પ્રેમનો સ્પર્શ...
પ્રકરણ : ૩. હૃદયનાં શબ્દો
માસીએ થપથપાવીને ઉઠાડયો. હું ઝડપથી તૈયાર થઇ ઇન્ટરવ્યુ દેવાં નીકળ્યો.
ઇન્ટરવ્યુ પુરું થયું. સફળતા કે નિષ્ફળતાની કોઈ જ અપેક્ષા નથી. પરંતુ મનના એક ખૂણામાં પડેલી ડાન્સ કલાસીસની જાહેરાત મારું ધ્યાન ખેંચી રહી છે અને આ વખતે હું તક ગુમાવવા માંગતો નથી. કેમ કે, હવે એટલું સમજાઈ ગયું છે - આપણી જિંદગી હાલ જે પણ હાલતમાં હોય તેનાં જવાબદાર આપણે પોતે જ હોઇએ છીએ અને તેનાં પરિણામો પણ આપણે એક ને જ ભોગવવાંનાં હોય છે.
હું ત્યાંથી સીધો ગયો- ક્રિએટીવ ડાન્સ કલાસીસનાં સરનામે. ત્યાં પહોંચ્યા પછી હું ડાન્સ શીખવનાર - નૈનાને મળ્યો.
અમે આજથી જ ડાન્સ શરૂ કરી દીધો. હું નૈનાને ડાન્સ કરતી જોવું છું ત્યારે મને તેનામાં આઇશાની ઝલક દેખાય છે. એવો જ ખીલખીલાતો ચહેરો, એવી જ નિર્દોષ હસી, એમ જ પલકાતી એ પાંપણ.
ડાન્સ પૂરો થયે હું ઘરે પહોંચ્યો અને ઇન્ટરવ્યુ દીધેલ કંપનીનો ફોન આવ્યો કે એક અઠવાડિયા પછી મારે નોકરીએ જોડાવાનું છે. ઘણાં દિવસ પછી આજે મનમાં ખુશીનો દીવો પ્રગટ્યો છે. જેની જ્યોત, કદાચ, નૈનાએ જ સળગાવી છે.
આવાં જ વિચારોથી આજ રાતનો સમય વીતી રહ્યો છે. મેં થેલામાંથી ડાયરી અને ઊંઘની ત્રણ ગોળીઓ લીધી અને પલંગ પર જઇ સૂતો.
***
મેં કહ્યું : 'આઇશા, મારે તને કંઇક ખાસ કહેવું છે.'
આઇશા : 'હા, હું સાંભળું છું.'
મેં કહ્યું : 'આઇશા, હું તને પ્રેમ કરું છું. એતો નથી ખબર કઇ ક્ષણથી મને પ્રેમ થયો છે! પરંતુ આજ સુધી આટલી ખુશી મને ક્યારેય નથી થઈ. તને નજર સામે જોતાં હૃદય સરાસર ધબકતું સંભળાય છે. તને મળ્યાં પછી એક પણ પળ મેં એવી નથી જીવેલી કે જ્યારે તું મારા મનમાં, વિચારોમાં ન હોય. મને તો પહેલી વખત આવો અનુભવ થાય છે. પરંતુ, હા આ પ્રેમ જ છે.!
અને મેં કોલ કાપ્યો.
તરત જ તેનો કોલ આવ્યો.
આઇશા : 'નાસમજ. મારો જવાબ સાંભળ્યા વિના જ તે કોલ કાપી નાખ્યો! કે માત્ર મજાક કરતો હતો?'
મેં કહ્યું : 'મજાક નહીં. પરંતુ હું તને ફરજ તો ન પાડી શકું ને! મેં તો ફક્ત મારી લાગણીઓ વ્યકત કરવા કોલ કર્યો હતો. તારી હા કે ના થી મારા પ્રેમને ફર્ક નહીં પડે.'
આઇશા : 'તું સાચે જ ડફફર છે, દેવ! તો કોલ કેમ કર્યો? અચ્છા, સાંભળ. મારી ખુશી માટે તું જેટલું કરી શકે, એવું બીજું મને કોઈ નહીં મળે અને મારે વધું જોય પણ શું? હું પણ તને પ્રેમ કરું છું.'
ક્યારેક હૃદય એવી પળો,ખુશીઓ અને લાગણીઓથી ભરાઈ આવે છે કે તેને એક પણ શબ્દ,શાયરી કે કવિતા વ્યકત ન કરી શકે. તેવી ક્ષણોને બધું જ ભૂલીને, બે હાથ ખોલીને જીવી લેવામાં જ મજા છે.
***
પ્રેમમાં પડવું એટલે ગંગામાં ડૂબકી મારવા બરાબર જ! પહેલાં તો પાણી ઠંડું કે ગરમ હશેનાં વિચારમાં જ ધ્રુજતા હોય અને પછી એક પગ બોળતાં, આખેઆખું ડૂબી જવાનું જ મન થાય.
હું અને આઇશા પ્રેમના સાગરમાં ઊંડે ને ઊંડે જતાં જ જતાં હતાં.
અમે લગભગ આખો દિવસ એક સાથે જ રહેતાં. હું દરરોજ તેની પ્રેમશાળામાં જઈ બેસતો અને તે પ્રેમનાં નવાં-નવાં પાઠ અને અવનવી વ્યાખ્યાઓ મને ભણાવતી જ જતી હતી.
આઇશા અને હું એક દિવસ તળાવની પાળે હાથમાં હાથ પરોવીને બેઠા હતાં.
મેં કહ્યું : 'તને મારી કસમ. કહે કે તું ક્યારેય મારાથી દૂર નહીં જાય.'
આઇશા : 'હું ક્યાં જવાની છું? એક તું જ તો છે જેનાં માટે હું જીવું છું.'
તેણે મારી આંખમાં આંખ પરોવીને કહ્યું. હું પણ તેની આંખને તાકી જ રહ્યો. દુનિયાની બધી જ ચમક અને દરેક રંગ તેમાં સમાયેલો હતો. તેણે ચપટી વગાડી મને પાછો ખેંચ્યો.
આઇશા : 'ક્યાં ખોવાય જાય છે? અચ્છા, કહે તારાં સપનાં શું છે? શું બનવું છે તારે?'
મેં કહ્યું : 'સપનાં તો હું તારાં એકનાં જ જોવું છું અને મારે કંઈજ બનવું નથી. ક્રિકેટર નહીં,લેખક નહીં, ગીતકાર નહીં, ને નહીં કલાકાર.'
આઇશા : 'તો પછી તું ઍન્જિનીયરીંગ કેમ કરે છે?'
મેં કહ્યું : 'એ મારી માઁનું સપનું છે. તેમણે ઘણું વેંઠ્યું છે જીવનમાં. મારાં નશાખોર બાપે કદી ઘરમાં એક રૂપિયો પણ નથી આપ્યો. મારી માઁએ જ મને સંભાળ્યો છે. મારે કંઇજ મહાન કામ નથી કરવું, નથી મારે મોટું નામ જોઈતું. જે દિવસ હું ઍન્જિનીયર બનીશ, તે દિવસ મારી માઁ માટે સૌથી અમૂલ્ય હશે.'
આઇશાએ મારો હાથ પકડ્યો અને કહ્યું, 'દેવ, હું હંમેશા તારી સાથે જ છું.'
*****
થઈ ગઇ ઠંડક કલેજામાં,
ભરાઈ આવ્યું રક્ત અંગેઅંગમાં,
જ્યારે મળી એની સોબત પ્રેમમાં,
હવે બસ રંગવી જિંદગી એનાં રંગમાં.
તિરાડ.
પ્રકરણ : ૪.
મેં આંખ ખોલી, તૈયાર થઈ થેલો લીધો અને પહોંચ્યો ડાન્સ કલાસીસ, નૈના પાસે.
મેં થેલો બહાર રાખ્યો અને નૈના સાથે હોલમાં ગયો. અમે ફરી ડાન્સ પ્રેક્ટિસ શરૂ કરી.
નૈના : વન..ટુ... થ્રી... ફોર...હા બરાબર. કન્ટિન્યુ. વન...ટુ... થ્રી...ફોર. એક મિનીટ . હું આવું.
તે બહાર ગઇ. અડધી કલાક પછી આવી. ફરી તે મારી સાથે પ્રેક્ટિસમાં જોડાઇ અને અમે ત્રણ કલાક લગાતાર પ્રેક્ટિસ કરી.
હું જ્યારે નૈના સાથે ડાન્સ કરું છું ત્યારે આઇશા સાથે વિતાવેલી એક-એક ક્ષણનું સ્મરણ થાય છે.
કલાસીસનો સમય પૂરો થયે હું બહાર આવી ,થેલો લઇ ઘરે જવાં નીકળ્યો.
નૈના સાથે સમય પસાર કરવો મને ગમવા લાગ્યો છે. તેની સાથે વાત કરતાં લાગે છે કે જિંદગીના રસ્તા પર ચાલતાં-ચાલતાં થાક લાગ્યો હોય અને વડ-વૃક્ષ નીચે છાયામાં બેઠેલું કોઈ તેનાં ખભા પર માથું ઢાળી આરામ કરવાં બોલાવતું હોય.
મેં થેલામાંથી ડાયરી કાઢી. આજે ઊંઘની ગોળીઓની જરૂર નથી. મારે આજે નૈના વિશે લખવું છે. પરંતુ એ પહેલાં આઇશા સાથેની અધૂરી વાર્તા પૂરી કરવી જ પડશે. મેં ત્યાંથી જ લખવાનું શરૂ કર્યું.
***
આઇશા સાથે હાથમાં હાથ નાખી માણેલી ક્ષણો મારી જિંદગીની અંતિમ કિંમતી ક્ષણો હતી.
તે દિવસ પછી લગાતાર છ દિવસ આઇશા કૉલેજ ન આવી. તેનો નંબર બંધ આવતો હતો. તે ઠીક છે કે નહીં! મને કંઇજ ખબર ન હતી. સાતમે દિવસે તેને જોતાં જ હું તેની પાસે દોડી ગયો.
મેં કહ્યું : 'આઇશા! શું થયું છે તને? તારો ફોન કેમ બંધ છે? ક્યાં હતી તું આટલા દિવસ? તારી કોઈજ ખબર નહીં!'
આઇશા : 'દેવ,તું મારો માલિક નથી કે મારે તને હિસાબ આપવો પડે અને થઈ શકે તો દૂર રહે મારાથી. મારે ખુશ રહેવાં તારી કોઈ જરૂર નથી.'
મેં કહ્યું : 'શું? આવ બે મિનીટ બેસ. આપણે શાંતિથી વાત કરીએ.'
અને તે મને અથડાઈ દૂર ચાલી ગઇ.
તેનો નંબર તો બંધ જ રહેતો અને દિવસમાં એક જ તક મળતી તેની સાથે વાત કરવાં, તેને જોવાં, જ્યારે તે કૉલેજમાં દરવાજેથી આવતી.
હું દરરોજ દરવાજે તેની રાહ જોતો. તેની સાથે વાત કરવાની કોશિશ કરતો. પરંતુ તે મને ન જોયાંનું નાટક કરી દુર ચાલી જતી અને હું પોતાને પ્રશ્ન પુછતો ત્યાં જ ઉભો રહી જતો - શું તે ખુશ હશે?
પ્રેમનાં સાગરમાં ઊંડે ને ઊંડે જતાં તે ક્યારે હાથ છોડી મને મરવા છોડી ગઇ, એની જાણ પણ ન થઇ! અને મારાં નસીબ પણ જોરનાં હતાં. જ્યારે મેં ગંગામાં ડૂબકી લગાવી, ત્યારેજ કેદારનાથમાં પૂર આવ્યું અને મને તાણી લઇ ગયું.
હવે તો દુનિયા ફિક્કી લાગતી હતી. કેમ કે, હું તો બધાં જ રંગ તેની આંખમાં જોતો હતો.
દિવસો જતાં હું તણાવગ્રસ્ત જીવન જીવતો થયો. હવે, આઇશા નહીં તો તેનાં સપનાં નહીં, સપનાં નહીં તો ઊંઘ નહીં. એટલે જ, ઊંઘની ગોળીઓ મારે લેવી મજબૂરી થઈ ગઇ હતી.
ન્હોતી ખબર! છોડશે એ સાથ અડધે સફરમાં,
જાશે દૂર દઈને હાથ તાલી તેં પળભરમાં,
તરબોળ કરીને મરવા ઊંડે મધ-સાગરમાં,
સજાવી આંસુઓ નાજુક નમણી આંખોમાં,
મળ્યું'તું મને કોઈ મારું,
અધૂરાંસા આ જીવનમાં.
કેમ કરી ભૂલાય એને એક માત્ર જ ક્ષણમાં?
ન ગમ્યુંતું, ન ગમશે એ જ સમું આ જગતમાં.
***
હા, ત્યારથી હું તેનાં સ્મરણોનાં ઓથારે જીવતો રહ્યો છું. પરંતું જ્યારથી નૈનાને મળ્યો છું, લાગે છે, લાગણીઓ પર છવાયેલ પાનખર જશે અને ફરી વસંતના ફૂલ ખીલશે.
પણ કાલે હું પહેલાં નૈનાને મારા અતિથ વિશે કહીશ. હું તેને કોઈ અંધકારમાં નહીં રાખું.
*****
એક ભૂલ
પ્રકરણ : ૫.
આજે નૈનાને વાત કહેવી એ નક્કી કરી લીધું છે. મેં થેલો લીધો અને પહોંચ્યો ડાન્સ ક્લાસ.
મેં થેલો બહાર મુક્યો અને હોલમાં ગયો.
નૈના : 'દેવ, તું આશિષ સાથે જઇશ? ડાન્સ ક્લાસ માટે થોડો સામાન ખરીદવાનો છે.'
મેં કહ્યું : 'હા, કેમ નહીં!'
હું આશિષ સાથે ઇસ્કોન-મોલ ગયો. ત્યાંથી સ્પિકરનો સેટ ખરીદ્યો અને ડાન્સ ક્લાસ પાછાં ફર્યાં.
નૈનાએ કહ્યું : 'દેવ, આજે હું થોડી વ્યસ્ત છું એટલે ડાન્સ પ્રેક્ટિસ નહીં થઈ શકે. તું ઘરે પાછો જા.'
મેં કહ્યું : 'હા, કાંઇ મુશ્કેલી નથી.' મારા ચહેરા પર ઉદાસી ચોખ્ખી વંચાતી હતી.
નૈના : 'અને આજે સાંજે તું રિવરફ્રન્ટ આવી શકીશ? ના ન કહેતો.'
મેં કહ્યું : ' ચોક્ક્સ.'
ના તો હું ન જ કહું! મારે પણ તેને કંઇક કહેવાનું હતું.
***
આજે ઘણાં દિવસ પછી હું અરીસામાં જોઇ, બની-ઠનીને કોઈ માટે તૈયાર થઈ રહ્યો છું. મેં ડાયરી થેલામાં નાખી અને રિવરફ્રન્ટ પહોંચવા નીકળ્યો.
રિવરફ્રન્ટ પહોંચ્યો ત્યારે નૈના બહાર ઊભી મારી રાહ જોઇ રહી હતી. હું તેની પાસે ગયો.
નૈના : 'તું સમયનો પાક્કો છે. નહીં!'
મેં કહ્યું : 'જરૂરથી.'
નૈના : 'દેવ, આ છે ઉમંગ. હું અને ઉમંગ એકબીજાને ત્રણ વર્ષથી પ્રેમ કરીએ છીએ અને તેં પણ મારી જેમ પોતાનુ ડાન્સ કલાસીસ ચલાવે છે.'
તેણે બાજુમાં ઊભેલાં હટ્ટા-કટ્ટા, દેખાવડા છોકરાં તરફ આંગળી કરી અને હું નૈનાએ સળગાવેલાં તે દીવાને ફૂંક મારવા લાગ્યો.
નૈના : 'ક્યાં ખોવાય ગયો? દેવ, તારે મને કાંઇ કહેવાનું હતું?'
મેં કહ્યું : 'નાં કંઇજ નહીં.'
નૈના : 'તો આવ મારી એક સહેલીને મળાવું.'
અમે ત્રણેય અંદર ગયાં. અને ત્યાં આઇશા ઊભી હતી. અમે એકબીજાં ને જોયા છતાં કશું બોલ્યાં નહીં.
નૈના : 'આઇશાને મેં જ બોલાવી છે. મારે તેવું ન કરવું જોઈએ, પરંતુ કાલે જયારે હું ડાન્સ હોલમાંથી બહાર પાણી પીવા આવી ત્યારે મેં તારા થેલામાંથી એક ડાયરી સરકીને બહાર પડેલી જોઇ. અને સાચું કે ખોટું વિચાર્યા વીના તેને વાંચી લીધી. તેમાં તમારી વાતો અધૂરી જણાતી હતી. વળી, આજે સવારે મેં તને આશિષ સાથે મોકલ્યો ત્યારે પણ વાંચી. પરંતુ આજે તે પૂરી રીતે લખાયેલી હતી. મેં સવારે જ તમારી કૉલેજમાં ફોન કરી આઇશાનાં ઘરનો નંબર લીધો અને આઇશાને અમદાવાદ બોલાવી.'
મેં વચ્ચે કહ્યું : 'એની જરૂર ન્હોતી. હવે અમારાં વચ્ચે કંઈ નથી.'
નૈના : 'દેવ, જરૂર છે. તને લાગે છે? આઇશા તને પ્રેમ ન કરતી હોત તો તે દોડાદોડ તારું નામ સાંભળી અમદાવાદ કેમ આવે? આઇશા બપોરે જ અમદાવાદ પહોંચી ગઇ હતી અને અમે તમારાં વિશે બધી જ વાત કરી. આઇશા તારાં વિના ખુશ ન્હોતી. તે તારી ખુશી માટે તારાથી દૂર ગઇ હતી. તેને લાગ્યું કે, તે તારી અને તારી માઁનાં સપનાં વચ્ચે આવે છે. તું ભણવા કરતાં આઇશાને વધુ મહત્વ આપતો હતો.'
હું તો આઇશાને તાકી જ રહ્યો.
નૈના : 'તે તો બધી રીતે તારાથી દૂર જતી રહી હતી. પરંતુ તારી હાલતથી તે અજાણ જ હતી. તું તો કંઇક અંધારી જિંદગી જીવતો હતો. એટલે મેં આઇશાને તારી તકલીફો વિશે કહ્યું. આઇશા છે તો દેવ છે, આઇશા નહીં તો દેવ કાંઇજ નહીં.'
આઇશાની આંખો પર મોતી જેવડાં આંસુ તણાઈ આવ્યાં અને તે પાસે આવી મને ભેટી પડી.
આઇશાએ આક્રંદ ભર્યા ભીનાં અવાજે કહ્યું : 'દેવ, મેં તારો હાથ પ્રેમ-સાગરમાં અડધે છોડ્યો, મને થયું, તું તરી જઈશ અને તું તો ડૂબી ગયો. વળી, મેં તો પાછાં ફરી જોયું પણ નહીં! મને ખબર હોત કે તું મારો હાથ છૂટતાં જીવવાનું જ છોડી દઈશ, તો હું દુર જ ન જાત. શું તું મને માફ કરીશ?'
મેં કહ્યું : 'આઇશા, મારે તને કંઇક ખાસ કહેવું છે.'
આઇશા : 'હા, હું સાંભળું છું.'
મેં કહ્યું : 'આઇશા, હું તને પ્રેમ કરું છું.'
આજે પણ તેણે મને પ્રેમની નવી વ્યાખ્યા શીખવી.
પ્રેમ કદી ખોટો ન હોય. પ્રેમમાં આવતી પરિસ્થિતિ ખોટી કે ખરાબ હોઇ શકે!
******
-અભિષેક પરમાર