રાષ્ટ્રભક્તિ
આ શબ્દ સાંભળતાજ શરીર ની અંદર એક સકારાત્મક ઊર્જા નો અનુભવ થાય છે. આ ઉર્જા મસ્તીસ્ક સુધી પહોંચે એટલે ત્રિરંગા, ભારત કે કોઈ મહાપુરુષ ની છબી મનઃ સપાટી પર અંકિત થાય છે. આ શબ્દ સાંભળવો આપણને ગમે છે અને તેનું બિરુદ કોઈ આપણને આપે તો ગર્વ પણ અનુભવીએ છીંએ.
આમ તો સામાન્યતઃ એવું કહેવાય છે કે એક માતા પોતાના બાળકને નિર્દોષ પ્રેમ કરતી હોય છે, તેના પ્રેમમાં કોઈપણ પ્રકારનો સ્વાર્થ હોતો નથી. તેવીજ રીતે કોઈપણ રાષ્ટ્રભકત આ માતૃભૂમિ ને નિઃસ્વાર્થ પ્રેમ કરતો હોય છે. વળી, આપણે સૌભગયશાળી છીંએ કે આપણા દેશમાં આપણી માતૃભૂમિ ને આપણે ભારત માતા તરીકે પૂજીએ છીંએ. તેની સુંદર આકૃતિ આપણી સમક્ષ છે.
કોઈની રાષ્ટ્ર ભક્તિ પર શંકા કરવી ઉચ્ચિત નથી જ્યાં સુધી તેનું રાષ્ટ્ર વિરોધી કૃત્ય સામે ન આવે પણ વર્તમાન ભારતમાં લોકોની રાષ્ટ્ર પ્રેત્યેની રુચી ખૂબ જ ચિંતાજનક બાબત છે. નહીવત પ્રમાણમાં લોકો રાષ્ટ્ર પ્રત્યે કે કોઈ ગંભીર વિષયો બાબત ચિંતિત જોવા મળતા હોય છે. પોતાના અંગત સ્વાર્થ ખાતર લોકો કંઈપણ કરતા અચકાતા નથી. રાષ્ટ્રધર્મ નું ખુલ્લેઆમ ખુન થતું હોય તેવું જોવા મળે છે.
મહારાણા પ્રતાપ અને શિવાજી, ગાંધીજી અને સરદાર, ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ, રાણી લક્ષ્મીબાઈ અને જીજાબાઈ જેવી અનેક મહાન હસ્તીઓના આ દેશમાં દેશભક્તિ ની મોટી મોટી વાતો થાય છે પણ રાષ્ટ્ર પ્રત્યે આદર નો ભાવ તળિયે બેસી ગયો છે. રામ અને ક્રિષ્ન ના ભારતવર્ષમાં નિતિ નેવે મુકાઈ ગઈ છે.
સાવ એવું પણ નથી કે આપણા માં રાષ્ટ્ર ભક્તિ નથી પણ આપણી રાષ્ટ્રભક્તિ સિમિત રહી ગઈ છે. માત્ર વાતો કે બીજાપર આરોપ, પાનના ગલ્લા, મોહલ્લા, ચારજણ બેસીને ચર્ચા સુધી આપણી રાષ્ટ્રભક્તિ એ સંતોષ માની લીધો છે. વિરાટ ઐતિહાસિક આ રાષ્ટ્રની તાકત ને સ્વાર્થ અને બૈમાની નો રોગ લાગ્યો છે.
આપણી પાસે વિશાળ અને શક્તિમાન ઐતિહાસિક વારસો છે. આપણા મહાપુરુષો રાષ્ટ્રભક્તો નું જીવન આપણા માટે પ્રેરણામૂર્તિ છે, પણ આપણે તે બધું છોડીને પશ્ચિમ ની તરફ અસ્ત થઇ રહ્યા છીંએ. માનવતા ને ભૂલી અમાનવીય કૃત્યો નાના -મોટા પ્રમાણમાં થતા રહે છે.
આવી અનેક બીમારી થી આપણો રાષ્ટ્ર ઘેરાયેલો છે. આનો ઉપાય શું હોઈ શકે? આપણા જીવનની અંદર નૈતિક મૂલ્યોનું આચરણ, રાષ્ટ્ર પ્રત્યે જાગરૂકતા અને સમર્પણ નો ભાવ. વર્તમાન પરિસ્થિતિ ને સુધારતા સમય લાગશે પણ આપણને વીરાસત માં મળેલી આઝાદી ને જાળવી રાખવા સજાગ રહેવું પડશે. રાષ્ટ્રભક્તિ ની ટૂંકમાં વ્યાખ્યા કરવી હોય તો, “ કોઇપણ જાતના સ્વાર્થ વગર સમાજ અથવા રાષ્ટ્રના હિતમાં કરવામાં આવેલું કાર્ય એટલે રાષ્ટ્રભક્તિ”.
રાષ્ટ્ર માટે જીવવું પડશે, વિચારવું પડશે અને આપણી સંસ્કૃતિ ના જતન માટે આપણો ઐતિહાસિક વારસો આપણા બાળકોને આપવું પડશે. તેમના જીવનમાં બાળપણથીજ તેનું સિંચન થાય તેવું કાર્ય કરવું પડશે.
રાષ્ટ્રભક્તિ કોઈપણ વર્ગ, સમાજ, ધર્મ કે રાજકીય પક્ષો સુધી સીમિત નથી પરંતુ તે દરેકના જીવનમાં હોય અને આ રાષ્ટ્ર મારો છે તથા તેની સેવા અને રક્ષા મારો કર્તવ્ય છે એવો ભાવ જ્યારે આપણા જીવનમાં આવશે ત્યારે આપણું જીવન સાર્થક ગણાશે. માત્ર સોસીયલ મીડિયા, મિત્રો વરચે કે ભાષણો માં નહિં પરંતુ વ્યક્તિક જીવન માં રાષ્ટ્ર પ્રેમ ને સ્થાન આપવું જોઈએ જેથી આવનારી પેઢીને આપણે એક સશક્ત અને સામર્થ્યવાન ભારત આપી શકીએ.
રાષ્ટ્રભક્તિ એટલે રાષ્ટ્ર સેવા. રાષ્ટ્રની કલ્પના કરીયે તો સંપૂર્ણ ભારત નજર સમક્ષ આવે. તે કોઈ એક વ્યક્તિ નથી કે તેની સેવા કરવી, પૂજા અર્ચના કરવી પણ રાષ્ટ્ર એ સમગ્ર ભારતવર્ષ છે. આ રાષ્ટ્ર વિવિધ સમાજ, ધર્મ, સંપ્રદાય અનેક વર્ગોથી બનેલો છે. તે કોઈ એક વ્યક્તિ કે સમૂહ નથી.
આપણી આસપાસ અનેક કર્યો એવા છે જે પ્રગતિશીલ સમાજ માટે જરુરી છે. પ્રગતિશીલ સમાજ જ પ્રગતિશીલ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. સમાજની અંદર પ્રસરેલી નાની મોટી સમસ્યા રૂપી બીમારીઓ પર અંકુશ લાવી એક સામર્થ્યવાન ભારત નું નિર્માણ કરવું જોઈએ. ભારત દેવોની ભૂમિ છે આ ભૂમિ પર આપણે જન્મ લીધો ત્યારથીજ આપણી પાસે વિરાટ ઐતિહાસિક વારસો આપણને વિરાસત માં મળેલ છે. પણ આધુનિક ભારત માં આજ પણ આપણો સમાજ આધુનિકતા મેળવવામાં ગણું પાછળ છે.
આચાર્ય ચાણક્ય કહેતા કે વ્યક્તિ સે વ્યક્તિ, વ્યક્તિ સે સમાજ ઔર સમાજ સે રાષ્ટ્ર કા નિર્માણ હોત્તા હૈ. તો રાષ્ટ્ર નિર્માણ માટે વ્યક્તિ નિર્માણ પ્રથમ પગલું છે. વ્યક્તિ નિર્માણ થી ધીરે ધીરે સમાજ નિર્માણ થાય છે અને સશક્ત સમાજ થી બીજા સમાજ નું સશક્તિકરણ થાય છે જે રાષ્ટ્ર વિકાસની દિશા નક્કી કરતું હોય છે. આમ, વ્યક્તિ નિર્માણ એ રાષ્ટ્રના નિર્માણ માં નિર્ણાયક પરિબળ છે તેથી રાષ્ટ્ર વિકાસ માટે વ્યક્તિ નિર્માણ કરવું અનિવાર્ય છે જે પણ રાષ્ટ્રભક્તિ નો પ્રકાર છે.
વ્યક્તિ નિર્માણ નું કાર્ય અઘરું લાગતું હોય, મનમાં એવો વિચાર પણ આવે કે આ કાર્ય તો કોઈ શિક્ષક કે તેવા પ્રકારનું કાર્ય કરનાર કરી શકે તેવું નથી વ્યક્તિ નિર્માણ વ્યક્તિ ખુદ પોતાનું પણ કરી શકે. વ્યક્તિ નિર્માણ માટે આવશ્યક છે તે માટે જરૂરી બાબતો ને સ્વીકારવી અને આપણા જીવનમાં તેને વણી લેવી. આપણા વ્યક્તિત્વમાં તેની જાંખી દેખાવી. તો બીજું બાજુ આપણાં નાના બાળકો માં રાષ્ટ્ર પ્રત્યે નાનપણથીજ ભક્તિભાવ ઉતપન્ન થાય તેવું ગડતર થવું જોઈએ. આપણી મહાન સંસ્કૃતિની ઓળખ અને પરખ તેના જીવનમાં વણાય તેવી સમજ તેને આપવી જોઈએ.
આમ, રાષ્ટ્ર માટે જીવવું અઘરું છે પણ આપણા જીવનમાં તેને નૈતિક જવાબદારી ના ભાગ રૂપે સ્વીકારી સંસારની મોહમાયા માંથી થોડોક સમય રાષ્ટ્ર માટે આપવો જોઈએ. આપણાં વિચાર અને વર્તનમાં તેને સ્થાન આપવો જોઈએ અને આ બધેથી ઉપર કહીયે તો રાષ્ટ્રભક્તિ ને આપણા જીવનમાં અગ્રીમ સ્થાન આપવું જોઈએ. જેથી આ પૃથ્વીલોક પરનો આપણો શ્રેષ્ઠ માનવદેહ નો અવતાર વ્યર્થ ન જાય તથા પૌરાણિક અને વૈદિક સંસ્કૃતિ નો વારસો અવિરત વહેતો રહે અને સર્વનો હિત ઇરછતો રાષ્ટ્ર "ભારત" અને ભારતીય સંસ્કૃતિ જીવંત રહે તથા વિશ્વકલ્યાણ ના માર્ગમાં આવતી અડચણો નો વિનાશ થાય અને વસુધૈવ કુટુંબ ની ભાવના સાથે સમગ્ર વિશ્વ શાંતિ અને સુખનું જીવન જીવે.
વંદે ભારત માતરમ