Chhutkaro in Gujarati Short Stories by Hargovan Prajapati books and stories PDF | છુટકારો

Featured Books
Categories
Share

છુટકારો

છુટકારો

બ્રેક લાગવાને લીધે ટાયરનો તીવ્ર અવાજ થયો, બસ વળાંક લઈ રહી છે. ખભા પર માથું રાખીને સૂઈ રહેલી એની પત્ની સરલા પણ આંચકાને લીધે જાગી ગઈ. એણે સંતુલન સંભાળ્યું અને સરલા સામે જોયું. સરલાએ પણ એની સામે જોયું, એણે ‘કશું નથી’ એમ નકારમાં માથું હલાવ્યું. સરલાએ ધીમું હસીને ફરીથી એના ખભા પર માથું રાખીને આંખો બંધ કરી લીધી.

એણે બસમાં નજર ફેરવી. ઝાઝાં મુસાફરો નહોતાં. આશુ અને દિવ્યા–એનાં દીકરો-દીકરી ડ્રાઈવરની કેબિનની બાજુની સીટ પર જઈને બેસી ગયાં છે, કંડક્ટર આંખો બંધ કરીને માથે હાથરૂમાલ બાંધીને બેઠો છે. મુસાફરોમાં એક–બે ચહેરા એને પરિચિત લાગ્યા, જો કે એમનાં નામ યાદ ન આવ્યાં. બીજાં મુસાફરો કદાચ આગળના ગામનાં હશે ! પોતાના ગામનાં હોય તોયે એ ઓળખતો નથી.

પોતાનું ગામ........

બસ હવે દોઢ–બે કિલોમીટર જેટલું જ દૂર છે. ગામ જવા માટે દિવસની આ છેલ્લી બસ છે. લગભગ દરેક ગામડામાં સાંજે આવી સાંજની એક બસની વ્યવસ્થા તો હોય જ છે જેથી મોડાં મોડાં પણ બધાં સાંજ પડ્યે ઘેર પહોંચી શકે. વરસો પછી એ પોતાના ગામે જઈ રહ્યો છે. એણે બારીમાંથી બહાર નજર કરી, દૂર દૂર ખુલ્લી સીમ સુધી. કાંઈક શોધતો હોય એ રીતે. એનો ભૂતકાળ એની નજર સામે તરવરી રહ્યો. પોતે આ સીમમાં કેટલું બધું રખડ્યો છે ! બાળપણ અને એની કિશોરાવસ્થા અહીં વીત્યાં છે. ગાડામાં બેસીને બાપુજી સાથે એ આ ખેતરોમાં આવતો, નાનો હતો ત્યારે. નિશાળના ગોઠિયાઓ સાથે આ સીમમાં રખડીને ખાટાં-મીઠાં બોર ખાધાં હતાં. ઘરેથી અને નિશાળેથી છાનામાના ભાગી જઈને ચણાનો ઓળો, સાંઠા અને મગની શીંગો ખાધી હતી. એ બધું જાણે થોડા વખત પહેલાંનું જ હોય એમ એને લાગ્યું.

મન થોડું પ્રફુલ્લિત થયું. એને લાગ્યું કે વારંવાર અહીં આવવું જોઈએ.

શરૂઆતમાં તો અવારનવાર આવવાનું થતું. પણ પછી બા-બાપુજીનો ઓછી ઉંમરે જ સ્વર્ગવાસ થયો, મકાન-ખેતર વેચી નાખ્યાં, શહેરમાં ફ્લેટ લઈ લીધો અને ત્યાં જ સેટલ થઈ ગયો. પછી ધીમેધીમે ગામડે આવવાનો સમયગાળો વધવા લાગ્યો. અને હવે તો ગામડાના સમાચાર પણ ઘણા સમયથી બંધ થઈ ગયા હતા.

આટલાં વરસો સુધી ન આવવા બદલ થોડો પસ્તાવો થયો અને જો કુળદેવીની વિધિ ન હોત તો અત્યારે પણ કદાચ આવવાનું ન થયું હોત. જો કે મગનકાકાએ તો એને કહી જ રાખ્યું હતું કે એમનું ઘર એ એનું જ ઘર છે એમ માનવું અને એણે અવારનવાર આવતા રહેવું. પણ એનાથી એમ અવારનવાર આવી શકાયું નહોતું. મગનકાકાનો અપાર સ્નેહ અને આગ્રહ હતો છતાં પણ આવી શકાયું નહોતું. આવવાનું તો દૂર રહ્યું પણ વરસોથી મગનકાકાને પત્ર પણ લખી શકાયો નહોતો. મગનકાકા અત્યારે શું કરતા હશે એવો એને પ્રશ્ન થયો.

હવે તો મગનકાકાની ઉંમર દેખાતી હશે. ગામડાનાં હવાપાણી અને ખોરાકને લીધે તબિયત તો સારી જ હશે. એને આવેલો જોઈને ખુશ થશે. એને થયું આવતાં પહેલાં મગનકાકાને એક પત્ર લખી નાંખવો જોઈતો હતો, પણ એય લખી શકાયો નહોતો. મગનકાકા બે–ત્રણ વખત શહેરમાં એના ઘેર પણ આવી ગયા હતા. મગનકાકા જ્યારે એના ઘેર આવતા ત્યારે કોઈ અગમ્ય ચેતનાથી એનું મન પ્રફુલ્લિત થઈ જતું, પણ પછી શહેરની રૂટિન જિંદગીમાં એ ચેતના ક્યાંક ખોવાઈ જતી હતી. આજે ફરીથી એ ચેતના એના મનમાં સ્ફૂરી રહી છે !

‘પપ્પા !’

પાછળથી અવાજ સંભળાયો. એણે પાછળ જોયું. આશુ અને દિવ્યા આવીને એની પાછળની સીટ પર ગોઠવાઈ ગયાં હતાં. ‘શું વિચારમાં ડૂબી ગયા હતા ?’ સરલાએ પુછ્યું. એ પણ જાગી ગઈ હતી. ‘મગનકાકા શું કરતા હશે ?’ સરલાના પ્રશ્નના ઉત્તરમાં એણે પ્રતિપ્રશ્ન કર્યો. સરલાએ ખભા ઉલાળ્યા.

બસ ગામના ગોંદરે પહોંચી ગઈ હતી. આશુ અને દિવ્યા પુસ્તકોમાં વાંચેલી અને ક્યારેક સાંભળેલી ગામડા વિશેની વાતો કરતાં હતાં. બે–ત્રણ દિવસનું ગામડાનું આ રોકાણ એમના માટે તો કુતૂહલરૂપ હતું અને સરલા માટે કંટાળાભરી એક મોટી જવાબદારી હતી. ગામડે આવવું સરલાને ગમતું નહિ એટલે આ બધું જલદી પૂરું થાય એવું સરલા ઈચ્છતી હશે. ખરેખર એમ ન હોવું જોઈએ, પણ એમ જ છે એ પણ એક હકીકત છે.

એનું મન થોડું ખિન્ન થઈ ગયું. એણે સરલા સામે જોયું, સરલા એની સામે જોઈ રહી હતી. ‘મગનકાકા જો રઘુની નોકરીનું પૂછશે તો શું કહેશો ?’ સરલાનો તીવ્ર ધારદાર પ્રશ્ન એના ચહેરા પર અને પછી મગજમાં અથડાયો. સરલાની આંખોમાં આવેલી અકળામણ જોઈ શકાતી હતી. ‘શું કહીશું ?’ અગાઉની જેમ જ એનો પ્રતિપ્રશ્ન. અનુત્તર પ્રશ્નોનો ભાર વર્તાઈ રહ્યો. એને લાગ્યું કે પ્રશ્નોનો જવાબ હોવો જોઈએ. એટલે થોડીવાર રહીને ‘સરલા, હવે તો રઘુ અહી બરાબર ગોઠવાઈ ગયો હશે એટલે કોઈ પ્રશ્ન જ ઊભો નહીં થાય !’ એણે કહ્યું અને પછી ઉમેર્યું, ‘છતાંય પૂછશે તો કાંઈપણ જવાબ આપી દઈશ.’ છેલ્લા શબ્દો એણે લગભગ સ્વગત જ કહ્યા.

આંચકા સાથે બસ ઊભી રહી, એણે બારીમાંથી બહાર નજર કરી. બસસ્ટેન્ડ ઉપર થોડા લોકો દેખાતા હતા. બસમાં મુસાફરો પોતાની પછેડી, લાકડી, થેલી વિ. સમાન લઈને નીચે ઉતરી રહ્યા હતા. એ પણ ઊભો થયો, સરલાએ બેગ લીધી અને બંને નીચે ઊતર્યાં. બાળકો તો સૌથી પહેલાં ઊતરી ગયાં હતાં.

ગામના આ છેડે બસસ્ટેન્ડ અને છેક બીજા છેડે મગનકાકાનું ઘર હતું. બધાંએ ચાલવા માંડ્યુ. સાંજ પડી ગઈ છે. મગનકાકાના ઘેર પહોંચતાં સુધી અંધારું એનું સામ્રાજ્ય વિસ્તારી દેશે. આ છેલ્લી બસ આવી ગયા પછી જાણે ગામનો ‘દિવસ’ પૂરો થઈ ગયો છે ! બધા જ ઘરભણી જઈ રહ્યા છે. રેંકડી અને કેબિન બંધ થઈ રહી છે. બે –ત્રણ છોકરા કુતૂહલથી જોતા જોતા પાછળ આવી રહ્યા છે. એક કાકાએ તો પૂછી પણ લીધું કે, ‘કેમ છો, ભાઈ ! ઘણાં વરસો પછી આવ્યો.’ આશુ અને દિવ્યા ઉત્સાહભેર બધું આશ્ચર્યથી જોતાં જોતાં આગળ જઈ રહ્યાં છે.

એણે જોયું કે ઘણાં ગામડાંની જેમ એનું ગામ પણ આર્થિક રીતે તૂટી ગયું છે. કદાચ કામ-ધંધાના અભાવે એમ બન્યું હોય. એકલી સૂકી ખેતી ઉપર માણસ કેટલું નભી શકે ? રઘુનો પ્રશ્ન ફરી એની સામે નાગની ફેણની જેમ ખડો થયો. એને થયું, ખરેખર રઘુ માટે એણે કાંઈક કરવું જોઈતું હતું. ઘરેથી નીકળતી વખતે સરલા પણ એમ જ કહેતી હતી. જ્યારથી ગામડે આવવાનું નક્કી થયું ત્યારથી આ પ્રશ્ન એનો કેડો નથી મૂકતો.

રઘુ આમ તો મેટ્રિક સુધી ભણ્યો હતો. શહેરમાં મિલ કે કારખાનામાં રઘુ ગોઠવાઈ જાય તો દીકરાની જિંદગી સુધરી જાય એવી મગનકાકાની ઈચ્છા હતી, પણ એવું કાંઈ થઈ શક્યું નહોતું. મગનકાકાની લખાવેલી ટપાલ આવતી એમાં મગનકાકા રઘુની નોકરીની ભલામણ અચૂક લખાવતા, પણ કાંઈ થઈ શક્યું નહીં. પછી તો મગનકાકાએ પણ ભલામણ કરવાનું છોડી દીધું હતું. રઘુની નોકરીનું એક નાનુંસરખું કામ એનાથી થઈ શક્યું નથી તેની કાંટો ખૂંચ્યા જેવી વેદના એના હ્રદયમાં થઈ આવી.

‘તમે આમ કયા વિચારોમાં સૂનમૂન થઈ ગયા છો ?’ સરલાએ લગભગ ઢંઢોળી નાખતી હોય એમ સવાલ પૂછ્યો. જવાબ આપવાના બદલે એણે સરલા સામે જોયા કર્યુ. સરલાએ ઉમેર્યુ : ‘આ પેલા ગયા એ કાકાએ તમને – ‘કેમ છો, ભાઈ !’ – એમ પુછ્યું એનો તમે કાંઈ જવાબ પણ ન આપ્યો !’ એણે પાછળ ફરીને જોયું, કાકા જઈ રહયા હતા. ‘કોણ હશે ?’ એવો સવાલ થયો. પછી તરત થયું કે એ ભલે બધાંને ઓળખતો ન હોય પણ એને ઘણા ઓળખાતા હોય ! એટલે સમાચાર પૂછે અને આમ પણ ગામડામાં મહેમાનોને આ રીતે સમાચાર પૂછતાં લોકો સહેજ પણ અચકાતા નથી, બલકે એમાં એ લોકોની હ્રદયપૂર્વકની લાગણી જ કારણભૂત હોય છે.

એણે પ્રત્યુત્તર આપવો જોઈતો હતો, પણ રઘુના વિચારોના કારણે એ પ્રત્યુત્તર ન આપી શક્યો. ‘હું રઘુની નોકરીના વિચારોમાં હતો !’ એણે સરલાને કહ્યું, કહેવાઈ ગયું. ‘તો પછી ત્યારે જ રઘુની નોકરીનું કાંઈક કરવું હતું ને ! બે–ચાર મહિના આપણા ઘેર એને રાખવો પડ્યો હોત એ જ કે બીજું કાંઈ ? અને મગનકાકા એમ કાંઈ ગુણ ભૂલી ન જાત !’ સરલાએ જાણે એક મોટો વજનદાર પથ્થર ખૂબ ઊંચેથી ફેંક્યો. એ અવાજથી એના રૂંવાડે રૂંવાડે જાણે કંપારી છૂટવા માંડી... ‘તો શું માત્ર એટલા ખાતર જ રઘુને ત્યારે.....’

આગળ વિચાર કરતાં એ પગથી માથા સુધી ધ્રુજી ગયો.

સરલાને શું કહેવું તે સૂઝતું નથી. બે ક્ષણ એમ જ વીતી, તે પણ બે ક્લાક જેવી લાગી. ગળે પાણીનો શોષ પડ્યો. એક ઊંડો શ્વાસ લઈને એણે ગળા નીચે થૂંક ઉતાર્યુ.

‘જો હવે રઘુ અને મગનકાકાની એવી ઈચ્છા હશે તો આપણે તેને ગમે ત્યાં ગોઠવી દઈશું !’ માંડ માંડ એનો અવાજ નીકળ્યો. પછી આમાંથી છુટકારો મેળવવાના હેતુથી નક્કી કરીને સરલાને કહી જ નાંખ્યું : ‘અને એવું હશે તો આ વખતે જ આપણે રઘુને સાથે લેતા જઈશું.’ આવું નક્કી કર્યા પછી એના મનને ઘણું સારું લાગ્યું. એણે ઊભા રહીને પાછળ પડી ગયેલાં આશુ – દિવ્યાનો સંગાથ કર્યો અને તેમની સાથે વાતોએ વળગ્યો. ધીમે ધીમે બેચેની દૂર થવા લાગી.

મગનકાકાની ખડકીમાં એ પ્રવેશ્યો ત્યારે મંદિરમાં સંધ્યાઆરતી શરૂ થઈ ગઈ હતી. આંગણમાં મૂકેલું ફાનસ વધતા જતા અંધારાને રોકવાનો પ્રયાસ કરી રહ્યું હતું. એણે જોયું, ગામમાં ઘણાં ઘરોમાં વીજળી આવી ગઈ છે પણ મગનકાકાના ઘરમાં હજી ફાનસ જ છે.

‘કોણ છે, બેટા ?’

દૂરથી મગનકાકાનો અવાજ આવ્યો. એ જ ચિરપરિચિત. એનું હ્રદય ઉલ્લાસથી ઉછળી ગયું. મગનકાકાએ આશુ-દિવ્યાને વહાલ કર્યું અને પછી પોતાને પણ ‘આવ્યો ભાઈ !’ કહીને આંગણામાં ખાટલો ઢાળી આપ્યો. વળી ‘મહેમાનને પાણી આપજો’ એમ કોઈ જ સંબોધન વગર લાંબા સાદે બૂમ પાડી, પણ પછી તુલસીક્યારાની બાજુમાં રાખેલા માટલામાંથી એમણે જ પાણીનો લોટો ભરીને એને આપ્યો. સરલાને પણ ‘કેમ છો, વહુ બેટા ! મજામાં ને ?’ એમ કહીને સમાચાર પૂછી લીધા. એના ખાટલા પાસે મગનકાકાએ બીજો પણ એક ખાટલો ઢાળ્યો. એણે પાણી પીને લોટો સરલાને આપ્યો. સરલાએ પણ માટલામાંથી ભરીને પાણી પીધું.

બીજા વડીલ-કાકા આવીને ‘કેમ છો ભાઈ ?’ કહેતા ઢાળેલા બીજા ખાટલા પર બેઠા. મગનકાકાએ એમને પણ પાણી આપ્યું. ઘરમાંથી ઘરમાંથી ઘૂમટો તાણીને ‘વહુ’ પાણીનો લોટો લઈને આવતાં હતાં. રઘુની વહુ જ હશે, એણે અનુમાન કર્યું. પાણી અપાઈ ગયું એ જોઈને ઉંબરેથી જ તે પાછાં વળી ગયાં પણ સાડ્લાનો છેડો પકડીને પાછળ આવતો બાબો ધીમે ધીમે આંગણામાં આવ્યો. નજીક આવતાં તેને વહાલથી એણે પોતાની પાસે લઈ લીધો. ‘રઘુનો દીકરો છે, રમેશ નામ પાડ્યું છે !’ મગનકાકાએ ઓળખાણ આપી. સરલાએ પણ આશુ-દિવ્યાનો નામ આપી પરિચય કરાવ્યો, ધીમા અવાજે. સરલાનો અવાજ એકદમ બદલાઈ ગયો હોય તેવો લાગ્યો. સરલા ‘વહુ’ હોવા છતાં અહીં લાજ નહોતી કાઢતી, એટલે મર્યાદા જાળવવાના હેતુથી કદાચ એ આટલા ધીમા અવાજે બોલી હશે. વળી મગનકાકાએ ‘પહેલાં થોડી ચા મૂકો, પછી જમવાનું બનાવો, બેટા !’ એવું ઊંચા સાદે કહ્યું. મગનકાકા કોઈને સંબોધન વગર જ બોલતા હતા, પણ તેઓ રઘુની વહુને જ સંબોધતા હોય એ સમજી શકાતું હતું.

પછી સરલા ઘરમાં ગઈ અને પુરુષવર્ગ વાતોએ વળગ્યો. બીજો એક યુવાન છોકરો આવીને ખાટલા પર બેસી ગયો છે. આડીઅવળી વાતો ચાલે છે. એણે જોયું, મગનકાકાના ચહેરા ઉપર ઉંમરની અસર વર્તાતી હતી. તે અંગે પૂછેલા પ્રશ્નનો ‘વખત વખતનું કામ કરે છે !’ એમ મગનકાકાએ જવાબ આપ્યો.

ગામડાની આર્થિક રીતે આટલી બધી બિનસલામતીભરી જિંદગીમાં પણ ટકી રહેતા ‘મગનકાકાઓ’ વિષે એને માન થઈ ગયું.

પોતાના સગા દીકરાની જેમ એને એકેએક બાબતના સમાચાર પૂછતા મગનકાકા માટે કાંઈક કરી છૂટવાનો મનોમન એણે નિર્ણય કર્યો. એ નિર્ણયના કારણે એનું મન અજબ રીતે શાંત થઈ ગયું. એને એક પ્રકારનો જુસ્સો આવ્યો, ‘કોઈપણ ભોગે કાંઈક કરવું જ જોઈએ !’

એટલામાં એક હાથમાં લોટો અને બીજા હાથમાં ચા માટેની રકાબીઓ લઈને સરલા આવતી હતી. પેલા આવીને બેસેલ યુવાને ચાનો ભરેલો લોટો અને રકાબીઓ સરલાના હાથમાંથી લઈ લીધાં અને કાળજીથી પહેલાં એને અને પછી બધાંને રકાબીમાં ચા આપી. સરલા પણ આવીને બેઠી.

ચા પીવાઈ ગયા પછી સરલાએ આશુ પાસે બેગ મંગાવી અને રઘુના બાબાને પાસે બોલાવી બેગમાંથી શાલ કાઢી આપતાં કહ્યું, ‘દાદાને આપ !’ અને પછી ધીમા અવાજે કહયુ, ‘તમારા માટે લીધી છે !’ થોડી ચમક મગનકાકાના ચહેરા પર આવી અને તરત અદ્રશ્ય થઈ ગઈ. અને પછી ‘શું કામ આવા ખોટા ખર્ચા કરો છો, બેટા !’ કહીને મગનકાકાએ એમનો સ્વભાવ શબ્દોમાં પ્રગટ કર્યો એમની આંખમાં આંસુ આવી ગયાં.

વાતાવરણ એકદમ લાગણીશીલ બની ગયું. જાણે એનું પોતાનું જ ઘર હતું એવું એ અનુભવી રહ્યો.

થોડીવાર મૌન છવાઈ રહ્યું. કદાચ બધાં એ ક્ષણોને પકડી રાખવા મથી રહ્યાં હતાં.

પછી થોડીવારે મદારી જેમ છાબડીમાંથી નાગ કાઢે તે રીતે ધીમેથી, દબાયેલા અવાજે એણે રમેશને પુછ્યું, ‘રમેશ બેટા, તારા પપ્પા ક્યાં છે ? બહાર ગયાં હોય તો બોલાવી લાવ. એમને કહેજે કે મહેમાન આવ્યા છે !’

રમેશ કાંઈ સમજ્યા વગર બાઘાની જેમ જોઈ રહ્યો છે. એણે તેને પાસે બોલાવ્યો.

‘ખીંટી પર ટીંગાડું છું !’ કહીને મગનકાકા આંગણામાં મૂકેલું ફાનસ લઈને ઊભા થયા. ફાનસ થોડું દૂર જવાથી આંગણામાં થોડું અંધારું લાગવા માંડ્યુ. એ જોઈને જ હશે, પણ મગનકાકાએ ફાનસની વાટ થોડી મોટી કરી, પણ એથી કાંઈ બહુ ફેર પડ્યો નહીં. ફાનસ ટિંગાડીને મગનકાકા કાંઈક કામમાં પરોવાયા.

એણે પાસે આવેલા રમેશને ખોળામાં બેસાડીને રઘુ ક્યાં ગયો છે એ પુછ્યું અને બોલાવી લાવવા માટે ફરીથી કહ્યું.

‘ફાનસનો ગોળો કાળો થઈ જશે, વાટ ઓછી કરો !’ એમ પેલા બીજા કાકા કહી રહ્યા હતા. એ વાતે એનીય નજર ફાનસની વાટ તરફ ગઈ. રઘુની વહુ ઘરમાંથી બહાર આવીને એક હાથે ફાનસ પકડી બીજા હાથે વાટ ધીમી કરી રહયાં હતાં. રઘુની વહુના એ બંગડી વગરના બંને હાથ પર એની નજર ગઈ અને ત્યાં જ થીજી ગઈ.

અને વાટ ધીમી થતાં જ અંધારાનો પ્રભાવ પુન: વધી ગયો.

*****