Daud - 9 in Gujarati Fiction Stories by Harish Thanki books and stories PDF | દૌડ - 9

Featured Books
Categories
Share

દૌડ - 9

નવલકથા- દૌડ

પ્રકરણ-9

બરાબર એ જ વખતે શેફાલીના મોબાઈલમાં રીંગ વાગી. સ્ક્રીન પર જોયું. નંબર અજાણ્યો હતો. કોણ હશે?

એ ફોન ગ્લોબલ ટી.વી. એવોર્ડ્સવાળા યતીન ખન્નાનો હતો. આવતા મહિનાની અઠ્યાવીસ તારીખે એમનું એવોર્ડ ફંકશન હતું જેમાં એમણે શેફાલીનું નામ ‘બેસ્ટ ડેબ્યુ એકટર-ફીમેલ’ કેટેગરીમાં સામેલ કર્યું હતું. એ પ્રોગ્રામમાં શેફાલીને મૌખિક આમંત્રણ આપવા તથા આમંત્રણ કાર્ડ મોકલવા માટે સરનામું લેવા તેણે કોલ કર્યો હતો. ‘થેન્ક્સ’ કહી, કોલ પૂરો કરી શેફાલી સીધી દોડી રસોડામાં જઈ માલતીબેનને વળગી પડી. મા-દીકરી બંનેને લાગ્યું કે ખુલ્લી આંખે જોયેલા સપનાંઓ એક પછી એક સાચા પડી રહ્યા હતા.

એ પછીના મહિનામાં ઘણી બધી બાબતો એકીસાથે બની ગઈ.

શેફાલીએ રાજરત્નમની ફિલ્મ સાઈન કરી એના ચોથા દિવસે માલતીબેનને નાનકડો અકસ્માત થયો જેમાં થાપાનું હાડકું ભાંગી જવાથી એમને એક મહિનાનો બેડ-રેસ્ટ આવ્યો. દુબઈમાં સાત દિવસ કોમામાં રહ્યા બાદ જમનાદાસ કોટેચાનું નિધન થઇ ગયું. વળી એ ગાળામાં ગોલ્ડશોપમાં કામ વધી જવાથી રાજને ખાસ્સો સમય દુબઈ રહેવું પડ્યું. આ તરફ શેખરની શેફાલી સાથેની દોસ્તી ઘનિષ્ઠ થવા લાગી. મોટાભાગે મુલાકાતો બહાર થતી. એવોર્ડ ફંકશન વખતે રાજન આવવાનો હતો પરંતુ બરાબર એ જ દિવસે જમનાદાસ કોટેચાની વરસીની વિધિ ભારતમાં એમના વતનમાં નક્કી થઈ એટલે રાજને ફરજિયાત એમના પરિવાર સાથે એમાં જોડાવું પડ્યું. રાજન આવી શક્યો નહિ અને મમ્મી હજુ પૂરેપૂરી સ્વસ્થ નહોતી એટલે એ ફંક્શનમાં શેફાલી પોતાની સાથે શેખરને લઇ ગઈ.

અને....

ગ્લોબલ ટી.વી. ‘બેસ્ટ ડેબ્યુ એકટર-ફીમેલ’નો એવોર્ડ શેફાલીને મળ્યો. તાળીઓના ગગડાટ વચ્ચે તેણે એ એવોર્ડ સ્વીકાર્યો. શેખરના આગ્રહને કારણે શેફાલીની આ સફળતાનું સેલીબ્રેશન કરવા ફંકશન પૂરું થયા બાદ બન્ને એક થ્રી-સ્ટાર હોટલમાં ડીનર લેવા ગયા.

શેખરે શેમ્પેઈન મંગાવ્યો. શેફાલીએ તેનો કોક ખોલ્યો, ને એ સાથે તેની છોળો હવામાં લહેરાઈ. શેખરે તેમાંથી બે પેગ ભર્યા. ‘ચીયર્સ’ના અવાજ સાથે બન્ને પેગ ટકરાવી તેણે શેફાલીને ગ્લાસ મોઢે માંડવાનો ઈશારો કર્યો.

‘હું..હું શરાબ નથી પીતી શેખર. મને આ નહિ ફાવે.’ શેફાલીએ શેખરને વિનંતી કરી.

‘અરે આ ક્યાં શરાબ છે? આ તો શેમ્પેઈન છે. ડોન્ટ વરી, કશું નહિ થાય. કમ ઓન’ શેખરે આગ્રહ કર્યો.

મહામહેનતે શેફાલીએ તેનો પહેલો ઘૂંટડો ગળે ઉતાર્યો. અને પછી જયારે તેણે અડધા કલાકે પેગ પૂરો કર્યો ત્યારે એનું મન ખૂબ મસ્તી અનુભવવા લાગ્યું. બન્ને જણા ડાન્સ ફ્લોર પર ગયા. શેમ્પેઈનની માદકતા અને કલ્પના-પુરૂષની નિકટતાને કારણે શેફાલી મદહોશ થવા લાગી. તેનો યુવાન દેહ ઉન્મુક્ત બની શેખર સાથે ભીંસાવા લાગ્યો. શેફાલીના ઘાટીલા અંગોના પ્રગાઢ સ્પર્શથી શેખરના તન-મનમાં તોફાન જાગવા લાગ્યું.

‘આઈ લવ યુ શેખર..’ શેફાલીના નરમ હોઠમાંથી ગરમ શ્વાસ સાથે બહાર પડેલા એ શબ્દોએ શેખરના દેહમાં જાગેલા કામજવરમાં ઇંધણ પૂરવાનું કામ કર્યું. છેવટે શેખર એ જ હોટલમાં બિઝનેસ મિટિંગ માટે કાયમ બુક રહેતા પોતાના સ્યૂટમાં શેફાલીને લઇ ગયો. એ વખતે નશામાં ભાન ભૂલી ગયેલી શેફાલીના મોબાઈલમાં તેના મમ્મી માલતીબેનનો ચોથો કોલ મિસ્ડ થઇ રહ્યો હતો.

લગભગ બે કલાક પછી શેખર શેફાલીને તેના ઘરે મૂકવા ગયો ત્યાં સુધીમાં તો શેફાલી ઘણી સ્વસ્થ થઇ ગઈ હતી. હોટલથી ઘર સુધીના રસ્તામાં બંનેમાંથી કોઈ કશું બોલ્યું નહોતું. બન્ને પોતપોતાના વિચારોમાં ગરકાવ હતા. શેખરને થતું હતું કે શેફાલી સાથેના સંબંધમાં થોડી ઉતાવળ થઇ ગઈ હતી. શેફાલીએ ભલે તેના પ્રત્યે પ્રેમનો એકરાર કર્યો હતો પરંતુ એ બધું નશામાં બન્યું હતું. કોઈ પણ સ્ત્રી જ્યાં સુધી પૂરા હોંશમાં પ્રેમનો પ્રસ્તાવ ન મૂકે ત્યાં સુધી તેના શરીરમાં પ્રવેશવું યોગ્ય ન ગણાય. ભૂલ તો થઈ જ હતી.

શેફાલી વિચારતી હતી કે પોતાના પ્રિય પુરુષ પાસે સમર્પણ કરી દેહસુખ પ્રાપ્ત કરી તેણે કશું ખોટું નહોતું કર્યું પરંતુ શેખર તેના વિશે શું વિચારતો હશે? તેના મનમાં પોતાની છબી ખરડાઈ તો નહિ હોયને? ફિલ્મોમાં કામ કરતાં લોકો વિશે શેખરના મનમાં આમેય કાંઈ બહુ ઊંચો અભિપ્રાય નહોતો. હા, પ્રત્યેક મુલાકાત વખતે પોતે કરેલી બોદ્ધિક ચર્ચાને કારણે તેના મનમાં પોતે એક સ્થાન મેળવ્યું હતું પણ આજની આ ઘટનાને કારણે એ સ્થાન હટી તો નહિ ગયું હોય ને? શેખરે તેને કોઈ સસ્તી સ્ત્રી તો નહિ ગણી લીધી હોય ને..?

પરંતુ બીજા દિવસે ભૂકંપ સર્જાયો. સવારના પહોરમાં રાજનનો કોલ આવ્યો. સામે છેડેથી રાજન ગુસ્સાભર્યા અવાજે તેને ટી.વી.ની સનસનાટીભરી ખબરોને બ્રેકિંગ ન્યૂઝ બનાવી રજૂ કરતી એક ચેનલ ચાલુ કરવાનું કહેતો હતો.

‘પણ આવે છે શું એમાં?’ શેફાલીએ પૂછ્યું

‘તું પહેલાં ચેનલ ચાલુ કર. બધું જ તારી આંખો સામે આવી જશે.’ સામેથી રાજન સખ્તાઈભર્યા અવાજમાં બોલ્યો.

શેફાલીએ ટી.વી. ઓન કર્યું. ચેનલ સેટ કરી ત્યાં તો એમાં દેખાતા દ્રશ્યો જોઈ એ સ્તબ્ધ થઇ ગઈ. એ ચેનલના કોઈ રીપોર્ટરે ગઈકાલે તે શેખર સાથે બેસી ડ્રીન્કસ લઇ રહી હતી, ડાન્સ કરી રહી હતી અને પછી એ નશાની હાલતમાં શેખરના ખભાનો સહારો લઇ સ્યૂટમાં જઈ રહી હતી તેનું શૂટીંગ કરી લીધું હતું. અત્યારે તે ચેનલ એ દ્રશ્યોને વારંવાર બતાવી રહી હતી. ચેનલનો એન્કર કહી રહ્યો હતો, ‘દેખિયે, યે વો હીરોઈન હૈ શેફાલી આનંદ, જિન્હેં કલ રાત હી ગ્લોબલ ટી.વી. ‘બેસ્ટ ડેબ્યુ એકટર-ફીમેલ’કા એવોર્ડ મિલા હૈ. ઔર ઉનકે સાથ હૈ મુંબઈ શહર કે જાનેમાને બિઝનેસમેન શેખર બ્રિન્દા.. બંધ દરવાજે કે પીછે, નશે કી હાલતમે, એક ઘંટે તક યે દોનો ક્યા કર રહે હોંગે, યે તો આપ સમઝ હી શકતે હોંગે..એક બાર ફિર સે દેખિયે’ અને ફરીથી એ જ દ્રશ્યોનું પુનરાવર્તન.

શેફાલીએ ઝડપથી રિમોટનું બટન દાબી ટી.વી. બંધ કરી દીધું. તેનો ચહેરો સફેદપૂણી જેવો થઇ ગયો.

એવામાં પાછળથી ધ્રૂસ્કાનો અવાજ સંભળાયો. તેણે ગરદન ઘુમાવીને જોયું તો માલતીબેન પાછળ ઊભાઊભા રડી રહ્યા હતા. મમ્મીને આમ રડતી જોઈ શેફાલીએ અત્યાર સુધી રોકી રાખેલો આંસુનો બંધ પણ તૂટી ગયો.

‘તે આ શું કર્યું બેટા? તેં તો મારા ચહેરા પર કાળી શાહી રેડી દીધી. હવે લોકોને હું શું મોઢું બતાવીશ?’ બોલી, માલતીબેન મોટેથી રડવા ગયા. અચાનક એમને છાતીમાં કશુંક ભીસાતું હોય તેવું લાગ્યું. શ્વાસ ઘૂંટાવા લાગ્યો. શરીર પરસેવે રેબઝેબ થવા લાગ્યું અને બીજી જ ક્ષણે તેઓ બેભાન થઇને પડી ગયા. શેફાલી ગભરાઈ ગઈ. કશું ન સૂઝતાં તેણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો. સદનસીબે સામેથી રાજને કોલ હજુ કાપ્યો નહોતો. જોકે એને અહીં શું બન્યું તેનો ખ્યાલ નહોતો.

‘ જોયું ને તે ?..’ રાજન હજુ આગળ કશું બોલવા જાય તે પહેલાં તેની વાતને અડધેથી કાપતાં શેફાલી ઉતાવળે બોલી.

‘ રાજન..રાજન અહીં મારી મોમ બેહોશ થઇ ગઈ છે..એમણે ટી.વી.માં બધું જોઈ લીધું છે પ્લીઝ, તું અહીં આવી જા. જલ્દી..’

હવે રાજનને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. એ બોલ્યો, ’હું અહીંથી નીકળુ જ છું પણ મને ત્યાં પહોંચતા વાર લાગશે. હું એમ્બ્યુલન્સને ફોન કરું છું. એ ત્યાં આવે એટલે તું કોઈ પડોશીની હેલ્પ લઇ, મમ્મીને લઇ, તારા ઘરની સૌથી નજીકની હોસ્પિટલે પહોચ. મારી રાહ ન જોતી. તું હોસ્પિટલે જઈને મને કહે એટલે હું સીધો ત્યાં આવી જાઉં.. સમજી? હરી-અપ..’

હોસ્પિટલે પહોચતાવેંત માલતીબેનને આઈ.સી.યુ.માં દાખલ કરાયા. રાજને ડોક્ટરને મળી માલતીબેનની સ્થિતિનો ક્યાસ કાઢવાનો પ્રયાસ કર્યો.

‘કોઈ ઓચિંતા આઘાતને કારણે હાર્ટએટેક આવ્યો હોય તેમ લાગે છે. અમે સારવાર શરૂ કરી દીધી છે. લગભગ તો વાંધો નહિ આવે. છતાં હાલ કશું કહી શકાય નહિ. ચોવીસ કલાકમાં જો બીજો હુમલો નહિ આવે તો ચોક્કસ બચી જશે.’ ડોક્ટરે સાફ વાત કરી.

શેફાલીએ રાજન સામે જોયું અને ફરીથી તેની આંખ ભરાઈ આવી. રાજને તેના ખભા પર હાથ મૂક્યો અને એ સાથે જ શેફાલી એને વળગી રડવા લાગી. રાજન તેના વાંસા પર હાથ ફેરવતા ફેરવતા આશ્વસ્ત કરતો રહ્યો.

‘જો મોમને કાંઈ થઇ જશે રાજન તો હું મારી જાતને કદી માફ નહિ કરી શકું...કદી નહિ. આ બધું મારા કારણે થયું છે.’ શેફાલી સખત ગિલ્ટી અનુભવતી હતી.

‘મમ્મીને કશું નહિ થાય. તું ચિંતા ન કર..શી વિલ બી ઓલરાઈટ..’ આમ કહેતી વખતે રાજન બરાબર જાણતો હતો કે તેનું આશ્વાસન કેટલું પોકળ હતું ! એક વિધવા સ્ત્રી, કે જેનું આખા જગતમાં એક દીકરી સિવાય બીજું કોઇ જ ન હોય, જેને પરણાવવાના કોડ સાથે એ જીવી રહી હોય, એ દીકરી કોઈની સાથે સરેઆમ..અને એ બધું પાછું ટી.વી.માં દેખાડવામાં આવે ત્યારે એ આઘાત જીવલેણ ન નીવડે તો જ નવાઈ..!

રાજને ઊભા થઇ આઈ.સી.યુનિટના કાચમાંથી અંદર નજર કરી. બેહોશ માલતીબેનના ચહેરા પર વ્યગ્રતાની રેખાઓ સ્પષ્ટપણે અંકિત થયેલી દેખાતી હતી. એકાએક રાજનને બસુની ફિલ્મની મુહૂર્ત પાર્ટી વખતે માલતીબેને તેને સોંપેલી જવાબદારી યાદ આવી..‘શેફાલી એકદમ ભોળી છે રાજન, તેને સારાસારનો બહુ ખ્યાલ નથી. સપના જોવા અને તેને સાચા પાડવા, એ બે વચ્ચે ઘણું અંતર હોય છે. તું એટલું ધ્યાન રાખજે કે ચમક-દમક ભરેલી આટલી મોટી ભીડમાં તે ક્યાંક એવી ન ખોવાય જાય કે હું તેને પાછી શોધી ન શકું’

શેફાલી ખોટે રસ્તે જઈ રહી હતી. તેને વાસ્તવિકતાનું ભાન કરાવવું જરૂરી હતું.

તેણે શેફાલી પાસે જઈ કહ્યું.‘ તને ખબર છે શેફાલી, કે શેખર એક પાંચ વરસના પુત્રનો પિતા છે?

(ક્રમશ:)