Manas no vesh in Gujarati Short Stories by Girish Bhatt books and stories PDF | માણસનો વેશ

Featured Books
Categories
Share

માણસનો વેશ

માણસનો વેશ

લેખક :-

ગિરીશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


માણસનો વેશ

સવારના પહોરમાં બળવંત નાયકની ડેલીએ એક સરકારી વાહન ઊભું રહ્યું. ધૂળ ઊડી અને શમી પણ ખરી. શેરીના આઠ દસ છોકરાં-છાબરાં કુતૂહલવશ એકઠાં થઈ ગયાં. પાસેની બે બારીઓ પણ ખૂલી, ચહેરા ડોકાયા. બે શ્વાન ઊઠીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા.

નાયક ક્યારડાને પાણી સિંચીને ઓટલીએ બેઠા હતા. હમણાં હમણાં જરા હાંફ વળી જતો હતો. હજી ફળીમાં સાવરણો ફેરવવો બાકી હતો. એ પછી સ્નાન થતું. બહુ મોડેથી ચૂલો સંભાળતા, ભૂખ લાગે ત્યારે જ. ઝટપટ બે રોટલા ટીપીને ગરમ તાવડીને હવાલે કરતા. ને પછી ધીમી આંચે શાક વઘારી નાખતા.

ક્યારેક માસ્તરની ચંચી અથાણું, મરચા એવું આપી જતી. જીવન ચાલ્યું જતું.

આમ તો શનિવારની પ્રતીક્ષા જ મુખ્ય કામ હતું ને ? દર શનિવારે સાંજે, બળવંત નાયક વેશ કાઢે, જાતજાતના વેશ કાઢે, હનુમાન જતિ, મહાદેવ, રાજા, કામદાર, રંગલો, નગરશેઠ - એવાં કેટલાંય ! વંશ-વારસાગત, સાત પેઢીની જૂની કળા હતી.

બળવંત નાયકને એનું કેટલું ગૌરવ હતું ? ટોળું મળે ને નાયક એ જ વાત માંડે.

‘એકવાર મારા દાદાએ રાજના કામદારનો વેશ લીધો એવો હૂબહૂ કે ખુદ રાજવી ભુલાવામાં પડ્યા કે આમાં સાચો કામદાર કોણ ?’

‘મારા પરદાદા પરમાણંદ. બહુ મોટા કલાકાર. એકવાર એમણે એવી કમાલ કરી કે...’ અલબત્ત રંગપુરના લોકોએ તો આ વાતો અનેક વાર સાંભળી હતી, ને તો પણ નાયક એ જ ઉત્સાહથી વાત માંડે.

તેમની પાસે બે પેટી ભરીને વેશ કાઢવાના વૈતરણાં હતાં. જાત જાતનાં વસ્ત્રો, વાળની વીંગો, બનાવટી જીભો, તીરકામઠાં, ગદા, તલવાર, માળાઓ, મૂછો...

એમાંથી દર શનિવારે એક પાત્ર સજીવન થતું. લોકો ઉત્સુકતાથી રાહ જોતાં - નાયકના વેશની. નાયક શાનો વેશ લેશે - એની પ્રતીક્ષામાં રંગપુરનો દિવસ પસાર થઈ જતો. અને સાંજ, એ વેશને નીરખવામાં.

મળતા પાઈ પૈસા. ને નાયકને વધુની સ્પૃહા પણ ક્યાં હતી, પત્નીની ચિરવિદાય પછી ? બાપદાદા વખતનું જિર્ણ મકાન હજી પણ રહેવાલાયક હતું. આગળ નાની પરસાળ ને અંદર બે ઓરડીઓ. એકમાં તો આ વેશ કાઢવાના સાધનો હતાં. અરીસો ય હતો - તિરાડવાળો.

પુત્ર ગોપાલ રજામાં આવે. જિલ્લાના મથકે અભ્યાસ કરે. તેજસ્વી ખરો ને એટલે એક પરિવાર મદદ કરે. ને ગણતરી પણ ખરી, એકની એક નેહલને પરણાવવાની.

નાયક દર વખતે પૂછે ગોપાલને, ભણવામાં કેટલે પહોંચ્યો ? નોકરી તો મળશે ને ? તે બધોય ખરચ ભગવાનભાઈ જ કરે છે ?

ગોખમાં ઠાકોરજી છે ત્યાં સવાર-સાંજ દીવો થાય. વિદાયવેળાએ અચૂક કહે - ‘તારી મા હતી ત્યાં સુધી ઠીક હતું. હવે તો શનિવારના વેશ છે ને એટલે જિવાય છે.’

દર વખતે તો બસમાં આવતો. ટૂંકો રસ્તો લે તો પણ ઘરે આવવામાં સમય તો લાગી જ જતો.

ગોપાલ મળતો પણ દર વખતે નવો જ ગોપાલ. દેખાવ તો બદલાયેલો હોય પરંતુ વાતોય બદલાઈ હોય, વાતો કરવાની રીત પણ બદલાઈ હોય.

નાયક તો ચકિત થઈ જાય.

પણ આ વખતે તો જીપ ઊભી-ડેલી પાસે. ગોપાલ તો ઊતર્યો પણ સાથે કડકડતાં વસ્ત્રોમાં સજ્જ ભગવાનદાસ પણ ઊતર્યા. આસપાસનું અવલોકન થઈ ગયું - બે પળમાં જ.

નાયકને પણ સમજ પડી કે કોણ આવ્યું હતું. ગોપાલ જ્યાં રહીને ભણ્યો એ... સજ્જન.

તે આગળ આવ્યા.

‘નાયક... તમારાં દર્શને આવ્યો છું. આજ્ઞા આપો તો તમારા ગોપાલને મારો જમાઈ બનાવવો છે. અને સારા કામમાં તો તમારી આશા હોય જ ને ?’

‘બે દિવસ પછી જ શુભ મુરત છે. આટોપી લઈએ શુભ અવસરને. તમારા ખઆનદાન ખોરડાની મને જાણ ના હોય ? ધમધોકાર કારોબાર ચાલે છે પ્રભુ કૃપાથી. પણ નાયક, મારી બધે જ નજર હોય. બધું પાર ઊતરે તો ગોપાલ ટૂંક સમયમાં મોટો સાહેબ બની જાશે. લો, થાવ તૈયાર. તમને તેડવા જ આવ્યો છું.’

ભગવાનદાસની વાણીમાં ગજબની મીઠાશ હતી. બળવંત નાયક તો ઘટનાઓને ક્રમમાં ગોઠવવાની મથામણ કરતા હતા. એ પણ વિચારી લીધું કે શનિવાર હજી આઘો હતો. એ પહેલાં તો પાછા ફરી શકાય.

પણ આમની દીકરી, ગોપાલની... વહુનું નામ શું હશે ? કેવી લાગતી હતી ? અરેરે... તેમની પણ વહુ ગણાય ને ? પોતે શ્વસુર ને એ વહુ ! શું કહીને બોલાવશે તેમને ? સવિતા હોત તો ? આવાં કશા જ સંતાપ ના રહેત.

(૨)

પુત્રનાં લગ્ન રંગેચંગે માણી આવ્યા પછી નાયક ગમગીન થઈ ગયા. બેસી રહે ઓટલી પર. વિચારો પજવ્યા કરે. ‘વેવાઈએ મોટો અવસર કર્યો પણ આમાં પોતે ક્યાં હતા ? પૂજાના પાટલાની જેમ એક સ્થાને ખોડાઈ ગયા હતા. બસ, જે બને એ જોયા કરવાનું ! નવું ધોતિયું, નવું પહેરણ ને નવો ખેસ હતો. ખાસડાંય નવાંનકોર હતાં. પગમાં હજીય ડંખતા હતાં.’

વહુ આવીને પગે લાગી હતી. સરસ લાગતી હતી. શું નામ કહ્યું - નેહલ ? હા, એ જ પગે લાગી હતી. બધું વેવાઈએ ઇચ્છયું એમ થયું. ના, આમાં પોતે ક્યાંય ન હતો. નાયકનું મન ગડથોલાં ખાતું રહ્યું.

‘ઈ આવીને, અહીં થોડો ચૂલ સંધ્રૂકવાની હતી, હેલ ભરવાની હતી ?’ વિષાદ વિસ્તર્યો હતો. ભૂખ જ ભુલાઈ ગઈ, ઠામુકી. ‘આ તો વેચી દીધો ગોપાલને - એમ જ થયું ને ?’

છેક સાંજે, અવળી દિશા પકડાઈ.

‘મારે શું કરવું છે વહુનું ? એ તો ગોપાલ સાથે જ ભલી. ગોપલાને ભણાવી-ગણાવીને પાવરધો કર્યો કોણે ? પછી ભગવાનભાઈનો જ હક રહેને ગોપલા પર ? આમ ખોટા મારગે ચડી જવાનો શો અર્થ ? ગોપાલનું સુખ એ મારું સુખ નહીં ? મારે શું જોવે છે, હવે ? ભલો મારો શનિવાર ને ભલો હું ને ભલું રંગપુર.

પણ ધીમે ધીમે થાક વર્તાવા લાગ્યો, જિંદગીનો. એમ લાગતું હતું કે કશો અર્થ જ ન હતો, હયાતીનો. તે કોના માટે જીવતો હતો ? નહોતી સવિતા, નહોતો ગોપાલ. પેલી નવી વહુનું તો નામેય ભુલાઈ જાતું હતું ને ચહેરો પણ.

એ નેહલ પણ તેમનો ચહેરો ભૂલી ગઈ હશે, કદાચ તેમને પણ. એ તો સાથે રહીએ એની માયા હતી.

ગોપાલનું પોસ્ટકાર્ડ આવ્યું ખુશીખબરનું. પેલી નેહલના પાયલાગણ પણ લખ્યા હતા. ખુશી થઈ તેણે લખ્યું હતું : ‘બાપુ, સરસ નોકરી મલી જ જશે અમે બેય ત્યાં આવીશું, તમને લઈ જવા. તૈયારીમાં રહેજો.’

ઓહ ! તરબતર થઈ જવાયું. લો, બેય આવશે, તેડી જવા. તો પછી શનિવારના વેશનું શું ? કેટલાં વર્ષોની પરંપરા છે ? સવિતા ગયાના ત્રીજે દિવસે શનિવાર હતો, એ ય સાચવ્યો હતો ને ? તો પછી, ના જવું ?

(૩)

ગામના માસ્તરે સૂચવ્યું, ‘નાયક જાવ શહેરમાં. પછી એ લોકને કેવું લાગે ? વેશ તો ક્યારેક છોડવા જ પડવાના છે. શું ગોપાલ કરવાનો છે ? મોટો મામલતદાર થયો છે ને ?’

- અને બળવંત નાયક શહેરમાં પહોંચી ગયા, પુત્ર સાથે. નેહલ આવી શકી નહોતી.

અર્ધું રંગપુર વિદાય આપવા આવ્યું હતું.

મામલતદારનું સરકારી નિવાસસ્થાન સારી સ્થિતિમાં હતું. બંધ પરસાળ, બે વિશાળ ખંડ ને ઉપર મેડી. મેડી આગળ નાજુક અગાશી. આસપાસના મકાનોનાં છાપરા દેખાય, રસ્તો દેખાય અને વૃક્ષો સોંસરવું આકાશ દેખાય.

ગોપાલે કહ્યું - ‘બાપુ, આ મેડી તમારી. શાંતિથી રહો. જુઓ, આ બેલ વગાડજો-કશું કામ હોય તો !’

નોકરોએ સામાન ગોઠવી નાખ્યો, મેડીમાં. નાયકને ખટકો થયો કે પુત્રવધૂ ના આવી.

જમવાનું ભાણુંય ઉપર આવી ગયું. તેમને ચૂલો યાદ આવી ગયો, આંખોમાં ઘૂસી જતો ધૂમાડો ય યાદ આવી ગયો. ના, આ તો સુખ હતું, પારાવર સુખ !

તો પણ રાતે રંગપુર યાદ આવી જતું. કેવો વેશ કાઢતા શનિવારે ? સવારે આસપાસ અવલોકન કરતાં કેટલી બારીઓ હતી ? વળી થતું, ચંચી ક્યારડાને સીંચતી તો હશે ને ?

પાસે ક્યાંક ઘંટારવ થતો ને થતું - હશે ક્યાંય દેવાલય ? ના, નેહલ એકેય વાર આવી નહોતી. ગોપાલ તો રાતેય આવી જતો હતો.

ના, પણ આવી વાતમાં મન શીદ બગાડવું ? હશે કામમાં. તે પોતે પાસેના શિવમંદિરે આંટો મારી આવ્યા. બસ, ત્યારે નેહલને રસ્તો ઓળંગતી જોઈ.

સારી લાગી. શરીરે નરવી અને... !

કેટલા લોકો ગોપાલને મળવા આવતા હતા ? છાતી ગજગજ ફૂલી તેમની. સવિતા હોત તો કેટલી ખુશ થાત ? આ બધો પૂર્વજોના આશીર્વાદનો પ્રતાપ.

ને વહુ પણ સારાં પગલાંની.

રાતે થતું કે રંગપુરની ઓસરી છે આ તો ! સામે ડેલી છે, જમણી બાજુ બારમાસી કૂઈ છે.

દિવસે થતું કે હવે એકલા ના રહેવાય રંગપુરમાં. સારું થયું કે ગોપાલ લઈ આવ્યો. શરીર ઘસાયું હતું. આંખે પણ ઝાંખપ વળગી હતી.

સારી હતી મેડી. આસપાસનો કોલાહલ મીઠો લાગતો હતો. કેટલું બધું જોઈ શકાતું હતું - બારીઓમાંથી ? ને ઘંટડી વગાડતાં જ મોહન હાજર થઈ જતો હતો.

નાયકે મોહનને જ પૂછ્યું હતું - ‘શનિવાર ક્યારે ?’

(૪)

ઓહ ! કાલે જ શનિવાર ! નાયક ચોંકી ગયા હતા. જૂની જાહોજલાલી યાદ આવી હતી. તે વેશ લઈને નીકળે અને આખી બજાર ગાજતી થઈ જતી હતી. લો... નાયકનો વેશ નીકળ્યો ! શાનો વેશ છે આ વખતે ? નાક છે આપણા રંગપુરનું. શનિવારની સાંજ પડી નથી ને નાયક હાજર થયા નથી. ને કાલ સૂની હશે ને, બજાર ? અને આટલાં વર્ષોની પરંપરા, તપસ્યા અને... ?

નાયકને લાગ્યું કે કશું વિચિત્ર બની રહ્યું હતું, તેમની જિંદગીમાં. વેશ તો તેમનો અધિકાર, ફરજ અને પ્રાણ હતો.

આખી રાત વલોપાતમાં ગઈ. અંતે ઉપાય મળ્યો. આ મેડી પર બારણું બંધ કરીને પણ વેશ તો કાઢી શકાય. એવું થોડું હતું કે બહાર નીકળવું. શનિવારની પરંપરાય જળવાઈ રહે, બાપદાદા સમયની પરંપરા. શાંતિ થઈ ગઈ, બળવંત નાયકને, કે તે પરંપરા જાળવી શકશે.

બીજી સવારે સામાનની પેટી ફંફોળાઈ. તરત અનુભવી નજરે પરખાઈ ગયું કે બે-ત્રણ વેશ તો કાઢી શકાય તેમ હતા. એટલી સામગ્રી સુલભ હતી. બાકીનો ખજાનો રંગપુરમાં પડ્યો હતો. ખાસ તો મરોડદાર પૂછ આવી શક્યું હતું. બસ, હનુમાન જતિનો વેશ તો થઈ જ શકે.

તે હસી પડ્યા હતા.

અરે, તિરાડવાળો અરીસો પણ સામાનમાં હતો.

ચાલો, કાર્ય સંપન્ન થઈ શકશે. એક મોહનને સમજાવવો પડશે. ને એ મોહન તો કામનો માણસ નીકળ્યો. તેના દાદા ભગા દેવજી પણ વેશ કાઢતા હતા - નવરાત્રીમાં.

પણ તેની બીક વાજબી હતી - ‘દાદા... વેશ કાઢજો પણ અંદર જ. આમાં જોખમ છે. સા’બને ખબર પડે તો...?’

નાયક હસ્યા. એનો સા’બ પણ મારો દીકરોને ? મોહન સંમત થયો કે તે દાદર પાસે રહીને ચોકી કરશે. આમ તો કોણ આવતું હતું - તેના સિવાય ?

અને સા’બ તો પ્રવાસમાં જવાના હતા.

પણ ખરે સમયે શું બન્યું એ કલ્પનાતીત જ ગણાય. એ સમયે, નેહલ તેની મમ્મીને લઈને શ્વસુરને મળવા આવી. મમ્મીએ જ જક પકડી હતી - નાયકને મળવાની. વેવાઈ તો ખરો ને ? મોહનથી કશું જ ના થઈ શક્યું.

એ બેય સ્ત્રીઓ બારણા પાસે હતી ને એ ખૂલ્યું. હુપ... હુપ કરતો એક આકાર સ્ફૂર્તિથી બહાર ઘસી આવ્યો. પૂછડું ફંગોળાયું, ગદા વિંઝાઈ ને ચીસ પડી બે ય સ્ત્રીઓની. નેહલે ચીસ પાડી - ‘વાંદરો... વાંદરો...’

તેની મમ્મીએ ચીસ પાડી, ‘ચોર... ચોર...’

નાયકે આવેશમાં ને આવેશમાં બે ચક્કરો માર્યા - અગાશીમાં. આસપાસની બારીઓ ખૂલી ગઈ.

(૫)

ફરી એકવાર જીપ આવી, રંગપુરની એ ડેલી પાસે. નાયક ઊતર્યા, સામાન ઊતર્યો. ‘આવી ગયા ને ? અમને ખબર જ હતી કે તમને નૈ સોરવે.’ આવકાર મળ્યો. છોડ, કૂઈ, ઓટલી, ઘર બધું જ જોવાઈ ગયું - ભીની નજરે.

નેહલના - ‘સ્ટુપિડ, ગમાર, રોંચા...’ એવા શબ્દો હજી કાનમાં હતા. ને ગોપલો પણ કેટલું બોલ્યો હતો ? પંડનો વસ્તાર ! મનમાં વિષાદ હતો.

પોતાના જ ઘરમાં ગોઠવાયા, સામાનની જેમ. બહુ વસમું લાગ્યું. જીવનમાં પહેલી જ વાર.

વિષાદમાં સમયભાન ક્યાં રહેતું હતું ? ક્યો વાર, કઈ તિથિ, કયો પહોર...? એક સાંજે... તરંગ આવ્યો કે નીકળી પડ્યા ગામની બજાર ભણી. માથે ટોપી મૂકી. ઠંડી લાગી તો ખભે ખેસ મેલ્યો. હાથમાં લાકડી લીધી. ચરણ ચાલવા લાગ્યા આ મસ્જિદ, આ ટેમભાની હૉટલ, છોકરાવની નિશાળ ને આ રંગપુરની બજાર. લોક ટોળે વળેલા.

‘અલ્યા, નાયકનો વેશ આવ્યો.’ કોઈ બોલ્યું. ભાન થયું, શનિવાર આ તો ! ત્યાં કોઈ બોલ્યું - ‘આ તો માણસનો વેશ ! નાયકે માણસનો વેશ કાઢ્યો !’

નાયકને આંસુ આવી ગયા; બોલ્યા - ‘ખૂબ જ અઘરો છે આ માણસનો વેશ !’