પ્રકરણ:૩ પ્રોફેસર બેનની મુલાકાત
વોટ્સનને અમે હાઉસિંગ રેસિડેન્સીમાં આવેલા એના ઘરે મૂકી આવ્યા હતા જેથી એ થોડો આરામ કરી શકે. અલબત્ત એની મમ્મીને આ બાબતે અમે કશું જ નહોતું જણાવ્યું. વોટ્સનને પણ અમે આ બાબતે એની મા સાથે કોઈ જ વાત નહીં કરવાની સલાહ આપી હતી.
વોટ્સનને તો અમારી જોડે જ, પ્રોફેસર બેન સ્વાઝેંગરના ઘરે આવવું હતું, પણ અમે એને પરાણે એના ઘરે આરામ કરવાની ફરજ પાડી હતી.
પરંતુ....આ બધી પળોજણમાં મને ખબર નહીં કોણ જાણે કેમ, વોટ્સનની વાતો પર ભરોસો નહોતો બેસતો. એની વાત મને ઉપજાવી કાઢેલ લાગતી હતી. જરૂર કંઈક ગોટાળો, કંઈક ગરબડ છે એવું મને અંદર-અંદરથી લાગતું હતું. પણ, એ શંકાને હાલતુરત મુલતવી રાખીને હું મિત્રોને લઈને પ્રોફેસર બેનને ત્યાં જવા ઉપડ્યો.
મારા બધા મિત્રોના ઘર હું જે હાઉસિંગ રેસિડેન્સીમાં રહેતો હતો ત્યાં જ, થોડે-થોડે અંતરે આવેલા હતા. હાઉસિંગ રેસિડેન્સી ‘સેન જોસ’ વિસ્તારમાં આવેલી હતી અને ત્યાંથી લગભગ બે-ચાર કિલોમીટરના અંતરે આવેલા ‘અલ્બિનો હરેરા’ નામના માર્ગના છેડે જ પ્રોફેસર બેનનું સુંદર બે-મજલું મકાન આવેલું હતું. એમના મકાનની બરાબર સામે જ એક મોટું રમત-ગમતનું મેદાન હતું. પણ, હું એનાથી બહુ પરિચિત નહોતો.
***
અમે ‘અલ્બિનો હરેરા’ના છેડે આવેલા પ્રોફેસર બેન સ્વાઝેંગરના મકાન પાસે પહોંચીને ઊભા રહ્યા.
‘ભાઈ એલેક્સ ! તું પાક્કું ઓળખે તો છે ને એ બેન સ્વાઝેંગરને...?’ ક્રિકે પૂછ્યું.
‘અરે હા, મારા ભાઈ. ઓળખું જ છું. મિત્ર જ છે મારા એ.’ મેં કહ્યું.
‘લે...એવું કેવું ? આમ કહે છે કે પ્રોફેસર છે ને પાછો તું એક સ્ટુડન્ટ થઈને પ્રોફેસરનો મિત્ર છો !’ વિલિયમ્સે ઠાવકાઈથી કહ્યું. એટલે મેં એની સામે જોયું:
‘આપણે અંદર જશુંને એટલે તને બધી ખબર પડી જશે, હોં કે...’ મેં પણ ઠાવકાઈથી જવાબ વાળ્યો. મારા જવાબથી વિલિયમ્સે ખભો ઉલાળ્યો.
આગળ વધીને મેં ડોરબેલ દબાવી.
અંદરના ભાગમાં બેલનો મીઠો અવાજ રણકી ઊઠ્યો.
થોડી ક્ષણો પછી પ્રોફેસરના પત્ની મિસિસ લીના સ્વાઝેંગરે દરવાજો ઉઘાડ્યો અને પહેલાં તો મારી સામે જાણે મને ઓળખવાની કોશિશ કરી રહ્યા હોય એવા ભાવ સાથે જોયું. પછી મારી પાછળ ઉભેલા મારા મિત્રો સામે પ્રશ્નાર્થ નજરે જોયું.
‘મિસિસ લીના, હું એલેક્સ...પ્રોફેસરનો મિત્ર...નાનકડો લેખક...’ મેં એમને મારી ઓળખાણ યાદ અપાવતાં કહ્યું.
‘ઓહ એલેક્સ ! ઘણા દિવસે...?’ મેં ઓળખાણ આપી એટલે એમને યાદ આવી ગયું. એમના મોંમાંથી આનંદ અને આશ્ચર્ય સરી પડ્યાં.
‘હા...એકઝામ્સમાં લાગ્યો હતો ને એટલે.’ મેં આગળ પૂછ્યું, ‘પ્રોફેસર સાહેબ છે ઘરે ?’
‘હા...’ મિસિસ લીનાએ સ્મિત કરીને મારી પાછળ જોયું.
‘આ મારા મિત્રો છે.’ મેં મારા મિત્રોનો પરિચય આપ્યો અને કહ્યું, ‘અમે સાહેબને એક જરૂરી વાત અંગે મળવા આવ્યા છીએ.’
જવાબમાં મિસિસ સ્વાઝેંગર મંદ-મંદ હસ્યાં. પછી કહ્યું, ‘અંદર આવો...પ્લીઝ.’
અમે એમનાં સુંદર ઘરમાં પ્રવેશ્યા. સામે જ મોટો ડ્રોઈંગરૂમ હતો.
‘બેસો. સાહેબ હમણાં આવતાં જ હશે.’ કહીને મિસિસ સ્વાઝેંગરે સોફાસેટ તરફ ઈશારો કર્યો. અમે સોફાસેટની આજુબાજુ ગોઠવાઈ ગયા.
આ દરમિયાન મેં વિલિયમ્સ સામે મારી જીત સૂચવતો આંખનો ઈશારો કરી લીધો હતો. એની ઠાવકાઈનો મારે જવાબ આપવો હતો એ મેં આપી દીધો.
એણે મારી સામે મોં બગાડ્યું.
‘ઓહ હો...! એલેક્સ ! કેમ છો, મજામાં ?’ સહસા એક ઘાટો અવાજ હોલમાં ગુંજી ઊઠ્યો. હું ઊભો થઈ ગયો. એ પ્રોફેસર બેન હતા. સાડા પાંચેક ફૂટની ઊંચાઈ, ફુર્તીલું બદન, યુવાની વટાવીને આધેડ-અવસ્થામાં પહોંચી ગયેલા પ્રોફેસરનો આછી-પાતળી કરચલીઓ ધરાવતો ચહેરો, નીલી આંખો...
‘બેસ...બેસ...’ કહીને એમણે મારો ખભો પકડીને મને પાછો બેસાડ્યો. પછી મારા મિત્રો સામે નજર કરી.
‘પ્રોફેસર બેન, એ મારા મિત્રો છે.’ મેં કહ્યું.
‘ઓહ...ગુડ...ગુડ...’ પ્રોફેસર બેને બધાની સામે જોતાં આનંદથી કહ્યું. પછી મારી સામે જોઈને બોલ્યા, ‘શું કહે છે તારી કલમ ? હમણા ચલાવતો નથી કે શું ?’
‘એવું એવું ચાલે છે.’ મેં કહ્યું, ‘હજુ સુધી કોઈ પબ્લિશર નથી મળ્યો. સ્ટ્રગલ ચાલુ છે.’
પ્રોફેસર બેન લીમામાં એક સાયન્સની ઇન્સ્ટીટયુટમાં કોઈક હોદ્દો ધરાવતા હતા. એમનાં વાંચવાના શોખને કારણે લગભગ બે એક વર્ષ પહેલાં એમણે મારો નાનકડો આર્ટિકલ એક મેગેઝીનમાં વાંચેલો. એ પછી પબ્લિક ગાર્ડનમાં અમારી મુલાકાત થઈ ગયેલી. મેગેઝીનમાં મારો નાનકડો ફોટો છપાતો હોવાને કારણે તેઓ મને ઓળખી ગયા અને મને એમના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. એમને કોણ જાણે કેમ મારામાં રસ પડ્યો હતો અને મને વધારેને વધારે લખવા માટે પ્રેરણા આપવાની એમની ઈચ્છા હતી. ઉપરાંત મારું મારી ટીમ સાથે લીમાના સાહસિકોની યાદીમાં નામ પણ છપાયું હતું. બસ, ત્યારથી તેમની અને મારી વચ્ચે, તેઓ પ્રોફેસર હોવા છતાં પણ, મિત્રતા જેવો સંબંધ છે. અલબત્ત, મારા મિત્રોને તેઓ નહોતા ઓળખતા.
‘તારે સ્ટ્રગલ ચાલુ જ રાખવાની છે, એલેક્સ !’ પ્રોફેસર બેને કહ્યું.
‘ચોક્કસ, પ્રોફેસર સાહેબ.’ હું હકથી બોલતો હોઉં એમ બોલ્યો.
થોડી વાર પછી મિસિસ લીના બધા માટે કોફી અને નાસ્તો લઈ આવ્યા એટલે સૌએ એને ન્યાય આપ્યો. છેલ્લે બધું પત્યું એટલે પ્રોફેસર બેને મને પૂછ્યું,
‘આજે ઘણા દિવસે અહીં આવ્યો. અને આજે તો તારા મિત્રો પણ આવ્યા છે. કોઈ ખાસ કામ પડ્યું છે મારું કે શું ?’
‘હા, ખાસ જ સમજી લો.’ મેં કહ્યું. મને ફરી થોડી બેચેની થવા લાગી હતી. વળી પાછો હું એ ના એ જ ગોઝારા દ્રશ્યમાં ગોથાં ખાવા લાગ્યો.
- વોટ્સનનું રહસ્યમય રીતે મોડું થવું...
- અમારું એ ધૂની પ્રોફેસરના અવાવરા ઘરમાં જવું...
- સ્ટડીરૂમમાં એક બાજુ વોટ્સનનું બેહોશ શરીર અને બીજી તરફ પ્રોફેસરની લાશ...!
‘શું વિચારે છે, એલેક્સ !’ અચાનક પ્રોફેસર બેનના અવાજે મને ઝબકાવી મૂક્યો. હું સફાળો તંદ્રામાંથી બહાર ખેંચાઈ આવ્યો. હજુ પણ બેચેની ચાલુ જ હતી.
મારી સાથે સાથે થોમસ, વિલિયમ્સ, ક્રિકના ચહેરા પણ ઊતરી ગયેલા મેં જોયા.
‘ઓ એલેક્સ !’ પ્રોફેસર બેને મારો ખભો પકડી લીધો, ‘શું થયું છે ? જે વાત લઈને તું મારી પાસે આવ્યો છે એ વાત મને કહે તો કંઈક સમજીશ ને હું.’
‘હ...હા...હું...કહું છું...’ મેં સ્વસ્થ થતાં મારી વાત રજુ કરી, ‘પ્રોફેસર સાહેબ, મારી હાઉસિંગ રેસિડેન્સી નજીક આવેલા પેલા પહાડની તળેટીમાં એકલું અટુલું એક ધૂની પ્રોફેસરનું ઘર છે...’
‘એન્ડરસન !’ પ્રોફેસર બેન વચ્ચેથી જ બોલ્યા, ‘માર્ટીન એન્ડરસનનું ઘર છે એ. હા તો એનું શું છે ?’
‘...તો આજે તેઓ અમને...મૃત હાલતમાં એમના સ્ટડીરૂમમાં મળ્યા...’ હું આગળ બોલી ન શક્યો. સતત પ્રોફેસર બેનના ચહેરાને કળતો રહ્યો.
મારી વાત સાંભળીને સોફા પર ટેકો દઈને બેઠેલા પ્રોફેસર બેન એકદમ બેઠા થઈ ગયા, ‘શું વાત કરે છે તું, એલેક્સ ! મૃત હાલતમાં મળ્યા એટલે...?’
‘એટલે...કદાચ...બળજબરીથી એમનું મર્ડર કરવામાં આવ્યું છે.’ ગળે થુંક ઉતારતાં મેં કહ્યું.
‘હા, પ્રોફેસર બેન, આ વાત સાચી છે.’ બીજા સોફા પર બેઠેલા થોમસે મારી વાતમાં સાથ પુરાવ્યો. એ પછી અમે અમારી સાથે બનેલી બધી ઘટનાઓ એક પછી એક કરીને પ્રોફેસર બેનને કહી સંભળાવી. પ્રોફેસર બેન થોડી ક્ષણો વિચારતા રહ્યા. પછી શૂન્યમાં નજર તાકતા બોલ્યા, ‘છોકરાઓ...આ બધું ખૂબ જ વિચિત્ર બની ગયું તમારી સાથે ! પણ...વોટ્સનની વાત પરથી એવું જ લાગે છે કે બદમાશોએ ક્લોરોફોર્મના વધુ પડતા ડોઝથી એન્ડરસનનું મર્ડર કર્યું છે. જેવા કામો એન્ડરસન કરતા હતા એના કારણે આમ થવું શક્ય જ છે.’
‘કેવા કામો, પ્રોફેસર બેન ?’ મેં પૂછ્યું.
‘તેઓ ઘણી વાર મને મળતા અને દર વખતે પેસિફિક મહાસાગરમાં ક્યાંક આવેલા કોઈક ‘સ્પેક્ટર્ન’ ટાપુની ભૌગોલિક સ્થિતિઓ અંગે ચર્ચાઓ કર્યા કરતા. મારું ભૌગોલિક શાસ્ત્ર સારું છે તેથી તેઓ મારી પાસેથી ઘણી-ખરી માહિતીઓ ઉઘરાવીને પોતાની લાલ કવરવાળી ડાયરીમાં નોંધ કર્યા કરતા...’
‘એક મિનિટ પ્રોફેસર સાહેબ,’ હું વચ્ચેથી જ એમને અટકાવતાં બોલ્યો, ‘તમે કદાચ આ જ ડાયરીની તો વાત નથી કરી રહ્યા ને ?’ મેં મારા પેન્ટના ગજવામાંથી પેલી લાલ કવરવાળી ડાયરી કાઢી.
તરત પ્રોફેસર બેને એ લઈ લીધી, ‘હા...આ જ તો હતી એ ડાયરી...’ કહીને એના પાનાં ફેરવવા લાગ્યા, ‘આ જ છે બધી ફસાતની જડ, એલેક્સ ! આ જ છે...’ ડાયરીમાં જ નજર કરતાં તેમણે કહ્યું. પછી ડાયરી બંધ કરી, બાજુ પર મૂકીને આગળની વાત કહેવા માંડી, ‘છોકરાઓ, એ પ્રોફેસર એન્ડરસનને એ ‘સ્પેક્ટર્ન’ ટાપુમાં કોણ જાણે એટલી તો દિલચશ્પી હતી કે એમણે મારી પાસે એ ટાપુનો એક નક્શો પણ બનાવડાવ્યો હતો. અલબત્ત કાચો નક્શો તેઓ પેલા બનાવી ચૂક્યા હતા, પણ સાચાં ભૌગોલિક સ્થાન વાળો નક્શો એમણે મારી પાસે બનાવડાવ્યો હતો. એ નક્શો તો તેઓ લઈ ગયા હતા, પણ સાવચેતી તરીકે મેં પણ એક કોપી બનાવી લીધી હતી.’ એ ઊભા થયા અને થોડે દૂર રહેલા એક ટેબલના ખાનાઓમાંથી કંઈક શોધવા લાગ્યા. શોધતાં-શોધતાં એ એમણે આગળ ચલાવ્યું, ‘એ ટાપુનો સંબંધ “લીમાના લોકોની અમાનત” સાથે છે એમ તેઓ અવારનવાર કહ્યા કરતા. પોતે બે-ત્રણ વખત એ ટાપુ પર જઈ પણ આવ્યા છે એવું પણ એમણે કહ્યું હતું. અને...’ પ્રોફેસર બેન અટક્યા અને સામે પડેલા બીજા ગોળાકાર ટેબલ પાસે જતાં બોલ્યા, ‘અને મને એ વખતે આવી ખબર ક્યાંથી હોય કે એમની એ ડાયરી જ એમના મોતનું કારણ બનશે. એક તો હતા ધૂની ને ઉપરથી નક્શો બનાવવા મારી પાછળ પડી ગયા હતા આથી મને એવું જ લાગેલું કે હશે એમને કંઈક કામ નક્શાનું એટલે મેં એ બનાવી દીધો હતો.’ કહીને તેઓ ખાના ફંફોસવા લાગ્યા. એકાએક એમના હાથે એક કાગળ સ્પર્શ્યો. એને તેમણે બહાર કાઢ્યો. પછી બોલી ઉઠ્યા, ‘યસ ! આ રહ્યો...એ સ્પેક્ટર્ન ટાપુનો નક્શો...’ એ પાછા સોફા પર આવીને બેઠા. એમના હાથમાં પ્રમાણમાં સહેજ મોટો કહી શકાય એવો એક કાગળ હતો.
કાગળને જોતાં જ મારા બીજા મિત્રો સામેના સોફા પરથી ઊભા થઈને મારી નજીક આવી ગયા.
પ્રોફેસર બેને એ કાગળ ખોલ્યો.
ધીમે ધીમે ગડી કરેલો કાગળ ખુલ્યો અને અમારી સામે એક નક્શો ચમકવા લાગ્યો. નક્શાને જોઈને પ્રોફેસર બેન સિવાય બધાની આંખો ફાટી પડી. એ નક્શો આવો હતો:
આખોય નક્શો અમે કુતુહલતાથી જોઈ જ રહ્યા. નક્શામાં વચ્ચેથી બે ભાગમાં વહેંચાયેલો એક ઊંચો પહાડ નજરે પડ્યો. પહાડની આજુબાજુ લગભગ બધે ઘેરા રંગથી ચિત્રિત થયેલું જંગલ ફેલાયેલું હતું. આ તરફ પશ્ચિમના સમુદ્ર તરફથી ઉદભવતી નાનકડી નદી દેખાઈ જે જંગલ અને પહાડની વચ્ચેથી સર્પાકારે વહેતી ઉત્તર-પૂર્વના સુષ્ક મેદાની પ્રદેશમાં થઈને પૂર્વ તરફના સમુદ્રમાં મળતી હતી. ત્યાં જ પૂર્વમાં એક જૂની-પુરાણી બોટ દેખાતી હતી. એ ત્યાં શા માટે હશે એ કોઈ જ નહોતું જાણતું. આ ઉપરાંત દક્ષિણ તરફ થોડા ખડકો પાસે અમે એક કરચલા (Crab)નું નિશાન જોયું. આ પણ એક રહસ્ય હતું. અને સૌથી મોટું રહસ્ય હતું પેલા પહાડ પાસેના ગાઢ જંગલમાં અંકિત થયેલા ‘ડેન્જર’ તથા ‘ખોપરી’ના નિશાનો...! એ ત્યાં શા માટે હશે એતો પ્રોફેસર એન્ડરસન જ કહી શકે તેમ હતું.
અમે નક્શો જોઈ રહ્યા હતા ત્યારે પ્રોફેસર બેન આગળ વધીને સોફા પર પડેલી પેલી લાલ કવર વાળી ડાયરી ઊંચકી લાવ્યા, ‘પરંતુ એલેક્સ, તમે લોકો કહો છો કે પેલા બદમાશો આ ડાયરી લીધા વિના જ ચાલ્યા ગયા...?! આવું કેવી રીતે બને ? કારણ, કે આ ડાયરી જ એકમાત્ર એવી વસ્તુ છે કે જેમાં રહેલા કોઈક ભેદી રહસ્યને પામવા માટે એ બદમાશોએ પહેલાં પ્રોફેસરને મારી નાખ્યા. અને પછી ડાયરી લીધા વગર જ ઉપડી ગયા...?’
પ્રોફેસર બેને પણ એ જ વજૂદ વાળી વાત કરી કે જે અમારા મગજમાં પણ અગાઉ ઉદ્દભવી ચૂકી હતી.
આવી વિચિત્ર બાબતોનો અત્યારે કોઈ મેળ સધાતો નહોતો.
‘પણ એલેક્સ, આ ડાયરીનો આ નક્શા સાથે સો એ સો ટકા સંબંધ છે. કંઈક તો છે અહીં જે ભેદી છે...ગૂઢ છે...’ પ્રોફેસર બેને આગળ ધપાવ્યું અને ડાયરી ખોલી. હું એમની સામે જ જોઈ રહ્યો હતો. તેમણે થોડા-ઘણાં પાનાં ઉથલાવ્યા. પછી જ્યારે ચહેરો ઊંચો કર્યો તો મને એમનો ચહેરો ચિંતાતુર અને નિશ્ચયધારી લાગ્યો.
‘શું કહે છે એલેક્સ ! મારી સાથે આવીશ...? આ બધા બખેડાનો ભેદ ઉકેલવા ?’ અચાનક પ્રોફેસર બેનના અવાજમાં ગંભીરતા છવાઈ ગઈ, ‘આમ પણ તું અને તારી ટીમ સાહસિકો છો...સાહસો સામે બાથ ભીડવા હંમેશા તૈયાર રહો છો. તો આજે હું તને સ્પષ્ટ પૂછું છું કે શું તું અને તારા મિત્રો મારી મદદ કરી શકશો ? મારા સ્વર્ગસ્થ મિત્રના ઋણી બની શકશો ? ગમે તેમ તોય એન્ડરસન મારો મિત્ર હતો. એનાં આમ અચાનક જ થયેલા કમોતથી મારું હૈયું હચમચી ગયું છે. મેં મિનિટના છઠા ભાગમાં જ નિશ્ચય કરી લીધો છે કે એન્ડરસનનું બાકી રહેલું કામ હું પૂરું કરીશ. બોલ એલેક્સ, આવવા માટે તૈયાર છે...?’ કહીને તેઓ મારા ચહેરાને તાકી રહ્યા. હું પણ એમના ચહેરાને જોઈ રહ્યો. એમનો દ્રઢ નિશ્ચયવાળો એ ચહેરો મને એમની સાથે જોડાવા માટે જાણે ઉત્સાહ અને જોમ આપી રહ્યો હતો.
મેં મારા મિત્રો સામે જોયું.
દરેકના ચહેરા પર એવું જ દ્રઢ મનોબળ છવાયેલું હતું કે જેવું પ્રોફેસર બેનના ચહેરા પર હતું.
મેં ઇશારાથી જ બધાને જવાબ આપી દીધો અને પ્રોફેસર બેનનો હાથ પકડીને કહ્યું, ‘પ્રોફેસર બેન, માત્ર હું જ નહીં, મારી ટીમ પણ આ સફરમાં તમારી સાથે જોડાવા માટે તૈયાર છે. તમારે કશી જ ચિંતા કરવાની જરૂર નથી. તમે એકલાં નથી. અમે પણ તમારી સાથે જ છીએ. હવે તો પ્રોફેસર એન્ડરસનનું અધૂરું કામ પૂરું કરીને જ રહીશું. આ મારું વચન છે.’
મારી વાત સાંભળીને પ્રોફેસરનો ચહેરો દ્રઢતાની સાથે સાથે ઝળહળવા લાગ્યો.
***