Jamano Kem Badalayo ? in Gujarati Drama by Yashvant Thakkar books and stories PDF | જમાનો કેમ બદલાયો?

Featured Books
Categories
Share

જમાનો કેમ બદલાયો?

જમાનો કેમ બદલાયો?

નાટક

-ઃ લેખક :-

યશવંત ઠક્કર

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પાત્રો

•દાદાઃ પરિવારના એક વડીલ

•મનીષઃ દાદાનો પુત્ર

•પૂજાઃ મનીષની પત્ની

•પલકઃ ધોરણ-૧૨મા ભણતી મનીષની પુત્રી

•રોનકઃ ધોરણ- ૧૧ માં ભણતો મનીષનો પુત્ર

•અન્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ : નીરજ, ચિરાગ, નિરાલી, નેહા, ધારા.

કથા

આ નાટક દ્વારા ‘વૈશ્વકીકરણ અને ઉદારીકરણ’ ર્ય્ઙ્મહ્વટ્ઠઙ્મૈડટ્ઠર્ૈંહ ટ્ઠહઙ્ઘ ન્ૈહ્વીટ્ઠિઙ્મૈડટ્ઠર્ૈંહ ની પ્રક્રિયા મૌલિક અને હળવાશથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ નાટક ‘સમાજશાસ્ત્ર’ના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થાય એવું છે.

ટૂંક સાર : દાદા પોતાની જાતને એકલવાયા સમજે છે. એમની વાર્તા સાંભળનાર કોઈ ન હોવાનો એમને અફસોસ થાય છે. છેલ્લા વીસેક વર્ષોમાં સમાજમાં આવેલું પરિવર્તન એમને સવાલ કરવા પ્રેરે છે કે, ‘સમાજ આટલો બધો અને આટલી ઝડપે કેમ બદલાઈ ગયો?’ અમિત કે જે એક શિક્ષક છે એ દાદાને આ સવાલના જવાબમાં ‘વૈશ્વકીકરણ અને ઉદારીકરણ’ ની પ્રક્રિયા સમજાવે છે. દાદાના પુત્ર, પુત્રવધૂ, પૌત્ર, પૌત્રી અને બીજા વિદ્યાર્થીઓ આ પ્રયોગમાં મદદ કરે છે. સંવાદો દ્વારા વિવિધ મુદ્દાઓ રજૂ થાય છે. વૈશ્વકીકરણ અને ઉદારીકરણ’ ની પ્રક્રિયાનાં લક્ષણો, પ્રક્રિયાના લાભગેરલાભ, પ્રક્રિયાની અસરો વગેરેની ચર્ચા થાય છે. ગમ્મત સાર જ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો છે.

- યશવંત ઠક્કર.

જમાનો કેમ બદલાયો?

પ્રવેશ - ૧

(પરદો ખૂલે ત્યારે દાદા બેઠા હોય અને એકલા એકલા બોલતા હોય)

દાદા : વારતા રે વારતા

ભાભો ઢોર ચારતા

ચપટી બોર લાવતા

છોકરાંને સમજાવતા

એક છોકરો રિસાણો..

....એક છોકરો જ નહીં. બધાં છોકરાં રિસાઈ ગયાં છે. કોઈ કહેતાં કોઈ આ ભાભાની વારતા સાંભળવા નવરૂં નથી. કોઈ કમ્પ્યુટર સામે આંખો ફાડીને બેઠું છે તો કોઈ મોબાઈલ કાને ધરીને આમથી તેમ દોડે છે. ભાભાના બોર કે ભાભાની વારતામાં કોઈને રસ નથી. બીજાની શું વાત કરૂં? મારા પોતાના જ દીકરાની વાત કરૂં. એ નાનો હતો ત્યારે મારી પાસેથી વારતા સાંભળ્યા વાગે સુતો નહોતો. પણ હવે એની પાસે જરાય નવરાશ નથી. મોટો થઈ ગયોને! મુન્નામાંથી મનીષ થઈ ગયો. મનીષ માધવાણી! બેંક મેનેજર. રાત દિવસ બેન્કનો ભાર માથે લઈને ફરનારો. હમણાં આવવો જ જોઈએ. આવશે અને ‘જય શ્રીકૃષ્ણ’ કહીને ભાગશે!

મનીષ હાથમાં ઓફીસબેગ સાથે પ્રવેશે. અને ચાલતાં ચાલતાં જ

મનીષ : બાપુજી, જય શ્રીકૃષ્ણ.

દાદા : જય શ્રીકૃષ્ણ. પણ દીકરા, ઊંભો તો રહે. મારી સાથે બેચાર વાતો તો કર.

મનીષ : સખત થાકી ગયો છું બાપુજી. થોડો આરામ કરૂં.

દાદા : ઓફિસમાં બહુ કામ રહે છે? પહેલાં તો જલસા હતા નહીં?

મનીષ : જલસા કરવાના દિવસો ગયા. હવે તો ખૂબ જ દબાણમાં રહેવું પડે છે.

દાદા : કેમ એવું થઈ ગયું?

મનીષ : પહેલાં અમારી સરકારી બેન્કોની બોલબાલા હતી. હવે તો કેટલીય ખાનગી બેન્કો હરીફાઈમાં આવી ગઈ છે એટલે ગ્રાહકોને ખૂબ જ સાચવવા પડે છે. બેન્કનો ધંધો વધારવા ઉપરથી સતત દબાણ પણ રહે છે.

દાદા : આજકાલ તો સરકાર બધાં કામોમાં ખાનગી કંપનીઓને આવકારવા લાગી છે. જ્યાં હોય ત્યાં ખાનગીકરણ... ખાનગીકરણ!

મનીષ : બાપુજી, સમય બદલાઈ ગયો છે. વિશ્વમાં મોટાભાગના દેશો હવે ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહ્યા છે. પ્રગતિ માટે ખાનગીકરણ જરૂરી થઈ પડયું છે. જરૂરી સેવાઓ ખાનગી સંસ્થાઓને સોંપવાથી સરકારની જવાબદારી ઓછી થાય છે. લોકોને સારી અને ઝડપી સેવા મળે છે. રોજગારીની તકો પણ વધે છે. આપણા જ ઘરનો દાખલો લો. પૂજાને મોબાઈલની જે કંપનીમાં નોકરી મળી એ ખાનગી જ છેને?

પૂજાનો પ્રવેશ.

પૂજા : જય શ્રીકૃષ્ણ બાપુજી.

દાદા : જય શ્રીકૃષ્ણ. પૂજાબેટા. હમણાં જ તમને યાદ કરતા હતા ને તમે આવ્યાં. તમે સો વરસ જીવવાનાં છો.

પૂજા : હસીને સો વરસ ન જીવાય તો વાંધો નહીં. જેટલું જીવાય એટલું સાજાસમા જીવાય તો બસ છે. ... કેમ મને યાદ કરતા હતા?

મનીષ : એ તો ખાનગીકરણની વાત ચાલતી હતી એટલે મેં કહ્યું કે, દેશમાં ખાનગીકરણ થયું તો રોજગારીની તકો વધી. એ વાત પુરવાર કરવા તારો દાખલો આપ્યો.

પૂજા : હા, રોજગારીની તકો વધી છે એ વાત તો સાચી છે. તો સાથે સાથે હરીફાઈ પણ બહુ વધી છે. મારે આવતા અઠવાડિયે તાલીમ માટે જવાનું થશે.

દાદા : ફરી તાલીમ? એક વખત તો જી આવ્યાંને?

પૂજા : એ તાલીમને તો છ મહિના થઈ ગયા. નવી નવી ટેકનોલોજી ઝડપથી આવતી જાય છે એટલે અમારે પણ વારંવાર નવું નવું શીખવું પડે છે.

મનીષ : એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં નવું નવું ન આવતું હોય. એ ક્ષેત્રમા કામ કરતા લોકોએ વારંવાર તાલીમ લેવી જ પડે.

પૂજા : બાપુજી, તમારે પણ તાલીમ લેવી જોઈએ.

દાદા : મારે બેઠાં બેઠાં ખાવાનું. એમાં તાલીમ કેવી ને વાત કેવી?

પૂજા : હસીને તમારે ખાવાની જ તાલીમ લેવી જોઈએ. પિત્ઝા ખાવાની.

દાદા : આજે પિઝાનો કાર્યક્રમ લાગે છે?

પૂજા : એવું જ છે. મારો ભત્રીજો કાલે અમેરિકા જવાનો છે એટલે અમે બંને મારા ભાઈને ત્યાં જવાનાં છીએ. અમે ત્યાં જ જમીશું. રોનક અને પલક ઘણા દિવસથી પિત્ઝાનું કહે છે. જો તમને પણ પિત્ઝા માફક આવતા હોય તો મારે તમારે માટે કશું અલગ બનાવવું ન પડેને? હસીને હું મારા સ્વાર્થની વાત કરૂં છું.

દાદા : હું મારા આરોગ્યની વાત કરૂં તો મને એ માફક નથી આવતા. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારે એક વાટકો દૂધ બહુ થઈ ગયું. આમેય હું રાત્રે ક્યાં વધારે ખાઉં છું.... બાજરાના રોટલાનું તો કોઈ નામ જ નથી લેતું. પિઝાના રોટલાની બોલબાલા છે ભાઈ!

મનીષ : બાપુજી, બદલાતા જમાના સાથે આપણે પણ બદલાવું પડે.

દાદા : સાચી વાત છે દીકરા. પણ હવે તો બદલાવું અઘરૂં લાગે છે.

પૂજા : વાંધો નહીં બાપુજી. હું તમારા માટે પોચી ભાખરી બનાવી દઈશ.

દાદા : જેવી તમારી મરજી.

પૂજાઃ : ચાલો. અમે જીએ.

દાદા : હા ખૂશીથી જાઓ.

(મનીષ અને પૂજા જાય. દાદા ફરીથી બોલવાનું શરૂ કરે...)

વારતા રે વારતા

ભાભો ઢોર ચારતા

ચપટી બોર લાવતા,

છોકરાંને સમજાવતાપ..

...પણ છોકરાં સમજે તોને? નિશાળેથી આવ્યાં ત્યારે થોડી વારમાં જ આવવાનું કહીને ગયાં છે. હજી આવવાનું નામ નથી લેતાં. બોલાવી જોઉં. આવે તો મને જરા સારૂં લાગે.

ડોકું કાઢીને રોનકને બોલાવે

રોનક... દાદાની વારતા સાંભળવા આવે છે કે નહીં?

રોનક : અંદરથી બૂમ પાડે ફેસબુક પર બેઠો છું. થોડી વારમાં આવું છું દાદા.

દાદા : આ ફેસબુક હમણાં હમણાંનું બહુ ઉપડયું છે. નાનાંમોટાં બધાં એને રવાડે ચડયાં છે. નજર સામે જીવતુંજાગતું હોય એની સાથે દોસ્તી નહીં કરવાની અને કમ્પ્યુટરમાં સંતાઈને બેઠું હોય એની સાથે દોસ્તી કરવાની. વાહ ફેસબુક વાહ! તારી માયા અપરંપાર! લાવ, પલકને બૂમ પાડું. કદાચ એ આવશે. ડોકું કાઢીને પલક... અરે ઓ પલક દીકરી. મારી વારતા સાંભળવા આવે છે?

પલક : અંદરથી બોલે આવું છું દાદા. મોબાઈલ પર વાત ચાલે છે.

દાદા : લો કરો વાત! મોબાઈલ પર વાત ચાલે છે! વાત ચાલે છે કે વારતા? લોકોને સામસામે બેસીને વાતો કરતાં આવડતું જ નથી. મોબાઈલ હોય તો જ વાતો કરવાનું ફાવે! હાલતાં ને ચાલતાં આ રમકડું કાને જ હોય!. મેરા મોબાઈલ મહાન! ગમે તેમ તોય કામની ચીજને?

વારતા રે વારતા

ખોવાઈ ગઈ વારતા

ખોવાઈ ગયાં ઢોરાં ને ખોવાઈ ગયાં બોરાં

રિસાઈ ગયાં છોરાં... આવે નહીં ઓરાં

હસીને બિચારાં કેવી રીતે આવે? જમાનો બદલાઈ ગયો છે એટલે એ પણ બદલાયને? મોટાં બદલાય તો નાનાં પણ બદલાયને? જમાનો તો બદલાય મારા ભાઈ પણ આટલો બધો બદલાઈ જાય? ને આટલી ઝડપથી બદલી જાય? છેલ્લાં પંદરવીસ વર્ષોમાં તો હદ થઈ ગઈ છે! આવું કેમ થયું હશે? જમાનો આટલો બધો ને આટલી ઝડપથી કેમ બદલાઈ ગયો? કોઈ કહેશે? છે કોઈની પાસે મારા સવાલનો જવાબ?

(ટ્‌યુશન આપનારા શિક્ષક અમિતનો પ્રવેશ)

અમિત : મારી પાસે છે. હું આપીશ આપના સવાલનો જવાબ.

દાદા : કોણ છો ભાઈ? માન ન માન મેં તેરા મહેમાન!

અમિત : દાદા. જય શ્રીકૃષ્ણ. હું અમિત. પલક અને રોનકને ટ્‌યુશન આપવા આવું છું એ.

દાદા : જય શ્રીકૃષ્ણ ભાઈ. બોલો શો જવાબ આપશો?

(પલક અને રોનકનો પ્રવેશ)

રોનક-પલક : ગુડ ઈવનિંગ સર.

અમિત : ગુડ ઈવનિંગ.

દાદા : મારા સવાલનો જવાબ બાકી છે માસ્તરસાહેબ.

અમિત : દાદા, આપનો સવાલ છે ને કે, ‘જમાનો આટલો બધો ને આટલી ઝડપથી કેમ બદલાઈ ગયો?’ ... તો એનું કારણ છે-વૈશ્વકીકરણ.

પલક : અરે! આ તો અમારે સમાજશાસ્ત્રમાં ભણવામાં આવે છે.

અમિત : હા, આમ તો એ ભણવામાં આવે છે. પણ નાનાંમોટાં સહુએ સમજવા જેવો પાઠ છે. દાદાને પણ આ પાઠ ભણાવવાનો છે. .

દાદા : એટલે? તમે મને ભણાવશો?

અમિત : હસીને હા દાદા.

દાદા : ઓ યુવાન મિત્ર. આ મારા માથા પર ધોળા વાળ અમસ્તા નથી આવ્યા! તમે તો હજી ઊંગીને ઊંભા થયા છો ત્યાં મને ભણાવશો? મેં જોઈ છે એટલી દિવાળી તમે નથી જોઈ.

અમિત : દાદા, આજના જમાનામાં તો એવું પણ બને છે કે, વેપારી કરતાં ગ્રાહક વધારે જાણતા હોય. શિક્ષક કરતાં વિદ્યાર્થીઓ વધારે જાણતા હોય, મોટાં કરતાં નાનાં વધારે જાણતાં હોય, એટલે જ અમે બધાં આપને અઠવાડિયા પછી આ પાઠ ભણાવીશું.

દાદા : કેમ? આજે મુરત નથી?

અમિત : વૈશ્વકીકરણની પ્રક્રિયા જટિલ છે. અમારે તૈયારી તો કરવી પડેને?

દાદા : ભલે. જેવી તમારી મરજી.

રોનક-પલક : આવજો દાદા.

દાદા : હસીને આવજો અને આ દાદાને ભણાવવાની તૈયારી બરાબર કરજો. કારણ કે તમારે પાકા ઘડે કાંઠા ચડાવવાના છે.

(અમિત, પલક અને રોનક ઘરમાં જાય)

દાદા : બાકી હતું તે મારે આ ઉંમરે ભણવાનું આવ્યું.

વારતા રે વારતા, ભાભો પલાંઠી મારતા

છોકરાં એને ભણાવતાં, ભાભો લોચા મારતા

છોકરાં મોટાં થાતાં, ભાભા ઉક્લી જાતા

(પરદો પડે)

પ્રવેશ - ૨

પરદો ખૂલે ત્યારે દાદા ખુરશી પર પણ પલાંઠી મારીને અને અદબ વાળીને વિદ્યાર્થીની અદામાં બેઠા હોય. અમિત, મનીષ, પૂજા એક તરફ ઊંભાં હોય. બીજી તરફ પલક અને રોનક ઉપરાંત બીજા વિદ્યાર્થી-વિદ્યાર્‌થીનીઓ ઊંભાં હોય.

અમિત : મિત્રો, દાદાને આપણે પહેલાં તો એ સમજાવવાનું છે કે વૈશ્વકીકરણ એટલે શું?

પલક : દાદા, ત્રીસેક વર્ષો પહેલાં સમગ્ર વિશ્વમાં વૈશ્વકીકરણની પ્રક્રિયા શરૂ થઈ. આ એક એવી પ્રક્રિયા છે કે જેને લીધે વિશ્વના વિવિધ દેશો સાંસ્કૃતિક, આર્થ્િાક, સામાજિક રીતે એકબીજાની સાવ નજીક આવી જાય. આખા વિશ્વનો જાણે એક જ સમાજ બની જાય. વિશ્વ જાણે એક ગામડું બની જાય.

અમિત : વૈશ્વકીકરણની પ્રક્રિયા જટિલ છે. વિવિધ લક્ષણો દ્વારા આપણે આ પ્રક્રિયા સમજવી સરળ પડે.

નીરજ : આ પ્રક્રિયાનું પહેલું લક્ષણ સંસ્કૃતિ પર આધારિત છે. જાણકારોનું માનવું છે કે, ભવિષ્યમાં આ પ્રક્રિયાના પરિણામે વિશ્વમાં એક જ સંસ્કૃતિનું નિર્માણ થશે. વિશ્વના તમામ પરિવારો એકસરખી રીતે રહેતાં હશે. એમનાં પહેરવેષ, ખોરાક ,કળા, સાહિત્ય, રમતગમતો વગેરે સમાન હશે.

દાદા : અસંભવ. અસંભવ. અસંભવ. અરે મારા ભાઈ. આપણા દેશની જ વાત કરોને. આખા દેશમાં બધાં જ લોકોનાં પહેરવેષ, ખોરાક, કળા, સાહિત્ય,રમતગમતો વગેરે સમાન હોય એવું માનવામાં આવે છે? એક દેશમાં જે શક્ય નથી એ આખા વિશ્વમાં શક્ય બને ખરૂં? સાવ શેખચલ્લી જેવી વાતો ન કરો.

(હાસ્ય)

ચિરાગ : આખા વિશ્વની સંસ્કૃતિ ભલે એક ન થઈ શકે પણ પ્રજાઓ વચ્ચેની સંસ્કૃતિઓ ઝડપથી એકબીજાના સંપર્કમાં આવતી થઈ ગઈ છે. એમની વચ્ચે સમન્વયીકરણ ઝડપથી થતું જાય છે. ટેલિફોન, મોબાઈલ, ઈન્ટરનેટ, ટેલિવિઝન જેવાં માધ્યમોને લીધે આ શક્ય બન્યું છે. વૈશ્વકીકરણનું આ બીજું લક્ષણ થયું.

મનીષ : પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા બેન્કનો ગ્રાહક હવે એટીએમનો ઉપયોગ કરતો થઈ ગયો છે. ઘેર બેઠા ઈન્ટરનેટની મદદથી બેંક સાથે વ્યવહાર કરેતો થઈ ગયો છે.

પૂજા : વિદેશની હોટલોમાં ખીચડી ને કઢી મળતાં થઈ ગયાં છે તો આપણાં રસોડામાં ચાઈનિઝ વાનગીઓ બનતી થઈ ગઈ છે. મારા જેવી બાઈ ટીવી પરના રસોઈશો જોઈને પાસ્તા, પિત્ઝા, બર્ગર જેવી નવી નવી વાનગીઓ બનાવતી થઈ ગઈ છે.

દાદા : જેને લીધે મારા જેવા ભાભાઓ હેરાનપરેશાન થઈ ગયા છે.

(હાસ્ય)

પૂજા : બાપુજી, હું તમારા માટે અલગથી પોચી ભાખરી બનાવું છુંને?

દાદા : કાન પકડીને કબૂલ.. કબૂલ. હું તો મજાક કરૂં છું. ખોટું ન લગાડતાં.

પલક : દાદા, વિદેશી લોકોને આપણા રાસગરબામાં મજા પડે છે તો અમને લોકોને જાઝ, ટેન્ગો, સાલસા, બેલે જેવા વિદેશી ડાન્સમાં મજા પડે છે.

રોનક : મારા જેવા છોકરાઓ બેડમિન્ટન, ટેનિસ, બાસ્કેટ બોલ, પૂલ જેવી વિદેશી રમતો રમતા થઈ ગયા છે.

દાદા : ને આપણી પોતાની કબ્બડી, ખોખો, લંગડી, સતોડિયું જેવી રમતો ભૂલી ગયા છે.

રોનક : કોઈ રમતા હોય તો અમે રમીએને?

દાદા : કાન પકડીને કબૂલ મારા દીકરા કબૂલ.

અમિત : આજના જમાનામાં વાહનવ્યવહારની સગવડ વધી ગઈ છે. રસ્તા સારા થવાથી વાહનવ્યવહાર ઝડપી થયો છે. વિદેશનો પ્રવાસ કરવો પણ સરળ થયો છે. હવે આપણા દેશના લોકો વેકેશનની મજા હોંગકોંગ, સિંગાપોર, મલેશિયામાં પણ માણી શકે છે.

દાદા : જો પૈસા હોય તો!

(હાસ્ય)

અમિત : દાદા, પહેલાં તો પૈસા હોવા છતાં એ શક્ય નહોતું.

દાદા : ભાઈ, તમે કહો છો એવા લાભ થયા છે તો ગેરલાભ પણ થયા છે. લોકો સતત ટેલીવિઝન કે કમ્પ્યુટર સામે બેસી રહે છે. પરિણામે શારીરિક અને માનસિક બીમારીના ભોગ બન્યા છે. બાળકો હવે દાદા-દાદી પાસે વારતા સાંભળવા બેસતા નથી અને વિડિઓ ગેમ રમી રમીને પોતાનાં દિમાગ બગાડે છે. વાહનોની સંખ્યા વધવાથી પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલનો વપરાશ વધવાથી હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. માસ્તર સાહેબ, આ બધું પણ ધ્યાનમાં લેવું પડે હોં.

અમિત : મિત્રો, દાદા કહે છે એમ વૈશ્વકીકરણના ગેરલાભ પણ છે. તમારા ભણવામાં પણ આ બધું આવે જ છે.

ચિરાગ : દાદાએ સમાજશાસ્ત્રની ચોપડી વાંચી હોય એવું મને લાગે છે.

દાદા : દીકરા, મેં ચોપડી તો નથી વાંચી પણ જિંદગી વાંચી છે. સમાજશાસ્ત્ર નથી વાંચ્યું પણ સમાજ વાંચ્યો છે. બુઢ્‌ઢો થયો છું એટલે દુનિયાને બહુ ધ્યાનથી જોવાની આદત પડી ગઈ છે. ગમે એટલું ભણો પણ એક વાત ધ્યાનમાં રાખજો. અનુભવ જે શીખવાડે છે એ કોઈ કિતાબ નથી શીખવાડી શકતી.

(બધાં તાળીઓ પાડે)

નિરાલી : વૈશ્વકીકરણનું ત્રીજું લક્ષણ છે, વિવિધ દેશો વચ્ચેનું ચલણ. જેમ કે યુરોપના દેશો વચ્ચે યુરોનું ચલણ અમલમાં આવ્યું છે. એવી જ રીતે એશિયાના દેશો પણ એક થઈને બધા વચ્ચે એક જ ચલણ અમલમાં લાવી શકે અને આંતરરાષ્ટ્રીય બજાર પર પોતાનો પ્રભાવ વધારી શકે. જો કે આજની તારીખે એ શક્ય લાગતું નથી. કારણ કે આ દેશો વચ્ચેના સંબંધો સરહદ, ત્રાસવાદ, ઘૂસણખોરી વગેરેને કારણે સતત તંગ રહે છે.

દાદા : ચલણની વાત કરતા હો તો સાંભળી લો કે, જ્યારે જ્યારે અમેરિકન ડોલર સામે આપનો રૂપિયો તૂટે છે ત્યારે ત્યારે આપણે ત્યાં મોંઘવારી વધે છે અને લોકોની કમર તૂટે છે. લાંબા પાછળ ટૂંકો જાય ને મારે નહિ તો માંદો થાય! ચલાવો આગળ...

નેહા : આ પ્રક્રિયાનું ચોથું લક્ષણ છે બજારની બોલબાલા. ક્યારેક તો એવું લાગે કે, વેપારધંધો જ નહીં પરંતુ રમતગમત, કલા, મનોરંજન જેવી પ્રવૃત્તિઓ પણ બજારને ધ્યાનમાં રાખીને જ થાય છે. આ વિશ્વ જ જાણે એક મોટું બજાર બની ગયું છે. વિદેશમાં તૈયાર થયેલી ચીજો આપણે ત્યાં સહેલાઈથી મળે છે. તો આપણે ત્યાં તૈયાર થયેલી ચીજો વિદેશમાં પણ મળે છે. જેમ કે થાઈલેન્ડનાં મોટાં મોટાં જમરૂખ આપણને ખાવા મળે છે તો આપણી કેસર કેરીની નિકાસ થવાથી બીજા દેશના લોકો ખાઈ શકે છે.

દાદા : એટલે જ કેસર કેરી હવે મોંઘી થઈ ગઈ છે. મને એ કહો કે, થાઈલેન્ડનાં જમરૂખ આપણામાંથી કેટલા લોકોને ખાવા મળે છે? જ્યારે કેસર કેરી આપણને પહેલાં જેટલી છૂટથી ખાવા મળતી હતી એટલી છૂટથી હવે નથી મળતી. ગમે એટલો પાક થયો હોય તોય મોંઘી જ મળે છે. બોલો આપણને શો ફાયદો થયો?

નેહા : દાદા, કોઈપણ ચીજની નિકાસ કરવાથી આપણા દેશને વિદેશી હૂંડિયામણ મળે છે. ઘણી ચીજો એવી પણ છે કે જેની આપણે વિદેશથી આયાત કરવી પડે છે. એ આયાતના કારણે આપણા દેશનું વિદેશી હૂંડિયામણનું ભંડોળ ઓછું થાય છે. વિદેશી હૂંડિયામણ મેળવવા માટે આપણે નિકાસ પણ કરવી જ પડે. દેશના અર્થતંત્ર માટે એ ખૂબ જરૂરી છે.

દાદા : એનો અર્થ એ થયો કે, આયાતનિકાસના ચક્કરમાં આપણે, આપણા જ પ્રદેશમાં પાકતી ખાધાચીજ નહીં ખાવાની. ને ખાવી તો મોંઘા ભાવે ખાવી. આપણા જ પ્રદેશમાં તૈયાર થતું સિંગતેલ હવે આપણને જ એટલું બધું મોંઘુ પડે છે કે દિવાળીના તહેવારોમાં તેલના દીવા કરવા હોય તો પણ આપણે વિચાર કરવો પડે છે.

રોનક : પણ દાદા, તેલના દીવા કરવાની કોઈ જરૂર નથી. ચાઈનાની સારી સારી સીરિજ સસ્તામાં મળે છે. હવે તો બધાં એ જ લગાડે છે.

(હાસ્ય)

દાદા : તારી વાત લાખ રૂપિયાની છે દીકરા. પણ આપણી પરંપરા પર અસર થઈને? ક્યાં દીવડાના પ્રકાશની પવિત્રતા ને ક્યાં તમારાં ચાઈનાનાં લબૂકઝબૂક થતાં તોરણો

ધારા : વૈશ્વકીકરણનું પાંચમું લક્ષણ છેઃ વર્તમાન આંદોલનો. વૈશ્વકીકરણની પ્રક્રિયાની અસરથી વિશ્વમાં અનેક પ્રકારનાં પરિવર્તનો આવ્યાં. આપણા દેશમાં અને સમાજમાં પણ અનેક પ્રકારનાં પરિવર્તનો આવ્યાં. આ પરિવર્તનોએ અનેક પ્રકારના આંદોલનોને જન્મ આપ્યો છે. જેવા કે, માનવ અધિકાર માટેના આંદોલન, પર્યાવરણની સુરક્ષા માટેના આંદોલન, મહિલાઓના હક માટેના આંદોલન. સરકાર પર આવા આંદોલનોનો પ્રભાવ રહે છે. માનવ અધિકારોનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. એટલે જ આતંકવાદીને પણ પોતાનો કાનૂની બચાવ કરવાની પૂરી તક આપવામાં આવે છે. જેલમાં હોવા છતાં કેદીઓના માનવીય અધિકારોની રક્ષા કરવામાં આવે છે. .

અમિત : દાદા, હવે તો આપને ખ્યાલ આવ્યો જ હશે કે વૈશ્વકીકરણને લીધે જ આ જમાનો ઝડપથી બદલાતો જાય છે.

દાદા : પણ ભાઈ મારા, મને એ કહો કે, આપણે તો મજાનું સાદું સરળ જીવન જીવતા હતા તો આ વૈશ્વકીકરણના રવાડે ચડવાની જરૂર શી હતી?

અમિત : જરૂર તો એવી પડી હતી કે ન પૂછો વાત. પણ એ વાત જરા લાંબી થાય એમ છે એટલે લઈશું થોડો વિરામ.

પલક : તો લઈએ છીએ થોડો વિરામ.

રોનક : જલ્દીથી મળીશું એક વિરામ બાદ.

દાદા : વારતા રે વારતા, ભાભો શંકા દર્શાવતા

છોરાં ખેલ નાખતાં, ઉકેલ શંકાનો લાવતાં

ઉકેલ લાવતાં લાગ્યો થાક, ભલે ત્યારે લઈ લો વિરામ.

પ્રવેશ - ૩

પરદો ખૂલે ત્યારે દાદા ખુરશી પર પણ પલાંઠી મારીને અને અદબ વાળીને વિદ્યાર્થીની અદામાં બેઠા હોય. અમિત, મનીષ, પૂજા એક તરફ ઊંભાં હોય. બીજી તરફ પલક અને રોનક ઉપરાંત બીજા વિદ્યાર્થી-વિદ્યાર્‌થીનીઓ ઊંભાં હોય.

અમિત : દાદા, આપનો સવાલ એ હતો ને કે, આપણે વૈશ્વકીકરણના રવાડે ચડવાની જરૂર શી હતી?

દાદા : હા. આપણા દેશના અર્થતંત્રનું ગાડું જેમ ચાલતું હતું એમ ચાલવા દીધું હોત તો શો વાંધો હતો?

અમિત : ગાડું ચાલે એમ જ નહોતું. ૧૯૯૧માં આપણા દેશની આર્થ્િાક સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ હતી. વિદેશી હૂંડિયામણનું અનામત ભંડોળ ઘટવા લાગ્યું હતું. એ સંજોગોમાં દેશના અર્થતંત્રમાં ગતિ લાવવાની જરૂર ઊંભી થઈ. આથી સરકારે ૧૯૯૨માં નવી આર્થ્િાક નીતિ જાહેર કરીને મુક્ત વ્યાપારને પ્રોત્સાહન આપ્યું. લાંબા ગાળાની આયાત-નિકાસ નીતિ નક્કી કરી, આયાત પરના પ્રતિબંધો હળવા કર્યા. વિનિમય અંકુશો હળવા કર્યા. ઉદારીકરણ અને ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું.

દાદા : સાથે સાથે નફાખોરીને પણ પ્રોત્સાહન આપ્યું. મોજશોખની વસ્તુઓની આયાતો વધી છે તો એની સામે નિકાસ ઘટી છે. ખાદ્યચીજોની નિકાસ થવાથી સ્થિતિ એવી થઈ છે કે, ઘરના છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આટો! આ બધાની આપણા નાણાબજાર પર અવળી અસર થઈ છે. હું રોજ છાપાં વાંચું છું એટલે મને આ બધી ખબર છે.

મનીષ : બાપુજી, સરકારે નાણાબજારની કાર્યક્ષમતા વધારવા માટે વિદેશી સંયુક્ત સાહસોને માન્યતા આપી છે. બેંકિંગ સિવાયની નાણાસંસ્થાઓને માન્યતા આપી છે. ધિરાણ પરના વ્યાજદર ઓછા કર્યા છે. ‘સેબી’ની સ્થાપના કરી છે. પરિણામે દેશના અર્થતંત્રને ઘણા ફાયદા થયા છે. વિદેશી મૂડીરોકાણ વધ્યું છે. હુંડિયામણનું આનામત ભંડોળ વધ્યું છે. ખાનગી ક્ષેત્રના ઉત્પાદકોને મુક્ત વિકાસની તકો મળી છે. ખાનગીક્ષેત્રમાં બેંકોને મંજૂરી મળવાથી સરકારી બેન્કોની ઈજારાશાહી તૂટી છે.

દાદા : તમારી સરકારી બેન્કોની ઈજારાશાહી તૂટી છે એ વાત સાથે સહમત. પણ બચત યોજનામાં વ્યાજનો દર ઘટવાથી મારા જેવા નિવૃત્ત ભાભાઓ દુઃખી દુઃખી થઈ ગયા છે. ધંધો વધારવાની હોડમાં બેન્કોએ આડેધડ લોનો આપીને કેટલાક લોકોને દેવાળિયા બનાવ્યા છે. હોમલોનનું વ્યાજ ભરતાં ભરતાં કેટલાયની અર્ધી જિંદગી પૂરી થઈ જાય છે. દેખાદેખીમાં તાકાત વગરનું દેવું કરીને પછી માનસિક રોગોના ભોગ બનનારાઓનો આંકડો પણ નાનો નહીં હોય હો! ચલાવો આગળ...

પૂજા : બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરી. આથી આધુનિક ટેકનોલોજીની આયાત થવાથી ઉત્પાદન વધ્યું. ઉત્પાદન અને સેવાઓના વિતરણમાં જે ઈજારાશાહી હતી એ તૂટી. હરીફાઈને ખુલ્લું પ્રોત્સાહન મળવાથી ગ્રાહકોને વાજબી ભાવે ઉત્તમ વસ્તુઓ અને સેવા મળવા લાગી. આજે મોબાઈલની સેવા પૂરી પાડતી આનેક કંપનીઓ માર્કેટમાં આવવાથી ગ્રાહકોને તો મજા પડી ગઈ છે. આપણે તારટપાલ સંસ્કૃતિમાંથી એસએમએસ સંસ્કૃતિમાં પ્રવેશી ગયાં છીએ.

દાદા : કારણ વગરની લાંબી લાંબી વાતો કરતાં થઈ ગયાં છીએ. હરીફાઈમાં તો સબળાની જીત થાય ને અબળાને અલોપ થવું પડે. મોટા મોટા શોપિંગ મોલ આવ્યા છે ને નાના નાના વેપારીઓને પોતાની હાટડીઓ બંધ કરવી પડી છે. તૈયાર માલ બજારમાં ઠલવાવા લાગ્યો એટલે નાના નાના કારીગરોએ ઘરનો ધંધો બંધ કરીને નોકરીએ લાગવું પડયું છે. માલિક હતા એ મજૂર બની ગયા છે.

પલક : દાદા, તમે ગમે તે કહો પણ લોકોના જીવનધોરણમાં ઘણો સુધારો થયો જ છે. સુવિધાના સાધનોનો વપરાશ વધ્યો છે. આરોગ્ય માટે જાગૃતિ આવી છે. દેશમાં અદ્યતન સુવિધાઓ આપે એવી હોસ્પિટલોનું નિર્માણ થવાથી દર્દીઓને સારામાં સારી સારવાર મળતી થઈ ગઈ છે. લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. મેૈડિકલેઈમને લીધે લોકોને મોટી રાહત થઈ છે.

દાદા : અને જે સામાન્ય તાવ પચાસ કે સો રૂપિયામાં મટતો હતો એ હવે પાંચ હજારે પણ નથી મટતો. મેૈડિકલેઈમનો સદઉપયોગ કરતાં દુરૂપયોગ વધારે થયો છે. આરોગ્ય ક્ષેત્રે પણ ક્યાંક ક્યાંક સેવાને બદલે મેવાને જ ધ્યાનમાં લેવામાં આવે છે. બોલો રોનકભાઈ, તમારે કશું કહેવું લાગે છે.

રોનક : દાદા, મારા જેવા નાના નાના છોકરાઓને પણ ભણતરનું મહત્વ સમજાઈ ગયું છે. બધા નાનપણથી જ અંગ્રેજી ભાષા શીખવા લાગ્યા છે. વધારે અભ્યાસ માટે વિદેશમાં જવા લાગ્યા છે. આપણા દેશના યુવાનો અને યુવતીઓને વિદેશમાં સારા સારા પગારે નોકરીઓ મળવા લાગી છે. હું પણ ભણીગણીને અમેરિકા જવાનો છું. પછી તમને ત્યાં બોલાવી લઈશ.

દાદા : અમેરિકામાં મને પોચી ભાખરી કોણ ખવડાવશે? ના દીકરા ના. હું અહીં રહું એ જ બરાબર છે. રહી વાત અંગ્રેજી ભાષાની. તો એની બોલબાલા તો એવી વધી ગઈ છે કે, હવે આપણી ગરવી ગુજરાતી ભાષા જાણે ગુજરાતી કવિઓ અને લેખકો માટે જ રહી ગઈ છે. અરે! એ લોકોય જરૂર ન હોય ત્યાં પણ અંગ્રેજી શબ્દો વાપરતા થઈ ગયા છે. ગુજરાતી ભાષાને કોણ બચાવશે?

નીરજ : કમ્પ્યુટર અને ઈન્ટરનેટ બચાવશે. સાચું કહું છું દાદા, ઈન્ટરનેટને કારણે હવે ગુજરાતી ભાષામાં લખવું સરળ બન્યું છે. ગુજરાતી ભાષાનાં સારાં સારાં લખાણો જાતજાતની વેબસાઈટ પર મૂકી શકાય છે. વાંચી શકાય છે. વહેંચી શકાય છે. તમે જોજો. તમારા જુના જમાનાની બધી વાતો હું ઈન્ટરનેટ પર મુકીને તમને વંચાવીશ.

ચિરાગ : કમ્પ્યુટરે તો આપણી દુનિયા બદલી નાખી છે. આજે કમ્પ્યુટરના કારણે આપણને જરૂરી સેવાઓ ઝડપથી મળવા લાગી છે. મુસાફરી કરવી હોય તો ઘેર બેઠા જ પ્લેન, રેલ્વે કે બસનું બુકિંગ થઈ શકે છે. કમ્પ્યુટરને લીધે ધંધા અને વ્યવસાયને લગતા વ્યવહારો ઝડપથી થવા લાગ્યા છે. ઘેર બેઠા જ વસ્તુઓની ખરીદી થઈ શકે છે. એવું કોઈપણ ક્ષેત્ર બાકી નથી રહ્યું કે જેમાં કમ્પ્યુટરે પ્રવેશ ન કર્યો હોય!

દાદા : અને એવા પણ ઘણાં ક્ષેત્ર છે કે જેમાંથી કમ્પ્યુટરે માણસને બહાર કાઢ્‌યા છે. કમ્પ્યુટર, ઈન્ટરનેટ બહુ કામનાં છે પણ એના ઉપયોગમાં વિવેક હોવો જોઈએ. વિવેક ન હોય તો અર્થનાં બદલે અનર્થ થઈ જાય. છેવટે તો બધું આપણી દાનત પર આધાર રાખે છે ભાઈ.

નિરાલી : ખેતીવાડીની વાત કરૂં તો દેશનો ખેડૂત પણ હવે આધિનિક સાધનો વાપરતો થઈ ગયો છે. ખેતીવાડીમાં નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ ઉપજ લેતો થઈ ગયો છે.

દાદા : અને એ ઉપજની પૂરતી કીમત ન મળતાં આપઘાત કરતો પણ થઈ ગયો છે. હું આ મજાક નથી કરતો. વસમી વાસ્તવિકતાની વાત કરૂં છું.

નિરાલી : દાદા, ખેડૂતોને પોતાની ઉપજનું વાજબી વળતર મળે એ માટે પણ દેશમાં વિચારણા ચાલી જ રહી છે. રીટેલ ક્ષેત્રે જો એફડીઆઈને મંજૂરી મળી જાય તો એ સમસ્યાનો હાલ થઈ શકે એમ છે. એફડીઆઈના આગમન પછી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેથી દલાલોનો મોટો વર્ગ નાબૂદ થઈ જશે. ખેડૂતોને વાજબી વળતર મળશે ને ગ્રાહકોને ચીજો સસ્તી મળશે.

દાદા : એ તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે જેવી વાત છે. એફડીઆઈ સામે રાજકીય અને સામાજિક વિરોધ ઓછો નથી. નાના વેપારીઓને ડર લાગે છે કે, એફડીઆઈને મંજૂરી મળશે તો પોતાની હાટડીઓ બંધ થઈ જશે.

નેહા : દાદા, આર્થ્િાક સુધારાઓના કારણે આપણને ઘણા લાભ થયા છે. તમે કહો છો એવા ગેરલાભ પણ થયા છે. છેલ્લા વીસેક વર્ષોમાં ધનિક વધારે ધનિક અને ગરીબ વધારે ગરીબ બન્યો છે. બેરોજગારીની સમસ્યા ઓછી થઈ નથી. આ સુધારાનો લાભ વિકસિત પ્રદેશોને મળ્યો છે એટલો પછાત પ્રદેશોને મળ્યો નથી. આપણે વિદેશી સહાય પર વધારે આધાર રાખતા થઈ ગયા છીએ. ઔધોગ્િાક ક્ષેત્રે પણ નોંધપાત્ર સફળતા મળી નથી.

ધારા : આર્થ્િાક સુધારાઓના કારણે જીવનધોરણમાં સુધારો થયો છે તો જીવનમાં દોડધામ પણ વધી ગઈ છે. છેલ્લા વર્ષોમાં જમીનના જ નહીં પણ; શાકભાજી, દૂધ, અનાજ જેવી જીવનજરૂરી ચીજોના ભાવ ખૂબ જ વધી ગયા છે. વારવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે જેને લીધે તમામ ચીજોના ભાવ વધે છે. શિક્ષણ બહુ જ મોંઘું થઈ ગયું છે. સમાજમાં ગુનાખોરી વધી છે. મહિલાઓ પરના અત્યાચારો વધ્યા છે. હરીફાઈનાં તત્વની અવળી અસર થઈ છે. નિરાશા, હતાશા અને માનસિક તણાવને લીધે આપઘાતોનું પ્રમાણ વધ્યું છે. સંયુક્ત કુટુંબોનું સ્થાન વિભક્ત કુટુંબોએ લઈ લીધું છે. ઘરડાંઘરની સંખ્યા વધતી જ જાય છે. વૈશ્વકીકકારણની સમાજ પર આવી અવળી અસર પણ થઈ છે.

અમિત : દાદા, જમાનો આટલો બધો ને આટલી ઝડપથી કેમ બદલાઈ ગયો’ એ સવાલનો જવાબ આપને મળી ગયો હશે. વૈશ્વકીકરણથી લાભ પણ થયા છે અને ગેરલાભ પણ થયા છે. એની અસર આપણા રોજિંદા જીવન પર એવી થઈ છે કે મારા તમારા જેવા કોઈપણ માણસને એમ થાય કે, આટલું મોટું પરિવર્તન! પરંતુ, બદલાતા સમય સાથે આપણે પણ બદલાવું પડે છે.

દાદા : મિત્રો, હું પરિવર્તનનો વિરોધી નથી. સુધારાઓનો પણ વિરોધી નથી. બસ, એટલો જ આગ્રહ રાખું છું કે, સમાજના દરેક વર્ગ અને વ્યક્તિને એનો લાભ મળે. કોઈપણ વ્યક્તિ પોતાને એકલી અને અસહાય ન માને. હરીફાઈના બહાને નફાખોરી ન વધે. સતત બજારને ધ્યાનમાં રાખવામાં ઘરપરિવાર તરફથી ધ્યાન હટી ન જાય એવો વિવેક પણ હોવો જોઈએ.

તમે સહુએ મારા જેવા ભાભાની વાતો સાંભળી એ બદલ હું સહુનો આભાર માનું છું. મને પણ તમારી વાતો સાંભળવામાં ખૂબ મજા આવી. આવી જ રીતે જો અવારનવાર આવતા રહેશો તો મને આનંદ થશે. મને એમ લાગશે કે, ના હું એકલો નથી. મારા પણ કેટલાય મિત્રો છે અને એ પણ યુવાન!

પલક : દાદા, આભાર તો અમે તમારો માનીએ છીએ, કારણ કે તમને ભણાવવાના બહાને અમને સારી રીતે ભણવા મળ્યું. વૈશ્વીકીકરણનો આખો પાઠ અમને સહેલાઈથી યાદ રહી ગયો.

અમિત : દાદા, અમારો વિચાર એવો છે કે આવા અનેક પાઠ અમે તમારી હાજરીમાં ભણીએ. જેથી તમારા જ્ઞાનનો લાભ અમને પણ મળે.

દાદા : આ તો ભાઈ, જ્ઞાનની મુકત આયાત-નિકાસ જેવી વાત થઈ. ચાલો એ વાત પર કવિ શ્રી દલપતરામની લખેલી પ્રાર્થના ગાઈએ.

બધાં સાથે મળીને પ્રાર્થના કરે

ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ;

ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ;

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ;

ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.

સમાપ્ત