અવની
ભાગ 5
મોડી સાંજે એક દોસ્ત આવ્યો ને બોલ્યો ''ખરાબ સમાચાર છે.''
મારુ દિલ એક ધબકારો ચુકી ગયું, ને ચિલ્લાયો ''ગધેડીના, જલ્દી ભસી મર...''
''અવની તેના ઘેર નથી, આજે વહેલી સવારે જ તેના મમ્મી-પપ્પા તેને કશે લઇ ગયા છે.''
મેં તેનો કોલર પકડી લીધો ''ક્યાં લઇ ગયા છે??''
મારા ભાઈએ મને ધક્કો માંરીને સોફા પર ધકેલ્યો, ''ચૂપ મર, ગાંડો થઇ ગયો છે કે શું??''
મારી બહેન દોડીને મારે માટે પાણી લાવી. હું થોડો શાંત પડ્યો, પપ્પા, ભાઈ, માં, ભાભી, બહેનો બધા વાતો કરતા હતા. અને ક્યાં ગયા હશે, ને તેની માહિતી કોની પાસેથી અને કેવી રીતે મળે તે વિચારતા હતા.
મેં ફરી વચ્ચે બોલ્યો ''તેના ભાઈને ઊંચકી લાવો, 10 મિનિટમાં તો તેનો દેવ પણ બોલી પડશે...''
મારો ભાઈ ગુસ્સાથી બોલ્યો ''તું ચૂપ કર ને યાર..હવે બોલ્યો તો ઠોકવા જ માંડીશ.''
ફરી થોડીવાર હું ચૂપ રહ્યો, ને પાછો બોલ્યો ''સાળી અવની ગધેડી, તે તો ફોન કરીને કહી શકે ને?''
''એવો મોકો નહિ મળ્યો હોય...''
''શું ઘંટો મોકો ના મળે? 12-14 કલાક શું તેને પકડીને બેઠા હશે?? તેની પાસે ફોન નથી, પણ રસ્તે ચાલતા કે કોઈનો પણ લઇ ને કહી તો શકેને...''
''તે તારા કરતા વધારે હોશિયાર ને દિમાગવાળી છે, તે બિચારી પર શું વીતતી હશે તે તે જ જાણે છે. તે જરૂર કઈંક કરશે.''
''ને તે કાલી ભૂતડી કશું કરે ત્યાં સુધી આપણે બેસી રહેવું?''
''તારે કશું નથી કરવાનું, જે કઈ કરવું પડશે તે અમે કરીશું'' પપ્પા બોલ્યા, ને માં ને સંબોધીને કહ્યું કે ''આ રૂમ માંથી બહાર નીકળવો ના જોઈએ.''
હું એક વાતે નસીબદાર હતો કે મારી પુરી ફેમિલી મારી સાથે હતી, ને દરેક અવની આ ઘરમાં આવે તે માટે બધું જ કરી છૂટવા તૈયાર હતા. અને તેમાં અવનીનો બહુ મોટો ફાળો હતો. તે હતી જ એટલી પ્યારી ને તેને જાદુ જ એવું કર્યું હતું કે દરેક તેને મારાથી વધારે ચાહતા હતા.
મારે જલ્દી અને કોઈ પણ રીતે અવનીનો પત્તો મેળવવો જ પડશે...હું તેને કોઈ પણ સંજોગોમાં ખોવા માંગતો નહોતો. ક્યાંક જબરદસ્તી તેને પરણાવી દેશે તો? અથવા ક્યાંક અવની ??? ના, ના, ના... તે વિચાર માત્ર થી જ મારી આત્મા કંપી ઉઠી. મન ને મનાવ્યું કે તે બહાદુર છે, અને કોઈ પણ પગલું ભરતા પહેલા એકવાર તો જરૂર મારાથી વાત કરશે જ...
સવારે સાડા પાંચ-છ વાગ્યે મારો ફોન વાગ્યો, અજાણ્યો નંબર હતો, અવની નો જ હશે, હું વીજળીની ઝડપે બેડ પર થી કૂદ્યો ને ફોન લઈને બાલ્કનીમાં દોડ્યો, રખે ને નેટવર્ક કપાઈ જાય તો??? આમ તો આખી રાત મને ઊંઘ આવી નહોતી. અવનીના જ વિચારો ઘુમરાતા હતા, ક્યાં હશે? કેવી હશે? કઈ રીતે તેને શોધીશ? ઊંઘ આવી તો સપનામાં પણ તે જ.... ને ખરેખર ફોન અવની નો જ હતો...ચાર દિવસે આજે તેનો અવાજ સાંભળ્યો...હું દોડીને ત્રણે રૂમના દરવાજા પીટી નાખ્યા, એક મિનિટમાં તો બધા હોલમાં હતા. હું ખુશ હતો, હજુ ઘણી મજલ કાપવાની હતી પણ એક કદમ નજીક આવ્યા તેની ખુશી હતી.
સૌથી પહેલા પપ્પા બોલ્યા ''શું કહ્યું? ક્યાં છે? મજામાં તો છે ને??''
''ખૂબ જ ઉતાવળમાં અને ડરેલી હતી, મજામાં જ લાગતી હતી.''
''વાર્તા ના કર ને ફટાફટ બોલ''
''તેની ઉતાવળી વાતોથી જેટલું સમજાયું તે કહું છું,- તે મુંબઈ, મુમ્બ્રા તેની માસીની દીકરીના રૂમ પર છે. હમણાં તે ચાલના કોમન ટોઇલેટમાં જવા લાઈનમાં ઉભી હતી, ને તેની માં ટોઇલેટમાં હતી, લાઈનમાં ઉભેલા અંકલ પાસેથી કરગરીને, રીતસર ઝુંટવીને ફોન લીધો ને મને કર્યો. ને કદાચ તેની માં નીકળી હશે, એટલે ફોન કાપી નાખ્યો.''
મારા ભાઈની ધીરજ ખૂટી ગઈ, તે બોલ્યો ''ટોયલેટ પુરાણ રહેવા દે ને એ કહેને કે ક્યાં છે?''
''તેને એડ્રેસ ખબર નથી, માસીની દીકરી ડોમ્બિવલી માં રહે છે ને તેનો એક રૂમ મુમ્બ્રામાં છે તે આ લોકોને આપ્યો છે. પાંચમા માળે છે, મોકો મળશે તો પાકું એડ્રેસ જાણી લેશે, ને ફરી મોકો મળતા જ ફોન કરશે.''
મારી માએ મારો હાથ પકડ્યો ને બોલી ''બીજું શું કહ્યું?''
''કહ્યું કે મારી ધીરજ ખૂટે તે પહેલા મને લઇ જજે, છેલ્લે પાંચમા માળની બારી તો છે જ..'' બોલતા બોલતા હું ભાવુક થઇ ગયો. માએ મને છાતી સાથે ભીંસી દીધો.
પપ્પાએ ભાઈને કહ્યું '' મુંબઈ ની ટિકિટ કરાવ, હવે તેના ફોનની રાહ જોવાની જરૂર નથી, આપણી પાસે અંકલનો ફોન છે, તેમને એડ્રેસ પૂછી લઈશું.''
મારી અચાનક ઝબકી, હા, અંકલને પૂછીએ... ને મેં મારો ફોન કાઢ્યો. પપ્પાએ ઝાપટ મારીને ફોન લઇ લીધો, ''બેવકૂફી ના કર, તું એમ માને છે કે તે આસાન છે? મુંબઈગરાઓ ખુબજ શંકાશીલ ને ચેતીને ચાલે છે, તું અજાણ્યો તેમને પૂછીશ કે તમારું એડ્રેસ બતાવો, ને તે બતાવી દેશે, એમ?? એ તારું કામ નથી.'' કહીને મારો ફોન પપ્પાએ માંને આપ્યો, ને કહ્યું કે ''તું પછી શાંતિથી ને સમજાવટ થી ને બધો ખુલાસો કરીને તેમને વિશ્વાસમાં લેજે, ને એડ્રેસ માંગજે, તે હવે તારું કામ છે.''
ભાઈએ 3 ટિકિટો કરાવી લીધી, રાતના 10 વાગ્યાની ટ્રેન હતી. ભાઈ પપ્પાને ના પડતો હતો કે તમને આવવાની જરૂર નથી, અમે બે અવનીને લઇ આવીશું, પણ માં અને પપ્પા માન્યા નહિ, તેમને હું કશું અજુગતું કરીને મુશ્કેલી માં ના પડુ તેની ચિંતા હતી.
માંએ પોતાની રીતે અંકલને વિશ્વાસમાં લઈને એડ્રેસ તેમજ તેમની દુકાનનું પણ એડ્રેસ લઇ લીધું. અંકલ પારસી હતા, ને મુલુન્ડમાં ઝેરોક્સ ની દુકાન, બાંકડો ચલાવતા હતા. ડોસા-ડોસી બે જ હતા.
પપ્પા અને ભાઈ દુકાને ગયા, ને મને સાંત્વન આપતા ગયા કે રિલેક્સ કર અને ઘરની બહાર નીકળતો નહિ, બાકીનું અમે એરેન્જ કરીએ છીએ.
કાલે સવારે અમે પહોંચી જઈશું, તે પછી શું કરવું ને કેવી રીતે કરવું તે હું વિચારવા લાગ્યો. ને ફોનને બહાર બાલ્કનીમાં મૂકી આવ્યો, કદાચ અવની ફોન કરે ને નેટવર્ક ના હોય તો??
ઉડીને ના જવાય? દિવસ ક્યારે પૂરો થશે, ને રાત ક્યારે પડશે? ટ્રેનમાં પણ 10-11 કલાક કઈ રીતે નીકળશે? હું ઉતાવળો ને અધીરો થયો હતો, એટલેજ હું કશું નક્કર વિચારી શકતો નહોતો, પણ ભાઈ ને પપ્પા ઠંડા દિમાગથી વિચારીને બરાબર જ કરશે, એટલી મને ધરપત હતી. મારો વિચાર હમણાં જ કારમાં નીકળી જવાનો હતો. પણ પપ્પા-ભાઈ માન્યા નહિ. ખબર નહિ શું વિચારતા હતા? ભાઈ અને પપ્પાનું દિમાગ એક જ વેવ લેન્થ પર ચાલે છે, જયારે હું તડ-ફડ ને એક ઘા ને બે કટકા કરવાવાળો છું.
છેવટે રાત પડી, બધા જમવા બેઠા પણ મારાથી ખવાયું નહિ, મારો મૂડ જોઈને કોઈએ આગ્રહ પણ કર્યો નહિ. પપ્પા ભાભીને કાલે દુકાને શું કરવું તેની સૂચના આપતા હતા. અને બધાને ચેતવણી આપી કે મોં ખોલવાનું કે ક્યાં ગયા છે તે બોલવાનું નથી
અમે ઘેરથી નીકળ્યા ત્યારે માં એ મારે માથે હાથ ફેરવ્યો, ને ભાઈને કહ્યું '' આને તને સોંપ્યો છે, ધ્યાન રાખજે...ને અવનીને લીધા વગર ઘેર આવશો નહિ.'' ને મને બે બંગડી આપી ને કહ્યું ''અવનીને આપજે.''
અમે બહાર નીકળતા હતા ને ભાભી બોલી '' ટ્રેનમાંથી ઉતરીને પહેલા શેવ કરાવજે, રોતું મોં લઈને ના જતો, તું તો હીરો છે.''
પપ્પા ને ભાઈ શાંત અને કોન્ફિડેન્ટ દેખાતા હતા, હું ઢીલો હતો. ટ્રેનમાં પણ હું ચુપચાપ રહ્યો, તેઓ એ પણ મને વટાવ્યો નહિ. પપ્પા અને ભાઈ ચેઇન સ્મોકર છે, હું પણ સિગારેટ પીઉં છું, પણ પપ્પા જાણતા નથી, એવું હું સમજતો હતો. પણ તેમણે મને ઓફર કરી ને મેં પણ ડહાપણ ડહોળ્યા વગર લઇ લીધી.
પપ્પા મારી સાથે આવ્યા તે વાતનું મને હજુ ય આશ્ચર્ય હતું. આમ તો અમારા સબંધ ખૂબ જ દોસ્તાના છે, અમે ત્રણે ય દોસ્તોની જેમ જ વાતો અને એક-બીજાની મજાક કરવાનું છોડતા નથી, પણ આજે તે મારી સાથે આવ્યા.. તે વાત હજુ ય મને વધારે પડતી લગતી હતી.
મેં બોલ્યો ''મને તમારું વલણ સમજાયું નહિ...''
''શું સમજાયું નહિ?''
''મારી લવ સ્ટોરીમાં આટલો રસ લઇ રહ્યા છો, કેમ? ભૂતકાળમાં એવું કશું હોય કે જે તમે ના કરી શક્યા તેનું પ્રાયશ્ચિત તો નથી કરતાને??''
''હા હા હા હા !!! ગધેડા પાંત્રીસ વરસ પહેલા અમે શું કર્યું હતું તે કોઈવાર તારી માં ને પુછજે...''
ને પછી ગંભીર થઈને બોલ્યા ''અવની મને ગમે છે, તે મારી દીકરી છે, ને તે આપણા ઘરમાં આવતી તો મને ગમતું...પણ આજે સવારે તેણે તને બારીમાંથી કૂદી પડવાનું કહ્યું ને મારુ દિમાગ ફાટી પડ્યું... મોટાઓના ગાંડપણને કારણે તે માસુમ અને ભોળી છોકરી ની વિક્ષત થયેલી લાશ જોવા માટે થોભી શકીએ તેટલા આપણે કાયર છીએ? હું જે કઈ કરી રહ્યો છું, તે તારે માટે નહિ પણ અવની માટે કરું છું.''
સવારે મુંબઈ ઉતર્યા, ને લોકલ ટ્રેન પકડી. સવારના નવ થયા છે. અમારા પ્લાન મુજબ અંકલ ને ચાવીરૂપ ભૂમિકા ભજવવા માટે તૈયાર કરવાના હતા, તે ના બને તો બીજો પ્લાન પણ તૈયાર હતો. નક્કી કર્યા મુજબ હું પપ્પા સાથે મુલુન્ડ ઉતરી ગયો, અમારે અંકલની દુકાન શોધતા તકલીફ પડી નહિ. ભાઈ મુમ્બ્રા ગયો, તે અવનીની બિલ્ડિંગની નજીકમાં નજીક ની કોઈ હોટલમાં રહેવાની વ્યવસ્થા કરશે.