પ્રેમનો સ્પર્શ...
પ્રકરણ : 1. અસર
પ્રેમ એટલે વિશ્વાસ. પ્રેમ એટલે જિંદગી. પ્રેમ એટલે ખુશીઓનાં વરસાદમાં બે હાથ ખોલીને પલળવું. પ્રેમ એટલે પૂજા. પ્રેમ એટલે નશો. પ્રેમ એટલે વસંત. પ્રેમ એટલે મિલન. પ્રેમ એટલે સપનાં જ સપનાં. પ્રેમ એટલે જન્મો-જન્મ નો સાથ. વળી, એ જ પ્રેમ એટલે દુઃખ. પ્રેમ એટલે કોઈ બીજા માટે જીવવું. પ્રેમ એટલે જીવન અંત. પ્રેમ એટલે હૃદયનું તૂટવું. પ્રેમ એટલે ખૂણામાં બેસી રડવું. પ્રેમ એટલે કાંટો(જે ચૂંભ્યા જ કરે!). પ્રેમ એટલે બળતરા. પ્રેમ એટલે હૃદયની જાહેરમાં નિલામી.
ઉપરાંત, પ્રેમ થતાં પહેલાં થોડીને આપણને પૂછવા આવે છે? એ તો બસ થઈ જાય છે. એક વખત, બે વખત, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈ પણ ઊંમરે અને કોઈની પણ સાથે.નહીં?
હાલ,જો હું મારા ભૂતકાળની ચોપડી ઉઘાડું તો, ફક્ત, ભૂલોથી ભરેલાં પાનાં વંચાય છે. કેટ-કેટલાંય ખોટાં લીધેલા વળાંકોથી બનેલો નકશો જ દેખાય છે! પૂરાં ત્રણ વર્ષ વીતી ગયાં છે મારા ઍન્જિનીયરીંગ ગ્રેજયુએશનને અને નહીં નહીં તો પંદરેક ઇન્ટરવ્યુ આપવા પછી પણ હું નોકરી મેળવવામાં નિષ્ફળ રહ્યો છું. બીજું, મને ડાન્સ ગમતો હોવાં છતાં હજું સુધી કોઈ ડાન્સ કલાસીસમાં જોડાવાની કોશિશ કરી નથી.અને ત્રીજું, હવે, મારી જિંદગીમાં કોઈ છોકરી - જે પોચા લાલ હૃદય પર કાળો ડાઘ પાડી દે. પોસાય તેમ નથી.
તણાવ ફાટ ફાટ થઈને વધી રહ્યો છે. મેં કબાટમાંથી ત્રણ ઊંઘની ગોળીઓ લીધી અને પલંગ પર લાંબો થયો.
મેં આંખ મીંચી અને તે ફરી સામે આવી. ઉપરવાળાની દયા! જો આ માત્ર એક સપનું જ હોય. પણ ના! આ તો મારાં સ્મરણોથી ઉઠેલું વાવાઝોડું છે. જે વધુ એકવાર વાગેલી ચોટોને ખોતરી કાઢશે.
***
તે કોલેજનો પ્રથમ દિવસ હતો. હું પહેલી બેન્ચ પર બેઠેલો અને તે ખૂણાની છેલ્લી. મારી નજર, તે વર્ગમાં આવી, ત્યારની તેનાં પર અટકેલી હતી. મન તેની સાથે વાત કરવાં ઉછળી રહયું હતું.
વર્ગ પૂરો થયાં પછી, પુસ્તકાલયમાંથી લીધેલી ચોપડી વાંચતો હું બહાર આવતો હતો અને તે ધડામ દઈને અથડાઈ. મારી ચોપડીઓ પડી અને તેણે મારી મદદ કરી.
'હવે, ભટકાયા તો ક્ષમામાં પરિચય કરવો જોઈએ. હું આઇશા.' ,તેણે હાથ લાંબો કર્યો.
મારાં મતે આટલું સુંદર બીજું કોઈ નહીં હોય. તેની પાંપણ તેનાં બોલવા સાથે હળવે-હળવે પલકાતી હતી. તેણે ચૉકલેટ રંગની 'લીપ-સ્ટીક' કરી હતી અને તેં એનાં પર એટલી જ ખૂબસૂરત લાગતી જાણે લીલાછમ ઘાસ પર નાનકડું પતંગિયું ન બેઠું હોય!
'આઇશા? હું દેવ.' , મેં હાથ મિલવ્યો.
અમે વાતો કરતાં દરવાજા તરફ ગયાં. તેણે જતા જતાં હાથ હલાવ્યો અને કોલેજની બસમાં ચડી ગઇ.
આજ પહેલાં કોઈ છોકરી સાથે મેં વધું વાત કરી ન્હોતી. જો મારી પાસે તેનો ફોન નંબર હોત, તો મેં તેને કોલ કર્યો હોત અને મારી લાગણીઓ, ખુશીઓ વિશે કહી દીધું હોત જે આજે મારામાં માત્ર તેનાં લીધે હતી. મેં કહ્યું હોત કે તે મારી જિંદગીને એક વિશેષ અર્થ આપવા આવી છે.
***
હું એક ખૂણામાં ઉભો હતો, બધાંથી અલગ. મને એકલાં રેહવું વધું પસંદ હતું.
તેનાં સિવાય મારાં પર હજુ કોઈની નજર પડી ન્હોતી. તે સીધી મારાં તરફ આવી.
આઇશા : 'એકલાં રહેવાનો કોઈ ફાયદો?'
મેં કહ્યું : કોઈ દૂર જાય એ પહેલા હું જ બધાંથી દૂર રહું છું. તું જ જો મને! ચશ્માંવાળો, હોશિયાર, સંસ્કારી અને સીધો દેખાવ છું. કોણ ચાહે આવું?'
તેણે જરીક પણ આ બાબતે વિચાર ન કર્યો.
આઇશા : 'અરેરે, મને લાગે છે આપણે ડાન્સ કરીએ અને ફ્રેશર્શ પાર્ટીની મજા લઇએ.'
કેમ કરી ના કેહવાય? અલબત્ત, બધાંને છોડી તેણે માત્ર મને ડાન્સ માટે કહ્યું. પરંતુ,
મેં કહ્યું : 'નાં. ડાન્સ અને હું. મને ડાન્સ નહીં આવડતો અને તારી સામે હું મારી છાપ તો ખરાબ નહીં જ કરું.'
આઇશા : 'કેમ ચિંતા કરે છે? તે કપલ ડાન્સ છે. તું થોડીને એકલો હોઈશ! હું છું જ ને તારી સાથે.'
તે મને ખેંચી ગઇ. મારું હૃદય ધડાધડ ધબકી રહ્યું હતું. તેણે એક હાથ મારાં ખભા પર અને એક કમર પર મુક્યો. મારામાં તો કોઈ વિજ-તરંગ ફરી વળ્યું.
તેની ગરમી હું અનુભવી શક્તો હતો. તે એટલી નજીક હતી કે તેનાં શ્વાસ મારાં હોઠ સુધી પહોંચતા હતાં.
તે ત્યારે પણ વાતો કરવાનું છોડતી ન હતી અને મને એનાથી કોઈ મુશ્કેલી ન્હોતી.
અમે પાર્ટીનાં અંત સુધી ડાન્સ કર્યો. પાર્ટી પૂરી થઈ.
આઇશાએ તેનું એક્ટીવા શરૂ કર્યું.
'દેવ, મારે તને કંઇક ખાસ કહેવું છે.' ,આઇશાએ કહ્યું.
હું તેની નજીક ગયો.
***
પ્રેમની પડે કેમથી ખબર?
એતો થાય છે પહેલી નજર.
નિકટતા
પ્રકરણ : ૨.
હું ઊંઘમાં ચીસો પાડી રહ્યો છું. મારાં મોબાઇલનાં એલાર્મથી મારી આંખ ઊઘડી. ગ્રેજ્યુએશન પૂરાં થયાંને ત્રણ વર્ષ પછી પણ તેનાં સ્મરણોનાં મધપૂડામાં હાથ નાખતાં, મધમાખીઓ ડંખ આપી જાય છે.
મેં નોકરીની શોધમાં છાપું ખોલ્યું. તેમાં એક- નહીં બે! જાહેરાત છે, જે મારાં માટે અગત્યની છે. એક નેટવર્ક એન્જિનીયરની જગ્યા , અમદાવાદમાં. અને બીજી, ક્રિએટીવ ડાન્સ કલાસીસ, અમદાવાદમાં.
પછી શું? મેં થેલો લીધો અને પહોંચ્યો અમદાવાદ. માસીના ઘરે.
મેં ઍન્જિનીયરરીંગની ચોપડીઓ ખોલી અને વાંચવા બેઠો. આ વખતે નક્કી કર્યું છે કોઈ પણ મહેનતે ઇન્ટરવ્યૂમાં પાસ થવું.
રાતનાં અઢી વાગ્યાં અને હવે આંખો પર થાક અનુભવાય છે.મેં થેલામાંથી ત્રણ ઊંઘની ગોળીઓ અને ડાયરી કાઢી. જેને હું રોજ સૂતા પહેલાં વાંચું છું.
વાંચતા-વાંચતા ટેબલ પર જ આંખો મીંચાઈ
***
'દેવ, મારે તને કંઇક ખાસ કહેવું છે' , આઇશાએ કહ્યું. હું તેની નજીક ગયો.
'હા, કહે શું છે તે?' ,મેં કહ્યું.
'તને ખબર છે? આપણી કૉલેજમાં એક મહિના પછી ડાન્સ સ્પર્ધા છે અને મને ડાન્સ બહુ ગમે છે. મારે આ સ્પર્ધા જીતવી પણ છે. પરંતુ એક મુશ્કેલી છે!' , આઇશાનાં ખીલખીલાતાં ચહેરા પર ઉદાસી છવાઈ ગઇ.
'હા, પણ એમાં વાંધો શું છે?' , મેં પુછ્યું.
'સ્પર્ધામાં ભાગ લેવાં કોઈ સાથી હોવો જરૂરી છે અને મારી પાસે કોઈ નથી.'
હું તેને શું મદદ કરું? મારે અને ડાન્સને દૂર દૂર સુધી કોઈ સંબંધ ન્હોતો.
'અરે, તું તો છે. હા, નક્કી,પાક્કું. તું જ મારો સાથી.' ,આઇશા અચાનક બોલી. તેની ખુશી ફૂલી સમાતી ન હતી.
હું કાંઇ કહું તે પહેલાં જ તે એક્ટીવા લઇ દૂર નીકળી ગઇ.
***
ના પણ ન પાડી શકાય! મારું મન તો એને ખુશ જોઈને જ રાજી હતું.
અમે ડાન્સ પ્રેક્ટિસ શરૂ કરી. દરરોજ કૉલેજ પછી ડાન્સ હોલમાં ત્રણ કલાક પ્રેક્ટિસ! હું મહેનત કરવામાં જરાય કચાસ છોડવા માંગતો ન હતો. અને ડાન્સમાં હવે વધુ ને વધુ રસ લાગતો હતો.
કોલેજનાં પાંચ અને પ્રેક્ટિસનાં ત્રણ કલાક તેની સાથે વિતાવવાનાં. વળી, બાકીનાં સોળ કલાક એ જ વીતેલી પળોને ફરીને ફરી માણવામાં પસાર કરવાનાં.
કદાચ, આ પ્રેમની જ અસર કહેવાય! દિવસનું ઊગવું એનાથી, આથમવું પણ એનાથી, રાત્રે સપનામાં એ જ, હંમેશા નયનમાં એ જ, વિચારોમાં પણ એ જ, કે એવું લાગે, મારા જ ધબકારે, મારા જ હૃદયમાં કોઈ બીજું અધિકાર બનાવીને જીવતું હોય!
હું દરરોજ તેનાંમાં કંઇક નવું શોધતો અને પછી રાત્રે એ બધું મનમાં તાળું મારી મૂકી દેતો. તેની બધી વાતો, તેની એક-એક હાલ-ચાલ, તેનું હસવું, તેનો ગુસ્સો, તેની ખુશીઓ અને બીજું કેટ-કેટલુંય!
આખરે અમારી ( નહીં ફક્ત આઇશાની!) મહેનત રંગ લાવી. અમે અંતિમ સ્પર્ધા જીત્યાં. આઇશા ખૂબ ખુશ હતી. એ રાત્રે તેની ખુશીના મોજાં ઊંચા ને ઊંચાં ઉછળતાં હતાં, જ્યારે હું કિનારે બેઠો તેમાં છબછબિયાં કરતો હતો.
ઘરે પહોંચ્યા પછી મને થયું, મારે મારી લાગણીઓની જાણ આઇશાને કરી દેવી જોઈએ અને હવે તો તેનો ફોન નંબર પણ હતો.
મેં કંઇજ વધુ વિચાર્યા વિના તેને કોલ કર્યો.
મેં કહ્યું : 'હેલો, આઇશા?'
સામેથી અવાજ આવ્યો : 'હા, કહે શું કામ છે?'
મેં કહ્યું : 'આઇશા, મારે તને કંઇક ખાસ કહેવું છે.'
*****
પ્રેમે હાથ લંબાવ્યો પ્રેમને,
પણ થાય ન હિંમત કેમને?
છતાં કહી દીધું આજે એમને,
હવે તો સમજો મારાં પ્રેમને!
- અભિષેક પરમાર