Shakh in Gujarati Short Stories by Jignasha Solanki books and stories PDF | શાખ

Featured Books
Categories
Share

શાખ

શાખ

એ પહેલીવાર જયારે અમારા ઘરે આવી. ફાટેલા કપડામાં અડધું શરીર ઉઘાડું દેખાતું, કપડા મેલા ને શરીર પણ, વાળ વિખરાયેલા, ગંદા, ગોબરા. પગનાં નસીબમાં ચપ્પલ પણ ક્યાંથી? ગામડેથી દીકરીને શહેરમાં કામ માટે મૂકવા આવેલો ગરીબડો બાપ પણ એના જેવો જ. દૂરથી વછૂટતી દૂર્ગંધથી આખો રૂમ ભરાઈ ગયેલો.ચોખ્ખાઈ પ્રત્યે એમની આળસ અને અજ્ઞાનતા બંને હશે એવું મને લાગ્યું. હું ત્યારે તેર વર્ષની અને દીદી અઢાર વર્ષની.એ પણ લગભગ દીદી જેટલી જ દેખાતી પરંતુ ઉંમરમાં નાની હોય એવું લાગતું.

બાપા અને પપ્પા ફેકટરીએ ગયા હતા. મોટીબા અને મમ્મી બીમાર દાદીની સેવામાં અને ઘરના કામમાં વ્યસ્ત હતા. બંને બાપ-દીકરી બેઠક ખંડમાં એમનામાંથી કોઈકના આવવાની રાહ જોઈ ખૂણામાં લપાઈને બેઠા હતા.

દાદાએ બાંધેલી વિશાળ અને આલીશાન હવેલીએ અમને શહેરમાં ગર્ભશ્રીમંતની ઓળખાણ અપાવેલી. એમણે કમાયેલી પ્રતિષ્ઠા અને માનનું વ્યાજ બાપા અને પપ્પાને હજુ પણ મળતું. સમાજના અગ્રણી તરીકે હજુ પણ ગરીબ, કચડાયેલા લોકોના પ્રશ્નો ઉકેલતા. ખાસ કરીને બાપા. પપ્પા મોટે ભાગે ફેકટરીના કામમાં વ્યસ્ત રહેતા.એ મુઠ્ઠીભર લોકો બાપાને તેઓના એક જવાબદાર મદદનીશ હોવાનો, તટસ્થ ન્યાયાધીશ હોવાનો અહેસાસ અપાવતા. એ લોકો પોતાની ફરિયાદ લઈને આવતા અને બાપા પોતાની વગ વાપરીને તેનો નિકાલ લાવતા. કોઈકને ઈલાજ માટે, તો કોઈકને અભ્યાસ માટે આર્થિક મદદની જરૂર હોય તો બાપા એમના તારણહાર.અભણ અને અબુધ લોકોને કાનૂની દાવપેચની શી ગતાગમ? વળી તેઓ એમના લડાઈ-ઝગડાના ઉકેલ માટે કેસ લડવાના નાંણા પણ ક્યાંથી લાવે? બાપા જે ન્યાય કરે તે એમને મંજુર. એમની બધી મુશ્કેલીઓનો ઉકેલ બાપા પાસે. એમના પ્રભાવથી અમારો સમગ્ર સમાજ પ્રભાવિત અને હું પણ. પરંતુ પપ્પાને આ બહુ ગમતું નહિ એવું મને લાગતું. તેઓ બાપાને કહેતા, “હવે અંગ્રેજો ગયાને બધું(રાજપાટ) ગયું. આ ગરીબો હવે એટલા મજબૂર પણ નથી. સરકાર દર બીજે દિવસે કોઈને કોઈ નવી યોજનાઓ લાવે છે એમના કલ્યાણ માટે. હવે જે બચ્યું છે એને જ આપણે સાચવીએ એ બસ છે મોટાભાઈ”. બાપા શાંતિથી બધું જ સાંભળતા પરંતુ કરતા એમના મનનું.

ત્યારે મને બત્રીસપૂતરીની વારતા, વિક્રમ-વેતાળની વારતા વાંચવાનો ઘણો શોખ. વારતાના દરેક પાત્રો પુસ્તકમાંથી નીકળી જાણે મારા માનસપટલ પર છવાયેલા રહે. તેમા સૌથી પ્રિય પાત્ર રાજા વિક્રમનું. આલીશાન સિંહાસન પર બિરાજમાન રાજા વિક્રમાદિત્ય એમના તટસ્થ ન્યાય માટે ચારે દિશામાં મશહૂર મુનસફ. આહા! કેવા અદભૂત! પડછંદ કાયા, કાળા ઘુન્ઘરાળા વાળ, તેજ-તર્રાર આંખો. એકવાર જોનાર એમના તેજથી અંજાયા વિના ન રહે. બાપાને જયારે જયારે જોઉં ત્યારે ત્યારે રાજા વિક્રમાદિત્યને જોતી હોઉં એવો આભાસ થતો. એજ કાયા, એજ વાળ,અને એજ આંખો.

બંને હાથની આંગળીઓમાં સોનાની હીરાજડિત વીંટીઓ અને ગળામાં રુદ્રાક્ષની સોનાની કંઠી તેઓ અચૂક પહેરતા. ફેકટરીએ જવા માટે એક ખાસ ક્રીમ કલરનું અચકન અને મોજડી બનાવડાવેલા એજ પહેરે. જયારે પપ્પાને એવો કોઈ શોખ નહિ.

હવેલીની ઊંચી સીલીંગ અને મોટા રૂમને લીધે બાપાનો અવાજ પડઘાતો સંભળાતો, એ પડઘાનો અવાજ સાંભળી હું અમારા એટલે કે મારા અને દીદીના રૂમમાંથી દોડીને જલ્દી બહાર આવી જતી અને ઉપરથી બેઠક ખંડમાં જતી સીડી પાસેના કઠેરા પર બેસી, સ્ટીલના સળિયાને બંને હાથો વડે પકડી, વચ્ચે માથું રાખી નીચે બેઠકખંડમાં ભરાતા દરબારમાં હું બાપાને નખશિખ નિહારતી. દિવસ દરમિયાનનો મારો એ શ્રેષ્ઠ ગાળો કહો કે મનગમતું કામ કહો, જેની હું આતુરતાપૂર્વક રાહ જોતી હોઉં. મારા સ્કૂલથી આવવાનો અને બાપાનો ફેકટરીએથી આવવાનો સમય લગભગ સરખો, એ સમયે લોકો પોતપોતાની સમસ્યા લઈને એમની રાહ જોતા જ હોય.

હું બાપાની દરેક વર્તણૂકની બારીકાઈથી નોંધ લેતી. સિંહાકૃતિની કોતરણીવાળા સોફાની બરાબર વચ્ચે તેઓ બેસતા. ફર્શ પર મોટી લાલ રંગની કારપેટ પાથરેલી રહેતી, ચારે દીવાલો પર પેઈન્ટીગ્સ અને સીલીંગ પર ક્રિસ્ટલનું ભવ્ય ઝુમર. મોટા ગોળ તકિયા પર એક હાથ અને બીજો હાથ મુઠ્ઠીવાળીને સાથળ પર રાખી લોકોની તકલીફ દૂર કરતા બાપા મારા માટે રાજા વિક્રમાદિત્ય જ. આજે એ બાપ પણ એ જ આશાએ આવ્યો હશે કે મારી દીકરીને આ દયાળુઓના ઘરમાં આશરો મળી જાય તો એનો ભવ સુધરી જાય.

એ કશું જ બોલતી ન હતી, બસ નીચું જોઈ રહી. બાપ બંને હાથ જોડતા બોલ્યો. “આપણેતા કામ હારું લાયવો.સાયેબ, માં વગરની છે, એટલે ઘેરમાં હો એના ભાઈ- બેનનું એ જ કરતી બધું. અઈ હો એ બધું કામ હિખી જહે.”

બાપાએ “હમમ” કહીને માથું હલાવ્યું.

“આજે બપોરની વળતી ગાડીએ મારે પાછું જવું પડહે સાયેબ.પોયરા ઘેર એકલાને.”

બાપાએ કેટલીક સો-સો ની નોટો એને હાથમાં આપી અને રવાના કર્યો. એ અમારે ત્યાં રહેવા લાગી.

નાનપણથી જ મને પુસ્તકો વાંચવાનો ગાંડો શોખ, તો દીદીને સાજ-શણગારનો, ઘરેણાનો ખૂબ શોખ.રોજ રોજ નવી-નવી ડીઝાઇનના સુટ અને એના મેચિંગ સોનાના, અને હીરાજડિત ઘરેણા પહેરીને જ કોલેજ જાય.બનીઠનીને અરીસા સામે કલાકો સુધી પોતાની જાતને આગળથી, પાછળથી ફરી-ફરીને જોશે. શું સારું લાગે અને શું નહિ એ વારંવાર મને પૂછે. હું કંટાળીને કહેતી,

“ઓહો દીદી! તું તો કંઈ ન પહેરે તો પણ બ્યુટીફુલ જ લાગે છે. શા માટે આટલી કન્ફ્યુસ થાય છે? તું કોલેજ જ જાય છે ને?” તારા લગ્ન વખતે હું બધા સજેસન્સ આપીશ ઓકે! હમણાં તું જા હવે મોડું થઇ ગયું છે.”

તો દીદી કહેતી,

“લગ્ન વખતે તું મને સજેસન આપશે? પણ એની જરૂર ના પડે. કેમકે એ તો મેં એકદમ પરફેક્ટ પ્લાન કર્યું છે. કઈ વિધિમાં શું પહેરવું? કેવી ડીઝાઇન હશે? બધું જ. અને ઘરેણાંતો બધા યુનિક અને રજવાડી સ્ટાઇલના જ.”

“દીદી તું પણ યુનિક જ છે. ગાંડી છે તું ઘરેણાં માટે. એક આખુ જ્વેલરી બોક્ષ ભર્યું છે. શું કરશે આટલા બધા ઘરેણાંનું?”

ત્યારે દીદી કહેતી,

“હમણાં હું રાજકુમારીની જેમ રહું છું, તો લગ્ન પછી રાણી બનીને રહીશ!”

ત્યાં પણ પપ્પાની શાખ અને ઠાઠ બંને જાળવવું પડે ને!”

દીદીને બાપા જેવો જ પહેરવા-ઓઢવાનો શોખ. ઘરેણાં પહેરવાના એના અતિશોખને એ બાપાની શાખ સાચવતી હોય એમ માનતી. ઘરેણાં પહેર્યા વગરનો એનો કોઈ દિવસ ઊગતો નહિ.

રાત્રે કાઢીને રાખેલ કોઈ ઘરેણું જો સવારે જલ્દી ન મળે તો આખું ઘર માથે લઇ લે. જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી એને ચેન ન પડે.

હું દીદીને કહેતી, “તને ઘરેણા સાથે એવો તો શું લગાવ છે? આને ગાંડપણ કહેવાય, ઘેલછા કહેવાય. આટલો મોહ સારો ન કહેવાય.”

“શું કહ્યું ?

ગાંડપણ અને ઘેલછા તો તું કરે એને કહેવાય. ન કોઈ સાજ ન શણગાર. આખો દિવસ આ કાગળના થોથામાં મોઢું નાંખીને ખબર નહિ શું કરે!” મોઢું બગાડતા દીદી બોલી.

“ઘરની બહાર પગ મૂકુને તો એકેય વ્યક્તિની નજર મારા પર ન પડે એવું આજ સુધી બન્યું નથી.” આંખો અને ભમરો ઉંચી કરતા દીદીએ ઠસ્સો બતાવી કહ્યું.

મારી પાસે એની કોઈ વાતનો જવાબ ન હતો. કેમકે દીદીનો રૂઆબ જ એવો હતો કે કોઈ એને નજરઅંદાજ કરી જ શકે. ત્યાં જ દીદીએ ગંભીરતાથી કહ્યું,

“સાચું કહું તો આ મારો પપ્પા માટેનો લગાવ છે.” હવે એનો અવાજ સાવ ધીમો થઇ રહ્યો હતો.

“મને ગમે છે પપ્પાના બધા શોખ. હું પણ એમની જેમ જ રુઆબથી જીવવા માંગું છું. નાનપણથી જ પપ્પાને કાયમ વ્યસ્ત જોયા છે. લોકોના પ્રશ્નો ઉકેલતા ઉકેલતા પપ્પા એ ભૂલી જ ગયા છે કે એમને એક પત્ની અને દીકરી પણ છે. બધા સગાસંબંધીઓ મમ્મીને કહે કે “નસીબદાર છે તું જો આવા પ્રભાવશાળી વ્યક્તિની પત્ની છે.”

પરંતુ એ વાતની ખુશી મમ્મીને હોય એવું મને ક્યારેય નથી લાગ્યું.”

માહોલ ભારે થઇ રહ્યો હતો. થોડા નિરાશ સ્વરે દીદી એ આગળ કહ્યું, હું એ ઘડીની રાહ જોઉં છું કે એક દિવસ પપ્પા નિરાંતે મળે અને મને વહાલ કરે. મને એમનાથી જેટલી નારાજગી છે એટલું જ એમના માટે માન પણ છે.” કહેતા દીદીના આંખમાં આંસુ આવી ગયા.

દીદીએ એને વ્યવસ્થિત રહેતા શીખવી દીધું.એ હવે હવેલીમાં રહેતા અન્ય સભ્યો જેવી બની ગઈ.એનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠ્યું, જાણે પેલી બત્રીસપૂતરીમાની જ કોઈ એક હોય. એવા જ અંગમરોડ. મેલો વાન ઉઘડી ગોરો થઇ રહ્યો હતો, ગંદા, ગોબરા વાળ રેશમી,સુંવાળા બની ગયા. કામમાં પણ એટલી જ ચપળ. મમ્મી અને કાકીને એની એવી આદત આદત પડી ગઈ કે મને અને દીદીને જો કોઈ કામ માટે તેઓ બોલાવે તો ભૂલમાં પહેલા એના નામનો ટહુંકો કરે. આવું તો હવે રોજનું થઇ ગયું. અમારા રૂમની સામે વરંડામાં ફર્શ પર ગાદલું પાથરી એ સૂતી.

એ રાત રોજ કરતા વધારે અંધારી હતી. બહારથી તમરાનો અવાજ આવતો તો ક્યારેક કૂતરાના ભસવાનો અવાજ આવતો. રાત ની નિરવ શાંતિમાં એ અવાજ ભયાનક લાગતો. કેમેય કરીને મને ઊંઘ આવતી નહોતી. મારા ડરથી બચવા મેં પગથી માથા સુધીની રજાઈ ઓઢી લીધી. ત્યાં જ અચાનક દીદીનો ગભરાયેલો અવાજ આવ્યો. “કોણ છે?” મેં મોં પરથી રજાઈ સહેજ હટાવીને એક આંખથી જોયું તો અંધારામાં વરંડામાં એક આકાર ઊભો થઇ, ઝડપભેર અદ્રશ્ય થઇ ગયો.દીદી પથારીમાં બેઠી થઇ ગઈ. હવે મને વધુ ડર લાગી રહ્યો હતો. પરંતુ એ તો હજુ પણ ઊંઘતી જ હતી.

મેં રડમશ અવાજે દીદીને પૂછ્યું, “દીદી શું થયું? એ કોણ હતું?”

“તું...તું....સૂઈ જા. કોઈ નથી. એ તો બહાર પ્રકાશમાં કોઈ આવતું-જતું હશે તેનો પડછાયો હશે”, કહી દીદી સૂઈ ગઈ. હું પણ એમની વાત માની સૂઈ ગઈ.

બીજા દિવસે સવારે હું ઉઠી તો “એ” પથારીમાં સૂતા સૂતા જ રડી રહી હતી. મમ્મી એને પૂછી રહી હતી કે શું થયું? તબિયત ખરાબ છે? કશું થાય છે તને? પરંતુ એ કોઈ પ્રશ્નનો ઉત્તર આપતી નહોતી અને સતત રડી જ રહી હતી. મમ્મી એ ફરી પૂછ્યું, તારા માં-બાપ યાદ આવે છે? ઘરની યાદ આવે છે? પરંતુ એ કઈ સાંભળતી જ ન હોય એમ બસ આંસુ સારતી રહી. અને આવું તો ત્યાર બાદ એ થોડા થોડા દિવસે કરતી, હું પૂછતી પણ એ મૂંગી જ રહેતી, મને બિલકુલ ગમતું નહિ, એ રડતી તો મને કોઈક વાર રડવું આવી જતું, આથી હું અકળાઈને મમ્મીને પૂછતી કે,

“મમ્મી એને શું થાય છે?” તો મમ્મી કહેતી કે એના ઘરની યાદ આવતી હશે, ભાઈ-બેનની યાદ આવતી હશે.” મને એની દયા આવી જતી, એને સાથે રમવા લઇ જતી, પરંતુ હું એને કેમેય કરીને ખુશ કરી શકતી નહોતી.

એક દિવસ બેઠક ખંડના ફર્શ પર એ પોતું મારી રહી હતી. બાપા અને પપ્પા ફેક્ટરીની કોઈ ફાઈલનો અભ્યાસ કરી રહ્યા હતા.દીદીએ ઉપરથી જોયું અને એટલા જોરથી તાડૂકી કે “શું કરે છે ત્યાં તું? ઉપર આવ.”

બાપા અને પપ્પા પણ જોતા જ રહી ગયા. પપ્પા અને બાપાની સામે ક્યારેય મોટા અવાજે ન બોલનાર દીદીનું આ રૂપ અમે પહેલી વાર જોયું.પપ્પા તો બેઠા હતા ત્યાંથી ઉભા થઇ ગયા. હંમેશની જેમ ધીમા પગલે,લપાતી એ ઉપર આવી, હું પણ એની સાથે રૂમમાં ગઈ,દીદીએ ગુસ્સામાં એના ખભા પરથી દુપટ્ટો ખેંચી કાઢ્યો અને ગળાથી કમર સુધી એ રીતે વીંટાળી દીઘો જાણે એ બિચારી શ્વાસ પણ લઇ ન શકે. “હવે દુપટ્ટો આ જ રીતે બાંધજે સમજી?” દીદીએ આદેશના સૂરમાં કહ્યું. મને થયું કે દીદી કારણ વગર શા માટે આટલો ગુસ્સો કરે છે? પરંતુ ત્યારે એટલું સમજી શકી હતી કે એની અધખુલી છાતીને ઢાંકી રાખવાનો દીદીએ મૂંગો ઈશારો કર્યો હતો. હવે દીદી કોઈને કોઈ વાતે ઘરમાં બધા પર ગુસ્સે થઇ જતી.

કોઈક કોઈક વાર એનો બાપ મળવા આવી ચઢતો, બાપ-દીકરી વચ્ચે ખાસ કઈ વાત થતી નહોતી, બાપ પૂછે એટલી જ વાતનો એ સામે જોયા વિના જવાબ આપતી. બાપ કેહતો કે તારા ભાઈ-બેન તને બહુ યાદ કરે છે, મને હંમેશા એવું લાગતું કે એ એના બાપને કંઇક કહેતા-કહેતા અટકી જતી. એ બાપાને વારંવાર હાથ જોડીને ઉપકાર માનતો તો બાપા પણ એને નોટો આપી રવાના કરતા.

આજે એ ફરી આવ્યો પરંતુ આજે તો એને બાપા એ જ બોલાવ્યો હતો. બાપાએ તેને કહ્યું કે, “તારી દીકરી માટે એક સરસ સાસરું શોઘી કાઢ્યું છે”,આ સાંભળીને અમે સૌ દંગ રહી ગયા કેમકે બાપાએ આવી કોઈ વાત અગાઉ કરી નહોતી. “એના લગ્ન માટે બધો ખર્ચ અમે આપીશું. બાપાએ મૂછ પર તાવ દેતા કહ્યું. આ સાંભળીને બાપ તો ગદ્દગદ્દ થઇને બાપાના પગમાં પડી ગયો, કહેવા લાગ્યો, “સાયેબ તમે તો મારી પોરી નું જીવતર હુધારી કાયરુ, ભગવાન તમારું ભલું કરે સાયેબ.”કહેતા કહેતા રડી પડ્યો.

બાપાએ એને ઊભા કરતા કહ્યું, તારી દીકરી એ અમારી ખૂબ સેવા કરી છે તેનું આ ઇનામ છે. આ રૂપિયાથી એના લગ્ન કરી નાંખ કહી નોટોની થોકડી બાપ ને આપી. બાપે એને બોલાવી કહ્યું, “બેટા સાયેબના પગે પડી આશીર્વાદ લે, તારો તો ભવ હુધરી ગ્યો.” ધીમે પગલે આવી તેણે બાપા ના આશીર્વાદ લીધા. બાપાએ એના માથે તેમનો “કૃપાળુ” હાથ મૂક્યો.

એને ગયાને વર્ષ થયુ. દીદીના લગ્ન નક્કી થઇ ગયા, મહિના બાદ લગ્ન હોવાથી ઘરના દરેક સભ્ય કામમાં વ્યસ્ત હતા, ત્યાં જ એક દિવસ ફરી એનો બાપ આવ્યો, હાથમાં ત્રણ-ચાર માસનું નાનું બાળક હતું, એક ગંદા કપડામાં લપેટાઈ ને ઊંઘી ગયુ હતું. મોટીબા,મમ્મી બંને રસોડામાંથી બહાર આવી ગયા, હું અને દીદી પણ ત્યાં જ બેઠા હતા.

રડમશ અવાજે એ બોલ્યો, “આ મારી પોરીની પોરી છે બેન, એ તો......કહેતા કહેતા રડી પડ્યો. આનું નસીબ હો એની માં જેવું જ, બેવને માનું સુખ ની મયલુ.”

સૌ કોઈ ઘરમાં મંગળ પ્રસંગની તૈયારીમાં ઉત્સાહિત હતા ત્યાં આ અમંગળ ખબર સાંભળીને સમસમી ગયા. સૂતેલી નાનકડી બાળકીના રડવાના અવાજે હવેલીમાં પથરાઈ ગયેલા મૌનને તોડ્યું. રડતાં-રડતાં એણે હાથ-પગ હલાવવા માંડ્યા, ઓઢેલું કપડું નીકળી ગયું. શરીર પર માત્ર લંગોટ પહેરાવી હતી.આમ અચાનક એના મૃત્યુની ખબર સાંભળતા, કોઈ એક નજર એ બાળકીને જોઈ શક્યું નહિ. એના અવાજથી સૌ કોઈની નજર એકસાથે એ બાળકી પર પડી. એને જોઈને ફરી બધા ચૂપ થઇ ગયા, મમ્મી અને મોટીબા એકબીજા તરફ જોઈ રહ્યા. દીદી એની નજીક ગઈ પહેલા એના કોમળ હાથ ધીરેથી પકડ્યા, પછી પગ અને પછી તો જાણે ખૂબ વહાલથી એ એના ઘૂંઘરાળા વાળમાં હાથ પસવારવા લાગી. કંઇક વિચારતી હોય એવું લાગ્યું અને આંખો લૂંછતી અચાનક ઉપર જતી રહી. મને કંઈ સમજાયું નહી. મેં એને નજીક જઈને જોઈ, તો...તો... “એ જ કાયા, એ જ વાળ અને એ જ આંખો!” હવે મને કંઇક સમજાયુ પણ બધું નહિ.

થોડીવારમાં દીદી એનું જ્વેલરી બોક્ષ લઈને નીચે આવી. બોક્ષ એ બાપના હાથમાં આપતા બોલી, “ના, એનું નસીબ એની માં જેવું નથી!”

ત્યારબાદ હું ક્યારેય એ પડઘાનો અવાજ સાંભળવા બહાર ગઈ નહિ.

જીજ્ઞાસા સોલંકી.

Jigsolanki2013@gmail.com