Passport Saizno Photo in Gujarati Love Stories by Kevin Patel books and stories PDF | પાસપોર્ટ સાઈઝનો ફોટો

Featured Books
Categories
Share

પાસપોર્ટ સાઈઝનો ફોટો

પાસપોર્ટ સાઈઝનો ફોટો

નિષ્ઠાએ ઘરમાં પ્રવેશ કર્યો.નિલય ચમકીને ખુરશી પરથી ઊભો થયો.નિલયના ચહેરા પર એકસાથે અનેક ભાવ ઉભરાઈ આવ્યા.નિષ્ઠા ચાલીને નિલય તરફ આવી રહી હતી.કાનમાં પહેરેલા ચાંદીના ઝૂમકા હાલકડોલક થતા હતા.ચૂડીદાર દુપટ્ટો હવામાં લહેરાતો હતો.કપાળની એકદમ મધ્યમાં લાલ કલરની મોટી બિંદી શોભતી હતી અને શેથામાં સિંદૂર પુરેલું હતું.માથાના રેશમી વાળ છેક ખભા સુધી પથરાયેલા હતા.નિષ્ઠા ચાલીને રૂમની અંદર પ્રવેશી રહી હતી ત્યારે આખો રૂમ જાણે એના ઝાંઝરના ઝણકારથી ભરાય ગયો.

નિષ્ઠા નિલયની એકદમ સામે આવીને ઊભી રહી.

“નિષ્ઠા....” નિલયના મોઢામાંથી માંડ માંડ શબ્દો નીકળી શક્યા.આંખોમાં ચમક સાથે વર્ષો જુનો વિષાદ ભળી ગયો.

નિષ્ઠા સ્વસ્થ થવાનો ડોળ કરતી હોય એમ નિલયની સામે જોઈ રહી.બંને જાણે જન્મો પછી એકબીજાને મળ્યા હોય એમ એકબીજાની સામે જોઈ રહ્યા.

નિલયે હોંશ સંભાળીને નિષ્ઠાને ખુરશીમાં બેસવા માટે આગ્રહ કર્યો.નિષ્ઠા સ્વસ્થ થઈને ખુરશી પર બેઠી.એની બરોબર સામેની ખુરશી પર નિલય બેઠો.બંને ખુરશીઓ વચ્ચેના ટેબલ પર એક ટ્રેમાં ચા અને નાસ્તો મુકેલા હતા.ચાના કપમાંથી ઉઠતી ગરમ વરાળ બંને વચ્ચેના મૌનમાં ક્યાંક ખોવાઈ જતી હતી.

બહાર ઝરમર વરસાદ ચાલુ થયો.બારીના કાચ પરથી વરસાદનું પાણી વહીને નીચે સરકવાનું ચાલુ થયું.બારીની બહારથી જોતા અંદરનું દ્રશ્ય એકદમ ઝાંખું પડતું જતું હતું.બારી પર વહેતા પાણીની જેમ સમય પણ ભૂતકાળ તરફ વહી રહ્યો હતો.સમય વહીને એટલો પાછળ પહોચી ગયો જ્યાં અત્યારે જે મુકામ પર બંને ઊભા છે એની કોઈ કલ્પના જ નહોતી.

***

બાર સાયન્સમાં અભ્યાસ કરતો નિલય ચાલીને પોતાની સ્કુલ તરફ જઈ રહ્યો હતો.અચાનક માર્ગને અડીને ઊભેલા ફ્લેટના બીજા માળેથી કોઈકે નીચે રસ્તા તરફ કચરો ફેંક્યો.માટીની રજ,કાગળના ટુકડા,હેરપીન,પોલીથીન સાથેનો બધો જ કચરો હવામાં લહેરાતો જમીન તરફ ગતિ કરી રહ્યો હતો.અમુક કચરો વિખરાતો વિખરાતો નિલયના માથા પર આવીને પડ્યો.પહેલા તો માથા પર શું પડ્યું એની કશી જ ખબર ન પડી.પણ જેવી કચરાની અમુક વસ્તુઓ હાથમાં આવી કે નિલયનો ચહેરો ગુસ્સામાં લાલચોળ થઇ ગયો.નિલયે ઉપર નજર કરી.ફ્લેટની બધી જ બાલ્કનીઓ ખાલી હતી.કોઈ નજરે પડ્યું નહિ.એણે પ્રયત્ન પૂર્વક નજર કરીને બાલ્કનીમાંથી કોઈકને પકડવાની કોશિશ કરી પણ છતાંય કોઈ હાથમાં ન આવ્યું.સ્કુલે જવાનું પણ મોડું થતું હતું.કપડા ખંખેરીને એ આગળ ચાલવા માંડ્યો.

સ્કુલમાં પ્રવેશીને એ સીધો જ દોડતો ક્લાસરૂમમાં પહોચી ગયો અને પોતાની જગ્યા પર જઈને બેસી ગયો.શિક્ષકે વર્ગમાં પ્રવેશ કર્યો અને સૌ વિદ્યાર્થીઓ એકસાથે ઊભા થયા.શિક્ષકે સૌને બેસી જવા માટે હાથેથી ઈશારો કર્યો.વર્ગ ચાલુ થયો અને શિક્ષકે બ્લેકબોર્ડ પર લખવાનું ચાલુ કર્યું.નિલયનું મન હજુય પેલી ઘટના પર જ ચોંટેલુ હતું.કચરો ફેકનાર અજાણ્યા વ્યકતિ માટે એ મનોમન ગાળો ભાંડતો હતો એવામાં અનાયાસે જ એનો હાથ શર્ટના ખિસ્સામાં ગયો તો ખબર પડી કે હજુય અમુક કાગળના ટુકડા ખિસ્સામાં ભરાયેલા હતા.નિલયે કાગળના ટુકડા બહાર કાઢ્યાતા અને જોયું તો એમાંથી એક પાસપોર્ટ સાઈઝનો ફોટો નીકળ્યો.નિલયે હાથની આંગળીઓ ફેરવીને એ પાસપોર્ટ સાઈઝના ફોટા પરની રજ સાફ કરી અને જે ચહેરો ઉભરાઈને આવ્યો એ જોઇને એની નજર ત્યાં જ સ્થિર થઇ ગઈ.પહેલી વાર જાણે પાસપોર્ટ સાઈઝના ફોટામાં કોઈકને સ્મિત આપતા જોયા.હરણી જેવી કોમળ આંખો,નિખરેલી ત્વચા,કાનની ઘાટીલી બૂટ અને મુલાયમ પાંપણોથી ફોટોગ્રાફ જાણે વ્યક્તિ સામે જ ઉભી હોય એવું ઉજાગર કરતો હતો.

“તું ઓળખે છે આને?” નિલયની બાજુમાં બેઠેલા પ્રિયંકે પૂછ્યું.

“નહિ તો..”

“તો પછી આ ફોટો...?..ચક્કર શું છે?”

“અરે આ તો રોડ પરથી આવતો હતો ત્યારે કોઈકે ઉપરથી કચરો ફેક્યો અને એમાં જ આ ફોટો પણ હતો.”

“તો એમ વાત છે?”

“પ્રિયંક,તું ઓળખે છે? કોણ છે?આપણી સ્કુલમાં છે?” એકી શ્વાસે નિલયે ઘણું બધું પૂછી લીધું.

“તને બહુ ગમી ગઈ લાગે છે?” પ્રિયંકે ચીડાતા કહ્યું.

“ના એવું કઈ નથી...”

“તો પછી?”

“હા ,ગમી ગઈ છે...બોલ હવે...”

“આપણી સ્કુલમાં જ છે...કોમર્સ સ્ટ્રીમમાં છે.”

“નામ?”

“નિષ્ઠા..”

ક્લાસ પૂરો થવાનો બેલ વાગતા જ ક્લાસમાં ખળભળાટ મચી ગયો.સૌ વિદ્યાર્થી મેદાન તરફ દોડીને જવા લાગ્યા.પણ નિલય હજુ ક્લાસરૂમમાં જ બેઠો હતો.થોડી વાર સુધી એ પાસપોર્ટ સાઈઝના ફોટાને તાકતો રહ્યો.પછી બેગમાં મુકીને એ પણ મેદાન તરફ ચાલવા માંડ્યો.

અભ્યાસ પછીનો જે પણ સમય બચતો એમાં નિલય નિષ્ઠાના ફ્લેટની બાલ્કની સામે આવીને ઉભો રહેતો.એક વાર નિષ્ઠાની ઝલક દેખાય પછી જ ત્યાંથી ખસતો.નિષ્ઠાની નજર પણ ઘણી વાર નિલય પર પડતી.

એક દિવસ નિષ્ઠા બાલ્કનીમાં આવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.નિલય ત્યારે રોડની સામેની તરફ જ ઉભો હતો.રાતના લગભગ ૧૧ વાગ્યા હતા.રસ્તા પર સ્ટ્રીટ લાઈટનો આછો પીળો પ્રકાશ પથરાયેલો હતો.બાજુની ગલીમાંથી કુતરાઓનો ભસવાનો અવાજ આવી રહ્યો હતો.રાત ચડતી જતી તેમ તેમ રોડ પર વાહનોની અવર જવર પણ ઓછી થતી જતી હતી.

નિષ્ઠાને રોતી જોઇને નિલયને દોડીને તેની પાસે પહોચી જવાનું મન થઇ આવ્યું.નિલય બેચેન અને બેબાકળો બનીને ઘડીભર આ દ્રશ્ય જોઈ રહ્યો.થોડી વાર પછી નિષ્ઠા રૂમમાં ચાલી ગઈ અને લાઈટ બંધ કરતાની સાથે જ બાલ્કનીમાં અંધારૂ છવાઈ ગયું.

બીજા દિવસે રીશેષમાં નિષ્ઠા મેદાનના છેડે આવેલી એક બેંચ પર બેસેલી હતી.જાણે શૂન્યમાં કંઇક તાકતી હોય એમ સ્તબ્ધ થઈને બેઠેલી હતી.નિલયની નજર એના પર પડી.હિંમત કરીને એ નિષ્ઠાની બાજુમાં જઈને બેસી ગયો.

“તમે કાલે રાત્રે બાલ્કનીમાં ઊભા ઊભા...” નિષ્ઠાએ નિલય સામે નજર ફેરવી એટલે બાકીના શબ્દો મોઢામાં જ રહી ગયા.

“તમારો પરિચય...?” નિષ્ઠાએ થોડા કઠોર સ્વરમાં કહ્યું.

“હું નિલય..12 સાયન્સમાં આ જ સ્કુલમાં અભ્યાસ કરું છું..” નિલયે નિર્દોષતાથી જવાબ આપ્યો.

નિષ્ઠાએ ફરી મોઢું ફેરવી લીધું.

“તમે કહ્યું નહિ..તમે કાલે બાલ્કનીમાં ઊભા ઊભા રોતા હતા..”

“તમારે એનાથી શું મતલબ?”

“કોઈ જ મતલબ નથી એટલે તો જાણવું છે.તમને રોતા જોઇને મને પણ આખી રાત ઊંઘ નહોતી આવી.”

નિષ્ઠાનો ગુસ્સો ધીરે ધીરે શાંત પડતો હતો.

“હું તમને ઓળખાતી નથી...જાણતી નથી કશું તમારા વિષે ..તો પછી તમને કેમ આટલો રસ છે મારા અંગત જીવનમાં?”

“નિષ્ઠા,મને કોઈ જ રસ નથી તમારા અંગત જીવનમાં...મારે તો બસ એટલું જ જાણવું હતું કે તમે કાલે કેમ રોતા હતા..?”

નિષ્ઠાનો ગુસ્સો શાંત થતો જતો હતો અને મનમાં એક અલગ પ્રકારની લાગણી ઉભરાઈ આવી.મનમાં થઇ આવ્યું કે એ બધું જ નિલયને કહી દે ....

“કઈ નહી ,બસ કાલે પપ્પા ઘણા દિવસ પછી ઘરે આવ્યા.મમ્મીને ઢોર માર મારીને મમ્મીની કાળી મજુરીથી કમાયેલા બધા પૈસા ઝૂંટવીને ચાલ્યા ગયા.અમુક દિવસો પછી એ વળી પાછા આવશે અને આ ઘટના ફરીથી બનશે.”

“આઈ એમ સોરી....” નિલયને કઈ સુઝ્યું નહિ.બંધ મોઢે સાંત્વના આપતો હોય એમ એ નિષ્ઠાની બાજુમાં જ બેસી રહ્યો.નિષ્ઠા પણ કશું બોલ્યા વગર બેસી રહી.બંનેને જાણે એકમેકની બાજુમાં બેસીને શુકુન મળતું હોય એમ લાગ્યું અને મૌનની ભાષામાં જ એક નવા સંબંધનો જન્મ થયો.દોસ્તીનો સંબંધ!!

દિવસો વિતતા ગયા એમ બંનેની દોસ્તી પણ વધુને વધુ ગાઢ બનતી ગઈ.બારમું ધોરણ પૂરું થયું એટલે એમણે પોતપોતાના ક્ષેત્રની કોલેજમાં એડમીશન લીધું.કોલેજના વર્ષો દરમ્યાન પણ બંને એકબીજાને મળતા રહેતા.સમય સાથે એક નવો સંબંધ પણ બંને વચ્ચે બંધાતો ગયો જેને હજુ કોઈ નામ આપી શકાય એમ ન હતું.

કોલેજના ત્રણ વર્ષ પુરા થતાની સાથે જ નિષ્ઠા કોમર્સમાં ગ્રેજ્યુએટ થઇ અને એકાદ મહિનામાં ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ પણ મળી ગઈ.નિલયનું એન્જીનીયરીંગ પૂરું થવાને હજુ એકાદ વર્ષ બાકી હતું.

નિષ્ઠાની જોબને હજુ છએક મહિના જેટલો સમય વીત્યો હતો.એક દિવસ બંને પાર્કમાં બેંચ પર બેઠા હતા.

“નિલય...તને એક વાત કરવી હતી.ઘણા દિવસથી કહેવાનું વિચારતી હતી પણ ક્યારેય હિંમત નહોતી થતી.”

“એવી તો શું વાત છે કે તારે મારી સામે આટલી ખચકાટ અનુભવવી પડે..?” મોઢામાં ખારી સિંગના દાણા મુકતા નિલયે કહ્યું.

“મેં લંડનના વિઝા માટેની અરજી આપેલી છે અને આશા છે કે બે ત્રણ મહિનાની અંદર વિઝા પણ મળી જશે.”

સિંગના દાણા હાથમાં જ રહી ગયા અને નિલય નિષ્ઠાની સામે જોઈ રહ્યો.

“નિષ્ઠા ,પણ આમ અચાનક આવો નિર્ણય...?” ગંભીરતાથી નિલયે કહ્યું.

“મમ્મીનું કહેવું એવું છે કે મારે મારી અલગ જિંદગી ચાલુ કરવી જોઈએ.અહી તને તો મારા ઘરની પરિસ્થિતિ અને પપ્પાના અત્યાચાર વિષે ખબર જ છે.મામા પણ થોડી ઘણી મદદ કરવા તૈયાર છે અને બાકીની લોન પણ મળી જાય એમ.છે.”

“તારા ગયા પછી મમ્મીનું શું..?

“હું ત્યાં જઈને સેટલ થઇ જાઉં પછી મમ્મીને પણ ત્યાં બોલાવી લઈશ..”

“અને મારું...?”

“તું પણ ત્યાં આવી જ જઈશને...”

“નિષ્ઠા ,તે આટલો મહત્વનો નિર્ણય એકલા જ લઇ લીધો..? તને જરૂર પણ ન લાગી મને એક વાર જણાવવાની..”

“આઈ એમ સોરી ,નિલય...પણ બધું એટલું જલ્દી બની ગયું કે....”

નિલયે જાણે કઈ જ બન્યું ન હોય એમ સ્વસ્થ બનીને નિષ્ઠાની સામે જોયું.

“કંઇક મદદની જરૂર હોય તો જણાવજે...ઓલ ધી બેસ્ટ..”

આટલું બોલીને નિલય બેંચ પરથી ઊભો થવા જતો હતો ત્યાં જ નિષ્ઠાએ નિલયના હાથનું કાંડું પકડી લીધું.

“નિલય ,પૂરી વાત તો સાંભળ...”

“હા બોલ...સાંભળું જ છું.” નિલયને સહેજ ગુસ્સો આવ્યો.

“તું પણ આવને મારી સાથે જ ...”

“તને સારી રીતે ખબર છે એ શક્ય નથી...મારી પર અહી કેટલી બધી જવાબદારીઓ છે અને ગ્રેજ્યુએશન પણ પૂરું નથી થયું..”

“હા સમજુ છું ,નિલય..પણ તું ગ્રેજ્યુએશન પૂરું કરીને તો આવી શકે ને?..”

“હું વિચારીશ એ વિષે થયું...પણ અત્યારથી તને કોઈ પ્રોમિસ નહિ કરી શકું.”

“હું રાહ જોઇશ..નિલય..”

નિલય ઊભો થઈને ચાલવા માંડ્યો.નિષ્ઠા એને પાર્કની બહાર જતા રસ્તે જોતો રહી.

***

નિષ્ઠા લંડન આવી એ વાતને ત્રણેક મહિના જેટલો સમય થયો હતો અને એ સમય દરમ્યાન એમની વચ્ચે એક વાર પણ વાત થઇ નહોતી.નિષ્ઠાએ હિંમત કરીને એક દિવસ નિલયને ફોન કર્યો.

“હેલ્લો...”

“કોણ?” જાણે એ જ ક્ષણે નિલય અવાજ ઓળખી ગયો હોય એમ આંખોમાં એક ચમક આવી.

“નિષ્ઠા..?”

“હા...નિષ્ઠા...”

“ક્યાં હતી આટલા દિવસ.?..લંડન જઈને મને ભૂલી ગઈ કે શું..?”

“ના નિલય....તને જ યાદ કરું છું..અહી કામ પણ એટલું બધું હોય છે કે પોતાના માટે પણ સમય બચતો નથી.”

“હા,ત્યાં તો જિંદગી બહુ ઝડપથી જ ભાગવાની...”

“નિલય તું ક્યારે આવે છે અહી.?.તારા વગર અહી બધું સુનું સુનું લાગે છે..”

“મેં કહ્યું હતું ને કે હજુ મારા ગ્રેજ્યુએશનનું એક વર્ષ બાકી છે અને ઉપરથી આ ઘરની જવાબદારીઓ પણ છે..”

“સમજી શકું છું..પણ બહુ મોડું ન કરતો.હું અહી તારી રાહ જોઇને બેઠી છું...”

“હું પૂરો પ્રયત્ન કરીશ કે ત્યાં શક્ય એટલો જલ્દી આવું...”

“સારું નિલય,જોબ પર જવાનો સમય થઇ ગયો છે.હું તને પછી કોલ કરું..”

એકાદ મહિના પછી નિલયના ફોનમાં ફરીથી નિષ્ઠાના નંબરની રીંગ વાગી.

“હેલ્લો...નિલય...”

“તને સમય મળી ગયો પાછો ફોન કરવાનો.?.”

“હા..તું તો કોઈ દિવસ યાદ પણ નથી કરતો..હું તો તને કોલ પણ કરું છું..”

“ના ના...એવું કશું નથી...”

“શું કરે છે?”

“ફ્રી લેકચર હતું તો મિત્રો સાથે કેન્ટીનમાં બેઠો હતો..”

“તે કઈ વિચાર્યું પછી લંડન આવવા માટે?”

“હજુ આપણે આ વિષય પર ગયા મહીને તો વાત થઇ હતી..”

“તું કઈ પણ કરીને આવતા ત્રણ મહિનાની અંદર લંડન આવી જા...” નિષ્ઠાએ હુકમ આપતી હોય એમ કહ્યું.

“તને શું થઇ ગયું છે..?..આમ જયારે હોય ત્યારે તું મને લંડન આવી જવા માટે કહે છે...બધું બરાબર તો છે ને..?”

“તું પહેલા મેં જે પૂછ્યું એનો જવાબ આપ...તું ત્રણ મહિનાની અંદર લંડન આવી શકીશ કે નહિ...?” દરેક શબ્દ પર ભાર દઈને બોલાય રહ્યો હતો.

નિલયને કંઈ સમજાતું નહોતું કે નિષ્ઠા શું બોલી રહી હતી.

“ચુપ કેમ છે નિલય ? મારે જવાબ જોઈએ છે...”

“નહિ આવું હું લંડન ....ત્રણ મહિનાની અંદર તો કોઈ સંજોગોમાં શક્ય નથી.અને તને શું થઇ ગયું છે?કેમ આટલી જીદ કરે છે? આપણે આજ નહિ તો કાલે સાથે જ રહેવાના છીએ ને..”

“વાત એમ નથી નિલય..જો તું ત્રણ મહિનાની અંદર અહી નહિ આવે તો બહુ મોટું અનર્થ થઇ જશે..”

“થયું શું પણ..? કંઇક સમજાય એવું બોલને નિષ્ઠા...”

“હું પ્રેગનેન્ટ છું ,નિલય...”

“શું..?”

નિલયના મોઢામાંથી રાડ નીકળી ગઈ.બંને બાજુ સન્નાટો છવાઈ ગયો.ઘડીભર તો નિલયને કઈ સુઝ્યું જ નહિ કે શું કહેવું?

“નિષ્ઠા,આ તું શું બોલે છે? મને તો કંઈ જ ખબર નથી પડતી..”

નિષ્ઠા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.નિલયને હજુ પણ કશું સમજાતું નહોતું.થોડી વાર પછી નિષ્ઠાના હિબકાનો અવાજ શાંત થયો.નિલયે સાંત્વના આપવાની કોશિશ કરી અને નિષ્ઠા સ્વસ્થ થતી હોય એવું લાગતું હતું.

“નિષ્ઠા,આ બધું કેવી રીતે બન્યું..?”

નિષ્ઠાએ હિંમત ભેગી કરીને બોલવાનું ચાલુ કર્યું.

“હું અહી લંડન આવી એ પહેલાની આ વાત છે.હું જે ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતી હતી ત્યાં મારો જોબ પર છેલ્લો દિવસ હતો ત્યારે એક ઘટના બની હતી.મારા બોસ ચાંદની મેડમે મને એક કસ્ટમર મિટિંગ માટે હોટેલ રાજભવનમાં તેમની સાથે જવા માટે આગ્રહ કર્યો.મારી ના હોવા છતાં એમણે ખુબ આજીજી કરીને મને ત્યાં જવા માટે મનાવી લીધી અને ઇન્સ્યોરન્સના અમુક મહત્વના કાગળોનું એક બ્રીફકેસ મને આપીને સાંજે હોટેલ પર લઇ આવવા માટે કહ્યું.સાંજે હું હોટેલ પર પહોચી તો ખબર પડી કે કોઈ ઈમરજન્સીના લીધે એ આવી શકે તેમ નથી.એમને મને હોટેલનો રૂમ નંબર આપીને પેલા કાગળો એ કસ્ટમરના હવાલે કરવાનું જણાવ્યું.મેં તરત જ રીશેપ્સન પર જઈને એ રૂમની માહિતી મેળવી અને એ રૂમમાં દાખલ થઇ.કાગળો કસ્ટમરના હવાલે કરીને હું રૂમની બહાર નીકળવા જ જતી હતી કે એ વ્યક્તિને જબરજસ્તી ચાલુ કરી અને મારા તીવ્ર વિરોધ અને કાકલૂદી છતાંય એણે મારી સાથે બળાત્કાર કર્યો.”

આટલું બોલતાની સાથે જ નિષ્ઠા ભાંગી પડી.નિલયની આંખોમાં પણ આંસુ ઉભરાઈ આવ્યા અને આંખો ગુસ્સાથી લાલચોળ થઇ ગઈ.હાથ ફોન પર જ થીજી ગયા.

“નિષ્ઠા,તે આ બધું મને અત્યાર સુધી કહ્યું કેમ નહિ?”

“મેં વિચાર્યું કે તું મારા કહેવાથી અહી આવી જઈશ પછી તને જણાવીશ...?”

“તો તું અહી હતી ત્યારે મને કશું કહ્યું પણ નહિ અને કોઈને કહ્યું પણ નહિ..?”

“નિલય,તને ખબર છે કે મને અહી મોકલવા માટે બધાએ કેટલી મદદ કરી હતી અને ઉપરથી બેંકની લોન પણ પાસ થઇ ગઈ હતી...અને તું તો મારી પરિસ્થિતિ સારી રીતે જાણે જ છે..કોઈ વિકલ્પ જ નહોતો...”

“તું એ રાક્ષસનું નામ આપ મને અત્યારે જ....”

“મારે એ ઘટના વિષે કશું જ ફરીથી યાદ કરવું નથી કે નથી એ રાક્ષસનું મોઢું જોવું..”

“તું હવે શું કરીશ...?..તે અબોર્શન કેમ ન કરાવી લીધું.”

“એ કોઈ વિકલ્પો શક્ય જ ન હતા અને મારી પણ હિંમત નહોતી....મારે કોઈ પણ સંજોગોમાં આ બાળકને દુનિયામાં લાવવું છે..જે પાપ કોઈ બીજાએ કર્યું એનાથી પણ વધુ ધ્રુણાસ્પદ પાપ હું આ બાળકની જિંદગી છીનવીને નહિ કરી શકું. અહીના કાયદા કાનુન પણ બહુ કડક છે..જો હું એ બાળકને જન્મ આપતી વખતે વિવાહિત નહિ હોઉ તો આ લોકો એ બાળકને અનાથ આશ્રમમાં મોકલી દેશે અને પછી કોઈક યુગલ એને એડોપ્ટ કરી લેશે.અહી હોસ્પિટલ પણ બહુ ખર્ચાળ છે અને મારી પાસે એ ખર્ચના અડધા રૂપિયા પણ નથી...ક્યારેય થઇ આવે છે કે આત્મહત્યા કરીને જીવન જ ટૂંકાવી દઉં..”

“નહિ નિષ્ઠા....એવો વિચાર તો સ્વપ્નમાં પણ ન લાવતી..ખર્ચની વ્યવસ્થા હું અહીથી કરું છું..”

“નિલય ,જે પણ કરે જલ્દી કરજે.સમય બહુ ઓછો છે.....”

“ખર્ચની વ્યવસ્થા તો હું કરી લઈશ પણ બાળકનું શું...? તારા તો લગ્ન પણ નથી થયા તો કાયદા પ્રમાણે બાળક તો અનાથ આશ્રમમાં મોકલી દેવાશે..કઈ વિચાર્યું છે એના વિશે...?”

“હા એક આખરી રસ્તો છે...મારી ઓફીસના માલિકનો છોકરો છે એ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે...?”

“પણ એને તારી પ્રેગ્નેન્શી વિશે ખબર છે..?”

“હા એ આખીય ઘટનાથી વાકેફ છે...”

નિલય ઘડીક ચુપ રહ્યો.માત્ર એના શ્વાસનો અવાજ મોબાઈલમાં સંભળાતો હતો.

“હું આવતા અઠવાડિયે પૈસાની વ્યવસ્થા કરીને મોકલાવું છું ને તું મારી રાહ જોજે.આપણા લગ્ન આ ત્રણ મહિનાની અંદર જ થશે..” નિલયે સ્વસ્થ થતા કહ્યું.

નિષ્ઠા ખુશખુશાલ થઇ ગઈ.

“હું રાહ જોઇશ..”

દિવસો વિતતા ગયા.નવ મહિના પુરા થવાને માત્ર એક અઠવાડિયાનો સમય જ બાકી હતો.ડોકટરે જણાવેલી ડીલીવરીની તારીખ પણ નજીકમાં હતી અને જયારે કોઈ જ રસ્તો ન સુઝ્યો ત્યારે નિષ્ઠાએ લગ્ન કરી લીધા.નિલય સિવાયના કોઈકને સપ્તપદીના વચનો આપી દીધા.એ દિવસે બંને ફોન ઉપર ખુબ રડ્યા.રડીને લાલચોળ થયેલી આંખોએ નિલય એ જ બાલ્કની સામે આવીને ઊભો રહ્યો.એ જ સ્વપ્નીલ આશામાં કે એની નિષ્ઠા એ બાલ્કનીમાં ઊભેલી મળી જાય.

બેએક અઠવાડિયા પછી નિલયને સમાચાર મળ્યા કે નિષ્ઠાએ જે બાળકને જન્મ આપ્યો હતો એ માત્ર અમુક કલાકો માટે જ શ્વાસ લઇ શક્યું અને વળી પાછો એનો જીવ અનંત બ્રહ્માંડમાં ક્યાંક ચાલ્યો ગયો.

***

બહાર વરસાદ શાંત પડતો જતો હતો.બારીના કાચ પરથી સરકતું પાણી હવે બંધ થઇ ચુક્યું હતું.માત્ર પાણીના અમુક ટીપા બાઝેલા હતા.રૂમની અંદરનું દ્રશ્ય સ્પષ્ટ થતું ગયું.રૂમમાં પ્રસરેલી ભેજની ગંધ હજુય અકબંધ હતી.

નિષ્ઠા ખુરશી પરથી ઊભી થઇ.

“તો હું નીકળું હવે..?”

“મારા રોકવાથી તું થોડી રોકવાની છે.?” હળવા હાસ્ય સાથે નિલયે કહ્યું.

ફરી બંને વચ્ચે મૌન પથરાય ગયું.

નિલય દરવાજા સુધી નિષ્ઠાને મુકવા આવ્યો અને નિષ્ઠાને દુર સુધી જતા જોઈ રહ્યો.છેલ્લે માત્ર નિષ્ઠાએ પકડેલી છત્રી દેખાતી હતી ત્યાં સુધી એ દરવાજામાં જ ઊભો રહ્યો.પછી ઘરની અંદર આવીને પોતાનું વોલેટ ખોલીને જોયું એમાં હજુય પેલો પાસપોર્ટ સાઈઝનો નિષ્ઠાનો ફોટો સાચવેલો હતો.આંખમાંથી એક આંસુ સરકીને ફોટા પર પડ્યું.બારી પર બાઝેલા પાણીના ટીપા એ આંસુની એક બુંદને નીરખીને જોઈ રહ્યા.