Saraswati Chandra - Part 3 - Ch. 6 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 6

Featured Books
Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 6

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ-૬

સંસ્કૃત પ્રકરણ : લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ;

સ્વપ્ન, જાગ્રત અને પાછું સ્વપ્ન

સરસ્વતીચંદ્ર નિદ્રાવશ થયો. પા ઘડી ભાગ્યે થઇ હશે એટલામાં અલખપુરી આવ્યો, અલખરહસ્યનું પુસ્તક આણ્યું, તેના મંત્રોના વિવરણ આગળ પાંદડાની સંજ્ઞા મૂકી, પુસ્તક સરસ્વતીચંદ્રની પાસે મૂકી પાછો ચાલ્યો ગયો. સરસ્વતીચંદ્ર જાગ્યો અને પાસે પડેલું પુસ્તક ઉઘાડી વિવરણ વાંચવા મંડી ગયો.

ભાષાંતર : હવે લક્ષ્યાલક્ષ્ય એટલે લખ અલખનું રહસ્ય કહીએ છીએ. એમાં લક્ષ્ય લખ એટલે જે જોવાય તે; અને જે ન જોવાય - ન જોઇ શકાય - તે અલક્ષ્ય એટલે અલખ. એમાં જોનાર તથા ન જોનાર તે પ્રાકૃત એટલે અશિક્ષિત દૃષ્ટિવાળા લોક લેવા, કારણ શાસ્ત્રાદિ સાધનથી વધારે સૂક્ષ્મ દૃષ્ટિ ધરનારા જન તો પ્રાકૃત જનથી ન જોવાય તે જ વસ્તુ જુએ છે અને તે જોવાની રીતનો ન્યાય, ‘જે સર્વ ભૂતોની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે’ એ આદિ વાક્યોમાં આવે છે. અને પ્રાકૃત જનોના લક્ષ્યથી તો એ મહાત્માઓ વિપરીત દિશામાં દૃષ્ટિ કરે છે - તેને જોવું ધારે તો જોઇ શકે છે પણ એણી પાસ એમની દૃષ્ટિ વળતી નથી. હવે આવા લક્ષ્ય-અલખ-ને લખકરવાળા-જોનાર-યોગીનું સ્વરૂપ ભગવાન લક્ષ્યાલક્ષ્યસિદ્ધાન્તકાર (૧૦૬૧૦૮ પૃષ્ઠમાં છે તે) મંત્રોમાં દર્શાવે છે. તેની ટીકા એવી રીતે કે આ યોગીની કેવી ભાષા અને કેવી ગતિ હોય છે તે તેને જ મુખે કહે છે.

શ્લોક ૧ નાહં જાયે - હું ઉત્પન્ન થતો નથી. વગેરે વાક્યો વડે એવું કહ્યું કે ઘટાદિમાં આકાશ સમાનત્વથી અવસ્થિત છે તેની પેઠે અલક્ષ્ય આત્માનું પણ જન્મમરણથી રહિતપણું જોઇ લેવું. તે જ રીતે તેનું બંધમોક્ષથી પણ રહિતપણું છે. આ બદ્ધ છે; આ મુક્ત છે, એવું જે કહેવાય છે તે તો વ્યવહારને અર્થે છે - વસ્તુતઃ તે વાત સમંજસપણે સિદ્ધાંતકાર સાધે છે. તે એવી રીતે કે સમષ્ટિરૂપ પરમાત્મા એક હોઇને વ્યષ્ટિરૂપોથી અનેક જેવો ભાસે છે. તે અનેકપણાનું રૂપ શરીરધારીપણું એ જ છે અને શરીરધારીનો જ સંસાર છે. ધનુર્ધર શરનું ધનુષ્ય પર સંધાન કરે છે ને શરનો મોક્ષ કરે છે (બાણ છોડે છે) તે સર્વ ભ્રાંતિ છે : વસ્તુત : તો ધનુર્ધપણું, શરનું સંધાન, અને તેનો મોક્ષ એ સર્વ પણ - જાતે સ્વયંભૂપણે આ સમષ્ટિરૂપે ઉત્થાન પામેલા એટલે ઊભા થયેલા લક્ષ્યમાંથી - ઉત્થાન પામેલા નાનારૂપે દેખાતા અનેક સંસારો છે. સમ્યક્‌-સારી પેઠે-સરે તે સંસાર; તે બાણની ગતિ જેવો, બાણ જેવો, બાણ જેવો નહીં. બાણગતિ જેવો સંસાર આરંભરૂપ હોય ત્યારે તેનું નામ બંધ; આરબ્ધ કર્મથી પરવારી બાણ સ્થિર થાય, એટલે જે સંસારનો આરંભ આટોપાયો તે સંસારનો જ વિરામ તે મોક્ષ. વ્યષ્ટિ, સમષ્ટિ, બંધ અને મોક્ષ આ જેટલા પ્રપંચો છે તેટલા સર્વ-તેઅનેકમાં રહેલું એક એવું જે સામાન્ય તેને લાઘવના હેતુથી લક્ષ્ય કહીએ છીએ, જેમ હસ્તપાદાદિ અનેકત્વવાળો એક તેને પુરુષ અથવા જીવ કહીએ છીએ, જેમ એક માટીના અનેક વિકારો અનેક ઘટાદિ નામે ધરે છે તેમ જ એક લક્ષ્ય-અનેક પ્રપંચરૂપે વિશ્વરૂપે વિશ્વરૂપે બની રહે છે. આવી રીતનું, બંધમોક્ષાદિ અનેક પ્રપંચોના સમુચ્ચયરૂપ, લક્ષ્ય એવું છે માટે નથી બંધાતું, અને નથી મુક્ત થતું. (જો એક લક્ષ્યના અનેક એવા જે બદ્ધમોક્ષ તે થાય છે કહીએ તો એકની અનેકત્વાપત્તિ થાય અને વદતોે વ્યાઘાતનો દોષ આવે. અને પેલા બંધમોક્ષાદિ જુદા જુદા પ્રપંચોથી ભરેલા સમગ્ર લક્ષ્ય એ જ બન્ધમોક્ષાદિ પામે એવું કહીએ તો અનવસ્થાદિ દોષ આવી જાય.) માટે સંસાર અને સંસારી ઉભયનો લક્ષ્યમાં અંતર્ભાવ જ છે, જેમ સ્વપ્નજાલોનો જાગ્રતમાં છે. જે આ માયા નામે ઓળખાય છે, તેનો પણ તેમાં જ અંતર્ભાવ છે.

શ્લોક ૨-૩. હવે સિદ્ધાંતકાર લક્ષ્ય અને અલક્ષ્યનું અદ્ધૈત સાધે; ‘ણકોડહમ’ - ‘હું એક છું’ - વગેરે શબ્દોથી. અલક્ષ્ય આ આત્મા વિશ્વરૂપ છે ને સાક્ષીપણે રહેલો છે. કોનો સાક્ષી ? લક્ષ્યરૂપ આત્માનો જ પોતાનો જ - આ અલક્ષ્ય સાક્ષી છે. આમ તેનું ચિત્‌ સ્વરૂપ સધાયું. માયારૂપ વિહાર શમે છે ત્યારે શાંતિરૂપ થાય છે તે બે રૂપથી લક્ષ્યપણું એક જ છે અને તેમાંના એક ઉપર રાગ અને બીજા ઉપર દ્ધેષ ધરનાર માણસ એ રાગદ્ધેષ વડે ત્રૈગુણ્યનો અંગીકાર કરે છે અને ક્રિયાવન થાય છે જ. વિરકત મનવાળા ‘ભિક્ષુ’ નામ ધરનારા અને શાંતિમાં રાગ રાખનારા હોવાથી દ્ધૈત સ્વીકારે છે અને તેથી તેઓ અદ્ધૈતસિદ્ધિ પામતા નથી, અદ્ધૈતાભાસથી છેતરાઇને જ પરિવ્રજ છે, અને આ ત્યાજ્ય અને આ ઉપાદેય એવા દ્ધૈતનો અંગીકાર કરે છે. એટલે અદ્ધૈતની સિદ્ધઇ તો પરમાર્થતઃ લક્ષ્યાલક્ષ્ય સિદ્ધાંતમાં જ સધાય છે ને બીજા મતોમાં સધાતી નથી. અલક્ષ્ય લક્ષ્યનું સાક્ષિ એટલે પોતાનું જ સાક્ષિ એમ લેવું. નૈયાયિકો દ્રવ્યગુણાદિ પદાર્થો સાધે છે, અને અન્ય મતોમાં અન્ય નામોથી પદાર્થો સધાય છે; આ સર્વે પદાર્થો લક્ષ્યના વિહ્ય્ત-ક્રીડિત-માં આવી ગયા એમ માનવું. કોઇ કહે સ્ત્રીપુરુષાદિના વિહાર પેઠે લક્ષ્યનો વિહાર પણ દ્ધૈતાદિ વિના ન સંભવે તો તે ખોટું છે. કારણ જેવી રીતે પોતે પોતાનો સાક્ષી રહે છે તે જ રીતે પોતાની સાથે પોતાનું વિહારીપણું પણ છે; ત્યાં તો કારણથી આનન્દરૂપ એવો આ અલક્ષ્ય પોતે અનુભવાય છે. મહાત્માઓ પારકે સુખે જાતે સુખી થાય છે એ આનું દૃષ્ટાંત સ્ફુટ જ છે; અને તે એવું સિદ્ધ કરે છે કે લક્ષ્ય એવા જે વ્યષ્ટયાભાસો છે તે સર્વમાં - પોતામાં તેમ પારકામાં રહેલું - એક આનન્દરૂપ અદ્ધૈત છે, અને તે પરીક્ષાસંવેદ્ય છે, સર્વત્ર રહેવાવાળું છે, અને જ્યાં જ્યાં સાક્ષિત્વ છે ત્યાં ત્યાં એ જન્ય છે. આથી જ કહેલું છે કે જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં સમાધિઓ થાય છે. આ મનોયાત્રા (મનનું જવું તે મનનયાત્રા) એ જ માયા છે અને તેનું વિજુમ્ભણ લખ થાય છે. માયા અને માયાવીનો ભેદ નથી, કારણ તેમનો સમવાય છે અલક્ષ્ય - અલખ - એવો જે માયાવી તે લક્ષ્ય-લખ-માયાને આત્મવસ્તુમાંથી આત્મ વડે વિસ્તારે છે અને આત્મામાં જ સંહરે છે. આ વિહારોમાં અલક્ષ્ય મોદ પામે છે. કોઇ કહે કે એ મોદ પણ વિહાર છે તો તે ખોટું છે. કારણ જ્યારે સત્‌ અને ચિત્તની પેઠે મોદ પણ નિત્ય અને એક છે ત્યારે ક્રિયારૂપ વિહારા તો અનેક અને અનિત્ય ચે ને તેમાં એકપણું છે જ નહીં.

શ્લોક ૪-૫. આવી રીતે લક્ષ્યાલક્ષ્યનું અદ્ધૈત સાધનાર યોગી ગુણો

અને કમોનું અધિષ્ઠાન હોય છે કે નહીં એ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે એ યોગીનાં ગુણકર્મોના આભાસપણે વિલાસ કરે છે - સ્વપ્નમાં વિલાસ કરતાં હોય તેમ; પણ એ અદ્ધૈત સાધનાર તો તે ગુણકર્મોથી અનવછિન્ન અને અસંસ્પૃષ્ટ રહે છે - તે નિર્ગુણ અને નિષ્કર્મ છે. ‘જીવ’ નામધારી આ લક્ષ્યસ્ફુલિંગ (સ્ફુલિંગ = અગ્નિનો તણખો) પ્રકૃતિથી જડસમાન ધર્મનો ધરનાર હોય તેમ વિજૃમ્ભણ પામે છે. - વધે છે - અને લક્ષ્યધર્મોનું અનુવર્તન કરે છે. કાષ્ઢમાં ગૂઢ રહેલાં અગ્નિ પેઠે તે સ્વરૂપ વડે લખ થતો નથી - દેખાતો નથી. જ્યરે સંઘટ્ટનાદિથી પ્રજ્વલિત થઇ એ ગૂઢ અગ્નિ પ્રબુદ્ધ થાય છે, ત્યારે પણ નેત્રત્વચા આદિને જણાય આવતા જડ ધર્મો સેવીને જ એ ગૂઢ અગ્નિ ત્રિલોકવાસી અગ્નિની પ્રકાશનમયી અને દહનગયી શક્તિનો પોતાનામાં આવિર્ભાવ દેખાડે છે; તે જ પ્રમાણે પ્રબુદ્ધ થયેલો આ જીવસ્ફુલિંગ આ પ્રમાણે લક્ષ્ય વ્યવહારના ધર્મોનો સમાદર કરતો લાગે છે. તે સ્ફુલિંગ લક્ષે ચે પણ ખરો કારણ એવી રીતે લક્ષ્ય એવો આ સ્ફુલિંગ એ લક્ષ્યત્વને જાતે જ લક્ષે છે. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિનું એકત્વ હોવાથી એ બેની પ્રવૃત્તિઓના અભેદનું ફલ ભોગવવાની ઇચ્છા રાખી વ્યષ્ટિસ્ફુલિંગ એ ફલ સિવાયનાં બીજાં સર્વ ફલથી પરાડ્‌મ થાય છે, સર્વ સત્કર્મ કરે છે, પણ પોતાનામાં વ્યષ્ટિના ‘અહં’ કારનું શૂન્યપણું હોવાથી એ સર્વે કર્મ નિષ્કામ રહી કરે છે અને સમષ્ટિવૈશ્વાનર ઇશ્વરને જ એ સર્વ કર્મનું સમર્પણ કરે છે, એ સમર્પણથી જીવ અને ઇશ્વરના લક્ષ્યસાધર્મ્યનું ઉદ્‌બોધન કરે છે, અને એવી રીતે લક્ષ્યધર્મનો આદર કરે છે. આવી રીતે આ સ્ફુલિંગમાં ત્રિલોકવાસી વૈશ્વાનરની શક્તિની ઉપમાં થાય છે, અને સ્ફુલિંગજીવ એ સ્થિતિ લક્ષે છે. આ વિધિ જીવઇશ્વરનો અદ્ધૈતયોગ સધાય છે. કેટલાક અને કર્મયોગ કહે છે. કર્મયોગથી જીવઇશ્વરનું ઐક્ય સધાય છે અને તે યોગ ગીતામાં કહેલો છે જ્ઞાનયોગથી જીવબ્રહ્મનું ઐક્ય સદાય છે માટે મંત્રમાં કહ્યું કે ‘અલક્ષ્યમાં પણ પ્રવેશ કરે છે.’ અલક્ષ્ય એટલે તો બ્રહ્મ જ. અલક્ષ્યમાં પ્રવેશ કરવાનું કહી ‘બ્રહ્મ જાણનાર બ્રહ્મ જ બને છે તે દેખાડ્યું. નૂતન વેદાન્તીઓ તો જ્ઞાનયોગને જ સાધે છે; કર્મયોગને નથી સાધતા. કેટલાક તો કેવલ કર્મયોગ જ સાધે છે. રાત્રિ અને દિન ઉભયરૂપ મળી કાલ થાય તેમ, કર્મ અને જ્ઞાન ઉભયરૂપ યોગ થાય, તેને તો લક્ષ્યાલક્ષ્યયોગીઓ જ સાધે છે. આથી ત્રણનું એટલે જીવ, ઇશ્વર અને બ્રહ્મ એ ત્રણનું અદ્ધૈત આવી રીતે બે યોગથી આ યોગીઓ સાધે છે. અન્ય જનો તો, ગમે તો જીવ-ઇશ્વરનું અથવા તો જીવ-બ્રહ્મનું, - એમ બેનું અદ્ધૈત સાધે છે અને તે માત્ર એક યોગ વડે સાધે છે; પણ તે કોઇ ત્રણનનું અદ્ધૈત નથી સાધતા. માટે જ પરમ-શ્રેષ્ઠ - આ અમારો ત્રિયોગ નામનો યોગ છે. કોઇ કહેશે કે દ્ધિ એટલે બે-તે બેનું અદ્ધૈત થાય પણ ત્રણનું અદ્ધૈત થાય તો તો તે કહેવું અયથાર્થ છે. કારણ ‘અદ્ધૈત’ એ શબ્દ માત્ર ઐક્યવાચક છે; માત્ર દ્ધૈતનો વ્યતિરેક કરી ત્રેતાદિકનો વાચક એ શબ્દ નથી.’

શ્લોક ૬-૧૪, હવે આ વિષયમાં શ્રુતિ આદિનાં પ્રમાણો છે તે સિદ્ધાંતકાર, ‘ગીતામાં શ્રી ભગવાને કહેલું છે’ વગેરે વાક્યો વડે, કહે છે. એ સંબંધે કહેવાનું કે કર્મશબ્દનો વ્યવહાર શાસ્ત્રોમાં અને શ્રુતિઓમાં વિવિધ ચે. જ્યારે પ્રારબ્ધાદિ વિશેષણો સાથે કર્મ શબ્દનો વ્યવહાર થાય છે ત્યારે, જે આ કર્મવૃક્ષ પ્રાણીઓનાં ચિત્ર ભાગ્ય રચે છે તે વૃક્ષમાંનાં ‘કર્મ’ આ શબ્દથી વાચ્ય થાય છે. ‘ભાગ્ય’ એ પણ આ શબ્દનું વાચ્ય વ્યવહારમાં થાય છે, બીજાઓ તો ભાગ્યથી વ્યાવૃત્ત એટલે ભિન્ન એવો જે ઉદ્યમ અથવા પુરુષયત્ન તેને કર્મ શબ્દથી લક્ષે છે. યજ્ઞાદિ નિત્ય અને નૈમિત્તિક વિધિઓ તે જ કર્મ છે એવો શાસ્ત્રાદિમાં ઘણુંખરું વ્યવહાર છે. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય આદિ ક્રિયાઓ તે જ શ્રુતિમાં ઉપદિષ્ટ કરેલી ક્રિયાઓ છે એવું મુણ્ડકના ભાષ્યમાં શંકરમત છે. અમારા રહસ્યમતમાં તો, જેનાં લક્ષણ કહી ગયેલા છીએ તે કર્મયોગ જ શિષ્ટ ગણ્યો છે; કારણ ફલત્યાગનો જ યોગ છે. કર્મત્યાગ થઇ શકે એવો યોગ નથી. કર્મના વૈરાગ્યને ક્રિયા કહેવી એ તો વદતોવ્યાધાત દોષ થાય. જ્ઞાનમાં ક્રિયાત્વનો આરોપ કરો તો જ્ઞાનમાં અનિત્યત્વ આવે, કારણ ક્રિયાઓ અનિત્ય છે. ત્યારે ‘આત્મ સાથે ક્રીડા કરનાર, આત્મમાં રતિ કરનાર ક્રિયાવાન્‌, એવો આ બ્રહ્મ જાણનારાઓમાં શ્રેષ્ઢ’ એ શ્રુતિવાક્યમાં જે ક્રિયાવનપણું છે તે કર્મયોગીપણું જ એમ સમજવું.

‘સાથે યોગ પામેલાં બે પંખીઓ’ (દ્ધા સુપર્ણા વગેરે) ઇત્યાદિ શ્રુતિવિાક્યોમાં પિપ્પલના સ્વાદનો ત્યાગ કહ્યો છે તે પણ ઉપર કહેલે પ્રકારે ફલત્યાગ જ ઉક્ત છે. શોક-મોહ એ બે લક્ષણવાળું જીવનું જે અનીશપણું તે ફલત્યાગથી નાશ પામે છે; અને ઇશના જેવો ભોગરહિત એટલે ફલત્યાગી ક્રિયાવાન્‌ થઇ, શોકહીનતાને લીધે, એ ઇશની સાથે સામ્ય એટલે સમતા પામે છે. જ્ઞાનયોગથી બ્રહ્મની સાથે ઐક્ય સધાય છે, ઇશ્વરાદ્ધૈત સધાતું નથી; એ તો કર્મયોગથી જ સધાય છે. એમાં ગીતા સાક્ષાત્પ્રમાણ છે. પોતાના ઇષ્ટધર્મનો યોગ કરાવવો એ ન્યાયથી ‘તું મારો ભક્ત છે - તું મારો સખા છે’ એવાં વચનો બોલતા બોલતા - એટલે અર્જુનને સ્પષ્ટ ઇષ્ટજત ગણતા એવા શ્રીકૃષ્ણનારાયણે નરઅર્જુનને યુદ્ધકર્મમાં સમર્થ કર્યો તે લક્ષ્યધર્મની જ વૃદ્ધિને માટે કર્યો - એ ધર્મના નાશને માટે નહીં. શ્રીકૃષ્ણના પોતાના જ લક્ષ્યધર્મીપણાનું મહાભારતના નાયકના આત્મામાં-સારી રીતે આધાન કરવાનો જ, અને એ વિધિથી જીવનું ઇશ્વર સાથે સામ્ય સંપાદન કરવાનો જ, ભગવાન વ્યાસે એવી રીતનો ઇતિહાસ કહ્યો. એમ ન હોય તો મહાભારતનો સમસ્ત ગીતાધ્યાય અપ્રાસંગિક અને મિથ્યોક્તિરૂપ જ થાય. યોગવાસિષ્ઢમાં પણ શ્રીકૃષ્ણવાક્યના આ જ ઉદ્દેશનું પ્રતિપાદન કરેલું છે; એમાં કહેલું જ છે કે, ‘શાંતબ્રહ્મના જેવું અથવા શાંતબ્રહ્મનું જ શરીર ધરી, બ્રહ્મમય કર્મ કર ! બ્રહ્મને અર્પણ કરેલા છે જેના ‘સમ્યગ્‌-સારાઆચાર એવો તું ક્ષણમાં બ્રહ્મ જ બની રહીશ !’ વળી ‘હે રાઘવ ! લોકમાં વિહાર કર’ ઇત્યાદિ અનેક વાક્યોથી પણ યોગવાસિષ્ઢમાં આ જ કર્મયોગનું પ્રતિપાદન કરેલું છે. ‘કર્મ કરતાં કરતાં જ સો વર્ષ જીવવાની ઇચ્છા રાખવી ઇત્યાદિ શ્રુતિઓ ઇશાવાસ્યમાં છે તે પણ લક્ષ્યધર્મની પ્રતિપાદક છે. આ ઉપનિષદ્માં કેવલ વિદ્યામાં તેમ કેવલ અવિદ્યામાં રતિ કરનારની નિન્દા છે; તેમત જ સંભૂતિમાં અને અસંભૂતિમાં રતિ કરનારની પણ છે. આમાં એક જ વિદ્યા કહેલી છે તેનો અર્થ કર્મત્યાગરૂપ વિશેષણવાળી અને કેવલ આત્મવિદ્યા થાય છે - એવી આત્મવિદ્યાને નિન્દી છે. કેવળ અનાત્મવિદ્યા નિન્દી છે તેમાં સકામ કર્મવત્તા અને અનાત્મવિદ્યા આવી ગઇ. તેવી જ રીતે જે સંભૂતિ નિન્દી છે તેમાં સંભૂતિ એટલે સ્વયંભૂ તે આત્મા છે અને સંભૂતિમાં રતિ એટલે કેવલ આત્મજ્ઞાનની બુદ્ધિ હોય અને તેની સાથે કર્મમાં પરાઙ્મખતા હોય તેને નિન્દી છે. તેમ અસંભૂતિ એટલે તો સંભૂતિરહિત શરીરાદિ વિકલ્પસૃષ્ટિ જે કર્મફળના ભોગ આપનારી છે તે છે. તેનું અસંભતિપણું તો એટલા માટે કે તે નશ્વર છે અને તેમાં માત્ર સદ્ધસ્તુનો આભાસ જ છે. અવિદ્યા અને વિદ્યા, અસંભૂતિ અને સંભૂતિ, એ બબ્બેમાંથી કોઇ એક ઉપર રાગ અને બીજા ઉપર દ્ધેષ તે દ્ધૈતસ્વરૂપ જ છે અને તે રહસ્યસિદ્ધાંતીઓને ઇષ્ટ નથી. શ્રુતિઓમાં પણ એમ જ કહેલું છે. સંભૂતિના ઉપાસક, અસંભૂતિના ઉપાસક, વિદ્યાના ઉપાસક, અને અવિદ્યાના ઉપાસકશઃ એ સર્વ પણ એક માર્ગ ઉપર પક્ષપાત કરે છે અને બીજા માર્ગ ઉપર દ્ધેષ કરે છે માટે તે સર્વ અંધ તિમિરમાં પ્રવેશ કરે છે એવું ઇશાવાસ્યમાં સ્ફુટ છે જ. ત્યારે શુદ્ધ ધર્મ કોને કહેવો એવું પૂછો તો એ પણ એ જ ઉપનિષદ્‌માં કહેલું છે કે ‘વિદ્યા અને અવિદ્યા એ બેને જે સાથેલાગી જાણી લે છે તે અવિદ્યા વડે મૃત્યુને તરે છે. અને વિદ્યાથી અમૃતનો ભોગ કરે છે.’ તેમ જ વળી તેમાં કહેલું છે કે ‘સંભૂતિ અને વિનાશ એ બેને જે સાથેલાગાં જાણી લે છે તે વિનાશ વડે મૃત્યુને તરે છે અને સંભૂતિથી અમૃતનો ભોગ કરે છે.’ આવી રીતે અવિદ્યાનું ગ્રહણ કરીને જ વિદ્યાનું ગ્રહણ કરેલું છે, અને તેમ જ સંભૂતિ અનેે અસંભૂતિનું ગ્રહણ કરેલું છે; માટે તે ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મવિદ્યા અને અનાત્મવિદ્યાનો પરસ્પર ત્યાગ કર્યા વિના જ તેમનું ગ્રહણ કરવાનું આ શ્રુતિવાક્યોમાં કહેલું છે. અને તેમ બનવું તે તો કર્મત્યાગ કર્યા વિના ફલત્યાગીની આત્મવિદ્યામાંમ જ સંભવે છે. લક્ષ્યધર્મોમાં આદર કીરને જ અલક્ષ્યમાં પ્રવેશ કરવાનું રહસ્યમંત્રમામં કહેલું છે તે આ સ્થળે સ્પષ્ટ સિદ્ધ થાય છે. વળી એ જ શ્રુતિદેશે કહેલું છે કે, ‘સ્વયંભૂ યાથાતથ્યથી શાશ્વત વર્ષો સારુ અર્થોને કરે’ તેમાં કહેલું સ્વયંભૂષણું અને સંભૂતિપણું તે એક જ છે. અર્થોને કરે એ વાક્યથી કર્મધર્મનું પ્રતિપાદન કર્યું. ‘કર્મો કરતાં કરતાં જ સો વર્ષ જીવવાની ઇચ્છા કરવી’ એ શ્રુતિ પણ આ જ લક્ષે છે. કેટલોકોનું કહેવું એમ છે કે આમાં ‘વિદ્યા’નો અર્થ ‘આત્મવિદ્યા’ નથી પણ ‘દેવતાવિદ્યા’ છે, એ બરાબર નથી’; કારણે કે ‘બ્રહ્મવિદ્યામાં સર્વ વિદ્યાઓની પ્રતિષ્ઠા છે,’ ‘પરા વિદ્યા તે બ્રહ્મવિદ્યા’ ઉત્યાદિ શ્રુતિઓ મુણ્ડકાદિ ઉપનિષદોમાં પ્રસિદ્ધ છે. ‘બ્રહ્મવિદ્યાથી કર્મનું વિરોધીપણું છે. માટે આ વિદ્યા તે બ્રહ્મવિદ્યા નહિ પણ બાગત્યાગ કરીને આ વિદ્યા તે દેવતાવિદ્યા જ લેવી’ એમ કોઇ કહે તો બરાબર નથી; કારણ બ્રહ્મવિદ્યાનો ફલૈષણા સાથે વિરોધ છે, ક્રમ સાાતે વિરોધ નથી. કર્મત્યાગ તો અહીં સંભવતો નથી, કારણ ‘કર્મ કર્યા’ વગર કોઇ અહીં ક્ષણવાર પણ કદી ટકતો નથી’ એવું ગીતાનું વચન છે. ‘પણ કર્મ જડ છે માટે કર્મવાન લોક જડ થાય છે.’ એમ કોઇ કહે તો તે ખોટું છે, કારણ કર્મોનું ઇશ્વરસમર્પણ થવાથી કર્મો સ્વયોનિને પ્રાપ્ત થઇ તેના રૂપને પામે છે. ‘કર્મનો ઉદ્‌ભવ બ્રહ્મમાંથી જાણ, અને બ્રહ્મનો સમુદ્‌ભવ અક્ષરમાંથી છે’ એવું ગીતાવાચન છે તેનો અર્થ એમ છે કે અલક્ષ્ય જે અક્ષર છે તેમાંથી લક્ષ્ય બ્રહ્મનો ઉદ્‌ભવ છે અને એ લક્ષ્યબ્રહ્મ એ કર્મનો યોનિ છે. આવી જાતનાં કર્મ કરનાર જ પ્રબુદ્ધ પુરુષના વિષયમાં શ્રુતિઓનું કહેવું છે કે ‘એનાં કર્મ એ પરાવરને જોતામાં ક્ષય પામે છે : ‘કારણ એવા પુરુષનાં જ કર્મ સ્વયોનિને પ્રાપ્ત કરી શકે છે અને એ પ્રાપ્તિરૂપ હેતુથી ક્ષયયોગ પામે છે. આવી રીતે બે વિધિવાળો લક્ષ્ય-અલક્ષ્યનો જે ધર્મ તેનું જ પ્રતિપાદન કરતી શ્રુતિઓની પ્રવૃત્તિ થયાં કરે છે. તે આ પ્રમાણે છે - (૧) ‘હિરણ્મય એટલે સુવર્ણમય પાત્રથી સત્યનું મુખ ઢંકાયેલું છે; હે પૂષન્‌ ! સત્યધર્મને માટે-દૃષ્ટિને માટે-એ મુખ તું ઉઘાડ !’ એ વાક્ય ઇશાવાસ્યમાં છે. અહીં પાત્રનું સંપોષણ કર્યાથી ધર્મની સ્થિતિ છે અને તેને ઉઘાડવાથી દૃષ્ટિ એટલે બોદ થાય છે એમ એ લેવું. (૨) તેમ જ મુણ્ડકમાં છે કે, હિરણ્મય અને પર એવા કોશ (એટલે તરવારના મ્યાન)માં ‘વિરજ-શુદ્ધ-અને નિષ્કલકલાહીન-જન્મવૃદ્ધિક્ષયાદિ શરીરધર્મથી રહિત-બ્રહ્મ છે.’ અર્થાત્‌ બ્રહ્મરૂપ તરવારનું સુવર્ણમય મ્યાન છે તે રક્ષણયોગ્ય છે - ત્યાગ કરી કાઢી નાંખવાનું નથી; બ્રહ્મરૂપ શસ્ત્રની તેજ-તીવ્રતા-આદિ વિભૂતિઓ છે તે મ્યાનના રક્ષણથી જ રક્ષાય છે. બાકીને કાળે તો મ્યાન જ પ્રશસ્ત છે. આ કોશ અથવા-મ્યાન તે કોણ એમ તેમ પૂછો તો ઉત્તર કહીએ છીએ કે એ મ્યાન કર્મયોગ જ છે એમ જાણવું. સુવર્ણમ્યાનના જેવા-પાત્રના જેવા-કર્મયોગ-સંસારમાં-આ લક્ષ્યમાં સુગુપ્ત અને તે છથાં તેનાથી અસ્પૃષ્ટ એવો આ પરવાર આત્મા અલક્ષ્ય અને નિત્ય જ છે. સુવર્ણમયપણું કહ્યું તેનું કારણ એ કે મૂલ્યવાળું સુવર્ણ જેવું રક્ષણયોગ્ય છે તેવું જ લક્ષ્ય પણ રક્ષણયોગ્ય છે. અક્ષરમાંથી સંભૂત થયેલું અને અક્ષરમાં અંતે જવાનું એવું આ લક્ષ્યચ તેનો લક્ષ્યોથી-વિનાશ થવો યોગ્ય નથી, કારણ અક્ષર જે અલક્ષ્ય તેની જ વિભૂતિ આ લક્ષ્યતા છે.

આ લક્ષ્ય કેવું છે અને તેમાં જીવસ્થિતિ કેવી છે તે દેખાડવા હવે શ્રુતિઓ આપવામાં આવે છે. જીવ નામનો આ પદાર્થ બ્રહ્મથી ભિન્ન નથી, પણ સ્ફુલિંગરૂપે અગ્નિના તણખારૂપે-પુરુષ જ છે. તે એમ કહેલું છે કે ‘સુદ્દીપ્ત પાવકમાંથી તેના જ રૂપવાળા વિસ્ફુલિંગો સહસ્ત્ર રીતે ઉત્પન્ન થાય છે તેમ - હે સૌમ્ય ! - અક્ષરમાંથી વિવિધ ભાવો ઉત્પન્ન થાય છે અને તેમાં જ પાછા જાય છે.’ આ પુરુષ અમૃતત્વનો ઇશ છે એમ પુરુષસૂકતમાં કહેલું છે. ‘આ સર્વ જે ભૂત અને ભાવિ તે પુરુષ જ છે, અને અમૃતત્વનો ઇશ છે - તે અન્નવડે અતિરોહ કરે છે.’ અહીં ‘અન્ન’ એટલે ‘ભોગ્યપાત્ર’ છે; તેનાથી અમૃત થયેલું વિશ્વ, વિશ્વાત્મા પુરુષમાં, પુરુષથી જ, અતિરોહ કરે છે. તે મુણ્ડકમાં કહેલું છે કે, ‘જેમ સદ્રૂપ પુરુષમાંથી કેશ એ રોમ ઊગે છે તેમ અક્ષરમાંથી અહીં વિશ્વ ઊગે છે.’ પુરુષ પોતાનામાંથી સર્જે છે, અતિરોહ કરે છે - જેમ ઊર્ણનાભિ એટલે નાભિમાં ઊન રાખનાર કરોળિયો કરે છે તેમ. અમૃતત્વનું આ ઇશુપણું ઉશ્વરમાં અને જીવમાં સમાન છે. ઇશ્વર અને જૂવ ઉભય, અલક્ષ્ય અને નિત્ય પુરુષમાં અતિરોહ કરે છે. આ અતિરોહ કાલે કરીને સ્વયોનિમાં શમી જાય છે માટે તે અનિત્ય છે. અને નિત્યરૂપ અલક્ષ્યની અંતર જ આ અતિરોહની સ્થિતિ છે તે આવિર્ભાવ અને તિરોધાન એવા બે ધર્મ પાળે છે. આવિર્ભાવકાળે એ યજ્ઞરૂપે પ્રજ્વલન પામે છે. તે તે પુરુષસૂકતમાં કહેલું છે કે જે પુરુષ-હવિવડે દેવોએ યજ્ઞ પ્રતત કર્યો,’ ‘અગ્રે ઉત્પન્ન થયેલા યજ્ઞ-પુરુષનું યજ્ઞમાં ઓક્ષણ કર્યું,’ ‘સૃષ્ટિસાધનયોગ્ય-સાધ્ય-એવા દેવો અને વેદમંત્રોના દ્રષ્ટા ઋષિઓ-તેમણે એ (પુરુષ) વડે યજ્ઞ કર્યો-એ ધર્મો પ્રથમ હતા.’ ‘પુરુષ એ પશું, પુરુષ એ હવિ, અને પુરુષ જ ‘યજ્ઞ’, એ રીતનો આ મંત્રોમાં જે યજ્ઞ કહેલો છે તે જ લક્ષ્યરૂપ યજ્ઞ સર્વત્ર પ્રજ્વલે છે. અમારા-આપણા-સિદ્ધાન્તમાં જે ઇષ્ટિયજ્ઞ-છે તે આ જ. પશુ મારીને જે આ ઇષ્ટિ બીજાઓ કરે છે તે તો આ યુગમાં નિન્ધ છે. કલિમાં એક જ આ લક્ષ્યયજ્ઞ છે તે લક્ષ્યધર્મનો ધારનાર છે. સહસ્રાક્ષ એટલે સહસ્ર ઇન્દ્રિયોવાળો આ અલક્ષ્યમાં અતિરોહ પામેલો પુરુષ તેને લક્ષ્ય કહીએ છીએ. એ લક્ષ્યની ભૂમિ એટલે લક્ષ્યની મર્યાદાને એક પાદથી સર્વ પાસેથી ઘેરી લઇ, બાકીના બીજા ત્રણ અમૃતપાદ વડે, શિક્ષિત દૃષ્ટિ અને અશિક્ષિત દૃષ્ટિના બધા લક્ષ્યને ઓળંગી, દશ આંગળની સંજ્ઞાવાળી અને દેશકાળના અવચ્છેદથી શૂન્ય કોઇ અવસ્થાથી સ્થિતિ ધરનાર પરાવર અલક્ષ્ય છે. તે અલક્ષ્યને અને લક્ષ્યને અદ્ધૈતપણે લક્ષ્યાલક્ષ્યસિદ્ધાન્તીઓ સાધે છે; એ આ અમારું રહસ્યવિવરણ ઉત્તમાધિકારીઓમાં અલક્ષ્યનો પ્રબોધ કરવાને એટલે અલખ જગાડવાને બસ છે. બહુ શું કહીએ ? ‘મનની સાથે વાણી જેને પ્રાપ્ત ન કરી જ્યાંથી થાકીને પાછી ફરે છે’ ઇત્યાદિ વાક્યોથી લક્ષિતવ્ય-લક્ષવા યોગ્ય-અલક્ષ્ય આ પૂર્ણ જ છે; તેમાંથી એ લક્ષ્ય પણ પૂર્ણ જ છે તે લક્ષ્યનું આ અલક્ષ્યમાંથી ગ્રહણ કરી - ત્યાગ ન કરી - તે લેતાં પૂર્ણ જ બાકી રહે છે. માટે કરીને જ અમારો આ લક્ષ્યાલક્ષ્ય સિદ્ધાંત સુસંપૂર્ણ છે કે જેમાં જ ‘આ પૂર્ણ છે,’ ‘એ પૂર્ણ છે,’ ‘પૂર્ણમાંથી પૂર્ણ લેવાય છે,’ અને ‘પૂર્ણમાનું પૂર્ણ લઇ લેતાં પૂર્ણ જ બાકી રહે છે.’

પુનર્નિદ્રા પામતાં પાછી પોતાની પાસે ઉશીકા આગળ પથ્થર ઉપર કુમુદસુંદરી બેઠેલી લાગી અને એ સ્વપ્નની સુંદરીને કુસુમની મુખમુદ્રા હતી. નિદ્રામાં-સ્વપ્નામાં-આ સ્ત્રી પાસે સરસ્વતીચંદ્ર અલખરહસ્યના શ્લોક અને વિવરણ સમજાવવા લાગ્યો અને સ્ત્રી તે આનંદથી સાંભળવા, અને પ્રશ્નો પૂછી સમાધાન કરાવવા લાગી.

‘સરસ્વતીચંદ્ર ! લખ કે અલખ ? રસ કે જ્ઞાન ?’ સ્વપ્નસુંદરી આકાશમાં તરવા લાગી અને શ્રવણપુટમાં કથા કરવાને નિમિત્તે કપોલ સ્પર્શી ગાવા લાગી :

‘મોહ્યો મોહ્યો વહાલો રસપ્યાલે રે !

જાગ્યો જાગ્યો ચતુર જ્ઞાનભાલે રે !

લખ સુખદુ-ખ જોવા તું આવ્યો રે !

જ્ઞાનજોગીને મન ત્યાં તું આવ્યો રે !

રહી અલખ તું અલખ જગાવે રે !

જ્ઞાનગોઠડી વહાલીને ભાવે રે !

લખ અંગ અલખ પ્રીત રહેતી રે !

મૂકે મદનની માયાને વહેતી રે !

વ્રજ ગાઢ તમાલ ભરેલું રે !

મેઘ છત્રમાં નીર તરેલું રે !

ક્ષણ ક્ષણદા તણાં અંધારામાં રે !

રાધા શોધે છે કૃષ્ણજી કાળા રે !

રાધા શોધે, થાકે ને હાફે રે !

વાગે વાંસળી આઘે આઘે રે !’

‘વાંસલડીએ ઘેલી રાધાને કરી;

મધુરી વાગે, પણ નવ દીસે કહાન જો ! વાંસલડીએ૦

વાંસલડી કહે-સુણ ઓ રાધા ! બાવરી,

અલખ મુખ ચડી કરું છું હું લખ ગાન જો ! વાંસલડીએ૦

અલખ પ્રીતડી જગાડું તુજ હૈય વિશે,

અલખ કહાનની વનમાં ન જડે વાટ જો ! વાંસલડીએ૦

અલખની જોગણ ! અલખ જોગ ધરી જાગજે,

જગવ અલખ રતિ જમુનાજીને ઘાટ જો ! વાંસલડીએ૦

‘વહાલા ! ભૂલ મા અદ્ધૈત વાત આપણી જો !

જોગી જ્ઞાની જપે છે રસબાવની જો ! વહાલા !

માયા લક્ષ્ય ને પુરુષ તે અલક્ષ્ય છે જો !

બેની ગાંઠથી સંસાર આ સમક્ષ છે જો ! વહાલા !

બેના સ્નેહનું અદ્ધૈત રસપૂરમાં જો,

માયા વળગી રહી જ બ્રહ્મઉરમાં જો. વહાલા !

વહાલા ! પ્રીતતણી રીત એવી જાણજે જો,

અલખજ્ઞાની ! લખ રસ માણજે જો ! વહાલા !

વળી સરસ્વતીચંદ્ર જાગ્યો ને વિચારવા લાગ્યો : ‘અહો, આ સ્વપ્ન કેવું ? આ સ્વપ્નમાંના સંસારનો કર્તા કોણ ? એનું પુણ્યપાપ કોને ? શું મને ? -ના ! - કેમ નહીં ? - તો આ જાગ્રત સંસાર પણ સ્વપ્નથી જુદો કેમ ? કર્તા કોણ ? ભોકતા કોણ ? - આ મહાસ્વપ્ન શું ? કુમુદસુદરી ! તારો ત્યાગ કોણે કર્યો ? ત્યાગ ક્યારે થયો ? ત્યાગ થયો ? મારું આ પશ્ચાત્તાપરૂપ દુઃખ શાથી ? શાને વાસ્તે ?’

ફરી તેની આંખ મીંચાઇ. અત્યાર સુધી આંખને સ્વપ્ન થતું હતું તેને સ્થળે એકલા કાનને જ સ્વપ્ન થવા લાગ્યું. તેનો આત્મા સર્વવ્યાપી થઇ સર્વપાસથી - કાનમાં તેમ સર્વ રોમકૂપમાં શ્રવણેન્દ્રિય હોય તેમ સર્વ દિશામાં - ગજવા લાગ્યો અને સરસ્વતીચંદ્ર સ્વપ્નમાં સર્વ પાસથી આકાશવાણી જેવી આત્મવાણી સાંભળવા લાગ્યો :

છિન્નભિન્ન ક્ષણ શ્રુતિ વાક્ય સ્વપ્નમાં સ્ફુરતાં સ્વપ્ન નષ્ટ થયું. પણ થોડી વારે પાછો સ્વપ્નોદય થયો. કુમુદસુંદરી વેરાગણને વેશે પાસે આવી પેઢી ને સરસ્વતીચંદ્ર પાસે શ્રુતિવાક્યનો લક્ષ્યાર્થ પૂછવા લાગી :

‘તમે શોક કેમ કરો છોે ? બ્રહ્મને કેમ પામો છો ? આપણું અદ્ધૈત છે તો તમારી મારી અવસ્થાઓનું અદ્ધૈત કરો, મને શોકમાંથી તારો, મને આત્મરૂપ પ્રાપ્ત કરાવો !’

ચંદ્રકાન્ત પણ આ સ્વપ્નમાં આવ્યો. ‘પ્રિય મિત્ર ! તમે બે એક તો હું કાંઇ જુદો નથી ! ચાલો ત્રયાણામદ્ધૈતં સાધો.’

સરસ્વતીચંદ્ર કોઇને ઉત્તર દેતો નથી, સર્વને માત્ર સાંભળ્યાં કરે છે, સ્વપ્ન વાધે છે. સ્વપ્નમાં સ્વપ્ન આવે છે, બંધ થાય છે, અને ફરી આવે છે.

બીજા સ્વપ્નમાં સરસ્વતીચંદ્ર સુંદરગિરિના શિખર ઉપરથી આકાશમાં ઊડવા લાગ્યો. ઊડવા માંડે છે એટલામાં ચંદ્રકાન્ત આવી પાસે ઊભો ને હાથ ઝાલી પૂછવા લાગ્યો : “Where, my friend, dost thou fly like an angel upwards ?”

સરસ્વતીચંદ્ર બે હાથ ઊંચો ઊડ્યો ને એટલામાં આમ અટકાવ્યો અટકી બોલ્યો :

“Chandrakanta, sweet philosophy buoys me up into the Heavens ! I fly effortless like Danta in his paradise !’

આ શબ્દ નીકળતામાં તો કુમુદસુંદરી પગ નીચે આવી સરસ્વતીચંદ્રરને બે પગે બાઝી, ને હસતી હસતી ઊંચું જોઇ બોલી :

“Thou hast no right to rise without me ! Am I not that Beatrice whose vision fills thy soul and filies as thou filiest ?’

સર. - “Sweet angel of purity ! Thou art - thou art ! fair etherial spirit ! Guide us unto thy regions ! Thou shalt rise and raise us all. Come !’

સરસ્વતીચંદ્ર બોલ્યો ને તેના શબ્દનો અવકાશમાં પ્રતિધ્વનિ થયો.

ત્રણે જણ અન્યોન્યને આ રીતે વળગેલાં સુંદર ગાન કરતાં ઊડવા લાગ્યાં. અને આપણે જાગ્રત પૃથ્વીનાં માનવી સ્વપ્નના આકાશમાં ઊડી શકીએ એમ નથી.