Lachari nu Vartul in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | લાચારીનું વર્તુળ

Featured Books
Categories
Share

લાચારીનું વર્તુળ

લાચારીનું વર્તુળ

લેખક :-

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


લાચારીનું વર્તુળ

વિભા જાણતી હતી કે આજે જાનકી બરાબર જમી નહોતી. લુશ લુશ બે કોળિયા પેટમાં પધરાવીને, વિભાને પગે લાગીને ઝટપટ ચાલતી થઈ હતી.

પરીક્ષા સમયે આમ જ થતું. આજે તો છેલ્લું પેપર હતું. બસ, પછી તો લીલાલહેર ! મુક્ત પંખીની જેમ જાનકી વિહરવા લાગશે. આખું ઘર માથે લેશે. પણ સનાતનની ગેરહાજરીમાં. સનાતનને આવું ક્યાં પસંદ હતું ?

ઢગલો કપડાં ભેગાં થયાં હતાં લૉન્ડ્રીમાં દેવાનાં. માણસ કપડાં લેવા આવતો જ નહોતો. વિભાએ વિચારી રાખેલું કે બપોરે તે ઈસ્ત્રી લઈને બેસી જશે.

સનાતન જાય પછી તો ખાસ્સો સમય રહેતો તેની પાસે, જેમાં તે જે ઇચ્છે એ કરી શકે. અલબત્ત, સનાતનના ફોન ન આવે તો. તેને આદત હતી ફોન પર સૂચનાઓ આપવાની.

ઑફિસમાં સહેજ સમય મળે ને તરત જ... રિંગ કરવાની આદત.

‘કેમ મોડું થયું ફોન લેવામાં ? પથારીમાં ઘોરતી હતી ? પછી મારી પેલી ફાઈલ શોધી ? હજી ના મળી ? શું કરો છો આખો દિવસ... ? શોધી રાખ... સાંજે આવું ત્યાં સુધીમાં.’ અને વિભા ફફડતી ફફડતી એ કામમાં લાગી જતી. અંતે એ ફાઈલ તો ઑફિસમાંથી જ મળી આવતી.

ચાળીસી વટાવી ગયેલી વિભાને હવે થાક લાગતો હતો, શરીરનો અને મનનો. તેને થતું કે શું આ પુરુષ ક્યારેય તેને સમજશે ખરો !

તેણે ડરતાં ડરતાં કહ્યું હતું : ‘સનાતન... હવે જાનકી ઉંમર લાયક થઈ, સમજણી થઈ. આમ કેવું લાગે કે આપણે બેય... બેડરૂમમાં બારણાં વાસીને...’

તેણે કશો ઉત્તર વાળ્યો નહોતો. એનો અર્થ એ કે તે કશી ચર્ચા કરવા ઇચ્છતો નહોતો. બસ, વાતને પડતી મૂકવી. તે ચૂપ થઈ જતી.

વિભા પરણી ત્યારે પૂરી સમજણ હતી તેનામાં. તેની ઇચ્છાય ક્યાં હતી સનાતન માટે. એક લાચારીએ તેને એ દિશામાં ધકેલી હતી. બાકી તેનીયે એક પસંદગી હતી. વિભા અણગમા સાથે સનાતનને પરણી હતી. વડીલ સ્ત્રીઓએ તેને શિખામણ આપી હતી :

‘બેટા, પુરુષ તો એવો જ હોય. આપણે સંભાળી લેવાનો.’

વિભા સમસમી ગઈ હતી.

ઉત્તર તેના હોઠ પર જ હતો પણ તે મૂંગી રહી હતી. બસ, આ લાચારી... છે ક લંબાતી હતી. પ્રારંભમાં પીડા થતી હતી, પારાવાર પીડા થતી હતી. પણ પછી તેણે અનુકૂલન સાધી લીધું હતું. જાતને સનાતનમાં ઓગાળી નાખી હતી.

સનાતન ખુશ ખુશ હતો. એ ખુશીમાં વિભાનું સુખ સમાઈ જતું હતું. સમજણ આવ્યા પછી જાનકીએ આ જ જોયું હતું. મમ્મીની લાચારી વખતોવખત નિહાળી હતી.

‘બેટા, સ્ત્રીના ભાગ્યમાં તો આવું બધું હોય’ વિભા ક્યારેક સ્વગત બોલતી હોય તેમ બબડતી.

જાનકીને ભાન થયું હતું કે તે પણ એક સ્ત્રી હતી, મમ્મીના જેવી. અને તેણે પણ આમ જ આ પગદંડી પર, આમ જ... પગલાં ભરવાનાં હતાં.

સનાતને તો જાનકી પર પણ ઇચ્છાઓ લાદવાનું શરૂ કર્યું હતું :

‘ના, આ ફ્રોક સારું છે. પુસ્તકો આવાં જ વાંચવાનાં. એ લોકો આપણા લેવલના નથી. તારે પ્રતિમા સાથે સંબંધ નહીં રાખવાનો.’

‘આટ્‌ર્સ લાઈનમાં ના જવાય. ભાષામાં રસ છે તેથી શું થયું ? હું કહું છું ને કે કોમર્સ...’

‘બર્થડેને સેલિબ્રેટ કરવો છે ? એટલે ઘરે ટોળું ભેગું કરવું છે એમ ? નો, નથિંગ ડૂઇંગ. એ બહાને છોકરા-છોકરીઓ...’

‘શું કહ્યું ? એકલી તારી સખીઓ ? પણ મને ખબર છે, પાછળ પાછળ સખીઓના ભાઈઓ...’

‘શું લખ્યું છે ? કવિતા... ? યૂ મીન પોએટ્રી ?... એમાં સમય શા માટે બગાડે છે ? એના કરતાં...’

જાનકીને થાક લાગ્યો હતો, સાવ કાચી ઉંમરમાં. આમાં જિવાય કેવી રીતે ? શ્વાસ પણ ના લઈ શકાય. મમ્મી... આટલાં વર્ષ જીવી જ ને ? સતી વિભા બનીને ? હા... એમ જ. પોતાની ઇચ્છાઓ દળી નાખે એ સ્ત્રીને સતી જ કહેવાય !

અને સખીઓના ભાઈ એટલે... ? તે આટલાં વર્ષમાં એક જ વ્યક્તિને ઓળખતી હતી-વિસ્મયને. કૃતિએ પરિચય કરાવ્યો હતો :

‘જાનકી... આ મારો ભાઈ વિસ્મય. ભારે મજાકિયો છે. કોઈને ના છોડે. અને હસાવેય કેટલું ? પેટ દુઃખી જાય !’

એક વાર તે વિસ્મયને મળી હતી. તેણે તેની સાથે હળવી વાતો કરી હતી. પછી ટકોર પણ કરી હતી : ‘જાનકી... તું વણઊઘડેલું પુષ્પ છે. પણ તને અનુભવી શકાય છે, તારા ભીતરને પારખી પણ શકાય છે.’

જાનકી ખુશખુશાલ થઈ ગઈ હતી એ સાંજે, આવું બધું સાંભળીને.

‘અરે વિસ્મય... તમે તો કવિ જેવું જ બોલો છો. તમને ખબર છે મેં પણ એક કવિતા લખી છે ? કૃતિનેય આ વાત નથી જણાવી.’

રણમાં મેઘધનુષ્ય ખીલી ઊઠ્યું હતું જાણે ! જાનકીએ તેની સ્વરચિત કવિતા વિસ્મયને સંભળાવી હતી. એ બંનેએ સરસ સરસ વાતો કરી હતી.

જાનકીને ભાન થયું કે કાંઈ બધા પુરુષો તેના પપ્પા જેવા નથી હોતા. પછી તો બીજી કવિતા પણ રચાઈ, વંચાઈ અને ચર્ચાઈ. આ રમતિયાળ છોકરો એકલો રમતિયાળ નહોતો. તેનામાં ઊડાણ હતું... વ્યાપ હતો... જીવન પ્રતિ એક દૃષ્ટિ હતી.

પછી તો ‘વાંચવા જાઉં છું... કૃતિને ત્યાં.’ શરૂ થયું. તે ખુશ ખુશ રહેવા લાગી.

વિભાને થયું પણ ખરું કે... જાનકી કદાચ...

એક વેળા જાનકી સ્નાન કરીને બહાર નીકળતી હતી ને તેને કાને સનાતનના શબ્દ પડ્યા હતા : ‘જસવંતભાઈના તેજસમાં શી ખામી છે ? પૈસામાં આળોટે છે એ લોકો. જાનકી સુખમાં પડશે.’

વિભા સાંભળી રહી હતી. તેણે કશો પ્રતિકાર કર્યો નહોતો. સમર્થન પણ કર્યું નહોતું. બસ, નિરુત્તર ! અંતે તેણે માત્ર એટલું જ કહ્યું હતું : ‘જાનકીને પૂછી જોઉં...’

‘જાનકી શા માટે ઈનકાર કરે ? બે ગાડીઓ છે, બંગલો છે. તે તો મહાલશે સુખમાં.’

જાનકી થંભી ગઈ હતી. અરે, થીજી ગઈ હતી. એ પરિવારને તે જાણતી હતી. કેટલીક વાતો તેને કૃતિએ કહી હતી. સાવ અસંસ્કારી હતા એ લોકો. નૈતિક પતનના કિસ્સાઓ એ પરિવારમાં નોંધાયા હતા. શક્તિશાળી હતા ને એટલે કશું પુરવાર નહોતું થતું.

પપ્પાએ તેનું સુખ જોયું હતું, પણ આ નહીં જોયું હોય ? વિભાએ પુત્રીને આ વાત જણાવી નહોતી. તેની હિંમત ચાલતી નહોતી. શું પુત્રીએ પણ, તેની માફક જ અણગમતા પાત્ર સાથે... જિંદગી જોડી દેવી ?

તેને કમકમાં આવી ગયાં હતાં. તે ઈશ્વરને પ્રાર્થના કરતી હતી કે આ વાત કોઈ પણ રીતે અટકી જાય. અને એ વિશે સનાતને પછી ક્યારેય કહ્યું નહોતું. વિભા... ફફડતાં ફફડતાં જીવતી હતી. ઇચ્છતી હતી કે એ દિવસ ક્યારેય ના આવે.

જાનકીએ આ વાત વિસ્મયને પણ કહી હતી. કૃતિ પણ જાણતી હતી. કૃતિએ સખીને સાંત્વાના આપી હતી.

આ વાતાવરણમાં પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકાય ? તે કાંઈ યંત્ર તો નહોતી કે ચાંપ દબાવીને તેને ચાલુ કરી શકાય.

વિભાએ એક દિવસ જાનકીને એ વાત કરી હતી વ્યથા સાથે. ઉમેર્યું હતું : ‘એ હવે ભૂલી ગયા લાગે છે.’ જાનકીને લાગ્યું કે તેની મમ્મી સાવ ભોળી જ હતી. એ પુરુષ કશું ભૂલી શકે જ નહીં, એવી તેની છાપ હતી. ‘કાં તો મમ્મી મને આશ્વાસન આપતી હશે અથવા ખૂબ જ ભોળી...’

જાનકી વિચારતી હતી તેને પિતા પર વિશ્વાસ નહોતો. સનાતન ધારે એ કરે જ, એવી એની પ્રકૃતિ હતી.

તેને ભૂતકાળની અનેક વાતો યાદ આવી હતી જેમાં તે આ રીતે જ વર્ત્યા હતા.

કશુંય બનતું નહોતું, એ વિષયમાં. સનાતને એ વાત ફરી ઉખેળી જ નહોતી. વિભાએ છૂપો આનંદ થતો હતો. તે અત્યારે વસ્ત્રો પર ઇસ્ત્રી ફેરવી રહી હતી ત્યારે પણ એ જ વિચારો આવતા હતા.

‘કદાચ... તે આ વાત ઉખેળશે નહીં ને, જાનકીની પરીક્ષા પછી ? આજે છેલ્લું પેપર તો છે. અરે, તેની પરીક્ષા પૂરી પણ થઈ ગઈ હશે. હમણાં જ... મુક્ત પંખી આવી પહોંચશે... સવારે પૂરું જમી પણ નથી.’

વિષયાંતર થઈ ગયું, તે પ્રસ્વેદે રેબઝેબ હતી. વસ્ત્રો પણ ભીનાં, ચોળાયેલાં... તે ઝટપટ કામ આટોપીને બાથરૂમમાં પહોંચી. ઠંડું પાણી અને તેનો શીતળ છંટકાવ ગમ્યો. થોડી ક્ષણો માટે... તે બાકીની દુનિયાથી અલિપ્ત થઈ ગઈ જાણે !

તાજી થઈ ગઈ. ભીનાં વાળ સૂકવતી... રવેશમાં આવી. માર્ગ પર ભીંડ હતી, માનવીઓની અને વાહનોની. તે એ ભીડમાં જાનકીને શોધવા લાગી. યાદ આવ્યું કે જાનકી સાઇકલ કે મૉપેડ કશું લઈ ગઈ નહોતી. એમ કેમ કહ્યું હશે ? એકાદમાં પંચર હોય પણ... બેય...

‘હશે કાંઈ કારણ. કોઈની લિફ્ટ પણ મળી ગઈ હોય.’ વિભાને મનને સમેટી લીધું.

હવે તો ટોળામાં, તેની દીકરીને શોધવા લાગી. તેને બરાબર યાદ હતું કે તેણે કયો ડ્રેસ, કઈ ઓઢણી... અને શું તે જાનકીને ના ઓળખી શકે ?

નજર નીચે, રસ્તા પર ઝળૂંબાયેલી જ રહી. કેટલીક જાણીતી, અર્ધજાણીતી છોકરીઓ આવી પણ ગઈ, ઘડિયાળમાં જોયું તો સાડા ચાર.

‘અરે, પેપર તો ક્યારનુંય પતી ગયું હોય. તો પછી કેમ નહીં આવી હોય જાનકી ? પેપર બરાબર તો...’ વિભાને પુત્રીની ચિંતા વળગી. ક્યારેક થોડો વિલંબ થવાનો હોય તો તરત જ ફોન કરી દે. જાનકીને ખબર જ છે કે મમ્મી ચિંતા કરે જ. મમ્મી એટલે ચિંતા.

નજર ઝળૂંબી રહી રસ્તા પર અને પછી તો ઝીણી થઈને દૂર દૂર પણ ચોંટી રહી. સમય તો સરકી રહ્યો હતો. પડછાયાઓ હવે પૂર્વ તરફ ફંટાવા લાગ્યા હતા.

વિભાએ કૃતિને રિંગ કરી. હસી પણ ખરી એમ વિચારીને કે ભૂતનું રહેઠાણ આંબલી. હમણાં તો રોજ વાંચવા માટે પણ ત્યાં જ જતી હતીને !

રિંગ તો કરી પણ... નો રિપ્લાય ! બીજી વાર પણ એમ જ. ક્યાંય ગયા હશે સપરિવાર, કૃતિની પરીક્ષા પછી. ચાલો જિજ્ઞાસાને જોડું. એ પણ એની ખાસ...

‘કોણ... આન્ટી, મઝામાંને ? શું કરે છે તમારી કુંવરી ? સૂતી હશે આરામથી. શું નથી આવી ? પેપર તો ક્યારનુંય... કોઈ કામ યાદ આવ્યું હશે. આવી જશે આન્ટી...’ બસ વાત ખતમ.

પણ જાનકીનું શું સમજવું ? સ્વાતિ ભાભીને પૂછવા દે. કદાચ ત્યાં બેસી ગઈ હોય. ભલું પૂછવું. રસ્તામાં જ ઘર છે. જાનકીને સારું બને છે તેમની સાથે. જાનકીનો સ્વભાવ જ એવો છે, ગમે તેને વહાલી લાગે.

‘હું... સ્વાતિભાભી... બસ આ ઇસ્ત્રીથી પરવારી. જરા ફ્રેશ થઈ... થયું કે... જાનકી ત્યાં આવી છે ? આજે છેલ્લું જ પેપર હતું... નથી ને ? હા... હા, એ તો આવી જશે. ક્યાં નાની હતી ?’

ચાલો, એ પણ પત્યું. નાની નથી એ જ ઉપાધિ છે. સ્વાતિભાભીને ના ખબર પડે.

વિભા સ્થિર થઈ ગઈ પણ મન ભમવા લાગ્યું - લોલકની માફક. ઘડીમાં એક વિચાર, તો બીજી ક્ષણે બીજો વિચાર. કોઈ અપહરણ કરી ગયું હશે ? અથવા... અથવા... પેપર બરાબર ના ગયું હોય તો ક્યાંય તે પોતે જ... સનાતનનો ડર તો ખરો જ. ક્યાં જાય પહેર્યે કપડે ? તે સવારે મને પગે લાગી હતી ત્યારે તેની આંખો ભીની થઈ ગઈ હતી. એમ તો તે ઊઠી ત્યારે લાગેલી મને વળગી જ પડી હતી. એ શું સાવ અકારણ જ બન્યું હશે કે પછી...

તે પાસેના સોફા પર ફસકાઈ પડી. કાયામાંની બધઈ જ શક્તિ એકસામટી ક્ષીણ થઈ ગઈ ! ગોખમાં દેવીની છબી હતી. તે દરરોજ સવારે ભાવપૂર્વક તેની પૂજા કરતી હતી. તેણે આજીજી કરી એ છબી પાસે.

ત્યાં સ્વાતિભાભીનો ફોન આવ્યો. તે પૃચ્છા કરતા હતા કે જાનકી આવી કે નહીં.

‘ના, ભાભી...’ એટલું કહેતાં કહેતાં તે રડી પડી.

‘સનાતનભાઈને જણાવ્યું ? કશું થયું હતું-તેને મન દુઃખ થાય તેવું ? ચાલ... હું જ આવું ત્યાં.’

અને વિભાને ઝબકારો થયો.

પેલા જશવંતભાઈના તેજસ સાથે... ની વાત તો તેના મનમાં નહીં હોય ? કદાચ હોય પણ ખરી. અને આ કૃતિનો ફોન પણ લાગતો નથી. કૃતિના ભાઈ વિશે પણ જાનકીએ એક વાર કહ્યું હતું : ‘મમ્મી... વિસ્મય તો બધાંને ગમે તેવો જ છે...!’

વિભાને બધું દીવા જેવું દેખાવા લાગ્યું. એમ જ હશે. તેનું આજનું વર્તન તો એ જ દિશાનો સંકેત કરતું હતું.

તે વસંતઋતુની ડાળખી બની ગઈ એ ક્ષણે. કૃતિને ત્યાં ફરી ફોન જોડવા મન સળવળી રહ્યું. પણ ત્યાં જ સ્વાતિભાભી આવી પહોંચ્યાં. તે ફરી રડમસ થઈ ગઈ.

સ્વાતિભાભીએ સનાતન સાથે વાત કરી : ‘સનાતનભાઈ... જો જો વાત બા’ર ના જાય.’ ભાભીએ શિખામણ પણ આપી.

‘ભલે... વાર થાય. હું વિભા પાસે છું’ એવો સધિયારો પણ ભાઈને આપ્યો.

બંને સોફા પાસે ફરસ પર બેઠાં. હવે તો પૂરેપૂરું અંધારું વ્યાપી ગયું હતું. પાસેના રસ્તા પરની અવરજવર પણ પાંખી થઈ ગઈ હતી. સ્વાતિભાભી સાંત્વનાના શબ્દો ઉચ્ચારતા હતા.

વાતાવરણમાં ઉદાસી હતી.

અચાનક જ સ્વાતિએ પૂછ્યું : ‘વિભા... આપણી જાનકીને કોઈ સાથે ઓળખાણ, મનમેળ એવું કશું તો નહોતું ને ? આજકાલ આવું બહુ બને છે. મૂઆ મવાલીઓ... ભોળપણમાં રમતી છોકરીઓને ફસાવે છે.’

વિભા ચોંકી હતી. તેણે માથું ધુણાવ્યું હતું. તે વિસ્મય વિશે કશું કહેવા ઇચ્છતી નહોતી. અને તે પણ ક્યાં ચોક્કસ હતી. આ તો કેવળ ધારણા હતી.

જોકે એ ધારણા સાવ આધાર વિનાની પણ નહોતી. તે દિવસભરનો કાળક્રમ ગોઠવવા લાગી. સવારે જાનકી તેને વળગી પડી હતી. આવું તો તે ક્યારેય કરતી નહોતી. એ પછી તેણે તેની સોનાની બંગડીઓ વિભાને આપી હતી.

‘મા રાખ આને. નિરાંતે પહેરીશ, પરીક્ષા પછી.’ વળી તેની આંખો ભીની હતી જ્યારે તે પરીક્ષા દેવા ગઈ. આ બધાં શાના સંકેત હોય ?

વિભા તેની ધારણામાં ચોક્કસ થતી જતી હતી. ‘ચાલો... તે તો સુખી થશે !’ તે ગુસ્સો ઠાલવવાનો જ હતો.

સ્વાતિભાભીએ ઝટપટ બારણું ખોલ્યું. સામે સનાતન હતો અને તેની સાથે જાનકી હતી. જાનકી રડતી હતી.

‘જાનકી... ? આવી ગઈ ?’ સ્વાતિભાભીએ હર્ષોચ્ચાર કર્યો. વિભાએ પણ જાનકી અને સનાતનને... જોયાં.

વિભા સ્તબ્ધ થઈ ગઈ। તો શું... તેની ધારણા... નિરાધાર... એક આંચકો લાગ્યો.

બીજી ક્ષણે પુત્રીને વળગી પડી. સવારે જાનકી વળગી હતી એમ જ. વિભા રડતી હતી.

‘કર્યું ને ભોપાળું. ગામમાં ઢંઢેરો જ પિટાવવો હતો ને કે મારી ઉંમર લાયક છોકરી કોઈની સાથે ભાગી ગઈ છે. ક્યારેય અક્કલ ચલાવવાની જ નહીં ?’

અરે, જશવંતભાઈ સુધી વાત પહોંચે તો શું થાય, ખબર છે તમને ?

સનાતને રોષ ઠાલવવામાં કશી મણા ન રાખી. જશવંતભાઈના ઉલ્લેખે વિભા ચોંકી હતી. તેણે પુત્રી સામે જોયું હતું. જાનકીની આંખોમાં લાચારી વંચાતી હતી. ‘હવે ગુસ્સો ન કરો, સનાતનભાઈ. માને તો થાય અને વિભાએ કોઈનેય કહ્યું નથી, બસ મારા સિવાય.’ સ્વાતિએ વાતને ઠંડી પાડી હતી.

‘અરે, ક્યાંયે નહોતી ગઈ... તેની ફ્રેન્ડ જિજ્ઞાસાને ત્યાં હતી. કોઈ પ્રસંગ હતો તેને ત્યાં. એમાં રજનું ગજ કરવાનું ?’ સનાતને જરા હળવાશથી કહ્યું હતું. અવાજ ધીમો થયો હતો. અને વિભાને ફરી ચોંકવાનો વારો આવ્યો.

રાતે તે પરવારીને જાનકી પાસે આવી, તેના ખંડમાં બારણા વાસીને જ આવી હતી.

જાનકી પલંગમાં લોથની જેમ પડી હતી. વિભાએ તેને પંપાળી. સારું લાગ્યું જાનકીને.

‘બેટા, શું વિસ્મય નો આવ્યો ?’ વિભાએ સાવ નિકટ જઈ પ્રશ્ન કર્યો.

જાનકી ચમકી. શું મમ્મી જાણતી હતી ? બીજી ક્ષણે તે વિભાને વળગી પડી.

એકવીસ વર્ષ પહેલાં, વિભાને ભગીરથ પણ, આમ જ આવ્યો નહોતા ! વિભાએ કશું ના કહ્યું. બસ, વળગી જ રહી રડતી પુત્રીને.

લાચારીનું વર્તુળ અહીં પૂરું થતું હતું... ?