Aavesh in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | આવેશ

Featured Books
Categories
Share

આવેશ

આવેશ

લેખક :-

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


આવેશ

રસેન્દુએ તેની ઓરડીમાંથી બધો સામાન નીચે ફળીમાં ઉતાર્યો અને પછી ભાવથી એ મેડી પ્રતિ જોઈ રહ્યો. પૂરાં બે વર્ષ રહ્યો એ સ્થળે એટલે માયા તો લાગી જ હોય ને ?

આમ તો એકલો જ ને ? આ સ્થાન માટે, આ ગામ માટે. સાવ નવો જ. નવી નવી નોકરી એટલે આવવું પડ્યં. બાકી તો નકશામાં જોયેલું.

શરૂઆતમાં એવું થતું. ઓરડીનું બારણું અંદરથી બંધ કરે ને આંખો ભીની થઈ જાય; વતનનું ઘર યાદ આવી જાય, ગામ ખડું થઈ જાય ! એ શેરી, એ ઊચા ઓટલાવાળું ઘર, એ સ્વજનો !

નીચે પાર વિનાની વસ્તી. ને એમાં વીસ વરસની ભગવતી પણ ખરી. તેને એનો મંજુલ અવાજ બહુ જ ગમી ગયેલો. એ સાંભળે ને ખુશ થઈ જાય. અલપઝલપ જોયેલી ખરી-જતાં આવતાં. ક્યારેક ડેલી ખોલવા ભગવતી જ આવે; ક્યારેક બેધ્યાનપણે સ્મિત કરે તો ક્યારેક આવી ગયા- એવું બોલે પણ ખરી.

બસ... આટલી જ વાત. ધારીને તો ક્યારેક જોયેલી જ નહીં. તરત રવિશંકરની સૂચના યાદ આવી જાય. ડોસો ભારે પહોંચેલો.

સદાશિવકાકાની ચિઠ્ઠી લઈને તે પહોંચ્યો હતો - ડોસા પાસે, ડરતાં ડરતાં આમ તો બિનઅનુભવી જ ને ?

રવિશંકરે પગથી માથા સુધી નિહાળી કહ્યું હતું - ‘શું નામ ? રસેન્દુ... ! જરા છેલબટાઉ ગણાય.’

તે થીજી ગયો હતો. શું થશે એવી ભીતિ જાગી હતી. પણ પછી એ ડોસાએ જ સાદ પાડ્યો હતો - ‘ભગવતીની બા..., ઉપરની ઓરડી સાફ કરો. હવે આ છોકરો રહેશે.’

રસેન્દુના જીવમાં જીવ આવ્યો હતો. ચાલો, કામ તો પતી ગયું ! ગમ્યો હતો ડોસો. તરત વિચાર આવ્યો હતો કે ભગવતી કોણ. આવું નામ હોય ? સાવ... બંડલ !

અને પછી એક સામાન્ય દેખાવની છોકરી ચાવીનો ઝૂડો લઈને અંદરના ખંડમાંથી બહાર આવી હતી. તે જોઈ જ રહ્યો હતો. તો આ જ... ! તેના પ્રશ્નનો જવાબ મળી ગયો હતો.

રવિશંકરે તરત જ કહ્યું હતું - ‘જો ભાઈ, સીધી લાઈનમાં જ રહેવાનું.’

તેને તરત જ સમજ પડી ગઈ હતી કે એનો અર્થ શો હતો. તેણે નક્કી કરી નાખ્યું કે ક્યારેય ભગવતીને આ રીતે નહીં જુએ. તેણે નજર ફેરવીને ડોસા ભણી સ્થિર કરીને કહ્યું હતું - હા જી !

તેણે બાર બાય દશની જગ્યામાં સામાન ગોઠવી દીધો - તેને સમજ પડી એ મુજબ. એક ખૂણામાં જાજમ અને પથારી, અભેરાઈ પર બેગ, કબાટમાં વસ્ત્રો અને બેચાર ચોપડા. બીજે દિવસે મટકી ગોઠવાઈ ગઈ મોરીની પેડલી પર અને એક બાલદી, ગ્લાસ, ટમલર એને અડીને મુકાઈ ગયાં.

હરગૌરીએ ઉદાર બનીને કહ્યું - ‘ભલે રહી સાવરણી. તમારે રોજ સવારે... ફેરવી નાખવી, ફરસ પર.’

રાતે નવી જગ્યાએ સૂતો પણ નીંદર ન આવી. ઘર યાદ આવી ગયું. સવારે વિગતવાર પત્ર લખી નાખ્યો ઘરે. કેટલી વાતો લખી, નવી ઓરડીની, નવી ઓફિસની !

બીજી રાતે ઓફિસના વિચારો આવ્યા. ભલા હતા સાહેબ. કેવું કહ્યું - ‘મૂંઝાવું નહીં. પૂછી લેવું પાઠકને.’

વીશીવાળા મારાજ પણ સારા હતા. પોતે જ ઊભા થઈને રોટલીનો આગ્રહ કરી ગયા !

ત્રીજી રાતે એકલી ભગવતીના જ વિચારો આવ્યા. સરસ અવાજ છે - મુલાયમ મુલાયમ. એમ થાય કે બસ, સાંભળ્યા જ કરીએ ! ડોસાની સૂચના પૂરેપૂરી અવગણાઈ ગઈ હતી. તેણે બારીમાંથી એને જોઈ હતી - અલપઝલપ. ગમે તેમ તોય ડર તો લાગે જ ને ?

રવિશંકર તો ગમે ત્યારે ટપકી પડે.

ના, કાંઈ ખરાબ ના લાગી રસન્દુને.

‘ભગવતી...’ એમ સાદ પડે ને કેવી દોડતી હતી, હરણીની જેમ ! ને પાછી ઉપર પણ જોઈ લેતી હતી - ઓરડી ભણી !

તેણે હસી લીધું. એના વિચાર કરવામાં ક્યાં ડોસો આડો આવવાનો હતો ?

એને ખબર પણ ક્યાં પડવાની હતી ?

મૂળ આ ઓરડી હતી ભગવતીની. પહેલાં તો નહોતું ગમ્યું. મારે આ જેલમાં પુરાઈને રેવાનું. આ ત્રણ-ચાર દિવસ ? તેણે અણગમો વ્યક્ત કર્યો હતો.

‘ભૈ... એમ કરવું પડે. જોયા તારા બાપને ? અડસ આભડસ નો કરાય, સમજી. મારું જ આવી બને.’ માએ સમજાવી હતી. અને શાળાએ પણ નહીં જાવાનું !

ભગવતી ડઘાઈ જતી.

પણ પછી તો ગમવા લાગ્યું - એ ઓરડીમાં કેટલી શાંતિ ? મા કે બાપના ચંચૂપાત જ નહીં. એય લે’રથી વાંચ્યા કરીત ચોપડીઓ ! જમવાની થાળીયે ઉપર આવી જાય !

પછી તો સખીઓ પણ જાણી ગઈ કે તે શાળાએ શા માટે નહોતી આવતી ? કેટલી શરમ અનુભવતી હતી ભગવતી ?

‘તારા ઘરના સાવ આવા ?’ શ્વેતા કહેતી.

‘આવા જુનવાણી ?’ બીજીએ ટાપસી પૂરી હતી.

અબુજ ભગવતી તો પછી વીસ વરસની થઈ હતી. ઘરનું વાતાવરણ તો યથાવત્‌ રહ્યુ ંહતું.

મા કહેતી - ‘હું શું કરું ? તારા બાપને જોયા છે ?’

ઘરમાં ભાભીયે આવી હતી. એ પણ કકળાટ કરતી હતી. ‘આવી વાતમાં નગારાં વગાડવાના ? કઈ સદીમાં છીએ ?’

પછી એ એરડી તે બન્નેની સહિયારી બની, સુખ અને દુઃખેય સહિયારાં બન્યાં.

અચાનક રસેન્દુનું આગમન થયું ને એ બેય ખુશ ખુશ થઈ ગયાં. ચાલો, એક યાતનાનો અંત આવ્યો. એ સ્થાન હવે નવા છોકરાનું.

બેય સ્ત્રીઓએ હરખ વ્યક્ત કરી લીધો, એકમેકને તાળી આપીને. ભાભીએ તો સંકેત પણ કર્યો હતો - ‘છોકરો સારો છે. તને ગમે છેને ? બસ, કરી નાખીએ કંકુના.’

ભગવતી શરમાઈ ગઈ હતી.

આજે પહેલી વાર જ કોઈએ આ વિષય પર વાત છેડી હતી. કોલેજની સખીઓ મળતી ત્યારે આવી વાતો તો થતી જ. બધા જ ચહેરા પર ચમક દેખાતી, પ્રસન્નતા વંચાતી, તરસેય કળાતી. સખીઓ વાતો કરતી, અનુભવોની, બોયફ્રેન્ડની તે સાંભળ્યા કરતી.

શ્વેતા કહેતી - ‘બે દિવસ પહેલાં જ અલંકારમાં મૂવી જોયું - મનન સાથે. મહેરબાની કરીને મને ફિલ્મની વાર્તા વિશે કશું ના પૂછશો. કશું જોયું હોય તો ને ?’

સીમા કહેતી ‘ગામમાં બગીચા ક્યાં ઓછા છે ? ખબર છે ને, જવાહર ગાર્ડનની ? હું ને પરિમલ તો ત્યાં જપહોંચી જઈએ !’

આમ રસભરી વાતો થતી હોય ને તેને રસેન્દુ યાદ આવી જતો. એય ગમવા લાગ્યો હતો. રાતે એના જ વિચારો આવી જતા.

મા કહેતી - ‘ઊંઘ નથી આવતી ? બોલી જા, એક વાર રામરક્ષા કવચ.’

પણ ક્યાં કશુંય થતું હતું, શ્વેતાડી અને સીમા જેવું ? આવું ખરેખર બનતું હશે, બન્યું હશે ? ખોટાડી છે બેય. એને બાળવા માટે જ આવું... કે’તી હશે ! પાછી દયા ખાય છે એની-સાવ ઠાલા મફતની ! આ તો એને ખોટું બોલવું નથી નહીં તો... ? રસેન્દુની કેટલી વાતો જોડી શકે ?

બીજી પળે તેનો આવેગ શમી જતો. અરે ! પૂરો જોયો જ નથી એ છોકરાને ! માંડ દૃષ્ટિ પાથરું ને તરત જ સાદ પડે ભગવતીનો. શું એ મને ખાઈ જવાનો હતો ? તે ખિન્ન બની જતી.

અરે, કેવી સૂચનાઓ આપતા હતા તેના બાપા ?

‘જુઓ... બેદરકાર ન રહેતા. બરાબર ધ્યાન રાખજો ભગવતીનું. ડેલી ખખડે ને એ જ દોડી જાય છે. ને નજરેય ત્યાં જ ચોંટી હોય છે. આ લક્ષણો સારાં નથી. આ તો સદાશિવની ચિઠ્ઠી હતી બાકી... કોઈ જુવાન છોકરાને ઘરમાં ન ઘાલું !’

તે પણ સાંભળતી હોય ને ?

ભગવતીનું લોહી ગરમ થઈ જતું.

‘તો શું ડેલી ખખડે ને ના જવું ? કેવા છે બાપુ ? નો’તી ભાડે આપવી મેડી ? ડેલી ખોલી હતી. કાંઈ વળગી નો’તી પડી એ રસેન્દુને ?’

કેટલું મન થતું હતું - એની સામે બેસીને વાતો કરવાનું ? ને એનેય થતું જ હશેને ? ભાભી શું કે’તાં હતાં ? એની દૃષ્ટિ નીચે ફળિયામાં જ ખોડાઈ રહી હોય છે એ ભગવતી માટે જ !

થોડું કશું થાય તો કહી શકાયને, શ્વેતાને ? લે, જો મેંય આજે વાતો કરી એની સાથે. એણે કહ્યું - ભગવતી... આમ ને ભગવતી તેમ ! અને ખબર છે એણે શું કહ્યું જતાં જતાં ? ભગવતી... તારો કંઠ બહુ જ સરસ છે !

આમાં ને આમાં ઊંઘ વેરણ થઈ જતી. નવી નવી કલ્પનાઓ, નવા નવા સંવાદો.

મા ટપારતી - ‘ભગવતી, રામરક્ષા કવચ કર. તરત જ ઊંઘ આવી જશે. શા વિચારે ચડી છું ?’

ને તે ચીડથી પડખું ફરી જતી.

ત્યાં જ બીજા ખંડમાંથી રવિશંકરનો સાદ સંભળાતો. ‘ભગવતીની બા...’

ભગવતી માથે ચાદર ઓઢી લેતી. ચીડથી.

ભગવતી પાસે એક સ્થાન હતું - સાંત્વના મેળવવાનું. આખી દુનિયા દુઃખમય હતી. તે રેખાભાભી પાસે પહોંચી જતી. બેય બળાપો કાઢતાં - એકમેકનો.

ભાભી કહેતી - ‘કેવા કેવા નિયમો કરે છે ? રાતે બાર વાગ્યે માંડ ઓરડાનાં બારણાં વાસીએ ને સવારે પાંચ વાગે તો સાંકળ ખખડવા લાગે ! શું ઊઘીએ ને શું જાગીએ ?’

ભગવતી છળી ઊઠતી. અનેક વિચારો આવી જતા. શું રસેન્દુનાં મા-બાપ પણ આવાં જ... ? શું એ લોકોય આમ સાંકળ ખખડાવશે ?

ઓહ ! ક્યાં પહોંચી ગઈ ? સાંકળ ખખડાવવાની વાત તો દૂરની રહી. એ પહેલાં બારણાં વાસવાં તો પડે ને ? બારણાં સુધી પહોંચવું તો પડેને ? આ તો ખુદ ઘરની ડેલી સુધી જ ક્યાં પહોંચાતું હતું ?

બાકી વર તો આવો જ હોય. એની સાથે ફરવા નીકળીએ તો વટ પડી જાય. ઓલી, શ્વેતા તો કાળી ધબ થઈ જાય !

આવા મનોવ્યાપારો વચ્ચે બે વરસો તો પાણીના રેલાની માફક વીતી ગયાં. ભગવતી બાવીસની થઈ.

રસેન્દુને થયું - ‘આ તો કેવી રૂપાળી થઈ ગઈ ? જોતજોતામાં !’

શ્વેતા સરસ વાત કરતી હતી - તેના બોયફ્રેન્ડ વિશે. હવે તો એ બન્ને પરણી જવાનાં જ હતાં.

સીમાએ કહ્યું હતું - ‘ભૈ, કેટલું જાળવવું પડે, આ રોમાન્સના દિવસો દરમિયાન ? બાકી... એ પુરુષ તો અધીરો બન્યો હતો ! એના મૂળમાં પોતે હતી જ એવી !’

વીણા કહેતી હતી ‘આ ભગવતી કશું જ નહીં બોલે. ભારે મીંઢી છે !’

અને પછી એ ત્રણેય હસી પડતી - મજાક જેવું.

સમસમી જતી, ભગવતી.

શ્વેતા ઉમેરતી ‘અલી, તારું નામ બદલી નાખ. ભગવતી નામ સાંભળીને કોઈ તને પ્રેમ ક્યાંથી કરે, તારી તો પૂજા કરે !’

વીણા હસીને કહેતી - ‘તારી મેડીમાં કોઈ રહે છે ને છોકરો ? બોલ ને... શું ચાલે છે તારું ચક્કર - એની સાથે ?’

ભગવતી મનોમન વલોવાઈ જતી. છે એકેયને શરમ ? બીજે દિવસે નક્કી કરતી કે તે કશી વાત તો કરશે જ રસેન્દુ સાથે. એ તો હજી હતો જ ને ! અરે, સરસ તૈયાર થઈને તેને સામેથી બોલાવશે !

અચાનક સમાચાર મળ્યા કે રસેન્દુની બદલી થઈ ગઈ - વતનમાં. તેનાં તો બારે વહાણ ડૂબી ગયાં. હવે શું કરશે, એના વિના ? એ આવતો, જતો, કશું જ બોલતો, ક્યારેક હસતો. મેડીથી ડેલી સુધઈની જગ્યા એના અસ્તિત્વથી ભરીભરી હતી. એ હતો એટલે એના વિશે સરસ સરસ કલ્પનાઓ કરી શકતી હતી, સ્વપ્નો જોઈ શકતી હતી.

અને હવે તો મેડીયે ખાલી અને એય ખાલીખમ ! રડી પડી એકાંતમાં.

એક દિવસે સામાન નીચે ઊતર્યો.

ભાભીએ કહ્યું - ‘લૈ, તારો રસેન્દુ જાશે. હવે મેડી પાછી તારી ને મારી !’

હરગૌરીએ કહ્યું - ‘સારો હતો છોકરો. નીચું જોઈને જતો ને નીચું જોઈને આવતો.’

રિક્ષા આવી, સામાન મુકાયો ને સહુએ... ‘આવજો’ કરી લીધું.

તે ફાટી આંખે જોઈ રહી, એને જતા. તેણેય ‘આવજો’નો હાથ હલાવ્યો હતો, છેલ્લી ક્ષણ સુધી જોયો હતો. તે તો સાવ લૂંટાઈ ગઈ હતી.

રવિશંકરે સહજતાથી કહી દીધું - ‘મેડી સાફ કરાવી નાખો. હવે તો નવા પાસેથી પચાસ જ લેવા છે. આ તો સદાશિવની ચિઠ્ઠી લાવ્યો હતો ને એટલે !’

અને એ બપોરે ખિન્ન ચહેરે તે પહોંચી ગઈ મેડી પર. આમ તો તેને નિરાંતે રડવું હતું.

ભાભીએ કહ્યું હતું - ‘હવે ભૂલી જાજે. તે શું થતો હતો તારો ? આ વરસે તો તને પરણાવી જ દેવી છે.’

તેણે નક્કી કરી નાખ્યું કે તે પછી ઓલી ચિબાવલીઓને - શ્વેતાડી, સીમાડીઓને ક્યારેય નહીં મળે. બસ ઘરમાં જ ગોંધાઈ રહેશે ! સાવ નફ્ફટ છે બધીઓ !

સાવરણી હાથમાં સ્થિર હતી ને મન બધે જ ફરતું હતું. આખેઆખો બે વરસનો સમય આંખો સમક્ષ તગતગતો હતો. પાછો ગુસ્સો રસેન્દુ પર પણ આવ્યો. કેવો કે’વાય ? પુરુષ હોત તોય એકેય વાર બોલ્યો - ‘ભગવતી, તું મને ગમે છે ?’

ત્યાં જ મનને ટોક્યું એણે. ભગવતી, નાહક ખુવાર ન થા. કદાચ એનેય તું ન ગમતી હો. બે જોઈ ગયા એમણે ક્યાં કશું કબૂલ્યું હતું - આ ન ગમવાનું ? પાછળથી કેવરાવી દીધું કે નથી કરવું. જન્માક્ષર નથી મળતા. જે હતું એ તો આ ભગવતી સાથે એમાં જૂઠાં બહાનાં શિદને ?

ને તે જેમ તેમ સાવરણી ફેરવવા લાગી આખી દુનિયાની દાઝ ઉતારતી હોય એમ જ.

ચારેકોર ભીંતો ખંખેરાઈ ગઈ પછી અભેરાઈનો ક્રમ આવ્યો. સાથે સાથે રસેન્દુ પણ ખંખેરાઈ રહ્યો હતો.

અચાનક કશુંક અથડાયું હતું સાવરણીએ. કુતૂહલ એવું કે તરત જ પડેલી પર ચડાઈ ગયું. અરે, આ તો વાદળી રંગની નવીનકોર ફાઈલ ! ધૂળના થર થયા હતા, એના પર.

ફાઈલ ઊતરી, સાડીના છેડા વતી ધૂળેય લુછાણી. શું હશે-નું વિસ્મય લીંપાઈ ગયું ચહેરા પર.

ભૂલી ગયો હશે, સાવ નકામી હશે - એવા પ્રશ્નો તો ઝબકીને તરત ઓલવાઈ ગયા. ઉતાવળી બેસી ગઈ. બારણાં તરફ પીઠ રાખીને ફરસ પર. આમેય ધૂળધૂળ તો થઈ જ ગઈ હતી. આ કામ આટોપીને તરત નાવણિયામાં જ પહોંચી જવાની હતી.

મરોડદાર અક્ષરો વંચાયા રસેન્દુના. વાહ, અક્ષર તો મોતીના દાણા જેવા ! પોતે એમાંય ઠોબારી હતી. શરમેય આવી.

ફાઈલ ખોલી તો સામે આછા ગુલાબી રંગના કાગળો, સેન્ટની રહી સહી સુગંધ.

આ તો, આ તો લવ લેટર ! લાગલું બોલાઈ ગયું. છાતીના ધબકારા આપોઆપ વધી ગયા. આંખો વિસ્ફારિત થઈ ગઈ. વરવહુ એકબીજાને લખે તે ! સમજ પડી ગઈ ને સાવ એકલી જ હતી તો પણ આસપાસ જોવાઈ ગયું.

મન ભમ્યું સ્હેજસાજ. અક્ષર તો રસેન્દુના જ હતા. કોને લખ્યો હશે ? હશે કોઈ... ?

દૃષ્ટિ ઢાળી પત્રમાં ને આભી બની ગઈ. શું લખ્યું હતું ? - પ્રિય ભગવતી !

સંબોધનથી શરૂ થયેલો પત્ર ત્રણ વાર વંચાઈ ગયો, છેક લિખિતંગ સુધી !

દરેક વખતે નવીનકોર અનુભૂતિઓ !

ઓહ ! શું શું લખ્યું હતું - તેના રસેન્દુએ ?

યહ મેરા પ્રેમપત્ર પઢકર... તુમ નારાજ ના હોના. ભગવતી... તુઝે ગંગા મૈં સમજુંગા, તુઝે જમના...

વ્હાલથી લથબથ લવ લેટર ! પ્રેમપત્ર... !

તું મને કેટલી ગમે છે, ભગવતી ! શું તારો કંઠ-બુલબુલ છું તું તો !

વેરાન ધરા પર બારેય મેઘ ખાંગા થઈ ગયા. તરબોળ થઈ ગઈ ભગવતી.

કેટલી વાર છાતીએ ચાંપ્યો એ પત્ર ? કેટલી વાર હોઠે અડકાડ્યો એને ?

સાવ નવી જ અનુભૂતિઓ. સાવ નવી ભગવતી.

બીજી પળે મજાક કરતી સખીઓ યાદ આવી ગઈ, અને આવેશ આળી ગયો રોમરોમ.

તે હોઠ ભીંસીને બોલી - ‘લો, વાંચો આ લવ લેટર ! સાવ સાચો ! જુઠાડિયું... કોઈએ લખ્યો છે તમને આવો લવ લેટર ?’