નવલકથા
અપૂર્ણવિરામ
શિશિર રામાવત
પ્રકરણ ૨૭
“ઓહ માય ગોડ!” માયાના મોંમાંથી લગભગ રાડ ફાટી ગઈ, “કોણ છે આ?”
મોક્ષે બે હાથોથી એને ઉઠાવી હતી. એ તરુણી હતી. યુવાનીની ધાર પાસે અટકી ગયેલી વિદેશી તરુણી. ગોરો રંગ, સૂકા કથ્થાઈ વાળ, પાતળું શરીર, ઢળી પડેલું મસ્તક. ગોઠણથી વળેલા એના બન્ને પગ દોરડાની જેમ લટકતા ઝુલી રહૃાા હતા. મોક્ષ જે રીતે હાંફી રહૃાો હતો તે જોતા લાગતું હતું કે છોકરીને લાંબા સમયથી આ રીતે ઊંચકી રાખી હોવી જોઈએ.
“આખો દરવાજો ખોલ...” રિતેશે તીવ્રતાથી કહૃાું. એ મોક્ષની સાથે જ હતો. થોડી કલાકો પહેલાં એ બન્ને માથેરાનની માર્કેટ તરફ નીકળ્યા ત્યારે માયા અને રુપાલી બેડરુમમાં વાતો કરી રહી હતી- માયાએ ભૂતકાળમાં કરી નાખેલા એક “ગંભીર” ગુના વિશે, એના નિઃસંતાન હોવાની વેદના વિશે, વિચિત્ર વર્તન કરતી બુરખાધારી મુમતાઝ વિશે....
... અને પુરુષો પાછા આવ્યા ત્યારે આ અપરિચિત- અભાન વિદેશી છોકરી કોણ જાણે ક્યાંથી ઉઠાવી લાવ્યા હતા.
માયાએ ઊંચા જીવે ડ્રોઈંગરુમમાં ઊઘડતો મુખ્ય દરવાજો આખો ખોલી નાખ્યો. મોક્ષ છોકરી સહિત ભારે ડગલે અંદર પ્રવેશ્યો. છોકરીએ ગળા સુધીનું ફુલ સ્લીવ ટીશર્ટ અને ઢીલા ટ્રાઉઝર નીચે ગમબૂટ પહેરેલાં હતાં. એને સોફા પર સાચવીને સુવડાવવામાં આવે તે પહેલાં જ રુપાલી અંદરથી હાથ લૂછતી લૂછતી આવી.
છોકરીને જોતાં જ સ્તબ્ધ થઈને થંભી ગઈ એ.
“રુપાલી!” એ કશું બોલે તે પહેલાં રિતેશે કહૃાું, “સવાલ-જવાબ પછી કરજે. પહેલાં પાણી. કિવક!”
આશ્ચર્યચકિત થઈ ગયેલી રુપાલીએ ટિપોઈ પરથી પાણીની બોટલ ઊંચકીને એના હાથમાં થમાવી. એની આંખોમાં ભય પ્રસરવા માંડ્યો હતો.
“આપણા બંગલાની બહાર વણાંક પાસે બેભાન પડી હતી,” છોકરીનાં જૂતાં ઊતારતા ઊતારતા મોક્ષ કહેવા લાગ્યો, “એની સાથે કોઈ હોય એવું લાગ્યું નહીં એટલે...”
“...એટલે ઊંચકીને સીધા ઘરે લઈ આવ્યા, એમ?” માયાનો અવાજ રોષથી ખેંચાઈ ગયો.
મોક્ષે આંચકા સાથે માયા તરફ ગરદન ઘુમાવી. એ માની ન શક્યો. લગભગ આઘાતથી એ માયાને જોઈ રહૃાો, “તો શું રસ્તા પર એમ જ છોડીને નીકળી જઉં?આ તું શું બોલે છે, માયા? માનવતા જેવું કંઈ હોય કે નહીં?”
માયા અસ્વસ્થ થઈને ચક્કર કાપવા લાગી. કમરામાં તંગદિલી છવાઈ ગઈ. રિતેશ હથેળીમાં પાણી લઈને મૂંઝવણથી મોક્ષને તાકી રહૃાો હતો.
“જુએ છે શું? પાણી છાંટ!”
ચહેરા પર પાણીનો બે-ચાર વખત છંટકાવ થયા પછી પણ છોકરી સળવળી નહીં એટલે મોક્ષના કપાળ પર સળ વધતી ગઈ.
“ડોકટરને બોલાવવો પડશે. માયા, ફોન કર!”
“જસ્ટ શટ અપ!” માયા આતંકિત થઈ ઉઠી, “એન્ડ બિહેવ યોરસેલ્ફ!”
“વોટ્સ રોંગ વિથ યુ, માયા? તું આટલી ઈન્સેન્સિટિવ કેવી રીતે થઈ શકે છે? એક છોકરી બિચારી બેભાન પડી છે ને તું...”
માયા તિલમિલાઈને બેડરુમ તરફ જવા પગ ઉપાડતી હતી ત્યાં જ છોકરીએ હળવો ઊંહકારો કર્યો. માયા થંભી ગઈ. તીર છોડતી હોય તે રીતે એણે છોકરી તરફ નજર ફેંકી. છોકરીએ હળવે હળવે આંખો ખોલી રહી હતી. એની આંખોનો નીલો રંગ જોઈને સૌના મનમાં એકસરખો વિચાર ઝબકી ગયોઃ આ રુપકડી છોકરી મિશેલની નાની બહેન જેવી દેખાય છે!
વર્તમાનના વીખરાયેલા તાંતણા એકઠા કરવાનો પ્રયત્ન કરતી છોકરી આમતેમ જોવા લાગી. ચાર અજાણ્યા ચહેરા. તીક્ષ્ણતાથી નિહાળી રહેલી આઠ અપલક આંખો. એ સખત ગભરાઈ ગઈ.
“ડરવાની જરુર નથી. તું સલામત છે...” સહેજ આગળ આવીને મોક્ષે અંગ્રેજીમાં કહૃાું, “તું રસ્તા પર બેહોશ પડી હતી. તને સમજાય છે હું શું બોલું છું તે?”
“યેસ...” છોકરીનો અવાજ સાવ ક્ષીણ હતો. એણે બેઠા થવાનો પ્રયત્ન કર્યો.
“સૂતી રહે. ઈટ્સ ઓકે,” મોક્ષે કહૃાું.
છોકરી છતાંય બેઠી થઈ. એની ભયભીત આંખોમાં હવે શંકાના મોજાં ઉછળવાં લાગ્યાં.
“લે, પાણી પી, ” મોક્ષે એને બોટલ આપી, “જો, મારું નામ મોક્ષ છે. આ મારી પત્ની છે, માયા... અને આ અમારાં મિત્રો છે. મુંબઈથી આવ્યાં છે. તારે બિલકુલ ટેન્શન લેવાની જરુર નથી. તારું નામ શું છે? માથેરાનમાં ક્યાં ઉતરી છે?”
“માથેરાનમાં... મારા અંકલના ઘરે. એમનો બંગલો છે અહીં.”
મોક્ષને સમજાયું નહીં. છોકરી કોઈ ઈન્ડિયન આદમીને અંકલ કહેતી હશે? હોઈ શકે.
“કઈ જગ્યાએ છે તારા અંકલનો બંગલો?”
“સનસેટ પોઈન્ટ તરફ,” છોકરીએ બે ઘૂંટ પીને બોટલ નીચે મૂકી. અંગ્રેજી ઉચ્ચારણો પરથી એ બ્રિટીશ લાગતી હતી. પાતળો અસહાય ચહેરો. સહેજ ઊંચકાયેલા ગાલના હાડકાં અને રતુંબડા હોઠ જે વિચિત્ર રીતે સોજી ગયા હતા.
“આઈ સી!” મોક્ષે કહૃાું, “શું નામ છે તારા અંકલનું?”
“મોક્ષ... સ્ટોપ ઈટ!” માયા રઘવાઈ થઈને બે કદમ આગળ ધસી આવી. ક્રોધભર્યા સ્વરે એ અંગ્રેજીમાં જ બોલી, “શું કામ પૂછપરછ કરે છે? તારે શું કરવું છે આ બધું જાણીને?”
છોકરીએ સહમી ગઈ. એણે માયા સામે જોયું. કશુંક શકિતશાળી વહૃાું ચાર આંખો વચ્ચે. એક સદીથી બીજી સદી વચ્ચે વહેતા સત્ય જેવું અથવા અવકાશમાં ભયાનક વેગથી વીંઝાતા ઉપગ્રહોના ભંગાર જેવું.
છોકરી કાંપી ઉઠી.
“મારે જવું જોઈએ...” એ ઊભી થઈ, “થેન્ક્યુ ફોર ધ હેલ્પ.”
“તને અશકિત છે. થોડી વાર આરામ કરીને જા,” મોક્ષે કહૃાું
“નો!” એણે જૂતાં પહેરવાને બદલે હાથમાં ઉઠાવી લીધાં, “મારે જવું જ પડશે. નહીં તો મારા અંકલ મને...”
“હું મૂકી જઉં?”
“મોક્ષ!” માયાનો અવાજ બરછટ બની ગયો, “કશી જરુર નથી. જતી રહેશે જાતે.”
“પણ-”
કોઈ આગળ કશંુ બોલે તે પહેલાં છોકરી ઝપાટાભેર દરવાજા તરફ ચાલવા લાગી. બહાર મુમતાઝ ઊભી હતી. નિર્જીવ પૂતળાંની જેમ. સૂર્યપ્રકાશમાં એના ફાટી ગયેલા બુરખાની કાળાશ મંદ પડી ગઈ હતી. છોકરી એની સાથે અથડાતાં અથડાતાં રહી ગઈ. મુમતાઝને જોઈને છોકરી સખત હેબતાઈ ગઈ. એણે ગાંડાની જેમ દોટ મૂકી. કમ્પાઉન્ડનો લોખંડી ગેટ વટાવીને એ દૂર ગાયબ થઈ ગઈ.
“યા અલ્લાહ! આ છોકરી દિવસે પણ ઘરમાં ઘૂસી ગઈ?” મુમતાઝની ફાટી આંખે જોતી રહી.
સૌ ચોંક્યાં.
“તમે આને ઓળખો છો?” મોક્ષે ઉત્તેજનાથી પૂછ્યું.
“અરે આ જ તો એ છે... લિઝા! જે તમારી ગેરહાજરીમાં આ બંગલામાં રાતે કાંડ કરતી ફરે છે! આ જ તો રાતે પોક મૂકીને રડતી હોય છે... અને રસોડામાં લોહીના છાંટણા આણે જ તો કર્યા છે!”
સૌના ચહેરાનો રંગ ઉડી ગયો.
ષ્ઠષ્ઠ૦ ૦ ૦
મિશેલ પૂર્ણ કદના અરીસા સામે ઊભી ઊભી ચુપચાપ વાળ બનાવી રહી હતી. એના ચહેરા પર સખ્તાઈ હતી. આર્યમાન અકળાઈને મિશેલને તાકી રહૃાો હતો.
“હું તને કંઈક કહી રહૃાો છું, મિશેલ. સાંભળે છે તું?”
મિશેલ બેધ્યાનપણે, આર્યમાનને લગભગ અવગણીને પોતાનું કામ કરતી રહી. આ ક્ષણે એને માત્ર એક જ માણસમાં રસ હતો, ગણપતમાં, જે એક કલાક પછી એક જગ્યાએ એને મળવા આવવાનો હતો.
“મિશેલ!” આર્યમાનના અવાજના અવાજની ધાર ઉતરી ગઈ, “તું મને સાથે આવવાની કેમ ના પાડે છે? અઘોરીને ન મળવા દે તે હજુય સમજી શકાય છે, પણ ગણપતને મળવામાં શો વાંધો છે?”
કાંસકો નીચે મુકીને મિશેલે પોતાની ઝેર જેવા બ્લુ-ગ્રીન રંગની આંખો આર્યમાન તરફ સ્થિર કરી.
આર્યમાન, અમુક એવી ભયાનક વાતો છે જેની ચર્ચા હું તારી હાજરીમાં ગણપત સાથે નહીં કરી શકું!
પણ આમ કહેવાને બદલે મિશેલે ભળતી જ વાત ઉચ્ચારી, “હું તને એટલા માટે ના પાડી રહી છું કે ઘરે રહીને તારે બીજું એક કામ કરવાનું છે... અને હું ઈચ્છું છું કે આ કામ તું આજે જ કરી લે. હું જાઉં પછી તરત!”
“શું?”
મિશેલે સામેની બે દીવાલોથી પડતા કાટખૂણા પાસે ગોઠવેલી લાકડાની કેબિનેટ પાસે ગઈ. સૌથી નીચેના ડ્રોઅરમાંથી એક પ્લાસ્ટિકની બેગ કાઢી. સહેજ અટકીને, વિચારીને બેગ આર્યમાન સામે ધરી, “લે!”
“શું છે આમાં?”
મિશેલે જવાબ ન આપ્યો. આર્યમાને પ્લાસ્ટિકની બેગમાં નજર કરી. એ સ્તબ્ધ થઈ ગયો.
“આર્યમાન, મુંબઈ આવ્યા પછી મેં એક કામ કર્યું હતું. એક રાતે ચુપચાપ મોક્ષના બેડરુમમાં જઈને એના કેમેરા અને આલબમ ચોરવાનું. તું જાણે છે આ વાત. આ એ જ છે - માથેરાનનો વિડીયો અને માથેરાનના ફોટોગ્રાફ્સની કોપી.”
આર્યમાનનો અવાજ ધ્રૂજ્યો, “આ બધું તું મને કેમ આપે છે?”
“હું ઈચ્છું છું કે તું આ ફરી એક વાર જુએ. વિડીયો, ફોટો, બધું જ. હું ઈચ્છું છું કે તું આમાંથી ફરી એક વાર પસાર થાય...”
“નો!” આર્યમાન અસ્વસ્થ થઈને પલંગ પર બેસી પડ્યો.
“મોઢું ફેરવી લેવાથી સચ્ચાઈ બદલી નથી જવાની, આર્યમાન!” પોતાનું પર્સ ચકાસીને મિશેલ દરવાજા તરફ વળી, “જોઈ લેજે!”
સીડી ઉતરીને મિશેલ કમ્પાઉન્ડમાં આવી ગઈ. વોચમેન જોસેફ અપેક્ષાથી એને જોઈ રહૃાો.
“રેડી, જોસેફ?”
“યસ, મેડમ.”
“ગુડ. ચાલ, બેસી જા.”
કાર બહાર આવી એટલે બંગલાનો ગેટ બંધ કરીને જોસેફ મિશેલની બાજુમાં ગોઠવાઈ ગયો. ગઈ વખતની જેમ આજે પણ એણે ગણપત અને મિશેલ વચ્ચે દુભાષિયાનું કામ કરવાનું હતું. થોડી વારમાં કાર મુખ્ય રસ્તા પર આવી ગઈ.
“આજે પણ પેલા અગાઉ ગયેલા એ જ બિયરબારમાં જવાનું છે, મેડમ?”
“આર યુ મેડ? એવી ગંધાતી જગ્યામાં હું બીજી વાર પગ મૂકું ખરી? આજે બીજી જગ્યાએ બોલાવ્યો છે ગણપતને.”
ગણપત રાહ જાઈને જ ઊભો હતો. રેસ્ટોરાં-કમ-બારમાં પ્રવેશતાં જ તેનો વૈભવ જોઈને ગણપત લઘુતાગ્રંથિથી સંકોચાઈ ગયો. એક ગ્લેમરસ વિદેશી યુવતી સાથે આવા મેલાઘેલા, આડેધડ વધી ગયેલા બાલદાઢીવાળા ગંદા માણસને જોઈને રેસ્ટોરાંમાં બેઠેલા કેટલાય લોકોની નજર ખેંચાઈ. ખૂણા પરના અર્ધવર્તુળાકાર સોફા પર ગોઠવાતાં જ મિશેલે ડ્રિન્કસનો ઓર્ડર આપી દીધો. એ જાણતી હતી કે જ્યાં સુધી આ સામે બેઠેલા માણસનું ગળું ભીનું નહીં થાય ત્યાં સુધી એના મોંમાંથી એક પણ કામની વાત બહાર નહીં આવે. બન્યું પણ એવું જ. વ્હિસ્કીનો એક લાર્જ પેગ પેટમાં ઊતરતાં જ ગણપતની વાચા ફૂટી.
“ખબર પડી મને... તમે શવસાધના પૂરી કરી આવ્યાં. હિંમતવાળાં છો, મેડમ. કહેવું પડે. બાકી આ વિધિમાં તો કેટલાય આદમીલોગના જીવ ગયાના દાખલા છે.”
જોસેફે અંગ્રેજીમાં અનુવાદ કરીને સંભળાવ્યું, પણ ગણપત પાસેથી વખાણ સાંભળવામાં મિશેલને કોઈ રસ નહોતો. અલબત્ત, એની વાત સાંભળીને એ સતર્ક જરુર થઈ ગઈઃ
હું ગોરખનાથની સાથે જે કંઈ કરું છું એની બધી માહિતી ગણપતને મળી જાય છે? એ સતત બાબાના સંપર્કમાં રહેતો હશે? બાબાએ શા માટે આવા નપાવટને પાળી રાખ્યો હશે? એ જે હોય તે, પણ બહુ સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે આ માણસ સામે.
થોડી આડીઅવળી વાતો પછી મિશેલ મુદ્દા પર આવી ગઈઃ
“ગણપત, તારા માટે એક ભેટ લાવી છું.”
મિશેલે પર્સમાંથી એક બંધ કવર કાઢીને ટેબલ પર મૂક્યું.
“શું છે આ?”
“જોઈ લે.”
ગણપતે ઉત્સુકતાથી કવર ખોલ્યું. હજાર-હજારની દસ નોટ જોઈને એની આંખો ચમકી ઉઠી.
“આ બધા જ પૈસા તારા... જો તું મને મદદ કરવાની અને મોઢું બંધ રાખવાની ખાતરી આપતો હો તો!”
“તમે હુકમ કરો મેડમ!” ગણપત રંગમાં આવી ગયો, “...અને વાત બહાર જાય તો હું બે બાપનો!”
“મને એક યંત્ર જોઈએ છે!”
“શું જોઈએ છે?”
“યંત્ર. બાબાએ શવસાધના વખતે ત્રાંબાના નાનકડા ચોસલા જેવું યંત્ર મારી હથેળીમાં મૂક્યું હતું. બાબા સમજે છે કે તે હજુય મારી પાસે પડ્યું છે, પણ તે ખોવાઈ ગયું છે.”
“ઓહ!” ગણપત ગંભીર થઈ ગયો, “શવસાધના કરનાર પાસે અગિયાર અઠવાડિયાં સુધી આ યંત્ર રહેવું જોઈએ. મા સ્મશાનતારાની કૃપાથી સાધકની આસપાસ શકિતના તરંગો પેદાં થાય છે, જે આ યંત્રમાં જમા થતાં રહે છે. અગિયાર અઠવાડિયાં પૂરાં થતાં જ ગોરખનાથ તમારી પાસેથી યંત્રની ઉઘરાણી કરશે. તે વખતે શંુ કરશો તમે?”
અગમનિગમની આવી બધી વાતો સાંભળીને જોસેફના મનમાં કુતૂહલ કૂદાકૂદ કરવા લાગ્યું હતું ને સાથે સાથે ડર પણ લાગ્યો. મેડમ આવા ભેદભરમ કરવા માટે ઈન્ડિયા આવ્યાં હશે? અંગ્રેજીમાં કાચુંપાકું રુપાંતર કરીને મિશેલને કહી સંભળાવ્યું તો એ પણ વિચારમાં પડી ગઈ. સાચું હશે આ બધું? ગણપતની વાત પર કેટલો ભરોસો કરી શકાય? ગોરખનાથ જે રીતે યંત્રની ઉઘરાણી કર્યા વગર શાંતિ રાખીને બેઠા છે તે જોતાં આ વાતમાં તથ્ય લાગે છે. આમેય ગણપતની વાત માની લીધા સિવાય છુટકો પણ ક્યાં છે?
“એટલા માટે જ તને મળવા બોલાવ્યો છે, ગણપત!” મિશેલે કહૃાું, “મને કહેવામાં આવ્યું છે કે તને આવી બધી વસ્તુઓમાં બહુ ખબર પડે છે. મારું એક કામ કરવાનું છે તારે.
કાં તો ગોરખનાથનું ખોવાયેલું યંત્ર મને શોધી આપ અથવા નવું યંત્ર મેનેજ કર!”
ગણપત હસ્યો, “મેડમ, આ વ્હિસ્કીની બાટલી થોડી છે કે ગાયબ થઈ જાય તો એકની જગ્યાએ બીજી ગોઠવી દેવાય? ગોરખનાથે ખુદ આકરી સાધના કરીને આ યંત્ર મેળવ્યું હતું. આમાં ફેરબદલી ના ચાલે.”
મિશેલને ગભરાટ થઈ આવ્યો,“તો?”
ગણપત વિકૃત હસ્યો, “ગભરાવાનું નહીં મેડમ. દુનિયામાં બધી વસ્તુઓના તોડ છે. તમારા પ્રોબ્લેમનો તોડ પણ નીકળશે. બસ, જરા જુગાડ કરવો પડશે. એટલે જો તમે...”
જોસેફ એનો ઈશારો સમજી ગયો. એણે અંગ્રેજીમાં કહૃાું, “મેડમ, તમે કહો છો એ ચીજ મળશે, પણ આને વધારે પૈસાની લાલચ છે.”
“ઓહ!” મિશેલે તરત પર્સ ખોલીને વધારાના પાંચ હજાર ગણપતને પકડાવ્યાં, “હેપી?”
“બસ, હવે તમે છુટ્ટા!” ખિસ્સું એકાએક ગરમ થઈ જવાથી ગણપતના તરવરાટનો પાર ન હતો, “બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો બોલો.”
મિશેલે ઝડપથી વિચારી લીધું. પછી ગંભીર થઈને બોલી, “જોસેફ, તું બહાર ગાડીમાં જઈને બેસ. હું થોડી વારમાં આવું છું.”
જોસેફ ગુંચવાયો, “પણ મેડમ... તમારી મિટીંગ? ગણપત સાથે વાતચીત કઈ રીતે કરશો?”
“તે હું મેનેજ કરી લઈશ,” મિશેલે રુક્ષતાથી કહૃાું, “તું બહાર મારી રાહ જો.”
જોસેફ ઝંખવાઈને નીકળી ગયો. મિશેલ હવે જે વાત કરવા માગતી હતી તે એની હાજરીમાં થઈ શકે તેમ નહોતી. મિશેલે બને એટલી સરળ અંગ્રેજીમાં ઈશારાઓની મદદથી પોતાની વાત સમજાવવાનો સંઘર્ષ કરવા માંડ્યો, “લિસન, ગોરખનાથ... હી વોન્ટ્સ અ ગર્લ ફોર બલિ... બલિ, યુ નો? ડેડબોડી ફોર શવસાધના?”
ગણપત આંખો ઝીણી કરીને મિશેલને સમજવાનો પ્રયત્ન કરી રહૃાો હતો. એણે બે શબ્દ પકડ્યાઃ “બલિ” અને “શવસાધના”.
“યેસ, શવસાધના... એ તો તમે કરી...” ગણપતે ચલાવ્યું.
“નો, નો... શવસાધના વન્સ અગેન...” મિશેલે અવાજ એકદમ ધીમો કરી નાખ્યો, “વન મોર બલિ... ગર્લ ધિસ ટાઈમ... ગર્લ, ગર્લ... ફોર બલિ! ડુ યુ અન્ડરસ્ટેન્ડ મી?”
ગણપત સુધી વાત પહોંચી ગઈ. એની આંખમાં કુત્સિત ભાવ ઉભરાયો, “આઈ નો... આઈ નો... ગોરખનાથ... બતાયા મુઝે! બલિ... નોટ વન ગર્લ... બટ ટુ!”
મિશેલ ચોંકી. ગણપત આ શું કહી રહૃાો છે? ગોરખનાથે એક નહીં પણ બે છોકરીઓની બલિ ચડાવવાનું પ્લાનિંગ કરીને બેઠા છે? મિશેલ ધારદાર નજરે જોતી રહી. ગણપત રંગમાં આવતો ગયો, “વન સુમન... ઉસકે બાદ જોસેફ ડોટર... સ્મોલ લડકી... વન-બાય-વન!”
મિશેલ ધુ્રજી ઉઠી. એને સમજાયું કે ગોરખનાથ પહેલાં સુમનનો ભોગ લેશે અને પછી જોસેફની નાની દીકરીનો વારો આવશે!
૦ ૦ ૦
રાત્રીના અઢી વાગ્યા હતા. આખંુ માથેરાન જાણે કાળી શાહીમાં ઝબોળાઈ ગયું હતું. અચાનક લીઝાની કાળી ચીસ સન્નાટાને ચીરતી વીજળીની જેમ પસાર થઈ ગઈ. જંગલનો ઘૂંટાયેલો અંધકાર ખળભળી ઉઠ્યો. માયા ધ્રાસ્કા સાથે જાગી ગઈ. જાણે આકાશવાણી થઈ રહી હોય તેમ લીઝાનો રડતો કકડતો અવાજ સંભળાતો હતો, “નો... અંકલ નો, નો... પ્લીઝ! આઈ બેગ ઓફ યુ... પ્લીઝ અંકલ... નો! સમબડી હેલ્પ મી... હેલ્પ!”