પવન ગેટ ખોલીને અંદર આવ્યો. ગેટથી ઘર સુધી ગાર્ડનમાં શોભાવેલા કુંડાઓથી કેડી બનાવેલી હતી. બંને બાજુના અલગ-અલગ ફૂલોનાં કુંડાઓની સલામી લેતો એ દરવાજા સુધી આવ્યો અને ડોરબેલ વગાડી. જ્યાં સુધી દરવાજો ન ખુલે ત્યાં સુધી એ ખિસ્સામાં હાથ નાખીને ઉપર નીચે જોઈ રહ્યો. બીજી વખત બેલ વગાડી, બે વખત ડીંગ-ડોંગ, ડીંગ-ડોંગ... તેણે જમણી બાજુ નજર કરી. ગાર્ડનમાં નળ અધુરો ખુલ્લો હતો. ફટાફટ જઈને બંધ કર્યો અને ફરી દરવાજા પાસે આવીને ઉભો રહી ગયો. નળ તરફ ધ્યાન કર્યું. બરાબર બંધ હતો. નીચે મુકેલી એક-અટૂલી ટાઈલ (લાદી) ની આસપાસ જમીન ભીની થઈને કાળાશ પડતી થઇ ગઈ હતી.
કલ્પના અંદર સુતી હશે અથવા તો પાછળ કમરામાં કઈક કામ કરતી હશે એમ વિચારીને તેણે બેગમાંથી ઘરની ચાવી કાઢી અને દરવાજો ખોલ્યો. કલ્પનાને કઈ થયું તો નહી હોય ને? એક વિચાર વીજળી-વેગે મગજમાંથી ઝબકારો કરી ગયો. ઘરની હવા રોજીંદી લગતા તેનો એ વિચાર ગાયબ થઇ ગયો. બેગ સફા પર મુકી દીધી. ટીવી બંધ હતું પણ તેની નાની લાલ બત્તી ચાલુ હતી. અંદરના એક રૂમનો દરવાજો ખોલીને તેણે ફક્ત ડોક અંદર નાખીને અવાજ કર્યો, “કલ્પના...?” હેન્ડલ ખેચીને દરવાજો બંધ કર્યો. બીજા રૂમમાં જઈને એણે જોયું. બીજો રૂમ બે ફલોરનો હતો. એક ઉચા રૂમમાં અધવચ્ચે સીલીંગ બંધાવીને ‘મેડા’ જેવું બનાવેલું હતું. આ વિચાર પવનનો હતો. આર્કિટેક્ચરનો વિચાર. રૂમ નવીન લાગતો હતો. નીચેના રૂમમાં કલ્પનાને ન જોતા તે સીડી ચડી ગયો. મેડા ઉપર કલ્પના લેપટોપ સામે બેસીને કાનમાં ઇયરફોન લગાવીને ગાયન (સોંગ) સાંભળતી બેઠી હતી. કલ્પના એ ગાયન પોઝ કર્યું અને ઇયરફોન બાજુમાં મુક્યા.
“આવી ગયો...?”
“હા...”
“મેં બે – ત્રણ વાર બેલ વગાડી...”
“હું સોંગ સાંભળતી હતી...”
“મને લાગ્યું જ...”
“ચા પીઇશ ને?”
“હા... તું ચા બનાવ ત્યાં સુધી હું ફ્રેશ થઇ જાવ...”
પવને ટાઈ છોડીને બેડપર ફેકી દીધી. સ્ટેર્સ પરથી ઉતરતા ઇન-શર્ટ કાઢી નાખ્યું. કલ્પના પણ તેની પાછળ ઉતરી.
આર્કીટેક્ચરની ઓફીસમાં પ્રોફેશનલ વર્તન કરતા ઘરમાં આવીને તેની ચાલ, વર્તન વધારે ઉષ્માભર્યું પ્રેમીલું થઇ જતું હતું. કલ્પનાને તે ભાગ્ય પાસેથી છીનવીને લાવ્યો હતો. સમાજ અને સંબંધો સાથે દુશ્મની લઈને તેણે કલ્પનાને પોતાની કરી હતી.
સીડી ઉતરીને તેણે કલ્પનાનાં બંને ખભા પકડીને બિન્દાસ કહ્યું.. “ચલ મેરી રાની... બાદશાહ કો ચાય પિલાઓ..”
અને કલ્પના કહેતી... “બસ કુછ હી ક્ષણોમેં ચાય આપકી હાથોમે હોગી જનાબ... આપ થોડા સ્નાન કર લે...”
“જૈસી આપકી મરઝી, મહારાનીજી...”
અને કલ્પનાએ હસતા હસતા પવનને પીઠ પર ધક્કો મારીને બાથરૂમમાં મોકલ્યો
ખભે ટુવાલ નાખીને એ બરાબર બાથરૂમનો દરવાજો ખોલવા જ જતો હતો ત્યાં બહારથી કઈક જોરદાર અવાજ આવ્યો. જાણે કઈક કાચ ફૂટ્યો. પવને કલ્પના સામે જોયું. કલ્પના પણ લાઈટર હાથમાં લઈને થંભીને પવન સામે જોઈ રહી. એક પળ માટે શું થયું હશે એમ વિચાર્યું. તરત જ કલ્પનાએ દરવાજાની બહાર જોવા પગ ઉપડ્યા.
“ઉભી રે... હું જોઉ છું...”
પવને બહાર જઈને બધે જ તપાસ કરી લીધી. કોઈ નહોતું. હોઠની ઉપર પરસેવો જામી ગયો. તેણે ટોવેલથી લુછી રૂમમાં આવ્યો. ઘરમાં એક વજનદાર ખામોશી હતી. વરસાદ થમી ગયા પછી હોય એવી ખામોશી. ખૂન કર્યા પછી લાશ પડી હોય એવી ખામોશી. કલ્પના ન હતી. પુરા ઘરમાં ક્યાય. પવને ઉતાવળા પગે ઘરમાં બધે દોડીને ચેક કર્યું. “કલ્પના... કલ્પના...” કોઈ જવાબ ન મળ્યો. રૂમમાં ફક્ત તેનાં ચાલવાનો અવાજ હતો.. આ ખામોશી પવનને ભયંકર લગતી હતી. તેનું મન ઇચ્છતું હતું કે કલ્પના અવાજ આપે... “હું અહી છું.. પવન... કેમ ડરી ગયો તું??”
પણ કોઈ અવાજ નહોતો. કાન ફાડી નાખે એવી શાંતિથી પવનનું હૃદય ધમણ ની જેમ ચાલવા માંડ્યું. એક કબુતર પાંખો ફફડાવીને બારી પાસે આવીને બેસી ગયું... પવને એ તરફ ધ્યાન ન આપ્યું.. અને કલ્પના... કલ્પના.. અવાજ કરતો આંખો ફાડીને બધા રૂમમાં જોવા લાગ્યો.. કબુતર ગળું ફુલાવીને ઘુર્રાવા લાગ્યું.. શાંત વાતાવરણમાં એ અવાજ પવનને કંપાવી મુકતો. ટીવીની લાલ બત્તી હજુ ચાલુ જ હતી. એ ઉપરનાં રૂમમાં સીડી ચડી ગયો.. તેણે ફેકેલી ટાઇ હજુ એમ જ પડી હતી.. ઇયરફોન પડ્યા હતા, જાણે કોઈ મરેલાં સાપની માફક... લેપટોપની સ્ક્રીનમાંથી હલકો પ્રકાશ બેડ પર પડતો હતો.
એ ફરી બહાર ગાર્ડન તરફ ગયો. ડાબી બાજુ જોઇને એની આંખો ફાટી ગઈ. ચાલતા – ચાલતા એક પગલું ચુકાઈ જવાયું. હૃદય વધારે ઝડપથી ધડકવા લાગ્યું. કલ્પનાના કપાળ પરથી લોહી વહ્યે જતું હતું. અને એ ધ્રુજતા શરીરે ગાર્ડનમાં એક બેંચ પાસે પડી હતી. તેણે લગભગ દોડીને કલ્પનાનું માથું પોતાના ખોળામાં લઇ લીધું.
“શું થયું?... કોણ હતું??? ક્યાંથી આવ્યો હતો???” એકસાથે તેણે સવાલો પૂછી લીધા.
કલ્પનાના હોઠ ધ્રુજતા હતા. તે કઈક બોલવા જતી હતી પણ બોલી ના શકી. કપાળ પર માથાનાં વાળમાંથી ઉતરતા લોહીના પ્રવાહ ને પવન જોઈ રહ્યો. મદદ માટે બૂમો પાડી. પણ તેણે લાગ્યું કે કોઈ સાંભળી રહ્યું નહોતું. બધું જ ખુબ અચાનક બની ગયું હોય એમ લાગ્યું. એક ક્ષણ પહેલાં એ કદાચ બેસીને પ્રેમની વાતો કરી શકત. એકબીજાનો હાથ પકડીને, આલિંગન કરીને ભેટી શકત, ચુંબન કરી શકત. પણ કાળ એ અણધાર્યો જ આવી પહોચ્યો હતો. એક જ પલ માં એ જીન્દગી થી દુર થઇ ગયો હોય એવું લાગ્યું. પોતાની જાત ને નિ:સહાય અનુભવી. જે બન્યું એ તેની સમજમાં આવતું હતું છતાં તે કઈ જ કરી શકે તેમ નહોતો. કુદરત સામે માણસ લાચાર થઇ જતો હોય છે.
કલ્પનાની આંખો અર્ધ બંધ થઇ ચુકી હતી. ધ્રુજતા હાથે તેણે પવનનાં ગાલ પર આંગળીઓ ફેરવી અને કહ્યું...
“કાર્તિક...”
પાછળથી એક જબરદસ્ત આંચકો મગજ પર લાગ્યો. કોઈએ વજનદાર લોખંડી વસ્તુથી તેણે માર્યો હતો..
બ્લેક... ફૂલ બ્લેક...
=========
પવન ઝબકીને પથારીમાંથી લગભગ બેઠો થઇ ગયો.કાર્તિક તેની નજર સામે જ ખુરશીમાં બેઠો હતો. કાર્તિક અને પવન કોલેજના મિત્રો હતા.
“શું થયું?? કોઈ ખરાબ સપનું જોયું?...”
“હા... કલ્પના...” પવન વધારે બોલી ન શક્યો... તેણે બંને હથેળીઓ ભેગી કરીને તેમાં ચહેરો દબાવી દીધો.
“પવન... તું કેમ હજુ પણ એવું વિચારે છે?? શી ઈઝ માય એક્સ-ગર્લફ્રેન્ડ... અને એ વાત ને આજે કેટલાય વર્ષો થઇ ગયા... તું કેમ એ વાતને હજુ ભૂલતો નથી???...
હું અને કલ્પના ફક્ત મિત્રો છીએ...” કાર્તિકે “ફક્ત” શબ્દ પર ભાર આપીને પવનને સમજાવ્યો. અને ઉમેર્યું.. “અને તને લાગતું હોય તો હું એ પણ છોડી દેવા તૈયાર છું... આફ્ટર ઓલ હવે એ તારી પત્ની છે. મારો કોઈ હક નથી.
તું કેમ આ બધી વાત સમજતો નથી?”.
“શું થયું?..” કલ્પનાએ આવતા જ પૂછ્યું.
“કઈ નહિ...” કાર્તિકે પવનને બોલતા અટકાવી, ચાલી રહેલી વાતને દબાવી દેતા કહ્યું. “સાહેબ જાગી ગયા...”
“ચા મુકું?” કલ્પના એ કહ્યું.
“ના...” થોડા ઉચા અવાજે પવનથી બોલાય ગયું. એને લાગ્યું કે સપનામાં બનેલી ઘટના ક્યાંક સાચે ન બની જાય.
“તું કોઈની સાથે વાત કરતો હતો??” કલ્પનાએ પાછા વળીને પૂછ્યું.
“નહિ તો...”
“પવન... તારો ફ્રેન્ડ અને મારો એક્સ-બોયફ્રેન્ડ.. કાર્તિક... એને મરી ગયાને આજે બે મહિના થયા. તું હજુ એ વાતને ભૂલતો નથી? તે એને નથી માર્યો. એ એક એક્સિડન્ટ હતો.... યુ હેવન્ટ કીલ્ડ કાર્તિક.. બી નોર્મલ હની...”
પલાઠી વાળીને બેડ પર જ તેણે ફરી પોતાનો ચેહરો હથેળીમાં દબાવી દીધો.
બહારથી એક જોરદાર અવાજ આવ્યો... જાણે કોઈ કાચ ફૂટ્યો...
“ના... તું ના જઈશ...કાર્તિક...”
કલ્પના મીશ્રીતભાવ સાથે પવન સામે જોઈ રહી.