Tamake Tara - 2 in Gujarati Poems by Kirtida Brahmhbhatt books and stories PDF | Tamake Tara - 2

Featured Books
Categories
Share

Tamake Tara - 2

જય ભગવતી

ટમકે તારા

(બાળકાવ્ય સંગ્રહ)

ભાગ - ૨

કીર્તિદા બ્રહ્મભટ્ટ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•માડી

•દફતર

•પતંગિયાની પાંખો પહેરી

•નાની નાની કેરી

•લાલ પરી

•આવોને ચકલાં

•પાટા ઉપર

•ગાંગલી

•પડછાયો

•પરપોટા

•મમ્મી અને વહાલી

•ટમકે તારા

•એક બિલાડીં

•એક ગટૂડો

•પશા પટેલના ખેતરે

૧. માડી

માડી, થાવા દે એક રુડો મોર

મારે ભરવા ટહૂકાર તારે આંગણે,

મારી ઢળકતી ચાલ ચિતચોર

મારા પીંછાના રંગ પૂરું બારણે.

તું તો કોકિલનો એક મીઠો બોલ

મીઠા હાલાના સૂર મારે પારણે

તારા સાળુની ઘટા ઘનઘોર

આછી ભીંજાય મારી પાંપણે.

ચકલી હું થાઉ જો ચકોર

ચીંચીં ચક ગાઉં તારે ટોડલે.

લઈ તરણાં ને લાલ પીળી દોર

રૂડો માળો બનાવું ઊંચા છાજલે

માડી, થાવા દે એક રૂડો મોર

મારે ભરવા ટહૂકાર તારે આંગણે

૨. દફતર

દરિયાને દફતરમાં ભરવો

ભરવી સઘળી નદીઓ.

ગિરિમાળાને ગગન ગોખના

ગ્રહ, તારા, ચાંદલિયાઓ.

ગામ, શહેર ને દેશ દેશની

વાત ભરેલી સદીઓ

આંક, પાઠની કડાકૂટને

લઈ બેઠી ચોપડીઓ.

હારજીત ને રાજપાઠના

પાઠ ભણાવે વહીઓ,

સાલ, વરસ તે તવારીખથી

બાપ રે, હું તો ડરિયો.

૩. પતંગિયાની પાંખો પહેરી

પતંગિયાની પાંખો પહેરી હું ઉપવનમાં જાઉં,

ફૂલ ફૂલની ટોચે બેસી, હું પાંખો ફરકાવું.

ઊડઊડ કરતો આભે પહોંચી તારા તોડી લાવું,

ઝીણેરા એ તારલિયાનો હાર તને પહેરાવું

મમ્મી, રાત પડે ને એવો તારા પાલવડે બંધાઉં.

પતંગિયાની પાંખો પહેરી હું ઉપવનમાં જાઉં.

મોર કળા કરતો જો થાઉં નિત નિત નાચ બતાવું,

ને આંગણમાં બેની તારા રંગ નવા પથરાવું,

રંગબેરંગી રંગોળીમાં હું જ તને દેખાઉં. બેની,

પતંગિયાની પાંખો પહેરી હું ઉપવનમાં જાઉં.

એક વખત જો મને એકલો મમ્મી ઘરમાં મૂકે.

તો પપ્પાની લેખણ લઈ હું ઘર આખું ચિતરાવું

દેખ પછી દાદાની પાસે જઈને બહુ હરખાઉં.

પતંગિયાની પાંખો પહેરી હું ઉપવનમાં જાઉં.

૪. નાની નાની કેરી

દેખ ભાઈલા, આંબા ઉપર

નાની નાની કેરી,

ચાલ ભાઈલા, ચડીએ આપણ

આભ તપે રૂપેરી

પપ્પા ને મમ્મી સૂતાં છે,

બાની નીંદર ઘેરી.

આવ, આગળ છે ઉઘાડા

દે દરવાજા ઠેલી. દેખ...

પોપટ, કોયલ રાજ કરે છે

નાચણ જોને નાચ કરે છે

આપણ બેઉ જઈને મળીએ

આંબલિયાને ઘેરી.

તું જ કહે હું ક્યાંથી આવું,

સૌથી પહેલાં શું બોલાવું

કુહૂ કુહૂ કરવા લાગું કે

ચક ચક ચક ચીંચેરી ? દેખ..

નાની કેરી મુજને દેજે

મોટી મુજથી માગી લેજે

આંખ મીંચી દે તો હું આપું

મારી મોટી ઢેરી.

એય તને ઓછી લાગે

તો આપું આખી ફેરી,

ખાવા કરતાં તો ગણવામાં

મોજ પડે જુદેરી. દેખ...

૫. લાલપરી

નાનુએ સપનામાં આજ લાલ પરીને દીઠી.

લાલ પાંખ ને લાલ મુકુટમાં હસતી મીઠી મીઠી.

મીઠું મીઠું બોલી એણે અઢળક વાતો કીધી,

ને એવો હરખાયો નાનુ, હળવેથી મલકાયો નાનુ

પરી રાણીની પાંખે બેસી પરીઓમાં પંકાયો નાનુ

પરીસ્તાનની સૌ પરીઓને પળમાં જીતી લીધી

નાનુએ સપનામાં આજે લાલ પરીને દીઠી

એક ગુલાબી ફૂલ બતાવે, એક બતાવે વલી,

એક પરીની સાથે હસતી આવી એક સહેલી.

જાદુની એક છડી રૂપેરી એણે આપી દીધી

ફેરવી એ જ છડીને એવી દુનિયા ઝળહળ કીધી

નાનુએ સપનામાં આજે લાલ પરીને દીઠી

૬. આવોને ચકલાં

આવોને ચકલાં, આવોને હોલાં પોપટને બોલાવું છું.

ચક ચક કરતાં થનગન નાચો ગીતડાં હું ગવડાવું છું.

ઘંટીના દાણા મેં આંગણામાં નાખ્યા, દરવાજે ઊભા બે ચાડિયા છે રાખ્યા,

નિરાંતે ચણજો ને મીઠું મીઠું ગાજો, તમને જરાય ના સતાવું છું.

આવોને ચકલાં, આવોને હોલાં પોપટને બોલાવું છું.

ચક ચક કરતાં થનગન નાચો ગીતડાં હું ગવડાવું છું.

આવો કબૂતર લઈને તેતર, દાદાએ ખેડ્યું છે મોટું ખેતર,

ઝાડની ડાળીએ ઝૂલજો ને ડોલજો, હીંચકો હું બંધાવું છું

આવોને ચકલાં, આવોને હોલં પોપટને બોલાવું છું.

ચક ચક કરતાં થનગન નાચો ગીતડાં હું ગવડાવું છું.

રૂપાળા મોરલા દોડીને આવજો, ઢળકંતી ઢેલડ સંગાથે લાવજો,

થનક થનક થૈ કરતાં ગાજો. વાદળ હું વરસાવું છું

આવોને ચકલાં, આવોને હોલાં પોપટને બોલાવું છું.

ચક ચક કરતાં થનગન નાચો ગીતડાં હું ગવડાવું છું.

૭. પાટા ઉપર

પાટા ઉપર ગાડી ચાલે

પીપ પીપ છૂક છૂક કરતી,

મામાને ઘેર જાવા માટે

મમ્મી પેટી ભરતી.

સ્ટેશન ઉપર ટિકિટ બતાવી

હું ગાડીમાં ચડતી,

બારી પાસે સીટ રખાવી

ટાટા બાય બાય કરતી.

મારગમાં ઝાડી આવે ને

આવે જંગલ ગાઢાં

નદી ઉપરનાં પૂલ અને

લો, આવે મોટા નાળાં,

સ્ટેશન આવ્યે થંભી જઈને

મુસાફરોને ભરતી,

કોક ચડે ને કોક ઉતરે

સહુને લઈને ફરતી.

આગળ એન્જિન સીટી વગાડે

ધૂમાડાના ગોટા કાઢે

પાછળ ગાર્ડ તણા ડબ્બામાં

લીલી ધજા ફરફરતી.

પાટા ઉપર ગાડી ચાલે

પીપપીપ છૂક છૂક કરતી.

૮. ગાંગલી

એક ગટૂકડી ગાંગલડીને મમ્મીએ સોંપ્યું કામ.

એક ખણકતા રૂપિયામાંથી જાંબુ લાવજે શ્યામ.

પાંચીકાની પેઠે ગાંગલી ઉછાળે એ દામ

ને રેતીના મોટા ઢગમાં પડ્યો રૂપિયો રામ

શોધી શોધીને થાકી ગાંગલી

રેત રેત થઈ આખી ગાંગલી

રડી રડી થઈ રાતી ગાંગલી

ફાંફાં માર્યા બહુ તેમ ને આમ

ઘેર જઈને મમ્મીને એણે સંભળાવ્યો અંજામ

રેત મહીથી રૂપિયો મમ્મી, છોડી ચાલ્યો ગામ

મમ્મી વહાલ કરીને બોલી,

બેટી તું મારી છે ભોળી

ખિસ્સામાં મૂક્યો હોત તો

ખોવાત નહીં એ આમ.

નહીં ભૂલું હું હવે કોઈ દિ તારી વાત તમામ

કહી ગાંગલી દોડી પહોંચી કાકાજીને ધામ

રૂપાળાં બે ગલુડિયા ત્યાં

ફરતાં’તાં રૂડી પેર,

લઈ ખિસ્સામાં બેય ગલૂડાં

ગાંગલી આવી ઘેર

બે ય ગલૂડાં ઢળી પડ્યાં ને હાલ થયા બેહાલ

લે મમ્મી, આ ખિસ્સાની તો વાત થઈ નાકામ

ગલૂડિયાંને કોઈ દિવસ

ખિસ્સામાં મૂકાય નહીં.

લાવે પટ્ટો બાંધીને તો

આવી હાલત થાય નહીં.

સૂણી ગાંગલી ઠાવકી બોલી, મમ્મી મારી સૉરી સૉરી

હવે જરાયે નહીં ભૂલું હું કરીશ સરખાં કામ

વરસગાંઠ ત્યાં આવી એની

મામાએ બોલાવી બેની,

મામીએ એક ડબ્બા માંહે

લાડુ ને બંધાવી ફેણી,

પણ ગાંગલી પૂરી ગાંગલી, ઉતાવળી ને સૂરી ગાંગલી

ડબ્બાને દોરીથી બાંધી ઢસડ્યા સરેઆમ

લાડુ ને ફેણી વેરાયાં

ઢાંકણ ને ડબ્બા ખોવાયાં

વળી પૂછતી ગાંગલડી કે

કેમ થયું છે આમ !

ખૂબ રડી’તી પછી ગાંગલી, કેમ બગડતાં કામ !

ખાવાનું ના રહ્યું સહેજે ને ખોવાયાં રે ઠામ !

ઓ બેટી, શું કહું હવે હું

માથે કેમ ના મૂકી લાવી તું ?

ખાવાનું ઢસડાય નહીં,

ભોંય ઉપર મૂકાય નહીં.

મને ખબર શું હોય માવડી, ભૂલ થઈ કેમ આવડી

હવે કોઈ દિવસ ના, ભૂલું તે દીધી છે સાન.

એક વખત મોચીડે દીધાં

ચંપલ બેનને લાલ.

નવલાં ચંપલ માથે મૂકી

ચાલી ખુશખુશાલ

જોઈને મમ્મી કપાળ કૂટતી બોલી તેણી પેર,

કેમ કરીને લેવી મારે ગાંગલી તારી ખેર ?

મમ્મીને હું વહાલ કરું છું,

કામ ચીંધે તે વાર કરું છું,

ભૂલ પડે ના એટલા ખાતર

કામ તણો બહુ ખ્યાલ કરું છું;

તોય મને ના મમ્મી દેતી કોઈ દિવસ ઈનામ

એક ગટૂકડી ગાંગલડીને મમ્મીએ સોપ્યું કામ.

૯. પડછાયો

પડછાયાની આગળ ચાલું

તો પડછાયો ચાલે,

પડછાયાની પાછળ ચાલું

તો પડછાયો ચાલે !

ટપલી દઈને પડછાયાને

હું તો દોડી જાઉં

પણ મુઠ્ઠીમાં આવે ના

એ કેમ કરી હું લાવું !

પડછાયાને વહાલ કરું

તો એ જ મને પંપાળે

મારી આગળ પાછળ

જાણે એ જ મને સંભાળે !

પડછાયાને આંખ નથી

ને નથી એક પણ પાંખ

તોય કદીક ઊડી એ જાતો

ને છૂપાતો ક્યાંક !

હાથ હલાવી આવ કહું તો

એ જ મને બોલાવે

રાત પડે ને હું થાકું તો

એય વળી કંટાળે !

૧૦. પરપોટા

સાબુ લગાવીને નાવાનું હોય

અને ગણવાના હોય પરપોટા

ફૂટે ફૂટે ને તોય ઊઠે એ સામટા,

કંઈક નાના કે કંઈક મોટા.

તડકામાં લઈને જો ઊભો રહુંને તો,

સૂરજ પડાવે એના ફોટા.

પરપોટે પરપોટે સૂરજ ઊગે ને તોયે

એકે મળે ન એના જોટા.

ચપટીમાં પકડું તો ચટ ચગદાય

અને મુઠ્ઠીમાં કાઢે એ દોટા,

સટ્ટ દઈ સરકીને આઘા એ જાય

અને ઊડે તો થાય એ લખોટા.

સાબુ લગાડીને નાવાનું હોય

અને ગણવાના હોય પરપોટા.

૧૧. મમ્મી મને વહાલી

તારા તોડીને તારી ગૂંથાવી વેણી

ચાંદે ચમકાવું હથેળી,

ઓ મમ્મી, તું મને વહાલી.

હસતી આંખલડી ને હસતા તુજ મુખડાથી

હસતાં આ ઘર અને ડેલી,

ઓ મમ્મી, તું મને વહાલી.

તારા ખોળામાં મળે દુનિયાના રાજ,

મળે નીંદર સપનાંથી ભરેલી,

ઓ મમ્મી, તું મને વહાલી.

તું જ મારી નૈયા, ને તું જ મારી નાવડી,

તું જ મારી સાચી સહેલી,

ઓ મમ્મી, તું મને વહાલી.

બેટ્ટો હું નાનો તારો લાડકડો,

છૂપાતો લઈને હું તારો પાલવડો,

મહેકે જ્યાં ફૂલ અને વેલી,

ઓ મમ્મી, તું મને વહાલી

૧૨. ટમકે તારા

આભ ઉપર આ ટમકે તારા

જાણે પારિજાતક

ઝીણું ઝીણું મલકે જાણે

તેજ તણી છે છાલક

આંખ માંડતા ખેલ ખેલતાં

ઝબકે ઝબક ઝબાઝબ

ગણતાં ગણતાં થાકું એવાં

ચમકે આભે અઢળક.

આ ચાંદલિયો રોજ રમે

ને તોયે કરતો નાટક.

વાદળ પાછળ સંતાઈને

હસવાનો એ સાચક.

આભ ઉપર આ ટમકે તારા

જાણે પારિજાતક.

૧૩. એક બિલાડી

એક બિલાડી મારા ધાબે

ધબાક દઈને કૂદી,

હું દોડ્યો ને દોડી મારી મમ્મી

સીડી સુધી. એક...

કાળી કાળી મૂછો એની

આંખો ભૂરી ભૂરી,

મ્યાઉં મ્યાઉં કરતી આવી સામે

પગથિયાં બે કૂદી. એક...

ઉંદરભાઈ સંતાયા જ્યાં છે

આંખો એની ફરતી ત્યાં છે,

લબલબ લબલબ જીભડી કરતી

ચાલે સીધી ઊંધી. એક...

ના ઉંદરભાઈ હાથમાં આવ્યા

બિલ્લીબેન ના જરાય ફાવ્યાં.

ડાહ્યાં ડમરાં થઈને બેઠાં

એક ખૂણાને ખૂંદી. એક...

૧૪. એક ગટૂડો

એક ગટૂડો લખોટી લઈ

રમવાને નીકળતો

ભર બપોરે ભેરુ સંગે

તડકા માંહે ફરતો

ભીંતપછાડા, ટીચ્ચમ ટીચ્ચા

ટચાક ટચ બહુ કરતો

હાર-જીતની વાત નહીં બસ

રમવા ખાતર રમતો.

ચોમાસામાં ખૂંચામણી લઈ

લાંબી ફલંગ ભરતો

ભેરૂ પાછળ પડી જતાં

એ મનમાં મનમાં હસતો

લ્યો, હવે તો હું જ પહેલો

કહીને પાછો વળતો.

સાતતાળીને સાતોલિયાના

દાવ બધાંના ગણતો.

ઝપટ મારવા જાય સાથી તો

હાથ મહીંથી સરતો.

એક ગટૂડો લખોટી લઈ

રમવાને નીકળતો.

૧૫. પશા પટેલના...

પશા પટેલના ખેતરે રે અમે ફરવા ગ્યા’તાં

ગામના ગોઠિયા સંગે રે અમે રમવા ગ્યા’તાં.

ખેતરમાં ઊગ્યાં’તાં લીમડાનાં ઝાડ

આંબાની હાર તણી ઊભી’તી વાડ

પીપળા, પીલુડાંને શીમળા રે

અમે ગણવા ગ્યા’તાં...પશા...

કોયલ, ચકલાં, મોરલાંને અમે ગાતા દીઠાં

મેના, પોપટ ને સૂડલાને અમે ચણતા દીઠાં

વગડાની વચ્ચે ને ખેતરની પાર

અમે ભમવા ગ્યા’તાં...પશા...

ખેતરમાં ખેડૂએ પૂર્યા’તા પ્રાણ

લહેરાતો મોલ કરે એના વખાણ

લીલાછમ લહેરિયાને આંખોમાં

અમે ભરવા ગ્યા’તાં.