પ્રસ્તાવના
‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’
શું ખરેખર તમને એવું લાગે છે કે પરસેવે નહાવાથી સિદ્ધિ મળે છે? જો પરસેવે નહાવાથી જ સિદ્ધિ મળતી હોત તો, કાળી મજુરી કરનારો મજુર આજે દુનિયાનો સૌથી અમીર આદમી હોત. સૌથી વધારે મહેનત કરનાર આજે સૌથી ઓછું કમાય છે, જયારે સૌથી ઓછી મહેનત કરનાર, ક્યારેય પરસેવો ના પાડનાર સૌથી વધુ કમાય છે. આનું કારણ શું છે કે તેઓ બુદ્ધિશાળી છે? જો બુદ્ધિની જ વાત હોત તો બુદ્ધિશાળી વ્યક્તિઓ અમીર હોત. તેને બદલે અત્યારે મોટા વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો બીજાને માટે કામ કરે છે. માનો યા ના માનો પણ આનું કારણ છે તેમની નિયતિ(ભાગ્ય). તેમનું કિસ્મત એવું હશે જે તેમને અમીર બનાવે છે.
જીંદગી કિસ્મત સે ચલતી હૈ દોસ્તો....
અગર દિમાગ સે ચલતી હોતી તો અકબર કી જગહ બિરબલ બાદશાહ ના હોતા ?
આ સ્ટોરી એક સ્ત્રીની છે જે નિયતિની દુશ્મન છે. તેનું ભાગ્ય ક્યારેય તેને સાથ આપતું નથી. જયારે જયારે તેને એવું લાગે છે કે હવે તે ખુશ છે તરત જ તેના જીવનમાં દુઃખો છવાઈ જાય છે. તે પોતાના દુઃખો દુર કરવા ઘણી મથામણો કરે છે, પણ નિયતિને તે પસંદ નથી. તે પલટવાર કરે છે.
આ સ્ટોરી મે મારા જીવનમાં બનેલા અમુક સાચા પ્રસંગોમાંથી પ્રેરણા લઈને લખી છે. તેમાં થોડી ફિલોસોફી પણ છે. અંત સુધી વાંચશો તો તે તમને જરૂર હચમચાવી મુકાશે.
નિયતિ-5
(વીતેલી ક્ષણો: સંધ્યાને જયારે ખબર પડે છે કે તેના પોતાના પિતાએ પૈસા માટે પોતાને બીજા પાસે મોકલી ત્યારે તે ઘર છોડી આંનદ સાથે રહેવા લાગે છે. આંનદના પિતાએ બનાવેલો બ્રિજ પડી જતા તેમને જેલ થાય છે અને તેમની બધી સંપતિ જપ્ત થઇ જાય છે. આંનદ અને સંધ્યા હવે ભાડાના મકાનમાં સામાન્ય માણસોની જેમ રહે છે. એક દિવસ તેમની જૂની મિત્ર સેન્ડી સંધ્યાને પોતાના લગ્નની કંકોત્રી આપવા આવે છે, પણ તે સંધ્યાના ઘરમાં આવતી નથી. તેથી સંધ્યાને બહુ દુઃખ થાય છે.)
હવે આગળ......
સેન્ડીના ગયા પછી સંધ્યાએ તરત જ દરવાજો બંધ કરી દીધો. દરવાજાની પાછળ જ એક ડૂસકું ભરી લીધું. તેને બહુ દુઃખ લાગ્યું હતું. તેણે કાર્ડ પલંગ પર ફેંકી દીધું અને લગ્નમાં ન જવાનો વિચાર કર્યો. સાંજે આંનદ ઘરે આવ્યો. જમીને જયારે પલંગ પર બેઠો ત્યારે તેણે કાર્ડ જોયું. તેણે તરત જ સંધ્યાને તેના વિશે પૂછ્યું. સંધ્યાએ બધી વાત જણાવી અને એ પણ કહ્યું કે આપણે લગ્નમાં નહિ જઈએ. આંનદને તો આ સાંભળીને નવાઈ લાગી. તેને થયું કે આ આમંત્રણથી સંધ્યા ખુશ થશે. આથી ઉલટી તે દુઃખી થઇ. તેને કારણ પૂછ્યું તો સંધ્યાએ તેને બધી વાત કરી. આંનદે તેનો હાથ પકડીને સમજાવતા કહ્યું "આપણે આ લગ્નમાં જવું જોઈએ. સેન્ડી અને આપણે બાળપણથી સાથે ભણ્યા છીએ અને આમ પણ આપણે ઘણા દિવસોથી બહાર નથી ગયા. આ આપણા માટે એક સારી તક છે. જો સેન્ડીને આપણાથી જ તકલીફ હોત તો તે અહીંયા કાર્ડ દેવા જ ન આવત. જયારે આપણા કોઈ સગા વહાલા આપણને બોલાવતા નથી ત્યારે આવા સમયમાં તે આપણા ઘરે આવી એ કઈ નાની વાત નથી. ઘણા સમય પછી આપણને કોઈ ઓળખીતું મળ્યું છે. તેના લગ્નમાં જઈશું તો બીજા સાગવહાલાઓ સાથે પણ સબંધ વધશે. અને રહી વાત તેના અભિમાનની તો એ તો આપણા વીચારો જ એવા હોય છે. માની લે કે સેન્ડીની જગ્યાએ કોઈ ગરીબ આ કંકોત્રી દેવા આવ્યું હોત અને આપણા ઘરમાં ના આવ્યું હોત તો તને આટલું દુઃખ ન થાત. પણ અમીર માણસ આપણા ઘરમાં ન આવે એટલે આપણે એવું માની લઇએ છીએ કે તેઓ અભિમાની છે પણ એવું નથી હોતું. જો તેને એટલું જ અભિમાન હોત તે અહીંયા આવી જ ન હોત અને તે જ કહ્યું કે તે ઉતાવળમાં હતી. પોતાના લગ્ન હોય ત્યારે કોને ટાઈમ હોય છે ? લગ્ન વખતે કેટલું બધું કામ હોય છે. એટલે આ વાત મગજમાંથી કાઢી નાખ. આપણે તેના લગ્નમાં જઈશું." સંધ્યાને વિનોદની આ વાત સાચી લાગી. તેના મનમાંથી થોડો બોજ હળવો થયો.
આંનદે સંધ્યાને કાર્ડ બતાવતા કહ્યું "આમ જો લગ્નમાં 'વિચારોનું વૃંદાવન' નામનો કાર્યક્રમ પણ રાખ્યો છે. તેમાં તું વાત કરતી હતી ને તે પ્રખ્યાત ફિલોસોફર વિનોદ મિસ્ત્રી વક્તા છે. તે તેની કેટલી બધી બૂકો તારા સ્ટોરમાં વાંચી છે. તેને રૂબરૂ જોવાનો અને તેની સાથે વાત કરવાનો ચાન્સ મળશે. આવો મોકો તને બીજે ક્યારે મળશે ? તેથી આપણે જરૂર જઈશું."
સંધ્યાને હજુ મૂંઝવણમાં જોઈને આંનંદ બોલ્યો "શું વાત છે કેમ તું કઈ બોલતી નથી ? જો તારી ઈચ્છા નહિ હોય તો આપણે નહિ જઈએ. હું તો ખાલી એમ કહેતો હતો કે આ એક સારો મોકો છે. બાકી તો તારી મરજી." સંધ્યાએ કહ્યું "એવી વાત નથી આંનદ. સેન્ડીનો પરિવાર બહુ અમિર છે. તેના લગ્નમાં બધા મોટા માણસો આવશે. ત્યાં આપડે આવા કપડામાં સારા ન લાગીએ." આંનંદે તો આ વાત વિચારી જ ન હતી. તેણે કહ્યું "એમા ક્યાં મોટી વાત છે. આમ પણ તે ઘણા સમયથી કોઈ ડ્રેસ લીધો નથી અને દિવાળી પણ નજીક છે તેથી આ વખતે તને ગમે તેવી કોઈ સારી સાડી લઇ લે. હું મારી ઓફિસેથી કોઈની પાસેથી સૂટ એકદિવસ પૂરતો લઇ લઈશ. બોલ કેટલા પૈસા જોઈએ છે ?"
સંધ્યાએ કહ્યું "માત્ર સાડીથી કામ નહિ થાય. મારે બ્યુટીપાર્લર પણ જવું પડશે. એ બધું થઈને અંદાજે આઠેક હાજર જેવો ખર્ચ થશે." આંનદને આ સાંભળીને આંચકો લાગ્યો છતાં સંધ્યાને ખુશ રાખવા માટે તેણે હા પાડી. વળી તેને મનમાં એમ પણ થયું કે લગ્નમાં મોટા માણસોને મળવાનું થશે. કદાચ તેમાંથી કોઈ સારી ઓળખાણો થાય અને સારું કામ મળી જાય. તેણે થોડા રૂપિયા દિવાળીની રજાઓમાં વાપરવા માટે સાચવ્યા હતા. તે અને બીજા થોડાક મિત્ર પાસેથી ઉછીના લઈને તેને આપ્યા. સંધ્યા હજુ ખુશ ના થઇ તેણે કહ્યું "લગ્નમાં બધા ઘરેણાં પહેરીને આવશે. મારે પણ ઘરેણાં પહેરવા જોઈએ." આંનદને આ સાંભળીને ખુબ ગુસ્સો આવ્યો. તેને લાગ્યું કે સાચે જ સ્ત્રીઓને ગમે તેટલું આપો તોય તેની જરૂરિયાતો પુરી થતી જ નથી. આ મૂર્ખ સ્ત્રી એ નથી જોતી કે હું સૂટ કોઈ બીજા કોઈનો પહેરવાનો છું અને આને 8 હજાર રૂપિયા આપ્યા છતાં હજુ ઘરેણા જોઈએ છે. તેણે કહ્યું "તું શા માટે કોઈની પાસે ઉધાર નથી માંગતી? એક કામ કરને, સેન્ડી પાસેથી જ માંગી લે. એ બહાને તારી તેની સાથે ઓળખાણ પણ થઇ જશે.” સંધ્યાને વાત સાચી લાગી. તેણે માથું હલાવી હા પાડી.
બીજે દિવસે તે સેન્ડીના ઘરે ગઈ. પહેલા તો ઘરમાં જતા સંકોચ થયો પણ પછી સેન્ડીએ તેને ઉમળકાભેર બોલાવતા અંદર ગઈ. તેણે સેંડીને પોતાની હારવાળી વાત કહી. સેન્ડીએ કહ્યું "શા માટે નહિ? તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને લગ્ન પણ મારા છે." તેણે પોતાના ઘરેણા બતાવતા કહ્યું કે "આમાંથી તને જે ગમેં તે લઇ લે." સંધ્યા તો ઘરેણા જોઈને ડઘાઈ જ ગઈ. તેણે ઘણા સમય પછી આટલા ઘરેણાં જોયા હતા. તેણે પહેલા તો એક નાનો હાર પસંદ કર્યો પછી તેને થયું કે જિંદગીમાં બીજીવાર ક્યારે આવા ઘરેણાં પહેરવા મળશે, કદાચ જોવા પણ નહિ મળે. આમ વિચારીને તેણે એક મોટો હાર પસંદ કર્યો. હારની બંને બાજુ મોરની પ્રતિકૃતિ હતી. મોરના પીછામાં સુંદર મીનાકારીગારી કરી હતી. તેની ડોકમાં સુંદર હીરાઓ જડ્યા હતા. તેણે હાર જોતા જ ખુબ ગમી ગયો. હાર હાથમાં લેતા તો તેના હાથ ધ્રુજવા લાગ્યા. હાર ગળા આગળ રાખતા તો તેનું હદય જોરથી ધબકવા લાગ્યું. તેણે સંકોચ અને દ્રીધાને કારણે ચિંતાથી કહ્યું “તું મને આ હાર આપશે?” સેન્ડીએ કહ્યું “હા ચોક્કસ! લઇ જા.” સેન્ડી ડબ્બામાં હાર મૂકી ખુશ થતી ઘરે જવા નીકળી. તેણે વિચાર્યું “આંનદ સાચું જ કહેતો હતો. પોતે જ ખોટું વિચારતી હતી. જોને સેન્ડીએ કેટલી પ્રેમથી બોલાવી. આવડો મોટો હાર પણ કોઈ પણ આનાકાની વગર આપી દીધો.” આવું વિચારતી વિચારતી તે ખુશ થતી ઘરે ગઈ.
લગ્નના દિવસે સંધ્યા તૈયાર થવા બ્યુટીપાર્લરમાં ગઈ. તેને ઘણા લાંબા સમય પછી બ્યુટીપાર્લર જોયું. તેણે વાયોલેટ કલરની સાડી પહેરી હતી. તૈયાર થતા તે બહુ સુંદર લગતી હતી. તેણે તૈયાર થઈને ક્યાય સુધી અરીસામાં જોયા કર્યું. તે પોતાના જ પ્રેમમાં પડી ગઈ. હાર તેની સુંદરતા વધારતો ન હતો પણ, સંધ્યા હારની સુંદરતા વધારતી હતી.
(સંધ્યા હવે લગ્નમાં જવા તો તૈયાર થઇ છે પણ તેને ખબર નથી ત્યાં શું થવાનું છે? લગ્નમાં સંધ્યાનું કંઈક બીજું રૂપ જ જોવા મળશે. કઈ રીતે તે હવે આગળના ભાગમાં. ત્યાં સુધી ખુશ રહો.)