Li. Pramanik Fankodi in Gujarati Short Stories by Kandarp Patel books and stories PDF | લિ. પ્રમાણિક ફાંકોડી

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લિ. પ્રમાણિક ફાંકોડી

લિ. પ્રમાણિક ફાંકોડી

કંદર્પ પટેલ

: અનુક્રમણિકા :

  • મજબૂત હૃદયમાં એક લાગણીભીનું ઝરણું જોઈએ
  • જસ્ટ મૂવ ઓન...!
  • ‘સ્કિલ ડેવલપમેન્ટ’ કે પછી ‘still....devlopement’...?

  • *મજબૂત હૃદયમાં એક લાગણીભીનું ઝરણું જોઈએ*

    એક દસેક વર્ષનું બાળક. બપોરના ૩:૩૦નો નાભિમાંથી કાળી ચીસ મુકાઈ જાય તેવો તડકો. સુમસામ રસ્તો. કાળો પથ્થરિયો રસ્તો ડામરમાંથી વરાળ નાખીને લોકો પર હસતો હોય તેવો દિવસ. પરસેવાની બૂંદ રેલો બનીને લસરીને દૂંટી સુધી પહોચીને ગલગલિયા કરે તેવી પરિસ્થિતિ. દેરાસરની સામે એક પાલિકાના બાંકડાની પાછળ સંતાયેલું એ બાળક. બપોર કાઢવા માટે તડપતુ અને રોટલીના ટુકડા માટે વલખા લેતું એ બાળકને જોઇને આજે કૃષ્ણનગર બી.આર.ટી પાસે કંપનીથી પાછા ફરતી વખતે એ પ્રસંગને સીધો જ કાળજે કોતરવાનું મન થયું.

    નાકમાંથી શ્લેષ્મની પીળી લીંટ અને ધૂળ-ધુમાડાને લીધે ગાલ પર જામી ગયેલ આંસુઓની લાંબી ધાર. એ બાળક ફાટેલ ટી-શર્ટ પર દોરેલો સુપરમેનનો લોગો સાથે બાંકડામાંથી કંઇક જોઈ રહ્યું હતું. આજુબાજુ પડેલા મકાઈના ડોડામાંના બચેલા દાણાઓને વીણીને ખાઈ રહ્યું હતું. સામેના કાંઠે કોઈ અલગારી ઓલિયો ફકીર તેવી જ અવસ્થામાં ત્યાંથી પસાર થયો. તે બાળક બાજુની દુકાનમાં ગઈ કાલના દાબેલીના વાસી ટુકડાને ખાવા માટે ગયો. વર્ષોની ભૂખ જાણે આજે મિટાવવાની હોય તેમ તે છોકરો દોડ્યો. રસ્તામાં એક પાન-મસાલાની દુકાન પાસે જઈને તેણે પાણીના પાઉચની માંગણી કરી. તે દુકાનદારે તેને ભગાડી મુક્યો. તેની બાજુની દુકાનનું શટર ખુલવા જઈ રહ્યું હતું. દુકાનમાંથી જંકફૂડની એક હાટડી હતી, જે દુકાનમાંથી બહાર કાઢી. બ્રેડના પેકેટ વ્યવસ્થિત ગોઠવ્યા. પેલો છોકરો એક લાઈટના થાંભલાની સાથે વળગીને ઉભો હતો. કકડીને ભૂખ લાગી હતી, સામે ભોજન હતું. મનમાં એક ડર હતો. એ ભૂખની ચીસ આંખમાં આંસુ બનીને ઉભરી રહી હતી અને ગરમીમાં વરાળ બનીને ઉડી જતી હતી. પેલા દુકાનદારે એક પાંવમાં વડું મુક્યું અને બીજા પાંવમાં મસાલો નાંખીને દાબેલી તૈયાર કરી. તેમાં અગરબત્તી લગાવીને વડાની અંદર ખોસી. પછી પેલો ભાઈ દુકાનની અંદર બાકીના પેકેટ અને અન્ય ડબ્બા સહિતનો સમાન લેવા ગયો. અને, છોકરા એ દોટ મૂકી.

    પગમાં જાણે જાન આવી ગઈ હતી. એ ભગવાનને ધરેલ બંને પાંવ પોતાના જ છે તેમ સમજીને તેણે બંને હાથમાં એક-એક પાવ પકડ્યું. મોઢાની બંને બહારની ધારથી અમુક મસાલો નીચે પડતો જતો હતો અને એ મોજમાં ખાઈ રહ્યો હતો. હજુ માંડ ૨-૩ કોળિયા જઠરમાંના અગ્નિને શાંત કરવા પહોચ્યા હશે ત્યાં જ, પેલો દુકાનદાર આવ્યો. તેણે છોકરાના હાથમાંથી બંને પાંવ લઈને તેને જોરથી લપડાક લગાવીને ભગાડ્યો. પેલો છોકરો દોડવા લાગ્યો, અને સીધો તેની જેવી જ પરિસ્થિતિમાં આ બધું જોઈ રહેલા કોઈ સાધુ-બાવાની સાથે અથડાયો. પેલા ફકીરે પોતાની અમીરી દર્શાવી દીધી. એ બાળકને તેડીને એ જ દુકાન પાસે આવ્યો. દુકાનદાર પાસે જઈને ખિસ્સામાંથી આખા દિવસના ભેગા થયેલા બધા જ પૈસાનો ઢગલો કરી દીધો. જાણે પોતે દુનિયાનો અધિપતિ હોય અને પોતાની અઢળક સંપત્તિ છોડીને આવ્યો હોય તેવા ભાવ સાથે તે બાળકને પોતાના ખભા પર બેસાડ્યું. એ બાળકના હાથ પકડીને તેને દુકાન પાસે લઇ ગયો. બિસ્કીટનું પેકેટ ખવડાવ્યું અને પોતે પણ ખાધું.

    પોતાના ખભા પર એ બાળકને ફરીથી બેસાડીને ચાલવા માંડ્યો. પેલો છોકરો એ વિશ્વાસના મજબુત ખભા પરથી આખી દુનિયા જોઈ રહ્યું હતું. ધિક્કાર, ધ્રુણા અને તિરસ્કારની દુનિયાને પોતાના મન વડે જાણતું થયું હતું. પોતાની સાથે કોઈ છે, તેવા વિશ્વાસ સાથે તેની આખો એ કાળા તડકામાં પણ તેઝતર્રાર મોટી આંખો સૂરજને ચુનોતી આપતી હોઈ તેવું લાગતું હતું. પોતાના માટે 'નથિંગ' હતો એ આજે 'સમથિંગ' બની ગયો હતો. નામી-અનામી સંબંધ આજે આ ધગધગતા લાલ લોહી બનાવનારના સંબંધથી જોડાઈ ચુક્યા હતા.

    ક્યારેક દુનિયાના ખૂણામાં જઈને જોઈએ તો ફૂલ એ.સીના મોટા હોલમાં બેસીને મોટીવેશનલ મોટરોની જરૂર નથી, કોઈક સાઈકલની ચેઈનનો અવાજ પણ સીધો દિલમાં ઉતરી જાય છે. હા, આજે મને 'વિશ્વાસ' છે, કે આ દુનિયામાં કેટલાયે એવા 'શ્વાસ' છે જેનામાં એક દૈવી ઈશ્વરીય શક્તિનો 'વાસ' છે. તેથી જ આ દુનિયા મહાન છે, દુનિયા બનાવનાર મહાન છે. કોઈ ભૂખ્યું નથી, એ જ વહેલુ-મોડું દરેકનું પૂરું પાડે છે. બસ, છાતીમાં એક મજબૂત હૃદય જોઈએ. એ મજબૂત હૃદયમાં એક લાગણીભીનું ઝરણું જોઈએ.

    *જસ્ટ મૂવ ઓન...!*

    એક છોકરી મનમાં કેટલાક સવાલો સાથે બારીની ઓથે બેઠી છે. પગ વાળી અને ચહેરાને ઘૂંટણ પર ટેકવીને એ કંઇક વિચારે છે. થોડી ચિંતિત છે, થોડી ભવિષ્યની ભીતિ છે, કેટલાક સવાલોની ખયાલી છે અને કેટલાક જવાબોની અપેક્ષિત છે. હાથમાં રહેલા મોબાઈલમાં વોટ્સએપની એપ્લીકેશન ખુલ્લી છે. તેના કોઈ નજીકના દોસ્ત સાથે વાત કરે છે. ‘હેય..!’

    ‘હા બોલ..!’ દોસ્ત એ પૂછ્યું.

    ‘એક સવાલ પૂછું?’ એ છોકરીએ પૂછ્યું.

    ‘મને હજુ ભણવું છે. જો પાંચ વર્ષ મહેનત કરું તો બાકીના પચાસ વર્ષ આરામથી નીકળી જાય.’ એ છોકરી એ પોતાની અંદરની વાતોને બહાર વહેતી મૂકી.

    ‘હું આખા ઘરની જવાબદારી કઈ રીતે લઈશ? મારે મેરેજ નથી કરવા હમણાં. જો ભણી લઉં તો લાઈફ સેટ થઇ જાય. પછી નો ટેન્શન..! સાસુ-સસરા... એવા બધા સંબંધ હજુ નથી જોડવા. મારે જલસા કરવા છે. મોજ કરવી છે. હજુ પોતાના માટે જીવવું છે. પછી તો બીજાના માટે જ કરવાનું છે બધું..!’

    ‘હજુ હું એ દરેક માટે તૈયાર નથી, એવું મને લાગે છે. આઈ વોન્ટ ટુ એન્જોય માય લાઈફ.’

    એકદમ સાચી વાત. પોતાની ફીલિંગને ડંકાની ચોટ પર કહી. કેટલાક ઈમોશન્સ સાથે દરેક વાતો ખરેખર હકીકત છે. પરંતુ, ભવિષ્યથી આટલું ડરીને કેમ જીવવાનું? પ્રશ્નો સાથે કેમ શ્વાસ લેવા? પોતાનો અંતરાત્મા ક્યારેય જવાબ નથી આપતો? કે આપણને માત્ર નેગેટિવ વાતોની અસર રહેવાથી તેનો નશો ચડી જાય છે? ભવિષ્યની હકીકતનો સામનો ન કરતા દૂર ભાગવું, એ જ આ વાતનો નિષ્કર્ષ છે.

    આ ઘટના આજના દરેક જુવાનિયાઓની જિંદગીની જિંદગાની સમાન દરેક સાથે બની હશે. પણ, આ કન્વર્ઝેશન કેટલીયે વાત પર મોટા ભારે-ભરખમ પ્રશ્નાર્થચિહ્નો મૂકી જાય છે.

    શું આજનું શિક્ષણ એક ‘શિખામણ’ ને બદલે ‘શિક્ષા’ બની ચુક્યું છે? રાક્ષસી ડ્રેગનની જેમ આવનારા ૫૦ વર્ષની જિંદગીનો ડર આજથી બતાવી રહ્યું છે?

    ભવિષ્યમાં કોઈ જ દુઃખ સહન (નથી કરવા/નહિ આવે)ના વિચારને એક ગ્રંથિ બનાવીને જીવવું એ શક્ય છે?

    જો આટલા વર્ષ મહેનત કરીશું તો આવનારી આખી લાઈફ ‘સોનેરી’ બની જશે અને આટલા વર્ષ જીવીશું(એન્જોય) તો બાકીની લાઈફ ઘસાઈને-કુટાઈને-અથડાઈને કાઢવી પડશે? અલ્ટીમેટ મોરલ તો એ જ થયો ને...!

    ખેર, વાત કરવી છે તેની પાછળના કારણની.

    પહેલું કારણ છે આપણી આસપાસનો ઘેટાછાપ સમાજ.

    આપણો એક જ ઘરેડમાં ચાલતો અને ‘સોશિયલ એપ્રુવલ’ના લેબલ સાથે પાસ થયેલો સમાજ બાળકથી યુવાન બનવા તરફની ઉંમરમાં એવા કૃત્રિમ બિયારણોનું વાવેતર તેના મનમાં કરે છે કે જે, યુવાનીને બાળીને ખાખ કરવા પુરતું છે. કુદરતી અને જે ખરેખર ઉપયોગી છે તેવી જાણ હોવા છતાં એ બિયારણને મન નામની ‘રિસાયકલ બિન’માં સાચવીને રાખે છે. સામાજિક, વ્યવહારિક અને આર્થિક ફોર્માલીટી-ભર્યા સંબંધોનું દબાણ એવું તે લાદવામાં આવે છે કે જાણે એ વ્યક્તિ માટે તેમની છોકરી કે છોકરો ‘પ્રેશર કૂકર’ છે અને પોતે ‘સીટી’ છે, જે યંગ બ્રિગેડ ઉંચી થાય એટલે તરત જ વાગે અને નીચે બેસાડી દે છે.

    બીજું કારણ છે આજનું શિક્ષણ.

    શિક્ષણ એ ‘શિક્ષા’નો પર્યાયી છે, એવું આજકાલની ગુજરાતીની ચોપડીમાં આવતા ‘ટિપ્પણ’માં આવે તો નવાઈ નહિ..! ભવિષ્યનો ડર બતાવીને ભવિષ્ય અને પૈસાનો શિરચ્છેદ કરતુ આજનું થર્ડ ક્લાસ શિક્ષણ જે આજે ભવિષ્યના પચાસ વર્ષ સુધી ‘થર્ડ ડિગ્રી’નો ‘ડિગ્રી-કરંટ’ પૂરો આપી જાય છે. કોણે કહ્યું કે આ પાંચ વર્ષ તમારી પચાસ વર્ષની જિંદગીના દિવસો લખશે? આ સદંતર અસત્ય અને ભ્રમથી ભરાયેલ કરોળિયાના જાળા જેવા માનવીય મગજની ઉપજ છે. દરેક વાતને ભવિષ્યના ઓથાર હેઠળ રાખીને તેનો નિર્ણય લેવો જોઈએ એ સમજ બહારનો વિષય છે. જુવાનિયાઓ આવતી કાલની ‘માથાકૂટ’માં આજને ‘ફૂટી-ફૂટી’ને ‘માથા’માં પથ્થરની માફક મારે છે.

    ત્રીજું અને મહત્વનું કારણ છે સ્વ: અસત્ય.

    ‘મારે મારી લાઈફ હજુ જીવવી છે. એન્જોય કરવી છે. મહેનત કરવું છે અને બાકીના પચાસ વર્ષ શાંતિથી કાઢવા છે.’ આ વિધાન બોલ્યા પછી પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે, ‘શું ખરેખર આપણે લાઈફને એન્જોય કરીએ છીએ?’ આ તો એવું થયું, કે લાઈબ્રેરીમાંથી કોઈ બુક વાંચવા લઇ આવ્યા અને પછી દેવાની થાય ત્યારે યાદ આવે કે હજુ તો વાંચવાની બાકી છે. તે દિવસે કોઈક પૂછે, ‘ભાઈ...! તે દિવસે જે બુક લઇ આવેલો એ વંચાઈ ગઈ હોય તો આપ ને..!’ ત્યારે જવાબ આપીએ કે, ‘મારે હજુ બાકી છે. હું રિન્યુ કરાવું છું.’ બસ, આવું જ આપણું છે. કોઈકને યાદ અપાવવું પડે છે, કે મોજ-મસ્તી કરવાની રહી ગઈ છે. ‘કેવું ચાલે છે?’ ત્યારે જવાબ આપીએ છીએ, ‘જો આમ થાય ને, તો કંઇક મજા આવે. બાકી તો ઠીક બધું.’ દરેક વ્યક્તિ એ વસ્તુની પાછળ જ પડેલા રહે છે, પણ એ વસ્તુ જ યાદ નથી હોતી એ હકીકત છે. મોજ-એ-દરિયા છે, એવું બોલવા માટે પણ કોઈકને યાદ કરાવવું પડે છે, ‘ભાઈ...! જલસા ને?’ ત્યારે યાદ આવે કે જલસા કરવાના તો રહી જ ગયા.

    જે કહીએ છીએ, એ ખરેખર આપણે કરતા હોતા નથી પરંતુ એ કરવાનું વિચારી રહ્યા હોઈએ છીએ. જે ક્યારેય થતું નથી. પડછાયાને પકડવામાં વ્યક્તિ ઓળખી શકાતો નથી, તેમ મૃગજળનો પીછો કરવાથી પાણી મળતું નથી. થોડું રિઅલ બનવું પડે છે, સ્વીકાવું પડે છે અને આત્મસાત કરવું પડે છે. ક્યાં સુધી એક જ બસની રહે એ ‘સ્ટોપ’ પર સ્ટોપ થઈને ‘સ્ટેન્ડ’ લીધા કરીશું? જો એ પાંચ વર્ષનું શિક્ષણ માત્ર જ ‘લિટ ઓફ લાઈફ’ બની રહેવાનું હોય તો ડોક્ટર, સી.એ. કે એન્જીનિયરીંગના કોર્સને જ કેમ મહત્વ? એક જ ઘરેડમાં ચાલતો રહેલો ધંધો કરીને પાંચ વર્ષ મજા આવે દોસ્ત...! પચાસ વર્ષ નહિ. એ તો માત્ર કરવું ‘પડે’.

    અમુક કોર્સમાં ભણીએ તો જ ભવિષ્ય છે, બાકીના માટે અંધકાર છે. તો પછી મનોરંજન પૂરું કોણ પડશે? સ્પોર્ટ્સ કોણ રમશે? ડ્રાઈવર અને કંડકટર કોણ બનશે? લેખક, ચિત્રકાર, વૈજ્ઞાનિક, ક્લીનર... આ બધું તો કોઈકને બનવું પડશે ને? તમારી આઠ કલાકની બેકાર, ફિક્કી અને રસહીન નોકરી પરથી આવ્યા પછી કોઈક તો એન્ટરટેઈનમેન્ટ જોઇશે ને? એનિમેશન ફિલ્મ, એક્ઝીબીશન, ઈન્ટીરીઅર, ગ્રાફિક્સ, સિરામિક & ગ્લાસ, ફર્નીચર, આર્કિટેક્ચર, કેનવાસ, ફેશન, ક્રાફ્ટ, ફાઈન આર્ટ્સ, ક્રોકરી, ટોય & ગેમ..! આ દરેક ડિઝાઈનના એવા ક્ષેત્રો છે જેમાં વ્યક્તિ અસાધારણ પ્રગતિ કરીને તેવી જ પ્રતિભા ઉભી કરી શકે છે. બસ, એ ઘરેડમાંથી બહાર નીકળવાનું છે. પરિઘની બહારની દુનિયામાં ઝાંકવાનું છે. અનુભવોની લ્હાણી કરવાની છે.

    બોરિંગ નથી બનવાનું...! કોઈકના દિલમાં ‘બોર’ કરીને અમૃતનું મીઠું ઝરણું વહાવવાનું છે.

    ભવિષ્યને ‘ભાવ’ આપ્યા વિના વર્તમાન સાથે પૂરી પ્રમાણિકતાથી ‘વર્તન’ કરવાનું છે.

    આજનો ‘નાથિયો’ બનીને આવતી કાલનો ‘નાથાલાલ’ બનવામાં જ મજા છે.

    ‘ચિંતા’ની ‘ચિતા’ પર જલસાની મીઠી ચાદર ઓઢીને સૂવાનું છે.

    આવતી કાલની ફિકર કરશે એ ‘ભજ ગોવિંદ’...! પણ આજે તો ‘ગોવિંદ’ બનીને રમવું છે.

    ‘રિયાલીટી’ની ‘લીટી’ લાંબી કરીને ‘નિયતિ’ની ‘નીતિ’ પર વિશ્વાસ રાખવો છે.

    ઈશ્વર આપણા માટે ‘સારું’ જ કરે છે તેની નોંધ લેવાની ‘શરુ’ આજથી જ કરવી છે.

    ‘જસ્ટ મૂવ ઓન...!’

    *‘સ્કિલ ડેવલપમેન્ટ’ કે પછી ‘still....devlopement’...?*

    માતાના ગર્ભમાં રહેલા નવ મહિનાના બાળક પાસે ભગવાન છેલ્લી વખત મળવા માટે આવે છે.

    “શું કરે છે દીકરા? વોટ્સ ગોઇંગ ઓન?” મોર્ડન ઈશ્વરે પૂછ્યું.

    “બસ, દોસ્ત...! હવે નવી દુનિયાને જોવાની ઉતાવળ છે. મારી ‘મોમ’ની નજરથી દુનિયાને જોઇને, ગેટિંગ સો બોર..! યુ નો..” આજના યો-યો વર્લ્ડમાંના પોપિંગ-રેપિંગના યંગ બ્લડએ જવાબ આપ્યો. (બાળક ભગવાનનું સ્વરૂપ, એટલે બંને દોસ્ત થાય ને..!)

    “દોસ્ત..! તને એક ગીફ્ટ આપવા આવ્યો છું. આ ૯ મહિના તારી સાથે રહેવાનો મને ચાન્સ મળ્યો, એ બદલ એક વિશિંગ પ્રાઈઝ.” ખુદા એ ગીફ્ટ આપવા ઉત્સુક હતો.

    “થેંક્સ બડી...! નાઉ આઈ હેવ ટુ ગો. બાય..!” છોકરો ઉત્સુક હતો નવી દુનિયાને જોવા, માણવા અને અનુભવવા.

    હજુ કંઇક, કહેવું હતું ભગવાનને એ વિશિંગ ગિફ્ટ બોક્ષ વિષે. છતાં, રહેવાયું નહિ અને છેવટે જોરથી કહ્યું, “દોસ્ત..! જરૂર પડે ત્યારે આજુબાજુની દુનિયા પાસે નહિ પરંતુ આ ગિફ્ટ પેકમાં એક નજર કરી લેજે. તારા કામની વસ્તુ છે.”

    “k...hmm” કહીને બાળક એન્ટર થઇ ગયો આ દુનિયાની એન્ટરપ્રાઈઝમાં.

    દરેક વ્યક્તિને પેલો ઈશ્વર હંમેશા પોતાના બ્લેસિંગ્સ આપીને જ આ ધરતી પર મોકલતો હોય છે. દરેક વ્યક્તિને કંઈ ને કંઈ ધ્યેય સાથે, વિચાર સાથે, વ્યક્તિવ સાથે અને વક્તવ્ય સાથે મોકલતો હોય છે. પરંતુ, સમાજ, શિક્ષણ અને વાતાવરણની છડી એવી તે એના પર ફરે છે કે તે પોતે અવ્યક્ત બનીને સમય સાથે મુક બનીને જીવતો હોવા છતાં માત્ર માંસનો એક પિંડો બનીને રહી જાય છે. દરેક વ્યક્તિ પોતે સ્ટુડન્ટ બનીને અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનો સિક્કો જમાવવાની કોશિશ માત્ર કરે છે. બસ, દિલમાં શું છે? આ પ્રશ્નનો જવાબ તેની પાસે નથી હોતો. કેટલુંયે બધું ‘ટ્રાયલ મોડ’ પર રહીને નવું શીખવાનો નહિ, પરંતુ એ પૂરું કરીને બીજા પર છલાંગ લગાવવાની કોશિશ કરતો હોય છે. પછડાટ ખાય છે ત્યારે હિંમત હારીને બેસી જાય છે અને ઘેટાશાહી ટોળામાં ધક્કે ચડીને ચાલતો રહે છે.

    બસ, આવી જ કંઇક હાલત છે આ સ્કિલ ડેવલપમેન્ટના નામ પર ચાલતા તૂતની. આજે દરેક સ્ટુડન્ટના મનમાં આપણો ઓશિયાળો સમાજ ‘વ્હાઈટ કોલર જોબ’ના બાળપણથી એવા છોડવાઓ રોપે છે જે મોટા થઈને વટવૃક્ષ બની નવા વિચારો કે પ્રકૃતિને સમજવા સુદ્ધા તૈયાર નથી હોતા. વ્યક્તિની સ્વતંત્ર નિર્ણયશક્તિ પર થતા આકરા પ્રહારોને સમાજ દ્વારા એટલી જ સરળતાથી ઝીલાવવામાં આવે છે. ‘જો આમ નહિ કરો..! તો કંઈ નહિ કરી શકો.’ ની ટેગલાઈન તો આજે બેન્ચમાર્ક બની ચુકી છે. દરેક વાતમાં ભવિષ્યનો ડર અને નવી વિચારધારાનો હળહળતો અસ્વીકાર, જે પોતાના બાળકમાં નાનપણથી જ રેડવામાં આવે છે. પોતાના બાળકની લગભગ પૂરી લાઈફ આજે તેમના માતા-પિતા જીવી રહ્યા છે.

    વ્યવહારિક, આર્થિક કે સામાજિક... કોઈ પણ પ્રકારની સમજ વિનાના બાળકો મોટા એન્જિનિયરો, ડોકટરો કે સી.એ. બનીને માત્ર ચોપડીના શબ્દોમાં જ ગૂંચવાઈને રહી જાય છે. આવા ચીબાવલાઓને રસ્તો બતાવવા ‘ધોરણ ૧૦ પછી શું?’, ‘ધોરણ ૧૨ સાયન્સ પછી શું?’, ‘વિદેશમાં અભ્યાસ માટે કેમ જવું જોઈએ?’ જેવી પત્રિકાઓ અને પુસ્તકો બહાર પાડવા પડે છે. અલગ-અલગ સ્કિલના કોર્સની ખોબલે-ખોબલે લ્હાણીઓ કરાવવી પડે છે. માં-બાપ પણ પોતાના દીકરાઓના બાયોડેટા લઈને સમાજ પાસે ભીખ માંગવા દોડી પડે છે. જે લોકોનો દુર-દુર સુધી આપણી સાથે કોઈ સંબંધ નથી એ લોકો આપણું ભવિષ્ય પૈસાના દમ પર બનાવી દેવા દોડે છે. પોતાને સ્કિલ ડેવલપમેન્ટનું સ્ટીરોઇડ ટાઈપનું ૩/૬ કે ૧૨ મહિના માટે અલગ-અલગ કોર્સનું ઇન્જેક્શન અપાવવા માટે લોકો રીતસરના દોડી રહ્યા છે. જેમનામાં, સ્કિલ શું કહેવાય? તેનો અર્થ શું? જેવા સામાન્ય પ્રશ્નોની સમજ નથી એ આપણી ગેરસમજને દૂર કરવા નીકળી પડ્યા છે. દરેક સોસાયટી આ લોકોએ કવર કરી છે, દરેક મહોલ્લો પોતાની માર્કેટિંગથી સર કર્યો છે, દરેક દીવાલોને પોતાના ઇન્સ્ટીટયુટની જાહેરખબરોથી ભરી મૂકી છે, સોશિયલ મીડિયાને પોતાની ચોખલિયાવેડી વાતોથી સ્કિલના રંગે રંગી દીધું છે. મોટીવેશનના મોટા-મોટા અધિવેશનો ભરીને યંગ બ્રિગેડને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન થતો રહે છે.

    દરેક જગ્યાએથી હારી-થાકીને આવેલો માણસ કઈ જ સમજવા કે અપનાવવા જેટલો ધીરજવાન કે શક્તિશાળી રહેતો નથી. તેથી જન્મતી વખતે જે અલગ ધ્યેય સાથે દુનિયામાં આવ્યો હતો તે નામશેષ થઇ ચુક્યું હોય છે, મન:સ્મૃતિના પટ પરથી ક્યારનુંયે ભૂંસાઈ ગયું હોય છે. નવા કામ કરવાની સાથે અલગ નામ કરવાની જે હોંશ હતી તે ચકનાચૂર થયેલી દેખાય છે. એ સમયે સૌથી વધુ આપણો ઉપયોગ આપણી આજુબાજુના લોકો જ કરી જાય છે. આત્મવિશ્વાસ પર શાબ્દિક પ્રહારો કરીને હથોડા જેવા ઘા કરીને તોડી નાખે છે. કોઈ પણ પ્રકારની સ્કિલ અડોપ્ટ કરવા જેવી પરિસ્થિતિ હોતી નથી છતાં મારી-મચડીને એડમિશનની લાઈનોમાં સ્કિલ ડેવલપ કરવા માટે ઉભા રહી જાય છે. પરંતુ, હકીકત કંઇક જુદી જ છે.

    ભગવાનના એ શબ્દો યાદ છે? “દોસ્ત..! જરૂર પડે ત્યારે આજુબાજુની દુનિયા પાસે નહિ પરંતુ આ ગિફ્ટ પેકમાં એક નજર કરી લેજે. તારા કામની વસ્તુ છે.”

    બસ, સમયની એરણ પર આ શબ્દો પણ પરિંદા બનીને ઉડી ગયા હોય છે. જેને યાદ આવે તે ગીફ્ટ પેકમાંથી પોતાને ગમતી વસ્તુ ઉઠાવીને કાયનાતમાં પોતાનું નામ કરી જાય છે, જેને યાદ નથી કે કોઈએ યાદ અપાવ્યું નથી તેને કોઈ જાણવા કે ઓળખવા પણ તૈયાર નથી.

    દોસ્ત..! આજે તારી અંદર ઝાંખીને એ ગિફ્ટ બોક્ષ ઓપન કર. કંઇક તો મળશે, જે તને આધાર આપશે, જે કોઈ કલુ આપશે, આગળ વધવાનો માર્ગ બતાવશે, મૂવ ઓન થવા માટે બ્લુપ્રિન્ટ આપશે. દરેક બાળકને એનો દોસ્ત ઈશ્વર, કોઈ ને કોઈ ગિફ્ટ સ્વરૂપે જીવનનું ગીત આપીને એમાં સંગીત ભરીને મોકલે છે. જે તેને ઓળખીને અલગ અલગ વાદ્યમાં બેસાડે છે અને સૂરાવલીઓ ના તાલ સાથે તાલ મિલાવીને દુનિયામાં અલગ તાલે નાચી બતાવે એ સફળતાના ઉચ્ચતમ શિખર સુધી પહોચે જ. દિલને પૂછ, મારું ‘કોર’ શું છે? જો ગિફ્ટ બોક્ષ યાદ હશે તો પડઘા સ્વરૂપે જવાબ પાછો મળશે જ..!

    મુદ્દો સ્વ માટે ‘મૂવ ઓન’ થવાનો છે, હૃદયની ઈચ્છાને પિછાણીને લાઈફમાં મનગમતા રંગોની પીંછી ફેરવવાનો છે, સમજણને સમાજ સમક્ષ મુકીને કંઇક કરી બતાવવાનો છે.