પ્રેમ ની અનુભૂતિ – નફરત ની અતિશીયોક્તિ
પ્રેમ- ઈશ્ક-મહોબ્બત – શબ્દો માં ગુંથી ન શકાય તેવી અનુભૂતિ. કોઈ ની ગેરહાજરીમાં પણ જેની હાજરી મહેસુસ થાય તે તમારો પ્રેમ. આ એક એવો અહેસાસ છે કે જે વ્યક્તિએ વ્યક્તિએ અંગત અનુભવ અને અભિગમ મુજબ અલગ અલગ હોય છે. પ્રેમ= લાગણી +કલ્યાણભાવ +વિશ્વાસ+ નિખાલસતા + એકતા + વફાદારી + સમર્પણ + ....+...+...+ જીવનમાં સતત સત્વશીલ તત્વ ઉમેરતા બનતું મિશ્રણ તે પ્રેમ. પ્રેમ એટલે એકબીજાને સુખી કરવાની હોડમાં પોતાના અવગુણનું બલિદાન આપવાની તૈયારી. જેની માટે હોઈએ તેના કરતા વધુ બહેતર બનવાની, વર્તન વ્યહવારમાં સુધારો કરવાની ઈચ્છા થઇ આવે તે પ્રેમ. તો ક્યારેક તેની સાથે બિન્દાસ લડી શકાય , મનની મનમાં રાખીને તેના પ્રત્યે દ્વેષ ન ઉપજે પણ ન ગમતી વાતને કહીને હળવા ફૂલ થઇ શકાય. માલિકીભાવનો અભાવ પણ સ્નેહાળ સંભાળનો પ્રભાવ પડતો રહે તે પ્રેમ. ટુકમાં Love is a short word but it contains everything. કોઈ પણ વ્યક્તિને તે જેવા છે તે સ્વરૂપે તેના ગુણ , અવગુણ સ્વીકારીને તેના પ્રત્યે હકારાત્મક લાગણી વહેતી રહે તે પ્રેમ. માટે જ માતાપિતાનો પ્રેમ સર્વોચ્ચ સ્થાને બિરાજે. ભાઈ –બહેન, મિત્ર-સખીનો નિ:સ્વાર્થ પ્રેમ. રાધાકૃષ્ણ નો શાશ્વત અને પવિત્ર પ્રેમ તેમજ સુદામા અને કૃષ્ણ નો સખાભાવ. જેદરેક પળે પ્રોત્સાહન આપે, જેના હોવાથી નિશ્ચિંત બની જવાય. જેની ચિંતા તમને થાય અને તેને તમારી ચિંતા થાય. જેની સંભાળ લેવી ગમે. જેના પ્રત્યે જવાબદાર બનવું ગમે.
વિજાતીય પાત્ર સાથેના પ્રેમની વાત કરીએ તો, પ્રેમનો જન્મ હૃદયમાંથી થાય છે. ધડકન ૭૨ ને બદલે ૯૨ ની ઝડપે ધડકે. ચિત્ત એના સુખ માટે વિચારે,માનવ મહેરામણ ની વચ્ચે પણ તેના વગર એકલતા સાલે. તેના વિચારો માં એકપાત્રીય અભિનય ની જેમ વાતો પણ થાય. ઠંડી હવાની લહેરખી માં જેની યાદ તન મન ને રોમાંચક બનાવી દે તે પ્રિયજન. નસે નસે માં લોહી સાથે જેની યાદ વહેતી રહે, વાસંતી વાયરાના સ્પર્શમાં પણ તેનો જ અનુભવ થાય તે પ્રિયતમ. કોઈ ધર્મ,જ્ઞાતિ ,ઉમર ની જાણ વગર અનાયાસે વાતચીતમાં ,સાથે કાર્ય કરતા કરતા ધીરે ધીરે પ્રેમની અનુભૂતિ થતી જાય. જેને જાણવા – સમજવા મન મથતું રહે તે પ્રેમ. ધીરજ અને પ્રતિક્ષાના સથવારે પારકાને પોતિકા બનાવવાની કળા તે પ્રેમ. પ્રેમ નો એકરાર શબ્દો દ્વારા થાય કે ન થાય પરંતુ અહેસાસ થવો વધુ જરૂરી છે કારણકે પ્રેમ શરીર ને નહિ, આત્માને થાય. પછી સમય જતા સમજ આવે કે આ વ્યક્તિ વગર જીવી નહિ શકાય. કઈક જતું કરીને પણ તેની સાથે જોડાય રહેવું ગમે તે પ્રેમ. જેની માટે જીવવું ગમે. જે તેને ગમતુ હોય તે કરવુ ગમે. જેના સાથે હોવાથી કે વાત કરવા માત્રથી દિલ ખીલી ઉઠે તે પ્રેમ. તમે કોઈને પ્રેમ કરતા હો અને કોઈ તમને કોઈ પ્રેમ કરતુ હોય એના જેવી ધન્યતા જીવનમાં બીજી કોઈ નથી. પ્રેમ થઈ જતો હોય છે. પરસ્પર ના આધાર બની રહી એકબીજાના વિકાસ માટે પ્રયત્નો કરવા તત્પર રહે. સારી બાબતે પ્રોત્સાહન તો કયારેક સાચી સલાહ આપી મુશ્કેલી મા સાંત્વના આપતા રહે. સત્યના પાયા પર નિખાલસતાથી બંધાયેલા આ સંબંધમાં દુ:ખ પહોચ્યાની લાગણી ન અનુભવાય. જો કે પ્રેમ એ ઊંડો સાગર છે તેમાં તરતા રહો તો જીંદગી મધુર બની રહે પણ તરવું (નિભાવવો)મુશ્કેલ હોય છે. વિશ્વાસ અને સમજદારીના અભાવે અને પહેલી નજર ના આકર્ષણને જ પ્રેમ સમજી લીધો હોય અને પછી એવું લાગે કે પોતે કરેલી પસંદગી સાચી નથી ત્યારે આવા ઉપરછલ્લા સંબંધો માથી ઉષ્મા નુ બાષ્પિભવન થવાનું શરુ થઈ જાય છે.
જે વ્યક્તિ લાગણીશીલ છે તે દિલથી કોઇને ચાહી શકે છે. અન્ય પાત્ર ની કદર કરી શકે છે. તે માફ પણ કરી શકે છે. પરંતુ દાર્શનિક લોકો સતત વહેમથી ઘેરાયેલા રહે ત્યારે તે પોતાના પ્રિયતમને વફાદાર રહી શકતા નથી. તો ઘણા સંજોગોમા કોઇ એક પાત્ર એ પોતાની લાલચમાં પ્રેમ નુ નાટક કર્યું હોય અને તે પાર ન પડે ત્યારે સમય જતા પોતાના પ્રિયતમ ને અવગણે છે. કોઈ એ વિશ્વાસઘાત કર્યો હોય ત્યારે કે પછી પોતાની ખોટી બાબતો ને સ્વીકારી ન હોય તે સમયે પોતાનો અહમ ઘવાતા નફરત ની નકારાત્મક લાગણી જન્મે.
પ્રેમ એ હૃદય માંથી જન્મે જયારે નફરત એ મગજ ની પેદાશ છે. મગજ હમેશા વધુ તાકાત થી કાર્ય કરતું હોય છે. જો તેને સારી બાબત તરફ વાળવામા આવે તો બેસ્ટ કરે અને નકારાત્મક બાબતે પણ તે એટલા જ જુસ્સા થી આગળ વધે. નફરત ક્યારેક શબ્દો – વર્તન કે વ્યવહાર દ્વારા કરવામા આવે છે. શબ્દો તીર કરતા પણ વધુ ભોકાતા હોય છે. નફરત પોતાની જાતને પણ થઈ શકે છે, ત્યારે ખુદ ને સજા આપવા આત્મહત્યા નું પગલું ભરે છે. નફરત એ અન્ય ને દુખી કરવાની દુભાવના છે. નફરતમા અન્યને મારી નાખવાની, બરબાદ કરવાની આગ ભભૂકતી હોય છે. નફરતને કારણે સ્વાર્થ-બદલાની આગમાં ખુદ પણ બળે. વિજાતિય સંબંધ મા યુવતી ને હેરાન કરે, બલાત્કાર કરે કે એસિડ એટેક ખતમ કરે. ક્યારેક તો હત્યા સુધીના બનાવો બને. આ નફરતની અતિશીયોક્તી તો જાત ને ,પ્રેમી,પ્રેમિકાને ,મિત્ર કે લોહીના સંબંધોથી સંકળાયેલા માતા-પિતા,ભાઈ-બહેન કે દીકરી,દીકરા નો ભોગ સુદ્ધા લઇ લે છે.પ્રેમ મા માત થયેલા યુવાનો નુ લોહી બહુ ઉકળી જાય અને યુવતી ની જાહેરમા હત્યા કરી નાખે તેવા બનાવો છાશવારે થાય છે. સ્ત્રીઓ પ્રેમ કરે ત્યારે પૂરા સમર્પણભાવ થી અને નફરત કરે તો તેમા પણ કોઇ કચાશ ન છોડે. અરે સગી પુત્રીને પિતાએ મોતને ઘાટ ઉતારેલ તો ક્યાંક સગો પુત્ર જનેતાને મારી નાખે છે. ક્યાંક પત્ની પતિનું કાસળ કાઢે છે. હકીકતે લોહીનો સંબંધ કે સામાજિક સંબંધ હોવા છતાં પ્રેમની લાગણી ની કુંપણ જ ન ફૂટી ન હોય તેથી નફરત તો ધરબાયેલી હોય જ એટલે મોકો મળતા જ આગ ભભૂકે અને ન થવાના કાર્ય થાય. આમ, નફરત એવી અગનજ્વાળા હોય છે કે જે માનવ ને દાનવ બનાવી દે.જીવન જેર બનાવી દે છે. વેર - દ્વેષ, અહંકાર, ગુસ્સો ને પરિણામે એક પળમા જન્મેલી નફરત જિવનભરનો પસ્તાવો બની રહે છે.
માણસ પ્રેમ કરવામાં કંજુસાઈ કરે છે પણ નફરત માં કોઈ કચાશ છોડતો નથી. પ્રેમ નો એકરાર ઓછો કરશે પણ ગુસ્સા મા આવી નફરત ની અતિશિયોક્તિ કરતો રહે છે. ક્યારેક પોતે કરેલ વ્યવહાર નો પસ્તાવો પણ થતો હોય છે પરંતુ સમય વીતી ગયો હોય પછી એ ભૂલ સુધારી શકાતી નથી. જે વ્યક્તિ મા અહંકાર નુ પ્રમાણ વધુ પડતું હોય તે પ્રેમ ન કરી શકે. વળી, આકર્ષણ ને જ પ્રેમ માની લીધો હોય તે સમય જતા કંટાળો આપે છે અને સામા પાત્ર ને છોડી દેવા માટે નો વિચાર કરવા લાગે ત્યારે તેનાથી છુટકારો મેળવવા ક્યારેક નફરત નુ નાટક પણ થતું હોય છે. જો દિલમાં માફ કરવાની વિશાળતા ને વિકસાવીએ તો નફરત જન્મે જ નહિ. સમજદારી હોય તો પ્રેમ ને દિલમાં જીવંત રાખી શકાય.પ્રેમના ઉંડાણ ને જાણીને “સ્વ” થી સમગ્ર સૃષ્ટિને પ્રેમ કરતા રહેવાની શીખ સમજાય જશે તો નફરત નો જન્મ થશે જ નહી. પ્રેમ ને જ જીવવાનું બળ બનાવી પ્રેમ ની અનુભૂતિ ને વાગોળી શકાય.
પારુલ દેસાઈ – રાજકોટ