'હું જેવી છું એમ જ તું મારો સ્વીકાર કેમ નથી કરતો?'
આપણને બધાંને જીવનમાં એક જ ફરિયાદ રહેતી હોય છે કે સામેવાળી વ્યક્તિ આપણે જેવા છીએ તે જ રૂપમાં સ્વીકારી શકતી નથી. વ્યક્તિ જે છે એનાં કરતા એ આમ હોત તો વધું સારું કે તેમ હોત તો મને વધુ ગમત એમ જ વિચારતા હોઈએ છીએ. સામેવાળી વ્યક્તિને બદલવામાં જ આપણને વધુ રસ હોય છે. પરંતું એનાં મૂળ અસ્તિત્વનો અસ્વીકાર કરતા હોઈએ છીએ. સામેવાળી વ્યક્તિ આપણને, આપણાં વિચારોને અનુકુળ થઈને જીવે તો જ આપણને તે વ્યક્તિ ગમે, નહીં તો તે સ્વાર્થી છે એવું લેબલ જ આપડે લગાડી દેતા હોઈએ છીએ. આપણે પોતે કેટલાને અનુકુળ થઈને જીવી શકીએ છીએ? બીજાના પ્રેમ અને લાગણીઓના લીધે પોતાનામાં કેટલો બદલાવ લાવી શકીએ છીએ?
દરેક વ્યક્તિનું પોતાનું અલગ વ્યક્તિત્વ હોય છે. જો સામેવાળી વ્યક્તિ હું વિચારું એમ જ વર્તે એમ આપણે ઈચ્છીએ તો પછી મારા અને સામેવાળી વ્યક્તિમાં ફેર શું? ભગવાને આપણને બધાને અલગ કેમ બનાવ્યાં છે, ખબર છે? કે જેથી આપણે બધાં એકબીજાથી કંટાળી ના જઈએ. દરરોજ નવા ચહેરાઓ, સ્વભાવ અને વિચારો ધરાવતી વ્યક્તિઓને જોઈને, મળીને નવીનતા અનુભવી શકીએ. જો ઇન્દ્રધનુષ્ય એક જ રંગનું બનેલું હશે તો ગમશે આપણને જોવું? ના.. જો એક જ રંગથી કોઈ આપણને ચિત્ર બનાવવાનું કહે તો બનાવી શકીશું આપણે? ના.. એક રંગથી બનેલ ચિત્ર જોવામાં મઝા પણ શું આવે? તો પછી એક જ પ્રકારના સ્વભાવ, વિચારોવાળી જ વ્યક્તિઓ આપણી આજુબાજુ હોય તો જીવનમાં શું નવીનતા લાગે? એક જ ઘરનાં પાંચે પાંચ સભ્યો સમાન સ્વભાવ અને વિચારોવાળા હોય તો કંટાળો આવી જાય કે નહીં? સ્વભાવમાં અલગતા છે તેથી જ તો મઝા છે.
તમારો કોઈ મિત્ર તમારાં જેવો જ કોપી ટૂ કોપી હોય તો મઝા આવશે તમને એની મિત્રતામાં? ના.. તો તો સાવ બોર જ લાગે. મિત્ર તમારાં કરતા અલગ વિચારો, અલગ સ્વભાવ ધરાવે છે એટલે જ તો તમને એની મિત્રતામાં આનંદ આવે છે. પણ તકલીફ પણ ત્યાં જ થાય છે જયારે સ્વીકારવાની વાત આવે છે. સામેવાળી વ્યક્તિને આપણે હંમેશા આપણી કલ્પનામાં ગમતી વ્યક્તિ જેવી જ બનાવવા માંગીએ છીએ. એનાં વાસ્તવિક સ્વરૂપમાં આપણને કંઈ ને કંઈ ખૂટતું જ લાગે છે. 'તું સમજુ છે પણ તને ગુસ્સો બહું આવી જાય છે યાર.' શું પ્રેમની જેમ ગુસ્સો પણ માનવસ્વભાવનો જ એક ભાગ નથી? શું વ્યક્તિને આપણો પ્રેમ ગમતો હોય, આપણાં પ્રેમને સ્વીકારી શકતી હોય તો પછી આપણાં સ્વભાવના ગુસ્સાને કેમ સ્વીકારી શકતી નથી?
બે પ્રેમી હતાં. તેઓ બન્ને દરરોજ સાંજે બગીચામાં એકબીજા સાથે સમય ગાળતા. પ્રેમી બહુ બોલકો હતો. પ્રેમિકા સાથે વાતો કરવા એની પાસે અલકમલકની વાતો હોય. બીજા પક્ષે પ્રેમિકા આછા બોલી. તેને મૌન રહી પ્રેમીની વાતો સાંભળવામાં વધુ મઝા આવે. પણ પ્રેમીને એની પ્રેમિકા આમ ઓછું બોલે એ ના ગમે. તે રોજ એની પ્રેમિકાને આ વાતની ફરિયાદ કરતો. ' તું કેમ બહુ બોલતી નથી?' પ્રેમિકા કહે, ' એવું નથી કે હું ઓછું બોલું છું એટલે હું તને પ્રેમ નથી કરતી કે મને તારામાં રસ નથી, પણ મારો સ્વભાવ આછા બોલો છે. મારા મૌનમાં જ તારો પ્રેમ સમાયેલો છે.' પણ પ્રેમી કંટાળી જતો પ્રેમિકાનાં આ સ્વભાવથી. એક વાર બન્ને વચ્ચે આ જ બાબતમાં તકરાર થઈ. પ્રેમીએ પ્રેમિકાને કહી દીધું, ' તું તારું મૌન પસંદ કર કાં મને' પ્રેમિકા બોલી, ' હું જેવી છું એવી જ તું મને સ્વીકારી શક્તો નથી તો તારા પ્રેમનો અર્થ શું ? જો તને ખરેખર પ્રેમ હોય તો મારા મૌનમાં પણ તને પ્રેમ દેખાય. તારા કરતા હું મારા મૌન સાથે રહેવાનું વધુ પસંદ કરીશ.'
આપણે બધાં એકબીજા પર દાવો કરતાં હોઈએ છીએ કે, ' હું તને કેટલો પ્રેમ કરું છું.' પણ જ્યારે એકબીજાના સ્વભાવ, વર્તન અને વિચારોની વાત આવે ત્યારે તરત જ કહી દેતા હોઈએ છીએ કે, ' યાર, તારો સ્વભાવ સુધાર, મને નથી ગમતો તારો આ સ્વભાવ. જો ખરેખર પ્રેમ હોય છે તો એકબીજાના બદલવાની અપેક્ષા શું કામ રાખીએ છીએ? વ્યકિતના અલગ અસ્તિત્વનો સ્વીકાર કેમ કરી શકતાં નથી? જો ખરેખર પ્રેમ હોય તો વ્યક્તિ એમ જ કહે, ' તું જેવી છું એવી જ મને વધું ગમે છે, મારા માટે તું પોતાની જાતને ના બદલીશ. હું તને તારા ખુદના સ્વરૂપમાં જ પ્રેમ કરવા માંગુ છું.' જયાં સ્વીકાર છે ત્યાં જ પ્રેમનું ખરું અસ્તિત્વ હોઈ શકે.
પતિ-પત્ની વચ્ચેના ઝઘડા મુખ્યત્વે આ જ બાબતના લીધે થતાં હોય છે. પતિ પત્નીના અલગ અસ્તિત્વનો સ્વીકાર કરી શક્તો નથી. જે તેને ગમે એ એની પત્નીને ગમવુ જ જોઈએ એવો એનો આગ્રહ હોય છે. સામા પક્ષે પત્ની પણ તેનો પતિ તેનાથી અલગ છે તે વાત સ્વીકારી શકતી નથી. દરેક વાતમાં પતિ પત્ની એકબીજાને ના ગમતી વસ્તુંઓ કરવા દબાણ કરતા હોય છે. પતિ કહેશે,' તારે મારી સાથે પાર્ટીમાં તો આવવું જ પડશે', 'તું કેમ આટલી ઘર કૂકડી છે?' બીજી બાજુ પત્ની કહેશે,'તમારે મારી સાથે ગરબા તો ગાવા જ પડશે', ' તમને કેમ ગરબા ગાવા નથી ગમતાં?' શું એકબીજાની દરેક વસ્તું કે શોખ ગમે તો જ એકબીજા પ્રત્યેનો પ્રેમ સાબિત થાય? ' તને ગમે તો જ તું પાર્ટીમાં મારી સાથે આવજે, તારી પર દબાણ નથી આવવા માટે' . શું એકબીજાને ગમતું કે ના ગમતી વસ્તું સ્વીકારી ના શકાય, આવી રીતે?
એક પિતા અને પુત્ર હતાં. પિતા રાજકારણમાં આગળ પડતાં હતાં. રાજકીય પક્ષમાં એમનો ઊંચો હોદ્દો હતો. એમની ઈચ્છા પોતાના કાર્યભાર પછી પુત્ર એમનો રાજકીય હોદ્દો સંભાળે એવી હતી. પણ પુત્રને રાજકારણમાં બિલકુલ રસ નહીં. એનો રસ સાયન્સ ફિલ્ડમાં વધું હતો. એને બાયો-ટેકનોલોજીમાં વધું રિસર્ચ કરી એમાં જ તેની કેરિઅર બનાવવી હતી. પણ તેનાં પિતા ગમે તેમ કરી એને રાજકારણમાં જ લાવવા માંગતા હતાં. ગ્રેજયુએશન પછી એનાં પિતાએ તેને આગળ સ્ટડી કરવાની મનાઈ ફરમાવી દીધી અને પક્ષનું કામકાજ સોંપી દીધું. પુત્ર સમજી શક્તો નહોતો કે તેનાં પિતા એને અલગ વિષયમાં રસ છે તે કેમ સમજી શકતા નથી. પુત્રએ એની મમ્મીને સમજાવવાની કોશિશ કરી, 'પપ્પાને જેમ રાજકારણમાં રસ છે એમ મને સાયન્સમાં રસ છે, હું હું છું અને તે તે છે. તેમની મરજી મુજબ હું રાજકારણમાં જોડાઈ જવું તો પછી મારા અલગ અસ્તિત્વનો અર્થ શું ? એમની અપેક્ષાઓનો બધો ભાર તેઓ મારી પર શું કામ નાખે છે?' મોટે ભાગે આવું જ થતું હોય છે આપણાં બધાની જિંદગીમાં. બીજી વ્યક્તિ અલગ છે એ સામેવાળી વ્યક્તિ સમજી જ શકતી નથી. અને પછી એકબીજાની અપેક્ષાઓનાં ભાર તળે આપણી મરજીઓ દટાતી જાય છે.
જો માણસે એકબીજા સાથે પ્રેમપૂર્વક રહેવું હોય તો દરેક વ્યક્તિનો સંપુર્ણ સ્વીકાર કરવો રહ્યો. તમે તમારો સ્વીકાર જેટલી સરળતાથી કરી શકો છો એ જ સરળતાથી બીજાનો સ્વીકાર કરો. લાગણી અને સંબંધો ત્યાં જ ટકી શકશે જયાં સંપુર્ણ સ્વીકાર છે. એક્સેપ્ટેન્સ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઑફ લવ.
પૃથ્વી ની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ.
– “મરીઝ”