નવલકથા
અપૂર્ણવિરામ
શિશિર રામાવત
પ્રકરણ ૨૬
“હેય રિતેશ... રુપાલી!”
કોણ જાણે કેમ આખું દશ્ય અવાસ્તવિક લાગતું હતું. એ બન્ને દરવાજાની બહાર સ્થિર ઊભાં હતાં. પડછાયાની જેમ અથવા તો થીજી ગયેલા ધુમ્મસની જેમ. રિતેશ અને રુપાલીનું માથેરાનના આ બંગલામાં હોવું કંઈ નવી વાત નથી. અગાઉ કેટલીય વાર આ પળ આવી ચુકી છે. આનંદપ્રમોદ અને ઠઠ્ઠામશ્કરીથી છલછલતી પળો... પણ અત્યારની ક્ષણનો રંગ જુદો છે. ન સમજાય એવો, ન પકડાય એવો.
“કમ ઓન ઈન! બહાર કેમ ઊભાં છો?”
રિતેશ અને રુપાલી એકદમ હલ્યાં. સ્થિર પાણીમાં પથ્થર પડતાં સપાટી પર ક્રમબદ્ધ તરંગો જાગે, એમ. માથેરાનની મોડી સવારનો પ્રકાશ એમનાં શરીર પર ચમકી રહૃાો હતો. બન્નેના ચહેરા પર લગભગ એકસાથે સ્મિત રેલાયું.
“મોક્ષ સાલા... માથેરાનમાં એકલો એકલો જલસા કરે છે, હં?” રિતેશ વહાલથી ભેટ્યો, “કેમ છે તું? ઝક્કાસ?”
“તમે લોકો, યાર... દોઢસો વર્ષ જીવવાનાં છો!” મોક્ષ આનંદિત થઈ ઉઠ્યો હતો, “હજુ હમણાં જ માયાએ તમને બન્નેને યાદ કર્યા ને એટલી વારમાં તમે-”
“તુમને પુકારા ઔર હમ ચલે આએ...”
“રિતેશ, પ્લીઝ!” માયાના રણકદાર હાસ્યથી માહોલ છલકાઈ ઉઠ્યો, “જો તું અહીં આવીને રાગડા જ તાણવાનો હો તો મહેરબાની કરીને કોઈ હોટલમાં ચેક-ઈન કર... અને રુપાલીને મારી પાસે મૂકતો જા!”
“પત્યું! ” રિતેશે મોક્ષ તરફ જોઈને કહૃાું,“આ સહેલીઓ ભેગી થઈ એટલે આપણી છુટ્ટી!”
“બિલકુલ!” રુપાલી મસ્તીથી બોલી, “તમે દારુડિયા હવે આખો દિવસ દારુ પીધા કરો. વી ડોન્ટ કેર!”
ખુશખુશાલ ચહેરા. આત્મીય અવાજો. પરિચિત મજાકો. નાની નાની વાતોમાં ફૂટી જતાં ભરપૂર હાસ્યો. ઝુમી ગયેલો મૂડ. સપાટાભેર વહેવા લાગેલો ખુશનુમા સમય. થોડી કલાકો પછી મોક્ષ અને રિતેશ માર્કેટ તરફ નીકળી ગયાં. સ્ત્રીઓ એકલી પડી.
“થેન્ક ગોડ... તમે લોકો આવ્યાં!” માયા તકિયો ગોઠવીને અઢેલીને બેઠી, “માથેરાનમાં આ વખતે, આઈ ડોન્ટ નો, બહુ એકલું એકલું અને વિચિત્ર લાગે છે.”
રુપાલીએ માયા સામે સૂચક રીતે જોયું. ચાર આંખો વચ્ચે કશુંક વહૃાું. એક ગોપિત અને અકથ્ય સત્ય. રુપાલીની આંખોની તીક્ષ્ણતા સહેવાતી ન હોય તેમ માયા નીચું જોઈ ગઈ. અવાજ બને એટલો સ્વાભાવિક રાખીને રુપાલી બોલી, “માથેરાનની તો મને ખબર નથી, પણ તારા ઘરમાં મને શું વિચિત્ર લાગ્યું, કહું? તારી કામવાળી બાઈ! એ જે રીતે સામે ઘુરકે છે, જે રીતે ઘરમાં ફરે છે... એ ઘરમાંય કેમ બુરખો પહેરી રાખે છે?”
“એકઝેકટલી! બરાબર પકડ્યું તેં! એનું નામ મુમતાઝ છે. અરે, આજે એને કારણે મારી અને મોક્ષ વચ્ચે ઝઘડો થઈ ગયો.”
“કેમ?”
“એને બોલવાનું કશું ભાન નથી. મને પૂછે છે, ઘરમાં તમે બે જ છો? બચ્ચાં નથી? જેવી ઉપરવાળાની મરજી! અરે? વોટ ધ હેલ!”
રુપાલી તાકી રહી, “એણે તને આવું કહૃાું અને તું હર્ટ થઈ ગઈ?”
“અફ કોર્સ હું હર્ટ થઈ! તું કહેવા શું માગે છે?”
“એ જ કે બચ્ચાં નથી અથવા તો બચ્ચાં કેમ નથી તે સવાલ તારા માટે નવો નથી. અત્યાર સુધીમાં તને એની ટેવ પડી જવી જોઈતી હતી. તારું એક ડિફેન્સ મિકેનિઝમ વિકસી જવું જોઈતું હતું. આવું કેમ થયું નથી?”
માયા આશ્ચર્યથી જોઈ રહી, “આ તું શું બોલે છે, રુપાલી?”
“બરાબર બોલું છું. તું શા માટે મોક્ષની જેમ જાડી ચામડી કરી લેતી નથી? લોકો એને પણ પૂછતા હશેને કે તમે કેમ બાપ બન્યા નથી? તો એ કેમ હર્ટ થતો નથી?”
“કેમ કે એ દિલથી અને દિમાગથી અને આત્માથી અને વ્યવહારથી ઓલરેડી બાપ બની ગયો છે. સુમનનો બાપ!” માયાના અવાજમાં આક્રોશ છંટાઈ ગયો, “એ ભાઈ ઓછો છે અને બાપ વધારે છે... અને એનું સઘળું પિતૃત્વ એની બહેનથી સંતોષાઈ જાય છે. હી નેવર નીડેડ અ બોયોલોજિકલ ચાઈલ્ડ! પણ હું સુમનની મા કેવી રીતે બનું? મારા માટે એ મોક્ષની નાની બહેન હતી, છે અને રહેશે!”
“પણ સુમન સાથે તારે પણ લાગણીનો સંબંધ છે, માયા.”
“છે જ. સુમન મનેય ખૂબ વહાલી છે, પણ એ વહાલ છે, માતૃપ્રેમ નથી. મને શું કામ માતૃપ્રેમથી વંચિત રાખવામાં આવી છે? કેમ મા હોવાનો અનુભવ મને લેવા દેવામાં આવ્યો નથી?”
માયા વધારે ટકી ન શકી. એ રડી પડી. રુપાલીએ એને રડવા દીધી. થોડી વારે એ શાંત થઈ. આંસુ લૂછી, પાણીનો ઘૂંટનો પી એ કહેતી ગઈ, હું નથી માનતી કે સ્ત્રી મા બને તો એનો માનવઅવતાર સાર્થક થયો કહેવાય. ધેટ્સ નોનસેન્સ! મા બનવું કે ન બનવું એક વ્યકિતગત પસંદગીની વાત છે અને મેં પસંદગી કરી હતી. મારે બાળક જોઈતું હતું. હું ટીનેજર હતી ત્યારથી બચ્ચાનાં સપનાં જોતી હતી... પણ મને બાળક આપવામાં નથી આવ્યું! વ્હાય, રુપાલી?”
“કારણ કે તેં ગુનો કર્યો છે, માયા! ગંભીર ગુનો!”
સીધો મર્મસ્થાન પર તીવ્ર પ્રહાર થયો. માયા ખળભળી ઉઠી. એ ઘવાયેલા અવાજે બોલી, “આ તું કહે છે, રુપાલી? તને પણ લાગે છે કે મેં ગુનો કર્યો છે?”
“મને નથી લાગતું. મને ક્યારેય એવું લાગ્યું નથી કે તેં ગુનો કર્યો છે. યુ નો ઈટ! પણ મોક્ષ આવું માને છે... અને તું મા નથી બની એનો સીધો સંબંધ મોક્ષની આ માન્યતા સાથે છે!”
“એવો તો તમે કયો ગુનો કરી નાખ્યો છે, મેડમ?”
અચાનક કાનમાં અવાજ પછડાયો. માયા અને રુપાલીએ ઝાટકા સાથે ગરદન ઘુમાવી. મુમતાઝ બેડરુમના દરવાજાની વચ્ચોવચ્ચ ઊભી હતી. એની પથરીલી આંખોમાં સન્નાટો હતો.મુમતાઝબહેેન!” માયા ત્રાસી ઉઠી, “તમને શરમ નથી આવતી ગુપચુપ અમારી વાતો સાંભળતાં?”
“તમે મારા સવાલનો જવાબ ન આપ્યો, મેડમ!” મુમતાઝે સંપૂર્ણ નફટાઈથી કહૃાું, “એવો તો તમે કયો ગુનો કરી નાખ્યો છે કે સાહેબ તમને સંતાનસુખ આપવા માગતા નથી?”
“ગેટ આઉટ! ગેટ આઉટ!” માયાએ આતંકિત થઈને લગભગ ચીસ પાડી, “નીકળી જાઓ અહીંથી. આજ પછી કોઈ દિવસ તમારું મોઢું ન બતાવતાં...”
“શાંત થાઓ, મેડમ. તમારા ગુસ્સાનો કશો મતલબ નથી એ તમેય જાણો છો ને હુંય જાણું છું...”
“જતા રહો કહું છું. શું કામ પાછળ પડ્યાં છો? પ્લીઝ ગો! લીવ!”
“જાઉં છું. ટાઢો પડો.”
મુમતાઝે જવા માટે પીઠ ફેરવી. અટકી. ફરી પાછી બેડરુમ તરફ ઘુમીને માયા સામે ત્રાટક કર્યું, “તમે જુવાન છો, સાહેબ જુવાન છે. ત્રીસ-પાંત્રીસ વરસ તો છોકરાં જણવાની ઉંમર કહેવાય. હજુય મોડું નથી થયું,” એકાએક મુમતાઝે વીજળી ગરજતી હોય એવું પ્રચંડ અટ્ટહાસ્ય કર્યું, “...કે પછી ખરેખર બહુ મોડું થઈ ગયું છે? હં? બોલો બોલો?”
માયા સ્તબ્ધ થઈ ગઈ.
ષ્ઠ૦ ૦ ૦
“નથી! યંત્ર નથી જ!”
ઘાંઘી થઈ ગયેલી મિશેલના ડબલબેડ પર આખી એરબેગનો સામાન વિખરાયેલો પડ્યો હતો. આર્યમાને સમજાવવાની કોશિશ કરી, “રિલેકસ, મિશેલ! મળી જશે...”
“ક્યાંથી મળી જશે? કેવી રીતે મળી જશે? ઈટ્સ ગોન! ક્યાં ગયું મારું યંત્ર, મુકતાબેન? બોલતાં કેમ નથી?”
મિશેલનું ઓસ્ટ્રેલિયન અંગ્રેજી મુકતાબેનને કેવી રીતે સમજાય, પણ એના મોઢેથી ફરી એક વાર પોતાનું નામ ઉગ્રતાપૂર્વક ફેંકાયું એટલે એ નવેસરથી થથરી ઉઠ્યાં. આર્યમાનની સામે જોઈને દયામણા ચહેરે એ બોલ્યાં, “સાહેબ, મને ખરેખર કંઈ ખબર નથી. મેં આ વસ્તુ જોઈ જ નથી તો પછી...”
સવારથી મિશેલે આખું ઘર માથે લીધું હતું. વેરાન જંગલમાં શવસાધના કરતી વખતે અઘોરી બાબા ગોરખનાથે હાથમાં યંત્ર તરીકે ઓળખાતી ધાતુની નાનકડી વસ્તુ પકડાવી હતી તે જાય ક્યાં? શવસાધનાની વિધિ તો સફળતાપૂર્વક પૂરી થઈ શકી હતી, પણ ભય અને દેસી દારુની મિશ્ર અસરથી મિશેલ નગ્નાવસ્થામાં જ બેહોશ થઈને ઢળી પડી હતી. ભાનમાં આવી ત્યારે એ મુંબઈ હતી, આર્યમાનના બેડરુમમાં. યંત્ર ગાયબ હતું. એને શોધવાના આખરી પ્રયત્નરુપે આજે એણે એવા ધમપછાડા આદર્યા હતા કે શિયાંવિયાં થઈ ગયેલી સુમન પોતાના કમરામાંથી બહાર નીકળવાનું નામ નહોતી લેતી. વોચમેન જોસેફની દીકરી, જે સુમનની પાક્કી બહેનપણી બની ગઈ હતી, તે પણ ઘરનો માહોલ જોઈને નીચેથી જ દોડીને પાછી જતી રહી હતી.
મિશેલના ધૂંધવાટનો પાર નહોતો, “આ યંત્ર જો નહીં મળેને આર્યમાન, તો બાબા મને જીવતી સળગાવી દેશે!”
“મને સમજાતું નથી મિશેલ, કે યંત્ર જો ખરેખર એટલું બધું મહત્ત્વનું હોય તો ગોરખનાથે એ જ વખતે કેમ પાછું લઈ લીધું નહીં? તું હોશમાં નહોતી તો ય યંત્ર તારા હાથમાં રહેવા દીધું?”
“આઈ ડોન્ટ નો, આર્યમાન. શવસાધના બહુ ભારે વિધિ છે એટલે કદાચ બાબા યંત્રને અમુક સમય સુધી મારાથી અળગું કરવા માગતા નહીં હોય. શક્ય છે કે યંત્રના સાન્નિધ્યમાં રહેવાથી મારા પર એની કશીક અસર પડતી હોય. આઈ રિઅલી ડોન્ટ નો.”
“તો શું જંગલમાંથી હોટલ પર ગયા પછી યંત્રને તારા સામાનની સાથે મુકી દેવામાં આવ્યું હશે?”
“હા.”
“સાંભળ! તને ઘરે લાવ્યાં ત્યારે હું તો હાજર જ હતો નહીં, પણ મુકતાબેન કહે છે તેમ બે-ચાર અજાણ્યા પુરુષો તને મૂકી ગયા હતા. આઈ એમ શ્યોર કે એમાંથી જ કોઈએ યંત્ર તફડાવી લીધું હશે.”
“આ બધી અટકળો છે. મુદ્દો એ છે કે બાબાએ મને યંત્ર વિશે જેટલી વાર પૂછ્યું ત્યારે દર વખતે મેં એમ જ જવાબ આપ્યો છે કે હા, યંત્ર મારી પાસે છે અને સહીસલામત છે.”
“એ જ તો પ્રોબ્લેમ છે. પહેલી વાર પૂછ્યું ત્યારે જ નિખાલસતાથી કહી દેવું જોઈતું હતું કે યંત્રનો પત્તો નથી. તું શું કામ જુઠું બોલતી રહી?”
“ભુલ થઈ ગઈ મારાથી, ઓલરાઈટ?”
“તો ભુલ સુધારી લે. સાચેસાચું કહી દે.”
“સાચું બોલવાની હિંમત હોત તો અત્યાર સુધીમાં બોલી નાખ્યું ન હોત? અને તું હવે આક્ષેપો જ કરતો રહેવાનો છે કે મારી મદદ પણ કરવાનો છે? બાબા અત્યારે કોલકાતા ગયા છે. પાછા આવશે કે તરત યંત્રની ઉઘરાણી કરશે. શું કરીશ હું?”
આર્યમાન પાસે કોઈ જવાબ નહોતો. એ સિગારેટ સળગાવીને ફૂંકવા લાગ્યો. મુકતાબેન બન્નેના હાવભાવ જોતાં ચુપચાપ ઊભાં હતાં. ઓરડામાંથી અજંપાભરી શાંતિ વધારે વખત ખેંચાઈ એટલે ડરતાં ડરતાં એ બોલ્યાં, “આર્યમાનભાઈ, એક વાત કહું?”
“બોલો.”
“મેડમને અઘોરી લોકો પાસે હોય એવું યંત્ર જોઈએ છેને?”
આર્યમાન ટટ્ટાર થયો, “હા.”
“ધારો કે આ ખોવાયેલું યંત્ર ન જ જડે તો બીજું યંત્ર ચાલે?”
“એક સેકન્ડ, એક સેકન્ડ!” મિશેલ આંખો તગતગાવતાં બોલી,“મુકતાબેન શું બોલ્યાં?”
“મુકતાબેન પૂછે છે કે એક યંત્રના બદલે એની જગ્યાએ બીજું યંત્ર મૂકી દો ચાલે?”
ના ચાલે! મિશેલના મનમાં સ્પ્રિન્ગની દેમ જવાબ ઊછળ્યો. જે યંત્ર ખોવાયું છે તે વિશિષ્ટ છે, બાબા ગોરખનાથે વર્ષોના કઠોર પરિશ્રમ પછી તે મેળવ્યું છે. તેમાં બાબાની સાધનાનો અર્ક છે. આ કંઈ બિસ્કિટનું પેકેટ નથી કે એકની જગ્યાએ બીજું પેકેટ મૂકી દો તો ફર્ક ન પડે!
પણ મિશેલના મોંમાંથી જૂદી જ વાત નીકળી. ગંભીર થઈને એ બોલી, “આર્યમાન, એમને પૂછ કે એ શું કરી શકે તેમ છે?”
આર્યમાને સવાલનો તરજુમો કરીને સવાલ મુકતાબેન તરફ ફંગોળ્યો. મુકતાબેનની અવઢવ થોડી ક્ષણો સુધી લંબાઈ. પછી અચકાતાં અચકાતાં બોલ્યાં, “આર્યમાનભાઈ, તમે મારા વરને તો ઓળખો છોને?”
“ગણપતની વાત કરો છો?”
“હા.”
ગણપતનું નામોચ્ચારણ થયું એટલે મિશેલના કાન ચમક્યા. આર્યમાને કહૃાું, “ગણપતને કદાચ એકાદ વખત જોયા હશે. બરાબર યાદ નથી આવતું. કેમ પૂછવું પડ્યું?”
“એ દારુડિયો છે, ગંજેરી છે, સાવ નઠારો માણસ છે. આખી જિંદગી મને હેરાન કરી છે, પણ આવા બધા કામમાં એ ઉપયોગી થાય એવો છે.”
“કઈ રીતે?”
“એ અઘોરી બાબા ને તાંત્રિક ને ભુવા ને એવા બધામાં બહુ માને છે. એમાંને એમાં જિંદગી બરબાદ કરી નાખી છે. મને યાદ છે, અમે ભેગા રહેતાં હતાં ત્યારે એકવાર એ મંતરેલાં યંત્ર જેવું કશુંક ઘરે લઈ આવ્યો હતો. જીવની જેમ સાચવતો હતો એને!”
આર્યમાન ઝીણી આંખ કરીને ધ્યાનપૂર્વક સાંભળતો રહૃાો. મુકતાબેન આગળ વધ્યાં, “જો તમે કહેતા હો તો ગણપતની મદદ લઈએ. એ કદાચ બીજું યંત્ર લાવી આપી શકે.”
આર્યમાને દુભાષિયાની જેમ આખી વાત મિશેલને કહી સંભળાવી. મિશેલની નીલી આંખો સહેજ ચમકી.
“ગણપત... એને તો હું ઓળખું છું! એને મળી છું હું!”
ગણપતને મળવા પોતે કોઈ ગંદા બિયર બારમાં ગઈ હતી તે આખું દશ્ય મિશેલ સામે ઊપસી આવ્યું. બાબા અઘોરીનાથ સાથે પરિચય ગણપતે જ કરાવ્યો હતો. આખા મુંબઈમાં બાબા ગોરખનાથને ઓળખતી હોય એવી એક જ વ્યકિત છે જેને પોતે જાણે છે અને એ છે ગણપત. યંત્રના મામલામાં ગણપત જરુર એની મદદ કરી શકે!
“શું વિચારમાં પડી ગઈ, મિશેલ?”
“હં? કંઈ નહીં!” મિશેલે કહૃાું, “મુકતાબેનને બોલ કે એ હવે છુટ્ટાં. ગણપત સાથે હું ફોડી લઈશ. એના બધા અડ્ડાની મને ખબર છે. એને ગમે ત્યાંથી શોધી કાઢીશ.”
આર્યમાનને નિરાંત થઈ. મિશેલ ટેરેસ-બાલ્કનીમાં ધીમે ધીમે ટહેલવા લાગી.
આ હું શું કરી રહી છું? એકને બદલે બીજું યંત્ર પકડાવી દેવાનો વિચાર જ કેટલો બેહૂદો છે. ગોરખનાથને ચોરી પકડી પાડતાં એક સેકન્ડ પણ નહીં લાગે!
મિશેલ અસ્વસ્થ થવા માંડી.
પણ ના! ગણપતને મળી તો જોઉં. આ યંત્રનું શું ચક્કર હોય છે તે સમજું તો ખરી.
મિશેલે મન બનાવી લીધું. જોકે ગણપત ખરેખર કેટલો ઉપયોગી બની શકશે એનો એને ખબર પડતી નહોતી.
...મિશેલને એ પણ ક્યાં ખબર હતી કે ગણપત સાથેની મુલાકાત એક નવા ભૂકંપનું કારણ પણ બની જશે!