Karan Ghelo - 3 in Gujarati Fiction Stories by Nandshankar Tuljashankar Mehta books and stories PDF | કરણ ઘેલો - પ્રકરણ - 3

Featured Books
Categories
Share

કરણ ઘેલો - પ્રકરણ - 3

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

ભાગ - ૧ : પ્રકરણ ૩


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૩

જ્યારે કામજ્વરથી પીડાયલો કરણ રાજા પોતાનું ધારેલું કામ પાર પાડવાના વિચારમાં બિછાના ઉપર તરફડિયાં મારતો હતો તે વખતે બહાર રાતનો અમલ ઊતરીને રાત તથા દહાડાની મર્યાદાની વચ્ચેનો તકરારી વખત થયો હતો. આકાશ કેવળ સ્વચ્છ હતું. અરુણે સોનાની કૂંચી વડે પૂર્વ દિશાનો મોટો દરવાજો ઉઘાડ્યો, અને સૂતી દુનિયાને જાહેર કીધું કે હવે સૌને કામ વળગવાનો વખત થયો છે. અરુણ સારથિ આવ્યો એટલે તેની પાછળ સૂર્યનારાયણ રથમાં બેસીને જલદીથી આવશે એવું જાણીને રસ્તામાં રમતા છોકરાઓ મહેતાજીને આવતા જોઈ નાસી જાય છે તેમ તારાઓ એક પછી એક પોતપોતાનું મોં સંતાડવા લાગ્યા. ચંદ્ર તો તે પહેલાં અસ્ત થયેલો જ હતો. શુક્રનો તારો, જેને વિષે ગામડિયા લોકો કહે છે કે ચંદ્ર મૂઆ પછી એ તેની જગા સાચવશે, તે થોડી મુદત સધી હિંમત રાખી ઊભો રહ્યો, પછી તે પણ જલદીથી ભરાઈ ગયો. સૂર્યદેવતાને આદરમાન આપવાને પૂર્વ તરફ વાદળાંમાં ઈંદ્ર રાજાએ ઘણા ભભકાદાર રંગના સાથિયા પૂર્યા. તળાવોમાં કમલનાં ફૂલ ખીલી તેઓએ પોતાના સૂર્ય પિતાીને મળવાને પોતાનાં મોં પૂર્વ તરફ ફેરવ્યાં. કુમુદિનીના ફૂલની પાંદડી બિડાઈ જઈ નીચે નમી ગઈ. પોતાની પ્રિયાને ખીલેલી જોઈ ભમરાઓ કમળની આસપાસ ફરી ગુંજાગુંજ કરવા લાગ્યા. ચંપા, ચંમેલી, સેવતી, માલતી વગરે ફૂલોમાંથી મંદમંદ સુગંધે શીતળ વાયુની સાથે ઘસાડાઈ આવીને નાસિકાઈંદ્રિયને મગ્ન કીધી. ઠેકાણેઠેકાણેથી દિવાકરના ચોપદાર કૂકડાઓએ નકી પોકારી. ચલ્લીઓ માળામાંથી નીકળી ચીંચી કરવા લાગી. કાગડાઓ કાકા બોલવા લાગ્યા. પાંજરામાંના પોપટ, મેના ઈત્યાદિ પક્ષીઓએ મીઠા બોલથી પોતાના ધણીને જગાડ્યા; અને વાડીઓ તથા ઝાડીઓ સુંદર નાદવાળાં પક્ષીઓના શબ્દથી આનંદકારક થઈ રહી. દેવસ્થાનોમાં દેવને જગાડગાને નોબત તથા શંખ વાગવા લાગ્યાં. શહેરમાં ગરીબલોકોનાં ઘરમાં ઘંટીનો ઘોર તથા તેની સાથે દળનાર બાયડીઓનો શોર થઈ રહ્યો. કેટલાએક સવારે સૂતાસૂતા પ્રભાતિયાં તથા બીજા ભજન ગાવા મંડ્યા. છીપા, સોની, લુહાર, કંસારા વગેરે ઉદ્યમી લોકોએ તે વખતે હથોડા ઠોકી શહેરના તે ભાગને ગજાવી મૂક્યો. કોઈ કોઈ ઘરમાં એક અથવાવધારે બાયડીઓ બેસીને ઘરમાંના લાંબી મુદત ઉપર મૂએલા માણસને વાસ્તે અમથો રાગડો કાઢી જૂઠું રડવા લાગી. તેઓની આંખ તેઓનાં મોંને જવાબ દેતી ન હતી. કોઈ કોઈ ઘરમાં દહીં વલોવવાનો શબ્દ સંભળાતો હતો. રાજાના મહેલમાં ચોઘડિયાં વગેરે બીજા વાંજિત્રો વાગી રહ્યાં હતાં. વિદ્યાર્થીઓ ઓટલે બેસી પાનાં હાથમાં રાખી ધૂપતા ધૂણતા આગલા દહાડાનું શીખેલું ફરીથી વાંચી જતા હતા. વાણિયાના છોકરા પોતાના અક્ષર ઠેરવવાને વાસ્તે દોપીસ્તાં લખવા બેઠા હતા. ગાય, ભેંસ ઈત્યાદિ પશુઓ ગળાના બંધ છૂટ્યાથી આનંદમાં ગોવાળિયાની પાછળ ચરવા જતાં હતાં. કુળવંતી, સારા સ્વભાવની બાયડીઓ ઊઠી પોતાનાં ઘર વાળીઝાડી પોતાનાં છોકરાં તથા ધણીને સુખ આપવાનાં સાધન કરવામાં પડેલી હતી; તેમ દુષ્ટ શંખણી બાયડીઓ બબડતી, ફફડતી, છોકરાંને ગાળ દેતી, તથા મારપછાડ કરતી, અને ધણીને ધમકાવતી આણીગમ તેણીગમ ઘરમાં ફરતી હતી. આળસુ, એી, અફીણી અને એવા સુસ્ત લોકો બગાસાં ખાતા ઢોલિયા ઉપર બબડતા હતા; પણ ઉદ્યમી ચાલાક લોકો ઊઠી દાતણપાણી કરી પોતપોતાને ધંધે વળગ્યા હતા. દુકાનદારો તો થોડો નાસ્તો કરી લૂગડાં પહેરી હાથમાં મોટી કૂંચીઓ લઈ દુકાને જતા હતા. કેટલાક દુકાન ઉઘાડતા હતા, અને કેટલાક તો દુકાન ઉઘાડી વાળીઝાડી, ધોઈ, તેની પૂજા કરી, માલ ગોઠવી દુકાન આગળનો રસ્તો સાફ કરતા હતા. કેટલાક લોકો પાઘડી પહેરી અંગવસ્ત્ર ઓઢી હાથમાં લોટા લઈ શેર બહાર જતા હતા. શહેરની સ્ત્રીઓ પાણી ભરીને માથા ઉપર બેડાં ઉપર બેડાં ચઢાવી ઘણી રમણિક ચાલથી, પોતાનાં ધણી, સાસુ, નણંદ વગેરેની વાતો કરતી અને વખતે કોઈ એકલો પુરુષ જતો હોય તેની મશ્કરી કરતી ચાલી આવતી હતી. સહસ્ત્રલિંગ તળાવ ઉપર બ્રાહ્મણો પોતે નાહ્યા વગર બેસી બીજાઓને નાહવાના પુણ્યનો બોધ કરતા હતા અને લૂગડાં સાચવવાને સારુ પૈસા લેતા હતા. તળાવમાં આસ્થાથી ઘણા લોકો નાહીધોઈને સ્વચ્છ લૂગડાં પહેરી ચાંલ્લા કરાવી દેવદર્શને જતા હતા. રાતના રાજા ઘુવડ તથા વાનવાગળાં સવાર થવાથી કાગડા વગેરે બીજા પક્ષીની ધાકથી ઝાડોમાં સંતાઈ જવાને ઊી જતાં હતાં. ચકોપક્ષી તેના સ્વામી ચંદ્રને અસ્ત પાવાથી કોઈ ગુપ્ત જગાએ ભરાઈ બેઠું હતું. ચોર લોકો પોતાની આશા સફળ કરી અથવા તે નિષ્ફળ થવાથી નિસાસો મૂકતા ઉતાવળથી પોતપોતાને ઘેર જતા હતા. લંપટ સ્ત્રીપુરુષો મહાપાપી તથા અઘોરી કામથી પરવારી ફીકે તથા નિસ્તેજ મોંએ જાણે પોતાના દુરાચરણથી શરમાતાં હોય તેમ ચોરની પેઠે સંતાતાં પોતાના ઘર તરફ પાછાં ફરતાં હતાં. મુસાફરો ચાલતા, ઘોડે અથવા ગાડીમાં બેસીને ખુશીમાં અથવા ચિંતાતુર જતા હતા. કેટલાક ધનુર્વિદ્યા શીખવાને અથવા તેમાં અભ્યાસ વધારવાને નિશાન મારતા હતા. રાજપૂત લોકો શહેર બહાર અથવા કોઈ ખુલ્લા મેદાનમાં ઘોડાને ફેરવવા લઈ જતા હતા. એ પ્રમાણે તે વખતે શહેરનો દેખાવોથઈ રહ્યો હતો.

એ સવારેમાધવના ઘરમાં બારીએ માંચી ઉપર એક સ્ત્રી નીચું મોં ઘાલી ચિંતાતુર થઈ ઘણા વિચારમાં બેઠેલી હતી. તેનું લૂગડું જથરપથર તથા ચોટલો વીખરાયલો હતો; તેણે શરીર આછુંઆછું ઘરેણું ઘાલેલું હતું. તેથી તેની નાજુક તથા ખૂબસૂરત કાંતિની શોભા ઘટવાને બદલે તેમાં જુદી જ તરેહનો મોહ દેખાતો હતો. તેનાં અવયવો એવાં નાજુક હતાં કે દાતણવાળો રૂપાનો કળશિયો હાથે ઊંચકી પોતાની પાસે મૂક્યો તે વખતે તેનો નાજુક હાથ એટલા ભારથી પણ મરડાઈ જશે, એવી તેના શત્રુઓને પણ ફિકર લાગે. તે અઢાર વર્ષની ભરજુવાનીથી પ્રફુલ્લિત થયેલી હતી, અને તેનું નામ રૂપસુંદરી તેના રૂપને યોગ્ય જ હતું. પણ તે માધવની સ્ત્રી આ વખતે ચિંતાપુર થઈ શા માટે બેઠી હતી ? આજે સવારે વહેલી ઊઠી ત્યારે તેનો ધણી કાંઈ કામસર ગામ જવાનો હતો તેથી નીચે ઊતરેલો હતો, માટે ધારા પ્રમાણે તેનાથી તેનું મોં જોવાયું નહીં, પણ તેને બદલે સાવરણી ખૂણામાં પડેલી હતી તે જોઈ; ઓરડામાંથી બહાર નીકળી એટલામાં એક બિલાડી આડી ઊતરી; બારી તરફ નજર ગઈ ત્યારે રસ્તામાં એક રાંડેલી બૈરી જતી જોઈ. એ પ્રમાણે સવારના પહોરમાં તેને નઠારા શકુન થયા. તેનો ધણી ગામ જવાનો તથા ત્યાં આખો દહાડો રહેવાનો તેથી તેનું શું થશે એ વિષે તેને ભારે ફિકર થઈ, અને તે ગામ તે દહાડે ન જવાોને તેણે તેને ઘણો સમજાવ્યો. પણ કામ અગત્યનું, રાજાનો હુકમ થયેલો, અને પોતે નાગર એટલે વહેમ પણ થોડો તેથી વહુની વાત ન ગણકારતાંતે ગામ ગયો. તેના ગયા પછી તે મનમાં વિચાર કરવા બેઠી કે શકુનથી કાંઈ થતું નથી એ તો હું જાણું છું. પરમેશ્વરની ઈચ્છા વિના એક સળી પણ હાલતી નથી, તોપણ તેના મનમાં આવતું ભૂંડો ભૂંડાનો ભાવ ભજવ્યા વિના રહે જ નહીં, માટ શૂળીનું વિધ્ન કાંટે જાય તો જગદંબાની મોટી કૃપા સમજવી.

એ પ્રમાણે વિચાર કરી રૂપસુંદરી નીચે ઊતરી સ્નાન કરી પવિત્ર વસ્ત્રો પહેરી પાટલે બેઠી. એટલામાં તેની નજર જોશી મહારાજ ત્યાં આવેલા હતા તે ઉપર પડી જોશીને જોતાં જ તેને સવારના માઠા શકુન યાદ આવ્યા તેથી તેણે સઘળી વાત તેની આગળ કહી. જોશીએ જરા સૂર્ય તરફ નજર કરી આસપાસ જોઈ તોળા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ગણવા માંડ્યું, અને જરા વિચાર કરી જવાબ દીધો : ‘‘શકુન નડે એવું કાળયોગ ઉપરથી જણાતું તો નથી તોપણ શાસ્ત્ર પ્રમાણે તે વખતે તમારા અંગ ઉપર જે જે વસ્ત્રાભૂષણ હોય તે સઘળાં બ્રાહ્મણને દાન કરવાં જોઈએ. તમારી જન્મોત્રીની કુંડળી પણ મને મોઢે સછે તે ઉપર ધ્યાન પહોંચાડતાં પણ કાંઈ વિપરીત થાય એવો સંભવ નથી; તમને માત્ર રાહુ પીડિત છે તેને માટે આજ તેનું દાન કરો તો સારું. દાન ઘણું નથી, એક મહોર બસ છે. ‘‘રૂપસુંદરીએ તે જ ક્ષણે સવારે પહરેલાં તમામ લૂગડાં, ઘરેણાં તથા તે ઉપર એક સોનાની મહોર મૂકીને પગે પડીને જોશી મહારાજને આપ્યાં. તેમને વિદાય કીધા પછી થોડુંઘણું દેવપૂજન કરી તૈયારી કીધી. પણ એટલામાં ઘરના આગલા ચોગાનમાં શોરબકોર થતો સાંભળ્યો. ચાકરને તરત તેણે તજવીજ કરવાને મોકલ્યો, તેણે આવી જાહેર કીધું કે રાજાના હજારો સિપાઈઓએ આવી આપણો મહેલ ઘેરી લીધો છે, અને તેઓ આપણા ચોકીદારોને કાપી નાખે છે.

એ ખબર સાંભળતાં જ રૂપસુંદરી મૂર્છાગત થઈ ભોંય ઉપર પડી. કેટલાક નામરદ ચાકરો નાસી જઈ ઘરમાં ખૂણેખાંચરે ભરાઈ બેઠા, પણ કેટલાક સૂરા ઈમાનદાર નોકરોને એ વાત સાંભળી શૂર ચઢ્યું, અને પોતપોતાની ઢાલ, તલવાર વગેરે જે હથિયાર હાથ આવ્યાં તે લઈ લડવા તૈયાર થઈ ઊભા રહ્યા. રૂપસુંદરીની આગળ ઢાલ લઈને તેનો દિયર એટલે માધવનો ભાઈ કેશવ ઊભો રહ્યો. તેની ઉંમર આશરે પચીસ વર્ષની હતી, અને પોતાના મોટા ભાઈએ રળીને તેને ઘણી મુદત સુધી ખવડાવ્યું હતું તેથી નાનપણથી તેને રળવાની ફિકર ન હતી. તેણે તેની સોળ વર્ષથી બાવીશ વર્ષ સુધીની ઉંમર અંગકસરત, દાવપેચ, કુસ્તી તલવારના પટા ઈત્યાદિ સિપાઈને ઉપયોગી થઈ પડે એવાં કામોમાં કાઢી હતી, તેથી જુવાનીના સ્વાભાવિક બળ સાથે તેનાાં કસરથી મેળવેલું વિશેષ બળ હતું. તેનું અંગ મજબૂત તથા સીનાદાર હતું. તેની આંખ જુસ્સાથી રાતી જ રહેતી; અને તેને વેચાતી લડાઈ લેવાની એવી તો ટેવ પડી ગઈ હતી કે માધવે તેને સારા ઊંચા હોદ્દા ઉપર નીમલો હતો તોપણ જેમ બને તેમ તેને બીજા લોકો સાથે થોડો જ પ્રસંગ પડવા દેતો. તે તેના ભાઈના જેવો ખૂબસૂરત તથા ગોરા વર્ણનો નહતો; તોપણ લોહીની સ્વચ્છતાથી તેના રૂપ ઉપર જુદા જ પ્રકારનું તેજ દેખાતું હતું. તે બહાર આવો વાઘ હતો તોપણ ઘરમાં બકરી જેવો હતો, અને તેની છાતી બહારથી વજ્ર જેવી સખત હતી, તોપણ તેનું હૈયું ઘણું નરમ હતું. પોતાના ચાકર પાસે પોતાની વહાલી તલવાર મંગાવી એક હાથમાં તે પકડી બીજા હાથમાં ઢાલ રાખી ઊભો રહ્યો, અને હજારો માણસ તેના ઉપર એકદમ તૂટી પડે તોપણ મરાય તેટલા મારી આખરે મરવું એવો દૃઢ નિશ્ચય કરી, તોફાની સમુદ્રની વચ્ચોવચ પથ્થરના ખડકની પેઠે રૂપસુંદરીનું રક્ષણ કરવાને ઊભો રહ્યો. બહારના ચોગાનમાં ગડબડાટ વધી; ઊછળતી તલવારનો ખડખડાટ કેશવને કાને પડ્યો; તેનું ચાલે તો ઊડીને ત્યાં જઈ શત્રુના કટકે કટકા કરી નાંખે; પણ સ્ત્રીનું રક્ષણ કરવું તેથી તેનાથી ત્યાંથી ચસાય નહીં. એટલામાં એક મોટી ચીસની સાથે સો માણસ ઘરમાં પેઠા, અને બારણા આગળ ઊભેલા માધવના ચાકરોને હઠાવીને તથા કાપી નાંખીને આગળ વધ્યા. કેશવ તેમને આદરમાન આપવાને તૈયાર જ હતો. તેણે એક ઘાથી આગલા સિપાઈના બે કટકા કીધા અને બીજે ઘાએ બીજાનું માથું તેના ધડથી જુદું પાડ્યું. સિપાઈઓ જરા આંચકો ખાઈ ઊભા, અને પોતાના નાયક સામું જોયું. નાયકે કેશવને કહ્યું : ‘‘સાંભળો ભાઈ ! કંઈ અહીં મારામારી કરવા આવ્યા નથી. રાજાની ઈચ્છા રૂપસુંદરીને લેવાની છે, તે જો તમે સલાહસંપથી આપશો તો અમે મૂંગા સૂંગા અમારું કામ કરીને ચાલ્યા જઈશું, નહીં તો અમારે બ્રહ્મહત્યા નકામી કરવી પડશે. માટે વિચાર કરીને કામ કરજો.’’ કેશવ ક્રોધથી રાતો હિંગળોક વર્ણથઈ ગયો. તે બોલ્યો : ‘‘જો તારા કૃતધ્ની, અધમ, વિષયી રાજાને રૂપસુંદરી જોઈતી હોય, અને તમને લેવા મોકલ્યા હોય, તો મને મારીને લઈ જાઓ. નાગરબચ્ચો કદી પોતાનો જીવ બચાવવા સારુ પોતાના કુળ, ધર્મ તથા ન્યાતને કલંક લાગવા નહીં દે.’’ તે સાંભળી નાયકે ઈશારત કીધી, એટલે એકલા કેશવ ઉપર તલવારના ઘાનો વરસાદ વરસ્યો; પણ અક તસુ ખસ્યા સિવાય તે મરણતોલ ઘાયલ થયો તયાં સુધી તેની તલવારે પાંચ અથવા સાત માણસનાં રૂધિર પીધાં. પણ ઘણા આગળ એકનો શો હિસાબ ? તેનું શરીર ઘાએ વીંધાઈ ગયું; આખું અંગ લોહીથી કચરાબોળ થઈ ગયું, અને અંતે એક કારી ઘા વાગ્યાથી, તથા લોહી વહેવાને લીધે અશક્ત થઈ જવાથી તે પડ્યો, અને એક ભયંકર ચીસની સાથે તેનો આત્મા આ દુષ્ટ તથા પ્રપંચી દુનિયાનો ત્યાગ કરી તેની અસલ ભૂમિમાં મહાન ન્યાયાધીશના તખ્ત આગળ જઈ ઊભો રહ્યો.

કેશવની મરતી વખતની ચીસ સાંભળતાં જ રૂપસુંદરીને ભાન આવ્યું, તથા આસપાસનો બનાવ જોઈ બોલી ઊઠી : ‘‘શિવ, શિવ, રે ભગવાન, આ તે શો દૈવકોપ !’’ તે વધારે બોલે છે એટલામાં રાજાના સિપાઈઓએ તેને પકડી લીધી અને ઘર બહાર લઈ ગયા. બેભાન અવસ્થામાં રૂપસુંદરીને સુખાસનમાં બેસાડી રાજમહેલમાં લાવ્યા, અને સિપાઈએ પોતપોતાને કામે વળગ્યા.

રાજ્યપીઠિકાની ચંદ્રશાળામાં એક પલંગ ઉપર રૂપસુંદરી સૂતેલી હતી અને તેની પાસે કરણ રાજા બેઠેલો હતો. રૂપસુંદીના કેશ છૂટા તથા વીખરાઈ ગયેલા હતા, તેની આંખ બેબાકળી થઈ ગયેલી હતી, અને અગર જો તેને શુદ્ધિ તો આવેલી હતી પણ આ અકસ્માત અને વગર ધારેલા બનાવથી તેનું મગજ ગૂંચવાઈ ગયેલું હતું. રાજા તેની આસનાવાસના કરતો હતો, અને તેના મનનું સમાધાન કરવાને, તથા હવે જે થયું તે થયું અને જેવો વખત તેવું ચાલવું એ વાત તેના દિલમાં ઉતારવાને તે ઘણા પ્રયત્ન કરતો હતો.

રાજા : ‘‘અરે રૂપસુંદરી, અરે મારી વહાલી, મારી આંખની કીકી, મારા હૈયાના હાર, તું કેમ બોલતી નથી ? તારા મધુર શબ્દથી મારા જીવને સંતોષ પમાડ. જેમ રણમાં ઊગેલો, સૂર્યના સખત તાપથી કરમાઈ જતો છોડવો વરસાદનાં ટીપાંની આતુરતા રાખે છે, તેમ હું શબ્દ સાંભળવાને તરસું છું. કાંઈ તો તું અપશબ્દ કહેશે, તું મારું નઠારું બોલશે, મને ગાળો દેશે, તોપણ તે તારાં અમૃતવચન મારા અંતઃકરણના ઘા ઉપર મલમ જેવાં લાગશે. મેં તારા ઉપર બળાત્કાર તો વાપર્યો. તારા પણિયત ધણીથી વિયોગ પાડ્યો તો ખરો. તારા દિયરે વગર ઉપયોગનો અટકાવ કીધો તેથી તે બિચારાનો પ્રાણ પણ ગયો, તે સઘળાંને માટે હું ખરેખરો શોક કરું છું. વળી તારા નાજુક શરીરને અહીં લાવતાં દુઃખ પણ થયું હશે, એ બધું તો ખરું છે. પણ તારું હિત કરવું એ જ મારી મતલબ છે તે ઉપર તો તું નજર રાખ ! મારો વિચાર તારી સાથે લગ્ન કરવાનો છે; પછી તને હું પટરાણી કરી રાખીશ. લૂગડા, ઘરેણાંની તો તારે કોઈ કસર જ રહેશે નહીં. લક્ષ્મી તો તારી દાસી થઈને રહેશે. તને એટલું તો સુખ આપીશ કે તે તારા સ્વપ્નમાં પણ નહીં આવતું હોય. તારો ધણી હમણાં તો પ્રધાન છે, અને હમણાં તો તને સઘળી વાતે સુખ હશે તોપણ કાલનો શો ભરોસો ? કોઈ આફત આવી પડી, દરિદ્રતા તારા ઘરમાં અવી, તો તે ખમવાને તારું શરીર લાયક છે ? તને પરમેશ્વરે વિપત્તિ ભોગવવા પેદા કીધી જ નથી. તું તો રાજમહેલ શણગારવાને જ જન્મી છે, અને આટલી વાર સુધી તારા નસીબ પર પાંદડું ઢંકાયું હતું તે હવે ઊઘડીગયું છે, અને તને જે અર્થે સર્જેલી છે તે અર્થ હવે પાર પડ્યો છે. એ સઘળા ઉપર વિચાર કરી મિથ્યા શોક મૂકી દે. જે થયું તે શ્રીભગવાનની ઈચ્છા વિના થયુંનથી, માટે જો તે ઉપર અસંતોષ બતાવશે તો તેની ઈચ્છાની તું સામે થઈ એમ કહેવાશે. તારું કાંઈ ચાલવાનું તો નથી એટલું જ નહીં, પણ તેમ કરવાથી ઊલટી તું મોટા પાપમાં પડીશ.’’

રાજાની એ સઘળી વાતથી રૂપસુંદરીન મનનું સમાધાન લેશમાત્ર પણ થયું નહીં. તેના હૈયામાં શોકનો ઊભરો ચઢી આવ્યો. તેના મનમાં વિચારના તરંગ ઉપર તરંગ ઊઠવા લાગ્યા : ‘‘અરે મારા ધણી, તેં મને લાડ લડાવવામાં કાંઈ બાકી રાખ્યું નથી. તને પ્રધાનવટું મળ્યું ન હતું, તું જ્યારે ગરીબ અવસ્થામાં હતો, ત્યારે પણ તેં દુઃખ ભોગવીને મને સુખ આપયું. પાણી માગેલું ત્યારે દૂધ આપેલું, અને કોઈ દહાડો મેં અપરાધ કીધા છતાં પણ તેં મને કડવો બોલ કહ્યો નથી. અરે ! તે સુખ તો હવે વહી ગયું ! હવે હું તારું મોં ફરીથી ક્યા જોઈશ ? તને પાનસોપારી હવે ક્યારે આપીશ ! તું જ્યારે ફિકરચિતામાં ઘેર આવશે ત્યો મોં હસતું રાખી તારી દિલગીરી કોણ કાઢી નાખશે ? અરે હું દુષ્ટ ચંડાળણી, તારો પાડ તે હું ક્યારે વાળીસશ ? તારું કીધેલું કોઈથી થવાનું નથી. મને અત્યાર સુધી કાંઈ છોકરાં ન થયાં તોપણ મારા જીવને ક્લેશ થાય માટે તેં જરા પણ તે વિષે શોક બતાવ્યો નથી. હાય હાય રે ! તે દહાડા તો ગયા, પણ હું જીવીશ ત્યાં સુધી તને ભૂલવાની નથી. અરે મહાદેવ, ઓ જગત્‌પિતા, મને પાપીને તું ગમે તે કર, પણ મારા પરમપ્રિય સ્વામીને તું સદા આરોગ્ય, સુખી ને ધનવંત રાખજે. મારી ખરા દિલની એ પ્રાર્થના છે તે તું સાંભળજે. અરે મારા દિયરજી, તારે સારું તો હું આંસુએ સાગર ભરું તોપણ થોડું છે. તેં મારી આમન્યા કોઈ દિવસ લોપી ન હતી, તેં મને મા સમાન ગણી હતી, અને મેં તને મારી આંખે મારું રક્ષણ કરવામાં ભોંય ઉપર લોહીમાં આળોટતો જોયો. તેં તારું જોર, જુવાની, તારી આશા, સ્ત્રી, તારી આવરદા મને આવી ભયંકર રીતે અર્પણ કીધાં; તું મારી ખાતર ભરજુવાનીમાં મૂઓ. એ સઘળાનો બદલો હું તે ક્યારે વાળીશ ? એ મારી દેરાણી, તારું હમણાં કેવું મોં થયું હશે તે મારા મનમાં આવે છે ત્યારે મારી છાતી ફાટી જાય છે. હાય ! હાય ! તારી શી ગતિ થશે ? તારી ઉંમર કેટલી ? તારી ઉંમર કેટલી ? હજી તો હમણાં સોળ વર્ષ પૂરાં થયાં એટલામાં મૂવા દૈવે તને રંડાપો મોકલ્યો. હવે તે દહાડા તે કેમ જશે ? તું મને લાખો ગાળો દેશે તેથી મારા જીવને નિરાંત વળશે. અરે રામ ! તારા દુઃખનો કાંઈકાંઠો નથી. તારી હવે કોણ પરવરીશ કરશે ? તારા પિયરમાં પણ સુખ નથી; તારી ભાભી તને ટપલાં મારી સૂકો રોટલો ખવડાવશે; એ બધું મારે લીધે. તું જીવતી મૂઈ, અને તારા મોતની હતયા મારે માથે બેઠી. અરે પરમેશ્વર, તેં મને બળ્યું રૂપ શા સારુ આપ્યું ? એ મૂઆ રૂપથી આ સઘળી ખરાબી થઈ છે. એ સઘળાં પાપથી હું ક્યારે છૂટીશ ? જીવતાં સુધી મારા મનમાં પસ્તાવાનો તાપ બળ્યા જ કરશે તેથી, કદાપિ રાજા કહે છે તે પ્રમાણે મને ગમે તેટલું સુખ થશે તોપણ નહીં હોલવાય એવા અગ્નિથી હું બળી બળીને મરી જઈશ. ઓ ભગવાન ! તે દહાડો જલદી આવે તો સારું. વળી પરમેશ્વરે બ્રાહ્મણમાં અને સૌથી ઊંચી નાગરી ન્યાતમાં મને જન્મ આપ્યો તે સઘળું મિથ્યા. મારા એક ભવમાં બે ભવ થયા. કોણ જાણે ક્યા જનનાં પાપ નડ્યાં, ન્યાત, જાત, સગાં, વહાલાં, માબાપ, ભાઈ, ભોજાઈ, બહેન વગેરે ઘળાં કુટુંબનાં માણસોને મન તો હું આજ મરી ગઈ. અરે ! તમે મારું આજ સ્નાન કરજો. હું તેઓને કોઈ વખત મળીશ તો ખરી, પણ હવે કાંઈ પહેલાં જેવો વહેવાર રહેવાનો છે ? શું હવે એકઠાં મળીને ખવાવાનું છે ? આખા નગરમાં સૌ મારો ફિટકાર કરશે. રાજાના મહેલમાં સૌ મને શત્રુભાવે જોશે. બીજી રાણીઓ મારી અદેખાઈ કરશે. અને રાજાનો ભરોસો શો ? તે હમણાં તો મારું રૂપ જોઈને મોહ્યો છે પણ રૂપ તો અનિશ્ચિત. રોગથી અથવા વૃદ્ધાવસ્થાથી એ સઘળું રૂપ જતું રહેશે, ત્યારે બીજી રૂપાળી સ્ત્રી ઉપર રજાનું મન દોડશે, અને હું એક ઓરડામાં પાપણીની પેઠે સડ્યા કરીશ. ગુણને લીધે જે પ્રીતિ ઉત્પન્ન થાય ત જ ખરી. રૂપ તો ક્ષણભંગુર; રૂપ ઉપરનો મોહ ખોટો સમજવો. પણ લાચાર, હવે બીજો શો ઉપાય ? જે બન્યું તે બન્યું. દૈવની ગતિ આગળ કોઈ ડાહ્યું છે ? મારા નસીબમાં આ દુઃખ લખેલું હશે તે કોટિ ઉપાયે પણ મિથ્યા થનાર નથી. વિધાતાએ લલાટમાં જે લેખ લખ્યા હશે તે કદાપિ ફરવાના નથી; માટે હવે તો જે માથે આવી પડે મૂંગે મોંએ સહન કરવું.’’

એ પ્રમાણે રૂપસુંદરી રાજાના મહેલમાં વિચાર કરે છે, તે વખતે આખા શહેરમાં તેમજ માધવના ઘરમાં જુદો જ દેખાવ થઈ રહ્યો હતો. રૂપસુંદરીનું હરણ તથા કેશવનું મરણ થયું, એ ખબર આખા શહેરમાં ચાલ્યાથી સઘળે હાહાકાર થઈ રહ્યો. ઘેરઘેર, દુકાનેદુકાને, ચકલેચકલે તથા મોહલ્લેમોહલ્લે એની એ જ વાત ચાલવા માંડી. માધવ ઉપર આવી ભારે આફત આવી પડી તેથી તે બિચારા ઉપર સઘળાં દયા લાવતાં હતાં. માણસો વાત કરતા હતા કે હવે રાજા કોને પ્રધાન કરશે, અને તે વિષે અનેક અટકળ કરતા હતા. કેશવને તો બિચારાને કોઈએ ગણ્યો જ નહીં. પણ રાજાની આ દુષ્ટ રીતથી સઘળાના મનમાં ત્રાસ પેસી ગયો. આજ તેને ઘેર ને કાલે આપણે ઘેર મોંકાણ મંડાય એવી સઘળાના મનમાં ફિકર ભરાઈ. વળી રાજધાનીના શહેરમાં બ્રહ્મહત્યા થઈ તેથી રાજ્ય ઉપર ઈશ્વર તરફથી શો કોપ થશે એ વિષે સૌ ફિકર કરવા લાગ્યા. સઘળા ભારે ઉદાસીમાં પડેલા હતા. બાયડીઓ સઘળી રૂપસુંદરીની વાતો કરતી હતી. કેટલીક કહેતી કે પકડાઈ તે વખતે તેણે પોતાનો પ્રાણ કાઢવો હતો; બ્રાહ્મણ ટળી રજપૂત થવું પડશે તે કરતાં મોત હજારગણું સારું. કેટલીક કહેતી હતી કે એ બિચારી શું કરે ? જીવ તે હાથે કેમ કઢાય ? પરમેશ્વરે એને રૂપ આપ્યું તેમાં એનો શો વાંક ? રજપૂત તો રજપૂત પણ જીવ કાંઈ કઢાય નહીં. કેટલીક બોલતી કે રાજા તે રૈયતનો માબાપ, અને જ્યારે તે પોતાનાં છોકરાં ઉપર આવી દૃષ્ટ નજર કરે, અને જોરજુલમથી બાયડીઓને પકડી લઈ જાય ત્યારે રાજ્યમાં રહેવાય પણ કેમ ? આજે એને અને કાલે બીજા કોઈને. પરમેશ્વર એ રાજાનો અપરાધ સાંખવાનો નથી. જોજો, થોડા દહાડા પછી એના ઉપર ભારે દુઃખ આવી પડશે. એની રાણીને કોઈ લઈ જશે, અને રાજાને પાપે આખી રૈયત દુઃખી દુઃખી થશે. ભગવાને જે ધાર્યું હશે તે ખરું. કેટલીક ખૂબસૂરત પણ વિષયી બાયડીઓ તો મનમાં મગ્ન થતી દેખાઈ. આજ એનો વારો તો કાલે આપણો પણ આવે, એમ વિચાર કરવા લાગી અને પોતાનું રૂપ રાજાની દૃષ્ટિએ પડે તેના ઉપાયો શોધવા લાગી. રૂપસુંદરી એવી શું રૂપવંતી છે કે રાજા તેને જોઈને મોહી ગયો; શહેરમાં તેના કરતાં ઘણાંયે વધારે દેખાવડાં છે. આપણે તેનાથીઊતરતાં નથી. વળી તે વાંઝણીને રાખીને રાજા શું કરવાનો છે ? તેનાથીકાંઈ રાજગાદીનો વારસ આવવાનો છે ? વારુ, હજી વખત ઘણો છે. ધીરજ રાખવી અને યોગ્ય વખત ચૂકવો નહીં. એ પ્રમાણે આખા નગરમાં ચર્ચા ચાલી રહી હતી.

માધવનો મહેલ સૂનોસૂનો નિસ્તેજ અને ઉદાસ દેખાતો હતો. મોહલ્લામાં કૂતરાં કઠોર સાદે રડતાં હતાં. બાયડીઓ અને ભાયડાઓ ટોળે મળી ઓટલે બેઠેલાં હતાં, અને પ્રધાનના ઘરને બારણે નગર ગૃહસ્થો ડાઘુને વેશે કોઈ રડતા હતા, તથા કોઈ ભારે દિલગીરીમાં બેઠા હતા. તેના જૂના મિત્ર, તેના સગા કહેવડાવનારા, તેની ઓળખાણમાં આબરૂ માનનારા, તેને બારણે રોજ જોડા ફાડનારા, તેને બાપજી બાપજી કહેનારા, એ સઘળામાંથી કોઈ ત્યાં ન હતું. જેમ પાણી સુકાયા પછી માછલાં નાસી જાય છે, જુવાર કપાયા પછી દૈયા બીજે ઠેકાણે ઊડી જાય છે, જેમ ગળપણ ખસેડ્યા પછી તેના ઉપર બબણતી માખીઓ જતી રહે છે, તેમ તે લીલા વનના સૂડા, ઊગતા સૂરજને પૂજનારા, આવતાની બોલબાલા તથા જતાનું મોં કાળું કહેનારા, આ વખતે માધવને ઘેર ફરક્યા જ નહીં.

માધવે થોડી મુદત સુધી જ પ્રધાનપણું કીધું હતું, પણ તેટલા વખતમાં તેણે સારાં કામો કીધેલાં હતાં તેથી જ લોકો તેના ઘરને વાસ્તે શોક કરતા હતા. તેનાં સગાં તથા કેશવનાં સાસરિયાં સઘળાં ત્યાં આવ્યાં હતાં. તેઓએ વિલાપ કરી હવેલી ગજાવી મૂકી હતી. વખતે વખતે તેઓ એકઠાં મળીને કૂટતાં હતાં, તે વખતે તેઓ એટલા જોરથી છાતી ઉપર હાથ અફાળતાં હતાં કે છાતીનો રંગ લોહીવર્ણ થઈ જતો હતો. કેટલાકને તો તે જગાએથી લોહીની સેર ચાલતી હતી, અને જો કૂટવાનું કામ વધારે જારી રહેશે તો રોવા આવેલાંમાંથ બીજુું કોઈ મરનારની પાછળ જશે એમ લાગતું હતું. ઘર આગળના ચોગાનમાં ચોકીદાર સિપાઈઓનાં મુડદાં કપાઈ ગયેલાં પડ્યાં હતાં તેને ઠીક ગોઠવી બાળવા લઈ જવાની તૈયારીમાં સૌસૌની ન્યાતના લોકો કામે વળગ્યા હતા. મરનાર સિપાઈઓની સંખ્યા આશરે પચાસની હતી. તે સઘળાની ન્યાતજાતના લોકોની તથા બાકી રહેલા જીવતા ચાકરોની રડારડથી ત્યાં ભારે ગડબડ થઈ રહી હતી. તેની સાથે બાયડીઓ ત્યાં અશરે હજારેક એકઠી મળી તરેહતરેહના અવાજ કાઢી વિલાપ કરતી હતી; તથા જીવથી બચેલા નોકરી ‘‘જીવતા શા સારુ રહ્યા,’’ અને ‘‘ધણીની પાછળ પ્રાણ શા સારુ અમારો ન ગયો,’’ એવા શબ્દો કાઢી મોટેથી બૂમ પાડી રોતા હતા. ઘરમાં ગયા કે પરસાળમાં એક ભયાનક દેખાવ નજરે પડતો હતો. એક ખૂણામાં કેશવની વહુની મા, બહેન, માસી, ઈત્યાદિ બીજાં સગાં બેઠેલાં હતાં, અને બીજે છેડે કેશવનું શબ પડેલું હતું. ગાયના પવિત્ર છાણથી સ્વચ્છ કધેલી ભોંય ઉપર દર્ભ પાથરીને શબને સુવાડેલું હતું, અને તેના માથા આગળ નીચું માથું ઘાલી તેની ધણિયાણી બેઠેલી હતી.

એ સ્ત્રી તેની ઉંમરના પ્રમાણમાં વધારે લાંબી હતી; તેનો રંગ ઘઉંવર્ણો હતો; અન અગર જો તે કાંઈ દેખાવડી ગણાતી ન હતી તોપણ આ પ્રસંગે તેના લોહીમાં જુસ્સો આવવાથી તેના તમામ શરીરનો રંગ રતાશ મારતો હતો. તેના ઉપર એક પ્રકારનું તેજ પથરાયેલું હતું. તેની આંખો તો વિકરાળ તથા હિંગળોકવર્ણ થઈ ગઈ હતી કે તેને જોઈને કોઈપણ પુરુ થથરી જાય, અને તે કોઈ ઈશ્વરી માતા છે એવું તેના મનમાં આવી તેને પગે પડવાની તેની મરજી થઈ આવે. તેનો એવો ઉગ્ર ચહેરો જોઈને તેની માની પણ તની પાસે જવાની હિંમત ચાલતી ન હતી. તે એટલી પોતાના સ્વામીને એકાગ્ર ચિત્તે જોઈને બેસી રહેલી હતી, અને તેની આસપાસ જે રડાપીટ તથા શોરબકોર થતો હતો તે ઉપર તેનું જરા પણ લક્ષ જતું ન હતું. ઘણા લોકોના મનમાં હતું કે તેને જલદીથી સત ચઢશે; પણ હજી તેમ થવાનાં ચીહ્ન નજર પડતાં ન હતાં. તેની મા ઘેલી જેવી થઈ ગઈ હતી, અને છોકરીને આ રંડાપો આવ્યો તેના અત્યંત દુઃખની સાથે તેને જોસ ચઢશે તો તે પણ બળી મળશે એવી ધાસ્તી પેદા થવાથી તેને વધારે સંતાપ થવા લાગ્યો હતો. અત્યાર સધી તેનો એવો અભિપ્રાય હતો કે છોકરી રંડાય તેના કરતાં મરે તે સારું. રંડાય તો મોં આગળ એક ધગધગતી સગડી થઈને પડે; તેને જોયાથી નિરંતર દુઃખનું સ્મરણ રહે; તેના જીવને ઘડી ઘડી ક્લેશ થયા કરે તેથી તેનાં મા બાપના હૈયાનો તાપ હોલવાય જ નહીં. એથી સઊલટું તે મરેતો ઘણું દુઃખ લાગે ખરું, પણ તે દુઃખનો અંત પણ તેજ વખતે; પછી દેખવુંયે નહીં અને દાઝવુંયે નહીં. પણ અવે તેને લાગ્યું કે મરવા કરતાં રંડાળને જીવતી રહે તે સારું. તે એવી અવસ્થામાં જીવે તેમાં ઉપર કહેલાં દુઃખ તો થાય, પણ છોકરી જીવતી રહી પોતાની આંખ આગળ રહે તેથી જીવને શાંતિ વળે. વળી તેને સલાહ પૂછવા, સાથે જવા-આવવા, તથા ઘરનું કામકાજ કરવામાં કામ આવે. બીજું તે ઘરડી અશક્ત થઈ ખાટલે પડે ત્યારે રાંડેલી છોકરી તેની ચાકરી કરવામાં તથા તેની સંભાળ રાખવામાં લાખ રૂપિયાની થઈ પડે. દુઃખનું ઓસડ દહાડા,રાંડેલાં બૈરાં ધણીનું દુઃખ પણ કેટલેક વર્ષે ભૂલી જાય ત્યારે રાંડેલી પણ જીવતી છોકરીથી તેનાં માબાપના અંતઃકરણમાં તો સંતોષ થાય. એ પ્રમાણે વિચાર ગુણસુંદરી (કેશવની વહુ જેનું નામ તેને યોગ્ય જ હતું, કેમ કે અગર જો તેનુ રૂપ તેની જેઠાણીના જેવું ન હતું તોપણ તેનામાં ગુણ રૂપસુંદરી કરતાં વધારે હતા, અને તેના કેટલાક ગુણો તો માણસોમાંથી પણ થોડામાં જ શોધ્યા જડે એવા હતા)ની માએ કર્યો. હવે જો છોકરી સતી થાયોતો સારું કેટલુ ? આખા શહેરમાં બલકે આખા ગુજરાતમાં તેનું નામ કીર્તિવંત થાય તેની આખી ન્યાતને તેથી શોભા મળે, તેના કુટુંબની પ્રતિષ્ઠા વધે, અને તેનાં મા બાપને સૌ કોઈ ધન્ય ધનય કહે. વળી શાસ્ત્ર પ્રમાણે તેનો તથા તેના ધણીનો ઉદ્વાર થાય અને બધા દેવલોક તેને જોઈને પ્રસન્ન થાય. એ સઘળા વિચારથી ગુણસુંદરીની માના મનમાં ધર્મનો જુસ્સો ભરાયો. અને તેની છોકરી જીવે ત કરતાં મરે તો સારું એવું તેના મનમાં નક્કી થયું. તોપણ પોતાની છોકરીનું મન જોવાને તેને પૂછ્યું : ‘‘બહેન, લોકોમાં વાત ચાલી રહી છે કે તું તારો દેહ તારા ધણીને અર્પણ કરનાર છે. એ વાત ખરી હોય તો મારી જાત ઉપર, મારી ઉંમર ઉપર, મારી અવસ્થા ઉપર વિચાર કરીને જે કામ કરવું હોય તે કરજે. તારા વિના મારાથી જિવાવાનું નથી. તારી પાછળ હું મારો દેહ પાડીશ, પછી તારા બાપની, તારાં નાનાંનાનાં ભાઈ બહેનની શી વલે થશે ? શું હું તને મરતાં જોઉં ? શું તું મેળે મરે, અને હું ડોશી તને વળાવી જીવું ? એમ કદી થનાર નથી. માટે તારા દુઃખના જોશમાં તેં જે કાંઈ ગાંડો વિચારકર્યો હોય તે મનમાંથી કાઢી નાંખ, અને પરમેશ્વરે જે આફત મોકલી તે સહીને દુઃખેપાપે દહાડા કાઢવા ઉપર નજર રાખ. જોો તારી આવરદા ટૂંકી જ હશે તો વધારે જીવવું નહીં પડે. પણ જાણી જોઈને તે કેમ મરાય ? માટે હવે જીવવું, અને જે થાય તે જોવું. તે સિવાય બીજો કાંઈ ઉપાય નથી.’’

આ વાત સાંભળતાં જ ગુણસુંદરીના મોં ઉપર વધારે લોહી ચઢી આવ્યું; તેની આંખ વધારે લોહીવર્ણ થઈ; તેનું આખું શરીર થરથર ધ્રુજવા લાગ્યું; અને જે મહાભારત દુઃખ તેના ઉપર પડ્યું હતું તેની અસર તેના અવાજ ઉપર થવાને બદલે તેના શબ્દ વધારે જુસ્સાથી તથા સ્પષ્ટતાથી નીકળવા લાગ્યા, અને તે કોઈ દહાડો વાચાળ ન હતી તેવી આ વખત થઈ. તે બોલી : ‘‘હવે જીવવું ? તેણે મારો હાથ પકડ્યો, જેની સાથે ઘણાં વર્ષ આ સંસારમાં સુખમાં અથવા દુઃખમાં કાઢવાની આશા બાંધી, જેણે મને મનગમતાં લાડ લડાવ્યાં, જેણે આટલાં વર્ષમાં એક કડવો સુખન કહ્યો નથી, જે બહાર વાઘ જેવા ગણાતા, પણ સાથે જેની વર્તણૂક ગરીબ ગાયના જેવી હતી, તે આટલી નાની ઉંમરમાં આવે અકાળ મોતે મારાથી રિસાઈ ગયા, અને હું દુષ્ટ પાછળ પડી જાઉં ? ના ના, તે જ્યાં જશે ત્યાં હું જઈશ. તેનું જે થશે તે મારું થશે. હવે જીવવું ? જીવીને મારા ધણીની અસદ્‌ગતિ કરાવવી, અને જે પૂર્વજન્મનાં પાપથી તેનું આવું મૃત્યુ થયું તે પાપ ધોઈ નાંખવાનું મારા અખત્યારમાં છતાં આ ક્ષણભંગુર જગતમાં થોડા દહાડા દુઃખેપાપે કાઢવા સારુ તેના અક્ષય સુખનો નશ કરું ? હવે જીવવું ? જીવને ઘરેણાંનો ત્યાગ કરી રૂદ્રાક્ષની માળા ધારણ કરવી, અને મારાં વહાલાં લૂગડાં બચકે બાંધી ધોળું વસ્ત્ર પહેરી ફરવું ! હવે જીવવું ? જીવીને સઘળા વ્યવહારથી દૂર રહેવું, અને સઘળાં શુભ કામમાં મારો ઓળો પડવા ન દેવો. હવે જીવવું ? જીવીને શું સુખ ભોગવવું ? જીવવાથી ફળ શું ? માટે એવી રીતે જીવવા કરતાં મરવું લાખગણું સારું. માટે સમરવું એજ સિદ્ધાંત; એમાં કંઈ સંશય નહીં. માટે મારા ધણીની સાથે મારી પણ તૈયારી કરવી.’’ એટલું બોલતાં બોલતાં તેને બેહદ જોસ ચઢી ગયો, અને તે ‘‘જય અંબે’’ બૂમ પાડી ઊઠી. એ બૂમ સાંભળતાં જ સઘળાં બૈરાં સતી માની પાસે આવી તેને પગે પડ્યાં, અને જે કોઈ રોતું હતું તેને ધમકાવવા લાગ્યાં.

તે વખતે બે પિંડ તૈયાર કરાવી ગોરે એક શબનોઅને બીજો પાંથક, એ પ્રમાણે એક શબની નીચે દર્ભ ઉપર અને બીજો આંગણે મુકાવ્યો.અને શબને સ્મશાન લઈ જવાની તૈયારી થઈ જોઈને બાયડીઓ ગુણસુંદરીને બીજા ઓરડામાં લઈ ગઈ. ત્યાં તેને સ્નાન કરાવ્યું. પછી તેણેપોતાને હાથે ઘણાં જ કીમતી વસ્ત્ર પહેર્યાં, અને ઘલાઈ શકાય એટલાં ઘરેણાં ઘાલ્યાં. બાકી જે પોતાનું રહ્યું તે સઘળું પોતાની બહેન, ભોજાઈ વગેરે સગાનેવહેંચી આપ્યું. તે સતી માતાનો પ્રસાદ તેઓએ ઘણા હર્ષની સાથે લીધો. પછી, પોતાને કપાળે પિયળ કાઢી, ચોટલો છૂટો તથા ભીનો રાખ્યો. અને એવે વેશે તે પછી પોતાના ધણીના શબ પાસે આવી. તેના દર્શન કરવાને મોહલલાનાં તથા શહેરનાં એટલાં લોક એકઠાંથયાં કે ત્યાં દેવમંદિરના જેવી ભીડ થઈ રહી, તે સઘળાં તેને પગે લાગતાં અને તેઓને તે આશીર્વાદ દેતી. કેટલીક વાર ચૂપ રહ્યા પછી તે બોલી, ‘‘સાંભળો લોકો, એક વાર મહાદેવના સસરાએ યજ્ઞ કીધો તેમાં તેણે પોતાના જમાઈને નોતરું દીધું નહીં, તેથી તે મહાદેવની સ્ત્રી સતીને ક્રોધ ચઢ્યો, અને તે તેના બાપનાઘરમાં અગ્નિકુંડમાં પડીને બળી મૂઈ. તે બીજે જન્મે પાર્વતી થઈ હિમાચળને ઘેર અવતરી, અને મહાદેવને પછી વરી. એ જ રીતે આજે હું મારા ધણીની ચિતામાં બળી મરી, બીજા જન્મમાં અવતરી તેને જ પરણીશ, અને જેટલું સુખ ભોગવવું બાકી રહ્યું છે તેટલું ત્યાં ભોગવી લઈશ.’’ તે સાંભળી લોકો ‘‘જય અંબે’’ બોલ્યા, તે વખતે સત મા એ પોતાના બે હાથ ઘસીને તેમાંથી મુઠ્ઠેમુઠ્ઠા હિંગળોક કાઢ્યો, અને તે વડે સઘળી સૌભાગ્યવંતી સ્ત્રીઓને ચાંલ્લા કીધા. ઘણીએક ઓળખીતી સ્ત્રીઓના માથા ઉપર અથવા વાંસે હાથ ફેરવ્યા; અને બીજીઓને લાંબા હાથ કરી આશીર્વાદ દીધો. કેટલીક સ્ત્રીઓ પોતાનાંં માંદા છોકરાંને ત્યાં સતી માતાનાં દર્શન કરાવવા લાવી હતી. તેના ઉપર સતીમાનો હાથ મુકાવવાને તેઓ ઘણી આતુર હતી. તે સઘળાંને રાજી રાખવાને બધાં માંદાં છોકરાંને આશીર્વાદ દીધો, એટલે જેઓ સુસ્ત થઈ પડી રહ્યાં હતાં તે હસવા તથા રડવા લાગ્યાં. લોકો આવેલાં કોઈ જાય નહં, અને નવાં આવ્યાં જ કરે તેથી શબ લઈ જવાને વખત ન મળે માટે બ્રાહ્મણોએ સઘળા લોકોને ઘર બહાર કાઢી મૂક્યા, અને શબને બહાર કાઢ્યું, એવે વખતે સાધારણ રીતે રડારડ તથા બૂમાબૂમ પડે છે તે કાંઈ તે વખતે ત્યાં થયું નહીં. જ્યાં સતી થવાની હોય ત્યાં રડવાનું કામ બંધ પડે છે. સતી હાથ ચોળતાં અને હાથમાંથી હિંગળોક વેરતાં વેરતાં બહાર આવી સુખાસનમાં બેઠાં. આગળ-પાછળ લોકોનું ટોળું અને વચમાં શબને ઊંચકનારા બ્રાહ્મણો તથા સતનું સુખાસન હતું. લોકો પાછળથી ‘‘જય અંબે’’ ‘‘જય અંબે’’ ‘‘અંબે માતકી જય’’ કરતા હતા, અને તેમાં સતી મા પણ સામેલ થતાં હતાં. આગળ રણશિંગડાં, શરણાઈ, તુરાઈ, ઢોલ, નોબત, ઘંટા, ઘડિયાળ, શંખ,થાળી, ઝાંઝ વગેરે વાજિંત્રનો એકત્ર થયેલા જેવો પણ બેસૂરો તથા ભયાનક નાદ થતો હતો. એવીરીતે તે સઘળાં શહેરના દરવાજા આગળ આવ્યાં, તે વખતે વાંઝિયાં બૈરાં પુત્રવંતાં થવા સારુ સતી માતાનો હાથ માથે મુકાવવા આવ્યાં, તેઓ સઘળાંને તેણે રાજી કરી પાછાં વાળ્યાં. જે બૈરીઓને સાસરે અથવા પિયર દુઃખ હતું. જેઓના ધણી તેઓના કહ્યાસર નહીં હતા, જેઓને રંડાપો વહેલો આવશે એમ લાગતું હતું, જેઓને છોકરાં આવતાં પણ જીવતાં નહીં, સઘળાંને સતી માએ આશીર્વાદ દીધો. પછી પુરુષોનાં ટોળેટોળાં પોતપોતાનાં ધારેલાં કામ પાર પડે એવા હેતુથી સતીને પગે પડી આશીર્વાદ માગવા લાગ્યાં. તેઓ સોઘળાં તૃપ્ત થયાં ત્યા પછી જે કોઈએ કોઈપણ વખત સતીના ઉપર દ્વેષ રાખ્યો હશે, જેઓએ ખુલ્લી રીતે તેને અપશબ્દ કહ્યા હશે, અથવા ગાળો દીધી હશે, તેઓએ પણ તેની પાસેથી ક્ષમા માગી, તે તેમને મળી. આગળ ચાલતાં શબને દરવાજા બહાર વિસામા ઉપર મૂક્યું, અને ત્યાં ધારા પ્રમાણે પિંડદાન કરવામાં આવ્યું. તે વખતે લોકોનાં ટોળાંમાંથી એક ચીંથરિયા રજપૂતે બહાર નીકળી હાથ જોડી સતીને વિનંતી કીધી ‘‘માતા ! પરાપૂર્વથી એવો સંપ્રદાય છે કે જ્યારે કોઈ સતી થાય છે ત્યારે તે શહેરના, અથવા ગામના દરવાજા ઉપર હીંગળોકના હાથ મારે છે, અને શહેર અથવા ગામના રાજા તથા રૈયત એ બંનેને આશીર્વાદ દે છે, તે પ્રમાણે માતાએ પણ આ વખત કરવું જોઈએ.’’ તે જ ક્ષણે સતીએ પોતાના બે હાથ ચોળી બળતા અંગારાએ ખોબો ભર્યો, અને તે શહેર ઉપર ફંકી બોલ્યાં, ‘‘જે રાજાએ વગર વાંકે પરસ્ત્રી, પોતાના મુખ્ય પ્રધાનની વહુ, બ્રાહ્મણી, અને તે પણ વળી નાગર જ્ઞાતિની, એવીનું હરણ કીધું, જે રાજાએ એવું કામ કરી તેના મુખ્યપ્રધાનને, તેનું ભલું ઈચ્છનારનુે, તેના રાજ્યનું સુખ વધારનારને તેના દરબારમાંથી હંમેશ સુધી કાઢી મૂક્યો, જે રાજાએ બળાત્કારે પરસ્ત્રી હરણ કરવામાં તેનો કારભારી જે ઊંચો બ્રાહ્મણ હતો તેના ભાઈની હત્યા કરાવી, અને જે રાજાએ બ્રહ્મહત્યાની સાથે સ્ત્રીહત્યા પણ કરાવી, અને અગર જો તે સ્ત્રીના મનને મરવું દુર્લભ છે અને કૈલાસલોકમાં જવા જેવું છે, તોપણ તેના અકાળ મૃત્યુથી તેનાં માબાપ, ભાઈ, બહેન, સગાંવહાલાં, ઈત્યાદિને જે પરમ દુઃખ થશે તેનું કારણ જે રજા છે, તે રાજા ગણ્યા દહાડામાં વનવન રઝળશે; તેની બૈરી પારકા લઈ જશે; તેની છોકરી દુઃખ પામી પામીને પરપુરુષના હાથમાં જઈ પડશે; તેનું મોત તે પોતે માગી લેશે; તે ક્યાં તથા ક્યારે મૂઓ તે કોઈ જાગશે નહીં; તેનું નામ કે નિશાની કાંઈ રહેશે નહીં; તેના મહેલમાં તેના શત્રુ આવી વરશે; અને રાજાના પાપથી રૈયત દુઃખી થાય એવો નિયમ છે તે પ્રમાણે આ અણહલપુર પાટણનો નાશ થશે; તેનું દ્રવ્ય લૂંટાઈ જશે, તેના વ્યાપચારીઓ જડમૂળથી ઊખડી જશે; અને કેટલાક કાળ પછી આ ઠેકાણે આવું મોટું શહેર હતું તેનું એક પણ ચિહ્ન રહેશે નહીં. જે જગદંબા ! મારો આ શાપ ફળજો. જો મારું આ વચન સિદ્ધ ન થાય, તો મને પાપી, દુષ્ટ, ઢોંગી અને મિથ્યા સતી સમજજો; માટે તેત્રીસ કરોડ દેવતાઓ ! મને સહાય થજો, અને મારું વાક્ય ફળીભૂત થજો.”

એ વચનસાંભળીને તથા તે બોલતી વખતે સતીમાનું દેવતાઈ તથા ઉગ્ર સ્વરૂપ જોઈને પેલો રજપૂત તો પગથી માથા સુધી થરથર ધ્રુજવા લાગ્યો અને તેના મનમાં એવા તો વિરૂદ્ધ વિકારો ઉત્પન્ન થયા કે તેના જોરથી તેને ચકરી આવી, અને જો પાસેના લોકોએ તેને પકડી લીધો નહીં હોત તો તે ભોંય ઉપર પડત. તેને એવી અવસ્થામાં જોઈને તે કોણ છે, અને તેને બીજા કરતાં આટલો વધારે શોકાતુર થવાનું શું કારણ છે તેની તજવીજ કરવાની બીજાઓને ઘણી ઈચ્છા થઈ; પણ તે ગડબડાટમાં તે ઊઠીને એવો તો છટકી ગયો કે ગમે તેટલું શોધ્યા છતાં પણ તે જ્ડ્યો નહીં અને તેથી લોકોનું આશ્ચર્ય વધ્યું, અને તે કોઈ પરલોકનો પુરુષ હશે એમ બધા લોકોના મનમાં શંકા ઉત્પન્ન થઈ. લોકોમાં પણ ભારે વાતો ચાલવા લાગી. સતીનો શાપ સાંભળીને સઘળાંઓનાં લોહી ઊડી ગયાં. ધનવંત લોકોએ પોતાનું ધન સંતાડવાનો મસૂબો કીધો. દરબારી લોકો શી રીતની આફત આવી પડશે તે વિષે અટકળ કરવા લાગ્યા. બીજા લોકો મોં લાંબાં કરી રાજાનાં સઘળાં આગલાં કામો સંભારવા લાગ્યા. લુચ્ચા ચોર અને એવા લોકો, જેઓને રાજ્યની ઊથલપાથલમાં હમેશાં લાભ થાય છે તેઓ અંતઃકરણમાં ખુશ થઈને ખરાબીનો દહાડો જેમ બને તેમ જલદી આવે એમ પરમેશ્વર પાસ માગવા લાગ્યા; અને જે વખતે હરામીના બે ભાગ થાય તે વખતે ગરીબનો મરો થાય જ એ નિયમથી બીને ગરીબ નબળા લોકોએ શહેર છોડી પરદેશમાં વળવાનો નિશ્ચય કર્યો.

એવા વિચારમાં ને વિચારમાં તેઓ શબની સાથે સ્મશાનમાં આવ્યા, અને ઊંચકનારા બ્રાહ્મણોએ તે શબને ઉતારીને નદીના પાણીમાં ડૂબતું મૂકી ચિતા તૈયાર કરવા માંડી, માણસના આત્મા વગરના શરીરને વાયુ તથા પૃથ્વીમાં મેળવી દેવાને જે ઉપાય કરવામાં આવ્યો હતો તે ઉપર સઘળાઓની નજર દોડી. બાવળની સાથે અગર તથા સુખડનાં લાકડાંની એક ચિતા સીંચી હતી, અને તેના ઉપર એક લાકડાંની મઢૂલી બનાવી તેની ચારે બાજુએ ઘાસ, કાંટા તથા બીજા જલદીથી બળે એવા પદાર્થથી ઢાંકી નાખી હતી. મથાળા ઉપર મોટી ભારે ગાંઠો ગોઠવી હતી,અને એક બાજુએથી માંહે પેસવાનો રસ્તો રાખ્યા હતો. સ્મશાનમાંગયફા પછી સતી સુખાસનમાંથી ઊતર્યાં. તે વખતે તેના ચહેરા ઉપર જરા પણ દહેશત જણાતી ન હતી. તેની ચાલ ઉપરથી પણ મે મરવાનું પાસે આવ્યું એમ જાણી જરા પણ આંચકો ખાતી હોય એમ દીસતું ન હતું. તેનું મોં હસતું તો નહીં, તોપણ તેના ઉપર શાંતિ તથા જે કામ કરવા ધારેલું તે કરવાનો દૃઢ નિશ્ચય જણાતો હતો. તે ત્યાંથી ચાલીને ચિતા સામે ઊભી રહી, અને શબની સઘળી ક્રિયા થઈ રહ્યા પછી તેણે ચારે દિશાને નમસ્કાર કીધા. અને સૂર્ય તરફ નજર કરી બોલી ‘‘સૂર્ય દેવતા ! તું પ્રત્યક્ષ દેવ છે, તારું તેજ સઘળે વ્યાપી રહ્યું છે. તું સઘળા જીવનનું મૂળ છે અને તું આખું જગત બહારથી જુએ છે એટલું જ નહીં, પણવસ્તુઓનાં માંહેલાં તત્વતથા પ્રાણીમાત્રના અંતઃકરણના વિચાર જાણે છે; માટે મેં જે પાપ કીધાં હોય તે બાળી નાંખી મનેશુદ્ધ કર. અગ્નિદેવતા ! જો મેં ખરેખરું પતિવ્રત પાળ્યું હોય, અને મને ખરેખરું સત્‌ ચઢ્યું હોય, તો મને અંગીકાર કરજો, નહીં તો મને તમારો સ્પર્શ પણ થવા ન દેશો.’’ ત્યાર પછી તેણે પરમેશ્વરની સ્તુતિ ઊંચું મોં રાખી નીચે પ્રમાણે કીધી :

શાર્દૂલવિક્રીડિત છંદ

દીનાનાથ દયાળ તું જગતમાં, દાતા દુખીઆ તણો,

પ્રાણી માત્ર રહી મહીતળ સહ, આભાર માને ઘણો;

ભાનુ ચંદ્ર બિરાજતા ગગનમાં, તારા પ્રકાશે અતિ,

ગિરિ, સાગર, ઝાડ-પાન સઘળાં, માનું હું તારી કૃતિ. ૧

વાડી ખેતરનાં ફૂલો મઘમઘે, રૂપે રળિયામણાં,

ભૂમિ ઘાસ છવાયેલી ખુશનુમા, શોભા તણી ના મણા;

કોટિ કોટિ લઘુ જીવો પવનમાં, નાચે રમે સૌ મળી,

આકાશે બહુ શોભતાં ખગચરો, ઊડે ફરે તે વળી. ર

ઝાડી રાન મધે રહે વનચરો, ખાએ, નુશીમાં વસે,

લીલા એ સહુ ઈશ્વરી નિરખતાં, બુદ્ધિ જ પાછ ખસે;

પાપી માનવી કલેશમાં રઝળતો, દીસે ઉદાસી ખરે,

આશામાં રહી કાળ તે નિરગમે, ભામા વૃથા તે કરે. ૩

માયા તો અદ્દભુત છે હરિતણી, થાએ નહીં માપ રે,

પીડા કારણ શું હશે જગતમાં, શોધ્યા તણું પાપ રે;

માટે વિનતિ હું કરું કરગરી, પ્રીતે સુખી રાખજે,

પાપો ઘોર કીધાં જ મેં સરવદા, બાળી સહુ નાંખજે. ૪

એ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તેને ચિતાની આસપાસ ત્રણ પ્રદશિક્ષા ફેરવી. ફરતી વખતે તેણે તેના અંગ ઉપરથી તમામ ઘરેણાં કાઢી નાખી બ્રાહ્મણોને વહેંચી આપ્યાં, અને ત્રીજી પ્રદક્ષિણા ફરતી વખતે તેનું ચિત્ત આ દુનિયા ઉપરથી એટલું તો ઊઠી ગયું કે તેની આંખ આંધળી જેવી થઈ ગઈ, અને તેણે ઠોકર ખાધી. તે વખતે તના ગોરે તનો હાથો પકડ્યો. પડવાથી લોકોમાં નામોશી થશે એવા વિચારથી જાગ્રત થઈ તેણે હાથ ઝટકી નાખયો, અને લકોની સામું મોં ફરેવીને ઊભી રહી. તેને જોઈ લોકો સ્તબ્ધ થઈ ઊભા રહ્યા. શરદ મહિનાનો બે પહોર દહાડાનો આકરો તડકો પડતો હતો. ભીડથી તથા તાપથી લોકોનાં મોં ઉપર પરસેવાના રેલા ચાલતા હતા, લોકો એવા તો ચૂપ હતા કે ત્યાં પૈસો પડે તો તેનો પણ અવાજ સંભળાય; પવર એટલો તોો બંધ હતો કે જાડ ઉપરનું એક પણ પાતરું હાલતું ન હતું; અને સરસ્વતીનું પાણી તળાવના જવું નિર્મળ તથા સ્થિર રહેલું હતું. સ્વદેહરક્ષણ એ સૃષ્ટિનો એક નિયમ છે. ધન, માલ, બૈરી, છોકરાં ઈત્યાદિ જગતમાં જે વહાલામાં વહાલું હોય તેને અર્પણ કરી સ્વદેહનું રક્ષણ કરવાની સઘળામાં પ્રેરણા મુકી છે, તે નિયમ, તે પ્રેરણા તોડવાને એક માણસ ધર્મના જુસ્સામાં આવીને, ધર્મશાસ્ત્ર ઉપર ભરોસો રાખીને, અને વગર જોયેલી અને વગર અનુભવેલી વાતો ઉપર વિશ્વાસ રાખીને, પોતાનો દેહ પોતાની રાજીખુશીથી, અક્કલ હોશિયારીથી અર્પણ કરવાને તૈયાર થયેલું જોઈને જાણે આખું વિશ્વ વિસ્મિત થઈ તમાશો જોવાને સ્થિર ઊભું હોય એમ લાગતું હતું.

પણ સતી મા તેના સ્વામીને મળવાને આતુર થઈ રહ્યાં હતાં. તે મઢૂલીનું એક પાસું ઉઘાડીને તેમાં પેઠાં. પોતાના ધણીનું માથું ખોળામાં મૂક્યું, અને બ્રાહ્મણને ઈશારત કીધી. બ્રાહ્મણોએ તે ઉપર ઘી પુષ્કળ રેડ્યું, અને મશાલ વડે ઘાસકાંટાને સળગાવીને મૂક્યાં; તાપનો એકદમ મોટો ભડકો થયો. મઢૂલીનું મથાળું કડકડ થઈને તૂટી પડ્યું. બાજુ તરફના પ્રજ્વલિત પદાર્થો વચ્ચોવચ પડ્યા. રણશિંગડાં, તુરાઈ, ભૂંગળ, ઢોલ, નોબત, શરણાઈ, ઝાંઝ, થાળી વગેરે વાજિંત્રોનો એવો મોટો અવાજ થઈ રહ્યો કે લોકોને પોતાના કાન હાથે બંધ કરવા પડઢયા, અને અવાજના આંચકાથી આભ તૂટી પડશે એવું લાગ્યું. એ બધાંની સાથે લોકો પણ જેમ પડાય તેમ જોરથ ‘‘જે અંબે’’, ‘‘જે અંબે’’, ‘‘અંબે માતાની જે’’ એવી ચીસ પસાડવા લાગ્યા. તે વખતે જે ભયાનક તથા રાક્ષસી દેખાવ થઈ રહ્યો તેનું બ્યાન જ થઈ શકે નહીં. ગુણસુંદરનું સુંદર શરીર લાકડાંની કપઠારો નીચે છૂંદાઈ ગયું, અને એક પણ મરતી વખતે ચીસ પાડ્યા સિવાય તેના તથા તેના સ્વામીના આત્માના મૃત્તિકા-ગૃહો અગ્નિની મારફતેપંચમહાભૂતમાં મળી ગયા, અને તે દેહરૂપી ઘરમાં વસતા તેમના આત્મા જે જે બક્ષિસો લઈ આ દુનિયામાં આવ્યા હતા તેનો ઉપયોગ શી રીતે કીધો તેનો હિસાબ આપવાને રાજાઓના રાજાનીહજૂર રજૂ થયા.

લોકો સઘળા ઉદાસ થઈને તથા દુનિયા તરફની વૃત્તિ ઉઠાવી પોતપોતાના ઘર તરફ વળયા. માત્ર એક રજપૂત ત્યાં ઊભો રહ્યો. તેની કલ્પનાશક્ત આ સઘળા બનાવથી એવી તો તીવ્ર થઈ ગઈ હતી કે તેણે સતીની મરતી વખતની ચીસ સાંભળી એમ તેના મનમાં ભ્રાંતિ પેઠી. એ કેવા અપશકુન ? હવે શી અવસ્થા થશે ? હવે હું શું કરું ? એવા વિચારમાં તે ડૂબી ગયો; અને અસહ્ય દુઃખ થવાથી એક પથ્થર ઉપર બેસી નાના છોકરાની પેઠે તે રડવા લાગ્યો.

જેના મનમાં પાપ તેને કદી સુખ થતું નથી. દુનિયા જે જે બનાવો બને છે તેથી તેને નુકસાન પહોંચશે એવી તેને હમેશાં ધાસ્તી રહે છે. એક કાંકરો પડે તો તે જાણે છે કે એક પહાડ તેના ઉપર પડ્યો. તેને રાત્રે જરા પણ નિદ્રા આવતી નથી. એક ઘડી પણ ચેન પડતું નથી. ખરેખરી અને કલ્પિત દહેશતોથી તે પીડાયા કરે છે. માઠાં કામ કરેલાં તેનો પસ્તાવો નહીં છંટાય એવો અગ્નિ થઈ તેનું આખું શરીર બાળી નાખે છે. અને તેની પાસે ગમે તેટલું દ્રવ્ય, કુટુંબ-કબીલો, નોકર, ચાકર તથા દુનિયાનું સઘળું બહારનું સખ હોય તોપણ પાપનો કીડો તેનું કલેજું કોતરી ખાય છે, અને અંતે તે નરકમાં જવાની ખાતરી રાખી પોતાનો પ્રાણ મૂકે છે. એવી મહા દુઃખદાયક અવસ્થા તે રજપૂત - જે કરણ જ હતો - તેના મનની હતી.