ભગીરથના વારસ
૧. પગલાંનો સંકેત
વીણા ગવાણકર
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
૧. પગલાંનો સંકેત
સાંગલી જિલ્લાનું રાંજણી ગામ. આ ગામમાંથી ઘર દીઠ એક માણસ લશ્કરમાં જાય છે, એનો રાંજણીના રહેવાસીઓને ગર્વ છે. આ પરંપરાનું જતન કરનારા બળવંતરાવ ઉર્ફે નાનાસાહેબ સાળુંખે આ જ ગામના. તે સિપાઈથી આગળ વધતા વધતા સુબેદારપદ સુધી પહોંચ્યા અને ઈ.સ. ૧૯૪૭-૪૮માં લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા. ત્યાર બાદ વર્ષભરમાં જ પોલીસ ખાતામાં હવાલદાર તરીકે જોડાયા.
નાનાસાહેબ સાળુંખેનું પ્રથમ સંતાન વિલાસરાવ સાળુંખે. ૨૦ ફેબ્રુઆરી ૧૯૩૭નો જન્મ. નાનાસાહેબની બદલીવાળી નોકરીને કારણે વિલાસરાવનું પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોએ થયું. માધ્યમિક શિક્ષણના કેટલાંક વર્ષ બેળગામ-સાંગલીમાં, જ્યારે બાકી રહેલાં સોલાપુરમાં થયાં.
નાનાસાહેબને એકંદર સાત સંતાન. પાંચ દીકરા અને બે દીકરી. પરંતુ તેમને પોતાના મોટા દીકરા પાસે ખૂબ અપેક્ષા હતી. એ ભણી-ગણીને મોટો થાય, લશ્કરમાં માનભર્યા હોદ્દા પર નોકરી કરે, એમ તેમને થતું. વિલાસરાવ હતાય હોંશિયાર. દરેક પરીક્ષામાં તે ઉચ્ચ ક્રમાંકે પાસ થતા. તેમની અભ્યાસની રુચિ અને ભણવામાં ઝડપ શિક્ષકોના, નાનાસાહેબના ધ્યાનેય આવી હતી. બદલી ગમે ત્યાં થાય, નાનાસાહેબ દરેક સ્થળે તેમના રહેવાના ઘરમાં એક અલાયદો ઓરડો વિલાસરાવ માટે જુદો રાખતા. જમવા-ખાવાની બાબતમાં પણ તેમને અગ્રતા. છ ભાઈ-બહેનો એકતરફ અને વિલાસરાવ એકતરફ.
આમ જોઈએ તો હવાલદારના એકલાના પગારમાં આટલો મોટો સંસાર ચલાવવો મુશ્કેલ જ હતો. ઘરમાં ખેંચતાણ રહેતી જ. બાસાહેબ બે-ચાર દૂઝણાં ઢોર રાખીને દૂધનો ધંધો કરતા. સાઇકલ પર જ પરોઢિયે વારા ભરવાનું કામ વિલાસરાવ કરતા. એક વખત શાળાનું વર્ષ પૂરું થતાં પહેલાં જ નાનાસાહેબની બદલી થઈ. વિલાસરાવની સગવડ પોતાના મિત્રના ઘરે કરીને તે બદલીના ગામે ગયા. એ ઘરમાં નાનું બાળક હતું. એ ગૃહણીનું બધું ઘરકામ પતી જાય ત્યાં સુધી વિલાસરાવ બાળકને સંભાળતા. શક્ય હોય તે રીતે ગૃહકાર્યમાં મદદ કરતા, કામચોરી તેમને ગમતી ન હતી.
રાષ્ટ્રીય સાક્ષરતા યોજનામાં સહભાગી
વિલાસરાવ સોલાપુર ભણવા આવ્યા ત્યારે તે અંગ્રેજી છઠ્ઠીમાં હતા. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સાક્ષરતા યોજનામાં સહભાગી થવું, તે માટે ગ્રામ્ય વિસ્તારમાં જવું, એ અર્થવાળું આહ્વાનપત્ર તેમના વાંચવામાં આવ્યું. પોતાના મિત્ર અંત્રોળીકર અને રેળેકર સાથે તેમણે ચર્ચા કરી. સાક્ષરતા વર્ગ શરૂ કરવાનું નક્કી કરીને આ ત્રણે જણ સાઇકલો દ્વારા સોલાપુરના આસપાસનાં ગામોમાં ગયા. હિપ્પરગા, મુળેગામ ઇત્યાદિ ચાર ગામો પસંદ કર્યા. ત્યાં સાક્ષરતા વર્ગ ચાલુ કરવાના હેતુથી ત્યાંના સરપંચને મળ્યા.
ખરું તો આવા વર્ગ બે મહિના પહેલાં જ ચાલુ કરવાના હતા. આવા વર્ગનો સમયગાળો ચાર મહિનાનો હતો. એટલે હવે અભ્યાસક્રમ પૂરો કરવા માટે બે જ મહિના રહ્યા હતા, છતાંય તનતોડ પ્રયાસ કરવા એમ ત્રણે જણે ઠરાવ્યું.
એ પસંદ કરેલા એક ગામમાં વિલાસરાવ અને તેમના મિત્રો પહોંચ્યા. ત્યાં મંદિરમાં કેટલાક ગ્રામ્યજનો બેઠા હતા. થોડીઘણી આશંકા સાથે વિલાસરાવે પોતાનો મનસૂબો વ્યક્ત કર્યો. ખાસ તો સાક્ષરતા વર્ગ માટે એ ગ્રામ્યજનો તૈયાર પણ થયા, પરંતુ એક શરતે. સાક્ષરતા વર્ગ દિવસે ભરાશે નહિ. સાંજે મોડા, દિવસભરનાં કામો પતાવી દીધા પછી. ત્રણેય બાળ માસ્તર તે માટે તૈયાર જ હતાં. બીજા દિવસથી સાક્ષરતા વર્ગ ચાલુ થયા.
પહેલા જ દિવસે સાક્ષરતા વર્ગમાં પચાસેક ગ્રામ્યજનો હાજર હતા. આ બાળમાસ્તરોને વિદ્યાર્થી મળ્યા હતા, એ પોતાના પિતાની ઉંમરના !
આ પિતા સમાન વિદ્યાર્થીઓને મન આ સાક્ષરતા વર્ગનું કેટલું મહત્ત્વ હતું એનો અનુભવ એ પહેલા જ દિવસે થયો. સાક્ષરતા વર્ગ પતાવીને વિલાસરાવ પંચાયત ઘર બહાર આવીને જુવે છે તો તેમની ચંપલો જ ગાયબ. તુર્ત જ એક ગ્રામ્યજન ઝડપથી નીકળ્યો અને થોડી જ મિનિટોમાં બીજા એકને પકડીને લાવ્યો. એના હાથમાં વિલાસરાવની ચંપલો હતી.
આમ જોઈએ તો મહેમાનની ચંપલો ઉઠાવી જવાની વાત એ ગામ માટે નવી ન હતી. ગ્રામ્યજનો આવી ઘટનાની નોંધ પણ લેતા ન હતા. આવા ધંધા કોણ કરતું એય તે જાણતા હતા. પણ આ વખતે માત્ર આ મહેમાન ફરીથી આવે એ તેમની જ ઇચ્છા હોવાથી ચંપલ ચોરીની તુર્ત જ નોંધ લેવામાં આવી. સાક્ષરતા વર્ગ શરૂ કર્યા પછી કાળું પાટિયું, પાટી, પેન્સિલ વગેરે ખરીદવા માટે પૈસાની જરૂર હતી જ. સામાન્યપણે ત્રણસો એક રૂપિયા જોઈતા હતા. વિલાસરાવે ફાળો એકઠો કરવા નક્કી કર્યું. પહેલાં જ દાનવીર પકડ્યા એ જિલ્લાધિકારી... વિલાસરાવની આસ્થા અને ઉત્સાહ જોઈને જિલ્લાધિકારીએ તેમને પચાસ રૂપિયાની નોટ આપી. પછી પોતાના ઉપક્રમ વિશે એક લેખિત નિવેદન તૈયાર કરીને વિલાસરાવ અનેક જણને મળ્યા. ટૂંકા ગાળામાં જરૂરી ભંડોળ એકઠું કર્યું. થોડા સમયમાં જ એ સાક્ષરતા વર્ગની હાજરી પચાસ ઉપર ગઈ. વિલાસરાવના સાથી મિત્રોનો ઉત્સાહ શમી જતાં તે ગૂંચવાયા. પછી સમગ્ર વર્ગની જવાબદારી વિલાસરાવ પર જ આવી પડી. વિલાસરાવે જોરદાર પ્રયત્ન કરીને એ બે મહિનામાં પોતાના વિદ્યાર્થીઓને સાક્ષર કર્યા. લખવા-વાંચવાના પાઠની દીક્ષા આપી, શિક્ષણાધિકારીએ એ વર્ગની પરીક્ષા લીધી. સો ટકા પાસ ! તેમણે વિલાસરાવની પીઠ થાબડી.
આ અનુભવે તેમને ઘણું બધું આપ્યું. જવાબદારી સ્વીકારવી, ભંડોળ ઊભું કરવું, એ વાપરવું, અધિકારીઓ સમક્ષ પોતાની વાત રજૂ કરવી, લોકો સુધી પોતાની વાત પહોંચાડવી, અશિક્ષિતો સાથે સંવાદ સાધવો... સુશિક્ષિત વ્યક્તિ ગ્રામ્ય સમાજના વિકાસમાં મદદ કરી શકે, આ આત્માનુભવ ઘણું બધું કહેનારો, મનમાં ઊંડા મૂળિયા નાંખીને ઊગી નીકળનારો...
શાળાંત પરીક્ષાના પરિણામનું નાટક
વાર્ષિક પરીક્ષા નજીક આવી હતી. વિલાસરાવ પોતાના શાળેય અભ્યાસ તરફ વળ્યા.
તે સમયે (૧૯૫૪) શાળાંત પરીક્ષાનું પરિણામ વર્તમાનપત્રોમાં જાહેર થતું. પરિણામ જાહેર થવાની આગલી રાત્રે નાનાસાહેબ એક સ્થાનિક વર્તમાનપત્રના છાપખાનામાં ગયા. તેમણે ત્યાંના કર્મચારીને વિલાસરાવનો પરીક્ષા નંબર કહેવામાં કાંઈક ભૂલ કરી હશે, એટલે કહો કે પેલો કર્મચારી એ નંબર બરાબર શોધી ન શક્યો કહો, પણ વિલાસરાવનો નંબર એ યાદીમાં મળતો ન હતો.
નાનાસાહેબને આ મોટો આઘાત જ. તેમને જ નહિ, પણ વિલાસરાવના શિક્ષકોનેય વિલાસરાવ પાસે ખૂબ અપેક્ષા હતી. આ વિદ્યાર્થી હોંશિયાર છે, મહેનતુ છે એની ખાતરી હતી. નાનાસાહેબને પણ એમ જ હતું. પોતાનો દીકરો નાપાસ થયાનું દુઃખ હૈયામાં સંઘરીને બિચારા ઘરે આવ્યા.
આખીય રાત વિલાસરાવે પોતાને પોતાની ઓરડીમાં ગોંધી લીધા. વહેલા ઊઠનારા વિલાસરાવ સવાર થઈ છતાંય બહાર આવે નહિ. તેટલામાં રેળેકર, અંત્રોળીકર વગેરે દોસ્તો અખબાર ફરકાવતાં બૂમાબૂમ કરતા આવ્યા. વિલાસરાવ પરીક્ષા કેન્દ્રમાં બીજા નંબરે પાસ થયાનું કહેવા લાગ્યા. પણ બંધ દરવાજા પાછળથી વિલાસરાવ બહાર આવે જ નહિ. તે કાંઈ સાંભળવા તૈયાર જ ન હતા. ખાસ્સા મનામણા પછી તેમણે બારણા ઉઘાડ્યા. અખબાર વાંચીને ખાતરી કરી પછી પેંડાબેંડા વહેંચીને આનંદ ઉજવાયો.
શાળાંત પરીક્ષા થતા થતામાં નાનાસાહેબ વિલાસરાવને લઈને મુંબઈ ગયા હતા. વિલાસરાવને લશ્કરમાં ભરતી થવાની પરીક્ષા અપાવી હતી. એ તેમણે પાસ પણ કરી. શાળાંત પરીક્ષા સરસ રીતે પાસ થયા પછી આ લશ્કરમાં ભરતી થશે. એનો આનંદ પણ પેંડા વહેંચતી વખતે નાનાસાહેબને થતો હતો જ, પણ પરિણામ આવ્યા પછી વિલાસરાવે તેમને કહ્યું, ‘મારે આગળ ભણવું છે, એન્જિનિયર થવું જ છે. મારે લશ્કરમાં જવું નથી.’
લશ્કરમાં જવાનો ઇન્કાર
‘શા માટે લોઢા જોડે ઝીંક લે છે ? એ કરતાં લશ્કરમાં જા. સરસ મજાની નોકરી એ... મોટા હોદ્દા પર જઈશ.’ રાંજણી ગામનો આદર્શ પોતાનો દીકરો આગળ ધપાવે એટલે તેઓ એને સમજાવતા હતા. વિલાસરાવ એકના બે થતા ન હતા.
નાનાસાહેબે વિચાર કર્યો. દીકરો હોંશિયાર છે. સરસ શિક્ષણ મેળવશે. પછી એકદમ મોટા હોદ્દા પર લશ્કરમાં દાખલ થવામાં સરળતા રહેશે. તેમણે વિલાસરાવની વાત સાંભળી. આર્થિક ક્ષમતા ન હતી. છતાં અહીંથી તહીંથી પૈસા ભેગા કર્યા. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં નામ દાખલ કર્યું. તે માટે ખાસ પૅન્ટ-શર્ટ સિવડાવ્યા. પછી તે પુણે ગયા. પુણેમાં આવ્યા તો ખરા, પણ જમવું ક્યાં, રહેવું ક્યાં ? મુશ્કેલીઓ હતી જ. સરદાર ડફળે કોરેગામ પાર્કમાં રહેતા. તેમના આઉટ હાઉસમાં રહેવાની અને જમવાની સગવડ થઈ.
ફર્ગ્યુસન કૉલેજ - કોરેગાવ પાર્ક વચ્ચે દસ કિ.મી. અંતર હતું. વિલાસરાવ સાઇકલ પર આવ-જા કરતા. દિવસભરની આટલી તકલીફો પછી બંને વખત થાળીમાં પીરસાતી ભાખરી અને રીંગણાંનું શાક. તદ્દન માપસર, ત્યાંના નોકરચાકરો માટે આ જ ભોજન હતું તે જ વિલાસરાવને મળતું.
નાનાસાહેબના ઘરે ખેંચતાણ હોવા છતાં વિલાસરાવને ક્યારેય ખાવાપીવામાં તકલીફ પડી નહતી. તેમને ગમતો ખીમો, પૂરણ પોળી, બેસન લાડુ બાસાહેબ અવારનવાર રાંધતા. દૂધભાત વિલાસરાવને ખૂબ ગમતા. એ પણ તેમને નિયમિત મળતાં. પ્રસંગોપાત અન્ય ભાઈભાંડુ કરતાં તેમને વધુ લાડ લડાવવામાં આવતા. આ જાણવા છતાંય એ અંગે ભાઈભાંડુઓને ફરિયાદ ન હતી. આપણો દાદો (મોટો ભાઈ) હોંશિયાર છે. એ ખૂબ ભણીને મોટો થશે એવો તેમને વિશ્વાસ હતો. એમને ગુસ્સો આવે એવું એ ક્યારેય વર્તતા ન હતા.
આવા ઘરમાંથી આવેલા વિલાસરાવનો જીવ ભાખરી-રીંગણાના શાક અને સાઇકલ દોડાવીને કંટાળી ગયેલો, નાનાસાહેબ તેમને મળવા પહેલી વાર પુણે આવ્યા. ત્યારે વિલાસરાવે કહ્યું, ‘મને એક સ્ટવ અને થોડાં વાસણો લાવી આપો, મસાલા, સીધુ મોકલાવો. હું ઓરડામાં જાતે રાંધીને ખાઈશ.’
છાત્રાલયમાં વસવાટ
નાનાસાહેબે તેમ કર્યું. ફર્ગ્યુસન કૉલેજની પાછળ જ ભાઉરાવ પાટીલ છાત્રાલયમાં રૂમ અપાવી. વિલાસરાવનું કેમ ચાલે છે, એ જોવા નાનાસાહેબ બીજી વખત આવ્યા ત્યારે ત્યાં આનંદ જ આનંદ. ગમે તે રાંધીને વિલાસરાવ જેમતેમ ભૂખ ભાંગતા હતા. નાનાસાહેબનું હૈયું કકળી ઊઠ્યું. એ જઈને સીધા વાલચંદ હિરાચંદને મળ્યા.
સોલાપુર હતા ત્યારે દસેક વર્ષ પહેલા તેમણે વાલચંદ હિરાચંદને બંદૂક ચલાવતા શીખવ્યું હતું. તે વખતે તેમની સરસ ઓળખાણ થયેલી. વાલચંદે નાનાસાહેબને થોડી આર્થિક સહાય કરી. વિલાસરાવના રસોઈના પ્રયોગ બંધ થયા. ફર્ગ્યુસન કૉલેજના છાત્રાલયમાં તેમની બધી સગવડ થઈ.
ઈન્ટરની પરીક્ષામાં વિલાસરાવને ઉત્તમ માર્ક્સ મળ્યા. પુણે એન્જિનિયરિંગ કૉલેજમાં સહજ પ્રવેશ મળ્યો. આ વખતે બાસાહેબે પોતાના થોડા દાગીના વેચીને વિલાસરાવનો માર્ગ સરળ બનાવ્યો. નાનાસાહેબે થોડું કરજ પણ કર્યું.
એન્જિનિયરિંગ કૉલેજમાં તે વખતે શાળાના મિત્રો યશવંત ચિગદેરી, મારુતી રેળેકર વગેરે મળ્યા. ગ્રુપ જામ્યું. વિલાસરાવને નાનપણથી મેદાની રમતો ગમતી. હોકી પણ તે ઉત્તમ રમતાં. કૉલેજની હૉકી ટીમના તે કપ્તાન થયા. છોકરાઓ તેમને ગૌરવભેર ધ્યાનચંદ કહેતાં. તુર્ત જ તે કૉલેજના જિમખાના જનરલ સેક્રેટરી તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં.
વિલાસરાવે પદવી માટે ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગ શાખા પસંદ કરી. તેમનો શૈક્ષણિક પ્રવાસ ઉત્તર ભારતમાં જવાનો હતો. ભાખરા નાંગલ બંધ વગેરે જોવાના હતા. એ સમગ્ર પ્રવાસ લગભગ મફત જ હતો, પણ વિલાસરાવ તેમાં જોડાયા નહિ. નાહક આ જુઓ, તે જુઓ એમ સમય વેડફવાને બદલે કાંઈક જુદું જ કરીશ, એથી તે ગયા નહિ અને કહ્યા મુજબ એ એક મહિનામાં કરી પણ બતાવ્યું.
પોતાની કૉલેજ માટે સુંદર બગીચો તૈયાર કરવો એમ તેમણે નક્કી કર્યું, પણ એ જમીન હતી ખાડા-ટેકરાવાળી. ત્યાં જમીન વ્યવસ્થિત સમથળ થવી જરૂરી હતી અને એ કામ યંત્રોની મદદથી જ કરી શકાય એમ હતું. વિલાસરાવ બૉમ્બે સેપર્સના કાર્યાલયમાં ગયા. ત્યાંના અધિકારી પુણે એન્જિનિયરિંગ કૉલેજના જ માજી વિદ્યાર્થી નીકળ્યા. તેમણે વિલાસરાવને સર્વ મદદ આપવા સ્વીકાર્યું. વિલાસરાવે કુંડલિક નામના માળીને સાથે રાખીને બગીચાનો નકશો તૈયાર કર્યો. બાગ માટે ભંડોળ પણ એકઠું કર્યું. એકાદ મહિનામાં એક સુંદર બગીચો તૈયાર થયો. એ ‘સાળુંખેના બગીચા’ તરીકે જ ઓળખવામાં આવતો.
એન.સી.સી.ની શ્રમદાન શિબિરમાં ઉમંગભેર ભાગ લેનારો, કોઈ પણ જાતની શારીરિક મહેનત માટે તત્પર રહેનારો આ સાદોસીધો મિત્ર અન્ય કરતા નિરાળો જ છે એ વાત વિલાસરાવના મિત્રોને થોડીઘણી સમજાઈ હતી.
‘મેડિકલી અનફિટ’ વિલાસરાવ
એન્જિનિયરિંગના બીજા વર્ષમાં હતા ત્યારે વિલાસરાવ એક વિચિત્ર મુશ્કેલીમાં ફસાયા.
વાત એમ હતી કે એન્જિનિયરિંગના બીજા વર્ષના દસેક વિદ્યાર્થી લશ્કરમાં ભરતી થવાની પરીક્ષા માટે બેંગલૂરુ જવા નીકળ્યા. પહેલા વર્ગમાં મફત મુસાફરી, મફત જમવા-ખાવાનું, મફત આવાસની સગવડ, સ્વાભાવિક જ વિલાસરાવ પણ તેમાં સામેલ થયા. બધા મજા કરીને બેંગલૂરુથી પાછા આવ્યા. મજાની વાત એ હતી કે વિલાસરાવની લશ્કરી સેવા માટે પસંદગી પણ થઈ અને વિલાસરાવ આફતમાં ફસાયા. લશ્કરમાં તો તેમને જવું જ ન હતું. હવે ના કહે તો બધો ખર્ચ ભરપાઈ કરવાનો રહે. એટલા પૈસા લાવવા ક્યાંથી ? મોટી પંચાત થઈ. પછી ખૂબ વિચાર કરીને તે પ્રિન્સિપાલ શ્રી ગો. કે. ઓગલે પાસે ગયા. પોતાની વાત તેમણે પ્રામાણિકપણે તેમની સમક્ષ રજૂ કરી.
પ્રિન્સિપાલ સુદ્ધાં તેમના આ વિદ્યાર્થીથી પરિચિત હતા. તેમણે તેને ‘મેડિકલ અનફિટ’ કરાવવાની વ્યવસ્થા કરી આપી. વિલાસરાવ છૂટ્યા.
ફરી એક વાર લશ્કર આડે આવ્યું જ. ઇ.સ. ૧૯૫૯માં વિલાસરાવ એન્જિનિયરિંગ પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પાસ થયા. આનંદ છલકાઈ ઊઠે, હાથી પર બેસીને આખાય સાંગલીમાં પેંડા વહેંચાય એવો આ પ્રસંગ. પણ અહીં વિલાસરાવના સાંગલીના ઘરમાં દસબાર માણસોની ઉપસ્થિતિ હોવા છતાં ચોફેર કેવી નીરવ શાંતિ.
નાનાસાહેબ બેઠકમાં હોઠ બરાબર ભીંસીને ચૂપચાપ બેઠા હતા. એ ખૂબ જ ગુસ્સે થયા હતા. પૂરણપોળી બનાવવાનો વિચાર અર્ધેથી જ પડતો મૂકીને બાસાહેબ મોઢા પર પાલવ નાંખીને અંદરના ઓરડામાં ભીંત તરફ મોઢું રાખીને મૂંગાં પડી રહેલાં. આટલી મોટી પરીક્ષા પાસ થઈનેય આપણા દાદાનો ચહેરો ગૌતમ બુદ્ધ જેવો ગંભીર શાને, એ ભાઈ-ભાંડુઓને સમજાતું ન હતું. એટલામાં નાનાસાહેબ ગરજી ઊઠ્યા. ‘અરે, મારું સાંભળ. બરાબર વિચાર કર. આટલું સરસ ભણ્યો છે. હવે તારે મિલિટરીમાં જવું જોઈએ કૅપ્ટન, મેજર થઈશ. કેટલું ગૌરવ વધશે... મારી ઇચ્છા, મારો દીકરો કેવો, મેજર નહિ પણ કૅપ્ટનનો હોદ્દો મેળવે છે.’
‘ના. મારે મિલિટરીમાં જવું નથી.’ વિલાસરાવે શાંતિથી જવાબ આપ્યો.
‘આપણું રાંજણી ગામ શેને માટે પ્રસિદ્ધ છે એ ખબર છે ને ! હવે અમારા જ ઘરનો મોટો દીકરો લશ્કરમાં જવાની ના કહે છે ! આ યોગ્ય છે કે ?’ નાનાસાહેબે ખિન્નતાપૂર્વક કહ્યું.
‘મારે લશ્કરમાં નોકરી કરવી નથી.’
આખાય દિવસમાં આવો સંવાદ ચારેક વખત તો થયો હશે. બેઉ પોતાની વાતમાં એક પણ શબ્દનો ફેરફાર કરવા તૈયાર ન હતા.
સાંજે બેઠકમાં ખાસ્સા સમજુ લોકો ભેગા થયા. તેમાં મેજર, કર્નલ હોદ્દા પરથી નિવૃત્ત થયેલા અધિકારીઓ પણ હતા. રાંજણી ગામને તેમનું અને તેમને રાંજણીનું કેવું અભિમાન ! તેમણે વિલાસરાવને અનેક રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા, પણ વિલાસરાવ પોતાના જ નિર્ણય પર મક્કમ હતા.
પૂણે - સાંગલી અને ફરી પૂણે
અવાજ ખૂબ જ વધ્યો ત્યારે વિલાસરાવ ચૂપચાપ બહાર આવ્યા. સાઇકલને પેંડલ મારતા નીકળ્યા. એ જોઈને નાનાસાહેબે ખિન્નતાપૂર્વક કહ્યું, ‘આ જુઓ લોખંડ ઘસુ !’
પદવી મળ્યા પછી પુણેમાં ઇચ્છિત નોકરી મળતી ન હતી, એટલે વિલાસરાવ સાંગલી પાછા ફર્યા. ત્યાંથી વસંતદાદા પાટીલ સાથે છ મહિના રહ્યા. સવારે વસંતદાદા સાથે વિલાસરાવ તેમના કારખાને જતાં. દિવસભર તેમની સાથે રહેતા. એ ગાળામાં દાદાની અને સાકરના કારખાનાની કાર્યપદ્ધતિ તેમણે સમજી લીધી. ઉદ્યોગધંધા કેવી રીતે ચાલે છે તેનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું. નાનાસાહેબે વસંતદાદાનેય સ્વાતંત્ર્ય પહેલાના ગાળામાં બંદૂક ચલાવવાની દીક્ષા આપી હતી. એ પરિચયને કારણે જ વિલાસરાવને વસંતદાદાનો આ સહવાસ પ્રાપ્ત થયો. સ્વતંત્ર પરિચય થયો.
ઈ.સ. ૧૯૬૦માં શૈક્ષણિક સત્ર શરૂ થવાના અરસામાં વિલાસરાવ પુણે પાછા ફર્યા. એન્જિનિયરિંગ કૉલેજમાં લેક્ચરર તરીકે જોડાયા. કૉલેજના પ્રિન્સિપાલ શ્રી ઓગલે સાથે વિલાસરાવના સારા સંબંધો હતા. આ મહેનતુ, વિનયી, મૃદુભાષી, પ્રામાણિક વિદ્યાર્થીમાં પ્રિન્સિપાલને આસ્થા હતી. વિશ્વાસ હતો.
પ્રિન્સિપાલ ઓગલેને પોતાની ફાઉન્ડ્રી હતી. કોઈક કારણોસર એ ખોટમાં જતી હતી. કામદારોના પગાર પણ ચડ્યા હતા. તેનું હવે શું કરવું એ ચિંતામાં તે હતા. તેમણે વિલાસરાવને ફાઉન્ડ્રીમાં ધ્યાન આપવા વિનંતી કરી. લેક્ચર સાચવતાં થોડા દિવસ અને પછી પૂર્ણ સમય વિલાસરાવે ફાઉન્ડ્રીનું વ્યવસ્થાપન સંભાળ્યું. ત્યાર પછી સ્વતંત્ર ધંધો કરવાના ઇરાદે તુર્ત જ તેમણે નોકરી છોડી એ ગાળામાં તેમણે એક વિદ્યુત મોટર વાઇન્ડિંગ કરનાર વર્કશોપમાં પણ કામ કર્યું. પર્યાપ્ત અનુભવ મેળવ્યો અને ઈ.સ. ૧૯૬૦માં પુણેમાં જ ડેક્કન જિમખાના વિસ્તારમાં એક હોટલના ભોંયરામાં વિદ્યુત મોટર વાઇન્ડિંગની વર્કશોપ શરૂ કરી.
આ નવો વ્યવસાય શરૂ કરીને થોડા મહિના થયા ન થયા, ત્યાં જ પુણે પર આફત તૂટી પડી. ૧૧ જુલાઈ ૧૯૬૧ના રોજ પાનશેત બંધ તૂટ્યો. પુણેમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો. વિલાસરાવની વર્કશોપ પણ એ પૂરમાં તણાઈ ગઈ.
પાનશેતના પૂરથી હિત સધાયું
પુણે પર આવી પડેલી આ પૂરની આપત્તિ વિલાસરાવની બાબતમાં ઇચ્છા પૂર્ણ કરનાર નીવડી. બળેલી મોટરોની મરામત માટે અનેક ઠેકાણેથી તેમની પાસે પૂછપરછ થવા લાગી.
વિલાસરાવે તરત જ પુણેના નાના પેઠમાં જગા લીધી. પોતાની સાથે તંત્રજ્ઞ સહાયક તરીકે શ્રી પૂરણસિંગ અને કુશળ કામદાર તરીકે શ્રી પિંટોને રાખ્યા. વધુ ચાર કામદાર રાખ્યા. વિલાસરાવનું ‘બળવંત એન્જિનિયરિંગ’ જોશભેર ચાલુ થયું. તેમણે પછી પોતાના બનેવી શ્રી શામરાવ માનેને સોલાપૂર બોલાવી લીધા. શામરાવ સોલાપુરમાં કાપડની મિલમાં કામ કરતા હતા. એ મિલ બંધ પડવાથી તે નવરા જ હતા. વિલાસરાવે તેમને મોટર વાઇન્ડિંગ શીખવાડીને પોતાના ધંધામાં સાથે રાખ્યા. આ ગાળામાં વિલાસરાવ ખૂબ કમાયા. ઘરે પૈસા મોકલાવીને ભાઈ-બહેનોના શિક્ષણ અર્થે મદદરૂપ બની શક્યા. વીશીમાંથી એક ડબો આવતો. તેમાં બેઉ સાળો-બનેવી જમતાં. વિલાસરાવ પોતાનાં વાસણો ઘસી નાંખતા, કપડા ધોતા, કામદારો સાથે પોતે કામ પણ કરતાં. કોઈ પણ પ્રકારની મહેનત કરવા તે તૈયાર રહેતા. તેને કારણે બીજાની નકામી વાતોનો તેમને ગુસ્સો આવતો.
શામરાવ અને વિલાસરાવ ડબો સામે રાખીને જમવા બેસે કે એક ભિખારણ તે જ સમયે આવતી. સતત બે દિવસ વિલાસરાવે તેને ડબામાંથી રોટલી આપી. પણ ત્રીજા દિવસે તેમણે તેને ઝાટકી નાંખી, ‘મફત ખાવા મળશે નહિ. વાસણ ઉટકવા પડશે.’ ભિખારણ આવતી બંધ થઈ. કાંઈ પણ મફત આપવામાં તેમને પહેલેથી જ શ્રદ્ધા ન હતી અને ખોટી પ્રતિષ્ઠા પર પણ ન હતી.
કાંઈક કામ નિમિત્તે વિલાસરાવને કોલ્હાપુર જવાનું હતું. જવાની તૈયારી રૂપે તેમણે કપડાં ધોઈને સુકાઈ ગયાં પછઈ એ ઈસ્ત્રીવાળાને ત્યાં ઈસ્ત્રી કરવા આપવા શામરાવને કહ્યું અને તે કામે ગયા. શામરાવને જરા ઓછું સંભળાતું હતું. તેમણે એ કપડા લોંડ્રીમાં ધોવા નાંખ્યા. વિલાસરાવ બૅગ ભરવા ગયા, પણ કપડાં ક્યાં ? શામરાવ ઓશિયાળા થયા. પોતાની ભૂલ તેમના ધ્યાને આવી. વિલાસરાવ પાસે ગણ્યાગાંઠ્યાં કપડાં. હવે શું કરવું ?
વિલાસરાવે શામરાવને આશ્વાસન આપ્યું. પોતાના મસ્તકની દિશામાં હાથ કરીને કહ્યું, ‘આ છે ને સાથે. એટલું પૂરતું છે ?’ વિલાસરાવનું ‘મગજ’ અને આત્મવિશ્વાસ હંમેશા તેમની સાથે. એ સંગાથ તેમણે ક્યારેય છૂટવા દીધો ન હતો.
‘બળવંત એન્જિનિયરિંગ’ની પ્રગતિ
‘બળવંત એન્જિનિયરિંગ વર્કશોપ’ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગઈ. તે જ સમયે ‘કિર્લોસ્કર ન્યૂમૅટિક કંપની’ શરૂ થઈ હતી. તેના ઓર્ડર આવતા, ત્યાર બાદ તરત જ ‘કિર્લોસ્કર ઑઇલ એન્જિન કું.’ પાસેથીય ઓર્ડર મળવા લાગ્યા. ઈલેક્ટ્રિક મોટર વાઇન્ડિંગનું કામ ચાલુ હતું. તેની સાથે હવે વિલાસરાવ લેથ પર છૂટા ભાગ તૈયાર કરીને કંપનીઓને પૂરા પાડવા લાગ્યા. તેમાંય સરસ રીતે ગોઠવાઈ ગયું. વિલાસરાવ સાઇકલ પર બધે જતા. સામાન લાવતા-લઈ જતા.
વિલાસરાવના સંપર્કમાં આવનારાઓને તેમની સચ્ચાઈ, પ્રામાણિક વ્યવહારનો, તેમની મહેનતનો અંદાજ આવતા વાર ન લાગતી. પૈસાના વ્યવહારમાં તે અત્યંત ચોખ્ખા અને ચોક્કસ હતા. સાઇકલ પર ભાગમભાગ કરીને બૅન્કના સમયે પહોંચનારો આ તરુણ તેનું ખાતું ધરાવે છે એ બૅન્ક મૅનેજરના ધ્યાને પણ આવ્યું હતું. સમયનું કારણ આગળ ધરીને આ યુવાનને તકલીફમાં મૂકશો નહિ એવી તેમણે પોતાના કર્મચારીઓને સૂચના આપી હતી.
વિલાસરાવની હોંશિયારી, તેમની મથામણ અને પ્રામાણિકતાને જાણનાર તેમના એક પૈસાદાર સગાએ ‘કાંઈ કારખાનું વગેરે શરૂ કરવું હોય, તો હું પૈસા આપીશ.’ એવું આશ્વાસન વિલાસરાવને આપ્યું હતું. તેના પર વિશ્વાસ રાખીને વિલાસરાવે કારખાના માટે જોઈતા યંત્રોનો ઓર્ડર નોંધાવ્યો હતો. પેલા પૈસાદાર સગાએ ખરે સમયે શબ્દ ફેરવ્યો. ‘કારખાનું પુણેમાં નહિ, સાંગલીમાં નાંખવાનું હોય તો !’ એટલે તેની પાસેથી હવે કાંઈ મળવાનું ન હતું. હવે શું ? વિલાસરાવ પ્રિન્સિપાલ શ્રી ઓગલને મળ્યા.
પ્રિ. ઓગલેએ વિલાસરાવને પુણેના કેટલાક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓને ભોજન માટે તરત જ આમંત્રિત કરવા કહ્યું. ‘પ્રભાત’ના શ્રી દાદા દામલે, ‘કિર્લોસ્કર ઑઇલ એન્જિન કું.’ના માર્કેટિંગ વિભાગના શ્રી સી. આર. બોંદ્રે, ‘ગ્રાઈન્ડવેલ નૉર્ટન’ના શ્રી કે. બી. શર્મા, શ્રી વ્હી. ટી. ખર્શીકર વગેરે પ્રતિષ્ઠિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યાં. ઓગલેના ઘેર બધા એકઠા થયા. ભોજન પ્રસંગે આમંત્રિતો સમક્ષ પ્રિ. ઓગલેએ વિલાસરાવની મુશ્કેલી રજૂ કરી. ઉપસ્થિતો પૈકીના ઘણાખરા વિલાસરાવને પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે ઓળખતા હતા. એ સહુએ જ મદદનો હાથ આગળ ધર્યો.
‘બળવંત’નું નવું રૂપાંતર : ‘ઍક્યુરેટ’
વિલાસરાવે ઈ.સ. ૧૯૬૩માં ‘બળવંત એન્જિનિયરિંગ’નું રૂપાંતર ‘ઍક્યુરેટ એન્જિનિયરિંગ પ્રા. લિ. કું.’માં કર્યું. કારખાનાંઓનાં જૉબ કરીને પૂરા પાડવા સાથે તે પેટા કોન્ટ્રાક્ટ્સ પણ લેવા લાગ્યા. વિલાસરાવને વર્કશોપ નાની પડવા લાગી. હવે મોટી જગાની જરૂર હતી.
કારખાનું ઊભું કરવાના હેતુથી વિલાસરાવે પુણે પાસેના હડપસરમાં આવેલ ઔદ્યોગિક વસાહતમાં ઈ.સ. ૧૯૬૪માં જગા લીધી. આ વ્યવહાર માટે પૈસા ખૂટ્યા, ત્યારે નાનાસાહેબે પોતાના સાંગલીમાં આવેલ ઘર પર ધિરાણ લઈને તે રકમ વિલાસરાવને આપી.
ઈ.સ. ૧૯૬૪થી હડપસરમાં ઊભા કરેલા શે.ડમાં ‘ઍક્યુરેટ એન્જિનિયરિંગ’નો કારભાર ચાલુ થયો.
‘ઍક્યુરેટ’ થાળે પડતું ગયું અને વિલાસરાવની રહેણીકરણીમાં પણ ફરક થતો ગયો. સાદા કપડામાં પણ ટાપટીપથી રહેનારા વિલાસરાવ હવે પાશ્ચાત્ય બુશશર્ટ, પૅન્ટ, પૉલિશ બૂટમાં ફરતા. પાશ્ચાત્ય પહેરવેશ સાથે ધૂમ્રપાન પણ આવ્યું. સાઇકલની જગાએ સ્કૂટર અને પછી મોટર આવી. રહેવાની જગા પણ બદલાઈ. નાના પેઠમાં (બજાર) એક ભાડાની ઓરડીમાં તે પોતાના બનેવી શામરાવ સાથે રહેતા, એ ઓરડી અને વર્કશૉપ તેમણે શામરાવના હવાલે કરી અને હવે બધું ધ્યાન હડપસરના ‘ઍક્યુરેટ’ પર કેન્દ્રિત કર્યું. ઍક્યુરેટ સરસ રીતે ગોઠવાઈ ગયું.
એક એન્જિનિયર જાતે લેથ પર કામ કરે છે, જાણ્યા પછી ‘બજાજ ઑટો’ના શ્રી દેશમુખસાહેબે તેમને અધિક કૌશલ્યના કામો આપવાની શરૂઆત કરી. આ ઉત્પાદનો તૈયાર કરતી વખતે તેની સંપૂર્ણતા તપાસવા માટે ગેજીસની જરૂરિયાત રહેતી. એ ગેજીસ તે વખતે આયાત થતા હોવાથી તેની ઉપલબ્ધતા ખૂબ ઓછી હતી. માંગણી નોંધાવ્યા પછીય વાસ્તવમાં હાથમાં આવતા સુધીમાં ખૂબ સમય વીતી જતો. ભારત સરકારની ‘પ્રાગા’ અને જર્મન કંપની ‘માઇકો’ જેવી બે કંપનીઓ ભારતમાં થોડા પ્રમાણમાં ગેજીસ બનાવતા, જે પર્યાપ્ત ન હતા.
આ બંને કારખાનાંઓની વિલાસરાવે મુલાકાત લીધી અને પોતે ગેજીસ બનાવવાનો નિર્ણય લીધો. તેમનો વિચાર સાંભળીને તેમના મિત્ર દિઙ્મૂઢ થઈ ગયા. ‘આવાં સાધનો ઘડવામાં પાશ્ચાત્ય, યુરોપિયન કામદારો વાકેફગાર છે. તેમની બરોબરીનું કૌશલ્ય આપણા કામદારો બતાવી શકશે નહિ.’ એમ તેમણે વિલાસરાવને સમજાવવાના પ્રયાસ કર્યા. તે કરતાં વર્કશૉપ ઉત્તમ રીતે ચાલી રહી છે. તેમાં જ તેમણે વધુ ધ્યાન આપવું અને તેનો વિસ્તાર કરવો, ગેજીસ બનાવવાની માથાકૂટમાં પડવું નહિ. એમ જ સહુનું કહેવું હતું !
આયાત વિકલ્પે ઉત્પાદનનો નવો પ્રવાહ
‘ત્યાંના કામદાર શું અને અહીંના કામદાર શું, બંને માણસો જ. તેમની પાસેથી ઇચ્છિએ એવું કરાવી લેવાની જવાબદારી યોજના કરનારની.’ આ તેમના આત્મવિશ્વાસ ભર્યા જવાબ સામે કોઈ કશું કહે ? આવા પ્રકારના ગેજીસ સ્વતંત્ર રીતે આપણા કારખાનામાં ઘડવામાં આવે, એ વિચાર જ મૂળમાં ભારતમાં વિલાસરાવ પહેલી વખત રજૂ કરી રહ્યા હતા. ભારતીય ઉદ્યોગ જગતમાં આયાત વિકલ્પે ઉત્પાદનનો એક નવો પ્રવાહ શરૂ કરતા હતા.
ઈ.સ. ૧૯૬૫માં વિલાસરાવે ગેજીસનું ‘ઍક્યુરેટ’માં ઉત્પાદન શરૂ કર્યું. સ્નૅપ ગેજ, પ્લગ ગેજ વગેરે વિવિધ પ્રકારના ગેજીસનું ત્યાં ઉત્પાદન થવા લાગ્યું. વ્યાપ વધતો ગયો. પુણે બહાર જ નહિ, પરંતુ ભારતભરમાં અનેક કારખાનાઓમાં તેમના ગેજીસ પહોંચવા લાગ્યા. વિલાસરાવની કાર્યપ્રણાલીનું વૈશિષ્ટ્ય એ કે કેવળ માંગણી અનુસાર ગેજીસ પૂરા પાડીને તેમનું કામ પૂરું થતું ન હતું. તે જાતે જે તે કારખાનાંઓમાં જતા. પોતે પૂરા પાડેલા સાધનો ચોકસાઈપૂર્વક વપરાશમાં લઈ શકાય છે કે નહિ, તે નામ પ્રમાણે ‘ઍક્યુરેટ’ છે ને એની ખાતરી કરી લેતા. કોઈક સુધારવા કરવા જેવા છે કે, એ ય જોતા. ઉત્પાદક પોતે પોતાના ઉત્પાદન વિશે આટલી શ્રદ્ધા દર્શાવે, એનો ગ્રાહક પર શું પ્રભાવ પડતો. ગેજીસ પૂરા પાડવા નિમિત્તે વિલાસરાવનો ભારતભરમાં સતત પ્રવાસ ચાલતો હતો.
વિલાસરાવની અને તેમના ઉત્પાદનોની નામના વધતી હતી, પણ એટલે ખુશ થઈને આત્મમગ્ન રહેનારા પૈકીના વિલાસરાવ નહોતા જ. એકંદરે ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ એવું તે પોતાના મિત્ર પરિવારોમાં હંમેશા કહેતા. બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે, આપણે અહીં શું નિર્માણ કરી શકીએ એનો પ્રત્યક્ષ અભ્યાસ કરવા માટે, અંદાજ મેળવવા માટે તેમણે વિદેશ પ્રવાસ કરવાનું નક્કી કર્યું.
પ્રથમ વિદેશ પ્રવાસ
પોતાના હિસાબી, ‘ઍક્યુરેટ’ સ્વભાવ અનુસાર તેમણે પ્રવાસનું આયોજન કર્યું. ઓછામાં ઓચા ખર્ચમાં વધુમાં વધુ પ્રવાસ કઈ રીતે કરી શકાય એ જોયું. યુરોપમાંની ઔદ્યોગિક પ્રદર્શનની મોસમ ધ્યાનમાં લઈને તે પ્રવાસે નીકળ્યા. નીકળતા પહેલાં અલબત્ત પ્રવાસનાં સ્થળોનો, પ્રદર્શનોની વિગતોનાં પત્રકોનો અભ્યાસ કર્યો. રહેવા-જમવાની સગવડ ક્યાં સસ્તામાં મળી રહેશે તેનીય નોંધો લીધી.
ઈ.સ. ૧૯૬૭ના પહેલાં જ વિદેશ પ્રવાસમાં તેમણે સ્વિસ અને સ્વીડિશ કંપનીઓ સાથે વ્યાપારી સંબંધ બાંધ્યા. માત્ર ત્રીસ વર્ષની વયે તેમણે મેલવેલી આ સફળથા જોતાં તેમનો ભાવિ પ્રવાસ કઈ દિશામાં અને કેવો થયો હોત એની ત્રિરાશી માંડવી અઘરી ન હતી. એક ભાવિ સમર્થ ઉદ્યોગપતિ ધીરજપૂર્વક ડગલું માંડતા ક્ષિતિજ ઓળંગવા નીકળ્યો છે એમ લાગે એવા જ બધા અણસાર હતા એ !
પુણેમાં ‘મરાઠા ચેમ્બર ઑફ કોમર્સ’માં વિલાસરાવની આવ-જા હતી. તેમની વિવિધ વિષયોની જાણકારી, ઉદ્યોગ જગત વિશેનું જ્ઞાન શ્રોતાઓને આકર્ષનારું. વિલાસરાવની માતૃભાષા સાંગલી-કોલ્હાપુર તરફની બોલીભાષા હોવા છતાં તે ઉત્કૃષ્ટ અંગ્રેજી બોલતા. પ્રથમ દૃષ્ટિએ જ છાપ પડે એવું તેમનું વ્યક્તિત્વ ન હતું. માંડમાંડ સાડા પાંચ ફૂટ ઊંચા, વર્ણે ઘઉંવર્ણા, એકવડિયા પણ મજબૂત બાંધો. આમ છતાં તેમની આંખો હતી વિલક્ષણ બોલકી. પોતાના સૌમ્ય મૃદુ અવાજમાં તે બોલવા લાગે કે, તેમના બોલવામાં રહેલી અસ્વસ્થતા તેમની નજરમાં દેખાતી. તેમને એક વખત મળેલી વ્યક્તિ તેમની એ નજર, એ વાણી ભૂલી શકતી ન હતી.
આ તરુણ, કતૃત્વવાન સદ્ગુણી એન્જિનિયર માધવરાવ પવારની આંખમાં વસી ગયો. તેમણે પોતાની પત્નીની બહેન - ચંદન જગતાપ માટે આ ઠેકાણું સૂચવ્યું. ચંદન બી.એસસી. થયેલી. તે વર્ષે એસ.એન.ડી.ટી.નો એક વર્ષનો ‘સમાજસેવા અભ્યાસક્રમ‘ પૂરો કરી રહી હતી. ચંદનના પિતાશ્રી સર્જેરાવ તથા શ્રી ભાઉસાહેબ જગતાપ એ ગુરુવર્ય જગતાપની ‘શ્રી શિવાજી મરાઠા સોસાયટી’ના સ્થાપક સભ્ય. પ્રાથમિક શાળાના હેડમાસ્તર (૧૯૩૫-૪૨). તેમના ગણિત વિષયનાં પાઠ્યપુસ્તકો નામના પામ્યાં હતાં. કાર્લે ગુરુજીની ભાગીદારીમાં તેમણે ‘જનસેવા મુદ્રણાલય’ અને પછી ‘જગતાપ - કાર્લે પ્રકાશન’ શરૂ કર્યું. પ્રકાશન વ્યવસાયમાં તે સમયે તેઓ મહારાષ્ટ્રમાં અગ્રણી ગણાતા હતા. વૃત્તિએ પણ તે સામાજિક કાર્યકર. તેમનું મૂળ ગામ હતું પુણે જિલ્લાના પુરંદર તાલુકાનું કોથળે. આ વિસ્તાર અનાવૃષ્ટિગ્રસ્ત. ત્યાં કાયમી પાણીનો દુકાળ, દરેક દુકાળમાં પાળા, કૂવા બાંધવા માટે, ખેતી માટે તે પોતાના ગામને મદદ મોકલાવતા. તેમના બધા પુત્રો (ચંદન સહિત આઠ) સ્નાતક અથવા અનુસ્નાતક, પુણેના છાવણી વિસ્તારમાં ફ્રેઅર રોડ પર તેમનો મોટો બંગલો હતો. દરવાજે મોટરો હતી. ઘરમાંનું વાતાવરણ પુરોગામી, આધુનિક. એ ઘરના જમાઈ શ્રી માધવરાવ પવાર શ્રી શરદ પવારના મોટા ભાઈ, પોતે ઉદ્યોગપતિ. તેમણે જ વિલાસરાવનું ઠેકાણું શ્રી ભાઉસાહેબ જગતાપને બતાવ્યું.
પરસ્પર સંમતિથી વિવાહ નક્કી
વિલાસરાવ - ચંદને એકબીજાને જોયા પછી, મળ્યા પછી તેમની પસંદગીથી લગ્ન નક્કી થયાં. ચંદન જગતાપમાંથી કલ્પના સાળુંખે બન્યા. લોકમાન્યનગરના ઘરમાં વિલાસરાવનો ગૃહસ્થાશ્રમ આરંભાયો. લગ્નબાદ કલ્પનાબહેને પહેલું કામ હાથમાં લીધું એ પતિની વ્યસનમુક્તિનું. વર્ષભરમાં જ વિલાસરાવનું ધૂમ્રપાન છૂટ્યું, તે હંમેશ માટે.
લોકમાન્યનગરથી હડપસરના ‘ઍક્યુરેટ’ વચ્ચે ખાસ્સું અંતર હતું. આઠેક કિ.મી. આવવા-જવામાં સમય પસાર થતો અને તકલીફદાયક, પોતાના કારખાના પાસે જ પોતાનું રહેણાંક હોય એમ વિલાસરાવને હંમેશા થતું. દરમિયાન ઈ.સ. ૧૯૬૮માં વિક્રમનો જન્મ થયો હતો, અંતે નિર્ણય લીધો અને સાળુંખે પરિવાર હડપસરમાં ‘સેંટ પૅટ્રિક ટાઉન’માં એક ભાડાના બંગલામાં રહેવા આવ્યા, વિલાસરાવનો બંગલો અને કારખાનું પાંચ મિનિટના અંતરે આવ્યા.
‘ઍક્યુરેટ’ કંપનીએ અનેક કારખાનાંઓને સૂક્ષ્મમાપન યંત્રો (ૐૈખ્તર ઁિીષ્ઠૈર્જૈહ ૈંહજિંેદ્બીહંજ) પૂરાં પાડ્યાં. વિલાસરાવ જાતે તે કારખાનાંઓની મુલાકાત લેતાં. સહજસાજ મિતભાષી વિલાસરાવ પોતાના વિષયપર ખુલાસાવાર બોલતા. સાંભળનાર આશ્ચર્યમુગ્ધ થાય એટલી વિગતો તે આપતાં. કારખાનામાંના બધા વિભાગો બતાવતા. બધાં જ વિભાગો. પોતાના હાથમાં રહસ્ય રાખવાનું તે જાણતા ન હતા. સ્વભાવ અને વ્યવહાર સરળ, સાદો અને પારદર્શી. અનેક લોકો સાથે તેમને મળવાનું થતું, એ દૃઢ બનતાં. લોકો પુણે આવે કે અચૂક હડપસર આવીને ‘ઍક્યુરેટ’ કારખાનાની મુલાકાત લેતાં. આમ મળવા આવનારા દેશી-વિદેશી મહેમાનો, મિત્રપરિવારને ઘરે આમંત્રીને જમાડવાની વિલાસરાવને હોંશ હતી. કારખાનાની લૉન પર તેમની મિજબાનીઓ થતી. અલબત્ત, આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી કલ્પનાબહેન પાસે રહેતી. કારખાનાના સાથીઓ, કર્મચારીઓ માટેય જમવાના કાર્યક્રમ થતાં. ફેક્ટરીની નવવિવાહિતો માટે મિજબાની યોજીને પરસ્પર પરિચય, સૌહાર્દ વધારવાની તક આપનાર પ્રસંગ વિલાસરાવ સહેતુક યોજતા.
કારખાનામાંનું કૌટુંબિક વાતાવરણ
‘ઍક્યુરેટ’ કારખાનાનું વાતાવરણ એકાદ મોટા કુટુંબ જેવું હતું અને તેમાં વડીલ સમાન ભાઈની, કુટુંબના વડાની ભૂમિકા વિલાસરાવની હતી. ‘ઍક્યુરેટ એન્જિનિયરિંગ’ના તે સર્વેસર્વા; પણ ત્યાંના કામદારો સાથે તે આદરપૂર્વક વર્તતા. તેમને સ્વચ્છતાના, સુંદર વર્તણૂકના પાઠ શીખવતા. કારખાનું શરૂ થવાનો સમય સવારે આઠ વાગ્યાનો હતો, પણ વિલાસરાવ જાતે સાડા સાતે જ હાજર થતા. પોતાના ટેબલખુરશી, પોતાની રૂમ, પોતાનું શૌચાલય તે જાતે જ સાફ કરતા. તેમના આ કામને કારણે તેમની સાથેના અને તેમના હાથ નીચે કામ કરનારા લોકો પ્રભાવિત થતા અને તેમનું અનુકરણ કરતાં.
વ્યવસાય પર તેમનું વ્યવસ્થિત નિયંત્રણ હતું. થાક મહેનત, દૂરદૃષ્ટિ અને ઉત્કૃષ્ટતાની લગની જેવા ગુણોને કારણે ‘ઍક્યુરેટ એન્જિનિયરિંગ કંપની’ના ગુણગાન ગવાતાં.
વિલાસરાવ પોતાના કારખાનાના દરેક વિભાગ પર ધ્યાન રાખતા. કામમાં ઢીલાશ તેમને લગીરેય ગમતી નહિ. પોતાના કામદારો સર્વ બાબતોમાં નિપુણ હોય એ હેતુથી તેમની બદલી અવારનવાર જુદા જુદા વિભાગોમાં કરતા. વિભાગના વડાઓ જાતે નિર્ણય લઈ શકે એટલી ક્ષમતા વધારવી એવો તે આગ્રહ સેવતા. તે જાતે ઝડપથી નિર્ણય લેતા. આવા સમયે એકાદ નિર્ણયને કારણે ખોટ જતી. પણ તે માટે સુદ્ધાં તેઓ તૈયારી રાખતા. આ અભય તે વિભાગના વડાનેય આપતા.
અપ-ટુ-ડેટ વસ્ત્રોમાં ખાડ્ખાડ્ બૂટના અવાજ સાથે પ્રત્યેક વિભાગમાં રોજ આંટો મારનાર આ કારખાનાદાર બપોરની રિસેસમાં કામદારો સાથે પોતાનોય ડબો ખાતાં દેખાતા. આવા સમયે કામદારોની ઘરની મુશ્કેલીઓથી લઈને, તેમના છૈયાછોકરાના શિક્ષણથી કારખાનામાં એકાદ નવું ઉત્પાદન શરૂ કરવા સુધીનાં અનેક વિષયો પર વાર્તાલાપ થતો.
બાહોશ કુટુંબવડાની છત્રછાયા હેઠળ નવા કતૃત્વ ખીલી ઊઠતાં નથી એ કાયમી અનુભવ છે, પણ આવા નવા અંકુરિત થતા રોપાને પર્યાપ્ત મોકળાશ સમજણપૂર્વક આપવી, ખાતરપાણી આપવાં, સ્વતંત્રપણે સ્વાયત્ત વધવા દેવા, તેમને વિકાસની તક પૂરી પાડવી એ વિલાસરાવની વૃત્તિનું નિરાળાપણું હતું. મનુષ્યની ક્ષમતા રૂંધાય, નિરર્થક જાય એ તેમને ગમતું ન હતું. યોગ્ય તક પ્રાપ્ત થાય તો દરેક વ્યક્તિ પોતાનો વિકાસ કરી શકે છે, એમાં તેમને વિશ્વાસ હતો અને એ સાર્થ પણ હતો. વિલાસરાવની સાથે કામ કરનાર પૂરણસિંગ એ કાંઈ વધુ ભણ્યા ન હતા, પરંતુ તેમના કાર્યાનુભવ, કૌશલ્ય પર વિલાસરાવને પૂર્ણ વિશ્વાસ હતો. તેમની મદદથી વિલાસરાવે અનેક પ્રકારના ગેજીસ વિકસિત કર્યાં. સામાન્ય કામદાર તરીકે ‘ઍક્યુરેટ’ કારખાનામાં કામે જોડાયેલા ચંદ્રકાન્ત કડ, આબાસાહેબ કુલકર્ણી આગળ જતાં સ્વકતૃત્વના બળે સુપરવાઇઝરના પદે પહોંચ્યા. કારખાનાની કૅન્ટિનમાં ચા આપનારા તેર-ચૌદ વર્ષના છોકરા રામ વાઘમારેને વિલાસરાવ કાયમ જોતા. તેમણે તેની તપાસ કરી. આઠમામાં તેણે ભણવાનું છોડી દીધેલું. તેમણે તેને પૂછ્યું : ‘તું આગળ શું કરવાનો છે ? એ કરતાં મોટર ચલાવતાં શીખ !’ અને એ અઢાર વર્ષનો થતાં જ તેને પોતાના ખર્ચે ડ્રાઇવિંગ સ્કૂલમાં દાખલ કર્યો. ત્યાર પછી ઈ.સ. ૧૯૭૭થી આજસુધી રામ વાઘમારે ‘ઍક્યુરેટ’ની કારનો ચાલક છે.
‘રિક્રુટમેન્ટ’ની નિરાળી દૃષ્ટિ
‘ઍક્યુરેટ’ના એકાઉન્ટ વિભાગમાં કારકુનની જગા ભરવાની હતી. ઇન્ટરવ્યૂ માટે આવેલા મોટાભાગના બધા ઉમેદવાર પુણેમાં ભણેલા પદવીધારી હતા. સંગમનેર પાસેના એક ગામના ખેડૂત કુટુંબનો એક વાણિજ્ય પદવીધારી પણ તેમાં હતો. વિલાસરાવ પોતે ઇન્ટરવ્યૂ લેવા બેઠા હતા. તેમણે ગ્રામ્ય વિસ્તારના યુવાનની પસંદગી કરી. ફોન કેવી રીતે પકડવો, ફોન પર કેવી રીતે વાત કરવી, ત્યાંથી લઈને સર્વ કાંઈ એમણે એને શીખવ્યું. પાઈ પાઈનો હિસાબ કેવી રીતે રાખવો, પત્રવ્યવહાર કેવી રીતે કરવો, મુસદ્દો કેવી રીતે તૈયાર કરવો, બોર્ડ મિટિંગમાંની નોંધો કેવી રીતે રાખવી, ત્યાં રજૂ કરવા માટે કયા કાગળો તૈયાર રાખવા એનીય દીક્ષા આપી. આ આર. એ. વાક્ચૌરે ઈ.સ. ૧૯૬૯માં ‘ઍક્યુરેટ’માં સાદા કારકુન તરીકે જોડાયા, પણ આગળ જતાં સ્વકર્તુત્વ બળે તે ચિફ એકાઉન્ટન્ટ તરીકે કામ સંભાળવા લાગ્યા.
વિલાસરારની દૃષ્ટિ કેવળ પોતાના ઉદ્યોગધંધાની સમૃદ્ધિ જોવા જેટલી સંકુચિત ક્યારેય ન હતી. અનેક ઉદ્યોગ સાહસિક તૈયાર થાય, એકંદર ઉદ્યોગજગતનો વિકાસ થાય, તેની વૃદ્ધિ થાય એવો તેમનો વ્યાપક દૃષ્ટિકોણ હતો. ‘ઍક્યુરેટ’માં કામ કરનારા કેટલાય યુવાન એન્જિનિયર્સને તેમણે વિવિધ ગેજીસ વિકસિત કરીને આપ્યા અને તે ગેજીસનું સ્વતંત્ર રીતે ઉત્પાદન કરવા માટે સક્રિય પ્રોત્સાહન પણ આપ્યું. કેટલાકને તો તેમણે બજાર મેળવી આપવાની જવાબદારી પણ લીધી. એ ‘લાયસન્સ રાજ’નો જમાનો હતો. આવા સમયમાં યુવાન એન્જિનિયર્સને ઉદ્યોગપતિ બનાવીને ભારતીય ઉદ્યોગ જગતના વિકાસ માટે વિલાસરાવ મથામણ કરી રહ્યા હતા.
ગેજ એ સ્વતંત્ર ઉત્પાદન છે. તે જાગતિક સ્પર્ધામાં ટકે એટલી ગુણવત્તા ધરાવતાં ગેજ આપણે ભારતમાં બનાવી શકીએ, એ આયાત કરવાની આવશ્યકતા નથી. એ વિચાર પ્રત્યક્ષ અમલમાં મૂકીને તે તંત્રજ્ઞાન વિકસિત કરીને અનેકોને તે ક્ષેત્રમાં ઉતારનાર પણ તે જ પ્રથમ હતા.
ઈ.સ. ૧૯૬૫-૭૦ના ગાળામાં આયાતના વૈકલ્પિક ઉત્પાદનોને શાસન મહત્ત્વ આપતું હતું. અનેક પરદેશી ઉત્પાદનો આપણે ત્યાં બની શકે એની વિલાસરાવને ખાતરી હતી. દર વર્ષે તે અચૂક વિદેશના પ્રવાસે જતા. ત્યાંના ઉદ્યોગોનો તાગ મેળવતા. ઝીણવટપૂર્વક અભ્યાસ કરતા. ભારત પાછા ફર્યા પછી આપણે શું કરી શકીએ, એ તરુણ ઉદ્યોગ સાહસિકોને ગળે ઉતારતાં.
અનેકોને માર્ગદર્શન
કલ્પનાબહેનના નાના ભાઈ શ્રી પ્રકાશરાવ જગતાપ ઈ.સ. ૧૯૬૯માં બી.ઈ. (મેક.) થયા. પરદેશ જઈને આગળ કાંઈક ભણવું, નવું કાંઈક કરવું એવી તેમની ઇચ્છા હતી. વિલાસરાવ તેમની આકાંક્ષા જાણી ગયા. તેમની સાથે ચર્ચા કરી. ભારતમાં જ રહીને નવું નિર્માણ કરવા જેવું ઘણું બધું છે એ ગળે ઉતાર્યું... અને આયાત-વિકલ્પે ઉત્પાદનનો માર્ગ બતાવ્યો. પ્રકાશરાવને ડાયનેમો મીટર (અશ્વશક્તિ માપનારું સાધન) વિકસિત કરવા પ્રવૃત્ત કર્યા. તેમાં પ્રકાશરાવે સુંદર સફળતા મેળવી. ત્યાર બાદ તેમણે પોતાનું કારખાનું ઊભું કરીને તેમાં ઉત્પાદન પણ ચાલુ કર્યું. આ ભધા કામોમાં વિલાસરાવે પ્રકાશરાવને બધી રીતે માર્ગદર્શન આપ્યું. સહકાર પણ આપ્યો.
હાલમાં પુણેની ‘જ્ઞાનેશ્વર યુનિવર્સિટી’ના કુલગુરુ શ્રી અરૃણ કુદળે એ વિલાસરાવનું માર્ગદર્શન પ્રાપ્ત કરનાર ઉદ્યોગ સાહસિકો પૈકીના એક. ઈ.સ. ૧૯૭૦માં તે બી.ઈ. થયાં. તેમણે ડાયલ ગેજ ઉત્પાદનમાં ધ્યાન આપવું એવી વિલાસરાવે તેમને સલાહ આપી. તે ઉત્પાદન વિકસિત કરવા માટે ‘ઍક્યુરેટ’ કારખાનાની યંત્રસામગ્રી વાપરવા દીધી. આ ઉત્પાદન ‘ઍક્યુરેટ’ના બ્રાન્ડનેઇમ હેઠળ બજારમાં વેચવાની ખાતરી પણ આપી. ડાયલ ગેજ વિકસિત કરતા કુદળેને સાડાત્રણ વર્ષ લાગ્યાં. વિલાસરાવે પોતાના કિંમતી મશીનો પર કુદળેને કામ તો કરવા દીધું જ, સાથે જ તેમના એન્જિનિયર્સને પ્રશિક્ષણ આપ્યું. ઈ.સ. ૧૯૭૪માં કુદળેએ પોતાની ‘માયક્રોટેક’ નામની સ્વતંત્ર કંપની શરૂ કરી. આ સ્વતંત્ર કંપની શરૂઆતમાં ‘ઍક્યુરેટ’ના પ્રાંગણમાં જ હતી. ઈ.સ. ૧૯૮૦ સુધી તેણે ‘ઍક્યુરેટ’ને ઉત્પાદન પૂરા પાડ્યા.
એ ગાળામાં વિલાસરાવે પોતાના અનેક એન્જિનિયર મિત્રોને નોકરી છોડવીને સ્વતંત્ર ઉદ્યોગ શરૂ કરવા પ્રેર્યા. તેમને જોઈતી મદદ પણ કરી. પોતાના ‘ઍક્યુરેટ’ કારખાનામાંથી છૂટા થઈ સ્વતંત્ર ધંધો શરૂ કરનારા કર્મચારીઓને તેમણે ખુલ્લા મને મદદ કરી. કોઈનાય માટે વિલાસરાવના મનમાં કટુતા ન હતી. અનેક એન્જિનિયર્સ ‘ઍક્યુરેટ’નું કારખાનું જોવા આવતાં. કોઈ પણ ગુપ્તતા ન જાળવતાં, વ્યાવસાયિક રહસ્ય છુપાવ્યા વગર, કશાયનો આડપડદો રાખ્યા વગર વિલાસરાવ બધું બતાવતા.
અત્યંત તરુણાવસ્થામાં વિલાસરાવે ઉદ્યોગજગત પર પોતાની સ્વતંત્ર છાપ ઉપસાવી. સતત કાંઈક નવું કરવાની તેમની મથામણ, તેમની પ્રયોગશીલતા અને વિવિધ ઉત્પાદનો જાતે જ વિકસિત કરીને અને તેનું વ્યાવસાયિક ઉત્પાદન કરીને પોતાની આર્થિક સમૃદ્ધિ વધારવાને બદલે બીજાઓને પ્રોત્સાહન આપવાની તેમની વૃત્તિ સમાજમાં ઘણુંખરું દુર્લભ હતી !
વિલાસરાવની સફળતા અને ગુણવિશેષ ‘મરાઠા ઑફ કોમર્સ’ના સંસ્થાપક શ્રી આ. રા. ભટના ધ્યાને આવી. પુણેમાં ‘મરાઠા ચેમ્બર ઑફ કોમર્સ’માં તેમની મુલાકાતો થતી. તેમાંથી સુંદર પરિચય પણ કેળવાયો હતો.
ઈ.સ. ૧૯૬૬-૬૭ના અરસામાં લઘુ ઉદ્યોગોને બૅન્કો ધિરાણ પૂરું પાડવા તૈયાર ન હતી. આ મુશ્કેલી દૂર કરવા માટે સરકારે બૅન્કોને વિશ્વાસ જાગે એટલે ‘મહારાષ્ટ્ર રાજ્ય લઘુ ઉદ્યોગ વિકાસ મહામંડળ’ (સ્જીજીૈંડ્ઢઝ્ર) ના માધ્યમ દ્વારા આવા ઉદ્યોગધંધામાં ભાગીદારીથી કરજ મેળવવાની વ્યવસ્થા ગોઠવી. આ યોજના શ્રી ભટે વિલાસરાવ સમક્ષ રજૂ કરી.
સરકારની ભાગીદારી
વિલાસરાવ ‘ઍક્યુરેટ’ના વિસ્તારનો વિચાર કરી જ રહ્યા હતા. તેમણે આ તકનો લાભ ઉઠાવવાની દૃષ્ટિએ કાગળો તૈયાર કર્યા. યોજના-અહેવાલ તૈયાર કર્યો. આ વિસ્તાર માટે તેમને રૂ. બાર લાખ રોકાણ ખર્ચ આવવાનો હતો. તેટલી રકમની માંગણી કરતો પ્રસ્તાવ કામની રૂપરેખા સાથે ‘મહારાષ્ટ્ર રાજ્ય લઘુઉદ્યોગ વિકાસ મહામંડળ’ના તત્કાલીન ચેરમેન શ્રી ભાઉસાહેબ નેવાળકર સમક્ષ વિલાસરાવે મૂક્યો. નેવાળકરે તત્કાળ તેમની અરજને મંજૂરી આપી. ‘ઍક્યુરેટ’ને સરકાર તરફથી સમભાગ ધીરાણ (ઈૂેૈંઅ ઁટ્ઠિૈંષ્ઠૈટ્ઠર્ૈંહ) મળ્યું અને આગળ જતા તુર્ત જ ઈ.સ. ૧૯૬૯માં વિલાસરાવને ‘મહારાષ્ટ્ર રાજ્ય લઘુ ઉદ્યોગ વિકાસ મહામંડળ’નું ડિરેક્ટર પદ પણ પ્રાપ્ત થયું.
નેવાળકર ઇચ્છતા હતા તેવો યુવાન ઉદ્યોગ સાહસિક તેમની સામે હતો. મહારાષ્ટ્ર રાજ્ય લઘુ ઉદ્યોગ વિકાસ મહામંડળ મહારાષ્ટ્રના લઘુ ઉદ્યોગ સાહસિકોની સમસ્યાઓ સમજે, લઘુ ઉદ્યોગ સાહસિકોને એક વ્યાસ પીઠ મળે, એકમેકના સહકારથી તેઓ પોતાની મુશ્કેલીઓ, સમસ્યાઓ ઉકેલે એવા પ્રકારની એક યોજના ચાલુ કરવી. એ વિચારમાં નેવાળકર હતા. તે પોતે સ્વાતંત્ર્યસેનાની, રાષ્ટ્રીય ચળવળમાંના કાર્યકર. અનેક સંસ્થાઓના સંસ્થાપક, સ્વભાવે અને વ્યવસાયે પણ કાર્યકર જ. વિલાસરાવને પારખતાં તેમને વધુ સમય લાગ્યો નહિ. ભાઉસાહેબ નેવાળકરની અધ્યક્ષતા હેઠળ ‘ફોરમ ફૉર ઇન્ડસ્ટ્રિયલ ટેકનોલોજિસ્ટ્સ’ની (હ્લૈં્) સ્થાપના (૧૯૭૦) થઈ. વિલાસરાવ આ ફોરમનો કાર્યભાર સંભાળવા લાગ્યા.
લઘુ ઉદ્યોગ સાહસિકોની મુશ્કેલીઓ સમજાય, તેમના માટે એક મંચ હોય એટલે આ ફોરમની સ્થાપના થઈ હતી. વિલાસરાવ લઘુ ઉદ્યોગપતિઓની નિયમિત બેઠક યોજતાં. ચર્ચા કરતા. ઉદ્યોગ જગતના નિષ્ણાતોને આમંત્રીને વિચારવિનિમય કરતાં. શ્રી આબાસાહેબ ગરવારે, શ્રી શાંતનુરાવ કિર્લોસ્કર, શ્રી મોહન ધારિયા, શ્રી યશવંતરાવ ચૌહાણ, શ્રી શરદ પવાર ઇત્યાદિને આમંત્રીને તેમની સમક્ષ ઉદ્યોગપતિઓની સમસ્યા રજૂ કરતાં.
એફઆઈટી દ્વારા વિલાસરાવ જે કામ કરતા હતા અને ‘ઍક્યુરેટ’ દ્વારા તેઓ જે સાધ્ય કરી બતાવતા હતા, તેની જાણકારી શ્રી યશવંતરાવ ચૌહાણને હતી જ. શ્રી શરદ પવારને કારણે દિલ્હીમાં શ્રી યશવંતરાયને કાને સતત કાંઈક ને કાંઈક સમાચાર વિલાસરાવ સંદર્ભે આવતાં જ. શ્રી યશવંતરાવ ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી હતા. ‘ઍક્યુરેટ એન્જિનિયરિંગ કંપની’નો વિસ્તાર થઈને નવી ઇમારત ખડી થઈ, ત્યારે ઈ.સ. ૧૯૭૧માં શ્રી યશવંતરાવે જ તેનું ઉદ્ઘાટન કર્યું.
સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રભાવ
પરદેશના પ્રવાસે હતા ત્યારે ત્યાં થયેલા બદલાવ, વિજ્ઞાનની ચાલેલી હરણફાળ, ભોગવાદી સંસ્કૃતિના થઈ રહેલ જતન જોઈને વિલાસરાવ વિચારમાં પડતા. અહીં ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિમાંથી આકાર લઈ રહેલ આર્થિક અને સામાજિક બદલાવ, તેમાંથી ફાવેલાં અને રહી ગયેલાં વચ્ચેની પહોળી થતી ખીણ તેમને અસ્વસ્થ બનાવતી. તે પોતે ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા હતા. ત્યાંનું દારિદ્રય દૂર કરીને વિકાસ કઈ રીતે કરી શકાય એ વિષયે તેમનું હંમેશા ચિંતન ચાલતું હતું. સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રભાવ એ ચિંતનને દિશા આપતો હતો. પરદેશ પ્રવાસમાં પણ તે સ્વામી વિવેકાનંદના ગ્રંથ સાથે રાખતા હતા. તેમનું વાંચન-મનન ચાલુ રહેતું. વિલાસરાવના વિચારોનો પ્રવાસ કઈ દિશામાં શરૂ થયો, એના અણસાર તેમના તે સમયના પત્રોમાંથી જોવા મળે છે. તે કલ્પનાબહેનને લખે છે :
‘તા. ૪-૪-૧૯૭૧ (મૉન્ટ્રિયલ - કૅનેડા)... અત્યાર સુધીના પ્રવાસ પછી એક વાત મનમાં દૃઢ બની છે. એ એટલે માણસની અફાટ કાર્યશક્તિ અને તેની મારફત તેણે નિર્માણ કરેલ સંપત્તિ. અર્થાત આ સંપત્તિ નિર્માણ કરવાને પરિણામે સામાજિક વ્યવસ્થાના નિયંત્રણ માટે તેમાં અધિકાધિક વૃદ્ધિ કરવા સિવાય વિકલ્પ નથી. આવી વિચિત્ર અવસ્થામાં આ રાષ્ટ્રો ફસાયા છે. આપણેય આંખો મીંચીને આ લોકોનું અનુકરણ કરી રહ્યા છીએ ! આ વિષયે રહી રહીને દુઃખ થાય છે, આપણે કર્મ કરવું જ જોઈએ. તે આપણે પડતું મૂકી શકીએ નહિ. એ સરસ રીતે અને કાર્યક્ષમતાથી કરીએ તો રાષ્ટ્રની સંપત્તિ વધશે. પરંતુ તે સાથે જ જીૈિૈેંટ્ઠઙ્મ ઈઙ્મીદૃટ્ઠર્ૈંહર્ ક સ્ૈહઙ્ઘ પણ થવું જોઈએ. આ વિચારસરણી અહીં નથી અને દુર્ભાગ્યે આપણા રાષ્ટ્રમાં પણ આપણે એ ભૂલી રહ્યા છીએ... આપણા જેવા મુઠ્ઠીભર લોકોએ આ કાર્ય આપણી રીતે કરવું જ જોઈએ અને તે દૃષ્ટિએ હવે પછીનાં કાર્યોની યોજના કરવી જોઈએ.’
તા. ૨-૫-૧૯૭૧ (ફ્રેન્કફર્ટ, જર્મની)... બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીના બે ભાગ થયા અને તે બંને પરસ્પરવિરોધી વિચારસરણીમાં પોતાની પ્રગતિ કરી રહ્યા છે. બંનેનો અંતિમ આશય આ અધિક ઉત્પાદન નિર્માણ કરીને તેનો ઉપભોગ કરવાનો જ છે. આજે વિશ્વમાં બે વિચારસરણીઓ વચ્ચે યુદ્ધ ચાલુ છે અને તે બંનેના હેતુ અત્યંત સ્વાર્થી છે, પણ એ બંને પાસે પ્રબળ સત્તા હોવાને કારણે તે આજે વિશ્વને ભાસ કરાવે છે કે સ્ટ્ઠીંિૈટ્ઠઙ્મૈજદ્બ ંરર્િેખ્તર ડ્ઢીર્દ્બષ્ઠટ્ઠિષ્ઠઅર્ િ ર્જીષ્ઠૈટ્ઠઙ્મૈજદ્બ આ બંને પૈકીનો એક માર્ગ આપણે સ્વીકારવો જોઈએ, પણ આ બંને મૂર્ખ ભૂલી જાય છે કે ભારતીય સંસ્કૃતિ જ અંતે માનવીને સુખ અને શાંતિનો માર્ગ ચીંધી શકે. પણ આજે આ ભારતીય સંસ્કૃતિ જાગૃત છે કે ? મોટાભાગની ભારતીય જનતા આજેય અજ્ઞાનમાં કેમ ન હોય, પણ શ્રદ્ધાપૂર્વક સંસ્કૃતિની ઉપાસના કરે છે, પણ આજે આપણામાંના જ કેટલાક શેતાન ર્સ્ઙ્ઘીહિ ૈંહઙ્ઘેજિંૈટ્ઠઙ્મ ર્જીષ્ઠૈીંઅ ની રચના (અનુભવ વગર સોંગ ધારણ કરીને) કરવા ઇચ્છે છે. આ ૈંહઙ્ઘેજિંૈટ્ઠઙ્મ ર્જીષ્ઠૈીંઅ નિર્માણ કરવામાં આપણે આપણા ઘર ઉપર હળ ફેરવી રહ્યા છીએ. આ કડવું સત્ય અજ્ઞાની પ્રજા સમક્ષ રજૂ કરવું જોઈએ અને એ કાર્ય આપણી પેઢીનું જ છે.
સંજો (જાપાન)... જાપાનમાં ફરી રહ્યો છું ત્યારે આપણે રાષ્ટ્ર ઘડતરના પ્રશ્નને અગ્રતા ન આપતાં વૈયક્તિક અને સામૂહિક કેટલાક હિતસંબંધો માટે બહુજન સમાજને તેમના આર્થિક વિકાસથી કેવા વંચિત કરી રહ્યા છીએ, એ વિચાર મનમાં રહી રહીને આવે છે.’
રહેણીકરણીમાં પરિવર્તન
તેમની બદલાયેલી વિચારસરણીનું પરિણામ તેમની રહેણીકરણી પર પણ દેખાવા લાગ્યું. પાશ્ચાત્ય પહેરવેશનું સ્થાન ખાદીના શર્ટ-પેન્ટે લીધું. સફેદ શુભ્ર કડક આરના શર્ટ-પેન્ટમાં તે રાજકીય આગેવાન જ લાગતા. બુટનું સ્થાન પણ ચંપલે લીધું. એ ચંપલોય ‘બાટા-કૅરોના’ની ન હતી, પણ દેશી (આગળ જતા તેમને જેજુરીમાં એક સરસ ચર્મકાર મળ્યા. તેમણે તૈયાર કરેલી ચંપલો જ તે વાપરતાં.) ‘કોલગેટ’ પેસ્ટની જગા ‘વિકો વજ્રદંતી’એ લીધી. આમ તો તેમણે વનસ્પતિના ભૂંસાના દંતમંજનનોય ઉપયોગ કરી જોયો. પણ તેમના પેઢાને તકલીફ થવા લાગતા ‘વિકો વજ્રદંતી’ને સ્થાન મળ્યું. વિલાસરાવને માંસાહાર વિશેષતઃ ખીમો-પ્રિય, પણ હવે એ શુદ્ધ શાકાહારી બન્યા.
એક વધુ મોટો બદલાવ પણ તેમનામાં થયો. દુનિયાભરની કંપનીઓના કૅટલૉગ્જનો અભ્યાસ કરનારા વિલાસરાવના હાથમાં ‘તુકારામની ગાથા’ હંમેશા દેખાવા લાગી. ગાથામાંના અભંગોના પરસ્પર યોગ્ય અર્થ શોધવામાં તે ગરકાવ થતાં.
ગરમ પાણીથી સ્નાન કરવાનું છોડીને તે ઠંડા પાણીથી સ્નાન કરવા લાગ્યા. સ્નાન પછી તેમનું અભંગ ગાથાનું પઠન ચાલતું. આ રોજિંદો ક્રમ જ થઈ ગયો. પછી તેમણે તુકારામના પસંદ કરેલા અભંગોની એક ચોપડી જ બનાવી. એનેય તે સાથે રાખતા. વિદેશ પ્રવાસમાં હોય ત્યારેય સાથે રાખતાં.
સામાજિક જ્ઞાન ધરાવનારા એ લોકો સાથે સુસંવાદ સાધનારા આ ઉદ્યોગપતિનો સુંદર ઉપયોગ કરવા શ્રી યશવંતરાવે ઠરાવ્યું. વિલાસરાવને ‘સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા’ના ચેરમેન પદે નીમવાના હેતૂથી તેના બોર્ડ ઑફ ડીરેક્ટર્સમાં લીધા હોવાનો તાર તેમને શ્રી યશવંતરાવના કાર્યાલયમાંથી આવ્યો.
મહારાષ્ટ્રમાં હમણાં જ ખીલી રહેલા આ તરુણ ઉદ્યોગપતિને મહારાષ્ટ્રમાં ઊંચકીને સીધા રાષ્ટ્રીય સ્તરે દિલ્હીમાં લઈ જવામાં આવશે, તો એ ઉદ્યોગપતિનું અને મહારાષ્ટ્રનું નુકસાન છે એ શ્રી ભાઉસાહેબ નેવાળકરે ધ્યાને લીધું. તેમણે પોતાની વાત શ્રી યશવંતરાવ સમક્ષ રજૂ કરી અને તેમનું મન વાળ્યું... પણ આવો માણસ મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહમંત્રી શ્રી શરદ પવાર કઈ રીતે ગુમાવે ! તેમણે વિલાસરાવની નિમણૂક ‘વેસ્ટર્ન મહારાષ્ટ્ર ડેવલપમેન્ટ કોર્પોરેશન’ (ડબલ્યુએમડીસી)ના ચેરમેનપદે કરી. પ્રથમ ચેરમેન હતા શ્રી રતન ટાટા અને બીજા વિલાસરાવ.
ડબલ્યુએમડીસીનું ચેરમેનપદ ખૂબ જ માનભર્યું અને મહત્ત્વની સત્તાનું હતું. અવિકસિત વિસ્તારમાં ઉદ્યોગધંધા નાંખનારાઓને મોટા પ્રમાણમાં અનુદાન અને કરજને મંજૂરી આપવાના અધિકાર ધરાવનારું. ડબલ્યુએમડીસી તરફથી ઉદ્યોગોને આપવામાં આવતાં કરજનો દર હતો માત્ર દોઢ ટકા. તેને કારણે ડબલ્યુએમડીસીને ચરાઉ ગોચર બનાવ ન દેવું મહત્ત્વનું હતું. વિલાસરાવે આ પદ અત્યંત પ્રામાણિકપણે સંભાળ્યું. વિલાસરાવે નિયત કરેલ પ્રણાલી એટલી શિસ્તબદ્ધ હતી કે ત્યાર બાદ કેટલાંક વર્ષ એ આદર્શ રૂપે યથાવત અલમમાં રહી. ‘બજાજ’નું ‘મહારાષ્ટ્ર સ્કૂટર’નું કારખાનું વિલાસરાવના કાર્યકાળમાં ઊભું થયું. અનેક લઘુ ઉદ્યોગપતિ મહારાષ્ટ્રમાં આ કોર્પોરેશનના સહકારથી ઊભા રહ્યાં.