી લઈશ.’ એ વાતે તે દૃઢ રહ્યા. પરંતુ તે વખતે તેમણે ડૉ. આર્નિશનાં પુસ્તકોનો અભ્યાસ શરૂ કર્યો. ‘આહારમાં અને જીવનપદ્ધતિમાં ફેરફાર કરીને હું હૃદયરોગ નિયંત્રણમાં રાખીશ.’ એવું સહુને આશ્વાસન આપ્યું. યોગાસનો, વૈદ્ય નાનલના આયુર્વેદિક ઔષધોનો આધાર લીધો. હૃદય ફક્ત ૪૦% કામ કરતું હતું. એ પરિસ્થિતિમાંય તેમણે અમરાવતી યવતમાલમાં આદિવાસીઓ માટેની ઉદવહન સિંચાઈ યોજનાઓ થાળે પાડવા, ‘પાણી પંચાયત’નું ખંડિત થયેલું પ્રકાશન ફરીથી ચાલુ કરવું, ઉચ્ચ ન્યાયાલયમાં જનહિત યાચિકા રજૂ કરવી, પંચવર્ષીય યોજનાના અભ્યાસજૂથનું કામ સંભાળવું, ચિકોત્રા યોજના માટેની દોડધામ કરવાનું ચાલુ જ રાખ્યું.
વિલાસરાવે હવે વધુ પ્રવાસ કરવો નહિ, કરે તો એકલાએ કરવો નહિ, આરામદાયક પ્રથમ શ્રેણીમાં કરવો એવો આગ્રહ કલ્પનાબહેન અવારનવાર કરતાં પણ એ ઝાઝુ કામ આવતું નહિ.
સંત તુકારામના માર્ગે એ નીકળેલા. એ જ સ્પષ્ટવક્તાપણું, એ જ પારદર્શકતા, પોતાની સાથે પ્રામાણિક રહીને એકલા થતા જવું... અલ્પિત થઈનેય તે વિરક્ત થયા ન હતા. બીજાને પ્રવૃત્ત કરતા જ હતા. માત્ર કશાયની આસક્તિ રહી ન હતી.
કલ્પનાબહેન કહેતાં, ‘જીવનની આખરે તે બુદ્ધિવાદી વર્ગ બાબતે થોડાઘણા નિરાશ થયા હતા. ભણેલા માણસો હાથ આવતા નથી. હાથ આવે તો ટકતા નથી.’ કહેતાં, ‘ખરું કામ કરનારા છે, તે સામાન્યજનોમાંના કાર્યકરો જ’ તેવો તેમનો અનુભવ હતો. તેને કારણે શહેરી સુશિક્ષિત માણસો માટે અતડાપણું આવ્યું હતું. કામની આત્યંતિક મથામણને કારણે તે થોડાઘણા જિદ્દી થયાનુંય તે પરિણામ હોવું જોઈએ.’
પોતે કહે છે તે યોગ્ય, ઉચિત હોવા છતાંય જોઈએ એટલું જલદી, ઉત્સાહભેર સ્વીકારવામાં આવતું નથી એનું તેમને દુઃખ હતું. સામાજિક કાર્યમાં આવનારી નિષ્ફળતાને વ્યક્તિગત નિષ્ફળતા ન માનવી જોઈએ એ તેમણે ધ્યાને લીધું નહિ. તેનું પરિણામ તેમની વૃત્તિ પર થયું. ઉત્તરોત્તર તે એકલા કોશમાં ગયા જેવા થયા. સંત વાઙમયમાં અધિક મગ્ન થયા. શહેરી લોકોથી દૂર ગયા જેવા થયા.
આ બધું કલ્પનાબહેન જોતાં હતાં પણ કાંઈ કરી શકતાં ન હતાં. વિલાસરાવના સ્વભાવની જાણ તેમના જેટલી કોને હોય ? તે પોતાની રીતે તેમની તબિયતની, હૃદયરોગ વિષયક સારવારની સંભાળ લેતા હતા. ઘરમાં પૌત્ર આવ્યા. તેમની સાથે રમવામાં માત્ર વિલાસરાવ ખોવાઈ ગયા.
ચિકોત્રા યોજના માટે ઉત્સાહ
ચિકોત્રા ખીણ યોજના કામ ચાલુ થયું અને વિલાસરાવ ફરી એક વખત જીદપૂર્વક ઊભા રહ્યા. આ પથદર્શક પ્રકલ્પ ઊભો કરવો એ માટે નવા જુસ્સા સાથે કામે લાગ્યા.
ચિકોત્રા ખીણમાં જનઆંદોલન થવાની તૈયારી હતી. ત્યાંની પ્રજાનો સંયમ ખૂટ્યો હતો. સરકારને જગાડવા માટે આનંદરાવ પાટીલ મુંબઈમાં ૧ એપ્રિલ ૨૦૦૨ના રોજ ઉપવાસ ઉપર બેઠા. લોકોએ ધરણા કર્યા. વિલાસરાવેય ત્યાં એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા. બી.જી. કોળસે-પાટીલ, આર. કે. પાટીલ ઇત્યાદિ સન્માનનીય લોકો ટેકો આપવા ત્યાં હતાં જ. સરકારે આપેલા આશ્વાસન પછી આનંદરાવે ઉપવાસ પાછા ખેંચ્યા.
૧૦ એપ્રિલના રોજ વિલાસરાવને છાતીમાં દુઃખવા આવ્યું. કલ્પનાબહેને તેમની એક પણ વાત સાંભળ્યા વગર તેમને હૉસ્પિટલમાં ખસેડ્યા. વિલાસરાવ શસ્ત્રક્રિયા માટે તૈયાર જ નહોતા. ડૉક્ટર પોતાની રીતે સારવાર કરતા હતા.
હિતેચ્છુઓ તેમને કહેતાં, ‘શસ્ત્રક્રિયા કરાવી લો. સાજા થાવ. સમાજને તમારી જરૂર છે.’ એનો તે જવાબ આપતાં, ‘સમાજને આપણી જરૂર નથી હોતી. આપણને સમાજની જરૂર હોય છે. હું કૃત્રિમ ઉપચાર દ્વારા જીવન શા માટે લંબાવું ? ઈશ્વરને મારી પાસે આટલું જ કામ કરાવી લેવું હશે, પછી ? મારા જવાનો સમય નજીક આવ્યો છે એ મને સમજાય છે. હું ગમે ત્યારે જવા તૈયાર છું.’
કોઈ પણ ખાસ અછોવાના વગર પાંચ દિવસ પસાર કર્યા. ૧૬ એપ્રિલના રોજ સવારે જ તેઓ પોતે પોતાની જવાબદારી ઉપર હૉસ્પિટલ છોડીને જતા હોવાનો પત્ર હૉસ્પિટલને આપ્યો. કપડાં બદલીને ઘરે નીકળવાની તૈયારીમાં કલ્પનાબહેનની રાહ જોતાં બેઠાં.... ‘ઘરે આવ્યા પછી હું બધી દવાઓ ફરિયાદ કર્યા વગર લઈશ.’ એવો તેમણે કલ્પનાબહેનને શબ્દ આપ્યો. કલ્પનાબહેન તેમને લઈને ઘરે આવ્યાં.
વિલાસરાવ ઘરે આવ્યા પછી તેમને મળવા સતત કોઈક ને કોઈક હોય જ. જૂના પરિચિત, સ્નેહી, કાર્યકર, અભ્યાસુઓ, સગાવહાલા....
ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરફથી (ટેરી) ‘પાણી પંચાયત’ ઉપર દસ્તાવેજી માહિતી ફિલ્મ તૈયાર કરવા માટે ફોટોગ્રાફર-દિગ્દર્શકની દોડધામ ચાલુ હતી.
‘રામભાઉ મ્હાળગી પ્રબોધિની’ તરફથી વાસ્તવદર્શી શિષ્યવૃત્તિ મેળવનાર શૈલેશ માળોદે ‘પાણી પંચાયત’ના અંતરંગ જાણવા તેમની મુલાકાત લઈ રહ્યા હતા.
સેન્દ્રિય ખેતીનો પ્રસાર અને પ્રચાર કરવા માટે શું કરવું જોઈએ, એ અંગે વિલાસરાવ કાર્યકરોને માર્ગદર્શન આપતા હતા.
આ બધું ચાલુ હતું ત્યારે જ વચ્ચે ક્યારેક છાતીમાં સણકો આવ્યો. એ સમયે તેમની ભાણી પાસે હતી. તેણે પૂછ્યું : ‘છાતીમાં દુઃખે છે કે ?’
‘હા.’
‘કેટલું ?’
‘સહન કરવા જેટલું.’
‘ખૂબ દુઃખવા લાગે તો શું કરો છો ?’
‘આંખો મીંચીને શાંત બેસું છું. મૃત્યુ ક્યારે આવે છે, તેની રાહ જોતો રહું છું. મારે એ ક્ષણ પકડવી જ છે. પણ બેટા, એ કાંઈ આવતી નથી ?’
ક્યારેક આ સણકો અસહ્ય બનતો. એને તે સહન કરતા કહેતા : ‘આવ્યો, સ્વર્ગે હાથ દઈને આવ્યો.’ તે પોતાની ભાણીને - સીમાને કહેતા, ‘આ શરીર ક્યારેક નહિ તો ક્યારેક છોડવું જ પડવાનું છે. એ પંચમહાભૂતનું છે. તેમાં જ એ ફરીથી વિલિન થશે. નિસર્ગ સાથે એકરૂપ થશે. નિસર્ગ સાથે પહેલા જ એકરૂપ થાવ. જોડાઈ જાવ.’
સકળ માઝી બોલવણ કરા ।
પરતોની ધરા જાવે તુમ્હી ।।
કર્મેધર્મે તુમ્હા અસાવે કલ્યાણ ।
દયા માઝે વચન આશીર્વાદ ।।
વાઢવુની દિલે એકચિયેં હાતીં ।
સકલ નિશઅચિતી જાલી તેથેં ।।
આતા મજ જાણે પ્રાણેશ્વરાસવે ।
મી માઝે ભાવે અનુસરલો ।।
(સહુ મારી વાત કરો ।
પાછાં ઘરે જાવ તમે ।।
કર્મેધર્મે તમારું કલ્યાણ થાવ ।
લો મારા વચન આશીર્વાદ ।।
વધારી આપ્યા એકલા હાથ ।
સકળ નિશ્ચિત થઈ ત્યાં ।
હવે ઈશ્વર પાસે મારું જવું ।
અંતરને અનુસર્યો હું મારા ।।)
વિલાસરાવ ભાગ્યવાદી ન હતા, પણ પોતાની મારફત થવા જેવું હતું તે પૂરું થયું છે એવું તેમને લાગતું હોવું જોઈએ. કલ્પનાબહેનને થતું - વિલાસરાવે ઔષધોપચાર શસ્ત્રક્રિયા કરાવી લેવી, પણ તેમની ઇચ્છા વિરુદ્ધ તેમની ઉપર ઇલાજ લાદવો માનસિક ત્રાસ બની રહ્યો હોત એટલે તે તેમ કરવું ટાળતા હતા. બસ જોતા રહેવું એટલું તેમના હાથમાં હતું.
લોભ વધારતાં મોડું થશે
ત્રીસ વર્ષ પહેલાં ઈ.સ. ૧૯૭૨માં વિલાસરાવની મોટરને અકસ્માત થયો હતો. પુણેથી મુંબઈ જતી વખતે ખંડાલા પાસે ગાડી ઊંધી પડી. ડ્રાઇવરને ખાસ્સો મૂંગો માર બેઠો. વિલાસરાવના ગળા પાસેનાં હાડકાં ભાંગ્યાં. અકસ્માતના સમાચાર સાંભળતા જ કલ્પનાબહેન ગભરાઈ ગયાં. ધાવણી સોનાલીને હૈયે ચાંપીને બોલ્યા : ‘પરમેશ્વર આમને બચાવ. લાંબું જીવન મળવા દો.... હું તેમના જીવન પર અધિકાર રજૂ કરીશ નહિ.’
વિલાસરાવ અને ચાલક બંનેય એ ભીષણ અકસ્માતમાંથી બચ્યા. પૂર્વવત કામે લાગ્યા. કલ્પનાબહેન સત્ત્વ પરીક્ષા આપતા રહ્યાં છેક આયુષ્યભર...
છેવટના પાંચસાત દિવસ તે શાંત હતા. કશાયનો અજંપો ન હતો. મુલાકાત આપતા હતા. કાર્યકરોને ભાવી કઈ યોજનાઓ બનાવવી તેનું માર્ગદર્શન આપતા હતા. તે પાશમુક્ત, નિરાસક્ત, અલિપ્ત થયા હતા એટલે તેમને કશાયનું દુઃખ પણ ન હતું. શાંતિથી ગયા. કલ્પનાબહેન લાગણીશીલ બની કહે છે : ‘તે તત્ત્વનિષ્ઠ હતા. બોલ્યા તેવું જ વર્ત્યા. હું જીદ કરીને તેમના સિદ્ધાંત તેમને તોડવા ફરજ પાડત તે યોગ્ય નીવડ્યું ન હોત. અમારે તે જોઈતા હતા; પણ તેમના મનને ત્રાસ ન થાય તેથી તેમનો નિર્ણય સ્વીકારવો આવશ્યક હતો... તે અમે સમજણપૂર્વક સ્વીકાર્યો.’
વાઢવિતાં લોભ હોઈલ ઉશીર ।
અવધીજ સ્થિર કરા કાયીં ।।
(લોભ વધારતાં થશે મોડું ।
દેહનો સમય જ સ્થિર કરો ।।)
૨૩ એપ્રિલ, ૨૦૦૨ના રોજ વિલાસરાવની પ્રાણજ્યોત બુઝાઈ ગઈ. માતુશ્રી દ્રૌપદીબહેન (ઉ. ૮૭ વર્ષ) હયાત છે. તે પોતાના આ જ્યેષ્ઠ પુત્ર વિશે કહે છે : ‘મારી કૂખે ભગવાન જન્મ્યો હતો. એ પુણ્યસંચયનાં કામો કરીને ગયો.’