Ajavalo Lyo - 1 in Gujarati Poems by Kirtida Brahmhbhatt books and stories PDF | Ajavalo Lyo - 1

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

Categories
Share

Ajavalo Lyo - 1

જય ભગવતી

અજવાળા લ્યો !

(બાળકાવ્ય સંગ્રહ)

ભાગ - ૧

કીર્તિદા બ્રહ્મભટ્ટ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•હાલરડું

•સૂરજને સંતાડી દેવો

•પવન

•પંખી બનીને

•ચૉકલેટનો પર્વત

•રમકડાંની દુકાન લાવો

•પંખીઓની નિશાળ

•મમ્મી, ચાલ્યો હું જંગલમાં

•પતંગિયાની નિશાળ

•અજવાળાં લ્યો

•હોળી

•પલપલિયાં

•પપ્પાનું દફતર

•વાદળ

•હે ઈ નાનાં પતંગિયાં

•ચાંદો-સૂરજ

•શિયાળો

•ઉનાળો

•વર્ષારાણી

•પુસ્તકમેળો

•કાગળનાં રમકડાં

•કાબરબહેનનો કકળાટ

•પતંગિયું

•તપેલીનું ઢોલ

•કીડીનો ઉદ્ધાર

૧. હાલરડું

નીંદરરાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ,

શમણાં માંહે વાદળ લાવી આછેરું ભીંજાવ,

મેઘધનુના રંગથી વીરનું પારણિયું રંગાવ,

નીંદરરાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ.

ચાંદલિયાની શીતળ ચાંદની વીરને આણી દેજે,

તારલિયાનાં તેજ વીરાની આંખમાં આંજી દેજે,

ધરણી જોવા કાજ અટારી આકાશે મુકાવ,

નીંદરરાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ.

સૂરજદેવના ઘોડલે મારો વીર સવારી થાય,

વાયરા કેરો વેગ લઈને ઘોડલા દોડ્યે જાય,

દરિયા ઉપર ડોલવા દેજે વાદળ કેરી નાવ,

નીંદરરાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ.

મહેક મજાની હોય ફૂલોની પરીઓ કેરા દેશ,

રાજવી જેવો વીર સોહે તું આપજે એવો વેશ,

ઝૂલતી ઝાલર સાથ રૂપાની ઘંટડીઓ રણકાવ,

નીંદરરાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ.

૨. સૂરજને સંતાડી દેવો

સૂરજને સંતાડી દેવો કાળી ચાદર ઓથે,

દિવસ આખો પછી ખેલવું, છો ને મમ્મી ગોતે.

સૂરજમુખી બેસી રહેશે નીચી રાખી ડોક,

રાત આવડી કેમ થઈ છે પૂછશે સહુએ લોક,

પંખીઓનું નહીં ઊડવું, નહીં ફૂલોનું ખીલવું,ં

નદીઓનાં જળને અંધારે નહીં અજવાળું ઝીલવું,

પરવત ટોચે પહોંચી કૂકડો ચડી જવાનો ઝોકે,

આ જ ગળાના સૂરને કહેશે કોણ આટલું રોકે,

સૂરજને સંતાડી દેવો કાળી ચાદળ ઓથે.

તમરાં ગણગણ કરતાં જાશે, ચીબરી ગીતડાં ગાશે,

ચમક ચમકતા આગિયા વચ્ચે અંધારાં હરખાશે,

ઝાકળના જળમાં છબછબિયાં અમે પછી તો કરશું,

ને નિરાંતે આભના તારા સૂતાં-સૂતાં ગણશું

જીવ બધાયે ચડી જવાના અંધારામાં ગોથે,

અથડાતાં ને પડતાં-ઊઠતાં એકબીજાંને ગોતે,

સૂરજને સંતાડી દેવો કાળી ચાદર ચોથે.

૩. પવન

ઓલા આઘેના આદેશથી આવે પવન,

મઘમઘતી મહેક મીઠી લાવે પવન,

પંખીના ટહુકાને દેતો રેલાવી,

ફૂલ તણી ફોરમને ફરતો ફેલાવી,

ઓલાં ઝાડપાન ડાળી ડોલાવે પવન.. આઘેના...

દુનિયા આખી એને કાજે છે કેડી,

સરસરસર સરસરતો સૂર મીઠા છેડી,

ગમતીલાં ગીત ગવરાવે પવન.. આઘેના...

સરવરમાં લહેરિયાં એ દેતો લહેરાવી,

દરિયામાં મોજાંના ઘૂઘવાટા લાવી,

રણમાં રેતીને પથરાવે પવન.. આઘેના...

૪. પંખી બનીને

ચાલને ચાલ ભાઈ પંખી બનીને,

ઓલા આભલાને અડવાને જઈએ,

વાદળના કાનમાં વાતો કરીને,

ચાલ સૂરજને ટપલીદાવ દઈએ.

ચાલને ચાલ ભાઈ દરિયો બનીને,

પેલાં મોજાંની મસ્તીમાં નાહીએ,

નાવ કોક નાનકડી મારગ મળેને,

તો છાલક દઈને ભીંજવીએ.

કલકલતાં ઝરણાંની પેઠે ઓ ચાલ ભાઈ,

મધમીઠાં ગીત બે’ક ગઈએ,

સરસરતી સરિતાના ખોળે બેસીને,

વીરા દરિયાને મળવાને જઈએ.

ઊંચો જો થાય વીર ઘેઘૂર આંબલિયો,

હું થાઉં તારી ઢળકતી ડાળી,

કલરવતી કોયલના ટહુકા સૂણીને,

ચાલ પંખીને ઝૂલા ઝૂલવીએ.

૫. ચોકલેટનો પર્વત

ચૉકલેટનો પર્વત કરશું, પોપીનસ કેરાં ઝાડ,

દૂધ તણાં ઝરમરતાં ઝરણાં રોજ કૂદવશે પહાડ,

બીસ્કિટ ખેતરમાં વાવીને લોલીપોપને કરશું વાડ,

રંગબેરંગી વાડમાં થોડા રોપશું બુદ્ધિ કેરા બાલ.

કીડી-મકોડાને બોલાવી પર્વતમાં દર કરશું,

નાની એક લપસણી કોરી સરરર સરરર સરશું,

હલવાની કાતળીઓ કાપી નાનકડું ઘર કરશું,

મીઠાઈ થોકેથોક પછીથી એ ઘરમાં સંઘરશું,

કેક અને પેસ્ટ્રીની સાથે આઈસ્ક્રીમ હોય મજાનો,

ખણખણ કરતી લખોટીઓનો રાખીશ હું ય ખજાનો,

દોસ્તારોની ટોળી સાથે હું પર્વત ચડવાનો,

મોજ, મોજ ને મોજ લૂંટશું દિવસ હોય રજાનો.

૬. રમકડાંની દુકાન લાવો

રમઝુચાચા જેવી પપ્પા રમકડાંની દુકાન લાવો,

રોજ રમકડાં હોય નવાં ને નીત નવાં વિમાન લાવો,

નહિ તો બલ્લુકાકા જેવી બેકરી એક બનાવો,

ચોકલેટ,બિસ્કીટ, કેક, પેસ્ટ્રીના ઢગલા ત્યાં ખડકાવો.

ખેતરમાં વાવો તો પપ્પા વાવો ફળના ઝાડ,

કેળ, પપૈયાં, ચીકુડી ને ઉંચા-ઉંચા તાડ,

બાગ એક બનાવો કે જયાં હોય ફૂલોના ઢગલા,

રંગબેરંગી પતંગિયાની મોટી ફોજ લગાવો.

૭. પંખીઓની નિશાળ

પંખીઓની નિશાળમાં સૌ દેખો ભણવા આવે,

રેત અને સાંઠીકડાં લઈને પાટીપેન બનાવે.

સઘળા અક્ષર પટપટ બોલી પોપટ પહેલો આવે,

કવિતા કેરા ગાનમાં સાથે કોયલડીને લાવે.

કલબલ કરતી કાબર સૌને ઘડિયા રોજ કરાવે,

કબૂતરને એ કોઈ દિવસ ના તોય બોલવું ફાવે.

મોર મજાનો કલગી પહેરી થનગન નાચ બતાવે,

તેતરનાં ટૂંકાં પગલાંમાં લચક જરાય ના આવે.

કાંકરા લઈને દાખલા ગણતો કાગડો સૌમાં એકકો,

દરજીડો સીવણ શીખવામાં સૌને કરતો ટેકો.

પગલાં પાડી ચકચક કરતી ચકલી ચિત્ર બનાવે,

ઉંચીનીચી પાંખ કરાવી કસરત ઢેલ કરાવે.

૮. મમ્મી ચાલ્યો હું જંગલમાં

મમ્મી, ચાલ્યો હું જંગલમાં

મોર મજાનો એક ચીતરવા

પંખી કેરાં ગાન સૂણીને

કાન મીઠા એ રવથી ભરવા.

હશે કયાંક વાનરસેના ને

કયાંક હશે હરણાંનાં ટોળાં

શિયાળ, કૂતરાં, રીંછ હશે

ને સસલાં મળશે ધોળાંધોળાં.

એ સૌને દોરી કાગળ પર

ગમતા રંગો એમાં ભરવા.

મોર હશે થનગન થનગનતો,

ઢેલ હશે ત્યાં ફરતી,

સુઘરીને નિરખીશ નિરાંતે

માળો રૂડો કરતી.

બતક અને બગલાની સાથે

હું ય જવાનો જળમાં તરવા.

દોરીશ ઝરણાં, દોરીશ પર્વત,

દોરીશ એના ઢાળ,

આ ધરતીને ખોળે બેસી,

દોરીશ એનાં બાળ,

ઈશ્વર મુજને શકિત દેશે,

કુદરત કેરી રક્ષા કરવા.

૯. પતંગિયાંની નિશાળ

મમ્મી મેં તો ખોલી નિશાળ ભણવાને આવ્યાં પતંગિયાં,

રોજ થાયે રંગોની હાર ભણવાને આવ્યાં પતંગિયા.

આંકણી ના રાખી, ના કાંટા યે કાળિયા,

ફુલ તણી ખુરશી ને પાંખડીના ઢાળિયા,

પાંદડાંની કીધી દીવાલ ભણવાને આવ્યાં પતંગિયાં.

વેગ તણા પાઠ લઈ વાયરા છે આવિયા,

ફુલોને અડવાના પાઠ શિખવાડિયા,

મહેક-મહેક થાય સૌ બાળ ભણવાને આવ્યાં પતંગિયા.

સંગીત શીખવવા મેં પંખી બોલાવિયાં,

સૂર, તાલ રાગ છેડી સૌને ડોલાવિયાં,

ગાય સહુ ગીતો રસાળ ભણવાને આવ્યાં પતંગિયા.

૧૦. અજવાળા લ્યો

સૂરજ ઉગ્યો આકાશે ભઈ હાં રે કોઈ અજવાળાં લ્યો,

અંધારા, આઘે મૂકી દઈ જી રે કોઈ અજવાળાં લ્યો.

પંખી કલરવ કરતાં ગાતાં બોલે કોઈ અજવાળાં લ્યો,

ઝાડપાન ને ડાળેડાળાં ડોલે કોઈ અજવાળાં લ્યો.

ઝાકળબુંદો જાય છુપાઈ ત્યારે કોઈ અજવાળાં લ્યો,

ફૂલડાંની ફોરમ બોલે છે લ્યો રે કોઈ અજવાળાં લ્યો.

મંદિરમાં ઘંટારવ ગાજે હાં રે કોઈ અજવાળાં લ્યો,

ઉજમાળી ઉષા ઉગી છે દ્વારે કોઈ અજવાળાં લ્યો.

૧૧. હોળી

રંગ લઈ હોળી રમવાને ઉતરી આવી ટોળી,

ઘરમાં સંતાયેલાં સહુને લાવે ખોળીખોળી.

કોઈ રમે પિચકારી લઈને, કોઈ રમે છે રંગે,

કોઈ નથી આજે એકલડું ફરી રહ્યાં સહુ સંગે,

એકમેકની સાથ ખેલતાં મન મૂકીને હોળી.

કેસુડાના રંગે રંગ્યા, રંગ્યા ગુલાબછાંટે,

અઢળક હેતે રંગ્યા એને મળી ગયા જે વાટે,

હસીહસીને લોક ખેલતું વહાલપ ચોળીચોળી.

આંબલિયાની ડાળ મહેકતી, ગૂંજે કોકિલગાન,

સ્વર્ગ સમી સોહાતી ધરણી દેખ ભલા ભગવાન,

તારી સૃષ્ટિ કેવી લાગે જોને બાળીભોળી.

મસ્તી કેરા રંગમાં સૌએ રંગરંગ તરબોળ,

વીસર સઘળું આજ ઉડાડે સુખી છોળેછોળ,

જનજનનાં હૈયાંને દીધાં રંગ મહીં ઝબકોળી.

૧૨. પલપલિયાં

પલપલિયાંના ઝાડ ઉપર સોનાના સિકકા લટકે,

એને હું ખંખેરી નાખું એક જ હળવા ઝટકે.

ખણખણ ખણખણ ખરશે એને ખોળામાં તું ઝીલજે,

ખોળો ખાલી કરવા માટે ખિસ્સેખિસ્સાં ભરજે.

ફોલી-ફોલી ડબ્બી માંહે બીજ ભરીશું એનાં,

થોડાં-થોડાં ખાશું આપણ વહેંચી-વહેંચી બેના.

બદામના ડબ્બામાં થોડાં ઘેર જઈને ભરશું,

મમ્મીની સામે મૂકીને રાજીરાજી કરશું.

૧૩. પપ્પાનું દફતર

પપ્પાનું દફતર લઈ બેઠો કરવા એમનું કામ,

પપ્પુ મારું નહીં, હવે છે પંકજ મારું નામ.

એક ફાઈલમાં એ બી સી ડી, લખ્યા વન ટુ ટેન,

એક ઉઘાડી દોર્યુ મે તો મોટું એરોપ્લેન.

ઝીણું-ઝીણું લખતા પપ્પા, કામ ધીમું બહુ કરતા,

કલાકો સુધી બેસીને એક જ કાગળ ભરતા.

મારી પેઠે ઝડપ કરીને ભરશે જો એ પાનાં,

તો પપ્પા પણ જલદી મોટા ઓફિસર થાવાના.

૧૪. વાદળ

પવન તણી પાવડીએ બેસી,

વાદળ દોડયાં જાય છે.

ધોળાં-ધોળાં ડુંગર જાણે,

પાણી ભરવા જાય છે.

આમ ફરતાં, તેમ ફરતાં.

કાળાં-કાળાં ડિબાંગ થઈને,

પાછાં ફરતાં જાય છે.

સૂરજ ઢાંકયો, તારા ઢાંકયા,

ઢાંકી દીધાં અજવાળાં ને,

અંધારે અથડાતાં ગાતાં,

વીજળીની વઢ ખાય છે,

મોર તણા પોકારે આવી

ખેડૂ કેરી વહારે આવી,

નદી, સરોવર, ધરતીને

જળ લ્હાણી કરતાં જાય છે.

૧૫. હે ઈ નાના પતંગિયા

હે ઈ નાના પતંગિયા, ઉડ ઉડ કર મા, જોવી છે મારી તારી આંખો,

બેય મૂછોની વચ્ચે કે લઈને ફરે છે એને રંગીલી તારી આ પાંખો.

ઝીણેરી આંખડીથી એવું શે જોતો કે શોધી કાઢે છે બધાં ફૂલને,

ફરી ફરી ને તું ફુલોના કાનમાં કહે છે શું એટલું કબૂલને,

રંગ રાખો કહે છે કે ફૂલડાં તમારો થોડો શો રંગ મને આપો,

હે ઈ નાના પતંગિયા, ઉડ ઉડ કર મા, જોવી છે મારે તારી આંખો.

ડાળ-ડાળ, વેલ-પાંદ, ફૂલ-છોડ, ઝાડ-ઝાડ ફરવાનું તારી નિશાળમાં,

ઉડવું ને બેસવું ને ઉડવું, શું સજા થઈ છે કોઈ કાળમાં,

કેમ ઝપતો નથી તું જરા ઠરતો નથી, તું અહીં આવન કે કરીએ બે વાતો,

હે ઈ નાના પતંગિયા, ઉડ ઉડ કર મા, જોવી છે મારે તારી આંખો.

૧૬. ચાંદો-સૂરજ

સૂરજ રોજ સવારે ઉઠતો, રાત્રે ઉંઘી જાય,

ચાંદલિયાને રાત પડેને ત્યારે દિવસ થાય.

કોની સાથે રમવું, કયારે કેમ કરીને ફરવું,

દૂર-દૂર બેસી બોલાવે, ના નીચે ઉતરવું,

માર સાથે રમવા આંગણ કેમ ન આવી જાય.

અહીં ઉગી ને ત્યહીં આથમે સ્થિર કદી ન થવાનું,

મારા પડછાયાની સાથે સૂરજને રમવાનું,

ને ચાંદલિયો રોજ સવારે શાને નાસી જાય.

વળી વાદળાં ઓથે જઈને કો’ક દિવસ સંતાતા,

મારી કિટ્ટા કરીને નકકી બેય હશે રિસાતા,

કેમ હશે એ કરતાં આવું કેમ ન એ સમજાય ?

એક વખત તો એ આવીને ખોલે મારી મુઠ્ઠી,

કદી કહોને હું ય કરું શું હોય ન એને છુટ્ટી,

મને જોઈને રાતદિવસ એ મલક-મલક મલકાય.

૧૭. શિયાળો

શાલ, ટોપી ને સ્વેટર મારી મમ્મીએ નિકાળ્યાં છે,

ગરમ ધાબળા, રજાઈ ઓઢવા ગણીગણીને કાઢયાં છે,

પાક, વસાણાંના ડબ્બા પણ દાદીએ ઉઘાડયા છે,

ને દાદાએ બંડીમાંહે હાથ બેય સંતાડયા છે,

કડકડ કરતા દાંત અને આ થરથર અંગો કાંપે,

ટાઢ બહુ છે ટાઢ બહુના જાપ સહુએ જાપે,

હીટર ઘરની વચ્ચે મૂકી રોજ રાતના તાપે,

દેખ સવારે દોડવા સહુએ રસ્તા શોધી કાઢયા છે,

સૂરજના તડકા ને ઘરના પડછાયા સહુ માપે.

રાત પછેડી લંબાવીને પળપળ દિવસ કાપે,

મધરાતે સહુ શ્વાન છેડતાં ગાન ઉંચા આલાપે,

ને સૂસવાતા વાયુએ લો સહુને થીજવી કાઢયા છે,

કારતક, માગશર પોષ, મહા એ ચાર માસની ટોળી,

બોર, ટોપરાં, ખજૂર ભરેલી દાદા લાવે ઝોળી,

પતંગ આભલે પહોંચી દેતો સૂરજને ઢંઢોળી,

એમ શિયાળાને ઉજવવા ટાણાં શોધી કાઢયાં છે.

૧૮. ઉનાળા

ધોમધખંતો તડકો લઈને સૂરજ સામે આવ્યો છે,

બળબળતા શેરી રસ્તા પર ઉનાળો આ ફાવ્યો છે.

છાંયો શોધી સંતાતાં સૌ પંખી આકળવિકળ છે,

પંખા, એ.સી. કૂલર તોયે માનવ સૌએ બળબળ છે,

પવન ઉપર અસવારી કરતી ધૂળની ડમરી લાવ્યો છે.

તરબૂચ, કેરી, ટેટી મળતાં, પીવા માટે ઠંડા પીણાં,

ભેંસ અને હીપ્પો પાણીથી રહેતાં આખો દિવસ ભીનાં,

પીળો પચરક રંગ ભરીને ગરમાળો ખીલાવ્યો છે.

૧૯. વર્ષારાણી

મેઘધનુષની કરી લપસણી લો લપસે છે પાણી,

વાદળની ભાઈ પોઠ ભરીને જો વરસે છે પાણી.

વીજળીના ચમકારા દેતા ગગનગોખ અજવાળી,

ગડડડ ગડડડ ગરજી વાદળ દેખ બજાવે તાલી.

સૂરજને સુવાડી દેવા કેવી ચાદર તાણી,

કોર રૂપેરી ચમકાવી કિરણોને કીધી લાણી.

છલકાતી નદીઓ ગાતી ને ધરણી સોહે ન્યારી,

ઝાડપાનને ધોઈ-ધોઈ દીધાં છે શણગારી.

નાનામોટા સહુ જીવોએ સાથે ટાઢક માણી,

છબછબ કરતાં બાલ ખેલતાં કહી વર્ષાને રાણી.

૨૦. પુસ્તકમેળો

પુસ્તકના મેળામાં મમ્મી આજ મને લઈ આવી,

ભાતભાતનાં પુસ્તક એણે દીધાં આજ બતાવી.

કૈક હતાં ગુજરાતી પુસ્તક, કૈક હતાં અંગ્રેજી;

હિન્દી સિન્ધી, બંગાળી પણ ત્યાં દીઠાં’ તાં મેં જી.

કથા, વારતા, ગીત અને ત્યાં ચિત્ર ઘણાં મે દીઠાં,

જગની વાતો જાણવા થોડાં પુસ્તક મેં પણ લીધાં.

લોકો આવી-આવી પુસ્તક વાંચી-વાંચી લેતાં,

પુસ્તકવાળા કાકા સૌને પુસ્તક ગોતી દેતા.

મમ્મીએ દાદાજીએ માટે લીધાં ભજન મજાનાં,

ને પપ્પાજી માટે લીધા પુસ્તકના જ ખજાના.

મુજને પુસ્તક દેતાં બોલી સાચાં સાથી આ છે,

હું ઈચ્છું કે સારાં-સારાં પુસ્તક રોજ તું વાંચે

૨૧. કાગળનાં રમકડાં

કાગળને કોતરવા બેઠો રામુ કાતર લઈને,

દેખ મજાની ભાત કોતરું એવું માને કહીને.

શ્યામુ સામે આવી બેઠો, લીધા કાગળ ચાર,

કાપ્યા વિના કાગળમાંથી કરું કૈક તૈયાર.

બોલી શ્યામુ ગડી વાળતો કૈક ઉંધી ને સીધી,

સઢવાળી એક હોડી બીજી સઢ વિનાની કીધી.

વળી બનાવી દીધી એણે ગાંધીટોપી નાની,

એ રામુના ઢીંગલા માથે શોભી રહી મજાની.

ગલ્લો એક બનાવી એમાં રૂપિયા નાખ્યા બાર,

મજા પડી રામુને એના અચરજનો નહિ પાર.

૨૨. કાબરબહેનનો કકળાટ

કલબલ કરતાં કાબરબેને આજ કર્યો કકળાટ,

પાણી ભરવા જાવું માથે ઉપાડીને માટ.

ગાગરડી એક લીધી જઈને કુંભારીને હાટ,

પછી ઠમકતી ચાલે પકડી સરવર કેરી વાટ.

સરવર કેરી પાળે પહોંચી, બેસી કર્યો વિચાર,

પગથિયાં એ પટપટ ઉતરી, પલળી ગઈ બે વાર.

ઉંડા જળમાં મૂકી મટકી, મૂકી એવી મટકી છટકી,

તરતી-તરતી મટકી જઈને, અટકી સામે ઘાટ.

બીટ્ટુ બતકી આવી બોલી થાશો નહીં નિરાશ,

પળમાં પાછી લાવી મૂકું મટકી તારી પાસ.

બોલી બતકી મારી ડૂબકી, માથા ઉપર મટકી ઉંચકી,

સરસર સરસર સરતી સરતી આવી સડસડસડાટ.

૨૩. પતંગિયું

ગાડીમાં ફરવાને ચાલ્યું પતંગિયું,

મૂકીને ફૂલ અને ડાળ્યું પતંગિયું.

ઉડ-ઉડ કરતું ને કૂદ-કૂદ કરતું,

ઝાલ્યું રહે નહિ ઝાલ્યું પતંગિયું .

કાચ ઉપર બેસીને મનમાં મલકાતું ,

મમ્મીના માથેથી પપ્પાના હાથે ,

લાગે કે અમે છે પાળ્યું પતંગિયું .

૨૪. તપેલીનું ઢોલ

તપેલીનું ઢોલ બનાવી હું તો ઢમઢમ ઢોલ બજાવું ,

થાળી-વેલણ લઈને દેખો ઘરઆંગણને રોજ ગજાવું ,

નવાં રમકડાં રોજ મળે ના પણ હું એવું શોધી લાવું ,

ને મારી સાથે રમવાને પપ્પા-મમ્મીને સમજાવું .

કોઈ મળે ના રમવા ત્યારે કુકુ બિલ્લીને બોલાવું ,

ચકલી, કાબર, કોયલ સાથે હું ય મજાનાં ગીતો ગાઉં ,

ઘરના ખૂણે બાગ બનાવી રોજ બાગમાં ફરવા જાઉં ,

સોફા, ખુરશી, ગાદીતકિયાને હું રોજેરોજ ભણાવું .

ઘર સોંપીને બહાર જાયને મમ્મી-પપ્પા જયારે-ત્યારે ,

ઘર આખાનો રાજા થઈઈને સહુને ઉપર હુકમ ચલાવું ,

માને ના જો કોઈ મારું, અંગૂઠા ખોટા પકડાવું ,

અને પછીથી સહુની સાથે હુંયે થોડો ઝૂકી જાઉં.

૨૫. કીડીનો ઉદ્ધાર

એક કીડી ને સપનામાં ભૈ આવ્યો મોટો હાથી,

સવારમાં ઉઠી વિચારે આંખમાં માયો કયાંથી.

પપ્પુ પોપટને જઈ પૂછયું આ કેવું સપનું છે,

પપ્પુ બલ્યો, મૂકને બાઈ સપનું કયાં ખપનું છે.

પણ કીડી તો શાની મૂકે લીધેલી જે વાત,

રમઝુ રીંછે જોષી વેશે આવી ઝાલ્યો હાથ.

કીડી સપનું કહે છે તુજને મળવાની સોગાત,

ભાગ મને તું આપતી રહેજે, નહિ તો તારી વાત.

એમ કકહીને રમઝુ જોષી બેઠો ઝાડના ટેકે,

કીડલી ઉપર નજર રાખતો મૂકે ન દાણો એકે.

કણ-કણ વીણતાં થાકી કીડી ને તોયે એ ખાલી,

દરમાં જાવું કયાંથી રમઝુ રીંછ રહયું નિહાળી.

હવે કીડલીની વહારે ત્યાં પપ્પુ પોપટ આવ્યો,

ટેં ટે ટેં કરીકરીને વડ આખોય ગજાવ્યો.

રમઝુ પોપટને શોધે છે જોઈ વડલા ઉપર,

ચાલ મરાવું તુજને સાથે આભે મોટું ચકકર.

કહી ચાંચમાં લઈ કીડીને પહોંચ્યો જંગલ પાર,

ખાંડ તણો કોઠાર બતાવી કરી દીધો ઉદ્ધાર.