Spekturnno khajano - 2 in Gujarati Adventure Stories by Param Desai books and stories PDF | સ્પેક્ટર્નનો ખજાનો - ૨

Featured Books
Categories
Share

સ્પેક્ટર્નનો ખજાનો - ૨

પ્રકરણ:૨ વોટ્સનની આપવીતી...

મારા ધ્રુજતા હાથમાં પેલી ‘ભેદી’ સંજોગોમાં મળેલી ડાયરી હતી. મને ખરેખર કંઈ જ સૂઝતું નહોતું કે હું શું કરું...? ક્યાં જાઉં...?

જેમ-તેમ કરીને અમે વોટ્સનને અમારી મેદાનવાળી જગ્યાએ લઈ આવ્યા. એને શરીરે સખત પરસેવો વળ્યો હતો અને એ જોરજોરથી શ્વાસ લઈ રહ્યો હતો. એ સુનમુન હતો. અમે એને પેલા મોટા પથ્થર પર બેસાડ્યો અને ચર્ચા શરૂ કરી.

‘આપણી જોડે બધું ફિલ્મ જેવું બની ગયું, નહીં...?’ વિલિયમ્સ બોલ્યો. અલબત્ત અત્યારે બધા એક જાતની આશ્ચર્યમિશ્રિત નિરાશામાં સરી પડ્યા હતાં. એકદમ સુન્ન થઈ ગયાં હતાં.

‘ખબર જ ન પડી કે ક્યારે શું થઈ ગયું...’ થોમસે સાથ પુરાવ્યો. પછી એ કોઈક ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. હું હજુ પણ એમ ને એમ જ...પૂતળાની માફક ઊભો જ હતો. હું એ દ્રશ્ય ભૂલી નહોતો શકતો. પહેલી જ વાર મેં કોઈ મરેલા માણસને એકદમ નજીકથી જોયો હતો. એ નિસ્તેજ, નિર્જીવ દેહ મારી આંખો સમક્ષ હજુ પણ તરવરતો હતો. હમણાં જ બોલાઈ ગયેલા વાક્યો પણ મને અસ્પષ્ટ સંભળાતા હતા.

‘આ એલેક્સના હાથમાં કોઈક ડાયરી છે એ જ બધી ફસાતની જડ હોય એવું લાગે છે...નહીં એલેક્સ ?’ જેમ્સે અચાનક મારું નામ લીધું એટલે મારી તંદ્રા તૂટી. મેં એ લોકોની સામે જોયું.

‘દોસ્તો, નસીબે આપણને આવી અણધારી આફતમાં લાવી મૂક્યા છે.’ મેં કહ્યું, ‘હવે આપણી પાસે બે વિકલ્પ ઉદભવે છે. એક, કે આપણે આ ડાયરીને ફરીથી પ્રોફેસરના ઘરમાં યથાસ્થાને રાખી દેવી અને આપણા કામમાં લાગી જવું. અને બીજો, કે આ ડાયરીનો ભેદ અંધારામાં જ તીર મારીને આ સોલ્વ કરવો.’ કહીને મેં ડાયરી ફરી ખોલી.

આથી વોટ્સનને એમ જ મૂકીને બાકીના બધાં મારી ફરતે ઊભા રહી ગયા...એ કુતુહલતાથી કે આ ડાયરીમા એવું તે હશે શું...?

‘એક કામ કરીએ...અત્યારે આ ડાયરીમાંનું લખાણ જરા જોઈ તો લઈએ. પછી એના આધારે જવું કે એને પ્રોફેસરના ઘરમાં મૂકી આવવી એની ચિંતા કરશું.’ થોમસે કહ્યું. અને મને ડાયરી આપવા ઈશારો કર્યો. મેં એને એ આપી દીધી. પછી એણે એ ખોલી.

એની અંદરનું લખાણ જોઈને બધાં દંગ જ રહી ગયાં. બધાંની આંખો ફાટી પડી. અમારી સાથે આ બધું ખરેખર કોઈ ફિલ્મ જેવું કપોળ કલ્પિત જ થઈ રહ્યું હતું.

બહારથી પુસ્તક જેવી લાગતી એ ડાયરી હતી. પ્રોફેસરે એમાં કેટલાય અગડમ-બગડમ આંકડાઓ તથા લીટાઓ કરીને માહિતીઓ લખી હતી.

‘વાઉ....! અમેઝિંગ...! આ તો બહુ ઈન્ટરેસ્ટિંગ છે !’ તરત જ બાજુમાં ઉભેલો જેમ્સ બોલી ઊઠ્યો.

ત્યાર બાદ અમે થોડી ઘડીઓ તો પાનાં ફેરવી-ફેરવીને કુતૂહલતાથી જોયા કર્યું.

થોડી ઘણી બાબતો જે મને સમજાઈ એ મુજબ:

- એક તો એમાં કોઈક જગ્યાના અક્ષાંશ-રેખાંશની પૂરી માહિતી આપેલી હતી. કદાચ કોઈક ટાપુના એ અક્ષાંશ અને રેખાંશ હતા.

- એ પછી બીજા બે-ત્રણ પાનામાં સાહસિક પોતાની સાથે લઈ જાય એવી કેટલીયે વસ્તુઓ અને સામાનનું લિસ્ટ હતું. એ લિસ્ટને ત્યાર બાદ પ્રાથમિક અને ગૌણ એમ બે ભાગમાં વહેચવામાં આવ્યું હતું.

- તો વળી એક જગ્યાએ એ કથિત ટાપુ પર પ્રાપ્ત થતી વનસ્પતિઓ તથા એ જ પ્રકારની કેટલીયે કુદરતી વસ્તુઓ ક્યાં ક્યાંથી મળી રહેશે એ વિશે લખેલું હતું.

આ બધી વાતો તો સામાન્ય જેવી લાગતી હતી. પરંતુ, અચાનક જ એક પાના પર મારી નજર ફરી અને હું થીજી ગયો. એ એક ખોપરીનું ‘ડેન્જર’ સાઈનવાળું મોટું નિશાન ચીતરેલું હતું અને એની બાજુમાં ‘ટારગેટ’ તથા ‘બી એલર્ટ’ એવા શબ્દો લખેલા હતા.  

‘એલેક્સ ! આ ડાયરીને પાછી મૂકી આવ. આમાં પડવા જેવું નથી.’ થોડી વાર પછી નકારાત્મક વિચારસરણી ધરાવતો ક્રિક બોલી ઊઠ્યો.

‘હા એલેક્સ, ક્રિકની વાત સાચી છે. આપણે શું કરવા એ પ્રોફેસરની અંગત લાઈફમાં રસ દાખવવો જોઈએ ?’ થોમસે કહ્યું.

‘પણ થોમસ, આ વાત કંઈ નાની-સુની ન કહેવાય. તું જે જે ઘટનાઓ બની એને નજર સામે રાખ. બોલ લેવા ગયેલો વોટ્સન ઘણી વાર પછી પણ પાછો નથી ફરતો...એને શોધવા ગયેલા આપણે એ ઘરમાં રહસ્યમય સંજોગોમાં વોટ્સનને બેભાન અવસ્થામાં જોઈએ છીએ...ત્યાં જ એ ઘરનાં માલિક પેલા પ્રોફેસર પણ આપણને...’ હું જરાક અટકીને બોલ્યો, ‘આપણને મૃત હાલતમાં મળે છે.’

મને વળી પાછું એ દ્રશ્ય યાદ આવી ગયું હતું. પણ એને નજર સામે ન રાખતાં હું સ્વસ્થ જ રહ્યો.

‘હા એલેક્સ, આ બધી વાતો અજુગતી તો છે.’ થોમસ વિચારમાં પડ્યો. પછી સફાળો બોલી ઊઠ્યો, ‘આપણે પોલીસની મદદ લઈએ તો...?’

એની વાત મને ગમી તો ખરી, પરંતુ તરત જ મારા મનમાં એક ઝબકારો થતાં મેં કહ્યું, ‘નહીં થોમસ, આપણે એમ નહીં કરી શકીએ. કારણકે એમાં ઊલટું આપણે ફસાઈ જશું. પ્રોફેસરનું ઘર આપણે સાવ ખુલ્લું જ મૂકીને આવ્યા છીએ એટલે પોલીસને એનાં દરવાજા પરથી આપણા બધાંના આંગળાની છાપ પણ મળી જશે. ઉપરાંત પોલીસ આપણા બધાની ત્યાં હોવાની હાજરી પણ નોંધશે કેમકે એ ઘરમાં ન જાણે આપણી વિરુદ્ધના એવા કેટલાય પુરાવાઓ મળી શકે તેમ છે. અને આપણને આ બાબતમાં પૂરી ખાતરી નથી એટલે આપણે હમણાં પોલીસને કંઈ જ જણાવી શકીએ તેમ નથી.’

‘ઓહ ! એ વાત બરાબર હોં યાર...’ મારી વાતની ગંભીરતા થોમસ સમજી ગયો હતો. થોડી વાર કોઈ કંઈ બોલ્યું નહીં.

પછી એકાએક પથ્થર પર બેઠેલો વોટ્સન ચિત્કાર કરતો સળવળ્યો. ક્રિકે એ જોયું અને અમે બધાં વોટ્સનની નજીક જઈ પહોંચ્યા.

મેં જેમ્સને થોડે દૂર રહેલી અમારી હાઉસીંગ રેસિડેન્સીમાંથી પાણી લઈ આવવાનું જણાવ્યું. એ તરત દોડી ગયો.

ત્યાં જ વોટ્સન મારા શર્ટને પકડી લેતાં ગભરાટભર્યા અવાજે બોલ્યો, ‘એકેલ્સ ! પેલા...’ એણે ઘર તરફ ઈશારો કર્યો, ‘પ...પ્રોફેસર...એ...’

મેં જવાબમાં માત્ર ‘નકાર’માં માથું હલાવી દીધું. એ જોઈને વોટ્સન આભો જ બની ગયો. એનાં ચહેરાનું નુર ઊડી ગયું.

‘એમાં આપણે કંઈ કરી નહીં શકીએ, પણ તું આ બધો શો બખેડો છે એ કહે.’ થોમસે વોટ્સનને કહ્યું. આથી વોટ્સન થોડો સ્વસ્થ થયો અને બોલ્યો:

‘મિત્રો, મને હજુ સુધી મનમાં બેસતું જ નથી કે આવી ખોફનાક ઘટના મારી સાથે બની ગઈ છે. હું તમને બધું વિગતે કહું છું, સાંભળો, મારાથી એટલી તાકાતથી કિક મરાઈ ગઈ હતી કે ફૂટબોલ સીધો પાછળના ભાગમાં આવેલા પ્રોફેસરના ઘર તરફ ફંગોળાઈ ગયો. પણ, મને અજુગતું ત્યારે લાગ્યું કે જ્યારે કાચ ફૂટવાનો અવાજ આવ્યો. મને થયું કે આવડો મોટો ફૂટબોલ ઘરની અંદર કેમ ઘૂસી શકે ? પણ પછી મારે બોલ લેવા જવાનું થયું એટલે હું ઘર પાસે પહોંચ્યો. ત્યાં મેં આજુબાજુ નજર કરી તો બોલ ત્યાં ઉપલા માળની બારી નીચે જ, જમીન પર પડ્યો હતો. મેં એ બારી જોઈ. એનો કાચ અડધી બાજુથી તૂટી ગયો હતો. હું સમજી ગયો કે બોલ એ બારી સાથે પટકાઈને નીચે પડ્યો હશે. હું બોલ લેવા આગળ વધતો જ હતો ત્યાં જ મને અંદરના ભાગમાંથી અમુક શખ્સોના જોરથી બરાડવાના અવાજો આવ્યા. આથી કુતૂહલવશ હું મુખ્ય દરવાજો ઉઘાડીને અંદર ગયો. હવે મને અવાજો સ્પષ્ટ સંભળાતા હતા. તેઓ જોરજોરથી ધમકીઓ ઉચ્ચારતા હતા. વધુ જાણકારી માટે હું એ જમણી બાજુના રૂમનાં ખુલ્લા બારણાને અડીને ઊભો રહી ગયો અને ધીમેથી એની આડમાંથી અંદર જોયું અને જોતાં વેંત જ મારા હોશ ઊડી ગયા. અંદર ચાર બદમાશ જેવા લાગતા માણસો પેલા પ્રોફેસરનું કોલર પકડીને તેમને ધમકાવી રહ્યા હતા. એમાંના બે જણા વારેઘડીએ આજુબાજુ રહેલી વસ્તુઓ ઝાટકાથી પાડી દેતા હતા અને ચારે બાજુ કંઈક શોધી રહ્યા હતા. પ્રોફેસરનો કોલર પકડીને ધમકાવી રહેલા એ માણસે કડકાઈથી પૂછ્યું, “બોલ નાલાયક...તેં અમારો માલ ક્યાં છુપાવ્યો છે ? સાલા, તેં તો છેલ્લા પાંચ વરસથી નાકમાં દમ કરી દીધો છે. બોલ, નહીં તો જાનથી મારી નાખીશ...” ત્યાં જ પેલા બે જણમાંથી એક મને જોઈ ગયો. “એય છોકરા...શું કરે છે અહીં...ઊભો રહે...” એનું વાક્ય પૂરું થયું એ પહેલાં હું ગભરાઈને મુખ્ય દરવાજા તરફ દોડ્યો. પણ...હજુ હું દરવાજાની બહાર નીકળી શકું એ પહેલાં તો બે જણાએ આવીને પાછળથી મારું મોં દબાવી દીધું અને મને ઢસડીને અંદર રૂમમાં લઈ ગયા. પેલા બંનેમાંથી એકે કહ્યું, “સરદાર ! આ આપણને જોઈ ગયો છે...” એટલે પ્રોફેસરને ધમકાવનાર માણસે મારી સામું કુટિલ હાસ્ય વેર્યું. “જવા ન દેશો આને...” કહીને એણે એક રૂમાલમાં પોતાની પાસે રહેલી એક શીશીમાંથી થોડું પ્રવાહી રેડ્યું અને સીધો જ એ રૂમાલ પ્રોફેસરના નાકે દબાવી દીધો. પ્રોફેસર થોડી સેકન્ડો હલબલ્યા અને બેહોશ થઈને ઢળી પડ્યા.’ વોટ્સન અટક્યો.

પાણી લેવા ગયેલો જેમ્સ પાછો આવી ગયો હતો એટલે વોટ્સને થોડું પાણી પીધું.

શ્વાસ થોડો હેઠો બેઠો એટલે એણે ફરી પાછું આગળ ચલાવ્યું:

‘પ્રોફેસરને બેભાન કર્યા પછી તરત જ પેલા બંને જણાએ મારા હાથ પાછળની તરફ વાળીને જકડી રાખ્યા જેથી હું કોઈ વિરોધ ન કરી શકું. અને વળતી જ પળે પેલા સરદારે રૂમાલ મારા મોં પર દબાવી દીધો. પરંતુ મને કંઈ જ અસર થઈ નહીં. કદાચ એ સરદારે પ્રવાહી – કદાચ કલોરોફોર્મ – વાળા રૂમાલના ભાગને બદલે ઉંધો ભાગ મારા મોં પર દબાવી દીધો હતો. બસ... એ વખતે જ મને એક કરામત સુઝી. હું બેહોશ થવાનો ડોળ કરીને જમીન પર પડી ગયો. એકદમ નિશ્ચેતન રીતે પડ્યો રહ્યો. મારો આમ કરવાનો હેતુ એ જ હતો કે મારે એ જાણવું હતું કે એ બદમાશો અહીં શું શોધવા આવ્યા હતા ? લગભગ વીસેક મિનિટ સુધી શોધખોળના અવાજો મને સંભળાતા રહ્યા. મારી આંખો બંધ હોવાથી હું જોઈ તો નહોતો શકતો, પણ સાંભળી જરૂર શકતો હતો.’ એ અટક્યો.

‘પણ...પણ...પ...પ્રોફેસર...તો...’ હું અચાનક બોલી ઊઠ્યો, ‘એ તો મૃત્યુ પામ્યા છે. મેં મારા હાથે જ એમને તપાસ્યા હતા. એ નહોતા રહ્યા...!’

‘એ તો મને પણ નથી ખબર.’ વોટ્સન જવાબ આપતાં બોલ્યો, ‘કદાચ વધુ પડતા ક્લોરોફોર્મ ડોઝને લીધે હોય...’ એણે વાક્ય એમ જ છોડી દીધું. આ બાબતની હાલતુરંત કોઈને ખબર નહોતી.

‘પછી શું થયું એ કહે.’ થોમસે કહ્યું.

‘પછી એ બદમાશો વીસેક મિનિટ સુધી આખા રૂમમાં શોધ-ખોળ કરતા રહ્યા. ત્યાર બાદ તેઓ મારી જમણી બાજુના રીડિંગ ટેબલને ફંફોસવા લાગ્યા. આ દરમિયાન મેં સહેજ આંખો ખોલીને એ લોકો શું કરે છે એ જોવાની કોશિશ કરી હતી. આખરે પાંચેક મિનિટ બાદ બદમાશો એક લાલ કવરવાળા કોઈક પુસ્તકના પાના ઉથલાવી રહ્યા હતા. “હમ્મ...યેસ...આ રહ્યું એ...” એનો સરદાર બોલી ઊઠ્યો. હું સતત એ તરફ જોયે રાખતો હતો. થોડી વાર સુધી તેઓ ત્યાં ટેબલ પર કંઈક કરતા રહ્યા. ત્યાં જ ખબર નહીં ક્યાંથી એક બદમાશનું ધ્યાન મારા તરફ ગયું. “સરદાર...આ હજી હોશમાં છે.” હું ધ્રુજી ઊઠ્યો અને જેમતેમ આંખો બંધ કરી દીધી. મારી આ બધી હરકત પેલો સરદાર જોઈ ચૂક્યો હતો. અને...એણે મારા પગ પર લાત ફટકારી દીધી, “બ્લડી બાસ્ટર્ડ...” એના મોંમાંથી ગાળ નીકળી અને હું ચિત્કારી ઊઠ્યો. બસ...એ પછી તો મને ખરેખર પેલું ક્લોરોફોર્મ સુંઘાડીને બેહોશ કરી દેવામાં આવ્યો. મારી આંખ ખૂલી ત્યારે તમે લોકો મારી સામે હતા.’

વોટ્સનની આપવીતી સાંભળીને બે-પાંચ મિનિટ બધાં શાંત થઈ ગયા. અને એ જ વિચારતા રહી ગયા કે આખરે આ બધું થઈ શું રહ્યું છે ??

‘હવે આ ડાયરીનું કરવું શું યાર...?’ જેમ્સ થોડી વાર પછી બોલ્યો.

‘પણ એક મિનિટ...’ ક્રિક બોલી ઊઠ્યો, ‘વોટસનના કહેવા પ્રમાણે બદમાશો જો આ લાલ કવરવાળા પુસ્તકને ફંફોસતા હતા તો પછી એ લોકોનો હેતુ આ પુસ્તક એટલે કે ડાયરીમાંથી કંઈક મેળવવાનો જ હશે. પણ તો પછી તેઓ આ ડાયરી એમ ને એમ જ શું કામ છોડીને જતા રહે...? એટલા તો તેઓ મૂરખ નહીં જ હોય. આ વાત થોડી વિચિત્ર છે.’

‘અને...અને એવું કેવી રીતે બન્યું કે બદમાશોએ પ્રોફેસરને વધુ પડતો ક્લોરોફોર્મ ડોઝ આપીને મારી નાખ્યા અને વોટસનને એમ જ છોડી દીધો...જીવતો...!’ જેમ્સે કહ્યું.

‘હા...આ વાત ખરી છે.’ વોટ્સને કહ્યું, ‘પણ સૌથી પહેલાં આપણે આ પ્રોફેસરનું કોઈ પરિચિત હોય તો તેને જ વાત કરવી જોઈએ. માનું છું કે આપણે બધા સાહસિકો છીએ અને સાહસભરેલી સફરો ખેડીએ છીએ, પણ એ બધાને બાદ કરતાં આપણે સૌ પ્રથમ આ આખીયે વાતનો તાગ મેળવવાની કોશિશ કરવી જોઈએ.’

‘હમ્મ...વાત સાચી છે તારી, વોટ્સન.’ મેં કહ્યું. હું થોડી વાર ઊંડાણમાં વિચારતો રહ્યો. વળતી જ પળે હું સફાળો બોલી ઊઠ્યો, ‘અરે...હા...મારા ધ્યાનમાં એક વ્યક્તિ છે જે આ પ્રોફેસરની ખૂબ નજીકની પરિચિત છે. હું આના પહેલાં એમને ઘણી વાર મળ્યો પણ છું. એમનું નામ...હા..બેન...! પ્રોફેસર બેન સ્વાઝેંગર. તેઓ પણ એક પ્રોફેસર છે. એક વાર તેઓએ જ આ ધૂની પ્રોફેસરના અવાવરા ઘર વિશે મને વાત કરી હતી.’

‘ગુડ ! તો હાલતુરત તો આપણે એમને જ મળવું જોઈએ. તેઓ શું થાય છે આ પ્રોફેસરના ?’ વિલિયમ્સે પૂછ્યું.

‘નજીકના મિત્ર છે.’ મેં કહ્યું, ‘એક વાર એમણે વાત-વાતમાં મને આ બાબતે કહ્યું હતું.’

‘એલેક્સ, પણ આ સ્વાઝેંગર તારા શું થાય છે ?’ જેમ્સે “તારા” શબ્દ પર ભાર મૂકતાં પૂછ્યું.

‘હા, એ મારા એક મિત્ર છે.’ મેં ઉતાવળ કરતાં કહ્યું, ‘ચાલો...ચાલો...અત્યારે જ એમને મળવું પડશે. કોણ-કોણ આવે છે મારી સાથે ?’

‘અરે અમે બધા આવીએ જ છીએ, ભાઈ. હવે કામ હાથ પર લીધું જ છે તો બધા સાથે જ એને પાર પાડીશું.’ વિલિયમ્સ ગર્વથી છાતી ફુલાવતા બોલ્યો.

એ જોઈને હું મંદ હસ્યો, ‘ઓકે.’

આ તબક્કે મને સહેજેય થઈ ગયું કે જો આ રહસ્યમયી ડાયરીવાળી વાત નક્કર રીતે સાચી હોય અને એવા સંજોગો ઊભા થાય તો અમારી સાહસ ટોળીને ફરીથી એક રોમાંચક સફર ખેડવાનો અવસર મળી જાય. એક રીતે કહું તો આવી સફરો ખેડવાની અમારી ‘હોબી’ને એક નવી મંજિલ એક નવી ઉંચાઈ મળે.

હવે એ જ જોવાનું હતું કે આખરે ડાયરીના એ ‘ભેદી’ લખાણનો શો ‘ભેદ’ નીકળે છે. શું પ્રોફેસર બેન એ ભેદ ઉકેલી શકશે...?

***