મૃત્યુશિખર - સિયાચીન
હનુમાનથપ્પા
વીરોની આ ભૂમિ પર એક ભારતીય સૈનિક થઇ ગયો, શૂરો, હિંમતવાન અને પોલાદથી પણ સખત. તેના માબાપે એ વિરલાનું નામ હનુમાનથપ્પા પાડ્યું.
ભગવાન વાસુદેવ શ્રીકૃષ્ણએ જગતને કર્મનો સિદ્ધાંત કહ્યો, “યુદ્ધ એ જ કલ્યાણ છે”. માં-બહેનોનાં શિયળની અને માભોમની એક-એક ઇંચની દુશ્મન આક્રમણખોરોથી રક્ષા કાજે કરાતી જાનેફેસાની - એ પ્રભુ શ્રીકૃષ્ણ નાં સંદેશનું સાચું પાલન છે. શ્રીમદ ભગવદ ગીતાનાં સંદેશને સૈનિકો જીવી બતાવે છે. કૃષ્ણ મંદિરોમાં કે ધર્મગુરુઓનાં પ્રવચનમાં નહિ પણ યુદ્ધનાં મેદાનોમાં, સૈનિકોનાં શૌર્યમાં આજે પણ મળે છે. જેમ અર્જુનનાં રથની ટોચે બિરાજીને હનુમાને તેની યુદ્ધમાં રક્ષા કરેલી, તેમ લાન્સનાયક હનુંમાનથાપ્પાએ વિશ્વની સર્વોચ્ચ યુદ્ધ ભૂમિ સિયાચીન પર પોતાના અંતિમ શ્વાસ સુધી ભારત રૂપી અર્જુનની રક્ષા કરી.
આપનું તો નામ જ હનુમાન હતું. હનુમાનને ચિરાયુ હોવાનું વરદાન છે. યુગોથી હનુમાનનાં પ્રભુપ્રેમની દુહાઈઓ દેવાય છે. બ્રહ્મચર્યનું પાલન, રાક્ષસોનો વિનાશ અને એક કુદકામાં સમુદ્ર પાર કરતાં વીર હનુમાનનો એક અંશ હનુમાનથાપ્પાનાં સ્વરૂપે બરફનાં નર્કાગારમાં આપણી રક્ષા કરતાં કરતાં 6 દી’ ની લડાઈ પછી, જીવન સાગરને પાર ઉતરી ગયો, જ્યાં પરમપિતા તેને ગળે લગાવવા રાહ જોઈ રહ્યાં હતા. તારી સંજીવનીબુટી સાથેની ઉડાન કરોડો ભારતીયોને એક તાંતણે બાંધી ગઈ, સમગ્ર રાષ્ટ્ર રડી પડ્યું! જતાં જતાં તમ્બી(નાના ભાઈ) તું આખા દેશને જગાડી ગયો.
હોસ્પિટલમાં જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાતાં સમયે તેં સિયાચીનનાં 870 શહીદોનાં બલિદાનને દેશવાસીઓનાં હૃદય-મનમાં સ્થાન અપાવી દીધું. તવારીખ જયારે જયારે સિયાચીનનો ઉલ્લેખ કરશે, ત્યારે ત્યારે તને હરહંમેશ યાદ કરાશે. “હનુંમંથ જેણે હાર ન માની”. અંતે એવું પ્રતીત થઇ રહ્યું છે, કે તેં તારા નવ બાંધવોને સ્વર્ગમાં જોડાવાનું પસંદ કર્યું.
તારું દુન્યવી શરીર છેલ્લી ઉડાન ભરીને જયારે અંતિમ વાર તારાં ગામ તારાં ઘર તરફ જઈ રહ્યું છે, ત્યારે તું અમારી બધાંની ઉપર ભારે મોટું કરજ છોડીને જઈ રહ્યો છો, જે અમે કદી ઉતારી શકવાનાં નથી. તમારી જેવા 10 વીર સદઆત્માઓ વડે રક્ષાવાની લાયકાત અમો ભારતીયોએ કેળવવી પડશે.
અલવિદા તમ્બી....
બાલ્ટિ ભાષામાં સિયાચીનનો શાબ્દિક અર્થ થાય છે બહુલ કાળા ગુલાબો વાળી જમીન. સિયાચીન ભારત અને પાકિસ્તાનની લાઇન ઓફ કંટ્રોલની નજીક હિમાલયની પૂર્વીય કારાકોરમ પર્વતમાળા પર આવેલ ગ્લેશિયર છે. ગ્લેશિયરનો સીધો સાદો અર્થ છે, હિમનદી, પણ આ ચાર અક્ષરના શબ્દની જેમ એ સ્થાન એટલું સીધું-સાદું નથી. જેમ જળ નદીમાં સતત ગતિશીલ રહે છે તેમ બરફ પણ સ્થાયી નથી સતત ગતિશીલ છે, સ્થાન બદલતો રહે છે. સમસ્ત સિયાચીન ગ્લેશિયર કોમ્પ્લેક્સ ભારતીય પ્રદેશ છે. મુખ્ય ગ્લેશિયર પશ્ચિમે સલ્તોરો રીજ અને પૂર્વે કારાકોરમ પર્વતમાળાથી ઘેરાયેલો પ્રદેશ છે.
બરફનાં નર્કાગારમાં શરીર જકડાવી દેતી માઈનસ સાઈઠ ડીગ્રી ઠંડી, પળવારમાં ત્રાટકતા હિમ તોફાનો, 100 કિમી ની ઝડપે ફૂંકાતો પવન અને એ પરિસ્થિતિ ત્રણેક અઠવાડિયા સુધી જેમની તેમ રહે. પળવારમાં આપના પગ નીચે રહેલો બરફ ઓગળે અને ત્યાં સર્જાયેલી તિરાડો (ક્રેવેસ્સ) માં અચાનક અંદર ખેંચાયેલા આપ હજારો ફૂટ ઊંડી ખાઈના તળિયા તરફ ફ્રી ફોલ કરી રહ્યા હો. વારંવાર થતાં હિમસ્ખલનો ક્ષણવારમાં સૈનિકોની પોસ્ટને જીવતી કબરોમાં પલટાવી નાખે છે. વર્ષ 2016 માં જુજારુ વીર હનુમાનથપ્પા અને તેના 9 સાથીઓ પણ હિમ સ્ખલન નો ભોગ બન્યા અને શહીદ થયા. સામે પક્ષે વર્ષ 2012 માં સિયાચીનમાં પાકિસ્તાનનાં એક બટાલિયન મુખ્યમથક પર હિમસ્ખલન ત્રાટક્યું જેમાં પાકિસ્તાનાં 124 સૈનિકો સહીત 139 નાગરિકો એ જીવ ગુમાવ્યા.
આ ભયંકર અનિશ્ચિતતાઓથી ભરેલા ભૂભાગ પર પગ મુકવાની કલ્પના માત્રથી ઠંડીનું લખલખું શરીરમાંથી પસાર થઇ જાય છે. આવી વિપરીત પરિસ્થિતિઓમાં સિયાચીનમાં કઠણ કાળજાનાં અને વિરોચિત શરીર ધરાવનારાં સૈનિકો તૈનાત થાય છે. એ કોઈ નથી જાણતું કે તેઓ આ મૃત્યુશિખર પરથી જીવિત પાછા આવશે? જો પરત અવાશે તો પણ એ નક્કી નથી કે શરીરનાં બધાજ અંગો સહીસલામત રહેશે?
20000 ફૂટની ઊંચાઈએ પૃથ્વીનાં ઈતિહાસનો સર્વશક્તિશાળી જીવ, વિનાશનો પર્યાય – માનવ, કુદરતનાં રૌદ્ર રૂપ સામે લાચાર છે. સિયાચીનની 5753 મીટરની ઊંચાઈ પર માણસ નામનું પ્રાણી વામણું જણાય છે. મંગળ ગ્રહ સુધી પહોચ હોવાનો દાવો કરનાર એ માનવ, તું કુદરતનાં નિયમોથી પરે નથી. નાજુક નમણું માનવ શરીર 5753 મીટરની ઊંચાઈનાં કઠોર હવામાન સામે ઝીંક જીલી શકે તેમ નથી. સિયાચીનનાં મૃત્યુશિખર પર ત્રણ મહિના વિતાવીને હેમખેમ પરત ફરેલાં સૈનિકો પણ કાંઈ બધાંજ સામાન્ય જીવન જીવી શકતાં નથી. અનિદ્રા, યાદશક્તિ ક્ષીણ થઇ જવી, સામાન્ય વાતાવરણમાં પણ અચાનક ઠંડીનાં ધ્રુજારાનો અનુભવ અને જાતીય નબળાઈ જેવી સમસ્યાઓ જીવન પર્યંત રહે છે.
સિયાચીનમાં, જીવલેણ ફ્રોસ્ટ બાઈટ(હિમડંખ) થઇ શકે છે, જો ખુલ્લી ચામડી થી સ્ટીલ ને ફક્ત 15 સેકંડ થી વાધારે સમય માટે અડી ગયા તો! ભયંકર ઠંડીમાં, ખુલ્લા હાથે ફક્ત બંદુકનાં ટ્રીગર કે ગન બેરલને સ્પર્શ માત્રથી સૈનિકો પોતાની આંગળીઓ ગુમાવી શકે છે.
છેલ્લા ત્રણ દશકોથી આપણા સૈનિકો આખું વર્ષ, દિવસ દર દિવસ-ચોવીસે કલાક સિયાચીનનાં હિમખંડ પર અડીખમ છે. સિયાચીન પર તૈનાત સૈનિકો આ બધીજ હકીકતોથી વાકેફ છે. અંદરખાને તેના મનમાં પોતાના જીવની ફિકર નથી પણ પાછળ છૂટી જનારાઓની, વૃદ્ધ માતા-પિતા, રાહ જોતી પત્ની અને બાળકોની ચિંતા છે. તેને પણ ભય સતાવે છે, તેની પણ જીભ સુકાય છે પણ ભારતમાતાનાં આ સપૂતો આ ડર પર પોતાના દૃઢ મનોબળ વડે વિજય મેળવે છે.
ગ્લેશિયર (હિમનદી) પર વર્ષનાં આઠ મહિના બરફ વર્ષા થતી રહે છે.આ કુમળા બરફનાં એક ઉપર એક સ્તરો જામતા જાય તેમ ગ્લેશિયરની સપાટી ઉંચી થતી જાય છે. 20000 ફૂટની ઊંચાઈએ પૃથ્વીનાં ઈતિહાસનો સર્વશક્તિશાળી જીવ, વિનાશનો પર્યાય – માનવ, કુદરતનાં રૌદ્ર રૂપ સામે લાચાર છે.
માઈનસ સાઈઠ ડીગ્રી સુધીની હાડ જમાવી દેતી ઠંડીમાં ત્રણ મહિના સુધી જીવન ટકાવી રાખવું એટલુંજ આવશ્યક છે, જેટલું જીવવા માટે શ્વાસ લેવો કે આંખ પટપટાવવી અનિવાર્ય છે. ભારતીય સેનાનાં સત્તાવાર આંકડા પ્રમાણે વાર્ષિક 25 જેટલા સૈનિકો આપણે સિયાચીન ગ્લેશિયર પર ગુમાવી રહ્યા છીએ.
આ પૃથ્વી પર જન્મ લેનાર પ્રત્યેક જીવ માટે મૃત્યુ વહેલું કે મોડું નક્કી જ છે. પરંતુ ભયાવહ પરિસ્થિતિઓનો સામનો કરતાં, પિતૃઓનાં અસ્થીઓ અને દેવોનાં મંદિરોની રક્ષા કરતાં પ્રાપ્ત થતું મૃત્યું એ પુરુષ માટે સર્વશ્રેષ્ટ કહેવાયું છે.
‘મારા દસ ભાઈઓ સ્વર્ગમાં તમે સાથેજ હશો. મૃત્યુલોકથી પરલોકની સફર, કે જ્યાં માણસનો ઘડવૈયો વસે છે, ચોક્કસ શાંતિપૂર્ણ રહી હશે. જીંદગીની જંગ માં ભલે તમે જીત્યા નહિ પણ લડ્યા તો હતાં. એ વાત કંઈ ઓછી નથી, કે તમે જીવવાની જીદ તો કરીજ હતી. એ દુઃખ રહેશે જીવનભર કે અમે તમને બચાવી ન શક્યા. નહીંતો, અમને બચાવવા તો તમે ત્યાં ઉભા જ હતા.’
માં, પત્ની, બાળકોથી દુર રાષ્ટ્રધર્મ નિભાવવામાં લીન સિયાચીનનાં એ 10 શુરવીરોની પોસ્ટને હિમસ્ખલને જીવતી કબર બનાવી દીધી. જરા કલ્પના કરો! જીજીવિષાથી ભરપુર એ યુવાનોની મનોસ્થિતિની. થોડીવાર પહેલાજ કોઈએ પોતાની પત્નીને યાદ કરી હશે, કોઈને માંનાં હાથની કુણી રોટલીઓ યાદ આવી હશે, તો એક પિતાને દીકરીની નાની નાની આંગળીઓનો સ્પર્શ મનમાં રમી રહ્યો હશે. એ જવાનોનાં મનમાં ઉઠેલા ઇચ્છાઓનાં કેટલાય ઘોડાપુર પળવારમાં શમી ગયા. માણસનાં મનને કાંઈ તાળા થોડાજ દેવાય છે? પલક ઝબકાવતા જ માંહ્યલો સિયાચીનની હાડ ધ્રુજાવતી ઠંડી પોસ્ટ પરથી ઘર આંગણે ભેંસ દોહતી પત્નીની બંગડીઓનો ખનકાર અનુભવે છે. શ્વેત હિમકબરની 35 ફૂટ નીચે દટાયા છતાં જેમનાં શ્વાસ હજી ચાલુ હતાં તે સૈનિકોએ નિરાશાની ગર્તામાં ધકેલાયા વગર સ્વસ્થતાથી ઈમરજંસી રેડિયો સિગ્નલો મોકલ્યાં. કેટલો વિશ્વાસ હશે તેમને કે આપણે તેમને બચાવી લઈશું!! પણ કુદરતની કારમી થપાટો, અત્યંત ખરાબ હવામાન અને પથ્થરની જેમ જામી ગયેલા બરફની સામે આપણે તેમને સમયસર બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યા. આર્મીનાં રાહત અને બચાવ દળનો જુસ્સો અને અત્યંત પ્રતિકુળ વાતાવરણમાં બરફનાં ભયંકર તોફાનોની વચ્ચે, હિમનદીની ટોચે સતત 6 દિવસ સુધી દિવસ-રાત પોતાનાં સાથીઓને બચાવવા માટે જીવસટોસટનાં પ્રયાસો પ્રશંસનીય છે.
સફેદ બરફની ઠંડીગાર કાળી ડીબાંગ કબરમાં જીવતાં દટાયેલા મારા 10 ભાઈઓ કેટ-કેટલું રીબાયા હશે? બંકરમાં બચેલી હવામાંનાં ઓક્સીજનનાં છેલ્લા અણુ સુધી પણ આપણે કુદરતને મ્હાત આપીને તેમના સુધી પહોંચ્યા હોત તો કદાચ આપણે કોઈને તો બચાવી શકયા હોત. ધીમાં પડતા શ્વાચ્છોશ્વાસની વચ્ચે તેમના મનમાં એક છેલ્લી વાર પરિવારજનોને મળવાની આશ જાગી હશે. એક છેલ્લી વાર માંનાં ચરણ ચૂમવાની ઈચ્છા થઇ હશે. હનુંમાનથાપ્પા એ પત્નીને રજાઓમાં ઘેર આવવાનું વચન આપ્યું હતું. વર્ષમાં ફક્ત બે વાર ઘેર જઈ શકતાં સૈનિકોને ખબર હોય છે કે ડ્યુટી પર જવાનો સમય અને તારીખ નક્કી હોય છે, પણ પાછા ફરવું એ ઈશ્વર અને નસીબને આધીન છે.
મૃત્યુશિખર પર જીવતેજીવ દટાઈ ગયેલાં મારાં ભાઈઓનો આ દેશની જનતાને સવાલ છે. સિયાચીનમાં ભારતનો સૌથી મોટો દુશ્મન કોણ છે? કોઈ પાડોશી દેશ? કે પછી વંઠેલી કુદરત? જો આપનો જવાબ વંઠેલી કુદરત હોય તો પછી આ કુદરતી આફતો સામે લડવા માટે કેમ કોઈ આધુનિક પ્રણાલીઓ કે બખ્તરબંધ બંકરો અમને ઉપલબ્ધ કરાયા નથી? પાડોશી દેશ તરફથી થતી ઘુસણખોરી રોકવા માટે આપેલી બંદુકો વડે શું જાનલેવા હિમ સ્ખલનો અને બરફનાં તોફાનો નો મુકાબલો કરવા ગોળીબાર કરવો?!!!! એન્ટાર્કટીકાની ગ્લેશિયરો પર બારેમાસ સમગ્ર વિશ્વનાં વૈજ્ઞાનિકો થાણા બાંધીને રહે છે, ત્યાં કેમ જાન હાની થતી નથી?
શું આપણા રક્ષા પ્રમુખો અને ચૂંટાયેલી સરકારોને મન સૈનિકોનાં જીવની કોઈ કિમત નથી? ચંદ્ર અને મંગળ પર પહોચેલા ભારતીયો શું સિયાચીનની ગ્લેશિયરો પર સૈનિકોની સુરક્ષા કાજે પોલાદી બંકરો બનાવી શકે તેટલી પાત્રતા ધરાવતાં નથી? શા માટે દેશની રક્ષા કરતાં સૈનિકોને બરફનાં ઢુવા અને ઇગ્લુ બનાવી હીમપ્રપાતોમાં દબાઈ ગૂંગળાઈને શહીદ થવાની ફરજ પડાઈ રહી છે?
ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે. લોકશાહી સરકાર એટલે – લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતી સરકાર. લોકશાહીમાં જે સમાજની બહુમતી છે, જેના મતો નિર્ણાયક છે, તેનું કલ્યાણ હંમેશ થવાનું. દેશ આઝાદ થયો ત્યારથી આગલા સાઈઠ વર્ષો સુધી સૈનિકોને પ્રત્યક્ષ મતાધિકાર ન હતો.પોસ્ટલ બેલોટ નામની બેકાર નિષ્ફળ પદ્ધતિનાં લીધે સૈનિકો, સ્વરાજ્યની પ્રથમ ફરજ, પોતાનાં મતાધિકારથી વંચિત રહયા. સૈનિકો મુખ્યત્વે દેશનાં સીમાડાઓ પર લશ્કરી થાણાઓમાં ચોવીસે કલાક ફરજ બજાવતાં હોય છે. જે વ્યક્તિઓને ઘરે ટપાલ લખવાનો સમય માંડ મળે છે, પોસ્ટલ બેલોટ પદ્ધતિમાં એ ક્યારે ઉમેદવારને જાણે અને ક્યારે મત આપે? ભારત નું ચુંટણી પંચ અને ભારતીય ટપાલ સેવાનાં મળેલા પ્રયાસોનાં પરિણામસ્વરૂપ, મારા સ્વાનુભવની વાત કહું તો મારાં યુદ્ધ જહાજમાં હંમેશા પોસ્ટલ બેલોટ ચુંટણી પત્યાનાં મહિના પછી પહોંચતો. વિશ્વભરનો દરિયો ખેડવા ગયેલાં નૌસૈનિકો ચાર છ મહીને જયારે પોતાના બેઝ પોર્ટ પર પાછા ફરે ત્યારે ટપાલોનાં ઢગ ખડકાઈ જતાં. મારું પોતાનું ચુંટણીકાર્ડ છેક વર્ષ 2011માં, 32 વર્ષ ની વયે નિવૃત્તિનાં થોડાક મહિના પહેલાં માંડ બની શક્યું. આમ સમય અને સંજોગોવશાત અમો સૈનિકોએ અમારાં મૂળભૂત હક મતાધિકારથી આઝાદીનાં 60 વર્ષ સુધી વંચિત રહેવું પડ્યું. જેનું પરિણામ અમે આજે પણ ભોગવી રહ્યા છીએ. સૈનિકોએ સ્વરાજ્યનાં ફળને ચાખી ન શકવાનાં લીધે આજદિન સુધી તેમની લોકશાહીમાં ઉપેક્ષા થતી આવી છે. એલીટક્લાસમાંથી પધારતાં મોટાભાગનાં ભારતીય રાજનેતાઓને સૈનિકોની સમસ્યાઓની ખબરજ નથી, જેને થોડી ઘણી માહિતી છે તેને કંઈ પડી નથી.
સિયાચીન હોય, કાશ્મીર હોય કે પછી કચ્છ સૈનિકોએ પોતાનું લોહી વહાવીને, સેંકડો કુરબાનીઓ આપીને જીતેલાં, એક-એક ઇંચને આપણી સરકારો પળવારમાં શાંતિદૂત બનવાની લ્હાયમાં, આંતરરાષ્ટ્રીય દબાણોનાં બહાના હેઠળ ફરી દુશ્મનને તાસકમાં ભરીને પાછા આપવામાં પાવરધી બની ગઈ છે.
વસ્તીની દૃષ્ટિ એ વિશ્વનાં સૌથી વિશાળ લોકશાહી રાષ્ટ્રની સિવિલિયન સરકારોનાં કર્મોની તવારીખ જોઈએ તો :
1965નું યુદ્ધ: ભારતીયોની ૩૦૩ રાઈફલોની સામે પાકિસ્તાનીઓ પાસે અમેરિકન બનાવટની અત્યાધુનિક, પળવારમાં ગોળીઓનો વરસાદ કરતી ઓટોમેટીક એમએમજી અને એલએમજી હતી.
1999 કારગીલ યુદ્ધ: ઠંડા હવામાનમાં પહેરવા માટે સૈનિકો પાસે પૂરતાં વિન્ટર યુનિફોર્મ નહોતાં!! તત્કાલીન વાજપેયી સરકારે બહારથી ગરમ કપડાં અને બુટ આયાત કરી કમીને પૂરી કરી.
સિયાચીન: છેલા 30 વર્ષોમાં 850 થી વધુ સૈનિકો કુદરતનાં કહેરને લીધે મૃત્યુ પામ્યા છે.
ભાગલાં સમયે જુનાગઢ અને હૈદરાબાદની જેમ કાશ્મીરનો કબજો લેવાનાં બદલે લશ્કરને પાછુ બોલાવી પોતાને વિશ્વનાં શાંતિ દૂત કહેવડાવવાની ઈચ્છા ધરાવતાં નેતા મામલાને યુંએનમાં લઇ ગયા. હાથે કરીને ભારતનાં મસ્તક પર કુહાડો મારી દીધો! જનમત સંગ્રહનાં નામે પાકનાં હાથમાં શસ્ત્ર આપી દીધું. શા માટે કાશ્મીર મામલે સરદાર વલ્લભભાઈ પટેલને થોડો વધુ સમય ન અપાયો અને દખલગીરી કરાઈ?
1949, 1965 અને 1971 નાં યુદ્ધો: ભારતીય સૈનિકોએ જીતેલા વ્યુહાત્મક મહત્વ ધરાવતાં પહાડી વિસ્તારો આપણા લશ્કરી વડાઓને વિશ્વાસમાં લીધા વિના પાકિસ્તાનને પાછા સોંપનાર સરકારોને મન, સૈનિકોનાં જીવની કોઈ વિસાત નથી.
1971 યુદ્ધ: વિજય પછી આપણા દેશનાં જે સૈનિકોને યુદ્ધ કેદીઓ તરીકે પાકિસ્તાને પકડી લીધાં હતાં, તેમની જરા પણ પરવા કર્યા વગર વિશ્વશાંતિનાં નામે પાકિસ્તાનનાં 93,000 કેદીઓને આપણે છોડી મુક્યા.
પાકિસ્તાને ઇસ્લામિક અણુબોમ્બ તૈયાર કર્યો તે પહેલાં તેનાં કાહુટા પરમાણુ મથકનો નાશ કરવા તત્પર ઈઝરાએલનાં વિમાનોની માહિતી પાકિસ્તાનનાં વડાપ્રધાનને તાકીદે ફોન કરીને આપનાર બીજાં એક શાંતિદૂત પણ ધન્યવાદને પાત્ર છે. તેમનાં આ સરાહનીય પગલાનાં પ્રતાપે આજે પાકિસ્તાન પાસે 1500 પરમાણું બોમ્બ તૈયાર છે. કોના પાપે???
પરમાણું શસ્ત્રોનાં ઢગ પર બેઠેલું માથાફરેલ છદ્મ રાષ્ટ્ર હવે એલઓસીની પેલે પાર આપણને ફરી કબજો કરવાદે તે વાતમાં માલ નથી. જીતેલાં પ્રદેશો પાછા આપી દેવાની મુર્ખામી આપણને હવે કાયમ માટે ખટકતી રહેવાની. હાય રે લોકશાહી!!
ગુજરાતી યુવાનો, તમારી માં બહેનોની અને દેવસ્થાનોની રક્ષા કાજે ફૌજમાં જોડાઓ સાચી મર્દાનગી 150 CC નું બાઈક ચલાવવામાં નહિ, પણ 45,000 ટનનાં યુદ્ધ જહાજનું મેનુંવરીંગ કરવામાં છે.
લાન્સ નાયક હનુમાનથપ્પાએ પોતાના નવ સાથીઓ કરતાં ઘણા વધુ દિવસ પોતાના શ્વાસ ટકાવી રાખ્યા. તેણે અને તેનાં જેવા અનેક સૈનિકોએ ભારતીય સૈનિકોનાં ચિરકાળથી પ્રખ્યાત જુસ્સા - નામ, નમક અને નિશાનને આપણી સમક્ષ દર્શાવ્યો.
તમ્બી, જયારે જયારે અમને હિંમત અને હોંસલાની આવશ્યકતા પડશે, ત્યારે ત્યારે તારું જીવન અમને પ્રેરણા આપશે.
અહીં સુધી આવી પહોંચ્યા હતા તો થોડુંક વધુ લડી લેવું’તું ને. આખો દેશ આશાભરી મીટ લગાવીને બેઠો હતો. જે વીર અમારી માટે બરફની ચાદર ઓઢીને સુતો છે, કાશ! એક વાર જાગી જાય. પણ નહિ, કદાચ ઈશ્વરને આપના જેવા સાચા સિપાઈની જરૂર રહી હશે કે તમને પોતાના સાનિધ્યે બોલાવી લીધાં,
સુકીભઠ્ઠ, પથરાળ, દો-બીઘા ઝમીન માટે સરકારી કચેરીઓનાં ધક્કા ખાતાં પૂર્વ સૈનિકો અને વીર નારીઓને જોઈને મનમાં વમળો ઉઠે છે. “જે સમાજ પોતાનાં શહીદોનું સન્માન નહિ કરે, તેનો નાશ નિશ્ચિત છે.”
ભારતની લોકશાહી અને સ્વરાજ્યની ઈમારત સેંકડો સૈનિકોની લોહિયાળ કુરબાનીઓ પર ઉભી છે. એ સૈનિકો અને તેમનાં પરિવારોને સમાજ તેમનું યોગ્ય સ્થાન અને સન્માન અર્પે તે આવશ્યક છે.
માલદાથી પઠાનકોટ થઇને જેએનયુ સુધી પહોંચેલા રાષ્ટ્રદોહનાં જંતુનો નાશ કરવાનો એક માત્ર ઉપાય છે, પૂર્વ સૈનિકોને દેશની મુખ્ય ધારામાં લાવવા. ભારતીય સૈનિકો સહિષ્ણુતાની વૈશ્વિક મિસાલ છે. અલગ અલગ ધર્મ કે જાતમાંથી આવતા ભારતીય સૈનિકનો એકમાત્ર ધર્મ છે રાષ્ટ્રધર્મ.
વિવિધ બટાલીયનો અને રેજીમેન્ટોમાં સૈનિકો રોજ સાથે મળીને તનતોડ શ્રમ કરે છે. સંભવિત યુદ્ધ માટે પોતાને હરહંમેશ તૈયાર રાખે છે. એક જ લંગરમાં મળીને જમવાનું બનાવે છે અને ખાય છે. ધાર્મિક સામાજિક સાહચર્યનું સમગ્ર વિશ્વમાં ભારતીય સેનાથી મોટું ઉદાહરણ નહીં સાંપડે.
અરાજકતામાં સપડાયેલા આ દેશમાં એક તરફ આતંકીઓને શહીદ કહેવડાવતાં સીક્યુલરો, પુરપાટ ઝડપે હંકારાતા અને નિર્દોષોને બેરહેમ બનીને કચડી નાખતાં વાહન ચાલકો, કરોડોની ચોરી કરતાં માલેતુજારો, બહેન દીકરીઓ પર બળાત્કારો કરતાં હેવાનોની વચ્ચે રણમાં મીઠી વીરડી જેવાં આપણા સહિષ્ણુ સૈનિકો અને પૂર્વ સૈનિકો, મને વર્તમાન મુડીવાદી સમાજની ભીડમાં પરગ્રહવાસી જેવાં જણાય છે. અહી હું એટલું દ્રઢપણે કહીશ કે માં ભારતી માટે મૂંગા મોઢે મોતને ગળે લાગાવવાની તૈયારી રાખનાર સૈનિકો જ આ દેશની નૌકા પાર લગાવી શકવાની ક્ષમતા ધરાવે છે.
“અમે અહીં મૃત પડ્યા છીએ કારણકે અમે જીવતા રહીને એ ધરતી, કે જે અમારી માં છે તેને શરમાવવાનું પસંદ ન કર્યું.”
“જીવનમાં ચોક્કસ કંઈ ખોવા જેવું નથી, પરંતુ યુવાનોને જીવન માણવા જેવું લાગે છે. અને, અમે પણ યુવાન હતાં.”
“જયારે તમે તમારે ઘરનાં આંગણે પાછા ફરો, તેમને અમારી વાત કરજો ને કહેજો કે તેમની આવતીકાલ માટે અમે અમારી આજનું બલિદાન આપ્યું.”
તેમણે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું. એ ક્યારેય પાછા નહિ ફરે. એ સૈનિકો જેમનું નામો નિશાન સમયની ધારામાં મટી ગયું છે, તેમનો અંતિમ પડાવ કોઈએ જોયો નથી કે જ્યાં જઈને એક દુઃખી હ્રદય વિલાપ કરી શકે.
દિલ્હીની જે હવામાં આતંકી અફઝલનાં સમર્થનમાં નારા લાગી રહ્યા છે, તે હવામાં લાન્સનાયક હનુંમાનથાપ્પા એ શ્વાસ લેવાનો ઇનકાર કરી દીધો.
લાન્સનાયક હનુંમાનથાપ્પાને અશ્રુપૂર્ણ શ્રદ્ધાંજલિ.
આ લેખ અર્પણ છે એ વીરોને જેમનું ન કોઈને નામ ખબર છે ન તેમના કોઈ સ્મારકો છે, જેમણે પોતાનું સર્વસ્વ દેશનાં ચરણોમાં સમર્પિત કર્યું. જય હિન્દ.