god bless you in Gujarati Short Stories by Yashvant Thakkar books and stories PDF | ગોડ બ્લેસ યૂ

Featured Books
Categories
Share

ગોડ બ્લેસ યૂ

ગોડ બ્લેસ યૂ

યશવંત ઠક્કર

‘હું વર્ગમાં પ્રવેશ કરીશ. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મને આવકારશે. પછી હું મારો પરિચય આપીશ. હું કેવી કેવી મુશ્કેલીઓ વેઠીને ભણ્યો છું એનું વર્ણન કરીશ. મારું શિક્ષક બનવાનું જે સ્વપ્ન હતું એ હકીકત બન્યાનો હરખ વ્યક્ત કરીશ. કુમળી કુમળી લાગણીથી ભર્યાં ભર્યાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મારી જિંદગી વિષે તરેહતરેહના પ્રશ્નો પૂછશે અને હું એ બધાંને ઉત્સાહથી જવાબો આપીશ. પહેલા જ પિરિઅડમાં હું બધાંની સાથે હળીમળી જઈશ અને સમય જતાં આખી શાળામાં બધાંનો પ્રિય શિક્ષક થઈ જઈશ.’

આવા વિચારો લઈને એણે વર્ગમાં પ્રવેશ કર્યો હતો. એની કારકિર્દીની આ શરૂઆત હતી. એના પગલે પગલામાં ઉત્સાહ હતો.

... પરંતુ પિરિઅડ લઈને વર્ગની બહાર નીકળ્યો ત્યારે એના પગલાંમાંથી ચેતન લૂંટાઈ ચૂક્યું હતું. એનો ચહેરો ઝાંખો થઈ ગયો હતો. ઉત્સાહનો પહાડ નિરાશાના રણમાં ફેરવાઈ ગયો હતો. એનું મન માનવા લાગ્યું હતું કે: ‘કારકિર્દીની શરૂઆત હું માનતો હતો એવી સરળ નથી.’

એ શિક્ષક-ખંડની ખુરશીમાં ફસડાઈ પડ્યો.

‘કેમ રહ્યું?’ બાજુમાં બેઠેલા એક શિક્ષકે એને પૂછ્યું.

‘ઠીક રહ્યું. પણ વર્ગ એકંદરે તોફાની લાગ્યો.’ એણે ભારે અવાજમાં આપ્યો.

‘ એ તકલીફ તો રહેવાની જ. હવેની પ્રજા તો એવી જ હોવાની. નવમાં દસમાં ધોરણના છોકરાં પણ જાણે કૉલેજમાં ભણવા આવતાં હોય એમ આવે છે!’ બીજા એક શિક્ષકે કહ્યું.

‘નવું નવું છે એટલે જરાક મુશ્કેલ લાગશે. પછી વાંધો નહીં આવે.’ ત્રીજા શિક્ષકે આશ્વાસન આપ્યું.

બીજા શિક્ષકો પિરિઅડ લેવા ગયા. એ એકલો પડ્યો ને વિચારે ચડ્યો. પ્રથમ પિરિઅડનો જે અનુભવ એનો પીછો નહોતો છોડતો એ અનુભવ કાંઈક આવો હતો...

‘મારું નામ ગૌતમ શાહ.’ એણે પરિચય આપવાના ઇરાદાથી કહ્યું હતું તો એક વિદ્યાર્થી મોટા અવાજે બોલ્યો હતો: ‘ફોઈએ પાડેલું કે?’

અને આખો વર્ગ ખડખડાટ હસી પડ્યો હતો.

એ પોતે પણ હસ્યો હતો અને મૃદુ અવાજે બોલ્યો હતો કે: ‘મિત્રો, ફોઈએ પાડેલું નામ તો મને યાદ નથી.’

ત્યારે તેના જવાબમાં વર્ગની પાટલીઓ પરથી વ્યંગનાં બાણ છૂટવા લાગ્યાં હતાં...

‘યાદશક્તિ નબળી લાગે છે.’

‘બદામ ખાતા જાઓ.’

‘બદામ ક્યાંથી ખાય? કેટલી મોંઘી છે!’

વ્યંગનાં બાણ ક્યાંથી છૂટે એ જાણવા માટેની એની કોશિશ નિષ્ફળ નીવડી હતી. એના ચહેરા પર મૂંઝવણ ફરી વળી હતી. વર્ગમાં ઘોંઘાટ વધી ગયો હતો. ‘શાંતિ રાખો’ એવી વારંવારની વિનંતીની પણ કોઈ અસર થઈ નહોતી.

અને ત્રીજી જ પાટલી પર બેઠેલા એક વિદ્યાર્થીએ અચાનક ઊભા થઈને બૂમ પાડી હતી: ‘અવાજ નહીં.’

એ બૂમથી આખો વર્ગ સ્તબ્ધ થઈ ગયો હતો. બધાં ચૂપ થઈ ગયાં હતાં.

‘આ રીતે શાંત પડાય.’ એવું બોલીને એ વિદ્યાર્થી હસી પડ્યો હતો.

પરિણામે બધાં હસી પડ્યાં હતાં.

‘જુઓ મિત્રો, હું બને ત્યાં સુધી પ્રેમથી કામ લેવામાં માનું છું.’ એણે કહ્યું હતું. પણ...

‘આ ગામમાં પ્રેમનું કશું ન ઉપજે.’

‘પ્રેમ એટલે શું?’

‘પ્રેમ એટલે બે આત્માનું મિલન.’

‘પ્રેમનગર જોઈ આવો, નવથી બારમાં.’

...વ્યંગનાં બાણો ફરીથી છૂટવા લાગ્યાં હતાં.

વર્ગમાં ફરીથી ઘોંઘાટ વધી ગયો હતો.

એણે ‘કોર્સ ક્યાં સુધી ચાલ્યો છે?’ એવું પૂછ્યું હતું તો જવાબ મળ્યો હતો કે: ‘અમને ખબર નથી.’

એણે કશું ભણાવવાના ઇરાદાથી ચોપડી ખોલી હતી ને કેટલીક ચંચળ વિદ્યાર્થીનીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી કે : ‘સર, પહેલા જ પિરિઅડમાં તે કંઈ ભણાવવાનું હોય! તમારા જેવા સર તો અમે પહેલી વખત જોયા!’

એણે પૂછ્યું હતું કે: ‘તો શું કરવું છે?’

તો જવાબમાં...શાયરી, ભજન,અંતકડી, લવસ્ટોરી, હુતુતુતુ વગેરેની ફરમાએશ પર ફરમાએશ થવા લાગી હતી.

પછી તો વર્ગમાં રીડિયારમણ એટલી બધી વધી ગઈ હતી કે જેથી એનું માથું ભમવા લાગ્યું હતું. એની આંખે અંધારાં અવાવા લાગ્યાં હતાં. હાર સ્વીકારીને શત્રુસેના સામે જેણે પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકી દીધાં હોય એવા લાચાર સેનાપતિ જેવી એની દશા થઈ ગઈ હતી. વર્ગમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો છોડીને એ પિરિઅડ પૂરો થયો ત્યાં સુધી ખુરશી પર બેસી રહ્યો હતો. જાણે કોઈ દવાખાનામાં દર્દી બેઠો હોય એમ.

...પહેલા પિરિઅડની યાદ તેના મનમાંથી હતી નહોતી. ‘નવું નવું છે એટલે જરાક મુશ્કેલ લાગશે. પછી વાંધો નહીં આવે.’ શિક્ષક-સાથીએ આપેલા આશ્વાસનના એ શબ્દો યાદ કરીને એણે મન મનાવ્યું ને સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો.

પૂરા ત્રણ મહિના આ રીતે જ પસાર થઈ ગયા. ગૌતમ શાહના દરેક પિરિઅડમાં પ્રથમ પિરિઅડ જેવું જ વાતાવરણ રહ્યું. ગૌતમ શાહને એ રહસ્ય સમજાતું નહોતું કે બીજા શિક્ષકોના પિરિઅડમાં શાંત રહેનારા વિદ્યાર્થીઓ એના જ પિરિઅડમાં કેમ ધમાલ કરે છે! હવે તો એ ગુસ્સે થતો તો પણ કશી અસર થતી ન હતી. ઊલટાનો એ હાંસીને પાત્ર બનતો હતો.

આગલા ભવનું ઋણ ચૂકવી રહ્યો હોય એ રીતે એ વર્ગમાં ભણાવતો હતો. એકેએક પિરિઅડ એના માટે આકરી સજા સમાન હતો. આવા જ એક પિરિઅડમાં એણે જોયું કે બીજી જ બેન્ચ પર બેઠેલી અરુણા ડેસ્ક પર માથું ટેકવીને ઊંધી રહી છે. એના કહેવાથી અરુણાની બાજુમાં બેઠેલી છોકરીએ અરુણાને જગાડી. અરુણાએ માથું ઊંચુ કર્યું એટલે એણે કહ્યું : ‘સ્ટેન્ડ અપ, પ્લીઝ.’

અરુણા ઊભી થઈ.

‘કેમ ઊંઘો છો?’ એણે પૂછ્યું.

‘ઊંઘ આવે છે એટલે.’ અરુણાએ જવાબ આપ્યો.

‘કેમ ઊંઘ આવે છે? રાત્રે જાગરણ કર્યું હતું?’ એણે પૂછ્યું.

‘તમારે એવું પૂછવાની જરૂર નથી.’

‘અહીં ઊંઘો છો એટલે શું આ ઘર છે?’

‘વધારે બોલવાનું નહીં.’ એવું કહીને અરુણા લાલચોળ ચહેરે વર્ગની બહાર નીકળી ગઈ. બીજી છોકરીઓ પણ એની પાછળ પાછળ વર્ગમાંથી બહાર નીકળી ગઈ. એ બધાંની પાછળ ચળવળિયા નેતા જેવો મુકેશ પણ બહાર નીકળ્યો.

થોડી વાર પછી મુકેશે આવીને બૂમ પાડી: ‘ચાલો, બધાં બહાર નીકળો.’

મુકેશના એક આદેશ પર આખો વર્ગ ખાલી થઈ ગયો.

થોડી વાર પછી આચાર્યશ્રીએ ગૌતમ શાહને પોતાની ઑફિસમાં બોલાવીને કહ્યું: ‘વિદ્યાર્થીઓ તો તોફાની જ હોવાના. તમે એમને કાબૂમાં રાખી શકતા નથી એવું મારું ઓબ્ઝર્વેશન છે. મારી વાત માનો તો હવે રાજીનામું લખી આપો. તમે નહીં ચાલો.’

‘ સાહેબ, હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ. પ્લીઝ, મને થોડો વખત આપો.’ એણે આચાર્યશ્રીને વિનંતી કરી. પરિસ્થિતિને સુધારવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી.

આચાર્યશ્રી પીગળ્યા. એમણે બહાર આવીને વિદ્યાર્થીઓને શાંત પાડયાં. ‘હવેથી આવું નહીં બને’ એવી ખાતરી આપી. ગૌતમ શાહ પાસે મૌખિક માફી પણ મંગાવી.

મહાન વિજય મેળવ્યો હોય એ રીતે બધાં વર્ગમાં બેઠાં.

ત્યાર પછીના પંદર દિવસમાં તો ગૌતમ શાહ બિલકુલ હિંમત હારી ગયા. એણે સામે ચાલીને આચાર્યશ્રીને રાજીનામું લખી આપ્યું.

ગૌતમ શાહે છેલ્લા દિવસે વર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે વર્ગમાં રોજની માફક ઘોંઘાટ ચાલુ હતો. એણે ચોકથી બોર્ડ પર માત્ર એક જ લીટી લખી. ‘મિત્રો, આ મારો છેલ્લો પિરિઅડ છે.’

ક્યા કારણથી છેલ્લો પિરિઅડ છે એ જાણવા માટે બધાં અધીરાં થઈ ગયાં.

‘સર, એવું કેમ બોલો છો? અમારાથી ત્રાસી ગયા કે?’ વર્ગમાંથી એક વિદ્યાર્થીનો અવાજ આવ્યો.

‘મને બોલવાનો મોકો આપશો તો હું કારણ જણાવીશ. નહીં તો આ રીતે જ આપણે છુટાં પડીશું.’ એણે કહ્યું.

કશું અજુગતું બન્યું હોવાનો ખ્યાલ આવતાં બધાં શાંત થવા લાગ્યાં. વર્ગમાં થોડી શાંતિ પથરાઈ એટલે એણે બોલવાનું શરૂ કર્યું: ‘આ મારો છેલ્લો પિરિઅડ છે કારણ સંજોગોએ મને આ શાળામાંથી છૂટા થવાની ફરજ પાડી છે. જો કે હું એમાં તમારો સહેજ પણ દોષ જોતો નથી. નબળાઈ હશે તો મારી જ હશે. હું તમને પ્રિય થઈ શક્યો નહીં એનું મને દુઃખ છે અને એનાથી પણ વધારે દુઃખ થશે મારી વૃદ્ધ માતાને. એ માતા કે જેણે કેટલાંય દુ:ખો વેઠીને મને ભણાવ્યો છે.’

વર્ગમાં બિલકુલ શાંતિ પથરાઈ ગઈ. આજે બધાંને ગૌતમ શાહનો અવાજ રોજ કરતાં જુદો જ લાગ્યો. એનાં અવાજમાં આજે ભીનાશ પણ હતી અને મક્કમતા પણ હતી. એના શબ્દોમાં દર્દ પણ હતું અને સ્નેહ પણ હતો. એની આંખોમાં કરુણા પણ હતી અને સપનાં પણ હતાં.

‘મિત્રો…’ એણે આગળ બોલતાં કહ્યું, ‘આમ તો હું તમારાથી પાંચ-છ વર્ષ જ મોટો છું. હજું હમણાંની જ વાત છે કે હું તમારા જેવો જ વિદ્યાર્થી હતો. તમારી જેમ જ પાટલી પર બેસતો હતો. આજે હું મારી કારકિર્દી બનાવવાની મથામણમાં છું. તો એક સમય એવો આવશે કે તમારે પણ તમારી કારકિર્દી બનાવવાની મથામણ કરવી પડશે. તમને અત્યારથી મારી નમ્ર સલાહ છે કે નિષ્ફળતાથી નિરાશ ક્યારેય ન થશો. જુઓ, હું અહીં નિષ્ફળ નીવડ્યો છું પણ નિરાશ થઈ ને બેસી નહીં રહું. બીજે જ્યા જઈશ ત્યાં નવી આશા અને નવાં સપનાં લઈને જઈશ. આપ સૌની શુભેચ્છા મારી સાથે હશે તો હું જરૂર સુખી થઈશ. બસ... તમને બધાંને એ જાણીને આનંદ થશે કે આ પિરિઅડ હું પૂરો લેવાનો નથી. આપ સૌ હવે જઈ શકો છો.’

ને ગૌતમ શાહે એની ઉજાગરાથી ભરેલી આંખો વડે જોયું તો વર્ગમાંથી એક પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીએ પોતાનું સ્થાન છોડ્યું ન હતું અને અરુણા પોતાના નાના રૂમાલ વડે આંખો લૂછવાનો પ્રયાસ કરી રહી હતી.

...ને ગૌતમ શાહે બોર્ડ પર લખ્યું: ‘ગોડ બ્લેસ યૂ’

[સમાપ્ત]