F for Friends
Friends શબ્દ બોલતાં જ જો તમારી આંખ અને હૃદયમાં તમારા જીગરી દોસ્તનું નામ અને તસ્વીર સામે આવી જતી હોય અને તમારું મોઢું હાસ્યથી મલકાઈ જતું હોય તો તમે નસીબદાર છો મિત્રો એમ સમજજો. આજના facebookia ને whatsapp નાં જમાનામાં કોઈને મિત્ર જ ના હોય એવું ભાગ્યે જ જોવા મળે. 1000 friends હોય ફેસબુક પર પણ હૃદયમાં સંઘરી રાખી શકાય એવાં 2-3 જીગરી મિત્રો હોય તો જીવન ધન્ય સમજવું, જે તમારા face પરથી તમારું હૃદય વાંચી શકે. બાકી, friends કહેતાં ફરતાં હોય પણ Friends નાં F થી ય કેટલાય કહેવાતા મિત્રો જોજનો દૂર હોય છે. જ્યારે જોજનો દૂર બેઠેલો કોઈ જીગરી મિત્ર તમને જોયા વગર તમને કંઈ તકલીફ છે એ અનુભવી શકે. કોઇના મિત્ર હોવું એ માત્ર લેબલ નથી પણ એ તો દિલ થી દિલ નું અદ્રશ્ય કનેકશન છે, જે જોઈ નાં શકાય પણ માત્ર અનુભવી શકાય. મિત્રની એ લાગણીની ભીનાશને એક સાચો મિત્ર જ અનુભવી શકે.
મિત્રતાનો સંબંધ એ અમુલ્ય ભેટ છે આપણને મિત્ર તરફથી, અને એની કિંમત એ જ જાણે છે જેને એનું મૂલ્ય હોય છે. બાકી તો સાચી મિત્રતાની કોઈ કિંમત હોતી જ નથી એટલે જ તો તે અમુલ્ય છે અને આ મિત્રતાનો સંબંધ સૌથી ઉપર છે બધાં લોહીનાં અને કહેવાતા સંબંધોની સરખામણીમાં. આપણાં લોહીનાં સંબંધોમાં જે જે સંબંધો હોય છે એ બધાં સંબંધોની એક મર્યાદા હોય છે, જેમ કે પપ્પા સાથે હોઈએ ત્યારે સ્કૂલ કે કોલેજમાં જેવી જોક્સ ને મસ્તી કરતાં હોઇએ એવી જોક્સ ને મસ્તી પપ્પા સાથે નાં કરાય, નહીં તો એક પડે અડબોત માં..! એમ જ મમ્મી પાસે લાડ કરીયે પણ gf કે bf ની વાતો કંઈ મમ્મી પાસે નાં કરી શકીયે, નહીં તો ત્યાં જ પુરું સમજો bf ને gf નું ચક્કર...! લાડલી બેન પાસે બધી મસ્તી ને વાતો કરીયે પણ ત્યાંય પાછું કોઈ પણ વાતનું blackmailing કરવાનું જોખમ તો ખરું જ...! રહયાં બા-દાદા, તો એમની સાથે લાડ કરીયે ને બાળપણ વાગોળીયે પણ બીજી વાતોનું ટેન્શન એમને નાં અપાય ભાઈ નહીં તો નાહક ની ચિંતા કરે રાખે આપડી...! બાકી વધ્યાં ભાઈ - ભાભી જેમાં ભાઈ તો એમની જ જોબ ને જવાબદારીમાં બીઝી હોય ને ભાભી બિચારા ઘર ને ભાઈ ને સાચવવામાં બીઝી હોય ત્યાં આપણી માથાકૂટ કરી ને ક્યાં એમને હેરાન કરવા એમ જ થતું હોય આપણને. પણ એક સંબંધ એવો બનાવ્યો છે ભગવાને કે જ્યાં કોઈ પણ પ્રકારની ચિંતા , blackmailing કે માર ખાધા વગર જ મનમાં હોય એ કહી શકાય ને મન ફાવે એમ વર્તી શકાય છે કેમ કે એ એક જ સરનામું એવું હોય છે તમારાં જીવનમાં જે તમને judge નહીં પરંતું hug કરશે. અને એ એક hug થી જ તમારું બધું ટેન્શન ગાયબ થઈ જાય છે...!
તારક મહેતા જેવો એક મિત્ર તો હોવો જ જોઈએ દરેકના જીવનમાં જે ભલે સુખમાં હાજર ના રહી શકે પણ મુશ્કેલીમાં તો હાજર જ હોય તમને સાથ આપવા. જેનાં ત્યાં અડધી રાત્રે પણ જઈને પોતાની મુશ્કેલીઓ કહી શકીયે, જેઠાલાલની જેમ..! અને એ બિચારો પોતાની અડધી ઉંઘ છોડીને પણ તમારી મુશ્કેલીઓ સાંભળવા બેસી જાય, તારક મહેતાની જેમ..! મિત્ર પોતાની વાત સમજશે અને એનો ઉકેલ લાવવાનો પણ બનતો પ્રયત્ન કરશે એવો મનમાં વિશ્વાસ હોય ત્યારે જ આવી તારક મેહતા અને જેઠાલાલ વચ્ચે છે એવી દોસ્તી સંભવી શકે. પ્રેમ અને વિશ્વાસ, આ બે જ તત્વો દોસ્તી રૂપી વૃક્ષનાં હવા-પાણી છે જેનાં વિના દોસ્તી ટકી ના શકે. અને આ બે તત્વો જેટલા ગાઢ હશે એટલી દોસ્તી વધું ગાઢ હશે.
બાકી, પૈસાનાં તત્વ પર જો તમારી દોસ્તી ટકેલી હશે તો એ દોસ્તી વધું સમય ટકશે નહીં એની 100% ગેરંટી છે.
જીવનના દરેક તબક્કે આપણાં મિત્રો જુદા - જુદા હોય છે. બાળપણમાં આપણાં ઘરની આજુબાજુની ગલી, મહોલ્લા કે સોસાયટીનાં લંગોટીયા મિત્રો. સ્કૂલમાં આવીએ એટલે સ્કૂલના બીજા નવા મિત્રો બને છે, જે સ્કૂલ પતે ત્યાં સુધી આપણાં જીવન સાથે સંકળાયેલા હોય છે. ત્યારબાદ કૉલેજકાળ દરમ્યાન બનેલા મિત્રો જેની સાથે આપણે કોલેજની મસ્તીભરી લાઈફ એન્જોય કરી હોય. ત્યારબાદ જે તે ધંધા કે નોકરી દરમ્યાન નવા મિત્રો બને છે. જીવનના આ દરેક તબક્કે મિત્રો તો હોય જ છે દરેકની લાઈફમાં પરંતું અમુક ગણ્યા ગાંઠયા 2-3 મિત્રો જ એવાં હોય છે કે જે બાળપણથી સ્કૂલ , સ્કુલથી કૉલેજકાળ દરમ્યાન તેમજ તે પછીની લાઈફમાં પણ આપણી તેમની સાથેની દોસ્તી ટકેલી હોય છે અને એ જ ખરાં મિત્રો હોય છે આપણાં. સાથ છૂટ્યો હોય તો પણ પોતાના જીગરી દોસ્તને ગમે ત્યાંથી શોધી કાઢે છે એ દોસ્ત. અમૂક મિત્રો તો સ્કૂલ તેમજ કૉલેજ પત્યા પછી એવા ખોવાઈ ગ્યાં હોય છે કે એમનો શોધે તોય પત્તો નથી મળતો હોતો , છતાં પણ જો દોસ્તી દિલથી હશે તો જીવનમાં ગમે ત્યારે કુદરત આપણને આપણાં દોસ્ત સાથે મેળાપ કરાવી જ આપે છે. કેટલાંક દોસ્તો abroad જતાં રહ્યાં હોય છે તો કેટલાક શહેર છોડી બીજા રાજ્યમાં job કે business કરતાં હોય છે. ઘણી વાર જીવનની જવાબદારીઓનાં લીધે આપણાં જીગરી દોસ્ત સાથેનો contact ઓછો થતો જાય છે પણ એક સાચા મિત્રનાં હ્રદયમાં બીજા મિત્ર તરફની લાગણીઓ ક્યારેય ઓછી થતી નથી.
જેની સાથે સુખ હોય કે દુઃખ, વહેંચતા ખચકાટ ના થાય, જે તમને ચાર ગાળો આપીને પણ તમે ખોટા છો એ તમારાં મોં પાર કહી દે. જેની સાથે રાત્રે ઝઘડો થયો હોય છતાં પણ દિવસ ઉગતા જે ફ્રેન્ડને miss કરીએ, જેની પાસે જઈને sorry શબ્દ વાપરવો ન પડતો હોય, જેને એનાં ખોટા નામે જ બોલાવવાની મઝા પડતી હોય, જે તમારાં શ્વાસમાં વસતો હોય, જે હાજર ના હોય તો તમારું સુખ તેની વગર ફિક્કું લાગતું હોય, જેની પાસે g.f સાથેના break up પછી રડી શકતા હોય, જે સાલો તમને તમારી ex- g.fનાં નામથી જ ખીજાવતો હોય, જે તમારી પીઠ પાછળ કોઈ તમારું ખરાબ બોલે તો સહન ના કરી શક્તો હોય અને તમને સાથ આપવા આખી દુનિયા સામે લડી લેવા તૈયાર હોય એ અને માત્ર એ જ તમારો સાચો મિત્ર છે.
સારું છે કે ભગવાને દોસ્તી નામનો અનેરો અને ખટમીઠો સંબંધ બનાવ્યો છે નહિતર આ દુનિયા સાવ Boring જ લાગત. દોસ્તી એટલે નિખાલસ મસ્તી - મજાક અને હાસ્યનું સરનામું. જયાં પોતાનાં દુઃખો માત્ર દોસ્તનાં ખભા પર માથું મૂકવાથી દૂર થઈ જાય. જયાં હાસ્યનું કારણ શોધવું નાં પડે પણ ખુદ હાસ્ય દોસ્તોનાં ઘરે આવીને વાટ જોતું ઊભું હોય. જયાં તમારાં દુઃખ વહેંચવા કોઈ આતુર હોયે એ જ સરનામું દોસ્તીનું સાચું સરનામું છે. મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુ:ખનો ભાગાકાર છે.
આ ગઝલ સમર્પિત છે મિત્રો ની દિલદારી અને વફાદારી ને ...
ફળે છે ઇબાદત , ને ખુદા મળે છે
મિત્રોને નિહાળીને , ઉર્જા મળે છે
નથી જાતો મંદિર , મસ્જિદ ,ચર્ચમાં
મિત્રોના ઘરોમાં જ દેવતા મળે છે
ખસું છુ હું જયારે સતત ખુદમાંથી
મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે
સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની હથેળીમાં , શાતા મળે છે
ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી
મને ઊંઘમાં મિત્રના સપના મળે છે
ડૂબું છુ આ સંસાર સાગરમાં જયારે
મિત્રતાના મજબૂત તરાપા મળે છે
દવાઓ ને સારવાર નીવડે નકામી
મિત્રોની અસરદાર દુઆ મળે છે
જીવન કે મરણની ગમે તે ઘડી હો
સદ્નનસીબે મિત્રોના ખભા મળે છે.