Family Viza in Gujarati Short Stories by Anil Bhatt books and stories PDF | ફેમિલી વિઝા

Featured Books
Categories
Share

ફેમિલી વિઝા

ફેમિલી વીઝા

અશોકને ઘણી વખત થતું હતું કે આ જેલ નથી તો શું છે ?સાત વરસ તો સાત જનમ જેવા ગયા હતા.કશું વિચાર્યા વગર માનવી પરદેશ પેસા કમાવા જાય અને પછી અનિવાર્ય અનિષ્ટ સમો પેસો માનવી ને શું શું નથી કરવતો ?

પરદેશ પેસા કમાવવા જવાના જે સ્વપ્નો જોયા હોય તે પરદેશ પહોચ્યા બાદ કેવા ચકનાચૂર થઈ જાય છે. સ્વપ્નો અને વાસ્તવિકતા વચ્ચેનો અદ્રશ્ય ભેદ માનવીને બહુ મોડો સમજાય છે.ત્યારે જે સહજતાથી ટકી જાય છે,તે કઈકમેળવી શકે છે.તે પણ પોતાની જિંદગીના અમૂલ્ય વષો અને ઈચ્છાના ભોગે.જયારે ન ટકી શકેલા જિંદગીમાં ફાફા માર્યા કરે છે.

ગલ્ફના દેશો વિશે અશોક કઈ વધુ જાણતો નહોતો.બસ અચાનક એક મિત્ર દ્વારા તેમને પરદેશગમનનો મોકો મળી ગયો.આ મોકો હકીકતમાં કેવો ધોખો હતો એ તો અશોકને મસ્કત પહોચ્યા બાદ જ ખબર પડી.પરંતુ ત્યારે ખુબજ મોડું થઈ ગયું હતું.અશોકે પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું અને કરવું પડે તેમ હતું કારણ કે બાપદાદાની શાખ ઉપર રૂ,૧૫૦૦૦ ઉછીના લઈને તો તે અહી પહોચ્યો હતો.તેથી તે મસ્કત માં ટકી ગયો હતો.

જિંદગીમાં કઈક મેળાવવા માટે કઈક ગુમાવવું પડે છે તે અશોક ખુબ જ સારી રીતે જાણતો હતો.અનેક જાતની તકલીફો વચ્ચે તે દિવસો પસાર કરવા લાગ્યો હતો.પોતાના વતન પોરબંદરની યાદ,કુટુંબ અને મિત્રમંડળ ની યાદ તેમને ભાવુક બનાવી દેતા હતા.હાથમાંથી પોરબંદરની ચોપાટીની રેત હાથમાંથી સરકી ગઈ હતી. તેમ સમય હાથમાંથી સરકતો જતો હતો.

અશોક અસાધારણ વ્યક્તિત્વ ધરાવતો હતો. તેથીજ કુંટુંબમાં તેમની ચાહના વધુ હતી,અને વિશાળ મિત્રવૃંદ હતું.અશોકના પરદેશગમન બાદ તેઓની લાગણીમાં ઉછાળો આવ્યો હતો.માનવીને જે વસ્તુ પાસે હોય ત્યારે તેમની કિમત સાધારણ કે સામાન્ય લાગતી હોય છે.પરંતુ જયારે તે વસ્તુ ની ગેરહાજરી થાય છે,ત્યારે તેમની કિમત અમૂલ્ય થઈ જતી હોય છે.એવું જ કઈક અશોકની વતનમાં ગેરહાજરીથી કુટુંબીજનો અને મિત્રમંડળ અનુભવી રહ્યા હતા.અશોક પણ કઈક એવુજ કે એથી વિશેષ અનુભવી રહ્યો હતો.

અશોક ને કુટુંબ માટે અને કુટુંબીજનોને અશોક માટે અમાપ લાગણી તો હતી જ.પરંતુ પરદેશ ગયા બાદ લાગણીની તીવ્રતા ખુબજ વધી ગઈ જે લાગણી હોવા છતાં કદી વ્યક્ત થઈ નહોતી તેમની અભિવ્યક્તી ખુલ્લે આમ થવા લાગી. વતનથી આવતા પત્રો તેમને ઓક્સીજનના બાટલા સમા લગતા હતા.વારંવાર તે પત્રો વાંચતો,આ સમયે ફક્ત પ્રેમિકા કે પ્રિયપાત્રના જ પત્ર વારંવાર વાંચવા ગમે તે માન્યતા ખોટી સાબિત થતી હતી.દરેક પત્ર લખનાર પ્રિયપાત્ર જ લાગતુ.એકથી અનેક વખત વંચાતા તે પત્રો હતા.

આજે અશોકને મસ્કત માં દસ વરસ પુરા થયા હતા.તે વિચારતો હતો શું કરવું ને શું ન કરવું?તાજેતરમાંજ તે લગ્ન કરીને આવ્યો હતો.લગ્ન બાદ ત્રણ મહિનાનું દામ્પત્યજીવન તેમને માણવા મળ્યું હતું.પરણીત હોવા છતાં કુવારા કે યતિમ હોવાની અનુભૂતિ થવી તે મસ્કત સામાન્ય અનુભૂતિ હતી.

પત્નીને મસ્કત કેવી રીતે બોલાવવી ?કંપની વીઝા આપશે કે નહી ?આમ દિવસો તો કામમાં પસાર થઈ જતા અને રાત્રીઓ છતને તાકતા અનેક સવાલોથી ભરી પથ્થરીલા પહાડ સમી ભારે લાંબી લાંબી વિતતી હતી.આશાના આશાભર્યા પત્રો દ્વારા દિવસો વીતી રહ્યા હતા.જવાબ પણ આશાભર્યા અને દિલને તસ્સલી આપતા લખતો હતો. દામ્પત્યજીવનની મધુરમ માણો ન માણો,એક બીજાને સમજવાનો ,સમજાવવાનો અને સાંભળવાનો પ્રયત્ન કર્યો ન કર્યો.ત્યાં ત્રણ મહિના પુરા થઇ ગયા હતા.લગ્નની પ્રથમ વર્ષગાઠ એકબીજાને કાર્ડ લખીને જ ઉજવવી પડી હતી.અશોકે પ્રથમ વર્ષગાઠ બાદ વિચારયુ કે આશાને વિઝીટ વીઝા પર તેડાવી લેવી.આશાનો પાસપોર્ટ બનાવી વીઝા મેળવવા સુધીમાં તો લગ્ન ની બીજી વર્ષગાઠને ચાર મહિના રહ્યા હતા.

આજે અશોકના આનંદની કોઈ સીમા નહોતી.આજે અશોકની આશા ફળીભૂત થઈ હતી તેના પરિણામ રૂપે અશોકની પત્ની આશા આજે વિઝીટ વીઝા પર મસ્કત આવી રહી હતી.સિબ એરપોર્ટ પર અશોક આશાના બહાર નીકળવાની રાહ જોઈ રહ્યો હતો.મધુર મિલન ની ઘડી ગણાય રહી હતી.આશા ને બહાર નીકળતી જોઈ અશોક નું મન ખુશીથી નાચી ઉઠ્યું.લોકલાજ અને સંકોચના કારણે ફક્ત હસ્તધૂન કરી આશાના આગમન ને વધાવ્યું. એરપોર્ટથી ઘર સુધીનો સમય વતનની અલકમલકની વાતો માં વીતી ગયો.

ઘરે પહોંચ્યા બાદ પ્રથમ આલિગન લેતાજ આશાની આંખોમાંથી શ્રાવણ –ભાદરવો વહેવા લાગ્યા.અશોક પણ થોડો ઢીલો થઈ ગયો.પરંતુ પોતાની જાતને સંભાળી આશાને આશાભર્યા અને આશ્વાસન ભર્યા બે વેણ કહી તે સર્વિસ પર ચાલ્યો ગયો.ધીરે ધીરે આશા મસ્કતના વાતાવરણ અને રહેણીકરણી માં પોતાની જાત ને ગોઠવી રહી હતી.દામ્પત્યજીવનની મધુરમ માણતા અશોક ને સમય હાથમાંથી ક્યાં સરકી ગયો તે ખબર જ ના પડી.ત્રણ મહિનાના વીઝા ને પુરા થવાને હવે ફક્ત ૧૫ દિવસ જ બાકી રહ્યા હતા.અશોકે બીજા ત્રણ મહિનાની વીઝા કઢાવ્યા.

લગ્ન જીવનની બીજી વર્ષગાઠ શુક્રવારે રજાના દિવસે જ આવી તેથી અશોક આશા એ પહેલી વર્ષગાઠ કાર્ડ લખીને ઉજવવી પડી હતી તે ભુલાવી દેવા તન મન ધન ની પરવા કર્યા સિવાય આંનદની અનંત સીમા સુધી જઈને ઉજવી.એક દિવસ સવારે અચાનક આશાની તબિયત બગડી ઉલટીઓ પર ઉલટીઓ થવા લાગી અશોક તો ગભરાય ગયો હતો.વતનથી સાત સમંદર દુર પતિ પત્ની આઝાદી પૂર્વક રહેતા હોય છે ,ન મા-બાપ,ન સાસુ-સસરા,ન દેરાણી-જેઠાણી,ન કઈ ની રોકટોક પરતું જયારે બિમારી આવે ત્યારે બીન અનુભવી નીવડે છે અને વડીલોની કુટુંબીજનોની યાદ આવી જતી હોય છે.અશોક ગભરાતો ગભરાતો આશા ને લેડી ડોક્ટર પાસે લઇ ગયો.ચેકઅપ બાદ ડોક્ટરએ કહ્યું કે આશા માતા બનવાની છે.

અશોક આશા ની ખુશી ની કોઈ સીમા ના રહી.અશોક આશા ની જિંદગીમાં એક દીપક પ્રગટવાનો હતો.બંને એ મળી ને નક્કી કર્યુઁ કે પુત્ર જન્મે તો નામ “દીપક” અને પુત્રી જન્મે તો નામ “દિપા” રાખવું.છેલ્લા આઠ દિવસથી અશોક બેચેન હતો.આશાના વીઝા પુરા થવાને હવે ફક્ત દસ દિવસ જ બાકી હતા.અશોક આશા એ નક્કી કર્યું કે ડિલિવરી સમયે અશોક છુટ્ટી મંજુર થાય તેમ હોવાથી તે ત્યાં હાજર રહેશે.

આશા ફરી વતન પહોંચી ગઈ.અશોકના માતા-પિતા પોતે દાદા-દાદી બનવાના છે તે જાણીને ખુશીથી ઝૂમી ઉઠ્યા.માનવી ને મુદલ કરતા વ્યાજ વધુ વહાલું હોય તે સત્ય હકીકત રૂપે જોવા મળતું હતું.આશા ની ખુબજ સારસંભાળ લઇ રહ્યા હતા.

અશોક છ માસ માણેલા દામ્પત્યજીવનની મધુરપને વાગોળતો દિવસો પસાર કરતો હતો.પાંચ મહિના બાદ અશોક છુટ્ટી પર ગયો.આશાની ડિલિવરી નો સમય નજીક આવી રહ્યો હતો.એક દિવસ અશોક આશાના જીવનમાં દીપકનું આગમન થયું.દીપક ના આગમન ને સહુ કોઈએ આનંદથી વધાવી લીધું.અશોક ના માતા-પિતાની ખુશીની કઈ હદ નહોતી.૨૫ વર્ષ બાદ કુંટુંબમાં આવી ખુશીનો પ્રસંગ આવ્યો હતો.

દીપક ના જન્મબાદ અશોક આશાએ મળીને ઘણું વિચારીને નિર્ણય કર્યો કે હવે જુદા નથી રહેવું.અશોક ની છુટ્ટી પૂરી થઇ ગઈ હતી અને ૧૫ દિવસ વધુ થઇ ગયા હતા.અંતે અશોકે પોતાની કંપનીને ટેલીગ્રામ કર્યો કે “હું પાછો આવવા માંગતો નથી મારો જે હિસાબ થાય તે મોકલી આપશો”.આશા ખુબજ ખુશ હતી કે વિરહ ના દિવસો પુરા થયા.બીજા દિવસે અશોક ને કંપનીનો ટેલીગ્રામ મળ્યો “તમારી છુટ્ટી પૂરી થઇ ગઈ છે તો તુરંત આવી જશો તમારી પત્નીના પાસપોર્ટ માં બાળક નું નામ ઉમેરાવી ને ડીટેલ સાથે લેતા આવશો,કંપની એ તમને ફમિલી વીઝા આપવાનું નક્કી કર્યું છે.”

અનિલ ભટ્ટ .જામનગર