kamini - 4 in Gujarati Love Stories by SWATI SHAH books and stories PDF | કામિની -૪

Featured Books
Categories
Share

કામિની -૪

કામિની – ૪

સ્વાતિ શાહ

સોહિણી માલવ ને બાજુ પર મળવાનો ઈશારો કરી ઉભી થઇ તેનો ખ્યાલ કામિની ને ના આવ્યો. માલવના પ્રેમનો નશો તેના મન અને વિચા પર હાવી હતો . સોહિણીના રુમમાં જતાં માલવ બોલ્યો , “ ભાભી , કામિનીને તમારે મોલ્ડ કરવી પડશે . એનાં મનમાં એકદમ હિન્દી પિક્ચરની છાપ છે . એને એમજ છે કે જે તે પિકચરમાં જુવે તેવી જ રોમેન્ટિક લાઈફ હોવી જોઈએ . અમારાં એક વર્ષના પ્રણય જીવનમાં મને તેની ગમારતાનો ખ્યાલ ના આવ્યો . જે કાલની એક રાતમાં આવી ગયો .” સોહિણીએ દિલાસો આપતા કહ્યું , “ તમે ચિન્તા ના કરો હું ધીમે ધીમે સમજાવીશ . હા, તમારે થોડી ધીરજ રાખવી પડશે અને હવે ભ્રમર વૃત્તિ બંધ હોં ! ચાલો બહાર , પાછું કામિની વહેમાશે .”

ફેરીઆણું કરવા આજે જ કામિનીને માસીના ઘરે જવાનું હતું . સોહીણીએ કામિનીને કહ્યું ,“ કામિની બેલા તને લેવાં આવે તે પહેલાં તારી બેગ તૈયાર કરી લે , કાલે વહેલી ફ્લાઈટ છે તો પછી સમય નહિ રહે . કંઇ લાવવાનું હોય તો મને કહેજે . ચાલ હું તને મદદ કરું !” કામિની અને સોહિણી રુમમાં ગયાં અને માલવ બહાર આંટો મારી આવું છું કહીને ગયો . કામિની રુમમાં જતાં બોલી ,“ ભાભી પહેલાં બધી વસ્તુ ભેગી મુકું ? કપડાં તો બધાં તૈયાર જુદી બેગમાં રાખ્યાં છે જે તમે નજર કરીલો . હું ટોઇલેટ બેગ તૈયાર કરી લઉં .” કામિની ને આમ બોલી લિપસ્ટિક કાંસકો વગેરે મુકતા સોહિણી જોતી હતી તેવામાં કામિનીએ સિંદુર ની ડબ્બી હાથમાં લીધી એ જોઈ સોહિણી તુરંત બોલી ,” કામિની હવે જરા મોર્ડન થા. આ સિંદુરના જમાના ગયાં . માલવભાઈ ને તો જરાપણ નહિ ગમે .”

કામિનીને તરત વિચાર આવ્યો કે સવારમાં વહેલાં માલવને તેણે પોતાની સેંથીમાં સિંદુર પુરવા કીધું તું તો માલવનું મોં કેમ બગડ્યું હતું . કામિનીએ સોહિણીને કહ્યું ,“ ભાભી મને આવો જરા પણ ખ્યાલ ના આવ્યો ! તમે સમજાવતાં રહેશો તો મને સારું લાગશે .” બેલા સમય સર લેવાં આવી અને કામિની સાંજે માલવ લઇ જશે તેમ કહી માસીના ઘરે ખુશી ખુશી ગઈ .

માલવ પહેલાં કોઈ દિવસ કામિની એ શું પહેર્યું છે તે પ્રત્યે સજાગ નહોતો , એતો ખાલી કામિનીનો ચહેરો અને ફિગર જોતો . પણ રાતે કામિનીએ પહેરેલ નાઈટી જોઈ અને સવારે સિંદુર પુરાવાની ઘટના પછી માલવ વિચાર કરતો થઇ ગયો ...

લગ્ન પહેલાં માલવ અને કામિનીને માલવના મિત્રો ને મળવાનું થતું નહિ . પ્રેમી પખીંડા પોતાનાં પ્રેમમાં મશગુલ રહેતાં હતાં. અદિતિ અને મોહિતના લગ્ન માલવના લગ્નના થોડાં દિવસ પહેલાં થયાં હતાં આથી ચારે સાથે કુલુ મનાલી હનીમુન પર જવાનું ગોઠવ્યું હતું .

કામિનીને સાંજે લેવાં જવાની હતી માટે સોહિણીએ માલવને સજેશન આપતાં કહ્યું ,“ કામિનીને બપોરે જ લેવાં પહોંચી જાવ અને ત્યાંથી સીધાં થોડું શોપિંગ કરાવી આવો .” માલવ ને થયું ચાલો ભાભીની વાત તો સાચી છે . કામિની ખુશ થશે અને વળી ફરવા જતાં મારી પસંદ ના કપડાં પહેરશે તો સારી લાગશે . અદિતિ અને મોહિત ખાસા મોર્ડન છે તો તેઓ સાથે કામિની ભળશે .

શોપિંગ ની વાત આવતાં કામિની ખુશ . બંને સાંજે ઘરે આવ્યાં ત્યારે માલવ અને કામિનીના ખુશ ચહેરા જોઈ સોહિણી ને હાશ થઇ . સવારે વહેલા નીકળવાનું હોવાથી પપ્પા અને મમ્મીની સાથે રાતેજ માલવ અને કામિની શાંતિ થી બેઠાં . મોટાભાઈ તો દુકાનેથી મોડાં આવતાં . તેથી તેમની રાહ જોવાનો પ્રશ્ન નહોતો . રુમમાં જતાં પહેલાં સોહિણી એ પાછી થોડી ટીપ્સ કામિનીને આપી . સવારે વેહેલી ફ્લાઈટમાં માલવ અને મોહિત કામિની અને અદિતિ સાથે દિલ્હી જવા નીકળી ગયાં .

માલવનું મન હરવક્ત અદિતિ અને કામિનીની તુલના કરતું થઇ ગયું . હિમાલયની ઠંડી માં રાતે ડ્રીંક લેતાં અદિતિ મોહિતને કંપની આપતી પણ કામિનીનું મોં ચઢી ગયું . કામિની પહેલાંજ દિવસે બોલી ઉઠી ,” હાય હાય, આવું કેવું ? દારુ તે કંઇ આપણાથી લેવાય !” માલવ કામિનીને ઘણો આગ્રહ કરતો પણ કામિની ટસ ની મસ ના થઇ . રોજ રાતે માલવ નિરાશ થઈ છેલ્લે બે પેગ પી અને ઉંઘી જતો .

સવારે ઊંઘતી કામિનીનો રૂપાળો ચહેરો જોતો ને પ્રેમ કરી લેતો . એક દિવસ બપોરે ચારે જણા જમતી વખતે છોકરી એ ફિગર કેમ સાચવવું તેની ચર્ચા પર ચઢ્યા તો માલવ બોલી ઉઠ્યો ,“ યાર મોહિત હું તો બહુ સ્ટ્રોંગલી માનું છું કે છોકરી એ તેનું ફિગર તો સાચવવુંજ જોઈએ .” બસ પત્યું , કામિનીએ આ વાક્ય ગોખી રાખ્યું અને અદિતિ યોગા ટ્રેઈનર હતી એટલે જેટલી વાર બંને ફ્રી પડે કે કામિની ફિગર સાચવવા અંગે ટીપ્સ લીધાં કરે . માલવ પણ બોલી ઉઠે , “કામિની મુકને વાત , આ અદિતિ પણ કંટાળી જશે .” પણ કામિની જેનું નામ એમ કંઇ છોડે !

મનાલી આવ્યાં ને પાંચ દિવસ થયાં ત્યાં એક સવારે માલવના મોટાભાઈ નો ફોન આવ્યો કે તેના પિતાની તબિયત બગડી છે તુરંત પાછા આવી જાય. માલવે કામિનીને સમાન પેક કરવાનું કીધું ને મોહિતને વાત કરવા જતો હતો ત્યાં પાછળથી કામિનીનો અવાજ સંભળાયો ,“લો થઇ ગયું હનીમુન પુરું !” કંઇ ના બોલવાનું નક્કી કરી માલવ રુમ બહાર નીકળી ગયો .

સવારમાં સમાચાર આવ્યાં એટલે વહેલી તકે માલવ અને કામિની દિલ્હી જવા નીકળી ગયાં અને રાતની ફ્લાઈટ લઈ અમદાવાદ . સીધાં હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કામિનીના પપ્પાએ હજી બોંતેર કલાક જોવું પડશે તેમ કીધું . પપ્પાના શબ્દ અને પરિસ્થિતિ બંને એ કામિનીને મુક બનાવી દીધી. તે રાતે માલવ હોસ્પિટલ રોકાયો અને સોહિણી મમ્મી અને કામિનીને લઇ ઘરે ગઈ . મોટાં ભાઈએ મોટી બહેનને અમેરિકા ફોન કરી જણાવી દીધું હતું , સાથે કહ્યું હતું કે હમણાં ધક્કો ના ખાય . સમાચાર આપતા રહીશું . સવારથી કામિનીએ ઘરનો ભાર ઉપાડી લીધો અને સાસુને કહ્યું ,“ મમ્મી તમે ચિન્તા ના કરો , સહુ સારા વાના થશે . તમે અને ભાભી હોસ્પિટલ અને પપ્પાજી ને સાંભળો હું ઘર સાંભળી લઈશ .”

માંદગી , હોસ્પિટલ ના વાતાવરણ માં ફરવાનું કેવું રહ્યું કે કંઇ વાત કરવાનો કોઈ પાસે સમય નહોતો. કામિની અને સોહિણી બંને સાસુના સૂચન પ્રમાણે કાર્ય કરતાં . માલવ ના પપ્પા ની તબિયત સારી થતાં અઠવાડિયું લાગી ગયું . માલવ હવે દુકાને નિયમિત જતો થઇ ગયો હતો . દિવસો પસાર થવા લાગ્યાં ને મોટાભાઈ માલવ ઉપર દુકાનની જવાબદારી નાખી થોડાં હળવા થયાં . માલવ એ મોટાભાઈ ને કહ્યું ,“ ભાઈ ,તમે બહુ વર્ષો મહેનત કરી , હવે હું તમને મદદ કરવાં આવી ગયો એટલે તમે હવે સાંજે ઘરે વહેલા જાવ . હું દુકાન વધાવી રાતે આવીશ .” સોહિણી ને આ સમાચાર સાંભળી ઘણી ખુશી થઇ .

ખબર કાઢવા લોકો ની અવરજવર માં કામિની અને સોહિણી નો દિવસ ક્યાં પુરો થતો તેની ખબર ના પડતી . સોહિણી હવે કામિનીની જેઠાણી કરતાં મોટી બહેનનો રોલ કુશળતાથી ભજવતી . માલવ આખો દિવસ દુકાનમાં વ્યસ્ત થવાથી કામિની પ્રત્યે તેનું ધ્યાન ઓછું રહે છે તેવો ભાવ કામિનીના મનમાં થવા લાગ્યો . એક વાર માલવને તેણે ટકોર કરતાં કીધું ,” તમને તો હવે મારી સામું જોવાનો સમય નથી મળતો ! ક્યાં એ આપણા પહેલાંના દિવસ અને ક્યાં અત્યારના ! ક્યારેક થોડોક સમય મારી સાથે ગાળો તો સારું, સાંજે પણ એકલાં ક્યાંક બહાર જતાં રહો છો . એક રવિવારની રજામાં તમને હવે તમારાં મિત્રો વધુ વહાલાં લાગે છે અને હું ઓછી ...” માલવ બોલી ઉઠ્યો , “કામિની, એ તારા મનનો વહેમ છે . રોજ તો હું તને પ્રેમ કરું છું . તારા મનમાં હવે તેવું લાગે તો હું શું કરું?”

હનીમુન પરથી પાછા આવીને સળંગ છ મહિના ખુબ વ્યસ્ત ગયાં . વચ્ચે મોટાભાઈ અને સોહિણી ભાભી ત્રણ દિવસ નું નાનું વેકેશન લઇ આવ્યાં . કામિનીને પણ થયું કે હવે ક્યાંક જવું જોઈએ . અદિતિ સાથે તે ઘણીવાર બપોરના સમયે વાત કરતી . કામિની ઘણી બધી રીતે અદિતિની જેમ બોલવા ચાલવા અને પહેરવા ઓઢવા કોશિશ કરતી . અદિતિને પણ કામિનીનો બદલાવ જોઈ થોડું પોરસ ચઢતું . એક દિવસ તેણે અદિતિને કહ્યું , “ મોહિતભાઈને કહેને આમને કહે કે ચાલ આપણે ચાર આબુ ફરવા જઈએ . એક નાનો બ્રેક લઈએ તો શું વાંધો ?”

અદિતિની વાતથી મોહિતને પણ બહારગામ જવાનું મન થયું ને તેણે માલવને પુછ્યું , “માલવ ચાલને ક્યાંક બહારગામ જઈ આવીએ . બહુ સમય થઇ ગયો ક્યાંક ગયા ને ! શનિ રવિ સોમ ત્રણ દિવસ રજા આવે છે તો આબુ જવું છે ?” અને બની ગયો આબુ જવાનો પ્રોગ્રામ ! તે રાત્રે પ્રેમ કરતાં માલવએ કામિની ને આબુ જવા અંગે વાત કરી . કામિની મનમાં હરખાઈ , “ ચાલો માન્યાં તો ખરા ! હાશ ક્યાંક તો જવા મળશે .”

આબુ જતાં રસ્તામાં કલોલ આવે એટલે સવારનો નાસ્તો કલોલ કરી આગળ વધ્યાં . કામિની નો પહેરવેશ , હાવભાવ , બોલવા ચાલવાની રીત જોઈ આનંદીબેન ને ઘણો સંતોષ થયો . આબુરોડ પહોંચતા ગાડીમાં પેટ્રોલ ભરાવી માલવએ ગાડી લીકર શોપ પાસે ઉભી રાખી એ જોતાંજ કામિનીનું મોં ફરી ગયું . માલવએ જોયું ના જોયું કર્યું , ને પોતાની મસ્તીમાં મોહિત અને અદિતિ સાથે વાતો કરવાં લાગ્યો . મનમાં બોલ્યો , “ હવે જેવાં પડશે તેવા દેવાશે . રાતના પ્રેમમાં કામિની બધું ભુલી જશે .”

સાંજે સનસેટ પોઈન્ટ પર થી હોટેલ પાછા જતાં કામિનીનું બોલવાનું ચાલુ થઇ ગયું ,” હે રામ , આજે બહુ થાક લાગ્યો . વહેલાં જમી અને ઉંઘી જઈએ . આજનો દિવસ પ્લીઝ પીવા માટે ના બેસતાં ને ! નહીંતો બીજો એક કલાક .” માલવ મોહિતને ઈશારો કર્યો , “ભલે બોલતી , એને હું પટાવી લઈશ .”

બે રાત રોકાઈ સોમવારે બપોરનું જમવાનું કલોલ કરી અમદાવાદ પહોંચવાનું હતું એટલે આબુ થી સવારે સમય સર નીકળી ગયાં . કલોલ કામિની રસોડામાં આનંદીબેનને મદદ કરાવતી હતી ત્યારે એમણે કામિનીને ધીમે રહી કહ્યું , “ બેટા લગ્નને વરસ થશે હવે જરા બાળક નો વિચાર કરજે .” કામિની એ ખાલી માથું હલાવી વાત પતાવી . જમી મમ્મી પપ્પાને આવજો કહેતાં કામિનીની આંખ પહેલી વાર ભીંજાતી આનંદીબેને જોઈ , તેમના મનમાં થયું હવે કામિનીને સાસરું અને પિયર જેવું લાગ્યું . અત્યાર સુધી તો હરવું ફરવું ને મોજમજા હતી ....

ઘરમાં આવી રાતના રુમમાં જતાં કામિની બોલી ઉઠી , “ આવી ગયાં પાછા ઠેર ના ઠેર ! “ હજી બોલવાનું પતે ત્યાં માલવ બોલી ઉઠ્યો , “ બસ તને બહાર લઇ જાઉં તોય દુઃખ અને ઘરે લાવું તોય દુઃખ . સમજાતું નથી તને જોઈએ છે શું ?” માલવ નો ગુસ્સા ભર્યો અવાજ પહેલી વાર કામિનીએ સાંભળ્યો , અને રોતી બાથરુમમાં ચાલી ગઈ .

મનની મુંઝવણ કહે તો કોને ? મમ્મી ને વાત કરું તો તે દુઃખી થાય ને સોહિણી ભાભીને ક્યાં આવી વાત કરું એમ વિચારતી કામિની આખી રાત જાગતી રહી . પડખાં ફેરવતાં આખી રાત પસાર કરી સવારે કામિની જ્યારે ઉઠી ત્યારે શરીર અને મન બંને જાણે શિથિલ થઇ ગયાં હતાં . પથારીમાંથી ઉભા થવું તેને માટે મુશ્કેલ થયું , મન કાઠું કરી ઉઠી ને બાથરુમમાં માથાબોળ નાહતી વખતે મનમાં નક્કી કર્યુંકે પોતે કાઠા રહેવાનું છે . તમાચો મારી ગાલ કેમ લાલ રાખવો તે કામિની સારી રીતે જાણતી હતી . સ્વસ્થતા લાવી કામિની રસોડા ભણી ચાલી .

માલવને ચા નાસ્તો આપતી વખતે પણ જાણે કંઇ બન્યું નહોય તેમ વર્તવા લાગી . સોહિણીને આ મહિને હજી કામિનીનો પીરીયડ નથી આવ્યો તે જાણ થઇ . સોહિણીને થયું કે લાવ કામિનીને પુછું પછી થયું થોડી રાહ જોઉં , મને કહેશે જ ને ! બે એકવાર કામિનીને આડકતરી રીતે પુછ્યું પણ તે સમજી નહિ . એક સવારે માલવ રુમ માંથી ફટાફટ બહાર આવ્યો અને બૂમ લગાવી , “ મમ્મી , ભાભી .. આ જુવો ને કામિનીને ક્યારની ઉલટી થાય છે , હું શું કરું ?”

ડોક્ટરને ઘરે બોલાવ્યાં તેમણે કામિનીને તપાસી પેથોલોજી લેબોરેટરીમાં અમુક ટેસ્ટ કરાવવાનું કહ્યું . ટેકનીશીયન ઘરે આવી બ્લડ અને યુરીન સેમ્પલ લઇ ગયો . ઘરનાં બધાં સભ્યોનો તે દિવસ એક અજંપામાં પસાર થયો . સોહિણી અને કામિની સાંજે રીપોર્ટ લઇ ડોક્ટરને બતાવા ગયાં . ડોકટરે ખુશ ખબર આપ્યાં કે કામિની માતા બનવાની છે . ઉતાવળે સોહિણી અને કામિની ઘરે આવી મમ્મી અને પપ્પાજીને સમાચાર આપ્યાં . હરખની મારી સોહીણીએ તરત દુકાને ફોન લગાવી પેંડા લઇ ઘરે આવવાની વાત કરી . માલવના જન્મ પછી આજે પહેલું બાળકના આગમનના સમાચાર હતાં . આનંદીબેનને ફોન કરી જણાવ્યું , બેલા તો સમાચાર મળતાં દોડી આવી કામિનીને મળવા .

કામિની આમ પણ ખાવા પીવામાં ચોક્કસ હતી , શરીરનું ધ્યાન રાખવા તે શક્ય એટલું બધું કરતી . ગર્ભાવસ્થા દરમ્યાન શું સાચવવું તે અંગે કામિની અદિતિને પુછી લેતી . મહિના કયાં પસાર થયાં તેની કામિનીને ખબર ના પડી પણ માલવ પ્રેમ માટે તરફડતો . કામિની માલવનાં વાળ સહેલાવતાં બોલી , “ માલવ હવે નવ મહિના તો ક્યાંય નીકળી જશે , આપણું સંતાન તંદુરસ્ત આવે એ જોવાનું ને . મારો તમારા તરફનો પ્રેમ કંઇ થોડો ઓછો થઇ જવાનો છે ? ઉપરથી પ્રેમ બેવડાય . તમારો અંશ મારી અંદર આકાર લઇ રહ્યોછે .” કામિનીના શબ્દ પુરા થાય તે પહેલાં તો માલવ નિંદ્રાધીન .

માલવથી દુર થઇ ડીલીવરી માટે કલોલ જવાનું હોવાથી આખી રાત કામિનીનું મન એક અજાણી આશંકાથી ઘેરાઈ ગયું ! પહેલી ડીલીવરી પિયર કરવાં જવાની હોવાથી છેલ્લે મહિને કામિનીને કલોલ જવું પડ્યું . માલવથી દુર જવાની તેનું જરા પણ મન નહોતું પણ શું થાય . જવું તો પડે જ ....

શું બેજીવ વાળી કામિની માલવ થી દુર થશે કે વધારે નજીક આવશે ???

આગળ વાંચો કામિની-૫ ..