Chalo Farie 6 - Okhamandal in Gujarati Travel stories by Kintu Gadhavi books and stories PDF | ઓખામંડળ - ગુજરાતનો દરિયાઈ નજારો

Featured Books
Categories
Share

ઓખામંડળ - ગુજરાતનો દરિયાઈ નજારો

ગુજરાતનો દરિયાઈ નજારો

ઓખામંડળ

-ઃ લેખક :-

કિન્તુ ગઢવી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ઉનાળાની ગરમી હવે ધીમે ધીમે તીવ્રતા પકડી રહી છે. એપ્રિલ મહિનાના અંતમાં લગભગ બધાં જ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પૂરી થઈ જાય છે. સાથે વેકેશનની જાહેરાત થતાં જ દરેક પરિવારમાં ક્યાં ફરવા જવુંની ચોક્કસ ચર્ચાઓ ચાલુ થઈ જાય. જો કે હવે તો હીલ સ્ટેશન પર પણ ગરમી અને બફારાનો અનુભવ થતો રહે છે. કેટલીકવાર તો કાશ્મીરમાં પણ ગરમી લાગે તેવી સ્થિતિ સર્જાય છે. તો ગુજરાતમાં જ ઓછી ભીડભાડવાળા અને ગરમી સામે મારક સમાન સસ્તા અને સારા રુટ વિશે આપણે ચોક્કસ વિચારીએ છીએ. સ્વાભાવિક છે કે ગુજરાતમાં ગરમી ઓછી હોય તેવો અનુભવ કરવો હોય તો ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો પર્યાપ્ત છે. દરિયા કિનારાની પાસેના વિસ્તારમાં સામાન્ય તાપમાન કરતા દસ ડિગ્રી તાપમાન ઓછું હોય છે. પરંતુ જેમ જેમ દરિયા કિનારો છોડીએ તેમ તેમ ગરમીની માત્રા વધુ થાય છે.

ગુજરાતમાં દરિયા કિનારાના પ્રદેશોમાં એક સુંદર પ્રદેશ એટલે ઓખા મંડળ. જેની આજે ચર્ચા કરવી છે. સામાન્ય રીતે ઓખામંડળ વિશે આપણે સીધે સીધું બહુ ઓછું જાણીએ છીએ પણ દ્વારકાની આસપાસના પ્રદેશથી સામાન્ય ગુજરાતી પણ સમજી જશે. દ્વારકાની આસપાસનો પ્રદેશ ઓખામંડળ તરીકે ઓળખાય છે. ઓખાથી લઈને પોરબંદર સુધીના વિસ્તારને ઓખામંડળ તરીકે ઓળખાય છે. દરિયા કિનારે આવેલો આ પ્રદેશ હરિયાળીની દ્રષ્ટિએ ઘણો વેરાન છે. પરંતુ ગરમીમાં અહીં ઘણી રાહત રહે તેવું વાતાવરણ છે. રાજકોટથી આગળ પોરબંદર તરફ જીએ એટલે પૂજ્ય ગાંધીબાપુની જન્મભૂમિ દેખાય. પોરબંદર એટલે સુદામાની નગરી. અહીંથી જ દ્વારકા જવાય. સુદામા પણ અહીંથી ચાલીને તેમના મિત્ર, સખા એવા ભગવાન શ્રીકૃષ્ણ પાસે મદદ માંગવા માટે ગયા હતા. ભગવાન શ્રીકૃષ્ણના તરંગો આજે પણ અહીંની દરિયાઈ હવામાં અનુભવી શકાય છે. પોરબંદરમાં પહેલા તો અનેક જોવાના સ્થળો છે. સૌ પ્રથમ તો ગાંધીજીની જન્મભૂમિ એવું કિર્તી મંદિર. અહીંની હવામાં કંઈક અનોખો અહેસાસ છે. પોરબંદરના રાજવીઓનો મહેલ પણ આકર્ષક છે અને પોરબંદરના દરિયા કિનારો તો સૌથી આકર્ષક છે. કલાકો સુધી પોરબંદરના દરિયા કિનારે બેસીને મિત્રો સાથે વાતોના વડા કરવાની અનોખી મજા છે. એવું કહેવાય છે કે આખા ગુજરાતમાં દરિયા કિનારે બેસવા લાયક કોઈ જગ્યા હોય તો તે પોરબંદરનો દરિયા કિનારો છે. આ કિનારા પાસે કૃષ્ણ ભક્ત સુદામા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સંસ્મરણો પડ્યા છે. પોરબંદરની બજાર પણ ધમધમે છે. પોરબંદરથી દ્વારકાનો રસ્તો આપણે વાત કરી તેમ આહ્લાદક છે. વચ્ચે રસ્તામાં આવતા મ્હેર અને વાઘેર સમુદાયના ગામોમાં પણ સુંદર સંસ્કૃતિ સચવાયેલી પડી છે. આ સમુદાયના પહેરવેશ અને લોકસંસ્કૃતિ આખા ગુજરાતમાં જાણીતી છે. ગુજરાતના કલાવારસામાં મ્હેર જાતિનો મ્હેર રાસ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. પોરબંદરથી આગળ વધીએ. પોરબંદરથી દ્વારકાનું અંતર ૧૦૦ કિલોમીટર જેટલું છે. આ રસ્તો જ પ્રવાસન સ્થળ જેવો છે. કારણ કે આ રુટ પર જેમ જેમ આગળ જાઓ તેમ તેમ લાંબાની આસપાસના વિસ્તારોની પવન ચક્કીઓના પંખાઓ સૌ કોઈને આકર્ષે છે. આ જ રુટ પર આગળ ભારતના પ્રતાપી રાજા એવા વીર વિક્રમાદિત્યના કુળદેવી હરસિદ્ધી માતાનું મંદિર આવે છે. હરસિદ્ધી માતાનું મંદિર એક નાનકડી ટેકરી પર આવેલું છે. આ સ્થળ પણ દરિયા કિનારે હોવાથી લોકોને આકર્ષે છે. અહીં મંદિરમાંથી દરિયાની વિશાળતાને માણી શકાય છે. તો વળી દરિયા કિનારે ઊંચા ઢોળાવ પર બેસીને સમુદ્રી નજારો માણી શકાય છે. આ આખો હાઈવે દરિયા કિનારે છે. હરસિદ્ધી માતાના મંદિર આખા ભારતમાં બે જ જગ્યાએ છે એક ઉજ્જૈનમાં અને બીજું દ્વારકા પાસે. અહીં એવી માન્યતા છે કે માતા હરસિદ્ધી છ મહિના ઉજ્જૈનમાં વાસ કરે છે અને છ મહિના દ્વારકામાં વાસ કરે છે. હરસિદ્ધી માતાના દર્શન કરીને દ્વારકા તરફ જતા જ દૂરથી દ્વારીકાધીશની નવ ગજની ધજા જોવા મળે છે. દ્વારકા એટલે કૃષ્ણની નગરી. દ્વારકા વિશે લખીએ એટલું ઓછું છે. પરંતુ યુવાનો અહીં દ્વારકાને કેવી રીતે માણી શકે તેની વાત કરી શકીએ. ગોમતીના ઘાટથી દ્વારકાના સમુદ્રની ભરતીને સુંદર રીતે માણી શકાય છે. દ્વારકા મંદિરના પગથીયા પર બેસીને પાછળના ભાગે દૂર ઉછળતા અરબ સાગરના મોજાને પણ માણી શકાય છે. દ્વારકાના મંદિરની આસપાસ રહેતા માલધારીઓની દોણીમાંથી મળતા દહીં-છાશની લહેજત માણવી પણ એક લ્હાવો છે. દ્વારકાની સાંજ અને સવાર રળીયામણી છે. દ્વારકામાં રહેવા માટેની તમામ સગવડો છે. ભોજનની પણ પર્યાપ્ત વ્યવસ્થાઓ છે. તમામ વર્ગના લોકો રહી શકે તે રીતે અહીં તમામ વ્યવસ્થા છે.

દ્વારકાથી આગળ વધીએ એટલે મીઠાપુર આવે. બીચ પર ન્હાવાના શોખીનોએ એકવાર ચોક્કસ મીઠાપુરની મુલાકાત લેવી જોઈએ. મીઠાપુરનો બીચ એક અનોખો બીચ છે. જે દરિયા કિનારાથી અંદર લાંબા અંદર સુધી છીછરો અને સરળતાથી નાહી શકાય તેવો બીચ છે. ઓખામંડળના અનેક લોકો આ બીચની મોજ માણવા માટે આવે છે. મીઠાપુર મીઠું પકવવાનું એક અગત્યનું મથક છે. મીઠાપુરથી ઓખા માત્ર ત્રીસેક કિલોમીટરના અંતરે આવેલું છે. ઓખા ગુજરાતનું એક અગત્યનું મત્સ્ય ઉદ્યોગનું મથક છે. અહીંથી કચ્છના અખાતનો એક છેડો આવેલો છે. ત્રીકોણાકારે આવેલું ઓખા ત્રણ બાજુથી દરિયાના પાણીથી ઘેરાયેલું છે. ઓખાની એક દમ લગોલગ આવેલું બેટ દ્વારકા એક સુંદર કૃષ્ણ ભૂમીના અવશેષો ધરાવતો આધ્યાત્મિક અને અલૌકિક સ્થળ છે. બેટ દ્વારકાના દરિયામાંથી આજે પણ જૂની દ્વારકાના અવશેષો મળી રહ્યા છે. ઓખાથી બેટ દ્વારકા જવા માટે હોડીનો સહારો લેવો પડે છે. બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણનું સુંદર મંદિર છે. અહીં નિત્યક્રમ અનુસાર ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના થાય છે. બેટ દ્વારકા ૩૬ ચોરસ કિલોમીટરનો એક સુંદર બેટ છે. અહીં ચારેય બાજુ દરિયો છે. અહીંના લોકો બેટ દ્વારકાને બેટ કહે છે. બેટ દ્વારકાના એક છેડા પર હનુમાનજીનું સુંદર મંદિર આવેલું છે અને તેની પાસે જ હનુમાનજીના પુત્ર એવા મકર ધ્વજનું મંદિર પણ આવેલું છે. આ વિસ્તાર પ્રાકૃતિક રીતે ઘણો સુંદર અને આહલાદક છે. બેટ દ્વારકામાં રહેવા અને જમવાની તમામ પ્રકારની સગવડો છે. બેટ દ્વારકાથી પાછા ફરીએ એટલે ઓખાથી નાગેશ્વર તરફ એક રસ્તો ફંટાય છે.નાગેશ્વર ભારતના એક જ્યોતિર્લિંગમાંનું એક ગણાય છે. ફિલ્મ નિર્માતા અને ટી સિરિઝના માલિક ગુલશન કુમાર દ્વારા અહીં નાગેશ્વરના મંદિરનું સુંદર નવનિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં શિવની વિશાળ પ્રતિમા બનાવવવામાં આવી છે. આ મંદિરનું પણ ઐતિહાસિક મહત્ત્વ છે. ઓખા મંડળ ગુજરાતનો એક વિશિષ્ટ વિસ્તાર છે. અહીં દરિયાઈ વાતાવરણ સાથે ગુજરાતની માલધારી અને વહાણવટા સાથે સંકળાયેલી સંસ્કૃતિનો સુંદર સમન્વય જોઈ શકાય છે. અનેક સાહસિક ગુજરાતીઓ એ વહાણવટા ખેડીને અરબ સાગરના પેટાળને પરોવીને આગળ વધ્યા છે. અહીં વરસાદનું પ્રમાણ ગુજરાતના સામાન્ય પ્રદેશો કરતાં ઓછું છે એટલે ઉનાળામાં પાણીની તંગી પ્રવર્તે છે. પરંતુ પોરબંદરથી લઈને બેટ દ્વારકા સુધીના વિસ્તારને માણવા અને જાણવા જેવો છે.

ઓખા મંડળમાં આવેલા જામકલ્યાણપુર પાસે બરડા અભયારણ્ય આવેલું છે. એક જમાનામાં છેક બરડાના ડુંગરો સુધી ગીર કેસરી સિંહોનો વસવાટ હતો અને ગીરનું જંગલ છેક બરડા સુધી ફેલાયેલું હતું. આજે બરડાના ડુંગરોમાં દીપડા અને હરણ જેવા વન્ય જીવો વસવાટ કરી રહ્યા છે. ઓખા મંડળમાં આવેલા અનેક છીછરા વેટલેન્ડમાં યાયાવરી પક્ષીઓને પણ માણી શકાય છે. ઓખા મંડળ પાસે ગુર્જર ઈતિહાસના શૂરવીર એવા મૂળુ માણેકની ગાથાઓ આજે પણ પડી છે. ત્રણથી ચાર દિવસના પ્રવાસ માટે ઓખા મંડળ એક સુંદર વિકલ્પ છે જ્યાં યુવાનો, વયસ્કો અને વૃદ્ધોને આકર્ષે તેવી તમામ પ્રકારની પ્રવાસન ગુણવત્તા જોઈ શકાય છે. અવાર નવાર દરિયાઈ ટ્રેકિંગ (મરિન ટ્રેકિંગ) માટે આવનારા યુવાનો માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન છે.